૧૯૪૭માં આ નાટક સ્ટેજ પર સ્પોટલાઈટ દ્વારા દર્શાવવામાં આવેલું. આ રીતે નાટક મંચસ્થ કરવા પાછળ લેખક અને દિગ્દર્શકનો વિચાર કઈંક જુદો હતો. સ્પોટલાઇટ દ્વારા બનતા જુદા જુદા બનાવો દર્શાવી નાટક આગળ વધતાં તેની ગૂંથણીને એક રસપ્રદ અંત સુધી લઇ જવી – આ પ્રયોગ મહદઅંશે સફળ થયેલો. પ્રેક્ષકો તરફથી સુંદર આવકાર આ નાટકને મળેલો! આ નાટક છ મહિનામાં ફરી તે જ મંચ પર ભજવાયું. નાટકની પૃષ્ઠભૂમિ ૧૯૪૨ આસપાસનો સમય. નેતાજી સુભાષચંદ્ર બોઝ ની પ્રેરણાથી ઘણા નવલોહિયા જુવાનિયાઓએ આઝાદીની ચળવળમાં સશસ્ત્ર ઝુકાવેલું! બ્રિટિશ સરકારની ચાંપતી નજર અને તેની સામે એક ઝનૂન ભરી લડાઈ!!
૧૯૪૭ની સાલ માં એ.વી. સ્કૂલના મધ્યસ્થ ખંડમાં પહેલી વખત સ્ટેજ પર આ નાટક ભજવાયું. ભાગ લેનાર કલાકારો હતા : વિજય દત્ત – શ્રી જયંત મોં. ભટ્ટ, હિરેન બોઝ – શ્રી મહેન્દ્ર વી. શેઠ, શોભન – શ્રી હરિભાઈ ન. ચૌહાણ, કર્નલ રાજેન્દ્ર – શ્રી ધનવન્તરાય ભટ્ટ, કવિ – શ્રી ચીનુભાઈ જોશી અને ડૉક્ટરના રોલમાં શ્રી બાબુભાઇ વ્યાસ. ત્યાર પછી આ નાટક શામળદાસ કોલેજે અને બીજા નાટ્યપ્રેમી મંડળોએ પણ મંચસ્થ કર્યું।
પણ યંગક્લબની જુનિયર ટીમે છેક ૧૯૬૩માં ગુજરાતના પહેલા યુવક મહોત્સવમાં રાજપીપળા મુકામે ભજવ્યું. શ્રી બટુકભાઈ પંડ્યાની રાહબરી નીચે એ ટીમે જોરદાર તૈયારી કરેલી, સારાએ નાટકનું એક અગત્યનું અંગ – સ્પોટલાઇટ પણ સારી જાતની મેળવી સ્ટેજ પરની ભજવણી સાથે લાઇટનો મેળ બખૂબી મેળવેલો।
નાટક ભજવતે સમયે માઈક બંધ થઇ ગયું, તે રીપેર થયું ત્યાં વીજળી ગઈ, ફ્યૂઝ ઊડી ગયો, નાટક માટે ફાળવેલી ૪૦ મિનિટ આ ભાગદોડમાં જતી રહી, નાટક પૂરું ન ભજવાયું, નાટ્યસ્પર્ધાનાં નિયમ મુજબ ફાળવેલ સમય માં નાટક પૂરેપૂરું ભજવાવું જોઈએ અને એ નિયમ હેઠળ આ નાટક સ્પર્ધાની બહાર ફેંકાઈ ગયું। આ બનાવ ને વારસો વીતી ગયા.
એક વખત વડોદરામાં એક મેળાવડામાં એક નાટયવિદ્દને મળવાનું થયું, તેઓ ગુજરાતી રંગભૂમિ સાથે વરસોથી જોડાયેલા અને આવી નાટ્યસ્પર્ધાઓમાં જજની જવાબદારી કેટલાય નાટ્ય મહોત્સવોમાં તેમણે નિભાવેલી, તેમણે આવી નાટ્ય સ્પર્ધાની એક પસંદ ન પડે તેવી વાત કહી. “સ્પર્ધામાં જીતવા માટે કોઈ નાટ્ય મંડળીનું નાટક જો પોતાનાથી વધારે સારું હોય તો તે મંચસ્થ થાય ત્યારે લાઇટનો ફ્યૂઝ કેમ ઉડાવી દેવો, માઈકના ડબલા કેમ ડૂલ કરવા વગેરે નુસ્ખાઓ સ્પર્ધક મંડળીઓ અપનાવાતી હોય છે, આનો પહેલો અનુભવ મને રાજપીપળા થયેલો.” તેમના આ બયાનના ઉત્તરમાં મારે કઈ કહેવાનું ન હતું.
પ્રસ્તુત છે યંગક્લબ ભાવનગરનું એકાંકી “ચાંદરણાં”
લેખક અને દિગ્દર્શક બાબુભાઇ વ્યાસ,
નાટકમાં આવતી શેર શાયરી કવિ શ્રી કિસ્મત કુરેશી,
પાત્રો: ડોક્ટર, કવિ, વિજય, હિરેન, શોભન, કર્નલ રાજેન્દ્ર,
સમય: સાલ ૧૯૪૨ના ડિસેમ્બર મહિનાની એક રાત,
સ્થળ: સરહદ પર આવેલ ‘બ્રિટિશ આર્મી ડેપો’ની એક કોટડી
પડદો ખૂલતા સ્ટેજ અંધારું છે. પ્રકાશનું એક નાનું વર્તુળ સ્ટેજ પર પડે છે અને એક જગ્યાએ સ્થિર થાય છે, એક ધુમ્રસેર પર વર્તુળ સ્થિર થઇ અને મોટું થાય છે, આરામખુરશી જેની પીઠ પ્રેક્ષાગાર તરફ છે, તેના પર કોઈ બેઠેલું છે, તેના હાથમાં એક હોકલી (Pipe) છે.
સ્ટેજની બીજી બાજુથી કોઈનો વાતચીત કરતો અવાજ આવે છે. પ્રકાશનું વર્તુળ તે તરફ મંડાય છે. એક ટેબલની આજુબાજુ ખુરશીઓ પર ત્રણ યુવાનો બેઠા છે, તેઓ કાંઇક રચવામાં મશગૂલ છે.
શોભન: બસ, હવે બાર દાણા પડે તો સ્વર્ગની સીડી મળી જાય!
