ઈશાની (લઘુનવલ) – દિપિકા પરમાર 13


પોતાના આલિશાન ચાર માળના રજવાડી ઘર કમ મહેલના વૈભવશાળી બેડરૂમના દસ બાય દસના બેડ પર આડી પડેલી ઈશાની છેલ્લા એક અઠવાડિયામાં પોતાના જીવનમાં આવેલા વળાંકોથી હતપ્રભ થઈને વિચારતંદ્રામાં સરી ગઈ હતી. પોતે શું હતી ને ક્યાં હતી? ઘણીવાર તમે પોતાના જીવનનો આખો માસ્ટરપ્લાન બનાવી નાખતાં હોવ છો ને પછી જિંદગી અચાનક એવો વળાંક લે છે કે બધાં પ્લાન, પ્લેઇન થઈ જાય છે. આવું જ બન્યું ઈશાની સાથે. ઈશાનીને એક મહિના પહેલા પોતાની લંડનની સવાર યાદ આવી ગઈ. પોતાના જ આદર્શો ને નિયમો સાથે જીવનારી ઈશાનીના લંડનજીવનની એ સવાર.

ઈશાનીના પિતા રામદેવસિંહે પોતાની લાડકી દિકરી ઈશાનીની લંડન ભણવા જવાની જીદને મંજૂર રાખી. ઈશાની જાણતી હતી કે તેને પિતા ના નહિ પાડે. રામદેવસિંહ જેટલા સાચા ક્ષત્રિય હતાં એટલા જ સ્ત્રીદાક્ષિણ્યથી ભરપૂર વિચારસરણી ધરાવતા હતાં. એમનો ડાયમંડ બિઝનેસ એમને દેશનાં સફળ અને અગ્રણી ઉદ્યોગપતિમાં નામના અપાવતો હતો. રામદેવસિંહ માનતાં કે દિકરીઓએ પગભર તો થવું જ જોઈએ. માટે જ તેમણે ઈશાની શિમલામાં બી.કોમ. થઈ પછી લંડનમાં એમ.બી.એ. કરવા જવાની હા પાડી.

“આપણા અમદાવાદમાં ક્યાં કોલેજોનો દુકાળ છે તે તમે ઈશાનીબાને લંડન મોકલો છો?” સીતાબાએ માતાસહજ ચિંતાથી કહ્યું.

“જુઓ સીતા, મેં ક્યારેય મારા નિર્ણયો મારી દિકરીઓ પર થોપ્યા નથી. અને ઈશુ લંડનથી ડિગ્રી લે તે સારું જ છે ને બિઝનેસનો સારો અનુભવ મળશે.”

સીતાબાથી રહેવાયું નહિ, ”અરે એને બિઝનેસ નહિ પૂર્વાબાની સાથે સાથે હાથ પીળા કરવાનું વિચારો..”

હંમેશાની જેમ સીતાબાની વાત અધૂરી રહી ગઈ અને ઈશાની લંડન પહોંચી પણ ગઈ. બંને બાપદિકરી વચ્ચે ગજબનું જોડાણ હતું. એકબીજાને જેટલી સારી રીતે બંને સમજતાં એટલી જ સારી રીતે બંને એકબીજાની વાત માનતાં. એકબીજાની નાનામાં નાની વાતની કાળજી રાખનાર બાપદિકરી કદી એકબીજાથી છૂટાં પડ્યા ન હતાં તેથી થોડાં દિવસ બંનેને ગોઠ્યું નહિ પણ ધીમેધીમે ટેવ પડવા લાગી. રામદેવસિંહ પહેલાં જ મહિનામાં ત્રણ વાર લંડન જઈ આવ્યાં.

રામદેવસિંહના માત્ર બે સંતાનોમાં મોટાં પૂર્વાબા અને નાનાં ઈશાનીબા. બંને બહેનો વચ્ચે ઉંમરમાં માત્ર એક વર્ષનો પણ સ્વભાવમાં જમીન આસમાનનો ફરક. પૂર્વાબા બાળપણથી જ શાંત , શરમાળ ને કહ્યાગરા. માતાપિતા અને વડીલોની દરેક વાત માને. જ્યારે ઈશાનીબા તો હરતુંફરતું વાવાઝોડું. મનમાં આવે તેમ જ કરવાનું.

રામદેવસિંહથી કદી કશું ન છુપાવનારી ઈશાનીએ પહેલી વખત એક મોટી વાત છુપાવી હતી. એમ.બી.એ.ના બહાને લંડન ચાલી જવું અને પછી ત્યાંથી અન્ય દેશમાં જવું એ ઈશાનીએ નક્કી કરી રાખ્યું હતું કારણ કે દુનિયા ભમવી એ એનું સ્વપ્ન હતું. પહેલું આખું વર્ષ ઈશાની ન આવી ત્યારે પૂર્વાબા અને રામદેવસિંહને કશી નવાઈ ન લાગી પરંતુ સીતાબાને થોડી શંકા ગઈ. જ્યારે ઈશાની દિવાળીએ પણ ન આવી ત્યારે સીતાબાને પાકી ખાતરી થઈ ગઈ. પૂર્વાબાના સાથે દિવાળી ઉજવવાના આગ્રહ છતાં ઈશાની ન આવી.

ક્ષત્રિય કુટુંબમાં જન્મેલી ઈશાનીને બાળપણથી જ રીતરિવાજોમાં રસ ન હતો. એને તો મસ્ત મનમોજી પંખીની જેમ ઉડવું હતું. નાનપણમાં તો સીતાબા પણ હસવામાં કાઢી નાખતા પણ યુવાનીમાં પ્રવેશેલી ઈશાની એવી જ મનમોજી રહી. ઉલટાનું તે સારામાં સારી બ્રાન્ડના ડિઝાઈનર કપડાં પહેરતી થઈ. પૂર્વા જ્યારે પરંપરાગત કપડાંમાં પોતાની માતા સાથે દરેક ઉત્સવ અને પાર્ટીમાં ભાગ લેતી ત્યારે ઈશાની પોતાના મિત્રો સાથે પાર્ટી કરતી અથવા મૂવીની મોજ મનાવતી. ઈશાની મોટી થતી ગઈએમ તેના મિત્રો વધતા ચાલ્યા. સીતાબાના પ્રશ્નોના લીધે એ તેમને કદી ઘરે લાવતી નહિ પરંતુ બહાર એને કોણ કહેવાવાળુ હતું? બધા મિત્રોએ પાર્ટી કરવા માટે અમદાવાદનું એકપણ સ્થળ બાકી રાખ્યું ન હતું. માત્ર રામદેવસિંહ જ ઈશાનીને સમજાવી શકે. ઈશાની ભણવામાં ખૂબ જ તેજસ્વી. નાનપણથી જ બિઝનેસની આંટીઘૂંટીઓ સમજવા લાગી.

રામદેવસિંહ પોતાની બંને દિકરીઓને ખૂબ ભણાવવા માગતા હતાં. તેમના ગામ વીરગઢમાં નેવું ટકા વસ્તી ક્ષત્રિયોની હતી. ગામમાં હજુ સ્ત્રી-શિક્ષણ વિશે જાગૃતિ ન હતી અને ખાસ સગવડ પણ ન હતી. તેથી જ તેઓ બાપીકી સંપતિ સાચવવા અને જમીન ખેડવાને બદલે અમદાવાદ આવી ગયા. પિતા હરિસિંહ અને માતા ધનકુંવરબાને તો ગામડાની હવા જ ગોઠતી હતી એટલે તેઓ વીરગઢમાં જ રહ્યાં, પરંતુ વધતી ઉંમરના કારણે તેઓ પણ થોડા વર્ષો પછી અમદાવાદ આવી ગયાં.

રામદેવસિંહે માત્ર એક નાનકડાં હીરાના કારખાનાથી શરૂ કરેલો ધંધો માત્ર પંદર જ વર્ષમાં આઠ કંપનીઓ ધરાવતું ‘ધી ઈશાની ગ્રુપ ઓફ કંપનીઝ’ બની ગયું. બધા બિઝનસ વર્તુળોમાં રામદેવસિંહની કુનેહ, હોશિયારી અને સમજદારી અંગે ખૂબ ચર્ચાઓ થતી. રામદેવસિંહ તો પોતાની સફળતા પાછળ પોતાની માતા, પત્ની અને દિકરીઓના લેડી લકને જ જવાબદાર ગણાવતાં. રામદેવસિંહે પોતાના બિઝનેસ પાર્ટનરો સાથે એક કુટુંબભાવના ઊભી કરતાં.

રામદેવસિંહના માયાળુ સ્વભાવે એમને ઘણા મિત્રોની ભેટ આપી હતી. એવાં જ એક ગાઢ મિત્ર ધનજીભાઇને ખબર પડી કે ઈશાની લંડન જવાની છે એટલે તુરત જ એમણે પોતાનું લંડન ખાતે રહેલું ઘર સફાઈ કરીને ઈશાની માટે સોંપી દીધું. ધનજીભાઈએ વેસ્ટ બ્રોમ્પટનમાં ખરીદેલું એ ઘર ખૂબ જ વૈભવશાળી હતું. લંડનના એ પોશ વિસ્તારમાં આવેલું એ ઘર ધનજીભાઈની અમીરીની સાક્ષી હતું. ઈશાની પોતાની પણ દિકરી છે અને ઈચ્છે ત્યાં સુધી એ ઘરમાં રહી શકે છે એવું ધનજીભાઈએ ઈશાનીના પિતાને સ્પષ્ટ કહી દીધું.

બાળપણથી જ ગરમી પ્રત્યે એકદમ ચીડ ધરાવનારી ઈશાનીને લંડનનું ઠંડું વાતાવરણ ખૂબ ગમ્યું. ઈશાની પહેલાં જ દિવસે જઈને સરસ મજાના સ્ટાઈલીશ ઓવરકોટ ખરીદી આવી. ધનજીભાઈનું ઘર પણ તમામ આધુનિક સુવિધાઓથી સજ્જ ઈશાનીના સ્વાગત માટે એકદમ તૈયાર હતું. ડબલ ફલોરવાળું એ ઘર નીચેના માળે એક મોટો હોલ અને કીચન ધરાવતું હતું. હોલમાં ટોટલ એક કોર્નર રોકતાં એ સોફા પચ્ચીસ ફૂટની લંબાઈ ધરાવતા હતાં. એની બરાબર સામે એક આખી દિવાલ રોકતું એલ.ઈ.ડી. હતું. સોફાવાળા કોર્નરની બાજુમાં કાચની દિવાલ ધરાવતું કીચન હતું. હોલની એક આખી દિવાલ કાચની હતી, જેના પર રુબેલીના ઓફ વ્હાઈટ કલરના પડદા લગાવ્યા હતાં. તેની પાસે રહેલા નાના મુલાયમ કોટ પર બેસવાનું અને કાચની દીવાલની પેલે પાર ઘરના આંગણામાં રહેલ બગીચો ઈશાનીને બહુ ગમતો. ઈશાનીને એના મિત્રો ઘણીવાર કહેતાં પણ ખરા કે આવી રીતે શાંતિથી તું બેઠી હોય એ તારા સ્વભાવને મેચ નથી થતું. પણ ઈશાની તો મનમોજી હતી ને! એને થાય કે મારે બગીચો જોવો છે એટલે તે કોફીનો મગ લઈને બેસી જતી.

ઈશાનીએ લંડન પહોંચ્યાના પ્રથમ જ દિવસે પૂર્વાને ફોન કરી લીધો, ”સો મચ ફન હીઅર દી, પીપલ હેવ નો ઈન્ટરેસ્ટ, વ્હેન એન્ડ વ્હોટ યુ ડૂ. ઈન્ડિયાના લોકોને તો કેટલી બધી પંચાત હોય છે!”

“વાહ, મારી બહેન તો પ્રથમ જ દિવસે જ અંગ્રેજ બની ગઈ ને કાંઈ!“ ઈશાનીના અવાજ પરથી પૂર્વાને એનો આનંદ જણાઈ આવ્યો. ઈશાની અને પૂર્વા એકબીજા સાથે ઘણીવાર ફોન પર વાત કરતાં. મોટેભાગે ઈશાની પોતે કઈ જગ્યાએ ફરી, શું જાણ્યું અને કેવી મજા આવી એની જ વાતો કર્યે રાખતી. ઈશાની ઘરના સભ્યોના સમાચાર બહુ પૂછતી નહિ પણ પૂર્વા સામેથી જ બધું કહ્યે જ રાખતી. સીતાબા સાથે તો ઈશાની કંઈ ને કંઈ બહાનું કાઢીને લાંબી વાત કરવાનું ટાળતી. એ બંને વચ્ચે થતી વાતચીતમાં મોટેભાગે સીતાબા જ બોલતાં અને તેમાં પણ સલાહસૂચનોનું પ્રમાણ જ વધારે રહેતું. રામદેવસિંહ જ્યારે પણ લંડન જતાં ત્યારે ઈશાની પોતાનાં અભ્યાસ અને જોયેલાં સ્થળોની વાત કરવાનું ભૂલતી નહિ.

ઈશાનીનાં વ્યક્તિત્વમાં એક અનોખું આકર્ષણ હતું. ઊંચો બાંધો, સુંદર ગોરો રંગ, મોટી મોટી આંખો, પ્લાસ્ટિક સર્જરીથી પણ ન થાય એવા સુંદર હોઠ, સુરાહી ડોક, આ બધું મળીને ઈશાનીને એટલું સુંદર બનાવતું હતું કે એના પરથી નજર ન હટે. ઈશાનીની જેમ જ પૂર્વાબા પણ ખૂબ સુંદર હતાં, પણ ઈશાનીની ધારદાર નજર અને હાજરજવાબી એનામાં ખૂટતાં હતાં. ઈશાનીના દાદીમા ધનકુંવરબા તો લાડથી ઈશાનીને મારી અપ્સરા એમ કહેતાં ને ઈશાનીની પાતળી કમર જોઈને કહેતાં પણ ખરાં કે બેટા થોડું ઘી-દૂધ ખાવાનું રાખ.

ઈશાનીના દેખાવ, વ્યક્તિત્વ, વાકપટુતા, સ્મિત, વૈભવી લાઈફસ્ટાઈલ બધું મળીને ઈશાનીને મિત્ર બનાવવા માટે એક મોસ્ટ ડિઝાયરેબલ પર્સન બનાવતા હતાં. ઈશાની માત્ર સુંદર જ નહિ, બલકે એક ક્ષત્રિયાણીમાં હોય એ તેજ અને આંખમાં અનોખી ચમક ધરાવતી હતી. ઈશાનીને મિત્રો ઘણા હતાં, પરંતુ ઈશાનીના ઘર સુધી પહોંચવાની છૂટ અમુકને જ મળતી. જે ઈશાનીના ઘર સુધી પહોંચતાં તેમને મજા પડી જતી. એમને ઈશાનીનું ઘર પોતાનું હોય એમ જ સમજવાનું રહેતું. રામદેવસિંહે ઈશાનીને કોઈ જાતની તકલીફ ન પડે એ માટે એક કૂક અને એક મેઈડને લંડન મોકલી આપ્યા હતાં, જેમને દર છ મહિને ભારત આવવા મળતું હતું. આ બંને જણા ઈશાનીની સરભરા કરવા માટે ખડેપગે રહેતાં. આ બંનેને રામદેવસિંહ ઉપર ખૂબ માયા એટલે બંને ઈશાનીની પોતાની દિકરી હોય એવી કાળજી રાખતાં હતાં.

ઈશાની ઊઠે એટલે તરત જ તેના બેડરૂમમાં ઉપર તેનું જ્યુસ અથવા કૉફી પહોંચી જતી. ઈશાની નહાવા માટે જાય એ પહેલાં બાથરૂમમાં બધી વસ્તુઓ તૈયાર હોય. ઈશાની તૈયાર થઈને નીચે આવે એ પહેલાં ટેબલ પર ટેબલ પર ઈશાનીની પસંદગીની વાનગીઓ અને બે-ચાર મિત્રો રાહ જોતાં હોય. ઈશાનીના મિત્ર હોવાનો આ એક મોટો ફાયદો હતો. સવારના પહોરમાં વાનગીઓની મિજબાની મળી જતી. બહુ જ ઓછા મિત્રોને પોતાના ઘર સુધી પહોંચવાની છૂટ આપતી, પણ જેને આવી છૂટ આપતી એમના માટે ઈશાનીના ઘરમાં કોઈ રોકટોક રહેતી નહિ. હા, ઈશાનીના ઉપરના માળે રહેલા બેડરૂમમાં મેઈડ, કૂક, અનિકા અને રામદેવસિંહ સિવાય કોઈ ન જઈ શકતાં. અનિકા તો ઈશાનીની બેસ્ટી હતી. તે પણ ભારતથી જ આવી હતી ને ગુજરાતી હતી. એકદમ સાદી અનિકા અમદાવાદની બાજુના જ ગામની હતી.

રોજ નાસ્તાના સમયે હાજર થઈ જતાં અને મોટેભાગે પોતાનું ઘર હોય એમ પડ્યાં રહેતાં ઈશાનીના મિત્રો મેઈડ અને કૂકને જરાય ન ગમતાં, સિવાય કે અનિકા. ઘણીવાર તેઓ ઈશાનીને ટોકવા જતાં તો ઈશાની એમને પરખાવી દેતી, ”તમને અહીં ડેડીએ મારી મદદ કરવા મોકલ્યાં છે, મને ડિસ્ટર્બ કરવા નહિ. મારું કામ કરો અને મજા કરો. પ્લીઝ, સીતાબા થવાનો પ્રયત્ન ન કરશો.”

ઈશાની આવું બોલતી છતાં એ બંનેને જરાય ઓછું આવતું નહિ. બંનેએ ઈશાનીને નાનપણથી મોટી થતાં જોઈ હતી અને બંને રામદેવસિંહના જૂના અને વફાદાર માણસો હતાં, માટે તેમને ઈશાની માટે ખૂબ વાત્સલ્યભાવ હતો. ખાસ કરીને મેઈડને સીતાબાએ ઈશાનીની કાળજી રાખવાની ખાસ ભલામણ કરી હતી. રામદેવસિંહ જ્યારે પણ લંડન આવે ત્યારે એ બંને ઈશાનીની બધી વાત એમને કહેતાં ત્યારે એમની ચિંતા હળવી થતી. રામદેવસિંહને પોતાની દિકરીના ક્ષત્રિય લોહી પર પૂરો ભરોસો હતો કે જે કદી તેની મર્યાદા ન ઓળંગી શકે. રામદેવસિંહનો આ વિશ્વાસ ઈશાનીએ એક દિવસ સાચો પણ ઠેરવ્યો.

એક વીકેન્ડમાં ઈશાનીએ દુનિયા આખી જોવાની પોતાની મહેચ્છાના ભાગરૂપે લંડનની થેમ્સ નદીના કિનારે ચાલવાનો અને ફરવાનો પ્રોગ્રામ બનાવ્યો. દરેક વીકેન્ડમાં લંડનની કોઈપણ જગ્યાની મુલાકાત લેવી એ જાણે ઈશાનીનું રુટીન હતું અને આ રુટીનમાં ઈશાનીના ખાસ મિત્રો સાથે જ હોય. ઈશાનીની મુલાકાતો માત્ર મુલાકાતો જ નહિ, પણ ઝીણવટભર્યા અભ્યાસો હતાં. ઈશાની દરેક જગ્યા કે સ્થળનો ઝીણવટભર્યો અભ્યાસ કરતી. ઘણીવાર તો એટલાં ઊંડા સવાલો ગાઈડને પૂછતી જેનો જવાબ ગાઈડને પણ ખબર ન હોય. ઘણીવાર તો મિત્રો બોર પણ થતાં પણ ઈશાનીની બેસ્ટી અનિકા અહોભાવથી ઈશાની સામે જોઈ રહેતી કે આ છોકરીને કેટલી જિજ્ઞાસા છે. ઈશાની પણ જ્યાં સુધી પોતાનો જવાબ ન મળે ત્યાં સુધી જંપતી નહિ.

આવા જ એક થકાવટભર્યા થેમ્સ નદીના પ્રવાસેથી પરત આવીને ઈશાનીએ થાક્યા હોવાં છતાં પોતાની હંમેશની ટેવ મુજબ લેપટોપમાં આજના પ્રવાસની ઝીણામા ઝીણી વિગતો લખી અને ફોટા પણ એડ કર્યાં. આખી ફાઈલ પૂરી કરતાં ખૂબ મોડું થયું અને ઈશાની વહેલી સવારે સૂતી.

