રોલ નંબર બાર અને તેર – અજય ઓઝા 3


રોલ નંબર બાર…

‘યસ સર..’ આ નિરવ. સખત ધમાલિયો અને તોફાની. કોઈને ગાંઠે જ નહિ. ભણવામાં તો ચિત્ત જ નહિ. લેશન નહિ કરવાનું. ચોપડી જ ખોલવાની નહિ.

આમ તો એ આ વર્ષથી જ મારા વર્ગમાં આવેલો. જૂઓ ને, તાજેતરનો જ જાડા કાચવાળા ચશ્મામાં એનો ફોટો પણ કેવો આવ્યો છે !

મારી પાસે આવ્યો ત્યારે કંઇ પણ વાંચવાનું એને આવડે નહિ. ક્યારેક બળજબરીથી કંઈ વંચાવીયે તો એકાદ મિનિટ ક…ચ…ટ..ત… આડું અવળું બોલે ને પછી આંખો એકદમ જીણી કરતો કહે, ‘સાહેબ… બહુ માથુ દુઃખે છે.’

એના પપ્પાને બોલાવ્યા તો એણે પણ આમ જ જણાવ્યું, ‘બે મિનિટથી વધુ વાંચવું લાટસાહેબને ગમતું નથી, ને રોજ માથું દુખવાની ફરિયાદ કરીને લેશનમાંથી છટકી જાય, તમે જ કંઈ કરો તો ઠીક બાકી મારે એને હવે બહુ ભણાવવો જ નથી !’

એના પપ્પા તો બધું મારા પર છોડી મુક્ત થઈ ગયા. હવે, મારે એને ભણાવવો કે એનું માથુ દુખતું મટાડવું એ નક્કી કરવામાં કેટલાક દિવસો પસાર થઈ ગયા. જો એને વાંચતા પણ નહિ આવડે તો ગુણોત્સવથી ડરતા બીજા શિક્ષકોની જેમ મારે પણ ડરવું પડશે. ને છેવટે એનો દુખાવો મારા માથાનો દુખાવો બની જાય. એટલે શિક્ષક હોવા છતા ડોક્ટર બની એના દુખાવાનો ઈલાજ શોધવા હું મજબૂર બન્યો.

શાળામાં આંખના ડૉક્ટર આવ્યા એટલે સૌથી પહેલા નિરવની આંખોની તપાસ કરાવી. આશ્ચર્ય વચ્ચે તેને એક આંખમા નવ અને બીજી આંખમાં અગિયાર નંબર નિકળ્યા ! ડૉક્ટર કહે આ બાળકને ચશ્મા વગર ચાલી જ ન શકે. કંઈ પણ જોવે તો એને ધૂંધળું જ દેખાય. ચશ્મા ફરજિયાત.

હું બધું સમજી ગયો. એમ થયું કે હું જીતી જ ગયો. ઉપાય મળી ગયો. તેને ચશ્મા આવી જશે એટલે વાંચતા લખતા શીખવવામાં કેટલી વાર !

થોડા દિવસમાં તેને માટે નવા જાડા કાચના ચશ્મા આવી ગયા. એટલે પહેલે જ દિવસે મેં એને બોલાવ્યો, ‘ચાલ હવે આજે આ વાંચ જોઉં.’

મને એમ હતું કે હવે મારી ચિંતા ટળી છે, પણ એવું બન્યું નહિ. બે-ચાર અક્ષરો વાંચ્યા ને પાછો કહે, ‘માથું દુખે છે.’

આ છોકરો મારું માથું દુખાવ્યા વિના રહેશે નહિ એને મને ખાતરી થઈ ગઈ. પણ આમીરખાનનો પેલો ડાયલોગ મને યાદ રહી ગયેલો, ‘મૈં અપને કમજોર સ્ટુડન્ટ કા હાથ કભી નહિ છોડતા.’

હવે આ સમસ્યા કોને કહેવી. આચાર્યસાહેબે પણ હાથ ઊંચા કરી દીધા. બીજું કોણ મદદ કરે એના વિચારોમાં કેટલાક દિવસો ગયા હશે ત્યાં જ એકવાર શાળામાં વિકલાંગ બાળકોના એક શિક્ષક પધાર્યા.

મોટેભાગે તો વિકલાંગ બાળકોના ખાસ શિક્ષક માત્ર ‘કેસ’ શોધવા જ આવતા હોય છે. અને સપ્તાહમાં એક વિઝીટ કરી પોતાની રૂટીન ડાયરી ભરી જતા રહેતા હોય છે. પણ આ હમણાં જ નવા નિમાયેલા એટલે વળી મારા વર્ગ સુધી આવ્યા અને મારે પરિચય થયો. મારા વર્ગની વાત કર્યા પછી મને થયું કે લાવ આમને પણ નિરવની વાત કરી જોઉં, કદાચ કોઈ રસ્તો મળે પણ ખરો.