વિજય: એમ બાર દાણા પડવા રેઢા પડ્યા હશે? જો ક્યાંક સીડી ને બદલે નાગનું મોં ન આવે!
શોભન: મારે હિરેન જોડે શરત થઇ છે કે જો હું વહેલો સ્વર્ગમાં પહોંચું તો તેણે મને સિગારેટ આપવી. એક ૫૫૫નો ડબ્બો અને મુશ્ક હીનાનો ડબ્બો પણ લેણાં છે.
હિરેન: લેણું હોય તો જા ગવર્નમેન્ટ પાસે.. મને તો એ લોકોએ લૂંટી લીધો છે. મારા ઘરબાર જપ્ત કર્યાં છે.
(પ્રકાશનું વર્તુળ ફરીને સ્ટેજની વચ્ચે ખુરશી ઉપર બેઠેલા કવિ ઉપર આવી સ્થિર થાય છે.)
કવિ: “ફના કી રાહ મેં હમ કો કિસી કા ડર કૈસા?
હમારા મૌત કે મ્હેમાં કે જગ મેં ઘર કૈસા?”
મૂરખ નહી તો.. આ જમાનામાં આપણા જેવાએ તો વળી ઘરબાર રખાતાં હશે?
વિજય: ઘરબાર તો ઠીક, પણ મારી તો કિમામની બાટલી પણ તફડાવી ગયા.
શોભન: આપણી પાસેથી તો કશું ગયું જ નથી. લૂંટવા જેવું હોય તો લૂંટે ને! પણ એ સાલા પોલસાએ એવો તો મને મુશ્કેટાટ બાંધ્યો હતો.. મારા તો હજી હાથ પગ દુઃખે છે.
હિરેન: અમારાં ઘરબાર ગયા છે એના હિસાબે તારું દુઃખ કંઈ વધારે ન કહેવાય. ચાલો કોનો પાસાં ફેંકવાનો ટર્ન છે? વિજયનો?
(વિજય પાસાં હાથમાં લે છે, દરમ્યાન કવિ પોતાની જગ્યાએથી રમત નાં ટેબલ નજીક આવે છે)
શોભન: (કવિ તરફ ફરીને) તમને શું લાગે છે કવિ? (પ્રકાશનું વર્તુળ તે બંને ઉપર સ્થિર છે) અહીંથી આપણો છૂટકારો કોઈ કરાવશે કે નહીં?
(કવિ “મને નથી સમજાતું” એવો અભિનય કરે છે)
હિરેન: શોભન! તું તો પંચાતિયો જ રહ્યો. છુટવા
માટે તું પકડાયો છે? ચાલ એ વિજય પાસા ફેંક.
(પ્રકાશનું વર્તુળ ત્રણ જણા પર સ્થિર થાય છે.)
વિજય: આ ફેંક્યા… હમણાં જ સ્વર્ગ ભેગો થઇ જાઉં.. (પાસા ફેંકે છે, પડેલા પાસા પર તુચ્છ નજરથી જોઈ) ..બે દાણા (પૂંઠા પર સોગઠી ચલાવે છે.)
શોભન: ચાલ ચાલ.. તું શું ફેંકતો હતો? તારી પહેલા તો હું સ્વર્ગમાં પહોંચવાનો (પાસા લઈને ફેંકે છે અને તરત જ લઇ લે છે) જોયું.. અગિયાર.
વિજય: (થોડા ગુસ્સામાં) ક્યાં અગિયાર? એ તો સાત હતા સાત…
શોભન: જરા આંખો ફાડવી હતી ને! આ અગિયાર.
(પૂંઠા પર સોગઠી ચલાવે છે)
વિજય: (ગુસ્સા માં) ખોટી રમત નહિ, સાત જ પડ્યા હતા.
(ચાલેલી સોગઠી પાછી મૂળ જગ્યાએ મૂકે છે)
શોભન: (ખુરશી પરથી ઊભો થતાં ચિડાઈને) ત્યારે મેં જે જોયું એ ખોટું?
વિજય: (સામે ઊભો થતાં ) હા, હા, જરૂર ખોટું, .. એક વાર નહીં સાત વાર ખોટું!
(આ દરમ્યાન કવિ પોતાની જગ્યાએ પ્રકાશના વર્તુળમાં શોભન પાસે આવે છે, શોભનના ખભે હાથ મૂકતાં)
કવિ: આસ્તે બિરાદરો.. જરા ડોક્ટરનો તો ખ્યાલ કરો. જખમની પીડાથી તે તાવમાં પડ્યા છે, જરા ધીરા પાડો. રમત રમવા માટે હોય છે કે લડવા માટે?
વિજય: આઈ એમ સોરી કવિ. જરા એક્સાઈટ થઇ ગયો, ડોક્ટર માંડ ઊંઘ્યા છે એનો ખ્યાલ ન રહ્યો. સોરી શોભન. (તે બેસે છે)
શોભન: ધૅટ્સ ઓલરાઇટ, ખરેખર કવિ, મને પણ ડોક્ટરનો ખ્યાલ જ ન રહ્યો. સોરી..
(તે પણ બેસે છે)
કવિ : યહિ હૈ ખેલદિલી…. બિરાદરી….. અચ્છા આપ ખેલિયે….
(વિજય પાસા હાથમાં લે છે અને પ્રકાશનું વર્તુળ કવિની સાથે સ્ટેજના બીજા ભાગમાં જાય છે. ત્યાં આગળના ભાગમાં પાણીનું એક માટલું અને પ્યાલા દેખાય છે, પાછળના ભાગમાં એક બાજુ બારી છે, પણ તે દેખાતી નથી… એક આરામ ખુરશીમાં સ્ટેજ તરફ પીઠ રાખીને કો’ક હોકલી પીતું બેઠું છે, તે છે ડૉક્ટર…)
કવિ : (ડૉક્ટર તરફ નજર જતાં) ઓહ, આપ જાગી ગયા? કેમ છે હવે?
ડૉક્ટર: કવિ! તમને એમ નથી લાગતું કે એવા સવાલ પૂછી ને તમે મારુ અપમાન કરો છો?