થાકેલી ઈશાનીને આરામ કરવા દઈ મેઈડ અને કૂક ઘરની સાફસફાઈમાં વળગ્યા. એવામાં નિક ત્યાં આવી ચડ્યો. નિક ઈશાનીનો એકદમ ખાસ મિત્ર ન હતો, પરંતુ ઈશાનીના ઘેર તે કોઈવાર આવતો. ઈશાનીના મેઈડ અને કૂકને તે વિચિત્ર લાગતો ને ગમતો નહિ, પણ તેઓ ઈશાનીને કંઈ કહી શકતા નહિ. એ લંડન વિશે ઘણું જાણતો એટલે ઈશાની તેની પાસેથી બધી માહિતી લેતી રહેતી પણ પોતાની સાથે ફરવા કદી ન લઈ જતી. આજે પણ નિક આવીને સીધો સોફા પર બેસી ગયો. કૂક અને મેઈડ રસોડાની પાછળના વરંડાની સફાઈ કરતાં હતાં. નિક સોફા પર બેસીને મેગેઝીનના પાના ઉથલાવતો હતો. બરાબર એ જ વખતે ઈશાની ઊઠીને અધખૂલી આંખે અડધી ઊંઘમાં નીચે આવી,કારણ કે તેની કોફી હજુ ઉપર તેના બેડરૂમમાં પહોંચી ન હતી. લાંબી ઊંઘ લઈને ઈશાની એકદમ સુંદર લાગતી હતી અને તેના વાળ વિખરાયેલાં હતાં. મોં પર પાણી છાંટ્યું હતું એટલે તાજા ખીલેલાં કમળના ફૂલ જેવી લાગતી ઈશાની ઊંઘરેટી દશામાં ધીમેધીમે પગથિયાં ઊતરી રહી હતી. નિકનું ધ્યાન બરાબર એ જ વખતે ઈશાની પર ગયું. નિકે એકદમ દાદર ઊતરતી ઈશાની સામે ધસી જઈ ઈશાનીનું મોં બંને હાથે પકડી લીધું. નિક પોતાના હોઠ ઈશાનીના ચહેરા નજીક હજુ લઈ જવા જતો હતો ત્યાં જ ઈશાની એકદમ ભાનમાં આવી અને જોરથી નિકને હડસેલતાં બોલી ઊઠી, ”હાઉ ડેર યુ, બાસ્ટર્ડ, હાઉ કેન યુ થિંક અબાઉટ ઇટ? જસ્ટ ગેટ આઉટ ઓફ માય હાઉસ એન્ડ નેવર થિંક અબાઉટ ઓફ કમિંગ બેક એવર.”

“યુ બ્લડી ઈન્ડિયન્સ, પ્રીટેન્ડ ટુ બી મોર્ડન બટ યુ પૂઅર્સ નેવર કેન બી..” બોલતો બોલતો નિક ફરીવાર ઈશાની તરફ ધસી ગયો. રઘવાયા થઈને ઈશાની તરફ ધસી જતાં નિકને મોં પર જોરદાર મુક્કો પડ્યો. ઈશાનીએ જૂડોમાં મેળવેલી તાલીમનું આ મુક્કો પરિણામ હતું. ગુસ્સાને કારણે ઈશાનીનું મોં વધારે લાલ હતું કે આંખો એ કહેવું મુશ્કેલ હતું. નિકના નાકમાંથી દડદડ લોહી વહેવાં લાગ્યું. ઝઘડાંની વચમાં અચાનક આવી ચડેલાં ઈશાનીના મિત્રો અનિકા, જોન્સન, એલી અને મેઈડ અને કૂક આ બધા હતપ્રભ થઈને અત્યાર સુધી જોઈ રહ્યા હતાં તે એકદમ સભાન થઈ ગયાં. બધાં દોડીને ઈશાની પાસે પહોંચી ગયાં. નિક પોતાનું નાક બંને હાથ વડે દબાવીને બેઠો હતો. કોઈ ઈશાનીના ખભે હાથ મૂકીને ઊભું હતું તો કોઈ નિક સામે તુચ્છ નજરે જોઈ રહ્યું હતું.

“માસીબા, ફર્સ્ટ એઈડ બોક્સ લાવો.”

“ઈશુ, આને તો પોલીસના હવાલે..” પોતાની મેઈડને માસીબા કહેતી ઈશાનીએ તેમને અધવચ્ચેથી અટકાવીને કહ્યું, “માસીબા, પ્લીઝ ડુ વોટ આઈ સે. ફર્સ્ટ એઈડ બોક્સ.” ઈશાની હવે સ્વસ્થ થઈ ગઈ હતી.

ઈશાનીએ જાતે નિકને પાટાપીંડી કરી આપી, “શા માટે આને પાટાપીંડી ઈશુ?” અનિકાથી રહેવાયું નહી.

“વી બ્લડી ઈન્ડિયન્સ હોસ્ટ્સ અવર ગેસ્ટસ કમ્પ્લીટલી. ઈટ્સ અવર કલ્ચર. આપણે મોર્ડન પણ થઈ શકીએ છીએ અને આપણા દુશ્મનને સાચવી પણ શકીએ છીએ. વ્હોટ ઈઝ યોર ડેફિનેશન ઓફ મોડર્નિટી પૂઅર નિક, આઈ ડોન્ટ નો. બટ વી ઈન્ડિયન્સ કેન બી મોડર્ન એન્ડ રીસ્પેક્ટ વિમેન એટ ધ સેમ ટાઈમ.” ઈશાનીએ જવાબ આપ્યો. નિક ચાલતો થઈ ગયો.

અનિકાને આજે પોતાના ભારતીય હોવા વિશે અને ઈશાનીના મિત્ર હોવા વિશે ગર્વ થયો. માસીબાને આજે ખાતરી થઈ ગઈ કે ઈશાની પુરુષમિત્રો બનાવી જાણે છે અને એ જ પુરુષમિત્રોને તેમની મર્યાદા પણ બતાવી જાણે છે. બધાને તો ઈશાનીના મોઢે ભારતીય સંસ્કૃતિના વખાણ થયા એનું ભારે અચરજ લાગ્યું. ઈશાની પોતે પણ પોતાના વર્તન અંગે અચરજમાં હતી. “રિવાજોમાં ન માનવું એ અલગ વાત છે અને પોતાના દેશની સંસ્કૃતિનું જરૂર પડ્યે ગૌરવ કરવું એ અલગ વાત છે.” ઈશાનીએ કહી તો દીધું પણ અસમંજસ અનુભવતી તે તૈયાર થવા ચાલી ગઈ. પોતાની આટલા વર્ષોની ઉંમરમાં પ્રથમ વખત મિત્રની પસંદગીમાં થાપ ખાઈ ગઈ હતી.

રામદેવસિંહ થોડા દિવસ પછી આવ્યાં ત્યારે પહેલાં તો નિકને પાઠ ભણાવવા ઊભા થયાં પણ ઈશાનીની સમજાવટથી માન્યાં. અંદરખાને એમને એ વાતનો આનંદ થયો કે ઈશાનીની અંદર એક સાચી ક્ષત્રિયાણી વસે છે જે પોતાનું માન જાળવી શકે છે. આવી ઈશાનીની તેમને પહેલી વાર ઓળખ થઈ. તેઓ પોતાની વહાલી દિકરી વિશે નિશ્ચિંત થઈ ગયાં. આ ઘટનાની ઈશાનીની બિઝનેસ સ્કૂલમાં ઘણા દિવસો સુધી ચર્ચા થઈ. ઈશાનીની હિંમત અને માફી બંને વખણાયાં.
આ એક ઘટનાને બાદ કરતાં ઈશાનીનો એમ.બી.એ.નો કોર્ષ અને લંડનદર્શન બંને સરસ ચાલી રહ્યું હતું. ઈશાની ખૂબ આનંદથી દરેક વીકેન્ડમાં પોતાના મિત્રો સાથે ફરતી અને એવી ઊંડી જાણકારી મેળવી આવતી કે જેના વિશે તેના લંડનમાં જન્મીને મોટા થયેલાં મિત્રો પણ જાણતાં ન હોય. પણ બધું જ આપણે ધારેલું થતું નથી. એક દિવસ એવો આવી પડ્યો કે ઈશાનીને પોતાનો ઈરાદો ફેરવવો પડ્યો.

રામદેવસિંહ પોતાના બિઝનેસમાં ખૂબ પ્રગતિ કરી રહ્યાં હતાં. રામદેવસિંહે પૂર્વાના જન્મદિવસે પોતાના જીવનની સૌથી મોટી સફળતા મેળવી. ભારતનાં સૌથી મોટાં બિઝનેસ ટાયકૂન ગણાતાં દિલીપસિંહજી સાથે એમણે મોટી ડીલ સાઈન કરી. ગુજરાતી ભોજનને આખા દેશ અને વિશ્વમાં પ્રસિધ્ધિ અપાવે તેવી ફાઈવસ્ટાર ગુજરાતી હોટલો બનાવવાનું દિલીપસિંહ અને રામદેવસિંહ બંનેનું સપનું હતું. એક બિઝનેસ સેમિનારમાં બંને મળ્યાં ત્યારે આ અંગે વાત થઈ હતી.
એક દિવસ રામદેવસિંહ ઘરની બાજુમાં જ બનેલી પોતાની ઑફિસમાં કામ કરી રહ્યાં હતાં ત્યારે અચાનક દિલીપસિંહનો ફોન આવ્યો. તેઓ હોટલો બનાવવાના પ્રોજેક્ટ અંગે વાતચીત કરવા માગતાં હતાં. પોતાના ઉપર દિલીપસિંહજીનો ફોન આવવો એ રામદેવસિંહ માટે ખૂબ જ મોટી વાત હતી, પરંતુ દિલીપસિંહજીને તો રામદેવસિંહની કુશળતા અને હોશિયારી ખૂબ ગમ્યાં હતાં. વાત કરતાં ખ્યાલ આવ્યો કે દિલીપસિંહ એ દિવસે કામ સબબ અમદાવાદ આવ્યાં હતાં માટે રામદેવસિંહે એમને ઘેર જ આવવાનું આમંત્રણ આપ્યું.

બે કલાક પછી તો બંને રામદેવસિંહના ઘરનાં હૉલમાં બેસીને વાત કરી રહ્યાં હતાં. બંનેએ પોતાના વકીલો, સલાહકારો અને તમામ જરૂરી વ્યક્તિઓને વિડીયો કૉન્ફરન્સ વડે સાંકળી લીધાં અને આખા પ્રોજૅક્ટનો તખ્તો બની ગયો. દિલીપસિંહજીની ‘ ધ રોયલ ગ્રુપ ઓફ કંપનીઝ’ સાથે ડીલ સાઈન કરવી એ રામદેવસિંહ માટે મોટી સફળતા હતી. દિલીપસિંહ માટે તો ગુજરાતી સભ્યતા અને સંસ્કૃતિ બધે ફેલાવવાનું સપનું હતું જે હોટલના પ્રોજેક્ટ થકી પૂરું થઈ શકે એમ હતું. માટે તેઓ આ પ્રોજેક્ટમાં વ્યક્તિગત રસ લઈ રહ્યાં હતાં.

બધી ચર્ચા પૂર્ણ થયાં પછી શેફ ડાઈનીંગ ટેબલ પર શુદ્ધ ગુજરાતી વાનગીઓ પીરસી રહ્યા હતા અને બંને ભાગીદાર એ વાનગીઓની મોજ માણી રહ્યાં હતાં.

“સાચું કહું રામદેવસિંહ, આટલી મોજથી આપણી ગુજરાતી રસોઈ મેં ઘણા સમયે ખાધી. મોટેભાગે તો ઘરની બહાર જ મારું પેટ જે તે વસ્તુથી ભરાય છે, ઘરની રસોઈ તો ભાગ્યે જ મળે છે. કોઈ રસોઈના સારા જાણકાર મહારાજે રસોઈ બનાવી લાગે.”

“આ ચોખ્ખા ઘીની જલેબી લો સાહેબ, ગમે એટલાં વધારે મહેમાન હોય તો પણ અમારા ઘરની રસોઈ તો મારા ધર્મપત્ની જ બનાવે છે અને આ એમની સ્પેશ્યલ જલેબી છે.”

“અરે! કોણ સાહેબ? જુઓ રામદેવસિંહ, તમે મને નામથી જ બોલાવો અથવા આપણી ડીલ કેન્સલ.”

બંને જણા એકસાથે હસી પડ્યા. આટલો અમીર અને વ્યસ્ત માણસ કેટલો સરળ છે એ બાબત રામદેવસિંહને અચરજ પમાડતી હતી. વર્ષો જૂના મિત્રો હોય એમ વાતોના પડ ખૂલી રહ્યાં હતાં. દિલીપસિંહજીનો પી.એ. આવીને બે વાર તેમની હવે પછીની મિટિંગોનો સમય કહી ગયો પણ દિલીપસિંહજીને ઘણા સમયે તેમના જેવું કોઈ મળ્યું હતું. બરાબર એ જ વખતે પૂર્વાબા અને ધનકુંવરબા મંદિરના ઉત્સવમાંથી અને રસોડામાંથી સીતાબા આવ્યાં. રામદેવસિંહે બધાને દિલીપસિંહજીની ઓળખ અપાવી. પૂર્વા સુંદર તો હતી જ એમાંય આજે એણે રજવાડી પોશાક પહેર્યો હતો. પૂર્વા પોતાના દિકરા માટે પર્ફેક્ટ મેચ છે એવું તેમને લાગ્યું.

દિલીપસિંહજીને ગામડાંની હવા ખૂબ ગમતી. એથી જ એમણે પોતાના પૈતૃક ગામ રામપુરમાં આશરે બે હજાર વીઘા જમીનમાં આલિશાન – કહેવાય ઘર પણ જોવામાં તો મોટો મહેલ બંધાવ્યો હતો. ચાર માળના એ મહેલમાં દરેક જાતની સગવડ હતી જેમાં દરેક ઋતુ પ્રમાણે ત્રણ અલગ ભાગ હતાં. ઘરનું રાચરચીલું, ઈન્ટીરીયર, વગેરે દરેક વસ્તુમાં એક ગુજરાતી હોવાની છાંટ હતી. દિલીપસિંહના માયાળુ સ્વભાવે ઘરનાં તમામ સભ્યોને એકતાંતણે બાંધી રાખ્યા હતાં. તેમના નાના બંને ભાઈઓ બિઝનેસનો કોઈપણ નિર્ણય તેમને પૂછ્યાં વગર કદી ન લેતાં.વચેટ ભાઈ ધર્મેન્દ્રસિંહ ,તેમની પત્ની કોકિલાબા ,તેમના સંતાનો ઋતુરાજસિંહ અને દેવાંગીબા, દિલીપસિંહના સૌથી નાના ભાઈ જશપાલસિંહ ,તેમના પત્ની કેતકીબા, તેમના સંતાનો વિનીતસિંહ, જયવીરસિંહ અને ભવ્યાબા -આ બધાં જ એક ઘરમાં રહેતાં. જશપાલસિંહ અને ધર્મેન્દ્રસિંહ એટલે લક્ષ્મણ . ભાઈની દરેક આજ્ઞા માને પરંતુ કેતકીબાને સ્વતંત્ર જીવન જીવવાના અભરખાં . પતિ પાસે આ બાબતમાં કંઈ ઉપજે નહિ એટલે તે ચૂપ જ રહેતાં પરંતુ કોઈકોઈવાર કડવાશ વાણીમાં દેખાઈ આવતી.

દિલીપસિંહના પત્ની હેમાબા એટલે વહાલનો દરિયો અને સમજણનો સાગર. સહન કરીને પણ આખા પરિવારને એકતાંતણે બાંધી રાખતાં. ઘરના તમામ સંતાનોને એમના વિના સવાર કે સાંજ ન પડે. કોકિલાબા એમનો જમણો હાથ. જેઠાણીને મોટી બહેન જ સમજનાર કોકિલાબા હેમાબાનો પડ્યો બોલ ઝીલતાં. ધર્મેન્દ્રસિંહનો સ્વભાવ ખૂબ જ ગુસ્સાવાળો પરંતુ મોટાભાઈ ને ભાભી એમના માટે રામ ને સીતા. એમની સમજાવટથી બધો ગુસ્સો ઓગળી જાય. ઋતુરાજસિંહ અને વિનીતસિંહ બંને વીસ વર્ષના, જયવીરસિંહ સત્તર ,દેવાંગીબા સોળ અને ભવ્યાબા દસ વર્ષના. આ આખાય પરિવારનું સૌથી મોટું સંતાન એટલે દિલીપસિંહ અને હેમાબાનો પુત્ર આદિત્યસિંહ. આદિત્યને એક નાની બહેન પણ ખરી પરંતું તેને સામાન્ય જીવન જીવવું ગમતું એટલે તેને મોટેભાગે હોસ્ટેલમાં જ રાખવામાં આવતી.આદિત્ય આખાયે પરિવારનો જીવ.
બોલીવુડના હીરોને પણ શરમાવે તેવું શરીર ધરાવતો આદિત્ય આખાયે બિઝનેસજગતનું સેન્સેશન. દિલીપસિંહના એ આજ્ઞાંકિત પુત્રમાં પિતાની કુનેહ, હોશિયારી, સમજણ ઊતર્યા હતાં. આદિત્ય દિલીપસિંહના સામ્રાજ્યને નવી ઊંચાઈ બક્ષવાનો હતો એ વાત તો નક્કી જ હતી. છવ્વીસ વર્ષના આદિત્ય નાની ઉંમરથી જ અભ્યાસની સાથે સાથે બિઝનેસમા રસ લેવા માંડ્યો હતો. આદિત્યનાં પિતા અને બંને કાકાને આદિત્ય ઉપર ખૂબ જ ગર્વ હતો. રંગે સહેજ ગોરો, ધારદાર આંખો, પહોળા ખભા, પાતળી કમર અને આ બધાં ઉપર આદિત્યની ક્ષત્રિય હોવાનો પૂરાવો આપતી એની મૂછો.

આદિત્ય જે પણ પાર્ટીમાં હાજર હોય એ પાર્ટીનું આકર્ષણનું કેન્દ્ર બની રહેતો. બંને હાથ સૂટના ખિસ્સામાં રાખીને ઊભો હોય ત્યારે છોકરીઓ એકીટસે એની સામે જોઈ રહેતી.
પણ આદિત્ય જેનું નામ. મર્યાદા અને સંયમની મૂર્તિ. પોતાના દાદીજીની કોપી.

આદિત્યસિંહના દાદીજી અને દિલીપસિંહજીના માતા રમણબા જાજરમાન વ્યક્તિત્વ. આખાય ઘરમાં એમનું બહુ માન . રમણબા મર્યાદામાં બહુ માને. ઘરની સ્ત્રીઓએ માથા પરથી સાડીનો પાલવ પડવા ન દેવો, પ્રથમ પુરુષોએ જમવું અને ત્યારબાદ જ સ્ત્રીઓએ જમવું, ઘરના પુરુષો જ્યારે રામપુર અથવા નજીકમાં હોય ત્યારે ફરજીયાત રાત્રે આઠ વાગ્યે ડિનરટેબલ પર હાજર થઈ જવું પડતું. સ્ત્રીઓએ સવારે સાત વાગ્યે મંદિરમાં આરતી અને પૂજા માટે આવી જવું એ નિયમ. રમણબાના નિયમો બધા માટે સરખાં હતા.

આદિત્ય પોતાના દાદીમાની કોપી. આદિત્ય બિઝનેસજગતનો મોસ્ટ એલીજીબલ બેચલર હતો. તમામ છોકરીઓ તેની સાથે વાત કરવા તલપાપડ રહેતી હતી. મારું ચાલે ને બેટા તો રોજ તારી નજર ઉતાર્યા પછી જ તને બહાર જવા દઉં પણ ઘરની સ્ત્રીઓને તો ક્યાં આવું કંઈ સૂઝે છે? એમ બોલતા રમણબા આદિત્યના માથે હાથ મૂકતાં.

રામદેવસિંહના ઘેર જઈને આવ્યા પછી દિલીપસિંહના મનમાં એક વાત ઘુમરાયા કરતી હતી પૂર્વાબા અને આદિત્યસિંહના સગપણની. રામદેવસિંહના સાથેના નવા પ્રોજેક્ટનું કામ ઝડપી ગતિએ ચાલી રહ્યું હતું.

એક દિવસ ડાઈનીંગ ટેબલ પર રમણબાને દિલીપસિંહજીએ આ વાત કરી જ નાખી.

“જૂઓ બેટા, તું આટલા બધા વખાણ કરે છે તે એકવાર મારે એ દિકરીને જોવી પડશે.” રમણબા બોલ્યાં. આદિત્યએ બધો નિર્ણય રમણબા અને પોતાની માતા પર છોડ્યો હતો.

“સારું બા ,તો હું આજે જ રામદેવસિંહજીને ફોન કરીશ.”

