ટ્રેનની લાંબી વ્હીસલ, આવ-જો કહેતા ફટાફટ ડબ્બામાંથી ચઢ-ઉતર કરતા મુસાફરો અને પછી ધીમે ધીમે પ્લેટફોર્મ છોડતી જતી ટ્રેન.. કોણ જાણે કેમ પણ મને મારા શહેરના રેલ્વે સ્ટેશનનું ખુબ આકર્ષણ છે! આ નજારો મને ક્યારેય કંટાળાભર્યો નથી લાગ્યો.. એટલે જ દર દોઢ-બે મહિનાના અંતરે ટ્રેનના પ્રવાસની જાણે મને તલપ લાગે છે!
તો ફરી એકવાર નવા પ્રવાસની નવી વાતો લઈને હાજર છું તમારી સમક્ષ..
નાનપણમાં ટીવી પર અને સમાચારોમાં આછું પાતળું જોયું – વાંચ્યું હતું જેના વિશે, વર્ષ ૨૦૦૧ ના ધરતીકંપ વિષે અને ત્યાંના રણ વિષે અને મોટા થતાં જ ઇન્ટરનેટની સહુલિયતથી જ્યાં જવાનું કુતુહુલ વધ્યું એ કચ્છ..! વિશાળ પ્રદેશમાં પથરાયેલા કથ્થઈ રેતીના ઢૂવાઓમાં ખુંદવાની મારી હંમેશની ઈચ્છા રહી છે, પરંતુ આ વખતે ‘સફેદ રણ’ જોવાના યોગ બનતા હતાં, જેનું અચરજ પણ ઓછુ નહોતું.
ગુજરાતમાં આવેલ કચ્છ એટલે ભારતનો સહુથી વિશાળ જીલ્લો. ગુજરાતના ઈતિહાસ, પુરાતત્વ, શિલ્પ –સ્થાપત્ય અને સંસ્કૃતિના સંવર્ધનમાં કચ્છનું સ્થાન મોખરે આવે છે. પુરાણ કાળમાં રાજાઓ અને સૈન્ય તો ત્યારબાદ કુદરતી વિનાશના કારણે આ પ્રદેશ અનેક ઉથલપાથલને ભોગવતું આવ્યું છે અને છતાં હંમેશ બેઠું થયું છે. ગુજરાત સરકારે સુપર સ્ટાર અમિતાભ બચ્ચન દ્વારા કચ્છ વિષે કરાવેલા પ્રચાર-પ્રસાર બાદ ખરેખર અહીંનું પ્રવાસન વિકસ્યું છે. કચ્છ જીલ્લાથી લઈ પાકિસ્તાનની સિંધુ નદીના મુખ સુધી ૩૦,૦૦૦ કિમીમાં વિસ્તરેલો પ્રદેશ એટલે કચ્છનું રણ. વરસાદી મોસમ જુનથી સપ્ટેમ્બરમાં સમુદ્રના ક્ષાર, કાદવ અને પાણીથી આ પ્રદેશ ભરાઈ છે અને ત્યારબાદના સમયમાં બાષ્પીભવન થઈને આખો પ્રદેશ સૂકાઈ જાય છે. મીઠાના ક્ષારથી નાના મોટા પોપડા બને છે જેના લીધે આખી જમીન સફેદ કડક બની જાય છે, જેને સફેદ રણ, કે મીઠાના રણ તરીકે ઓળખવામાં આવે છે. કચ્છનો આ વિસ્તાર ભારતનો સહુથી ગરમ પ્રદેશ ગણાય છે.
તો ફૂલની પાંદડીની જેમ ઉઘડી રહેલા નવા વર્ષની શરૂઆત કરતાં અને જાન્યુઆરીની ઠંડીને ચીરતા હું, મિત્ર સોનું અને એના ભાઈ સહીત કચ્છ એક્સપ્રેસ ટ્રેન મારફતે ભૂજ પહોંચ્યા. કચ્છ જીલ્લાનું મુખ્ય શહેર એટલે ભુજ. ભુજથી સફેદ રણ આશરે ૧૦૦ કિમીના અંતરે આવેલું છે.