સાચું કહું તો એ શિક્ષકને ખરેખર નિરવ માટે ભગવાને જ મોકલ્યા હશે. મેં વાત કરી એટલે તરત જ બોલ્યા, ‘નિરવને આ પ્રકારની તકલીફ છે તો સૌથી પહેલા મને જ કહેવાનું હોય ને.. એ છોકરાની જવાબદારી મારી જ કહેવાય.’

મને આશાનું કિરણ ફૂટતું જણાયું, ‘પણ એને ચશ્મા કરાવ્યા છતા માથાનો દુખાવો મટતો નથી, સાચું બોલતો હશે ? શું લાગે છે ?’

નિરવ સાથે થોડી વાતચીત કર્યા પછી એમણે મને કહ્યું, ‘હા, એ સાચું જ બોલે છે. કારણ કે આંખની આ તકલીફ એને બાળપણથી હોવી જોઈએ અને દિવસે દિવસે વધતી ગઈ હોય. મજૂર મા-બાપ બહુ આંખની તકલીફને ગંભીર ગણે નહિ ને બાળકને તો પોતાનું વિઝન નબળું છે એની સમજ જ હોય નહિ. એને તો એમ જ લાગે કે સૌને આવું જ દેખાતું હશે.’

‘પણ ચશ્મા આવ્યા પછી પણ… ?’ મને સમજાયું નહિ.

‘જૂઓ સાહેબ, આટલા વરસો સુધી એને આમ જ વાંચન કરતી વખતે માથુ દુખ્યા કર્યું હોય, તો એ તકલીફ આમ ચશ્મા આવ્યાના થોડા દિવસોમાં દૂર થાય એ સંભવ નથી.’

‘તો.. મારે રાહ જોવી ? કોઈ ઉપાય ?’ મેં પૂછ્યું.

‘હા, એક રસ્તો છે. દૃષ્ટિમંદ બાળકો માટે આપણી પાસે ‘લાર્જ પ્રિન્ટ’ પાઠ્યપુસ્તકો આવે છે. એ હું તમને લાવી આપીશ. તમે માત્ર એનો ફોટો અને મેડીકલ સર્ટી તૈયાર રાખો, હું કાલે આવું છું.’ કહી એ શિક્ષક જતા રહ્યાં.

બીજે દિવસે એ દેવદૂત સમાન શિક્ષક આવીને પાઠ્યપુસ્તકની લાર્જપ્રિન્ટ આપી ગયા. એ જમ્બો સાઈઝના પુસ્તકો સાચવવા મેં એક મોટો થેલો પણ લાવી આપ્યો. વર્ગમાં આવડા મોટા પુસ્તકોને સાચવવા કબાટનો એક કોર્નર નિરવને ખાલી કરી આપ્યો.

હવે એ ખુશ રહે છે. બીજા કરતા લગભગ ત્રણ ગણી સાઈઝના પુસ્તકનું એને ગૌરવ અનુભવાય છે. એને પુસ્તકો ખોલીને ભણવામાં વર્ગની સારી એવી જગ્યા ફાળવવી પડે છે, ને એ જમીન પણ જાણે એના નામે થઈ હોય એમ એ રાજી થઈને પુસ્તકો ખોલી બેસી જાય છે. પુસ્તકોમાં ચિત્રો અને સરળ વાક્યો વાંચવામાં એને રસ પડે છે.

જોકે, અત્યારે તો માત્ર એના માથાના દુખાવાની ફરિયાદ થી જ છૂટકારો મળ્યો છે. એને વાંચતા શિખવવાનું તો હજી બાકી જ છે, મારો દુખાવો અને મારું કામ હજી પુરું નથી થયું.

રોલ નંબર તેર..

‘યસ સર.’ રેખા હતી એ. મેં જોયું કે સતત દસ દિવસના વિરામ બાદ એ આજે ભણવા આવી હતી.

મેં એને પાસે બોલાવી, ‘કેમ આટલા દિવસ ગેરહાજર રહી બેટા ?’

એ કશું બોલી જ નહીં. જવાબ આપવાની એને ફાવટ જ નથી. કદાચ બીમાર પડી હશે એમ ધારીને મેં એને વધુ સવાલો પૂછવાનું માંડી વાળ્યું.