“જો બેટા, આપણે કુંડળીની લપમાં પડવાનું નથી. કુંડળી મળે કે ન મળે દિકરી ઘરમાં આવે એટલે આ ઘરની થઈને રહેવી જોઈએ.”

“જી, બા.”

એ દિવસે સાંજે રામદેવસિંહના ઘરમાં આનંદનો માહોલ હતો. સીતાબા અને ધનકુંવરબાના આનંદની કોઈ સીમા ન હતી. દિલીપસિંહજીના ઘરનું માગુ હોય એટલે ના પાડે તે મહામૂર્ખ કહેવાય પરંતુ રામદેવસિંહ ઈચ્છતાં હતાં કે આ વાતનો નિર્ણય પૂર્વાબા કરે. પૂર્વાનો જન્મદિવસ નજીકમાં જ હતો. માટે રામદેવસિંહે દિલીપસિંહને પરિવારસહ પૂર્વાબાની જન્મદિવસની પાર્ટીમાં આવવાનું આમંત્રણ આપ્યું. દિલીપસિંહજીએ આમંત્રણ સહર્ષ સ્વીકારી લીધું.

દેશના સૌથી મોટા ઉદ્યોગપતિ જેમાં આવવાના હતા એ પાર્ટીની તૈયારીઓ પણ સાધારણ ન હોય. પૂર્વા કૉલૅજ-ટૂરમાં બેંગલોર ગઈ હતી. તેના ઘરમાં તેના જન્મદિવસની પાર્ટીની તૈયારીઓ ચાલી રહી હતી. પૂર્વાને સરપ્રાઈઝ મળવાનું હતું ,કેમ કે તેને પાર્ટીની કે આદિત્યસિંહ સાથેના સગપણ એ એકેય વાતની ખબર નહોતી.

બરાબર પોતાનાં જન્મદિવસની સવારે જ અમદાવાદ પરત આવેલી પૂર્વા પોતાના જન્મદિવસની તૈયારીઓ જોઈને ડઘાઈ ગઈ, પૂર્વાને આવા ખર્ચા ગમતા નહિ ને તથી જ તે કદી પાર્ટી રાખવા દેતી નહિ. આજે તો કોઈએ તેને પૂછ્યાં વિના જ આટલી ભવ્ય તૈયારી કરી નાખી. ઘરના બધા સભ્યોએ તેને જન્મદિવસના અભિનંદન આપી દીધા રામદેવસિંહે પૂર્વાના માથે હાથ મૂકીને બધી વાત કરી ને કહ્યું કે તું જે નિર્ણય લઈશ એ મને માન્ય છે. પરંતું ધનકુંવરબાએ તો પૂર્વાને સાફ કહી દીધું કે ના પાડવાનો તો સવાલ જ નથી. પૂર્વા તો અચાનક આવી પડેલી આ પરિસ્થિતિથી અચંભિત થતી સાંભળી જ રહી.

પોતાના ફોનની રીંગ વાગી રહી હતી પણ પૂર્વા તો વિચારમગ્ન હતી. સીતાબાએ પૂર્વાનો ફોન એના હાથમાં પકડાવ્યો.

“વેરી હેપ્પીઈઈઈઈઈઈઈ બર્થડે માય સીસ.” સામેથી ઈશાનીનો રણકતો અવાજ સંભળાયો.

“ઓહ… ઈશુ. થેન્ક્સ.”

“અરે! આવો બોરીંગ રીપ્લાય! એનીવે, ગ્રાન્ડ પાર્ટી ,હં. યાર તું તો દેશની સૌથી મોટી બિઝનસ કંપનીના માલિકની વાઈફ બનવાની છે! પેલા આદિત્યસિંહની તો બહુ ચર્ચા હોય છે ને કાંઈ મિડીયામાં.”

“ઈશુ, તું ક્યાં પહોંચી છે, જલદી આવ ને, અરે યાર આ સગાઈ માટે હું હજુ તૈયાર નથી.”

“સોરી સિસ પણ મારે તો નિકળાય એવું જ નથી. સગાઈ માટે તૈયાર ન હોય તો ના પાડી દે ને!”

“હં એમ જ કરીશ.”

“ઓકે, આઈ વીલ હેવ ટુ કટ નાઉ. વી આર ગોઈંગ ટુ વિઝીટ ધ લંડન મ્યુઝીયમ નાઉ. યુ નો? ઈટ ઈઝ ફેમસ ઈન ધ વ્હોલ વર્લ્ડ. ઈટ હેઝ…”

“ઈશુ દાદીની તબિયત હમણાથી બહુ ખરાબ રહે છે. એમની ખબર પૂછવા પણ નહિ આવે?” ઈશાનીને અધવચ્ચેથી જ પૂર્વાએ અટકાવી.

“ઓકે, આઈ વીલ ટ્રાઈ . બાય”

એ સાંજે પાર્ટીમાં મિડીયાવાળાનો જમાવડો હતો. મિડીયા બધી વાતો શોધી કાઢે છે એ જ રીતે તેઓ કવરેજ વડે દિલીપસિંહ અને રામદેવસિંહનું કનેક્શન શોધી રહ્યાં હતાં. સ્વાભાવિક રીતે તેઓ બંને વચ્ચે કોઈ મોટી બિઝનેસ ડિલ થવાની હોવાનું ધારી રહ્યાં હતા પરંતુ દિલીપસિંહનો પરિવાર પણ પાર્ટીમાં નજરે ચડ્યો ત્યારે મિડીયાવાળાઓ શું થનાર છે તેની માહિતી મેળવવા લાગી ગયાં. દિલીપસિંહજીનો પરિવાર જવલ્લે જ પાર્ટીઓમાં જોવા મળતો તેથી રામદેવસિંહને ત્યાં પાર્ટીમાં એ બધાને જોઈ વિચારમાં પડી ગયાં.

દિલીપસિંહજીને આવકારવા રામદેવસિંહજી પોતાના પરિવારસહ મેઈનગેટ સુધી ગયાં. બંનેના પરિવારના સભ્યો સંપૂર્ણ રજવાડી પોશાકમાં હતા. રામદેવસિંહ દિલીપસિંહજીના પરિવારને પ્રથમ પોતાના આલિશાન ઘરમાં લઈ ગયાં.

“આદિત્યસિંહને એક જરૂરી મિટિંગ આવી પડી, એ આવી શક્યા નથી એટલે અમે દિલગીર છીએ.” દિલીપસિંહે કહ્યું.

“જી હું સમજી શકું છું. તમે અમારા મહેમાન છો, મારા માની તબિયત થોડા દિવસથી વધારે નરમ છે માટે કંઈ વ્યવસ્થાની ખામી જણાય તો માફ કરશો.”

“અરે! તમે કહેતા પણ નથી? ક્યાં છે તમારા મા? હવે તો પહેલાં એમને જ મળીશુ. કેમ બા?” દિલીપસિંહજીએ તેમના માતાને પૂછયું

થોડીવારમાં બંને પરિવારો ધનકુંવરબાના ઓરડામાં હતા. પુરુષો સોફામાં બેઠા અને સ્ત્રીઓ ધનકુંવરબા પાસે ઊભી રહી. સર્વન્ટ્સ ચા, કોફી, કોલ્ડ્રીંક્સ વગેરે સર્વ કરી રહ્યાં હતા. એ જ વખતે સીતાબા રજવાડી પોશાકમાં સજ્જ થયેલી પૂર્વાને લઈને આવ્યાં. આમ તો સુંદર જ હતી, એમાંય રજવાડી પોષાકમાં વધારે સુંદર લાગી રહેલી પૂર્વા પહેલી જ નજરમાં રમણબાને પસંદ પડી ગઈ. મૂંઝાયેલી પૂર્વાને સીતાબાએ ઈશારો કર્યો એટલે તે વડીલોને પગે લાગી.

રમણબાએ પૂર્વાની અને સીતાબાની સાથે વાતચીત કરીને પૂર્વાને પરખી લીધી અને તેમના પક્ષ તરફથી લીલી ઝંડી પણ આપી દીધી. રામદેવસિંહે પોતાના તરફથી પણ હા કહી અને ઉમેર્યું કે એકવાર તેઓ પૂર્વાની મરજી પૂછવા ઈચ્છે છે કારણ કે તેમણે પોતાની દિકરીઓને તેમના નિર્ણય જાતે જ કરવા દીધાં છે. આ વાત રમણબાને થોડી ખટકી ત્યાં જ ધનકુંવરબાએ ઝૂકાવ્યું, “આટલો સારો સંબંધ તો દીવો લઈને શોધવા જઈશું તો પણ નહી મળે રામ, ને એમાં પૂર્વાબાને શું પૂછવાનું. આદિત્યસિંહજી સાથે વેવિશાળની તો કોઈ મૂર્ખ જ ના પાડી શકે. આ તો આપણા સદભાગ્ય કે દિલીપસિંહજીને આપણી દિકરી પસંદ આવી. તારી આ મરતી દાદી તને સાસરે વળાવીને પછી જ શાંતિથી પ્રભુસમીપે જવા ઈચ્છે છે મારી દિકરી, તારી દાદીનું મરણ સુધાર બેટા!”

ત્યાં હાજર રહેલા સૌ કોઈની આંખો ભીની થઈ ગઈ. પૂર્વા ધનકુંવરબાને વળગી પડી અને કહ્યું કે હા બા તમે કહો તેમ કરીશ.

“ભગવાન સૌ સારા વાના કરશે અને તમે ઝડપથી સાજા થઈ જાવ એટલે અમે આવીને પૂર્વાબાને લઈ જઈએ.” રમણબાએ ઊભા થઈ પૂર્વા માથે હાથ મૂક્યો.

મોં મીઠું કરાવતા પહેલા સીતાબાએ આદિત્યસિંહની મરજી વિશે પૂછ્યું તો રમણબાએ કહી દીધું કે એ મારું લોહી છે. મારો નિર્ણય એ તેનો નિર્ણય છે.દિલીપસિંહજીએ રામદેવસિંહને જણાવ્યું કે આદિત્યએ તેના વેવિશાળની જવાબદારી માતા અને દાદીમાને સોંપી છે. બધાએ મોં મીઠું કર્યું અને એ પણ નક્કી કર્યું કે જ્યાં સુધી લગ્નનો દિવસ ન આવી જાય ત્યાં સુધી આ વાત ખાનગી રાખવી. તાત્કાલિક પૂર્વાબાને હાથમાં નાળિયેર અપાયું.

દિલીપસિંહજીના ઘરનાં બાળકો પાર્ટીમાં ન હતા એટલે આજની પાર્ટીમાં આ વાત ખાનગી રહી નહિતર પોતાના પ્રિય ભાઈની થનાર પત્નીને જોઈને આખી પાર્ટી માથે લીધી હોય. પાર્ટીમાં દિલીપસિંહજી અને રામદેવસિંહે સાથે મળીને નવા પ્રોજેક્ટની જાહેરાત કરી. બંને ઘરની સ્ત્રીઓએ ખૂબ વાતો કરી. વાતવાતમાં કેતકીબાએ ઈશાનીબા વિશે પૂછ્યું તો સીતાબાએ એને ફ્લાઈટ ન મળી એમ કહીને વાતને ટાળી દીધી.

“તમને હું હાથ જોડીને પગે લાગું છું ઈશાનીને ગમે તેમ કરીને ઘેર લાવો. એવું તે કેવું એનું ભણતર કે બાર મહિના સુધી એ ઘેર પણ ન આવે! આજની પાર્ટી માટે આપણે કેટલું કહ્યું તો પણ ન આવી. એને તો પોતાના દાદીની પણ નથી પડી. આજ તો મેં જેમતેમ કરીને વાતને ટાળી દીધી પરંતું કાયમ શા બહાના કાઢવા?”

સીતાબા માત્ર સાત ધોરણ ભણેલા પણ અનુભવ અને સમજદારીએ તેઓ એટલું તો સમજી ગયાં હતા કે ઈશાનીને ભારત પાછા આવવામાં રસ ન હતો. સીતાબાની અંદર રડમસ થયેલી એક માતા સામે રામદેવસિંહે પાણીનો ગ્લાસ ધર્યો અને કહ્યું,

“ઈશાનીને પૂર્વાના લગ્નમાં લાવવાની જવાબદારી મારી, બસ!” રામદેવસિંહ આગળ કંઈ બોલે એ પહેલાં એમનો ફોન રણકી ઊઠ્યો. સ્ક્રીન પર ગોરભાનું નામ જોઈને તેમના મોં પર સ્મિત આવી ગયું. ગોરભાએ રામદેવસિંહને આંચકો આપે તેમ માત્ર દસ દિવસ પછીની પૂર્વા અને આદિત્યસિંહના લગ્નની તારીખ આપી. બીજી તારીખ છ મહિના પછીની હતી, પરંતુ ધનકુંવરબાની ઈચ્છાને માન આપવા માટે એ તારીખ શક્ય ન હતી. રામદેવસિંહે સીતાબાને વાત કરી અને તેઓ તુરત જ દિલીપસિંહજીના ઘેર જવા તૈયાર થયાં.

પહેલીવાર તેઓ દિકરીના ઘેર ગયા હતા એટલે સાથે ઘણી ભેટ લઈ ગયાં. દસ દિવસ પછીનું લગ્નમૂહુર્ત છે એ સાંભળીને સહુ મૂંઝવણમાં મૂકાઈ ગયાં. આટલી ઝડપથી આટલો મોટો પ્રસંગ કાઢવો મુશ્કેલ હતો, પરંતુ એ તારીખ રાખ્યા સિવાય છૂટકો પણ ન હતો કારણ કે રમણબાની તબિયત નરમ રહેતી માટે બંને પક્ષે દસ દિવસ પછીનું મૂહુર્ત નક્કી થયું. એ પછીના દસ દિવસો બંને પરિવાર માટે ખૂબ દોડધામવાળા રહ્યાં. ઋતુરાજ,વિનીત,જયવીર,દેવાંગી અને ભવ્યા આ બધા ભાઈબહેનોએ પોતાના મોટાભાઈની ખૂબ મશ્કરી કરી. હેમાબા અને કોકિલાબાએ કેટલીએ વાર એ બધાને આદિત્યને પરેશાન કરવા બદલ ઠપકો આપ્યો પરંતુ સુધરે એ બીજા. હેમાબા અને કોકિલાબા એમના તોફાન જોઈને છાનું હસી લેતાં. પણ જેવા રમણબા આવે એટલે બધા ચૂપ. કેતકીબાનું નાકનું ટેરવું તો ચડેલું જ રહેતું પણ હેમાબા અને કોકિલાબા દરેક વાતમાં એમનો અભિપ્રાય જરૂર લેતા.

બે દિવસ સુધી ચાલનારા વિવિધ ફંક્શન માટે જોરશોરથી તૈયારીઓ ચાલી રહી હતી. ખૂબ જ ટૂંકો ગાળો હોવાથી કુલ ચાર ઈવેન્ટ મેનેજરને રોકવામાં આવ્યાં. હરિસિંહ અને માતા ધનકુંવરબાની ઈચ્છાને માન આપીને રામદેવસિંહે તેમના ગામ વીરગઢમાં જ તેડાવી હતી. વીરગઢની હવેલીમાં એકદમ રજવાડી સ્ટાઈલમાં લગ્ન કરવાનું નક્કી કરાયું. આશરે એક હજાર માણસોને ઉતારો આપી શકાય એવી વિશાળ હવેલીને શણગારીને રાજમહેલની થીમ મુજબ તૈયાર કરવામાં આવી. બંને પરિવારના સભ્યો વીરગઢ જવા માટે શોપીંગ અને પેકિંગ કરવા લાગ્યાં. એકદમ નજીકના હોય એવા બંને પક્ષના થોડાં જ માણસોને આમંત્રણ અપાયાં. કંકોતરી, ઉતારા, ભોજન, સંગીત વગેરે દરેક બાબતમાં રજવાડી છાંટ હતી. તૈયારી કરનાર સ્ટાફને આઈકાર્ડ આપવામાં આવ્યાં હતા. ટૂંકમાં કહીએ તો આ એકદમ ભવ્ય ઉજવણી થનાર હતી.
પોતે સીતાબાને આપેલ વચન પૂર્ણ કરવા માટે રામદેવસિંહ લંડન જઈ પહોંચ્યાં. ઈશાની અને અનિકા વિડીયોગેમ રમી રહ્યાં હતાં. “ શું કરી રહી છે મારી દિકરી?” એવું બોલતાં રામદેવસિંહને અચાનક આવેલાં જોઈને ઈશાની દોડીને વળગી પડી.

“વાઉ પપ્પા, સરપ્રાઈઝ, હં….”

“ના બેટા, સરપ્રાઈઝ નહિ, તને લેવા તો રૂબરૂ જ આવવું પડે ને!”

“મને લેવા?”

“બેટા, અઠવાડિયાની જ વાર છે, તારા વગર પૂર્વાના લગ્ન કેમ થાય?”

“પરંતુ પપ્પા મારે અસાઈનમેન્ટ….

“આ વખતે તારું કશુ બહાનુ સાચું માનવાનો હું અભિનય કરી શકું તેમ નથી. અને આમેય તે લંડન આખું જોઈ લીધુ છે તો બીજો દેશ ભમવાનુ ચાલુ કર એ પહેલાં બ્રેક માટે ઈન્ડિયા તો આવવું જ પડે ને” હસતા હસતા રામદેવસિંહે કહ્યું.

ઈશાની ફાટી આંખે જોઈ જ રહી. ઝંખવાણા પડીને કહ્યું,”આ બધુ તમે કેવી રીતે જાણો છો પપ્પા?”

“મને તો તુ લંડન આવી ત્યારની ખબર જ છે પણ બેટા તેં મારાથી આ બધું છાનુ રાખ્યું મારી દિકરી?”

“સોરી પપ્પા આઈ થોટ કે મમ્મીની જેમ તમે પણ આ વાત નહિ સ્વીકારો. દુનિયા ભમવી એ મારું પેશન છે.”

“પણ પરિવારને પોતાનાથી દૂર કરીને તારું પેશન કઈ રીતે પૂર્ણ થાય? દાદાજી, દાદીજી, મમ્મી, પૂર્વા બધા તારી રાહ જૂએ છે . એમની સાથે થોડા દિવસ વિતાવ.ત્યાંથી તારે હવે જે દેશમાં જવું હોય ત્યાં કહેજે, હું સગવડ કરી આપીશ. પણ બેટા ઘેર ચાલ.”

પોતે પિતાથી આ વાત છાની રાખી છતાં પોતાના પિતાએ ઉદારદિલે તેને માફ પણ કરી અને પોતાની મહેચ્છા પૂરી કરવા તૈયાર પણ થયાં. હવે તો ઈશાની એમની સાથે જવા તૈયાર થઈ અને લગ્ન માં સીતાબા કહે એ રીતે રહેવા તૈયાર પણ થઈ. આખરે ઈશાની ભારત પહોંચી ગઈ, પોતાના મિત્રો અનિકા, જોન્સન અને એલી સાથે.

ઈશાની અને અનિકા ઘણા સમયે ભારત આવ્યાં. ઈશાનીએ હોલમાં ગિફ્ટ-પેકિંગ કરી રહેલી સ્ત્રીઓ વચ્ચે જઈને રાડ પાડી,” હલો, એવરીવન!” બધી સ્ત્રીઓ ફાટી આંખે ટૂંકા વસ્ત્રો પહેરેલી ઈશાની સામે જોઈ જ રહી. સીતાબા દોડીને ઈશાનીને વળગી પડ્યાં. ત્યારબાદ એમને ઈશાનીના વસ્ત્રોનો ખ્યાલ આવ્યો ને તેને પકડીને ઉપર લઈ ગયાં.

“ઈશુ, ઘરમાં કેટલાં મહેમાનો છે, કપડાં તો ……

“ઓ, સોરી મમ્મી, આઈ જસ્ટ ફરગોટ, મારા માટે તમે કપડા તો શોપીંગ કરીને લાવ્યાં જ હશો તો મને આપી દો એટલે હું તેનું પરિધાન કરું.”

ઈશાનીના મોઢે શુદ્ધ ગુજરાતી સાંભળીને સીતાબાને હસવું આવી ગયું ને ઈશાનીમાં આટલો બદલાવ જોઈને અચરજ પણ ખૂબ થયું. એમને ખબર નહોતી કે હવે પછી ઈટાલી ફરવાનો પ્લાન બનાવી રહેલી ઈશાનીનો આ ઉત્સાહ બોલતો હતો.

ઈશાનીના મિત્રોને અલગ રૂમ ફાળવવામાં આવ્યા. અનિકાએ અમદાવાદની નજીકમાં જ આવેલા પોતાને ગામ જવાનું પસંદ કર્યું. ઈશાનીએ દાદીને ખબર પૂછી, ઈશાનીને જોઈને દાદીના ચહેરા પર રોનક આવી ગઈ.