દરેક શહેર કે સ્થળ પોતાના વિષે કંઈક કહેતું હોય છે. જેમ કે મારા શહેર સુરત વિષે કહું તો એ કોઈને પણ અજાણ્યાનો અહેસાસ ના થવા દે. દિવસો બાદ તમે બહારગામથી આવો કે પછી અહીં તમારું ઘર ના હોય છતાં અહીં પગ મૂકોને એ તમને ભેટી લે, તમને જરાય અળગું ના લાગે. અન્ય શહેરમાં ખાસ કરીને અમદાવાદમાં મને આનાથી વિરુદ્ધ અહેસાસ થયો છે. પરંતુ ભુજની ભૂમિમાં અમે પગલાં પાડ્યા અને કોઈ સાજ-શણગાર વિનાની નવોઢાના મૌન જેવી અનુભૂતિ થઈ! આ શહેર શાંત છે, એકાંત અહીંની હવામાં અનુભવાય છે. ઓછી માનવ વસ્તી કે ઓછી હરિયાળીના લીધે એવું લાગતું હશે કે કેમ ખબર નહીં!
ફ્રેશ થઈને ભુજ શહેરના જાણીતા સ્થળોની મૂલાકાત લેવા નીકળ્યા. જાન્યુઆરીની ઠંડીના દિવસો, માટે પૂર્વ આયોજન કરીને જ ફરવું પડે.. રીક્ષા કરીને પહેલા પહોંચ્યા વંદે માતરમ મેમોરીયલ. કોઈપણ શહેરમાં નવા હોય તો રીક્ષા કે ટેક્સીવાળાઓ વધુ જ દર લેવાના, માટે બે ત્રણ રીક્ષાઓમાં ભાવતાલ કરીને જ અમે પણ બેઠા.
ભૂજોડી ગામમાં એક જ સંકુલમાં વિશાળ વિસ્તારમાં બનાવેલ વંદે માતરમ મેમોરીયલ અને હીરાલક્ષ્મી ક્રાફ્ટ પાર્કમાં વ્યક્તિદીઠ રૂ.૫૦ ના દરે એન્ટ્રી મળે છે. સમય ઓછો હોવાથી અમે માત્ર હીરાલક્ષ્મી ક્રાફ્ટ પાર્ક જોવા માટે પ્રવેશ લીધો. કચ્છી ભરતકામ, હાથવણાટથી બનાવેલા પાકીટ, લેધર અને ભાતીગળ કામ કરેલા કાપડની ચપ્પલ-મોજડી, તોરણ, લાકડા પરનું કોતરણી કામ, પટોળા, બાંધણીની સાડી, ઓઢણીઓ, શાલ, લાકડા અને પતરાના સુંદર સુયોગથી બનાવેલા રણઝણતા ઝુમ્મર, ઘરસુશોભનની વસ્તુઓ વગેરે સુંદર કલાકારીના ઉત્કૃષ્ઠ નમુનાઓ અહીં વિશાળ બાગમાં માટીથી લીપેલી કૂટીરોમાં વેચાણ માટે મૂકવામાં આવેલ છે. આ કૂટીરની બહારની તરફ અવનવા ભાત ચિત્રો બનાવેલા છે જેને મોતી, આભલા ચોંટાડીને સુંદર રીતે સજાવેલા છે. ગુજરાતની અને કચ્છની સંસ્કૃતિના હાથ કલાકારીના ઉત્કૃષ્ઠ નમૂનાઓ જોવા હીરાલક્ષ્મી ક્રાફ્ટ પાર્કની મુલાકાત અવશ્ય લેવી જોઈએ.