કવિ : માફ કરજો ડૉક્ટર સાહેબ,(સામેની ખુરશીમાં બેસતા) કવિ છું તેથી આટલી નજાકત આવી જાય છે. આપ જેવા જૈફ આદમી કે જેણે વતન માટે મુલકભર ઘૂમી, રાત અને દિવસ અથાગ જહેમત ઉઠાવી ક્રાંતિની મશાલ જલતી રાખી છે, જેને શિયાળાની કડકડતી ઠંડી કે ઉનાળાનો પ્રખર તાપ પણ કશું કરી શક્યો નથી; નદી, નાળા અને પહાડ – પર્વતો પણ જેનો રસ્તો કદી અવરોધી શક્યા નથી; એવા એક તાકતવર ઇન્સાનને હું એક મામૂલી કવિ તબિયતના ખબર પૂછું? મને અફસોસ છે ડોક્ટર…
ડૉક્ટર: (પોતાની ખુરશી કવિ તરફ લેતા) ખરેખર કવિ.. તમે કવિ જ છો! મને બહુ આગળ બઢાવી દીધો.
કવિ : ભગવાન મને એવી તાકાત આપે કે હું તમારી જલાવેલી મશાલ આખિર તક જલતી રાખી શકું, “આલમ કો ઝગમગતી રહે તેરી રોશની!”
ડૉક્ટર: કવિ, એક દિવસ તમારી શાયરી દેશના થીજી ગયેલાં લોહીને ગરમ કરશે, હું પ્રાર્થના કરું છું કે તમારી જબાન લાખો સ્ત્રી – પુરુષોની પ્રેરણા બને.
કવિ : શુક્રિયા ડૉક્ટર ! બહુત બડા આશીર્વાદ દે દિયા આપને !
ડૉક્ટર: કવિ, તમે અહીંના ઓફિસરો ને પૂછ્યું કે એ લોકો આપણને અહીં ક્યાં સુધી રાખવાના છે?
કવિ : ના જી.
ડૉક્ટર: મારે કહેવું જોઈએ કે તેઓએ આપણને રાખ્યા છે બહુ સારી રીતે, મને કેદ નો અનુભવ છે – ખાસ કરીને આપણી જેવા માટેનો.
કવિ : એ લોકો આપણને સત્યાગ્રહીઓ તો ન જ માને, પણ કદાચ રાજકીય કેદીઓ તરીકે આવી ચાર દિવાલો વચ્ચે રાખ્યા હોય. હું તાપસ કરીશ.
ડૉક્ટર: મને લાગે છે કે થોડા રોજમાં આપણો કેસ ચાલશે.
કવિ : ભલેને કેસ ચાલે.. હું જજ સાહેબને દુવા દઈશ કે તેમની દૃષ્ટિએ ખૂની, લુટારુ, ડાકુ ઠરેલા આદમીઓનો સહારો મને મળશે અને મારી શાયરી ને ઈન્સાનનો ઇતિહાસ કાગળ ઉપર રેલાવવાનું મળશે.
ડૉક્ટર: કદાચ આપણામાંથી કોઈને ફાંસી મળે!
કવિ : કુછ પરવાહ નહીં ડૉક્ટર,
“મૌત સે વીર કો હમને નહીં ડરતે દેખા,
તખ્ત-એ-મોત પે ભી ખેલ હી કરતે દેખા.”
ડૉક્ટર: શાબાશ કવિ…. વતનપરસ્ત કવિ શાબાશ !
કવિ : શુક્રિયા.
ડૉક્ટર: આપણે બધા તો ઠીક, પણ મને વિચાર આવે છે પેલા છોકરાનો. આપણામાં સૌથી નાનો એ છે.
કવિ : કોણ વિજય દત્ત ? સોમેશ દત્ત નો દીકરો?
ડૉક્ટર: કવિ.. એ સુમિત્રાનો છોકરો..
કવિ : હું ઓળખું છું ડૉક્ટર, સુમિત્રા મારી પિત્રાઈ બહેન થાય છે, છોકરો સ્માર્ટ છે – આબેહૂબ તેના બાપ જેવો.
ડૉક્ટર: બાપ જેવો? અહં.. મને લાગે છે કે એ એની મા જેવો છે.. બરાબર એની મા જેવો. જ્યારે જુઓ ત્યારે સુમિત્રાનો જ છોકરો. એના બાપનો તો તેનામાં થોડો પણ અણસાર નથી.
કવિ : ખરી વાત…….સોમેશ દત્ત માટે તમને એમ જ લાગે, એ વાત હું ક્યાં નથી જાણતો?
ડૉક્ટર: તમે શું જાણો છો કવિ?
કવિ : ડૉક્ટર સાહેબ! સુમિત્રા તમને જ પરણવાની હતી. એનામાં પણ તે વખતે આઝાદીની તમન્ના હતી, પણ બાપ ની બેહાલ થઇ જતી સ્થિતિએ અને સોમેશના જાહેર દેશનેતા તરીકેના બણગાંએ તેને ફસાવી, પરિણામે તમે રખડુ ઠર્યા અને સોમેશે પૈસાના જોરે સુમિત્રાને ખરીદી લીધી. હું જાણું છું આખો ઇતિહાસ ડૉક્ટર…
ડૉક્ટર: પણ એથીય નામરદાઇનું કામ તો સોમેશે લગ્ન થઇ ગયા પછી કર્યું. સુમિત્રાના આઝાદી ઝંખતા જિગરને તેણે તોડી નાખ્યું. સુમિત્રાને તેણે કહ્યું, “તું વિપ્લવવાદી છો, તારાથી દેશને નુકસાન જ થશે. તારા વિચારો મને બીજા દેશનેતાઓ પાસે નીચું જોવડાવે છે.” અને એવું તો ઘણું ઘણું કહીને એ નારીનું એણે અપમાન કર્યું હતું.
કવિ : ડૉક્ટર.. છેલ્લા છેલ્લા તમે સુમિત્રાને ક્યાં મળ્યા હતા?
ડૉક્ટર: બનારસની હૉસ્પિટલમાં, સોમેશની પથારી પાસે. તે રાત્રે બનારસમાં મશાલ સરઘસ નીકળ્યું હતું, થોડા શોર-શરાબ પછી પોલીસો એ લોકો પર ગોળીબાર કર્યા હતા, ઘણા ઘવાયા હતા. મને ખબર પડી કે સુમિત્રાનો વર ઘવાયો છે.. તે વખતે મને તેના તરફ માન થયું પણ જ્યારે હૉસ્પિટલમાં જઈને જોયું તો એ માનને બદલે મને તેમાં સુમિત્રાનું અપમાન જ દેખાયું.
કવિ : એવું શું હતું એ?
ડૉક્ટર: કવિ, સામી છાતી એ મરે તે માણસ.. સોમેશને બે ગોળી વાગી હતી. પણ એ વાંસામાં જ, છાતીએ નહીં..