પૂર્વા અને ઈશાની બંને પાર્લરમાં ગયાં. પેડિક્યોર કરાવતાં ઈશાનીએ પૂર્વાને પૂછ્યું,” દી, તારે કંઈ શોપીંગ રહી ગયું છે કે કોઈને ઈન્વીટેશન આપવાનું રહી ગયું છે તે તું આટલી દુઃખી દેખાય છે. આમ પણ લગ્નના કાર્ડ છપાવ્યા નથી. જૂના રિવાજ પ્રમાણે કંકુવાળા ચોખાને આમંત્રણ તરીકે આપ્યા છે. કોઈ રહી ગયું હોય તો બોલ દી, આપી આવું, કંકુવાળા ચોખા. ધી એન્ટીક રિવાજ. ” કહીને ઈશાની હસવા લાગી.

“તને મઝાક સૂઝે છે, ઈશુ? મારો જીવ જાય છે.”

“કેમ?કેમ જીવ જાય છે? લગ્નમાં જીવ જાય?”

“ઈશુ આ લગ્ન આમ આવી રીતે અચાનક…….

પૂર્વા બબડતી હતી ત્યાં ઈશાનીનો સેલ રણક્યો અને તે ફોનમાં વાત કરવા લાગી. આખરે લગ્નનો દિવસ આવી પહોંચ્યો. વેદમંત્રો જોરશોરથી ગવાઈ રહ્યાં હતાં અને ઈશાની આદિત્યસિંહના ખાંડા સાથે મંગળફેરા ફરી રહી હતી.

* * *

એકસાથે ચાર પંડિતો વડે પૂરી નિષ્ઠાથી વેદમંત્રો ગવાઈ રહ્યાં હતાં. બંને પરિવારના સભ્યો બની શકે એટલું સ્મિત આપીને પોઝ આપી રહ્યાં હતાં. મિડીયાવાળાને અંદર આવવાની મનાઈ હતી એટલે તેઓ હવેલીની બહાર રહીને બને એટલું કવરેજ કરવાનો પ્રયત્ન કરી રહ્યાં હતાં. મોટાભાગના મહેમાનો પોતાની જિંદગીના સૌપ્રથમ આટલા વૈભવશાળી લગ્ન માણી રહ્યાં હતાં. ઈશાની આદિત્યસિંહના ખાંડા સાથે લગ્નવિધિ કરી રહી હતી. હા, પૂર્વા નહિ પણ ઈશાની લગ્ન કરી રહી હતી. છેક આઘે સુધી માથે ઓઢીને લગ્નવિધિ કરી રહેલી ઈશાનીની આંખો ક્યાંક પેલે પાર જોતી હોય તેમ સ્થિર થઈ ગઈ હતી. તેની સામે છેલ્લા બે દિવસના દ્રશ્યો ઝડપથી પસાર થઈ રહ્યાં હતા.

પાર્લરમાંથી બંને બહેનો ઘેર આવી ત્યારે સંપૂર્ણ પેકિંગ થઈ ગયું હતું અને બધા ગાડીઓમાં બેસીને વીરગઢ માટે નીકળી રહ્યાં હતા કારણ કે બે દિવસના બધા ફંક્શન ત્યાં જ હતા. પૂર્વા સીતાબા અને ધનકુંવરબા સાથે ગાડીમાં ગઈ. ઈશાનીના મિત્રોને તેની સાથે અમદાવાદ ફરવું હતું પણ સીતાબાની મંજૂરી ન મળી માટે ઈશાની અને તેના મિત્રો પણ વીરગઢ માટે રવાના થયા. ઈશાનીએ મિત્રોને પ્રોમિસ કર્યું કે પૂર્વાના લગ્ન પતે પછી પોતે ચોક્કસ તેમને અમદાવાદ દર્શન કરાવશે. ઈશાનીને ક્યાં ખબર હતી કે તેના મિત્રો સાથે આ છેલ્લા બે દિવસ જ હતા.
ઈશાની તો વીરગઢના એ મહેલની રોનક જોઈ ઈશાનીએ મોં કટાણું કર્યું કારણ કે આખા મહેલને સંપૂર્ણ રોયલ લૂક અપાયો હતો. બીજા મહેમાનો જ્યારે રજવાડી સ્ટાઈલના વખાણ કરી રહ્યાં હતા ત્યારે ઈશાની ઈવેન્ટ મેનેજરને કહી રહી હતી કે તમને કોઈ લૅટેસ્ટ થીમ ન મળી?
આદિત્યસિંહને એક જરૂરી બિઝનેસ મિટીંગ હોવાથી તે પહેલા દિવસના ફંક્શનમાં હાજર રહી શકે તેમ ન હતો. સગાઈની વિધિમાં રમણબા માનતા ન હતા માટે વડીલોએ એમની ઈચ્છાને માન આપ્યું. રિવાજ પ્રમાણે મહેંદી મૂકવાની વિધિ સૌ પહેલી હતી. મહેંદીના શ્રેષ્ઠ કલાકારો મહેમાનોને મહેંદી મૂકી રહ્યાં હતા. પૂર્વા મહેંદી મૂકાવી રહી હતી. તેની નજર ઈશાનીને શોધી રહી હતી. પોતાની વાત પિતાને સમજાવી શકે તેવી માત્ર એક ઈશાની જ હતી.

ત્યાં જ ઈશાની પોતાના મિત્રો સાથે હસતી હસતી આવી રહી હતી. માત્ર પૂર્વા જ નહી ત્યાં હાજર સૌ ઈશાની સામે જોઈ રહ્યાં. કોઈ દિવસ વૅસ્ટર્ન સિવાય કશું નહી પહેરનારી ઈશાની પીચ કલરની ચોલી પહેરીને આવી રહી હતી. ઈશાની ભારતીય પરિધાનમાં આટલી સુંદર દેખાઈ શકે એ બધાએ પહેલીવાર જોયું. ઈશાનીએ ચોલીની સાથે રજવાડી ઘરેણા પહેર્યા હતા. કાળાભમ્મર વાળનો મોટો અંબોડો અને મોટી મોટી આંખોવાળી ઈશાની અસલ ક્ષત્રિયાણી લાગતી હતી. હેમાબાની નજરમાં તો ઈશાની વસી ગઈ. નાની ભવ્યાએ તો કહી પણ દીધું કે આપણે આમને જ ભાભી બનાવવા છે. સ્મિત આપતી આપતી ઈશાની પૂર્વાના સાસરિયાઓને મળી અને પછી પૂર્વા પાસે જઈ પહોંચી.

“યસ, ધ ગોર્જીયસ બ્રાઈડ શું કહે છે?”

“ઈશુ, આ શું છે? તું કેટલી સરસ લાગે છે! આજે નક્કી તું ઘણાના જીવ ઊંચા કરી દઈશ. રહસ્ય શું છે?”

“કશું નહી , તું જઈશ સાસરે ને હું જઈશ ઈટાલી ફરવા. માય નેક્સ્ટ ટાર્ગેટેડ કન્ટ્રી ટુ એક્ષ્પ્લોર આફ્ટર લંડન.”

“શું વાત કરે છે? પપ્પા?”

“એમણે જ હા પાડી, પપ્પા મને આટલું સમજી શકતા હોય તો હું દાદી ને મમ્મીને ખુશ કરી જ શકું ને!”

“તારી વાત જ અલગ છે ઈશુ, તું તારી વાત પણ કહી શકે છે અને તુ જે ધારે તે કરી પણ શકે છે.”

“બધાએ એવા જ હોવુ જોઈએ દી, તમને નાનકડી જિંદગી મળી છે, કોઈને નડવાનુ નહી પણ પોતાની ઈચ્છાઓ મારવાની પણ નહિ. ઈટ ઈઝ જસ્ટ અવર લાઈફ. એનીવે , આ આદિત્યસિંહ તો ભારે વર્કોહોલિક લાગે છે, આજે પણ મિટિંગો કરશે એમ ને!”

ઈશાનીની વાત સાંભળી પૂર્વાનું મગજ તો ભારે ચકરાવે ચડ્યું હતું. ઈટ ઈઝ જસ્ટ યોર લાઈફ. એણે મનોમન કંઈક નક્કી કર્યું , બરાબર એ જ વખતે એનો સેલ રણક્યો અને તે ક્યાંક ગઈ.
જાન તોરણે આવી પહોંચી હતી. સીતાબાએ લગભગ રડમસ ચહેરે રામદેવસિંહને ફોન લગાડીને જણાવ્યું કે પૂર્વાનો ક્યાંય પતો નથી. ઈશાનીએ પૂર્વાને ફોન કર્યો પણ તે તો ત્યાં જ પડ્યો હતો.
એકદમ અંગત સભ્યોને જ આ વાતની ખબર હતી અને તે સૌ પૂર્વાને શોધી રહ્યાં હતા. રામદેવસિંહ તો સાવ પડી જ ભાંગ્યા. સીતાબાની રડતી આંખો રામદેવસિંહ સામે જોઈને જાણે કહી રહી હતી કે દીકરીઓને છૂટ આપવાનું પરિણામ જોયું? હરિસિંહનો ગુસ્સો સાતમા આસમાને પહોંચ્યો ને માતા ધનકુંવરબાનું બી.પી. એકદમ હાઈ થવા લાગ્યું. નર્સો તેમની સરભરામાં લાગી ગઈ. રામદેવસિંહ ધારે તો રાત સુધીમાં ગમે ત્યાંથી પૂર્વાને લાવીને બેસાડી દે પણ તેઓ હ્રદયના સાફ હતા એટલે દિલીપસિંહજીને ફોન જોડીને બધી વાત કરી દીધી. થોડીવાર પછી બંને કુટુંબના વડીલો એક હોલમાં એકઠા થયાં. દિલીપસિંહજી રામદેવસિંહની પરિસ્થિતિ સમજી શકતા હતા. બહાર મિડિયાને જાણ થાય તો કેટલી બદનામી થશે એવું ધર્મેન્દ્રસિંહ બબડી રહ્યાં હતા. વગર વાંકે બધાની માફી માગી રહેલા પોતાના પ્રિય પિતાને જોઈને ઈશાનીનું હ્રદય ચિરાઈ ગયું.

“આટલી સિક્યોરિટીમાં કોઈ અંદર ન આવી શકે કે ન પૂર્વાને લઈ જઈ શકે. તેમની ઈચ્છાથી જ તે ગયા હોવા જોઈએ. ડી.આઈ.જી. ને વાત કરું, ભાઈસાહેબ?” ધર્મેન્દ્રસિંહે કહ્યું.

“ના, નકામી વાત ફેલાશે. રહેવા દો ને ભાઈસાહેબ! ” જશવંતસિંહજીએ કહ્યું.

“જાન તો પાછી નહી જ જાય. માણસે પગ ફેલાવતા પહેલા પોતાની ચાદર માપી લેવી જોઈએ. આવું જ કરવું હતું તો પહેલા અમારી આબરૂનો તો વિચાર કરવો હતો રામદેવસિંહ. મારા ખાનદાનની જાન કદી તોરણેથી પાછી વળી નથી. અમારાથી પણ મોટા માણસો પોતાની દિકરીને આદિત્યસિંહજી સાથે પરણાવવા તૈયાર હતાં પણ અમે તમારા સંસ્કાર જોઈને પૂર્વાબાને પસંદ કર્યા હતા. આમ તો હવે આ ઘરની દિકરી હું ના લઈ જાઉં પણ મારા પરિવારનો મોભો બચાવવા અમે ઈશાનીબા સાથે આદિત્યસિંહને પરણાવવા તૈયાર છીએ.”

ઈશાનીની હાથની મુઠ્ઠીઓ વળાઈ ગઈ, પરંતુ સીતાબાએ તેનો હાથ પકડીને તેને ચૂપ રાખી. ધનકુંવરબાની આઘાતમાં સરી પડેલી પરિસ્થિતિ, હાથ જોડીને ઊભેલા રામદેવસિંહની અસહાય નજર ,સીતાબાએ પકડેલો પોતાનો હાથ ઈશાનીને વિચલિત કરી રહ્યાં હતા.

“બેટા, તારા બાપની આબરૂ તારા હાથમાં છે.” ધનકુંવરબાનો ધ્રૂજતો અવાજ સાંભળી ઈશાનીને પોતાનું સપનું રોળાતું લાગ્યું. એકબાજુ પોતાનું સ્વપ્ન હતું ને બીજી બાજુ પોતાના પિતા હતા કે જેમણે પોતાના માટે શું નહોતું કર્યું . હવે પોતાનો વારો હતો.

“બહુ સમય નથી, રામદેવસિંહ, વાત ફેલાતા વાર નથી લાગતી.” રમણબા બોલે પછી આગળ દિલીપસિંહજી પણ ન બોલતાં.

ઈશાનીએ ઊંડો શ્વાસ લીધો આંખો બંધ કરી, આંસુ લૂછ્યાં અને સીતાબા સામે ફરીને પૂછ્યું,

“લાવો, પાનેતર ક્યાં છે?”

“બેટા, તારું સ્વપ્ન ને તારો પ્રવાસ?”

“તમે મને મારો દિકરો એમ કહો છો ને તો આજે હું તમારા પર એક પણ આંગળી ઉઠવા નહિ દઉં. આગળ કંઈ ન બોલતા પપ્પા. કન્યાદાનની તૈયારી કરો.”

* * *

ઈશાની હજુ તો લગ્નમંડપમાં પહોંચે એ પહેલાં અનિકાએ તેને એક સુખદ ઝટકો આપ્યો. લગ્નમંડપના પગથિયાં ચડવા જઈ રહેલી ઈશાનીની સામે હાથ લાંબો કરીને અનિકાએ ઈશાનીને કહ્યું, “આવો, ભાભી.”

ઈશાની પહોળી આંખે અનિકાને ઠપકો આપી રહી, “અનિ, ઈટ્સ નોટ ટાઈમ ઓફ કીડીંગ.”
હેમાબાએ આવીને કહ્યું, “ બેટા એ આદિત્યની નાની બહેન છે, તમે બંને સાથે જ ભણતા ને! એને સામાન્ય જીવન વધારે પસંદ છે માટે એણે કદી પોતાની ઓળખ છતી કરી નથી. તને તો એ સરપ્રાઈઝ આપવા માગતી હતી ત્યાં આવું બધું બની ગયું.”

“જિંદગીએ મને જ સરપ્રાઈઝ આપી દીધું.” ઈશાની બબડી ને અનિકાને ભેટી પડી.

અને પૂર્વાની જગ્યાએ ઈશાની આદિત્યસિંહના ખાંડા સાથે ફેરા ફરી રહી હતી. રિવાજ પ્રમાણે કન્યાએ તેના થનાર પતિએ મોકલેલ તલવાર સાથે ફેરા ફરવાના હોય અને ત્યારબાદ શ્વસુરગૃહે જઈને વિધિવત્ લગ્ન થાય. તલવાર સાથે લગ્ન થયા બાદ આદિત્યસિંહની રાહ જોવાઈ રહી હતી, કારણ કે બંનેના લગ્નનું ફંક્શન પણ ત્યાં જ થનાર હતું. આદિત્યસિંહને જાણે બધી પરિસ્થિતિની જાણ હોય એમ ફોર્મલ કપડાંમાં આવી પહોંચ્યો. આદિત્યને ખબર પડી કે ઈશાનીની મરજી ન હતી છતાં તે લગ્ન કરવા તૈયાર થઈ છે માટે પહેલા તો તેણે પણ ઇનકાર કર્યો , પછી રમણબાને ખાતર માની ગયો.

પૂર્વા માટે બનાવડાવેલ કેસરી રંગના સોનાના તારવાળા ઘરચોળામાં પૂર્વા કોઈ રાણી જેવી અને આદિત્યસિંહ શેરવાની અને સાફામાં રાજા જેવો લાગી રહ્યો હતો. મોટાભાગના મહેમાનો અને મિડિયાવાળાને પૂર્વાને બદલે ઈશાની લગ્ન કરી રહી છે એ વાતની ખબર ન હતી. વિધિ પૂરી થઈ ને આદિત્યસિંહ ઉપર અભિનંદનોનો વરસાદ વરસવા લાગ્યો.

લગ્નવિધિ પૂર્ણ થયા બાદ ઈશાની એક પછી એક પરિવારજનની વિદાય લઈ રહી હતી. દાદા હરિસિંહ બાદ પૂર્વા તેના લંડનના સાથીદાર માસીબા ને મહારાજને મળી. ઈશાનીના મિત્રોને એટલી રાહત હતી કે ઈશાની ભલે હવે તેમની સાથે નહિ હોય પરંતુ તે અનિકા સાથે એક જ ઘરમાં રહેવાની હતી. સીતાબા ઈશાનીને ભેટી પડ્યાં. ધનકુંવરબાની તબિયત સારી હતી. ઈશાનીના માથે હાથ મૂકીને તેમણે કહ્યું કે મારી અપ્સરા કોઈને ફરિયાદનો મોકો આપતી નહિ. રામદેવસિંહથી કદી અળગી ન થયેલી ઈશાની માટે એમને છોડીને જવું અઘરું બન્યું . “તુ તો મારો દિકરો છે બેટા!” કહેતા રામદેવસિંહને ઈશાની વળગી પડી. રામદેવસિંહના પરિવારની દિલીપસિંહજીના પરિવારે વિદાય લીધી. પોતાના પિતાની આબરૂ બચાવવા નિકળેલી ઈશાની સૌને રડતા મૂકીને ચાલી નીકળી.

સૌ વહેલી સવારે મળસ્કે ચાર વાગ્યે રામપુર પહોંચ્યાં. ઉનાળો ચાલી રહ્યો હતો એટલે અત્યારે સૌ શીતભવન નામથી ઓળખાતા વિભાગમાં રહેતા હતા. પાણી અને હરિયાળીથી ઘેરાયેલા ચાર માળનાં એ ભવનનાં બીજા માળે આદિત્યસિંહનો વિશાળ બેડરૂમ હતો. બરાબર સાત વાગ્યે ફ્રેશ થઈને સહુ પૂજા માટે આવી જજો એવું રમણબાનું ફરમાન સાંભળ્યા બાદ અનિકા અને બીજા બધા ભાઈબહેન આદિત્યની મશ્કરી કરતા કરતા રૂમ સુધી બંનેને મૂકવા ગયા.
આદિત્ય પાસેથી સારું એવું ઈનામ લીધા બાદ જ બધા ભાઈબહેનોએ આદિત્ય અને ઈશાનીને અંદર જવા દીધાં. અનિકા ઈશાનીને મૂકીને પોતાના રૂમમાં ફ્રેશ થવા ગઈ. આ.આધુનિક યુગમાં આદિત્ય-ઈશાની કદાચ પહેલા પતિ પત્ની હશે કે જેમણે લગ્ન પહેલાં વાત નહોતી કરી. ઈશાનીનો પોતનો રૂમ હોત તો એણે આટલાં થાક પછી જોરથી દોડીને બેડ પર કૂદકો માર્યો હોત. તે હળવેથી જઈને બેડ પર બેઠી. હવે શું કરવું એ વિચારમાં ઈશાની માથે હાથ દઈને બેઠી હતી. મોટો દસ બાય દસનો બેડ મોટા સ્ટેજ જેવા ઊંચા ભાગ પર હતો. તેની સામે મોટું એલ.ઈ.ડી. લગાવેલું હતું. બેડના વિભાગની બરાબર બાજુએ બેઠક હતી. બેડની ડાબી બાજુએ વિશાળ વૉર્ડરોબ અને ચેન્જીંગરૂમ તથા બાથરૂમ હતાં.બેડની પાછળની બાજુએ મોટી કાચની દિવાલ તથા અગાશી હતાં. કાચની દિવાલ પરના પડદા હટાવીએ એટલે સુંદર ટેરેસ ગાર્ડન દેખાય.
ઈશાની હવે શું કરવું એ વિચારમાં મગ્ન હતી. ફ્રેશ થવા જઈ રહેલા આદિત્યસિંહે તેને પૂછ્યું, “હેવ સમ કોફી?”