‘કચ્છ નહીં દેખા તો કુછ નહી દેખા..’ થી પ્રભાવિત થયેલા દેશી અને વિદેશી પ્રવાસીઓમાં કચ્છનું આકર્ષણ વધ્યું હોવા છતાં અહીં પ્રવાસન સ્થળોની આજુબાજુ જોઈએ એવો વિકાસ નથી થયો. બપોર થઈ ગઈ હોવાથી અને આજુબાજુ કોઈ રેસ્ટોરેન્ટ પણ ના હોવાથી માત્ર દાબેલી ખાઈને અમે આઈના મહલ જોવા માટે ઓટો કરવાનું વિચાર્યું. પરંતુ ‘અધધ’ કહેવાય એવા ઓટો રીક્ષાના દરો સાંભળીને અમે થોડું ચાલી લેવાનું નક્કી કર્યું. સદનસીબે પ્રવાસીઓ લઈને જતી પ્રાઈવેટ બસે અમને જોયા અને અમને ડ્રાઈવર કેબીનમાં જગ્યા આપી વિનામૂલ્યે સ્ટેશન સુધી પહોંચાડ્યા. કોઈપણ જગ્યાઓની વિશેષતાઓ કરતા મને ત્યાંના લોકોના હ્રદયની વિશિષ્ટતા અંજાવી જાય છે. કોઈપણ પ્રવાસમાં જો સહુથી વધુ સ્પર્શે અને આજીવન યાદ રહે એવું કંઈ હોય તો એ ત્યાંના રહેવાસીઓનો થયેલ સુંદર અનુભવ.
તો સ્ટેશનથી ઓટો કરીને આઈના મહલ પહોંચ્યા. પ્રાગ મહલ, આઈના મહલ, કચ્છ મ્યુઝીયમ, સ્વામિનારાયણ મંદિર, છતરડી બાગ (હમ દિલ દે ચૂકે સનમ ફિલ્મનું શૂટિંગ અહીં થયેલું) આ સ્થળો એકબીજાની નજીક આવેલા છે. ૧૮ મી સદીમાં બનાવેલા આઇના મહેલ એટલે કે અરીસાના મહેલમાં નાગપંચમીની નીકળતી સવારીની કચ્છી શૈલીના ચિત્રપટો, ગરમ પાણી માટેનું વરાળયંત્ર, પુરાણ કાળના કચ્છી ચલણના સિક્કાઓ, દસ્તાવેજો વગેરે મૂકેલા છે. આઈના મહલ અને પ્રાગ મહેલની સુંદરતા જોવા માટે પ્રવેશ અને ફોટોગ્રાફી માટે અહીં અલગથી ફી છે.
સ્વામિનારાયણ મંદિરથી ૧૦૦ મીટરના અંતરે રામકુંડ નામની નાની વાવ આવેલી છે, નાની અને પાણી વિનાની એ વાવ જોઈ. વાવની બાજુમાં જ રામરોટી નામનું દાદા ક્ષેત્રપાળનું ભોજનાલય આવેલું છે. અમે ભૂખ્યા જ હતા ને ભોજનાલય અમારી સામે જ હતું! બીજે જમવાનું શોધવાની પળોજણમાં પડવાના બદલે અહીં જ સાદું ભોજન જમી લેવાનું નક્કી કર્યું. શાક-રોટલી, કઢી-ભાત મરચા અને મીઠાઈમાં મોહનથાળ અને ગાંઠિયાની ભરેલી ડીશ માત્ર વીસ રૂ.ના ક્ષુલ્લક દરે મળતી હોવાથી મજૂરો અને અન્ય જરૂરિયાતમંદ લોકો અહીં જમવા આવે છે.
પરંતુ કોઈ રેસ્ટોરન્ટની જેવી ભોજનાલયની શિસ્ત, સ્વચ્છતા અને વ્યવસ્થાનું સચોટ સંચાલન આંખે ઉડીને વળગી ગયું.