કવિ : બિચારો સોમેશ! નાનપણથી જ બીકણ સ્વભાવનો હતો.. અલ્હાબાદમાં મારી સાથે હતો. દિવસે તો એ રાષ્ટ્રધ્વજ લઈને સૌની આગળ ચાલતો.. પણ રાત્રે એની એ હિમ્મત બરફની જેમ ઓગળી જતી. સમજાતું નથી એનું કારણ.
ડૉક્ટર: એ હિચકારો હતો. નખથી શીખ સુધી, સત્ય માટે એ હંમેશા આગ્રહ રાખતો હતો, છતાં જુઠ્ઠું બોલવામાં એ પાછો પડ્યો નથી. કવિ, ભલા થઇ ને “છોકરાને એના બાપ જેવો છે” એવું કોઈવાર ન કહેતા. એની માને ખાતર પણ એવું ન બોલતા.
કવિ : ડૉક્ટર! તમને એમ લાગે છે ને કે છોકરો એના બાપ જેવો લબાડ અને જુઠ્ઠો નીકળે તો બિચારી સુમિત્રા ને તો મોં નીચું ઘાલી ને કૂવો જ ગોતવાનો રહે.
ડૉક્ટર: ના.. ના.. છોકરો એના બાપ જેવો નહીં થાય. એણે એની માનું દૂધ પીધું છે.. સુમિત્રાનું, પણ કવિ, જવા દો એ વાત.. મારાથી નથી સહેવાતું.
કવિ : અચ્છા ડૉક્ટર (ઊભા થતાં) આપ આરામ કીજીયે.
(કવિ પ્રકાશ નાં વર્તુળ સાથે પાછો રમતા બિરાદરો નાં ટેબલ પાસે આવે છે)
હિરેન: હવે તારો વારો વિજય!
વિજય: મારો વારો ક્યાંથી હોય ! મેં તો દાવ ફેંકી લીધો. ચાલો, હું જરા પાણી પી આવું , તમારે કોઈને પીવું છે? (બધા માથું હલાવી ના પાડે છે)
શોભન: તો કવિ, તમે આવો એને બદલે….
કવિ : જરૂર ,,,,જરૂર…કયું નહિં ! ક્યા મેં કમ ખેલતા હું?
(વિજય ઊભો થઇ કવિ નો વાંસો ઠબકારી સ્ટેજની બીજી બાજુ પાણીનાં માટલાં તરફ જાય છે, પ્રકાશ નું વર્તુળ વિજય ની સાથે ફરે છે)
ડૉક્ટર: વિજય…. !
વિજય: (પાણીનો પ્યાલો મૂકી ને ) મને બોલાવ્યો?
ડૉક્ટર: હા, બેસ (જ્યાં કવિ બેઠા હતા ત્યાં બેસતા વિજય ને) હું તારો જ વિચાર કરતો હતો,ગઈ ગઈ કાલે મેં તને પહેલી જ વાર લડતાં અને એટલા બધા સંત્રીઓ ની વચ્ચે થી જઈને તે જે ધૌર્ય અને હિંમત થી એમ્યુનેશન ડેપો સળગાવી દીધો એ તો ખરેખર પ્રશંસા માગી લે છે. મને ઘણી ખુશી થઇ.
વિજય: એ મારી ખુશનસીબી છે …… ને મને ફરી તક મળશે તો આથી મોટું કામ કરી દેખાડીશ।
ડૉક્ટર: એક પહેલી જ વાર બહાર નીકળતા જુવાન માટે આટલુંયે ઘણું છે.
વિજય: પહેલી વાર નહિ, ડૉક્ટર…..આ તો બીજી વાર.
ડૉક્ટર: બીજી વાર ?
વિજય: હા જી, ગયા મેં માસમાં એ બનાવ્યું . હું પેશાવર તરફ જતો હતો ….ત્યાં પંડિત નીલકંઠ દેવ એક કામ માટે આવેલા. અમારો મેળાપ તો સાવ અચાનક જ થયેલો .
ડૉક્ટર: પંડિત નીલકંઠ મારો પરમ મિત્ર છે. ખબર નથી અત્યારે ક્યાં છે ? હં ……. પછી શું થયું?
વિજય: પછી ને વાત તો બહુ ટૂંકી છે. પેશાવર મેઇલ માંથી ગવર્નમેન્ટ નાં સીલબંધ પત્રો કોઈક ઉઠાવી ગયું. સરકારે બહુ તાપસ કરેલી પણ ન મળ્યા પત્રો કે ન મળ્યો તેનો લેનાર.
ડૉક્ટર: બહુ સરસ.
વિજય: એ મારુ પહેલું કામ, એનું નિશાન હજુ આ હાથ પર છે. (નિશાન બતાવે છે)
ડૉક્ટર: અત્યાર સુધી એ વાત તેં મને કેમ ન કરી?
વિજય: એવી નાની વાત કહેવામાં મને શરમ લાગતી હતી.
ડૉક્ટર: શરમ?
વિજય: પેશાવર વાળું કામ તો સાવ મામૂલી હતું અને આપ જેવા અઠંગ ક્રાંતિકારીઓ ને, મારા પૂજ્ય પિતાના પરમ મિત્રને એ વાત તો બચ્ચા ના ખેલ જેવી લાગે. એમાં આપણે શું કહું?
ડૉક્ટર: પણ તારી મા ને આ વાત કરી હોત તો તે કેટલી ખુશ થાત?
વિજય: મારી મા ને કહું? તો….તો સાહેબ અહીં આપની સાથે આજે હું ન હોત.મને આવવા જ ન દે ને !
ડૉક્ટર: વિજય ! તું એમ મને છે કે એ તને ઓરડામાં ગોંધી રાખત? છોકરા, તું હાજી તારી માને ઓળખતો લાગતો નથી. (બારણા નો અવાજ થતાં) એ શું થયું?
(પ્રકાશ નું વર્તુળ અહીં થી સ્ટેજ ના બીજા ભાગ પર પડે છે)
શોભન: (ખુરશી માંથી ઊભો થતા) એ તો કવિ બહાર ગયા……અહીં ના ઓફિસર પાસે .
હિરેન: આપણું હવે કંઈ થાય તો સારું… એકદમ નિકાલ આવે.
શોભન: (બગાસું ખાય ખુરશી પર બેસતા ) નિકાલ આવવો હોય તો આવે, આપણે કયાં લાવવાનો છે તે પંચાત! સૂઈ જા ને નિરાંતે .