“નો, થેન્ક્સ.” કહીને ઈશાનીએ આ પ્રથમ વાર્તાલાપ ટૂંકાવ્યો. આદિત્ય તો ફ્રેશ થઈ ને જતો રહ્યો. ઈશાની તો કયારે ઊંઘી ગઈ એને ખબર પણ ન પડી. સાત વાગી ગયાં. ઈશાની તો હજુ સૂઈ જ રહી. અનિકાએ ઈશાનીને પૂજાઘરમાં ન જોઈ એટલે તે હાંફળી ફાંફળી થતી ઈશાની પાસે દોડી. તેને ઢંઢોળીને જગાડી. ફટાફટ શાવર લેવડાવી તેને ચેન્જ કરવામાં મદદ કરી. તેમને મદદ કરવા હેમાબા અને કોકિલાબા પણ આવી પહોંચ્યાં. બધાએ થઈ ઈશાનીને તૈયાર કરી. ઈશાની એટલી સુંદર દેખાતી હતી કે હેમાબા તો જોઈ જ રહ્યાં . આમ પણ એમને પૂર્વા કરતાં ઈશાની વધારે જ ગમતી હતી. એને જોઈને હેમાબાને ખૂબ વહાલ આવતું. કોકિલાબાએ છેલ્લે ઈશાનીના માથે ઓઢાડ્યું. ઈશાનીને તો માંડ માંડ ચાલતાં ફાવ્યું. તેણે જોયું તો પૂજાઘરમાં બધા જ હાજર હતાં.
“ પ્રથમ ગ્રાસે જ મક્ષિકા. મોડું કરવાનું મૂરત પણ કરી દીધું ને ઈશાની બેટા. આ ઘરની સ્ત્રીઓ ,ટી.વી. જોવામાંથી સમય કાઢીને ઈશાનીને બધાં નિયમો સમજાવી દેજો ઘરનાં.”રમણબાને સમયપાલનનો ખૂબ આગ્રહ હતો.

ઈશાનીનું ગોરુ મોં ગુસ્સાથી લાલ થઈ ગયું. પરંતુ પોતે દાદીને આપેલું વચન યાદ આવી ગયું ને ચૂપ રહી. આદિત્યસિંહ અને ઈશાનીના હસ્તે પૂજા કરવામાં આવી. પૂજા પૂર્ણ થયા બાદ દિલીપસિંહજીએ ડાઈનીંગ ટેબલ પર નાસ્તો કરતા કરતા સાંજે ગોઠવેલાં આદિત્ય અને ઈશાનીના રિસેપ્શન અંગે ઈવેન્ટ મેનેજર સાથે વાતચીત કરીને છેલ્લી તૈયારીઓની માહિતી મેળવી લીધી. પુરુષો નાસ્તો કરી રહ્યાં પછી રમણબાએ આદિત્યને બે દિવસ પૂરતું ઘેર રહેવા કહ્યું. રમણબા અને આદિત્ય પોતપોતાના રૂમમાં ગયાં. હેમાબા અને કોકિલાબા ઈશાનીને નાસ્તો કરાવતા જોઈ કેતકીબાથી રહેવાયું નહી અને બબડી નાખ્યું કે આજે એને નાસ્તો કરાવો કાલે ઊઠીને એ તમારી માથે ચડી બેસશે. ઈશાનીને નવાઈ પણ લાગી ને સમજતા વાર ન લાગી કે કેતકીબાને બધા સાથે મેળ આવતો નથી. હેમાબાએ હસીને વાત ટાળી દીધી. ઈશાનીને હેમાબા પ્રત્યે માતા જેવી જ લાગણી થવા લાગી. અનિકાનું જીવન ખૂબ સાદું હતું અને તેના વિચારો પણ એટલાં જ સાદા હતાં. તેને એક વૃદ્ધાશ્રમ જવું હતું એટલે પહેલાં તે થાકેલી ઈશાનીને આરામ કરવાં તેના રૂમ સુધી મૂકી ગઈ.

ઈશાનીને લગ્ન સંસ્થામાં વિશ્વાસ ન હતો એવું નહોતું પણ અચાનક થયેલા પોતાના લગ્ન અને પોતાના તૂટેલા સ્વપ્નને લીધે તે પરિસ્થિતિનો સ્વીકાર કરી શકતી ન હતી. આદિત્ય પોતાના રૂમમાં સોફા ઉપર બેસીને લૅપટોપ ઉપર પોતાનું કામ કરતો હતો. ઈશાનીએ બેડ પર બેસીને ટી.વી ઓન કર્યું. દરેક ન્યૂઝ ચેનલ પર પોતાના અને આદિત્યસિંહ ના લગ્નના સમાચાર હેડલાઈન હતાં. દરેક ન્યૂઝચેનલવાળા એ સાબિત કરવા મથી રહ્યાં હતાં કે આદિત્યસિંહે લગ્ન કરીને લાખો છોકરીઓના દિલ તોડ્યાં છે. સારું હતું કે પૂર્વાની વાતની કોઈને ખબર ન હતી, નહિ તો અત્યારે ન્યૂઝવાળાને ભરપૂર મસાલો મળ્યો હોત. પૂર્વાના હજુ કાંઈ સમાચાર ન હતાં. ઈશાનીએ જોયું તો આદિત્ય એકીટસે તેની સામુ જોઈ રહ્યો હતો. ઈશાની પડખું ફેરવીને સૂઈ ગઈ . પૂરા ત્રણ કલાકે ઈશાની ઊઠી. એકદમ તાજી ખીલેલી કળી જેવી તે ફ્રેશ લાગતી હતી. ઊભી થઈને તે ચાલવા ગઈ તો સાડી પગમાં ભરાઈ એટલે તેને લથડિયું આવી ગયું. આદિત્ય સોફા પર જ સૂઈ ગયો હતો. વ્હાઈટ કલરના શર્ટ ને બ્લેક પેન્ટ પર આદિત્ય ખૂબ જ હેન્ડસમ લાગી રહ્યો હતો. સોફા પર તેણે ટેકવેલા હાથ ને પહોળા ખભા , તેની દાઢી અને આંકડા ચડાવેલી મૂછો , આવો સંપૂર્ણ પુરુષ ઈશાનીની જિંદગીમાં કોઈ આવ્યો ન હતો.

હેમાબા ઈશાનીની કોફી લઈને આવી પહોંચ્યા. સર્વન્ટને કોફી મૂકીને જવા કહી હેમાબાએ ઈશાનીના માથે હાથ મૂક્યો ને નજર આદિત્ય પર જઈ પડી. તેને સોફા પર સૂતેલો જોઈ હેમાબા પરિસ્થિતિ સમજી ગયાં. એમણે ઈશાનીને કહ્યું કે તેને થોડાં જ દિવસમાં ઘરમાં રહેવું ફાવી જશે. આજે જ તૈયાર થઈને આવેલ ચોલી ઈશાનીને આપી પહેરી લેવા કહ્યું જેથી કલાક પછી આવનાર હેરસ્ટાઈલીસ્ટ અને મેકઅપ ગર્લ તેને રીસેપ્શન માટે તૈયાર કરી શકે. ત્યાંજ રમણબાએ મોકલેલ ખાનદાની ઘરેણા લઈને કોકિલાબા આવી પહોંચ્યાં.

એ બંનેના ગયા પછી ખુલ્લી હવામાં થોડો શ્વાસ લેવા ઈશાની બહાર નીકળી ને એને મોટેથી કંઈ અવાજ સંભળાયો. અવાજની દાશામાં આગળ વધી તો તેણે જોયું કે કેતકીબાનો બેડરૂમ હતો ને તેઓ ઈશાનીને અપાયેલા ઘરેણા બાબતે હેમાબા સાથે લડાઈ કરી રહ્યાં હતાં. પોતાને રજવાડી ઘરેણા ન મળે તો પોતે આજ સાંજના રીસેપ્શનમાં હાજર રહેશે નહી એવું કેતકીબા કહી રહ્યાં હતા. ઈશાની ઝડપથી જઈને ઘરેણા લઈ આવી. કેતકીબા સામે ઘરેણા ધરીને કહ્યું કે આ મારા કરતાં તમારા પર સારા લાગશે. તારે રમણબા સામે મને ભૂંડી જ લગાડવી છે ને એવા કેતકીબાના આરોપ સામે ઈશાનીએ કહ્યું કે હું મારી રાજીખુશીથી તમને આપું છું. આ બધું બહાર ઊભેલા રમણબાએ સાંભળ્યું ને તેમને લાગ્યું કે આ છોકરી છે તો સમજદાર. હેમાબા અને કોકિલાબા મલકાઈ રહ્યાં.

ઈશાની પોતાના ને આદિત્યના રૂમમાં જતી હતી ત્યાં તો ઋતુરાજસિંહ, વિનીતસિંહ, જયવીરસિંહ, દેવાંગીબા , ભવ્યાબા એ બધાં ધસમસતાં આવ્યા. અમારે તમારા ફોટા પાડવા છે એમ કહીને તે બધા ઈશાનીને રૂમમાં ખેંચી ગયા. આદિત્ય એમના અવાજથી જાગી ગયો. આદિત્યને મોં ધોવાની પણ રજા આપ્યા વગર બંનેને પાસે ઊભા રાખી દીધા. આદિત્યના વિખરાયેલા વાળ ખૂબ જ સરસ લાગતા હતા. દૂર દૂર ઊભેલા આદિત્ય અને ઈશાનીને ભવ્યાએ નજીક ઊભા રાખી દીધા. આદિત્યનો હાથ પકડીને ભવ્યાએ ઈશાનીની કમર પર ગોઠવી દીધો. ઈશાનીના આખા શરીરમાં ઝણઝણાટી ફેલાઈ ગઈ. તોફાની ટોળકીએ એકબીજા સામે થમ્સ અપની નિશાની કરી અને ફોટા પાડ્યા. બધાના ગયા પછી ઈશાની ઝાટકો મારીને આદિત્યથી દૂર થઈ ગઈ. ચોલી પહેરતી વખતે પાછળ દોરી બાંધવા મથી રહેલી ઈશાનીને આદિત્ય મદદ કરવા ગયો તો ઈશાનીએ નો થેન્ક્સ કહીને અટકાવ્યો. આવું બધું આદિત્યના સ્વભાવમાં નહોતું તો પણ તે ઈશાની પ્રત્યે ખેંચાઈ રહ્યો હતો. આજ સુધી કોઈએ આદિત્યનું એટેન્શન મેળવ્યું નહોતું, પણ ઈશાની આદિત્યને આકર્ષી રહી હતી. આમ તો આદિત્ય સ્પષ્ટવક્તા અને સતત કાર્યરત રહેનાર માણસ હતો, પરંતુ ઈશાની સામે આવે એટલે તે જાણે બધું ભૂલી જવા લાગ્યો હતો. આદિત્ય ઈશાની સાથે વાત કરવા ઈચ્છતો હતો પરંતુ ત્યાં જ ઈશાનીને તૈયાર કરવાવાળી ટીમ આવી પહોંચી.

ઘરનાં તમામ સભ્યો રીસેપ્શન માટે અમદાવાદની હોટલ ધ ગ્રાન્ડ એમ્પાયર માટે નીકળી ગયા હતા. આદિત્ય ઘરમાં જ બનેલી ઑફિસમાં એક જરૂરી વિડીયો કોન્ફરન્સ કરી રહ્યો હતો. કોન્ફરન્સ પૂરી કર્યા પછી આદિત્ય રીસેપ્શન માટે તૈયાર થવા ગયો. ઈશાની અને આદિત્યને રમણબાની સૂચના મુજબ સાથે જ રીસેપ્શન માટે જવાનું હતું. આદિત્યે જોયું તો ઈશાની તૈયાર થઈને સોફા પર બેઠી હતી. કુંદનના ઘરેણા ને આછા ગુલાબી રંગની ચોલી ઈશાની પર ખૂબ શોભતા હતા. ચોલી ખૂબ ઘેરવાળી હતી માટે ઈશાની તેને ફેલાવીને બેઠી હતી, જાણે કોઈ રજવાડાની રાણી હોય. આદિત્ય ઈશાનીને એકીટસે જોઈ રહ્યો. તેની નજીક આવવાની બીકે ફરી ઈશાનીને ધકધક થવા લાગ્યું. મોડું થતું હોવાથી આદિત્ય ઉતાવળે તૈયાર થવા લાગ્યો. કોકિલાબાએ મોકલેલ મેક અપ આર્ટીસ્ટોને પણ તેણે ના પાડી દીધી કારણ કે તેને એવું બધુ ગમતું નહી.

આકાશમાંથી ઉતરેલી કોઈ પરી જેવી લાગતી ઈશાની અને આદિત્ય કારમાં જઈ રહ્યા હતા. આદિત્યે હળવેથી ઈશાનીના હાથ પર હાથ મૂક્યો. ઈશાનીએ વીજળીની ઝડપે પોતાનો હાથ લઈ લીધો. બરાબર એ જ વખતે ઈશાનીનો સેલ રણક્યો. સામે છેડે અનિકા હતી. અનિકા પોતાના અને ઈશાનીના અસાઈનમેન્ટ પેપર્સ સબમીટ કરવા લંડન ગઈ હતી. એને આમ પણ આવી મોટી પાર્ટીઓ ગમતી નહિ.

ઈશાની અનિકા સાથે વાત કરી રહી ત્યાં હૉટેલ આવી ગઈ. આદિત્યની ઈશાની સાથે વાત જ ન થઈ શકી. હોટલના માલિક પોતે આદિત્યસિંહને વેલકમ કરવા આવ્યાં. હોટલના માલિકે ઈશાનીને બૂકે આપીને વેલકમ કર્યું. હોટલના લેડી સ્ટાફે ઈશાનીની ચોલીનો ઘેર પાછળ રહે એ રીતે ગોઠવીને ઈશાનીને ચાલવાની અનુકૂળતા કરી આપી. છેક રીસેપ્શન હોલ સુધી ન્યુલી વેડ કપલને ચાલવા માટે ફૂલો વડે રસ્તો બનાવાયો હતો. બંનેના હોલમાં પહોંચતા જ આખો હોલ તાળીઓથી ગૂંજી ઊઠ્યો. રમણબાએ સૌ પ્રથમ સ્ટેજ ઉપર જઈને નવદંપતિને આશીર્વાદ આપ્યા, હેમાબા પાસે રમણબાએ ઈશાનીને સૂચના અપાવી કે બધાનું હાથ જોડીને અભિવાદન કરવું. કોલ્ડ કોફીનો મગ ઈશાની વેઈટર પાસેની ટ્રેમાંથી ઊંચકવા જતી હતી ત્યાં જ ઈશાનીની નજર પોતાની સામે કરડાકીથી જોઈ રહેલા રમણબા તરફ પડી. ઈશાનીએ મગ પાછો મૂકી દીધો. લંડનમાં વીતાવેલા દિવસો ઈશાનીને યાદ આવી ગયાં, જ્યાં પોતે હોટ કોફી પીતાં પીતાં મનફાવે ત્યાં ફરતી.

બધા જ મહેમાનો દેશના યંગ બિઝનેસમેનને મળવા તત્પર હતા. એક પછી એકનું અભિવાદન આદિત્ય સ્વીકારી રહ્યો હતો, ત્યાં અચાનક જ ઈશાનીની નજર પોતાના માતાપિતા પર પડી. રામદેવસિંહને જોઈ ઈશાનીને ડૂમો ભરાઈ આવ્યો. પાલવ માથે ઓઢીને ઊભેલી ઈશાનીને જોઈ સીતાબા ખૂબ રાજી થયા જ્યારે રામદેવસિંહે પોતાની દિકરી માટે મનોમન પીડા અનુભવી. ઈશાની પોતાના માતાપિતાને ભેટી પડી. તેને મન ભરીને રડવું હતું જે રમણબાને નહી ગમે તેમ વિચારીને ઈશાનીએ માત્ર દાદા દાદીનાં ખબર પૂછ્યાં. આદિત્યે બે વાર ઈશાની માટે પાણી મગાવ્યું પણ ઈશાનીએ ન પીધું. રમણબાની ઈચ્છા મુજબ રીસેપ્શન આઠ વાગ્યે તો પૂરું પણ થઈ ગયું. નવ વાગ્યે તો બધા રામપુર પહોંચી ગયાં.

આદિત્યસિંહના પરિવારના રિવાજ પ્રમાણે ઘરના ગાર્ડનની વચ્ચે રહેલું મધુવન નામનું નાનકડું ઘર ઈશાની અને આદિત્યસિંહ માટે ખોલવામાં આવ્યું . આખુંય કાચની દિવાલોવાળું એ ઘર ફરતી લીલોતરી અને પાણીના સુંદર હોજથી ઘેરાયેલું હતું. જેટલી સુંદરતા મધુવનની બહાર હતી એટલી જ અંદર પણ હતી. જાણે ઘરની અંદર જ ચંદ્ર ઊગ્યો હોય એવી સરસ રોશનીની વ્યવસ્થા કરવામાં આવી હતી. મોટા બેડરૂમની બાજુમાં જ એક નાનકડું કીચન પણ હતું, જેથી ત્યાં રહેનારને બહાર આવવાની જરૂર ન રહે.

આદિત્યના પરિવારના રિવાજ પ્રમાણે ઘરના દરેક નવદંપતિને મધુવનમાં મોકલવામાં આવતાં. છેલ્લે કેતકીબા અને જશપાલસિંહ માટે મધુવન ખોલાયું હતું. મુખ્ય ઘરમાં રહે તો પુરુષ ધંધાની જવાબદારીઓમાંથી મુક્ત ન થઈ શકે અને એકાંત પણ ન મળે, માટે નવદંપતિ એકબીજા સાથે સમય વીતાવી શકે તેવા શુભાશયથી મધુવન બનાવવવામાં આવ્યું હતું. પેઢીઓ જૂનો દિલીપસિંહનો બિઝનેસ હતો અને પેઢીઓ જૂનો આ રિવાજ પણ હતો. પૂર્વા અને આદિત્યનાં લગ્ન નક્કી થયાં કે તરત કોકિલાબાએ રમણબાની રજા લઈ વર્ષોથી બંધ પડેલા મધુવનને ખોલાવી સફાઈ અને સમારકામ બંને કરાવી આપ્યું . ઘરના બાળકો ઘણીવાર ત્યાં રમવાની કે જોવાની જિદ કરતાં પરંતુ રમણબાની એમને રજા ળતી નહી. એ ઘર સામાન્ય થઈ જાય તો કોઈને એનું મહત્વ રહે નહી એવી વિચારસરણી એની પાછળ જવાબદાર હતી. ઋતુરાજસિંહ નાનકડો હતો ત્યારે એણે એકવાર લગ્ન કરવાની જિદ પકડેલી, કારણ કે તેને મધુવનમાં જવું હતું.
દેવાંગીબાએ પોતાના ભાભીની મજાક કરવા માટે એક સરસ મજાનું નાઈટવેર ગિફ્ટપેક કરાવીને એના ઉપર ફ્રોમ આદિત્ય લખાવીને મધુવનમાં મોકલાવી આપ્યું. મધુવનમાં જવા માટે આદિત્ય હાથમાં લેપટોપ બેગ લઈને આવ્યો, જે રમણબાએ પાછી મૂકાવી દીધી. કોકિલાબા ઈશાનીને મધુવનમાં મૂકી આવ્યાં. બેડ પર ઈશાનીને ચોલી ફેલાવીને બેસવામાં મદદ કરીને કોકિલાબા જતા રહ્યાં. જેવા એ ગયા તરત જ ઈશાની ઊભી થઈ. બેડની બાજુમાં ગિફ્ટ પડેલી જોઈ ઈશાનીએ ઉપર વાચ્યુ ફ્રોમ આદિત્યા. કુતૂહલવશ ખોલી તો અંદરની ગિફ્ટ જોઈ ઈશાની સમસમી ગઈ. બરાબર એ જ વખતે પાછળથી આદિત્યએ ઈશાનીના બંને ખભા પર હાથ મૂક્યાં. ભારેભરખમ ઘરેણા, એટલાજ ભારે કપડાં અને સતત માથે ઓઢી રાખવાની જફા, પોતાના પિતાની લાચારી, પોતાનું તૂટેલું સ્વપ્ન આ બધું ભેગુ મળીને ઈશાનીના ગુસ્સા સ્વરૂપે બહાર આવી ગયું.
“ હાઉ ડેર યુ? હાઉ કેન યુ ટચ મી? એન્ડ વોટ ઈઝ ધીસ? લૂક, મી. આદિત્યા, મેં આ લગ્ન ફક્ત આપણા બંનેના પિતાની આબરૂને ખાતર કર્યા છે.”

“જુઓ ઈશાની, તમે ખોટું સમજી રહ્યા છો…….

“નો, આ તમારો બિઝનેસ નથી. હું જોઉં છું કે તમે કોઈ ને કોઈ બહાને મને ટચ કરી રહ્યા છો. સો પ્લીઝ સ્ટે વીથ યોર લીમીટ્સ.”