બીજા અને ત્રીજા દિવસ માટે કચ્છનું સફેદ રણ અને આસપાસના સ્થળો જોવા માટે અમે ઓનલાઈન ટેક્સી બૂક કરી હતી. છેલ્લા મહિનાઓમાં લીલીછમ હરિયાળીથી લહેરાતા પ્રદેશ જોયા, તો ડાંગના ઊંડા ગાઢ જંગલોમાં પગલાં પાડ્યા, ઊંચા હિમાલયના પહાડોથી વિસ્મય થઈ જવાયું તો ગોવાના દરિયાની સ્મૃતિઓ હ્રદયમાં વસી ગઈ, પરંતુ ભુજથી સફેદ રણ તરફના રસ્તામાં આંખો સામે જે ઉઘડતું જતું હતું એ બધા કરતા અલગ હતું. લીલાછમ પ્રદેશની પોતાની ખાસિયત હોય છે તો વેરાન, ઉજ્જડ ભૂમિની પણ પોતાની ખાસિયત હોય છે. દરેક સ્થળ કંઈક કહેતું હોય છે, જો એને સાંભળવામાં ને સમજવામાં આવે તો! લતાજીના સૂરમાં રેલાતા ગીત, વેરાન સૂના રસ્તા પર ચાલતી ઈટોસ ગાડીના કાચમાંથી ઉઘડતો જતો કચ્છનો વેરાન પ્રદેશ, એકલ દોકલ વાહનો ને વચ્ચે ક્યાંક ક્યાંક દેખાઈ જતું કોઈક ઝાડ.. ભૂજથી કચ્છ તરફનો બે કલાકનો રસ્તો હરિયાળો નહોતો છતાં જાણે જીવનથી ભરપુર હતો!
ધોરડોમાં આવેલ અમારા ‘રણભૂમિ રિસોર્ટ’માં પહોંચતા જ વતનમાં આવ્યા હોય તેવું લાગ્યું! ગારમાટીથી લીંપેલા ઘર, ઘરની દીવાલોમાં ફૂલ, પોપટ, મોર વગેરે કલાત્મક રંગીન ચિત્રો દોરી તેના પર આભલા, મોતી મઢાવી કરેલ અદભૂત કોતરકામ.. ખરેખર ઉંચી હોટેલોની ભવ્યતા કરતા ગામડાની ઝૂપડીઓ, વેરણ છેરણ રસ્તાની ધૂળમાટી, ત્યાંના લોકોની સાદગી, તેમના વર્તન અને કપડાંઓમાં ઝળકતી આપણી સંસ્કૃતિની છાયા, વાણીમાં છલોછલ થતો લાગણીનો ધોધ મને વધુ સ્પર્શે છે. ‘વિલેજ હોમ’ નિહાળતા હતાં ત્યાં જ એક નાનકડી છોકરી એના નાના ભાઈ સાથે રમતી જોવા મળી. કોઈપણ રમવાના સાધનો વિના, ટીવી-મોબાઈલ વિનાના ઘરમાં, ધૂળમાં રમીને ધૂળિયા થયેલ પોતાના ઘાઘરાની પરવા કર્યા વિના ખીલખીલાટ થતું એ બાળપણ! એ છોકરીએ પોતાના ઘરના આંગણામાં બચપણ જાણે જીવંત કરી દીધું હતું. અમે તેને એનું નામ પૂછ્યું, શરમાતા, હસતાં એણે પોતાનું નામ કહ્યું ને પછી ભણવાનું પૂછતા જાણવા મળ્યું કે તે ભણવા નહોતી જતી. દુઃખ થયું કે જેટલો પ્રચાર ‘વ્હાઈટ રણ’નો થાય છે એવો પ્રચાર આ ઉજ્જડ ભૂમિમાં શિક્ષણના વિકાસનો થાય તો!
ખેર, રિસોર્ટની સુંદરતાને હ્રદય અને કેમેરામાં મઢી, ડાળભાત, શાક રોટલી, પાપડ, ગોળ, છાસનું સ્વાદિષ્ટ કચ્છી જમણ જમી કાળો ડુંગર જોવા નીકળ્યા. કાળો ડુંગર એ કચ્છ જીલ્લાનું સહુથી ઊંચું સ્થળ છે, અહીં ગ્રેવિટી –ગુરુત્વાકર્ષણ બળ ઉંધી દિશામાં જાય છે એવી માન્યતા છે. કચ્છી પરંપરાગત પોષાક ને પાઘડી પહેરીને અમે ફોટોગ્રાફીની મજા લીધી! ને પછી પહોંચ્યા સીધા સફેદ રણ.
ટેક્સી પાર્કિંગથી દોઢેક કિમી અંદર આવેલું છે, ‘વ્હાઈટ રણ’. ચાલવાના વિકલ્પ રૂપે ઊંટ ગાડી અને ઘોડા ગાડીઓની સુવિધા ઉપલબ્ધ છે, પણ અમે એટલું અંતર ચાલીને જવાનું નક્કી કર્યું.