(પ્રકાશ નું વર્તુળ ડૉક્ટર વાળા ખૂણામાં પથરાય છે)
ડૉક્ટર: વિજય, શોભન ની વાત સાચી છે, તું પણ જરા ઊંઘ લઇ લે.
વિજય: માફ કરો ડૉક્ટર, પણ મને ઊંઘ નહીં આવે. આવી અજાણી જગામાં …..મને રાત નો વખત જ ગમતો નથી.
ડૉક્ટર: (થોડા મોટા અવાજે) આ તું શું બોલે છે?
વિજય: દિવસ ના ભાગમાં મને કઈ થતું નથી…..પણ રાત્રે આવા અજાણ્યા અંધારામાં નિશ્ચિત થઈને સૂવું એ તો કેમ બને? …..કોણ જાણે કેમ પણ મારી હિમ્મત ઓગળી….
ડૉક્ટર: (વચ્ચે થી અટકાવતાં – ખિજાઈ ને) વિજય – બંધ કર તારી જબાન ….
(સ્ટેજ નાં બીજા ભાગમાંથી બારણા ખુલવા નો આવાજ આવે છે, પ્રકાશનું વર્તુળ તે તરફ જાય છે. ત્યાં હિરેન ઊભો થાય છે અને કવિ પ્રવેશે છે)
હિરેન: કેમ કવિ….પછી શું નક્કી થયું?
કવિ: એ લોકો અત્યારે જ આપણા કેસનો ફેંસલો લાવવા માંગે છે.
શોભન: એટલે ?
કવિ: આપણે તેમને બોજારૂપ છીએ…..આપણી ખાવા પીવાની ચિંતા ઉપરાંત આપણે નાસી ન જોઈએ તેનીય ચિંતા તેમને રાખવી પડે છે. માનુ છું કે એ બોજો અહીં હલકો કરીને જ એ લોકો જશે.
હિરેન: પણ એ કામ તો એ લોકો સવારના ય પતાવી શકે તેમ છે. આપણે તેમને વાત કરી જોઈએ (પ્રકાશ નું વર્તુળ ડૉક્ટર તરફ જાય છે – તે વખતે ડૉક્ટર ઊભા છે)
ડૉક્ટર: (થોડા ગુસ્સા માં) તમે વાત કરશો? તમને પકડનારાને, તમને ફાંસી આપનારાઓને તમે શું કહેશો? અમને સવાર સુધી જીવતા રાખો તેમ?
કવિ: (ડૉક્ટર પાસે આવીને) નહીં,નહીં….. ડોક્ટર સાહેબ, આ અમારા માંથી કોઈ કદી એવું કરે જ નહીં. મૃત્યુને વળી સવાર શું, સાંજ શું?
ડૉક્ટર: કવિ એક એવી શાયરી બનાવો કે મુડદા પણ બેઠાં થઇ જાય !
કવિ: જરૂર બનાવીશ, ડૉક્ટર – જો એ પહેલાં હું મડદું નહીં બની ગયો હોઉં તો……..
ડૉક્ટર: શાબાશ કવિ.
કવિ: ડોક્ટર સાહેબ ! આપણી સૂચના મુજબ હું અહીંના ઓફિસર ને મળ્યો,.એ તમને એક ખેલદિલ આદમી તારીખે પહેચાને છે. એ હમણાં અહીં આવવાનો છે.
ડૉક્ટર: નામ શું એમનું?
કવિ: કર્નલ રાજેન્દ્ર.,.
ડૉક્ટર: (આશ્ચર્ય સાથે) રાજેન્દ્ર.,…
વિજય: કર્નલ રાજેન્દ્ર?
શોભન: રાજેન્દ્ર સિંહ? (કર્નલ આવે છે, તેમના હાથ માં એક ફાઇલ અને પેન છે)
કવિ: આઇએ કર્નલ સા’બ !
કર્નલ: શુક્રિયા – (વિજય, શોભન અને હિરેન તરફ જોતાં) મારે તમારા માંથી ત્રણ જણા સાથે વાત કરવી છે. (ખુરશી ઉપર બેસતા) મિસ્ટર શોભન….(ત્રણે સામ એ જુવે છે)
શોભન: મારુ નામ શોભન
કર્નલ: (ફાઇલ ખોલતા) ચિતાગોંગ માં ટ્રેઈન નો પુલ ઉડાવી દેતાં તમે પકડાઈ ગયેલા….તે વખતે છોડી દેવા માટે તમે ગવર્નમેન્ટ ની માફી માંગી હતી અને વચન આપ્યું હતું કે ફરીથી નામદાર સરકાર સામે કદી હથિયાર ઉપાડશો નહીં. ગઈ કાલે તમે હથિયાર સહિત કેદ પકડાયા છો, બોલો તમારા બચાવ માં તમારે શું કહેવું છે?
શોભન: મેં તમારી બેઈમાન ગવર્નમેન્ટને વચન આપ્યું ત્યાર પહેલા દેશને આઝાદ કરવાના મેં સોગંદ લીધા હતા અને મારા આ પહેલા સોગંદ મેં પાળ્યા છે.
કર્નલ: ઑલરાઇટ…. તો તેનો નતીજો તમને આ ઘડીએ જ મળી જશે….હવે મિ. હિરેન બોઝ…..
કવિ: હિરેન…તું પણ ?
કર્નલ: તમે આપેલું વચન તોડવા માટે તમારો શો બચાવ છે?
હિરેન: મારી પાસે વચન પરાણે લેવડાવ્યું હતું ..એવા રિકાબી રિબાવી ને લેવડાવેલા વચને કોઈ કોર્ટમાં દાવો થતો નથી.
કર્નલ: બીજી કોર્ટમાં નહીં હોય, આ તો મિલિટરી કોર્ટ છે.
(પ્રકાશ નું વર્તુળ સ્ટેજ નાં બીજા ભાગ માં ફરે છે)
ડૉક્ટર: કવિ! એણે ત્રણ જણા કહ્યા કાં ?
(પ્રકાશ નું વર્તુળ ફરી કર્નલ ઉપર આવે છે)
કર્નલ: હવે મિ. વિજય દત્ત !
કવિ: અરે વિજય તું પણ?
