યુથોપનિષદ (પ્રકરણ ૧) – ડૉ. હાર્દિક યાજ્ઞિક 5


શહેરના સૌથી મોટા બ્રાન્ડેડ શૉરૂમમાં આવેલા વેદાસ સ્પેશિયલ કલેક્શનમાં એને એક ટી-શર્ટ ખુબ પસંંદ આવી. સંસ્કૃત ભાષાને તોડી મરોડીને બનાવાયેલ ફોન્ટસથી એની ઉપર લખ્યું હતું. “અથતો બ્રહ્મ જિજ્ઞાસા” એનો મતલબ શું થાય એ તો રામ જાણે, પણ ટીશર્ટ ધાંસુ લાગ્યુ એટલે એને ખરીદીને બહાર નીકળ્યો અને ત્યાંજ તેના ફોનની સ્ક્રીન પર એક નામ ઝબક્યું… “ડેડ”

ફોન ઉપાડીને એણે કશું જ સાંભળ્યાં વગર જ બોલવાનું શરૂ કર્યું, “બહાર છું.. અડધો કલાક થશે.. હમણાં પહોંચું છું.” ફોન કટ કર્યો અને ફોનની સામે જોઇ મનમાં અકળાયો; કે મને વિઝા કયારે મળશે? હદ છે યાર..

એને આ રોજનું હતું. પપ્પા મમ્મીને થતી ચિંતા એને મન બંધન હતી. છેવટે કંટાળીને બાઇક ઘર તરફ વાળી લીધું. ઘર પાસે એક વ્યક્તિ પર એની નજર અટકી ગઇ. ખૂબ જ ચોખ્ખા ધોતી ઝભ્ભામાં, ખૂબ જ પ્રભાવશાળી લાગતો એક માણસ સોસાયટીના નાકે આવેલા ઘરની બહાર ઉભો ઉભો સંસ્કૃતમાં કંઈક બોલતો હતો. ખબર નહીં પણ એને એ માણસમાં એક ગજબનું આકર્ષણ જણાયું. ઘર પાસે બાઇક પાર્ક કરીને અંદર જવાની જગ્યાએ એણે વળી પેલા વ્યક્તિ તરફ જોયું. પેલો માણસ દરેક ઘર આગળ ઉભો રહી ત્રણ વખત મોટેથી બોલતો.. “અંબ.. ભવતિ ભિક્ષાં દેહી..” પછી મૂંગા મોઢે ઘરના દરવાજાને જોઇ રહેતો. કોઇ ઘરની બહાર ન નીકળે એટલે એ ઘરને પ્રણામ કરી બાજુના ઘરના દરવાજે જઈ એજ રીતે ફરી બોલતો.

આ પ્રકારનો ભિખારી એણે જીવનમાં જોયો નહોતો. એના ભવ્ય કપાળ પરનો નાનકડો કંકુ ચાંલ્લો એના ચહેરાને વધારે પ્રભાવશાળી બનાવતો હતો. જીવનમાં બહુ ઓછા માણસો એવા મળે છે જેની સામે જોતાં એક અજબનું તેજ અનુભવાય. ખૂબ જ સામાન્ય હોવાં છતાંય આ માણસમાં એક અસામાન્ય આકર્ષણ હોય એમ એને લાગ્યું.

એક ભિખારીમાં તે શું આટલો રસ લેવાનો એમ મનોમન વિચારી એ ઘરમાં ગયો અને થોડી જ વારમાં એના કાને શબ્દો પડ્યા, “અંબ.. ભવતિ ભિક્ષાં દેહી.” ત્રણ વખત બોલાયેલ આ શબ્દોમાં એક અજબનુ ખેંચાણ હતું. અને ન છૂટકે પણ એ બહાર આવ્યો. એને જોઇ પેલા વ્યક્તિએ પ્રણામ કર્યાં અને આની ઇચ્છા ન હોવાં છતાંય એના બન્ને હાથ આપોઆપ સામે જોડાયા. આ તરફ પોતાના બે હાથનો ખોબો કરીને પેલો માણસ બોલ્યો, “ઇશ્વર, ભવતિ ભિક્ષાં દેહી.” એના પ્રભાવશાળી ચહેરાને તાકી રહેલ એ અનાયાસે જ બોલી ઉઠ્યો “પૈસા જોઇએ છે કે અનાજ?” અને એને વળતો જવાબ મળ્યો, “એનિથિંગ યુ લાઇક સર.. બેગર્સ હેવ નો ચોઇસ.. ધે કાન્ટ બી ચૂઝર્સ. ઇટ્સ એન ઇડિઅમ્… બટ આઇ થિંક ગ્રેઇન વિલ ડુ.” એક ભિખારીને આટલું ફાંકડુ અંગ્રેજી બોલતાં જોઇને એ અવાચક થઇ ગયો.. એ જ સ્તબ્ધ અવસ્થામાં એ અંદર જઇને તપેલીમાં ચોખા લઇ આવ્યો..