એનું પ્રોફાઈલ પહેલા ધોરણના વખતનું રાખેલું. હું હમેશા એવો ફોટો રાખું કે જોવાથી એની સાથે જોડાયેલી મહત્વપૂર્ણ કોઈ બાબત હોય તો તરત યાદ આવી જાય. અહીં રેખાના ફોટામાં ખભે દફતર બેગ ચડાવેલું જોયું ને મને શાળામાં એના પ્રવેશનો બીજો દિવસ યાદ આવી ગયો.

એ દિવસે તો મને તેનું નામ પણ આવડતું નહોતું. વર્ગમાં આવી ભારે ચહેરે એક બાજુ ઊભી રહી. મેં બેસવા કહ્યું પણ બેઠી નહીં. ફરી કહ્યું તો એણે સાચો-ખોટો પ્રયત્ન કર્યો પણ બેઠી નહીં. શાળામાં બીજો જ દિવસ હોવાને કારણે એને માટે કદાચ બધું અજાણ્યું પડી રહ્યું હશે એમ મને લાગ્યું. મેં એને મરજી અનુસાર ઊભા રહેતા અટકાવી નહીં. દબાણ કરીશ તો કાલે ભણવા જ નહીં આવે એવી મને પણ બીક રહે.

રીસેસ પડ્યો, ને એ  દફતર ખભે જ રાખીને નિકળી ગઈ. એને દફતર વર્ગમાં મૂકવામાં હજુ ભરોસો પડતો નહીં હોય એ મને સમજાયું. મેં એને એમ જ જવા દીધી.

બહાર પણ મુંઝાયેલી હોય એમ એક તરફ ઊભી રહી. હું પણ મારા કામે લાગ્યો પણ થોડી વાર પછી એ રડવા લાગી. એની આસપાસ બીજા વિદ્યાર્થીઓ એકઠા થયા, એટલે અન્ય શિક્ષકો પણ આવી ગયા, હું પણ રેખા પાસે પહોંચ્યોં. એ અક્ક્ડ થઈ ઊભા ઊભા રડી રહી હતી, એનું રડવું અમારા આવવાથી વધુ બુલંદ થતુ ગયું. હવે એક મારા સાથી શિક્ષકને વિચાર આવ્યો કે આનું રડવાનું કારણ કંઈક અલગ તો નહીં હોય ને ? તેમણે ધ્યાનથી જોયું ને તરત જ સમજાઈ ગયું.

રેખાના મમ્મીએ તેને તૈયાર કરી શાળાએ મોકલી ત્યારે ખભેથી દફતર સરી ન પડે એ માટે બન્ને બાજુના પટ્ટા એવા તો કસોકસ બાંધી દીધેલા કે હવે એ પોતે પણ ખભેથી દફતર ઉતારી શકે એમ નહોતી. એને જાતે તો એ પટ્ટા ઢીલા કરતા ક્યાંથી આવડે ? એવું તો એની મમ્મીએ પણ નહીં વિચાર્યું હોય ! એટલું જ નહીં જો એ ઉતારવા વધારે ભીંસ કરી જોર કરે તો પટ્ટાનું દબાણ ગરદન સુધી આવે ને શ્વાસ પણ રુંધાય શકે એવી પરિસ્થિતિ થઈ હતી. એ જોતા અમે તાત્કાલિક એના પટ્ટા ખોલ્યા ને દફતર ઉતરતા જ એ હળવીફૂલ થઈ ગઈ !

પછી તો તેની મમ્મીને બોલાવીને સમજાવ્યું કે પહેલા ધોરણમાં દફતરની જરુર જ હોતી નથી, એમ છતાં તમે મોકલો તો પણ આટલું ફીટ કરવાનું તો રહેવા જ દેજો, એ કારણે રેખા બોલી પણ શકતી નહોતી.


આપનો પ્રતિભાવ આપો....

3 thoughts on “રોલ નંબર બાર અને તેર – અજય ઓઝા

  • hdjkdave

    કથિત વડીલોની અને પોતાને બધી જ ખબર પડે છે તેવી માન્યતાને લીધે બાળકોએ ઘણું ઘણું સહન કરવું પડતું હોય છે એ કેવી રીતે સમજાય? આવી વાતો વાંચે તો સમજાય. બે ડોક્ટરો મળીને કોઈની લંગડાતી ચાલ વિષે શરત લગાવે કે તેને શો રોગ હશે અને કોઈ ખુલાસો કરે કે મારા સ્લીપરની પટ્ટી તૂટી ગઈ છે તેથી હું કોઈ મોચીને શોધું છું ત્યારે એ ડોકટરો જેવી સ્થિતિ (વલે) થાય? આવું જ કાંઈક ધારણા બાંધી લેવામાં અને અટકળો કરવામાં બનતું હશે…(હર્ષદ દવે)