કર્નલ: ગયા મેં માસમાં પેશાવર મેઈલની ડાક લૂંટતા તમે પકડાયા હતા…..તે રાત્રે બે વાગે તમે કાગળ ઉપર લખીને વચન આપ્યું છે કે સરકાર સામે હથિયાર ધારણ નહીં કરો અને ગઈ કાલે તમે સરકારના બે અફસરો ને વીંધી નાખ્યા છે. તમારે છે કંઈ બચાવ કરવાનો?
ડૉક્ટર: (જુસ્સામાં) વિજય……એ કર્નલ નું મોઢું બંધ કરીદે ……કહી દે એને કે એ બધું ખોટું છે…..
(વિજય ડોક્ટર સામે જુએ છે)
કર્નલ: મિ. દત્ત… બોલો…છે કશું કહેવા જેવું?
ડૉક્ટર: સાચું બોલ….તેં કોલ તોડ્યો છે?
વિજય: ડૉક્ટર, જે બીજા એ કર્યું છે તે જ મેં કર્યું છે. મેં કંઈ એ લોકોથી વધુ ખરાબ નથી કર્યું. ભલે મને મારવો હોય તો મારે, મારી પાસે પણ પરાણે વચન લેવડાવ્યું હતું, (રડે છે) મારા પિતા એ દેશ માટે પ્રાણ આપ્યા હતા અને હું પણ મારા બાપુજી ની જેમ …..
ડૉક્ટર: (ખિજાઈને) શું બોલ્યો? તારા બાપ ની જેમ ? કોણ આ સુમિત્રા નો પુત્ર બોલે છે?
કવિ: (ડૉક્ટર નો હાથ પકડી) ડૉક્ટર ….
ડૉક્ટર: મૈં ઠીક હું …..કર્નલ રાજેન્દ્ર ! થોડા વખત પહેલાં મારાથી જે બોલાઈ ગયું તેને માટે દિલગીર છું. હું માનતો જ નહોતો કે એ એના બાપ નો દીકરો છે.
કર્નલ: જુઓ મિસ્ટર શોભન, હિરેન બોઝ અને મિસ્ટર વિજય દત્ત…તમે આપેલા વચનો તમે ત્રણે એ તોડ્યાં છે એટલે હવે તમારી જિંદગી ગવર્નમેન્ટને હવાલે છે.
હિરેન: (ગુસ્સામાં) અમારી જિંદગી…… તમારી શી સત્તા છે?
કર્નલ: ( હોલ્સ્ટર માંથી રિવૉલ્વર કાઢીને બતાવતાં) મારી સત્તા આ રહી….તમારા સાથીઓ ની હાજરીમાં જ તમને ખતમ કરવામાં આવશે.
(પ્રકાશ નું વર્તુળ ડૉક્ટર તરફ આવે છે)
ડૉક્ટર: કર્નલ… …. (કર્નલ નજીક આવતાં) ઓળખાણ પડે છે કે?
કર્નલ: તમને કેમ ભૂલું ડૉક્ટર. ચીમુરમાં જ્યારે ઘવાઈને હું પડયો હતો ત્યારે દુશ્મનાવટ બાજુએ મૂકી ને જેણે મારે મમતા ભરી સારવાર કરી મને જીવતો રાખ્યો હતો….ડૉક્ટર તમને તો કેમ ભૂલું?
ડૉક્ટર: કર્નલ રાજેન્દ્ર ! તમે હિન્દી છો…..દેશના મુઠ્ઠીભર જવાનો માંથી આ ત્રણ ના જાન તમે લેશો……એક એહસાન….
કર્નલ: (ડૉક્ટર નો હાથ પકડીને ) બસ ડૉક્ટર …..હું બે ને જતા કરું છું….પણ ગવર્નમેન્ટને બતાવવા એકને તો મને સોંપવો જ પડશે.
ડૉક્ટર: થેંક્સ કર્નલ….
કર્નલ: નક્કી કરવા માટે દસ મિનિટ નો સમય આપુ છું.
કવિ: ધન્યવાદ ડૉક્ટર …… તમારી સચ્ચાઈ એ બે ને તો બચાવ્યા .
હિરેન: પણ અમારા માંથી ત્રીજો કોણ ?
કવિ: પાસા અહીં જ પડ્યા છે……ત્રણે જણા વારાફરતી ફેંકો, જેના સૌથી ઓછા પડે તે ત્રીજો.
શોભન: વેરી ગુડ આઇડિયા – પાસા ની આવી રમત કોઈ નહીં રમ્યું હોય.
હિરેન: વિજય,તું સૌથી નાનો છે, માટે પહેલાં તું ફેંક .
(વિજય કંઈ બોલતો નથી. વિચારમાં હોય તેમ લાગે છે)
શોભન: કેમ બહેરો થયો છે?
વિજય: હેં … હેં…..અ……લાવો પાસાં…(ટેબલ ફંફોળી પાસાં લે છે.)
કવિ: તાજ્જુબ ! જિંદગીને મળેલી જુગારની ઉપમા આજે સાર્થક થશે. જુગાર રમવાના આ પાસાં આજે જીવન-મરણ નો[NV1] ઉકેલ લાવી દેશે….ખેલ લીજયે જિંદગી કા આખરી દાવ દોસ્તો…
(વિજય પાસાં ફેંકે છે, બધા ટેબલ પર ફેંકેલા પાસાં તરફ જુએ છે)
હિરેન: કેટલા પડ્યા?
કવિ: પાંચ..
(વિજય કપાળ પરથી પરસેવો લૂછે છે, બધા તેની સૌ જુએ છે.)
કવિ: (વિજયનો વાંસો પંપાળતાં) હવે કોણ ફેંકે છે?
હિરેન: હું, (પાસાં લઈને ફેંકે છે) કેટલા પડ્યા ?
કવિ: (જોઈને) અગિયાર ….
હિરેન: હાશ……બચી ગયો……
શોભન: (થોડા ગુસ્સામાં હિરેન તરફ જોતા) ચૂપ કર બેવકૂફ….(પાસાં હાથમાં લઈ વિજય તરફ જોતા) હવે આપણી વચ્ચે રહ્યું વિજય, ઈચ્છું છું કે તારાથી એક દાણો ઓછો પડે.
(પાસ ફેંકે છે)
કવિ : (જોઈ ને) છ…..
શોભન: (નિરાશ વદને વિજય તરફ જોતાં) મને અફસોસ છે વિજય….વતન પર કુરબાન
થવાનું સદભાગ્ય મને ન સાંપડ્યું .