ઈશાનીની વાત સાંભળીને આદિત્યની અંદર રહેલો પુરુષ જાગી ઊઠ્યો. તેની મુઠ્ઠીઓ વળાઈ ગઈ, આંખો લાલ થઈ ગઈ. આટલું અપમાન આદિત્યએ કદી સહન કર્યું ન હતું એમ નહિ, પણ એનું આટલું અપમાન કરવાની કોઈએ હિંમત કરી જ ન હતી. આદિત્યનું અપમાન કરવું પડે એવી પરિસ્થિતિ કદી ઊભી જ ન થઈ શકે કારણ કે તે હતો જ એટલો પર્ફેક્ટ. બીજી છોકરીઓએ આ બધું જોયું હોત તો તેઓ ઈશાનીને મૂર્ખ જ સમજેત કારણ કે ઈશાની પહેલી એવી છોકરી હતી જેનામાં આદિત્યએ રસ લીધો હતો. આદિત્યએ ઈશાનીને જોરથી બંને હાથે પકડીને છેક દિવાલને અડાડી દીધી. ઈશાનીએ નીકને તો સહેલાઈથી ધકેલી દીધો હતો પણ આદિત્યની તો તે પકડ પણ ઢીલી કરાવી શકતી ન હતી. આદિત્યે પોતાનું મોં છેક ઈશાનીના મોં પાસે રાખ્યું. ઈશાની જીવનમાં પહેલી વખત ડર અનુભવવા લાગી હતી. તેણે આંખો મીંચી દીધી. તેનાથી કંઈ શકે એમ ન હતું.

“ડોન્ટ રીમેમ્બર મી માય લીમીટ્સ. આઈ અનનોઈંગ્લી ટચ્ડ યુ બીકોઝ આઈ..

આટલેથી અચાનક અટકીને આદિત્યે ઈશાનીને મૂકી દીધી. દૂર ખસીને પોતાનો કોટ લીધો અને ચાલવા લાગ્યો. જોરથી દરવાજો ખખડવાનો અવાજ આવ્યો ત્યારે ઈશાની સભાન બની કે શું બની ગયું હતું. ઈશાની ધબ દઈને બેડ પર બેસી ગઈ.

* * *

“ઈશાની, બેટા, ઊઠો.” હેમાબાનો અવાજ સાંભળી ઈશાની ઝબકીને બેઠી થઈ. જોયું તો ઘડિયાળમાં આઠ વાગ્યા હતાં. “પૂજાનો સમય તો જતો રહ્યો.” ઈશાનીથી બોલાઈ ગયું. “ચિંતા ન કરીશ બેટા! આજે આપણે સ્ત્રીઓએ માતાજીના મંદિરે પૂજા કરવા જવાનું છે એટલે ઘરમાં આજે પૂજા નથી. દર રવિવારે ઘરના બદલે આપણે મંદિરે જઈને પૂજા કરીએ છીએ. હા, તારો જે કાંઈ સામાન હોય તે બેગમાં ભરી લે. આદિત્ય જ નથી તો તું અહીં એકલી રહીને શું કરીશ? તો મારી સાથે જ શીતભવનમાં ચાલ.”

આદિત્ય કેમ નથી? ક્યાં ગયા છે એવું ઈશાની પૂછવા માગતી હતી પણ હેમાબાને ગઈ રાતના પોતાના ઝઘડા વિશે ખબર પડી જશે એ બીકે કશું ન બોલી. ઈશાનીએ પોતાની બેગમાં સામાન ભરી દીધો. હેમાબા સાથે ચાલતી થઈ. બહાર અજવાળામાં બાગની સુંદરતા જોઈને ઈશાનીથી બોલાઈ ગયું, “ સો બ્યુટીફૂલ. હેવન્લી ફીલીંગ.”

“અવર સેન્સીઝ ફીલ્સ રીલેક્સ્ડ હીઅર.” હેમાબા બોલ્યા.

ઈશાનીને પોતાના સામે અચરજથી જોતી જોઈ તેમણે કહ્યું કે પોતે ઈંગ્લીશ લિટરેચરમાં પોસ્ટ ગ્રેજ્યુએટ છે. ઈશાનીને પોતાની સાસુ પ્રત્યે માન થયું કે તેઓ કેટલાં સરળ છે.
દેવાંગીએ ઈશાનીને બપોરે પૂછી પણ લીધું, “ભાભી પેલો નાઈટવેર ભાઈને ગમ્યો? સોરી, એ મેં મજાક કરવા ભાઈના નામથી મૂક્યો હતો.” ઈશાનીને તો જાણે આંચકો લાગ્યો. ઈશાનીને પસ્તાવો થયો ક પોતે જાણ્યા વગર આદિત્યને ઉધડો લઈ નાખ્યો. ઈશાની રૂમમાં ચાલી ગઈ.
પોતાના આલિશાન ચાર માળના રજવાડી ઘર કમ મહેલના વૈભવશાળી બેડરૂમ ના દસ બાય દસ ના બેડ પર આડી પડેલી ઈશાની છેલ્લા એક અઠવાડિયામાં પોતાના જીવનમાં આવેલા વળાંકોથી હતપ્રભ થઈને વિચારતંદ્રામાં સરી ગઈ હતી. પોતે શું હતી ને ક્યાં હતી ?
ઈશાનીએ ચાર દિવસ આ રીતે કાઢ્યા. ક્યારેક હેમાબા પાસે બેસીને વાત કરતી તો ક્યારેક દેવાંગી અને ભવ્યા સાથે થોડીવાર બેસતી. અનિકાને તો એણે કહી પણ દીધું કે યાર, તારી મારે અત્યારે સાચી જરૂર છે અને તું જ અહીં નથી. કોકિલાબા સાથે પણ તે વાત કરતી. દિકરીના ઘેર બહુ નહી જવાનું એવી ધનકુંવરબાની સૂચના હોવાથી રામદેવસિંહ ઈશાનીને મળવા જતાં નહિ પણ ફોન પર વાત જરૂર કરતાં. ઈશાની સીતાબા સાથે પણ ફોનમાં વાત કરવા લાગી. ઈશાની સીતાબા અને રામદેવસિંહને ફોન કરીને પૂર્વા વિશે પણ પૂછી લેતી. પૂર્વાના કંઈ સમાચાર નથી એ સાંભળીને એ દુઃખી થતી.

ઈશાનીનો થોડો કરમાયેલો ચહેરો અને અચાનક અડધી રાત્રે મધુવનમાંથી દિલ્હી ચાલી ગયેલાં આદિત્યનો વિચાર કરી રમણબાએ ઈશાનીની એકાદ વખત ઉલટ તપાસ કરી પણ ઈશાનીએ કંઈ કળાવા દીધું નહિ, પરંતુ મનમાં ને મનમાં ઈશાની પોતે આદિત્ય સાથે કરેલા વર્તન અંગે ડંખ અનુભવવા લાગી. દિલીપસિંહ, ધર્મેન્દ્રસિંહ અને જશપાલસિંહ એ ત્રણેય ભાઈઓ ઈશાની સાથે પ્રસંગોપાત વાતચીત કરી લેતા. સૌ ઈશાનીને પૂર્વા વિશે ચિંતા ન કરવા અને જલદી જ એનો પત્તો લાગશે એમ આશ્વાસન આપતા.

ઈશાનીએ વાતચીતમાં જાણી લીધું હતું કે આદિત્ય દિલ્હી એક સાઈટ પર હતો,જ્યાં રામદેવસિંહ અને દિલીપસિંહના સ્વપ્ન એવી ગુજરાતી સભ્યતા અને સંસ્કૃતિના પ્રતીક સમાન પ્રથમ હોટલ આકાર પામવાની હતી. આદિત્ય સાથે પોતે કરેલ વર્તન ઈશાનીને ઊંડે ઊંડે ડંખી રહ્યું હતું. ગમે તેમ હોય પોતે શાંતિથી આદિત્ય સાથે વાત કરવાની જરૂર હતી. વિચારમગ્ન ઈશાનીથી ટી.વી.પર ટ્રાવેલ શો ને બદલે બિઝનેસ ચેનલ ચાલુ થઈ ગઈ. ચેનલ પર દિલ્હીની એક બિઝનેસ પાર્ટીનું લાઈવ ટેલિકાસ્ટ આવી રહ્યું હતું. પાર્ટીનું ગ્લેમર આદિત્ય તરફ ખેંચાઈ રહ્યું હતું. એક એન્કર વારાફરતી મોટા મોટા બિઝનેસમેનની સાથે પ્રશ્નોત્તરી કરી રહ્યો હતો. આદિત્યનો વારો આવ્યો ત્યારે બધાનું ધ્યાન ત્યાં ખેંચાયું. આદિત્ય પોતાના હરિફ બિઝનેસમેનો અંગે પૂછાયેલા પ્રશ્નોનો સિફતથી જવાબ આપી રહ્યો હતો.

આદિત્યની ખાસિયત હતી કે તે સામેથી કોઈની દુશ્મની વહોરતો નહિ. બિઝનેસમાં ગમે તેવો હરીફ હોય તો પણ આદિત્ય તેની સાથે મિત્રભાવ જ રાખતો. મોટી પાર્ટીઓમાં હાજર ગ્લેમર પાસે બધા જ બિઝનેસમેન ભમરાની જેમ ઉડતાં ત્યારે આદિત્ય તો આવી બાબતોથી દૂર જ રહેતો. લાઈવ ટેલિકાસ્ટ જોઈ રહેલી ઈશાની આ પાર્ટી જોઈ રહી હતી. આદિત્યને એન્કરે પૂછ્યું કે તમને થોડા દિવસ પછી બેસ્ટ બિઝનેસમેન ઓફ ધ યર નો એવોર્ડ મળવાનો છે તો તમે આપની પત્ની સાથે જ એવોર્ડ લેવા આવશો ને! જસ્ટ વેઈટ એન્ડ વોચ કહીને આદિત્યએ એ પ્રશ્નનો જવાબ ટાળી દીધો. એ જ વખતે પાછળથી કોઈ અજાણ્યો માણસ આવીને આદિત્ય ઉપર કેટરર્સની છરી લઈને હુમલો કરવા ગયો પણ આદિત્યએ સિફતથી તેનો છરી પકડેલો હાથ વાળી દેધો અને બીજા હાથે તેને પટકી દીધો. આદિત્યના પહાડી હાથની એક જ થપાટે હુમલાવરને બીજીવાર ઊભો પણ ન થઈ શકે એવો બનાવી દીધો. ઈશાનીને હુમલાવરને ઓળખતા વાર ન લાગી કારણ કે તે નિક હતો.

નિક શા માટે આદિત્ય પર હુમલો કરે? ઈશાની વિચારી રહી. આદિત્યને કશું થયું તો નહિ હોય ને! ઈશાનીને મૂંઝવણ થઈ. ઈશાની એવી પત્ની હતી કે હજુ સુધી તેણે પોતાના પતિનો મોબાઈલ નંબર ન હતો. નંબર તો મેળવી લે પરંતુ આદિત્ય જે રીતે ગુસ્સો કરીને ગયો હતો એ યાદ આવતાં ઈશાનીને ફોન કરવાની હિંમત ન ચાલી.

બરાબર એ જ વખતે ઈશાનીએ બહાર કશોક જોરથી બોલચાલ થતી હોય એવો અવાજ સાંભળ્યો. તેણે બહાર આવીને જોયું તો દિલીપસિંહજી ફોન પર વાત કરી રહ્યાં હતાં.
“જુઓ બેટા, હું સમજુ છું કે દિલ્હી રહેવું અગત્યનું છે, પરંતુ આજના હુમલા વિશે જાણીને ઘરના સભ્યો ખૂબ ચિંતિત છે, તારા દાદી પણ ખૂબ ચિંતા કરે છે, તું આવી જા, બેટા. ત્યાંનું કામ આપણે જોઈ લઈશું.” દિલીપસિંહજીએ ફોન કટ કરીને બાજુમાં ઊભેલાં હેમાબાને કહ્યું કે આદિત્ય આવે છે. રડમસ થયેલાં હેમાબાને હાશ થઈ.

આદિત્ય આવવાનો છે એવું સાંભળી ઈશાનીને કંઈક અજબ જ લાગણી થવા લાગી. ઈશાની પોતાના તૂટેલા સ્વપ્નને ભૂલવા લાગી, આદિત્યને પોતે હર્ટ કર્યો છે એમ વિચારીને ઈશાનીએ નક્કી કર્યું કે પોતે આદિત્યની માફી માગશે, કારણ કે પોતાની હાલની પરિસ્થિતિ માટે આદિત્ય જવાબદાર ન હતો. આદિત્ય એ તો લગ્ન કરવાની ના પણ પાડી હતી. પોતે જ લગ્ન માટે તૈયાર થઈ હતી. ઈશાનીએ આદિત્ય આવે એટલે શું અને કેવી રીતે કહેવું તે વિચારી રહી. બોલવામાં તો ઈશાનીએ કદી વિચારવું ન પડતું, પરંતુ આદિત્યની બાબતમાં ઈશાનીને જાણે બોલવા માટે શબ્દો શોધવા પડતાં હતા.

નિકે કેમ આદિત્ય ઉપર હુમલો કર્યો હશે એમ ઈશાની વિચારી રહી. એણે અનિકાને ફોન લગાવીને પૂછ્યું તો જાણવા મળ્યું કે જ્યારથી નિકે જાણ્યું છે કે ઈશાનીના લગ્ન થયા છે ત્યારથી તે સાઈકો થઈ ગયો છે, ઈશાની લંડન પાછી પણ નથી આવી એ જાણી નિકે શોધી કાઢ્યું કે આદિત્યસિંહ સાથે ઈશાની પરણી છે. એકવાર તો અનિકાએ પણ તેના મોઢે સાંભળ્યું હતું કે આઈ વીલ કિલ ધેટ રિચ બિઝનેસમેન. ધેન યુ વીલ કમ બેક ટુ મી ઈશાની. અનિકાએ પહેલા તો આ હસી કાઢ્યું પણ જ્યારે નિક સાચે જ ભારત ગયો ત્યારે અનિકાએ આદિત્યને ફોન કર્યો ને બધી વાત કરી. અનિકાએ ઈશાનીને આ બધી વાત ન જણાવવા બદલ તેની માફી માગી અને કહ્યું કે તેણે નિક વિશે કહ્યું નહી કારણ કે ઈશાની લગ્નના લીધે ખૂબ જ મૂંઝવણમાં હતી અને તે તેને વધારે પરેશાન જોવા માગતી ન હતી.

ડિનરનો સમય થઈ ગયો હતો. આઠ વાગતાં જ ઘરના પુરુષો ડિનર ટેબલ પર હાજર થઈ ગયા. હંમેશાની જેમ ઘરની સ્ત્રીઓ રસોઈ પિરસવા માટે તૈયાર હતી. ઈશાનીની રસોઈની વિધિ હજુ બાકી હતી એટલે તે બાજુમાં ઊભી હતી. બરાબર એ જ વખતે આદિત્ય આવી પહોંચ્યો. હેમાબા આદિત્યને જોઈને ગળગળા થઈ ગયા. આદિત્યના હાથમાં નિકની છરીનો ઘા થયો હતો એટલે તેના હાથે પાટો હતો. ઘરના બધા સભ્યો આદિત્યને ઘેરી વળ્યા. આદિત્ય ખબર પૂછી રહેલા અને ચિંતા કરી રહેલા સૌ ને શાંત રાખી રહ્યો હતો અને બધાને હસાવી રહ્યો હતો.
“આદિત્ય, તેં એને જવા જ કેમ દીધો. તે એકવાર હા પાડી હોત તો પોલીસ એની જબરજસ્ત રીમાન્ડ લઈ કાઢત. દિલ્હીના કમિશ્નર સાહેબનો પણ ખૂબ આગ્રહ હતો કે તું પેલા હુમલાખોરને એમને સોંપી દે.” ધર્મેન્દ્રસિંહ ઉશ્કેરાઈ ગયાં હતા.

“એ માનસિક રીતે બિમાર હતો. એને પોતાને જ ખબર ન હતી કે તે શું કરી રહ્યો છે. એ મરેલાને શું મારવો. એ તો એની યોગ્ય જગ્યાએ પહોંચી ગયો.”

“ક્યાં?”

“મેન્ટલ હોસ્પિટલ”

“તારે હજુ ઘણી લાંબી જિંદગી પડી છે ,એમાં તું તારો બિઝનેસ કરજે. તું મારો બહાદુર ક્ષત્રિય પુત્ર છે પણ હાલ તો જ્યાં સુધી તારો હાથ ઠીક ન થાય ત્યાં સુધી તારે ઘેર આરામ જ કરવાનો છે. કેમ ઈશાની?” રમણબા બોલ્યા.

“જી, બા.” ઈશાનીએ ટૂંકમાં જવાબ આપ્યો. તેણે જોયું કે આદિત્ય આવ્યો ત્યારથી અત્યાર સુધી તેણે એકવાર પણ પોતાની સામે જોયું ન હતું. નિકની બધી જ હકીકત જાણતા હોવા છતા આદિત્યે કેમ કોઈને જણાવ્યું નહિ? ઈશાની વિચારી રહી.

ઈશાની જમીને પોતાના રૂમ તરફ જવા માગતી હતી ત્યાં જ દેવાંગીએ કહ્યું, “ઊભા રહો ,ભાભી ક્યાં જવાની ઉતાવળ છે, રમણબાના પગ દબાવવા માટે જવાનું છે.” રમણબા પણ જાણે ઈશાનીની ઉતાવળ માપી ગયાં હોય એમ છેક અડધી કલાકે ઈશાનીને રજા આપી. ઈશાનીએ રૂમમાં જઈને જોયું તો આદિત્ય ઊંઘી ગયો હતો. ઈશાની તેની સાથે વાત કરી ન શકી. ઈશાની માટે બેડ ખાલી રાખીને સોફા પર સૂતેલા આદિત્યનું સ્ત્રી દાક્ષિણ્ય ઈશાનીને ગમી ગયું. ઈશાનીને રામદેવસિંહની યાદ આવી ગઈ. તેઓ પણ ઈશાનીને આમ જ સાચવતાં.

સવારે ઈશાની ઊઠી ત્યારે આદિત્ય સોફા પર ન હતો. ઈશાની એલાર્મ મૂકીને સૂતી હતી છતાં ઊઠવાનું મોડું થઈ ગયું. તેને સાડી પહેરતાં ન ફાવતી એટલે મેઈડ ત્યાં આવીને ઊભી હતી. એની મદદથી તૈયાર થઈને ઈશાની પૂજાઘરમાં પહોંચી તો પૂજા પૂરી પણ થઈ ગઈ હતી ને બધા વિખરાઈ ગયા હતા. માત્ર રમણબા માળા ફેરવતા ત્યાં બેઠા હતા.

“જુઓ ઈશાની બેટા, ઘરનો નિયમ તોડો એ વાત તો ઠીક પરંતું વહેલી સવારે પૂજા કરવાથી મન અને આત્મા શાંત થાય છે. તમે તમારા સ્વાર્થને ખાતર પણ પૂજામાં આવવાનું રાખો તો સારું રહેશે.”

“બા, રાત્રે ખૂબ મોડેથી ઊંઘ આવી માટે એલાર્મ સંભળાયું જ નહિ.” ઈશાનીએ વળતો જવાબ આપ્યો, આવી હિંમત ઘરની કોઈ સ્ત્રી કરતી નહિ.

“માટે જ કહું છું કે મન અને આત્મા શાંત કરવાનો પ્રયત્ન કરો. જે તમારી સાથે કે પાસે નથી એની પાછળ દોડવા કરતા મળેલ પરિસ્થિતિને સ્વીકારશો તો વધારે શાંતિ મળશે. મારા આદિત્યે તમારી સાથે બળજબરીથી લગ્ન નથી કર્યા, તમે જાતે જ લગ્ન કરવા તૈયાર થયા હતા. માટે તમારી તકલીફ માટે એને કદી દોષ આપશો નહિ. અને હા, આજે તમારી રસોઈવિધિ છે માટે તમારા મમ્મીજી અને કાકીજીની પાસે રસોઈમાં જઈને એ વિધિ પૂર્ણ કરો.” આટલું કહી રમણબા આંખો બંધ કરી ફરી માળા ફેરવવા લાગ્યાં. ઈશાની માટે એ જવાનો સંકેત હતો.

* * *

કિચનમાં જતા પહેલાં આદિત્ય જો રૂમમાં હોય તો તેની સાથે વાત કરવાના ઈરાદાથી ઈશાની રૂમ તરફ ચાલતી થઈ. ગ્રાઉન્ડ ફ્લોરના પૂજાઘરથી બીજા માળે બેડરૂમ સુધી પહોંચી ત્યાં સુધી રમણબા પોતાના અને આદિત્ય વિશે કેટલું બધું જાણે છે એ બાબતે ઈશાની વિચારતી રહી ને એમના શબ્દો વાગોળતી રહી. પોતે અત્યારે આદિત્ય સાથે વાત કરવા જેટલા પ્રયત્નો કરી રહી છે એટલા તો તેણે કદી કોઈ માટે કર્યા ન હતા એ વાત ઈશાનીના મગજમાં આવી. આજે તો આદિત્યને કહી જ દેવું છે કે મારે તમારી સાથે વાત કરવા કેટલી તમારી રાહ જોવાની? તમારી જાતને સમજો છો શું?

