કલમને ડાળખી ફૂટી – પારુલ ખખ્ખર 7


પ્રસ્તુત છે પારુલબેન ખખ્ખરના સુંદર ગઝલસંગ્રહ ‘કલમને ડાળખી ફૂટી’ માંથી ચાર સુંદર ગઝલરચનાઓ. અક્ષરનાદને આ કૃતિઓ પ્રસ્તુત કરવાની પરવાનગી આપવા બદલ તેમનો ખૂબ આભાર અને તેમની કલમને શુભકામનાઓ.

કલમને ડાળખી ફૂટી ગઝલસંગ્રહ

૧. ઓરસિયા પર

નોખી નક્કર ભાત ઘસુું છું ઓરસિયા પર,
હું મારી ઓકાત ઘસું છુું ઓરસિયા પર.

સામા કાંંઠાનું ઈજન ને પગમાંં લંગર,
દરિયા સાતેસાત ઘસું છુું ઓરસિયા પર.

ઊઘડે છે અજવાસ ઊડે છે ખુશબો ભીની,
જ્યારેે તારી વાત ઘસું છું ઓરસિયા પર.

દટ્ટણ પટ્ટણ આળસ મરડી બેઠું થાશે,
એવા ઝંંઝાવાત ઘસુું છુંં ઓરસિયા પર.

ભાલ ઉપર લ્યો, કિરણો આજેે ફૂટી નીકળ્યાં,
વર્ષોથી હું રાત ઘસું છું ઓરસિયા પર.

૨. તો પકડો કલમ

છોડી દીધેલો દાખલો વર્ષો પછી સમજાય તો પકડો કલમ,
કોરી હથેળી પર ભૂંસેલું નામ જો વંચાય તો પકડો કલમ.

આવે છતાં આવે નહીંં, આવ્યા પછી ભટકે અને છટકે ખરો-
આ શબ્દનાંં નખરાંં કવિજી આપને પોષાય તો પકડો કલમ.

પકડો કલમ ને ત્યાં અચાનક હાથ છોડી દે કવિતા શક્ય છે,
એવી ક્ષણે ચીરી ત્વચા જો આંગળાં કોળાય તો પકડો કલમ.

ફાટી ગયેલા પોતને સાંધી શકો ને થીગડું મારી શકો,
પણ કાળની મૂંગી થપાટે જાત જર્જર થાય તો પકડો કલમ.

વાસો ધડાકાભેર ને ભીડો ચસોચસ આગળો એ બારણે,
હળવેકથી કૂંપળ ટકોરા મારતી દેખાય તો પકડો કલમ.

૩. સૂવા નથી દેતાં

મને કાગળ કલમ ને અક્ષરો સૂવા નથી દેતાં,
કવિતાના અમોલા અક્ષરો સૂવા નથી દેતાં.

અચાનક જઈ ચડી છું કોઈ આગંતુક જેવી હું,
કબર મારી જ છે પણ પથ્થરો સૂવા નથી દેતાં.

હજારો વાર ધોઈ છે છતાંંયે જાત મહેકે છે,
ગુલાબી સ્પર્શનાં એ અત્તરો સૂવા નથી દેતા.

પલાંઠી ચુસ્ત વાળીને કરે છે ધ્યાન મારામાં,
સ્મરણનાંં જોગણી-જોગંદરો સૂવા નથી દેતાં.

વિસામો શ્વાસને આપી હવે પોઢી જવું છે બસ,
પરંતુ કામઢા કારીગરો સૂવા નથી દેતાં.

૪. ભીતરથી

અવાજ થાય નહી સાવ આમ ભીતરથી,
થઇ રહી છે કશી ધૂમધામ ભીતરથી.

શું કામ રોજ પડે આખડે નવા રસ્તે!
મળી જશે એ જ ગલી, એ જ ગામ ભીતરથી.

સજાગ હોય છતાં આખરે તો માણસ છે,
કદીક સળવળે છે ક્રોધ કામ ભીતરથી.

ત્વચા ઉપર જે હતો ડાઘ સહેજ ઢાંક્યો છે,
પરંતુ તોય કળે રોજ ડામ ભીતરથી.

કહી શકાય નહીંં બહાર કોઈને ‘પારૂલ’,
શ્વસી રહ્યું છે હૃદય એક નામ ભીતરથી.

– પારુલ ખખ્ખર

બીલીપત્ર

ઉન્માદથી અવસાદથી વાકેફ છું,
હું પ્રેમના સૌ સ્વાદથી વાકેફ છું,
ગમવા છતાં તું વાહ ના બોલી શકે,
એવી અધૂરી દાદથી વાકેફ છું.
– પારુલ ખખ્ખર

ગઝલસંગ્રહ ‘કલમને ડાળખી ફૂટી’ પ્રાપ્તિસ્થાન – પારૂલબેન ખખ્ખર, “તીર્થ” ૧૫૩, ગુરુકૃપા નગર, ચિત્તલ રોડ, અમરેલી. parul,khakhar@gmail.com


આપનો પ્રતિભાવ આપો....

7 thoughts on “કલમને ડાળખી ફૂટી – પારુલ ખખ્ખર

  • Neekita

    મને કાગળ-કલમ ને અક્ષરો સૂવા નથી દેતાં,
    કવિતાનાં બળૂકાં લશ્કરો સૂવા નથી દેતાં.

    અચાનક જઈ ચડી છું કોઈ આગંતુક જેવી હું,
    કબર મારી જ છે પણ પથ્થરો સૂવા નથી દેતાં.

    હજારો વાર ધોઈ છે છતાંયે જાત મહેકે છે,
    ગુલાબી સ્પર્શનાં એ અત્તરો સૂવા નથી દેતાં.

    પલાંઠી ચુસ્ત વાળીને કરે છે ધ્યાન મારામાં,
    સ્મરણનાં જોગણી-જોગંદરો સૂવા નથી દેતાં.

    વિસામો શ્વાસને આપી હવે પોઢી જવું છે બસ,
    પરંતુ કામઢા કારીગરો સૂવા નથી દેતાં.

    -પારુલ ખખ્ખર