(વિજય કપાળ લૂછે છે)
કવિ: અભિનંદન વિજય…નસીબની દેવીએ તને વરમાળા આરોપી છે. .
“મૌત ઇકબાર જબ આતી હૈ તો ડરના ક્યા હૈ?
હમ સદા ખેલ હી સમજાકીયે મરના ક્યા હૈ ?”
વિજય: (સ્વસ્થ થઇ કર્નલ તરફ ફરતાં ) હું તૈયાર છું.
(ડોક્ટરનો અવાજ આવે છે, “વિજય વિજય. પ્રકાશના વર્તુળ સાથે વિજય ડૉક્ટર પાસે જાય છે)
ડૉક્ટર: દિલગીર છું કે તારે માટે કંઈ ન કરી શક્યો ….
વિજય: દિલગીર થવા ની જરૂર નથી ડૉક્ટર…. (કટાક્ષ માં) તમે તો મારા આ કામ થી શરમાઓ છો – મને ધિક્કારો છો – મારી દયા ખાવાની જરૂર નથી. (પાછો ફરી જાય છે)
ડૉક્ટર: વિજય મારી સૌ તો જો..
વિજય: સામું જોવાની જરૂર મને લાગતી નથી.
ડૉક્ટર: શાંત થા… મારી સામું જો… તું તો બહાદુર છે.
વિજય: બહાદુર, હિંમતવાન, અડગ, નીડર, વીર વગેરે શબ્દો નો ઉપયોગ કરીને તમે કેટલા જવાનોને ચડાવી દીધા છે ડૉક્ટર?
કવિ : (વચ્ચે થી) વિજય!
ડૉક્ટર: (કવિ ને રોકતાં) એને બોલવા દો કવિ.
વિજય: અને “એને બોલવા દો” કહીને મને એક તુચ્છ પ્રાણી જેવો ગણો છો. “એના બાપ નો જ દીકરો છે” કહી ને કેમ જાણે મારા બાપે કશુંક કલંક લાગે એવું કઈ કર્યું હોય તેમ મારા તરફ જુઓ છો.
કવિ : વિજય આજે તને શું થઇ ગયું છે?
ડૉક્ટર: કવિ – સોમેશ ને રાત્રે શું થતું?
વિજય: (કવિ તરફ ફરી) કવિ, તમે મારા પિતા વિષે કશુંક જાણતા લાગો છો….કહો ને કંઈ કલંક લાગે તેવું કર્યું હતું તેણે ? હું નથી માનતો…ખેર, એ તો દેશના એક શહીદ છે. દેશ માટે એમણે પ્રાણ ન્યોછાવર કરી દીધો છે. હું પણ તેને જ અનુસરીશ.
ડૉક્ટર: તારા બાપ ની વાત મૂકી દે. અનુસરવા જેવી તારી મા છે.
વિજય: (ઉશ્કેરાટ માં)તમે મારી મા નું નામ જ્યારે અને ત્યારે શીદને લીધા કરો છો? તમે એને ઓળખો છો?
ડૉક્ટર: હા.
વિજય: તો કહો – મારી મા ને તમે કઈ રીતે ઓળખો?
ડૉક્ટર: એ વાત જવા દે (ટીકા કરતા હોય તેમ) તારે તો તારા બાપ ને પગલે ચાલવું છે ને?
વિજય: ડૉક્ટર ! ખરેખર મારા પિતા એ કશું ખરાબ કામ કર્યું હતું? કહો તો, તમને તો હું મારા મુરબ્બી તરીકે માન આપતો આવ્યો છું. (અટકી ને) કવિ, તમે કહો, તમે તો મારા દૂરના સગા પણ છો. જવાબ દો. (ડૉક્ટર અને કવિ બીજી બાજુ જોઈ જાય છે) અરે કેમ કોઈ બોલતા નથી? શું એ નામર્દ હતા ? અરે તમે કોઈ ના કેમ પડતા નથી ? કોઈ ક તો બોલો?
ડૉક્ટર: વિજય, વાર્તા સારી હોય તો જ કહેવાય, ખરાબ વાર્તા સાંભળવાથી મગજ ખરાબ થાય છે.
વિજય: (વિહવળ થતાં) હું…..હું એક નામર્દ, જૂઠ્ઠા હીચકારા એવા નો પુત્ર ! હું એવા નું સંતાન! (ખુરશી પર બેસી ને ડૂસકાં ભરે છે)
ડૉક્ટર: (તેની પાસે જઈને ) ઊભો થા વિજય….જેટલો તું તારા બાપ નો દીકરો છે ને તેટલો તું તારી મા નો પણ છે.
વિજય: (ઊભો થતાં ) હિચકારો, નામર્દ એના જ જેવો ડૉક્ટર ! મને જ્યારે ચોગાન માં ઊભો રાખી ને, આંખે પાટા બાંધી ને … અરે એ બધું હું કેમ સહન કરી શકીશ…આવી અંધારી રાતે !…(રડે છે)
ડૉક્ટર: બિલકુલ નહિ. તારી મા ને ખાતર, જે દૂધ પીને તું ઊછર્યો છે એની ખાતર, સુમિત્રાના છોકરા એવું નહીં બને……
વિજય: ડૉક્ટર ! તમે ખરેખર એવું માનો છો? તમે માનો છો કે એ સંત્રીઓ ની બંદૂક સામે હું અડગ ઊભો રહી શકીશ?
ડૉક્ટર: જરૂર…તું ટકી શકીશ….માત્ર આ જ જનમ માં નહીં …જરૂર પડે તો આવતા જનમ માં પણ, તું સુમિત્રા નો છોકરો છે.
વિજય: ડૉક્ટર…..તમે મારી માને ચાહતા હતા? (સન્નાટો છવાય જાય છે)
ડૉક્ટર: (નિસાસા સાથે) હા….જેની ધીરજ અને હિમ્મત નો જે વારસો તારામાં ઊતર્યો છે એવી સુમિત્રા ને હું ચાહતો હતો. (ગળગળા થઇ ને) મને લાગે છે કે તું મર્દાનગી થી મોતને ભેટીશ .
વિજય: તમે ખરેખર એમ માનો છો?
ડૉક્ટર: હું એમ જ માનું છું. હું નહીં માનું તો કોણ માનશે?
કવિ : ડૉક્ટર ! આપ તો હૈ મેરી ઝિન્દા શાયરી .