પોતાના ખભા ઉપરની એક થેલીમાં ચોખા લેતાં પહેલા એ વ્યક્તિએ એનું નામ અને ગોત્ર પૂછ્યું. ગોત્ર વિશે બહુ માહિતી હતી નહીં પણ પાછળથી આવેલ એના પિતાએ જણાવ્યું કે તેઓ ગૌતમ ગોત્રના છે. આ સાંભળી એ વ્યક્તિના મુખ પર એક આનંદની લહેર આવી ગઇ. એ ઈશ્વરને સંબોધીને બોલવા લાગ્યો કે ફલાણા વર્ષના ફલાણા દિવસે હું ગૌતમ ગોત્રમાં ઉત્પન્ન થયેલા યજમાનના ઘરેથી ધાન દાનમાં મેળવું છું. મારા જીવનના પુણ્ય ફળમાંથી એમણે મને કરેલ દાન જેટલું પુણ્ય હું એમને વળતું દાન કરું છું. આમ બોલી ઘરને પગે લાગી એ વ્યક્તિ આગળ ગયો.

બંધ થતી ઘરની જાળીમાંથી એ વ્યક્તિને જોઇ રહેલા એના મનમાં એક વંટોળ ચાલ્યો કે નક્કી આંગણે અવેલ કોઇ ભિખારી નહોતો. અને એના વ્યક્તિત્વને જોઇ એ કોઇ બનાવટી માણસ હોય તે માનવામાં આવે એમ નહોતું. થોડીવાર સુધી ટી.વીમાં મન પરોવવાનું શરૂ કર્યું પણ કોણ જાણે કેમ એ વ્યક્તિ એની આંખ સામે આવી જતો. મનમાં ઉભા થતાં પ્રશ્નોના જવાબ કોઇપણ ભોગે મેળવવાની સ્વભાવગત જીજ્ઞાસાથી બંધાયેલો એ વળી પાછો બાઇક લઇને શહેરની ગલીઓમાં એક ભિખારીને શોધવા નીકળ્યો.

વીતી ગયેલ વીસ મિનિટમાં એ ચાલતો પહોંચી શકે એવા દરેક સ્થળને એ ખૂંદી વળ્યો પણ ક્યાંય એને એ વ્યક્તિ ન મળ્યો.. કોણ હોઇ શકે એ?

કોઇ સારા ઘરનો માણસ પૈસા ન હોવાથી આમ ભીખ માંગતો હોઇ શકે? પણ એવું તો ન જ હોય કારણકે એના ચહેરા પર દુઃખનુ નામોનિશાન નહોતું. અરે! આટલુ અંગ્રેજી આવડતું હોય તો કોઇ નાની મોટી નોકરી તો મળી જ જાય,ભીખ તો ન જ માંગે…

કોણ હશે એ? ગજબનું આકર્ષણ હતું એનામાં! પોતાને મળેલ દાનના બદલામાં ભગવાન ભલું કરે એમ કહેતા અનેકને સાંભળ્યાં હતાં પણ અહીં તો એણે પોતાના પુણ્ય ફળમાંથી નિયત અમને પાછુ આપવાની વાત કરી એ વખતે એના ચહેરા પર કેટલી ખુમારી હતી. દાદી કહેતાં હતાં કે કોઇક કોઇક વાર ભગવાન કોઇ બીજા સ્વરૂપે આપણે ત્યાં આવે તો આ શું! ના.. ના, હોતું હશે! હું પણ ક્યાંનો ક્યાં પહોંચી જાઉં છું. છોડ ને…

આમ મનમાં બબડી એણે બાઇક ઘર તરફ પાછી વાળી.. પણ ક્યાંક મનમાં ઉંડે ઉંડે થતું હતું  કે કોણ હશે એ?

ભગવાન કે ભિખારી!

– ડૉ. હાર્દિક નિકુંંજ યાજ્ઞિક

પુસ્તક પ્રાપ્તિની વિગતો – ૧૫૯ પાનાંં, કિમત ૧૩૫ રૂ., અમેઝોન પરથી અહીં ક્લિક કરીને મેળવી શકાશે.


આપનો પ્રતિભાવ આપો....

5 thoughts on “યુથોપનિષદ (પ્રકરણ ૧) – ડૉ. હાર્દિક યાજ્ઞિક