આદિત્ય તો રૂમમાં જ હતો. ઈશાની સામે જઈને ઊભી રહી, આદિત્ય તો પોતાના લૅપટોપમાં મશગૂલ હતો. “એકસક્યૂઝ મી,” ઈશાની બોલી એટલે આદિત્યે આંખો ચોળી અને તેની સામે જોયું. “આઈ…..આઈ……હું….”ઈશાનીએ તૈયાર કરી રાખેલા શબ્દો ખોવાઈ રહ્યા હતા. શું બોલવાનું નક્કી કર્યું હતું એ ઈશાની શોધવા લાગી. જીભ જાણે તેને સાથ ન આપતી હોય એમ અચકાવા લાગી. ત્યાં જ મેઈડ ઈશાનીની વહારે આવી, દરવાજે નોક કરીને કહી ગઈ કે ચોથા માળની ઑફિસમાં જશપાલસિંહજી આદિત્યની રાહ જૂએ છે.

પોતે આટલી સ્પષ્ટવક્તા અને બોલવા શબ્દો ન મળે એ કેવી નવાઈ! ઈશાની પોતાને જ ઠપકો આપી રહી. આદિત્યને જોઈને શું ગભરાવાનું? હેમાબાએ આપેલી નવી સાડીઓ વૉર્ડરોબમાં ગોઠવી રહેલી ઈશાનીનું ધ્યાન આદિત્યની ફાઈલો વચ્ચેથી ડોકિયું કરી રહેલી પર્પલ કલરની ડાયરી પર ગયું. કુતૂહલવશ તેણે હાથમાં લઈને તેનું પહેલું પેઈજ ખોલ્યું તો તેમાં આદિત્યનું નામ હતું. ઈશાનીએ ઉતાવળે પહેલા બે ત્રણ પેઈજ ફેરવ્યાં અને લખાણ વાચીને સમજતાં વાર ન લાગી કે આદિત્ય જ્યારે શિમલામાં એમ.બી.એ. કરવા ગયો ત્યારની આ ડાયરી હતી.આ એ જ યુનિવર્સિટી હતી જ્યાં ઈશાની એ જ અરસામાં બી.કોમ. કરતી હતી. એક પાના પર લખ્યું હતું કે, ‘ આજે એને જોયાને અઠવાડિયું થયું તો પણ નજર સામેથી એનો ચહેરો હટતો નથી. એ જ્યારે એના વાળ ઝટકો મારીને દૂર ખસેડતી હતી ત્યારે, જ્યારે એ સ્મિત આપતી હતી ત્યારે, જ્યારે એ એની આંખો બંધ કરતી ને ખોલતી હતી ત્યારે મને એ દુનિયાની સૌથી સુંદર છોકરી લાગી.’
ઈશાનીને રસ પડ્યો. મર્યાદાનો અવતાર ગણાતા આદિત્યસિંહ આવું પણ લખી શકે છે! ઈશાનીએ પાના ફેરવ્યા. આજે જ્યારે એ અચાનક કોન્ફરન્સ હોલમાં આવી ત્યારે એના પરથી નજર જ ન હટી. એના એ જ લહેરાતા વાળ, એ જ સ્મિત, એ જ છટા, એજ આત્મવિશ્વાસથી ભરેલી, એનો અવાજ મધુર રણકતી ઘંટડી જેવો એનો અવાજ માઈક્રોફોનમાં રેલાયો, હેલો, ગુડ મોર્નિંગ ગાયઝ ધીસ ઈઝ ઈશાની…

ઈશાની તો ચોંકી ગઈ. આ એની જ વાત હતી! ફ્રેશર્સ પાર્ટીની કોન્ફરન્સમાં પોતે બોલેલી અને બહુ તાળીઓ પડેલી. શું આદિત્યએ પોતાના માટે આ બધું લખ્યું હતું? ઈશાનીએ ઝડપથી પાના ફેરવવા માંડ્યા. આદિત્યે લખ્યું હતું, ‘આજે એ કદાચ ગેમમાં હારી હતી અને તેથી તેણે ડેર પૂરું કરવા સાડી પહેરી હતી. કેસરી રંગની સાડીમાં ઈશાની જાણે મારી ડ્રીમગર્લ બનીને આવી. મારી બાજુમાંથી એ નીકળી ને એનો પલ્લુ મારા મોં પરથી પસાર થયો. જાણે એક સુગંધનો દરિયો પસાર થયો. એ પળ ત્યાં જ થોભી ગઈ હોત.’ ઈશાનીને ખાતરી થઈ ગઈ કે આદિત્યએ પોતાના માટે જ બધું લખ્યું હતું.

જેમ જેમ આગળ વાચતી ગઈ એમ એને ખ્યાલ આવતો ગયો કે આદિત્યએ એને કેટલી ઉત્કટતાથી ચાહી હતી. તે યુનિવર્સિટીમાં આવી એ પ્રથમ છ મહિના આદિત્યના ત્યાં છેલ્લા છ મહિના હતા એવું ઈશાનીન એ તારીખો જોઈને જાણી લીધું. તો પછી એણે મારી સાથે વાત કેમ ન કરી? છ મહિના તો પૂરતા છે વાત કરવા માટે. ઈશાનીને યાદ આવ્યું કે એમ.બી.એ. ફેકલ્ટીમાં કોઈ આદિત્ય હતો, જેની પાછળ યુનિવર્સિટીની મોટાભાગની છોકરીઓ ઘેલી હતી. આદિત્યની પાસે જવા કોશિશો કરતી. આદિત્યને ક્રિકેટ રમતો જોવા ઈશાનીના ક્લાસની છોકરીઓ પણ જતી. ઈશાનીને તો આવી બાબતમાં રસ નહિ એટલે તેણે કદી એ આદિત્ય વિશે જાણવાની દરકાર કરેલી નહિ. ઈશાનીને ખાતરી થઈ ગઈ કે એ આદિત્ય આ જ જે પોતાના પતિ છે! પોતે કદી એ આદિત્યને જોયો નહોતો પરંતુ એની પાછળ મોટાભાગની છોકરીઓ ગાંડી થઈ હતી ને એ મારા જ વિચારો કર્યા કરતો હતો! ઈશાનીને અલગ જ લાગણી થવા લાગી. એણે કેમ એકવાર પણ મને કહ્યું નહિ? એનો જવાબ પણ ઈશાનીને ડાયરીમાં જ મળી ગયો.

‘કાલે ફેરવેલ છે, આજે એક જ દિવસ હતો એને મારા મનની વાત કહેવા માટે , હું ગયો પણ ખરો એને કહેવા માટે, પણ ઈશાનીએ બરાબર એ જ વખતે જતીનને ખખડાવી નાખ્યો ને કહી દીધું કે પ્રેમ માટે સમય જ નથી. ઈશાની મારી લાગણીઓનો અસ્વીકાર કરે એના કરતા હું જ એને કશું નહિ જણાવું.

ઈશાનીને જોતા શિમલામાં વિતાવેલો સમય એ મારી સુંદર યાદો છે એ હંમેશા સચવાઈને રહેશે.’

ઈશાનીને યાદ આવ્યું કે જતીન નામનો છોકરો તેને પ્રપોઝ કરવા આવેલો એને એણે ‘ નો ટાઈમ ફોર લવ, મિ. જતીન’ એમ કહીને ધમકાવી કાઢેલો. ઓહ! આદિત્ય, એક બિઝનેસ ટાયકૂન અંદર આટલો સંવેદનશીલ પુરુષ વસે છે એવું આજે ઈશાનીએ જાણ્યું. હવે ઈશાની વિચારવા લાગી કે આદિત્ય માટે કેટલું મુશ્કેલ હશે પોતાની જાત પર કાબુ રાખવો જ્યારે તેની સ્વપ્નની સ્ત્રી એની સામે પત્ની તરીકે હતી. આદિત્ય પોતાની સાથે લગ્ન થયા પછી પણ એકદમ સંયમથી વર્તતો હતો. અને પોતે શું કર્યું? એ જાણતો પણ ન હતો એવા ગુના માટે એની સાથે અસભ્યતાથી વાત કરી, આદિત્યએ છતા પણ પોતાને એક શબ્દ પણ ન કહ્યો કારણ? કારણ કે એ પ્રેમ કરતો હતો.
ઈશાની રડી પડી. બંને હાથ પોતાની આંખો પર રાખી દીધા છતા આંસુ ન રોકાયા. ઈશાનીને થયું કે તે અત્યારે જ દોડી જાય આદિત્યની ઓફિસમાં અને તેને ભેટી પડે. ઈશાનીને ખ્યાલ આવ્યો કે તેના માથે એક વહાલભર્યો હાથ ફરી રહ્યો છે. હેમાબા તેને રસોઈવિધિ માટે બોલાવવા આવ્યા હતા. ઈશાનીને રડતી જોઈ તેના માથે હાથ ફેરવવા લાગ્યા. ઈશાની હેમાબાને વળગી પડી અને હેમાબા તેને વહાલથી પસવારતા રહ્યાં.

“હું સમજી શકું છું બેટા કે એક દિકરી માટે તેના માતાપિતાને છોડીને સાસરે જવું કેટલું અઘરુ હોય છે ને એમાંય તારે તો આમ સાવ અચાનક … પણ બેટા ચિંતા ન કરીશ. આજે જ હું રમણબાને વાત કરીશ તારે પિયર પહેલો આંટો જવાની વિધિનો.”

ઈશાની છાની રહી અને મનોમન નક્કી કર્યું કે તે ચૂપ થઈ ગયેલા આદિત્યને મનાવી પણ લેશે અને આદિત્યને તેનો હક પણ આપશે.

એ બપોરે ખાસ બધા લંચ માટે ટેબલ પર હાજર રહ્યાં કારણ કે આજે ઈશાનીએ પહેલીવાર આ ઘરમાં રસોઈ બનાવી હતી. માત્ર ઈશાની જ જાણતી હતી કે એની આટલી જિંદગીમાં એણે પહેલીવાર રસોઈ બનાવી હતી.

બધાં આવ્યાં એટલે રમણબાએ પૂછ્યું કે શું બનાવ્યું છે? ત્યારે હેમાબાએ ઈશાનીની બનાવેલી વાનગીઓ ચખાડી. ઈશાનીએ કદી રસોડું પણ ન જોયું હતું તેણે આજે ગુજરાતી રસોઈના વિડીયો જોઈજોઈને પંદરેક વાનગીઓ બનાવી હતી. ઈશાનીએ પોતાના હાથે આદિત્યને પીરસ્યું. પણ આદિત્ય તો બરાબરનો રિસાયો હતો. મૂંગા મોં એ તેણે જમી લીધું. પીરસતાં ઈશાનીનો હાથ આદિત્યને અડી ગયો, આદિત્યએ તરત હાથ ખેંચી લીધો. ઈશાનીએ બનાવેલી રસોઈ સૌને ભાવી. રમણબાએ ઈશાનીને બે ત્રણ વસ્તુઓનું રસોઈમાં ધ્યાન રાખવા વિશે કહ્યું. હેમાબાએ રમણબા અને દિલીપસિંહજીને ઈશાનીને પહેલીવાર પિયર મોકલવા વિશે વાત કરી. દિલીપસિંહજી અને તેમના ભાઈઓ આ નિર્ણય રમણબાને સોંપીને જતા રહ્યાં. આદિત્યના કુટુંબના રિવાજ પ્રમાણે નવી વહુને પહેલીવાર તેના દિયર તેના પિયરમાં મૂકીને આવે અને પછી આખું કુટુંબ એને પાછી તેડવા જાય.

એ જ દિવસે ઋતુરાજસિંહ, વિનીતસિંહ અને જયવીરસિંહ એ ત્રણેય ભાઈઓ પોતાના ભાભીને મૂકવા ઈશાનીને પિયર ગયાં. રમણબાએ ઈશાની સાથે શુકનની ભેટો બે ગાડી ભરીને મોકલાવી. ઈશાની પિયર જવા તૈયાર થઈ ત્યાં સુધી એકવાર પણ આદિત્ય એક વાર પણ તેની ચોથા માળે રહેલી ઓફિસમાંથી નીચે ન આવ્યો. ઈશાની આદિત્ય સાથે વાત કરવા તડપી રહી હતી પણ તેને એકાંત ન મળ્યું. ભાભી કાલે તૈયાર રહેજો, અમે બધા લેવા આવવાના છીએ, એમ કહીને ઈશાનીના ત્રણેય દિયર ચાલ્યા ગયાં.

રામદેવસિંહ, સીતાબા, ધનકુંવરબા અને હરિસિંહ બધા ઈશાનીની રાહ જ જોઈ રહ્યાં હતા. ઈશાની વારાફરતી બધાને ભેટી પડી. બધાને તો એમ કે ઈશાની આવીને એની ટેવ મુજબ આખું ઘર માથે લેશે પણ આ તો એકદમ શાંત થઈ ગઈ હતી. મારું વાવાઝોડું આટલું શાંત કેમ પડી ગયું એમ કહીને ધનકુંવરબાએ ઈશાનીને વહાલ કર્યું.

ઊભા થયેલા સંજોગો માટે અફસોસ કરી રહેલાં રામદેવસિંહને ઈશાનીએ કહ્યું કે, “આપણા હાથમાં કશું નથી હોતું પપ્પા, આપણે બધી જ પરિસ્થિતિને આપણા જ દ્રષ્ટિકોણથી વિચારીએ છીએ, બીજાના દ્રષ્ટિકોણથી વિચારીએ તો જીવન કેટલું સરળ બને. મારી બિલકુલ ચિંતા ન કરશો.”

ઈશાનીમાં આટલું પરિવર્તન જોઈને રામદેવસિંહને વિશ્વાસ આવી ગયો કે ઈશાની માટે દિલીપસિંહજીના ઘરથી સારું ઘર ન હોઈ શકે.

ઈશાની તેના રૂમમાં જઈને તેની જૂની યાદો વાગોળતી હતી ત્યા તેના મોબાઈલમાં ફોન આવ્યો.

* * *

“હેલો…” સામેના છેડેથી અવાજ આવ્યો.

“દી……” ઈશાની પૂર્વાના અવાજને ઓળખી ગઈ.

“કેમ છે ઈશાની? બધા શું કરે છે?”

“દી, નાઉ યુ રીમેમ્બર અસ?” ઈશાનીને થોડો ગુસ્સો આવી ગયો.

“લૂક ઈશાની, હું ખૂબ જ પરેશાન ન હતી.”

“પરેશાન હોય એટલે કોઈને કંઈ પણ કહ્યા વગર જતા રહેવાનું?”

“ઈશુ, પ્લીઝ મને સમજવાનો પ્રયત્ન કર. તારા માટે વસ્તુઓ કહેવી જેટલી સહેલી છે એટલી મારા માટે નથી.” હવે મારા માટે પણ નથી રહી, પૂર્વાની વાત સાંભળી ઈશાની મનમાં બબડી .

“તું ક્યાં છે દી?” ઈશાની શાંત પડી.

“ઈશુ, હું દિલ્હી છું?”

“ખોટું દી, તું ઈન્ડિયામાં હોય તો પપ્પા તને શોધી જ લે!”

“ઈશુ, અમને મદદ જ એવી વ્યક્તિએ કરી છે કે પાપા ન શોધી શકે.”

“કોણ?”

“આદિત્યસિંહ.”

ઈશાની તો છક્ થઈ ગઈ. પળે પળે આદિત્યના નવા રૂપ એની સામે આવી રહ્યાં હતા.

“હાઉ?”

“ઈશુ, હું અજયને પ્રેમ કરું છું એવું ઘેર કહેવાની મને હિંમત ન ચાલી. છેક લગ્નની મહેંદી મૂકતી વખતે મેં હિંમત એકઠી કરીને વિચાર્યું કે જો હું ચૂપ રહીશ તો આદિત્યસિંહની, મારી અને અજયની ત્રણેયની જિંદગી બગડશે. મેં આદિત્યસિંહને જ ફોન કરવાનું યોગ્ય સમજ્યું.અજય આદિત્યસિંહના પી.એ. છે. તેઓ મારી પરિસ્થિતિ સમજ્યા ને અમને મદદ તો કરી જ સાથે દિલ્હીમાં બધી ગોઠવણ કરી આપી. યોગ્ય સમયે આદિત્યસિંહ બધાને સમજાવી લેશે એવું એમણે કહ્યું છે. ઈશુ, હું ખૂબ જ ખુશ છું. અને હા, ઈશુ તું ખૂબ લકી છે તને આદિત્યસિંહજી જેવા પતિ મળ્યા.”

“ઈશુ, તું સાંભળે છે ને! મને ખાતરી છે ઈશુ તું એમનીસાથે ખુશ રહીશ. નેક્સ્ટ ટાઈમ આદિત્યસિંહજી દિલ્હી આવે ત્યારે જરૂરથી એમની સાથે આવજે. ઓકે, બાય.”

ઈશાની સમજી શકતી હતી કે પૂર્વા જેવી શરમાળ અને અંતર્મુખી છોકરી માટે આટલું મોટુ પગલુ ભરવુ કેટલું અઘરું હશે. ઈશાની બીજા દિવસે સવારથી જ આદિત્યસિંહ અને તેના કુટુંબની રાહ જોવા લાગી. એ બધા આજે તેને તેડવા આવવાના હતા. રામદેવસિંહે એ બધા માટે ખૂબ સુંદર સગવડ કરી હતી. ઈશાનીનું ધ્યાન સતત આદિત્ય પર જ હતું.

આદિત્ય ઈશાનીના ઘરના સભ્યો સાથે ખૂબ સરસ વર્તન કરતો હતો. ઈશાની આદિત્યને ધનકુંવરબાની તબિયત પૂછતો, રામદેવસિંહજી સાથે બિઝનેસ ડિસ્કસ કરતો, સીતાબાની સાથે હસીને વાત કરતો જોઈ રહી. આખરે ખૂબ વાતો કરીને દિલીપસિંહજીએ રામદેવસિંહની વિદાય લીધી.

ધનકુંવરબાની તબિયત હવે સારી હતી. ઈશાનીને છેક મેઈનગેટ સુધી વળોટાવવા ગયેલાં એમણે કહ્યું કે જા બેટા તારે ઘેર. દિલીપસિંહજી અને ઘરના બીજા સભ્યો ગાડીઓમાં જતા રહ્યા. ઈશાની અને આદિત્ય છેલ્લે એમની ગાડીમાં બેઠા. ઈશાની આદિત્ય સાથે વાત કરવા ઘણા સમયથી રાહ જોઈ રહી હતી, અને આખરે એને એકાંત મળી પણ ગયું. આદિત્યનો ડ્રાઈવર રજા પર હતો એટલે આદિત્યએ જાતે જ ડ્રાઈવિંગ કરવાનું પસંદ કર્યું. તેની બાજુની સીટ પર બેઠેલી ઈશાની આદિત્ય સામે છાની નજરે જોઈ રહી. ઘણીવાર પછી ઈશાનીથી બોલાયું, “થેન્ક્સ”

આદિત્યે કશો જવાબ આપ્યો નહિ. “આઈ સેઈડ થેન્ક્સ.” ઈશાનીએ ફરીવાર કહ્યું.

“વેલકમ” આદિત્યએ જવાબ આપ્યો.

“પૂછશો પણ નહિ, શા માટે?” ઈશાની અધીરી બની.

“શા માટે?” આદિત્ય પૂછવા ખાતર પૂછતો હતો.

“ફોર માય પૂર્વાદી.”

“નોટ એટ ઓલ. પૂર્વાબાની જગ્યાએ કોઈ પણ હોત તો હું મદદ કરત જ.”

“વ્હાય?”

આદિત્યએ ગાડીને અચાનક ઊભી રાખી. સ્ટીયરીંગ પર હાથ એટલી જોરથી દબાવેલો હતો કે આદિત્યના પાટો બાંધેલા હાથમાંથી લોહી નીકળીને સફેદ પાટો લાલ થઈ ગયો. “ઈટ્સ રીઅલ્લી બ્લેસીંગ ટુ હેલ્પ ધોઝ પીપલ, વ્હુ લવ્સ ઈચ અધર.” આદિત્યએ આ શબ્દો ઈશાનીની આંખમાં આંખ નાખીને બોલ્યા. ઈશાની સાવ ચૂપ થઈ ગઈ. છેક ઘર સુધી ઈશાની આદિત્યની ધારદાર નજરમાં પોતાના માટે જે ફરિયાદ ચમકી હતી તે વિચારી રહી.