જ્યાં સુધી આંખ પહોંચે ત્યાં છેક સુધી ફેલાયેલો અફાટ સફેદ મીઠાનો પ્રદેશ.. જાણે કુદરતસર્જિત વિશાળ લેન્ડસ્કેપ જ જોઈ લો! સૂર્યાસ્તનો સમય થયો અને અફાટ રણભૂમિએ પોતાની સુંદરતા વિખેરવાની શરુ કરી દીધી.. શહેરના ઊંચા બિલ્ડીગો અને વાહનોની વચ્ચે લપાઈ જતું સૂર્યાસ્તના આકાશનું સૌંદર્ય અહીં આબેહુબ ઉઘડી રહ્યું હતું. ગુલાબી ઠંડી ફૂંકતી હવા, રણની સફેદી ઉપર ઓગળતી જતી સૂર્યની લાલીમા, આકાશના બદલાતા જતા લાલ-કેસરી રંગો, ને પછી સફેદ રણને કાળાશમાં બદલતા જ સૂર્ય પોતાની આભા સંકેલતા અસ્ત થયો.
જીવનમાં સૂર્યોદય અને સૂર્યાસ્ત જોવા જેવી શાંતિદાયક અને સુંદર ઘટના કોઈ જ નથી! એમાં પણ દરિયા વચ્ચે ઉગતો અને આથમતો સૂર્ય, અફાટ વેરાન રણમાં અસ્ત થતો સૂર્ય, કે પહાડોની વચ્ચે ઉગતા ને આથમતા સૂર્યની સુંદરતા પોતાનામાં જ એક અજાયબી છે. ઈશ્વરે પ્રકૃતિનું આવું અવર્ણનીય સૌંદર્ય કેટલી સહજતાથી તદ્દન આપણી આંખો સામે મઢી આપ્યું છે, પણ કેટલા લોકો આ સૌંદર્યને આંખોના કેમેરામાં કેદ કરી હ્રદયમાં સાચવતા હશે?
સફેદ રણથી બહાર આવતા જ થોડે દૂર કળા ઉત્સવ અને કચ્છી હેન્ડીક્રાફ્ટના, ખાણીપીણીના સ્ટોલ લાગેલા છે. અમે હેન્ડીક્રાફ્ટ મેળાની મુલાકાત લીધી, ખરીદી કરી અને પરત રિસોર્ટ પહોંચ્યા.
બીજા દિવસે સવારે રિસોર્ટમાંથી ચેક આઉટ કર્યું, અને માતાનો મઢ જોવાનો બાકી હોવાથી વહેલા જ નાસ્તો કરીને નીકળી પડ્યા. લખપત તાલુકામાં આવેલું કચ્છ રાજ્યના કુળદેવી માતા આશાપુરાનું પ્રાચીન અને પવિત્ર યાત્રાધામ એટલે માતાનો મઢ. નવરાત્રીના શુભ દિવસોમાં હવનાષ્ટમીમાં યોજાતા મેળામાં કચ્છ અને કચ્છ બહારથી હજારો શ્રદ્ધાળુઓઓ પગપાળા યાત્રા કરી અહીં આવે છે. કચ્છી હાથ કારીગરીની બનાવટો, બાંધણીની સાડીઓ, શાલ, કચ્છી પેંડા અને અન્ય મીઠાઈની દુકાનો અહીં પણ લાગેલી છે.
દર્શન કરીને પ્રસ્થાન કર્યું અમારા પ્રવાસના છેલ્લા ડેસ્ટીનેશન માંડવી માટે.. માંડવીમાં બે સ્થળ પ્રચલિત છે- વિજય વિલાસ પેલેસ અને માંડવીનો દરિયો. શ્રી રાવ વિજયરાજજી દ્વારા બનાવવામાં આવેલ અદ્ભુત વિજય વિલાસ પેલેસની સુંદર કોતરણી અને ભવ્યતા જોઈ વિસ્મય થઈ જવાયું તો માંડવીના દરિયાના સ્વચ્છ ભૂરા પાણીથી લહેરાતો સમુદ્ર જોઈ દિલ ખુશ થઈ ગયું!