(મંચ ની બીજી બાજુથી બારણું ખુલવાનો અવાજ આવે છે, પ્રકાશ નું વર્તુલ તે તરફ જાય છે ત્યાં કર્નલ ઊભા છે, તેઓ પોતાનાં હાથ ઉપરની ઘડિયાળ સામે જુએ છે)
ડૉક્ટર: વિજય …. દસ મિનિટ પુરી થઇ.
વિજય: અચ્છા ડૉક્ટર……મા ને કહેજો કે તેનું દૂધ હું પચાવી શક્યો છું. (પાછો ફરે છે અને કવિ પાસે અટકતા) કવિ, તમારી સોબત અને પ્રેરણા હું કેમ ભૂલીશ?
કવિ : વતન હંમેશા રહે શાદમાન ઔર આઝાદ
હમારા ક્યા હૈ અગર હમ રહે – રહે ન રહે !
વિજય: અમર રહો શાયરી ! (આગળ ચાલી શોભન અને હિરેન ને મળતાં ) દોસ્ત પુંઠા પર તો સ્વર્ગ ન મળ્યું પણ હવે તમારા પહેલાં હું પહોંચીશ.
શોભન: (વિજય ને ભેટતાં) તારું બલિદાન વ્યર્થ નહીં જાય દોસ્ત!
હિરેન: વિજય …. (ભેટે છે)
વિજય: અચ્છા ….ગુડ નાઈટ એવરી બડી …
ડૉક્ટર: ગુડ નાઈટ સ્વીટ ચાઈલ્ડ…..
(ફરી પ્રકાશ નું વર્તુળ બીજા ખૂણામાં આવે છે ત્યારે ત્યાંથી કર્નલ, કવિ અને વિજય ચાલ્યા ગયા હોય છે. શોભન અને હિરેન રૂમ ની બહાર તાકી ને ઊભા છે)
હિરેન: ખરેખર આજે એક મજાનો સાથી ગુમાવ્યો.
શોભન: મને ખ્યાલ નથી કે મારી પાસે શું રહ્યું છે હવે !
ડૉક્ટર: મિસ્ટર શોભન….
શોભન: (ડૉક્ટર પાસે આવીને) જી ડૉક્ટર….
ડૉક્ટર: આ ખુરશી મને જરા સરખી કરી આપજો તો –
(શોભન ખુરશી પ્રેક્ષકો ને દેખાય તેમ કાટખૂણે ગોઠવી ને હિરેન પાસે આવે છે। પ્રકાશ નું વર્તુળ તેની સાથે ફરે છે અને હિરેન અને શોભન પર સ્થિર થાય છે)
શોભન: કેવો હિમ્મત થી ચોગાન ની વચ્ચોવચ ઊભો છે. જાણે કોઈ મહાન શહીદ નું સ્ટેચ્યુ !
હિરેન: પેલો કર્નલ તેને કશુંક પૂછતો લાગે છે. જો કવિ પણ ત્યાં જ ઊભા છે….
શોભન: અંતિમ ઈચ્છા પૂછતો હશે.
હિરેન: (આશ્ચર્ય થી) અરે તેને આંખે પાટા બાંધવાની ના પાડી……શાબાશ દોસ્ત..
(એકદમ શાંતિ પછી બહારથી મિલિટરીના શૂટ કરવાના ઓર્ડર અને પછી બંદૂકો ફૂટવાનો અવાજ સંભળાય છે હિરેન અને શોભન નતમસ્તક ઊભા છે, ત્યાંથી પ્રકાશનું વર્તુળ ડૉક્ટર તરફ જાય છે, તે સ્વસ્થ ઊભા છે અને હોકલી પી રહ્યા છે, મોં માંથી નીકળતી ધુમ્રસેર હવામાં પ્રસરે છે.)
ડૉક્ટર: શાબાશ સુમિ… સુમિ તારા દીકરાએ આજે મને હરાવ્યો છે. શહાદતમાં હું પાછળ રહી ગયો છું.
(પ્રકાશનું વર્તુળ સ્ટેજના બીજા ભાગમાં આવે છે.)
કવિ : (અંદર આવી ને) છોકરો બહુ બહાદુરીથી મોત ને ભેટ્યો! એવી રીતે ડગલાં ભરતો હતો કે જાણે વામનજી ત્રિલોક ભરતા હોય.
શોભન: એણે અંતિમ ઈચ્છા શું કહી?
કવિ : જો ભેરુ આપ તો ડૉક્ટર જેવો જ આપજે (ગભરાઈ ને ડૉક્ટર તરફ જોતાં) અરે ડૉક્ટર !
(સાથે પ્રકાશનું વર્તુળ ફરે છે, ડૉક્ટર ખુરશીમાં ઢળી પડ્યા છે, તેમના હાથમાંથી હોકલી પડી ગઈ છે – કવિ સ્ટેજ ઉપર વચ્ચોવચ આવે છે, પ્રકાશનું વર્તુળ તેમના પર સ્થિર થાય છે)
કવિ : “મોત કે સાથ દિયે તુમસે જુદા હોતે હૈં ?
ખુશ રહો અહલે વતન હમ તો અબ વિદા હોતે હૈ”
(પ્રકાશનું વર્તુળ આસ્તે આસ્તે ઝાંખું થતું જાય છે અને તે અંધારામાં પડદો પડે છે.)
I was just a kid at that time, but remember the rehearsal part use to take place @572.. A great team work .. Quite different from normal drama..
નાટક વાંચવા કરતાં ભજવાય ત્યારે વધારે અર્થસભર બનતું હોય છે. કોટડી જેવા મર્યાદિત વાતાવરણમાં અને ગુલામીના પ્રતિક સમા અંધકારમાં સ્પોટલાઈટના સહારે આઝાદી માટે જોશીલા યુવાનો, બ્રિટીશ આર્મી સામે પડે અને શહીદ થવા બચી ગયેલા પાત્રો વચ્ચે… કવિ અને ડોક્ટર …પ્રણયની પડછે શૌર્યની વાત… કિસ્મતના દાણા અને દાવ … કઠપૂતળી સમા કર્નલ …વિષમ પરિસ્થિતિ અને વિવશતા…અને વિજય જાય છે… ખરેખર પાઠકે ‘ચાંદરણાં’ મનોમન ભજવવું જોઈએ…પોતે જ બધાં પાત્રો ભજવવા જોઈએ….તો…!
એ ન ભૂલવું જોઈએ કે ચાંદરણાંમાં પણ એ જ આઝાદીનો પ્રકાશ હોય છે…
This good story
Vahh