આશરે ૪૩૦૦૦ ચો.કિમીનો ભૂ-વિસ્તાર ધરાવતા ભાતીગળ કચ્છમાં આ સિવાય અનેક પર્યટન સ્થળો આવેલા છે. હડપ્પીય સંસ્કૃતિના સ્થાપત્યના અવશેષો ધરાવતું ધોળાવીરા નગર, નારાયણ સરોવર, પ્રાચીન અને પવિત્ર કોટેશ્વર મહાદેવ મંદિર, અંજાર શહેરની પાદરે આવેલ જેસલ તોરલની સમાધિ, ડેઝર્ટ વાઈલ્ડ લાઈફ સેન્ચ્યુરી. સમય લઈને કચ્છ આવો તો કચ્છ તમને નિરાશ તો નહીં જ કરે!
ગુજરાત સમૃદ્ધ છે જો આ સ્થળોની સમૃદ્ધિને લોકો સુધી પહોંચાડવામાં આવે. અહીં પ્રવાસનનો વિકાસ થાય તો લોકોની આર્થિક પરિસ્થિતિ સુધરી શકે. છતાં અહીંની શાંતિ અને એકાંત જાણે પોતાનામાં જ એક જણસ છે, લકઝરી છે.
– મીરા જોશી
પ્રવાસનું વણૅન ખુબજ ગમ્યું. અભિનંદન.
ખુબ આભાર!
અક્ષરનાદ, જીગ્નેશભાઈ અને દરેક વાચકોનો પ્રતિભાવ માટે દિલથી આભાર..! 🙂
માંડવી બીચ, દિવાદાંડી, નારાયણ સરોવર અને પ્રાચીન સમયનુ સુંદર કૉટેશ્વર મહાદેવજી નુ મંદીર વગેરે વિશેષ જોવા અને માણવા લાયક સ્થળો પ્રભાવિત થઈ જવાય એવા છે. સુંદર અને યાદગાર સ્થાનક.
બહુ સરસ વર્ણ્ન કર્યું છે.
વાહ.. મારું કચ્છ. મારું ભુજ. ખૂબ જ સુંદર વર્ણન. કચ્છ ભૂકંપ બાદ ઘણું બદલાયું છે હા, છેવાડાના ગામોમાં ભણતર બાબતે હજુ પછાત કહી શકાય તેવી પરિસ્થિતિ છે પણ આશા છે એ પણ આવનારા સમયમાં સમસ્યા નહિ રહે. કચ્છમાં ખરેખર ખૂબ ઘણી અને સમૃદ્ધ જગ્યાઓ છે જોવા માટે, તે હજુ એક છેડો જોયો એવો જ બીજો છેડો રાપર તાલુકા બાજુનો છે જ્યાં મોહેનજો દડો સંસ્કૃતિના અવશેષો જોવાલાયક છે
હા નિમિષભાઈ. કચ્છના ઈતિહાસની જેમ જ તે પ્રદેશ અને તેની સંસ્કૃતિ પણ ખુબ વિશાળ છે, બીજી વખત સમય લઈ કચ્છને જીવવું છે.
અરેરે! ગુજરાતમાં અડધાથી વધારે જિંદગી ગઈ, પણ આ વી જગ્યાઓ ના જોઈ.
હજુય સમય છે, ફરી આવો.. આભાર
સરસ લેખ.
આભાર વીરેન્દ્ર!
Nice observation and superb narration
આપનો આભાર!
Nice Story ❤️
થેંક યુ દીપ!
કચ્છ ભુજ આટલું સરસ સુંદર વર્ણન ની સાથે સાથે ત્યાં ના લોકોના વિશે વાંચીને મજા પડી.
Really nice article.
થેંક યુ.. હિરલબેન!
રસપ્રદ, સરળ, સંક્ષિપ્ત અને સુંદર પ્રવાસ વર્ણન…બચ્ચનના શબ્દો પર મીરા જોશી …કચ્છમાં…સહુને જવાનું મન થઇ જાય!
ખુબ આભાર!