ઘેર પહોંચીને ઈશાની સીતાબાએ આપેલી ભેટો રમણબાને આપવા ગઈ. રમણબાએ ઈશાનીને આદિત્યના હાથનો પાટો બદલવા માટે આદિત્યને યાદ કરાવવાનું કહ્યું. બહુ મોડું થયું હોવાથી ડૉક્ટર આવી શકે તેમ ન હતું. ઈશાની રૂમમાં ગઈ ત્યાં તો આદિત્ય સૂઈ ગયો હતો. “આદિત્ય…..”ઈશાનીના મોંએ પોતાનું નામ સાંભળી આદિત્ય ચમક્યો. એણે લાલઘૂમ થઈ ગયેલી આંખો વડે ઈશાની તરફ જોયું ને પાછી આંખો ઢાળી દીધી. ઈશાની આદિત્યના કપાળે અડી તો આદિત્ય તાવથી ધગધગતો હતો. ઈશાનીને લાગ્યું કે આટલી રાતે કોઈને ઉઠાડવા યોગ્ય નથી. એણે આદિત્યને તાવની દવા પીવડાવી. ધનકુંવરબા જેને તાવ હોય એના માથે મીઠાવાળા પાણીના પોતા મૂકાવતા હતા, એ યાદ કરીને ઈશાનીએ સર્વન્ટ રૂમમાં કોલ કરીને મીઠાવાળું પાણી અને પોતા મગાવ્યા. ઈશાનીએ આદિત્યના હાથનો પાટો ખોલીને જાતે ડ્રેસીંગ કરીને પાટો બદલાવી આપ્યો. ઈશાની સતત પોતા મૂકતી રહી. છેક વહેલી સવારે પોતા મૂકતાં મૂકતાં ઈશાનીની આંખ મળી ગઈ. આદિત્ય ઊઠ્યો ત્યારે બધી પરિસ્થિતિ સમજી ગયો. તૈયાર થઈને પૂજા માટે જતા પહેલા આદિત્યએ ઈશાનીના ઉડી રહેલાં વાળ સરખાં કર્યા. ઈશાની ઊંઘમાં જાણે કોઈ પરી હોય એવી લાગતી હતી. આદિત્ય એના ગાલ પર હાથ મૂકવા જતો હતો ત્યાં જ એને કંઈક યાદ આવ્યું અને તે સડસડાટ ચાલ્યો ગયો.

પૂજામાં ઈશાનીની ગેરહાજરીનું આદિત્યે કારણ જણાવ્યું. રમણબાએ આદિત્યને પૂછીને જાણી લીધું કે તેણે દવાઓ લીધી ન હતી. મોટાઓ તરફથી આદિત્યને બેદરકાર રહેવા બદલ ખૂબ ઠપકો મળ્યો અને તાત્કાલિક આદિત્ય માટે ડૉક્ટર બોલાવવામાં આવ્યાં. બધાને ઈશાનીની સમજદારી ખૂબ ગમી.

ઈશાનીનો આખો દિવસ રમણબા, હેમાબા અને કોકિલાબાની બહેનપણીઓને મળવામાં જ ગયો કારણ કે ગ્રાઉન્ડ ફ્લોર પર તે બધા માટે કિટ્ટી પાર્ટી હતી. છેક રાત્રે ડિનર પૂરું થયા પછી ઈશાની રૂમમાં ગઈ. ઈશાનીએ મનોમન નક્કી કરી લીધું હતું કે તે આદિત્યને મનાવીને જ રહેશે. આદિત્યને ડોક્ટરે સંપૂર્ણ આરામની સલાહ આપી હતી. આદિત્ય કાચની દિવાલની પેલી બાજુએ જ્યાં ટેરેસ ગાર્ડન હતું ત્યાં મોટા રજવાડી હિંડોળા પર હીંચકા ખાઈ રહ્યો હતો. ઈશાનીએ પડદો દૂર ખસેડી આદિત્યને ગાર્ડનમાં જોઈ કંઈક વિચાર્યું અને ચેઈન્જીંગ રૂમમાં જતી રહી. આદિત્યના ફેવરિટ કેસરી રંગની સાડી પહેરી. ઈશાનીને હવે સાડી પહેરતા આવડી ગઈ હતી. આદિત્યની નજર સાચી હતી. ઈશાની કેસરી રંગની સાડીમાં એટલી સુંદર લાગી રહી હતી જાણે કોઈ અપ્સરા. તેનું શરીર જાણે એ સાડીથી વધારે ખીલી ઊઠ્યું હતું. આજે કદાચ ઈશાનીને કોઈ હઠીલા ઋષિને મનાવવાનું કામ સોંપાયુ હોત તો એ પણ ઈશાનીથી થઈ જાત. ઈશાની હળવે પગે ગાર્ડનમાં ગઈ. આદિત્ય એના પેન્ટના બંને ખિસ્સામાં હાથ નાખીને ઊભેલા આદિત્યને ઈશાનીએ પૂછ્યું કે હવે કેવી તબિયત છે, આદિત્ય? રણકતી ઘૂઘરી જેવો ઈશાનીનો અવાજ સાંભળીને આદિત્યએ પાછળ ફરીને જોયું. પોતાના ફેવરિટ ઓરેંજ કલરની સાડી પહેરીને ઊભેલી ઈશાની આદિત્યને શિમલાના દિવસોની યાદ અપાવી ગઈ. આદિત્ય એકીટસે ઈશાની સામે જોઈ રહ્યો. એ થોડો આગળ વધ્યો અને ઈશાનીની લગોલગ પહોંચી ગયો. ઈશાનીએ હમણાં જ વાળ ધોયા હતા, એમાથી સુંદર સુગંધ આવી રહી હતી. આદિત્યએ બે હાથ વડે ઈશાનીનું મોં પકડ્યું. ઈશાનીના હ્રદયમાં ધકધક થઈ રહ્યું. ઈશાનીએ આંખો બંધ કરી દીધી. અચાનક આદિત્યને કશુંક યાદ આવી ગયું, તેણે ઈશાનીનું મોં પોતાના બે હાથ વડે પકડ્યું હતુ તે મૂકી દીધું. અચાનક તે ત્યાંથી ચાલવા લાગ્યો. “આદિત્ય પ્લીઝ…. લીસન… આદિત્ય…. આઈ એમ સોરી ફોર માય બેડ બિહેવીયર ધેટ નાઈટ” આદિત્ય જેટલો દૂર થવાની કોશિશ કરતો એટલી જ ઈશાનીની ધીરજ ખૂટી રહી હતી.
ઈશાની અંદર ગઈ ત્યાં આદિત્ય સૂઈ ગયો હતો.ઈશાનીને એમ હતું કે પોતાને આદિત્યના પસંદગીના વસ્ત્રોમાં જોઈ આદિત્ય ખુશ થઈ જશે અને માની પણ જશે પણ આદિત્ય તો ઈશાનીને વધારે ને વધારે મૂંઝવણમાં મૂકી રહ્યો હતો. તને કશુક ખટકતું હતું પણ તેશું હતું ? ઈશાની વિચારી રહી. છેક મોડા મોડા એને ઊંઘ આવી. સવારે તૈયાર થઈને તે પૂજા ઘરમાં પહોંચી. પૂજા પૂર્ણ થયા પછી ઈશાનીને દેવાંગીએ ખુશખબર આપી કે ઈશાની અને આદિત્ય હનીમૂન માટે જઈ રહ્યા છે. આ હનીમૂન પેકેજ રમણબા તરફથી ગિફ્ટમાં અપાયું છે. આદિત્યએ ઈશાની અને દેવાંગી ઊભા હતા ત્યાં આવીને આદિત્યએ આવીને ઈશાનીને કહ્યું કે “ગેટ રેડી, વી આર લીવીંગ ફોર ઈટાલી ટુડે નૂન.”

જો પહેલાની ઈશાની હોત તો ઈટાલીનું નામ સાંભળી ને કૂદી પડી હોત, પણ આ તો આદિત્યમાં ધીમે ધીમે ખોવાઈ રહેલી ઈશાની હતી. આદિત્યને શાંતિથી મનાવી શકાશે એમ વિચારીને ઈશાની તૈયાર થઈ. બેગ્સ પૅક કરીને ઈશાની અને આદિત્ય નીચે આવ્યા. આદિત્યને મનાવવાના ઉત્સાહ સાથે ઈશાની અને ઈશાનીને ઈટાલી મૂકીને એકલા પાછા ફરવાનો ઈરાદો ધરાવતો આદિત્ય બંને વડીલોના આશીર્વાદ મેળવીને ચાલતા થયા. ઘરની સ્ત્રીઓને ફોરેન જવાની છૂટ મળતી નહિ, પરંતુ ઈશાની લકી હતી કારણ કે એ બંનેને રમણબાએ છૂટ આપી હતી.
ઈશાની અને આદિત્ય લગ્ન પછી પહેલીવાર બહાર નીકળ્યા હતાં. ફોર્મલ કપડાં પહેરેલો આદિત્ય અને સાડી પહેરેલી ઈશાની એ બંનેના ફોટા લેવા માટે એરપોર્ટ પર ક્લિક થવા લાગ્યા. રસ્તામાં તો બંને ફોર્માલિટી માટે સ્મિત આપતા રહ્યાં. હોટલમાં જઈને ફ્રેશ થઈને ઈશાનીએ આદિત્યની સામે જોઈને તેની એક કલાક માગી. ઈશાની આદિત્યને ટસ્કનીમાં આવેલ સુંદર હરિયાળા મેદાનમાં લઈ ગઈ.

* * *

“આદિત્ય, આઈ એમ સો સોરી, મધુવનમાં તે રાતે મેં તમારું અપમાન કર્યું એ બદલ હું ખૂબ જ દિલગીર છું. કેટલાય દિવસથી હું તમારી સાથે વાત કરવાનો પ્રયત્ન કરી રહી છું. બટ, વ્હાય યુ આર સો રુડ, આદિત્ય?” ઈશાની લગભગ રડમસ થઈને બોલી.

“ હું એકલો જ પાછો ઈન્ડિયા જઈ રહ્યો છું.”

“વ્હોટ?”

“ઈશાની હું જાણું છું ,લગ્ન કરવા એ તારી મજબૂરી હતી. તારું પેશન તો દુનિયા ભમવાનું છે. અનિકા કહેતી હતી કે લંડન પછી તું ઈટાલી ફરવા માગતી હતી. હું તને અહીં મૂકવા આવ્યો છું ઈશાની. હીઅર ઈઝ યોર વર્લ્ડ.”

“વાઉ, યંગ બિઝનેસમેન. તમે જાતે જ નક્કી કરી નાખ્યું? મને પૂછ્યુ? એનીવે, એ વાત જવા દો. તમે મારા પ્રત્યે આવી ઉદારતા કેમ દાખવો છો? તમારી ડાયરી તો એમ કહે છે કે તમે મને ખૂબ પ્રેમ કર્યો છે, ને હવે હું તમારી પત્ની છું તો આ બલિદાનનું કારણ શું?” ઈશાની ગુસ્સે થઈ ગઈ. ડાયરીની વાત સાંભળીને આદિત્ય ચમક્યો.

“લૂક, ઈશાની હું તને પ્રેમ કરું છું એ મારો પ્રશ્ન છે, પણ કોઈને પરાણે પોતાની સાથે બાંધી રાખવા એ મારો પ્રેમ નથી. મારો પ્રેમ સ્વતંત્ર છે, એ તને બાંધવામાં માનતો નથી. તું મારી પત્ની છે એથી કાંઈ મારી સંપતિ નથી. તું મારી ડાયરી વાચીને મારા પ્રેમને સ્વીકારે એ મંજૂર નથી.”
“આદિત્ય, તમને મળ્યા પછી પરિવાર શું છે એ હું સમજતી થઈ છું. પોતાનાઓની લાગણી સમજતી થઈ છું. સ્વાર્થ સિવાય દુનિયામાં બીજુ ઘણું છે એ હું તમારી પાસેથી શીખી છું. હું જાણે હું જ રહી નથી. તમે મારી આસપાસ હોવ છો ત્યારે એક અલગ જ પીસફુલ ફીલીંગ થાય છે. આ થોડા દિવસોમાં મેં તમારા વિશે જેટલું વિચાર્યું છે એટલું કદાચ કોઈના વિશે વિચાર્યું નથી. આ બધુ મેં તમારી ડાયરીમાંથી મેળવ્યું નથી પણ તમારી આસપાસ રહીને ફીલ કર્યું છે. મેં અત્યાર સુધી મારા માતાપિતાની ફીલીંગ્સ વિશે પણ નહોતું વિચાર્યું પણ હવે હું તેમને પણ પ્રેમ કરતી થઈ છું. તમે નિકને મારે ખાતર માફ કરી શકો છો, ને એની સાથે લડી પણ શકો છો. તમે શિમલામાં મને પ્રેમ કર્યો છે એટલે નહિ, પણ તમે મારી મારી જાત સાથે જ ઓળખાણ કરાવી છે એટલે હું તમને પ્રેમ કરું છું આદિત્ય, એન્ડ જસ્ટ કાન્ટ લીવ વિધાઉટ યુ.” ઈશાની જોરથી રડી પડી.
આદિત્ય તો ઈશાનીને જોઈ જ રહ્યો. પોતે સ્વપ્ન તો નહોતો જોઈ રહ્યો ને! ઈશાનીએ આજે એનો પ્રેમ જાહેર કરીને આદિત્યને દુનિયાની સૌથી મોટી ભેટ આપી દીધી.ઈશાનીનું રડવું એનાથી સહન ન થયું. મારી ડ્રીમગર્લ મને પ્રેમ કરે છે એ સાંભળ્યા પછી આદિત્યને કશું સાંભળવાનું બાકી રહેતું ન હતું.

આદિત્યએ પોતાના બંને હાથ પહોળા કરીને ઈશાની સામે જોયું. રડતી ઈશાની દોડીને આદિત્યને વળગી પડી. આદિત્ય ઈશાનીના માથે હાથ પસવારતો રહ્યો. એણે ઈશાનીને રડી લેવા દીધી મન ભરીને. આદિત્યની વરસોની રાહ આજે ફળી હતી. જેને આદિત્યએ ગાઢ પ્રેમ કર્યો હતો એ ઈશાની આજે એને મળી ગઈ. ઈશાનીને આજે જ સમજાયું હતું કે તે આદિત્યને પ્રેમ કરવા લાગી છે. ઈશાનીએ બાળસહજ નિર્દોષતાથી આદિત્ય સામે જોઈને પૂછ્યું ,”મને અહીં એકલી મૂકીને ચાલી નહિ જાવને!” જવાબમાં આદિત્યએ કહ્યું કે ક્યારેય નહી. ઘણીવાર સુધી ઈશાની આદિત્યને વળગેલી રહી. આદિત્યએ ઈશાનીને સહેજ દૂર કરીને પૂછ્યું, “ઈશાની, ઈટ્સ ઓલમોસ્ટ નાઈટ. શેલ વી ગો? શાંત થયેલી ઈશાની આદિત્યથી છૂટી પડી. તેના હાથમાં હાથ નાખી ચાલવા લાગી.
એ પછી ઈશાની અને આદિત્ય પંદર દિવસ સુધી ઈટાલીમાં રહ્યા. ઈટાલીમાં ઈશાની જાતે વિચારી પણ ન શકે એટલી જગ્યાઓ આદિત્ય એ એને બતાવી. ભારત પરત ફર્યા પછી ઈશાનીને સાથે રાખીને આદિત્ય એ તેનો ધ બેસ્ટ યંગ બિઝનેસમેન ઓફ ધ યર નો ઍવોર્ડ મેળવ્યો. આદિત્ય અને ઈશાની એક કપલ તરીકે સેલિબ્રીટી બની ગયા.

આદિત્યે મધુવન ને ફરી એક વાર ખોલાવ્યું. રમણબા પણ એ જ ઈચ્છતા હતા કારણ કે ઈશાની- આદિત્ય મિલાપનો આખો પ્લાન જ એમનો હતો. આદિત્યની જે ડાયરી ઈશાનીએ વાચી હતી એ જ ડાયરી રમણબાએ પૂર્વાની મહેંદીના દિવસે વાચી હતી. રમણબા એ તપાસ કરીને જાણી લીધું કે આ ઈશાની એટલે પૂર્વાની જ નાની બહેન. રમણબાએ તરત પૂર્વાને ફોન લગાવીને મળવા બોલાવી. એમણે પૂર્વાને ઈશાની અંગે વાત કરી. પૂર્વાને તો એટલું જ જોઈતું હતું, કારણ કે તે અજયને પ્રેમ કરતી હતી. રમણબાએ પૂર્વાને આદિત્યની મદદ માગીને ક્યાંક દૂર જતા રહેવા કહ્યું જેથી ઈશાનીના લગ્ન આદિત્ય સાથે થઈ શકે. રમણબા જાણતા હતા કે આદિત્ય ના પણ નહિ પાડે અને રામદેવસિંહ , દિલિપસિંહ અને તેમના માણસો પણ ન પહોંચી શકે એવી જગ્યાએ પૂર્વાને આદિત્ય જ મોકલી શકે એમ હતો. પૂર્વાના ગયા પછી રમણબાએ જાન પાછી લઈ જવાની ના પાડીને અને કડક ભાષામાં વાત કરીને પરિસ્થિતિ જ એવી ઊભી કરી કે ઈશાની આદિત્ય સાથે લગ્ન કરવા તૈયાર થઈ. એ બંનેના લગ્ન થયા પછી પણ રમણબા આદિત્યને ઘેર આરામ કરવાનું કહીને, ઈશાનીને આદિત્યનો પાટો યાદ કરાવીને બંનેને મધુવનમાં મોકલીને, હનીમૂન માટે મોકલીને- ઈશાનીને આદિત્યની નજીક મોકલવાની કોશિશ કરતાં રહ્યાં.

થોડા દિવસો પછી પૂર્વા અને અજયને આદિત્યએ પાછા બોલાવી લીધા. બંને ઘરના સભ્યો રામદેવસિંહના ઘરમાં એકઠા થયા હતા. પૂર્વાએ બધાને આખી વાત કહી, માફી પણ માગી અને આખાય પ્લાનમાં રમણબાની ભૂમિકા સ્પષ્ટ કરી. પોતાના તરફ આશ્ચર્યચકિત નજરે જોઈ રહેલા સૌને રમણબાએ કહ્યું, “હું મારા વહાલા આદિત્ય માટે મારા આદર્શો અને નિયમોને બાજુએ મૂકી શકું છું. બેટા ઈશાની, તારી આ ઘરડી દાદીએ તને છેતરી છે એવું લાગતું હોય તો મને માફ કરી દેજે. મારે તો મારા આદિત્યને એનો પ્રેમ અપાવવો હતો.”

જવાબમાં ઈશાની કશું બોલી નહિ પણ રમણબાને વળગી પડી. સીતાબાએ પણ રમણબાને કહ્યું, “અમારી આ ઈશુ જ્યારથી તમારા ઘરમાં આવી છે ત્યારથી તે કુટુંબ શું છે એ શીખી છે, હેમાબા ની સાથે મને પણ એ હવે સમય આપે છે. મારી આ ગાંડી દિકરી સાથે મારો મેળાપ તમે જ કરાવ્યો છે.”

પૂર્વા અજય સાથે અમદાવાદમાં સુખેથી રહે છે. રામદેવસિંહની બંને દિકરીઓ બધાને મળવા અવારનવાર પિતાના ઘેર જાય છે.

ઈશાની હેમાબા અને કોકિલાબા પાસે રસોઈ શીખેછે, કેતકીબા બોલે કે ન બોલે ઈશાની એમને બોલાવ્યા કરે છે, રમણબા સાથે પૂજા કરે છે, ભવ્યા સાથે રમે છે, દેવાંગી સાથે શોપિંગ કરે છે, પોતાના દિયરો સાથે ચેસ અને બેડમિન્ટન પણ રમે છે. અનિકા પણ હવે એની બેસ્ટી સાથે રહેવાનું પસંદ કરે છે. ઈશાની આદિત્યની સાથે બિઝનેસમાં પણ ધ્યાન આપે છે, પોતાના પતિ , સસરાજી અને બંને કાકાજી સસરા સાથે બિઝનેસ ડિસ્કસ કરે છે.આદિત્ય જે પણ દેશમાં બિઝનેસટૂર પર જાય ત્યાં ઈશાનીને સાથે જ રાખે છે. બંને એકસાથે ફરીને, ચર્ચાઓ કરીને ઈશાનીનું વિશ્વભ્રમણનું સ્વપ્ન પૂરું કરે છે. કોઈ પણ દેશ વિશે, ઈશાની કદાચ એકલી હોત તો ન જાણી શકે એટલી વિગતો આદિત્ય સાથે રહીને જાણે છે.

ઈશાનીએ આદિત્યને પ્રેમ કરીને એના કુટુંબીઓને પણ પોતાના કરી લીધા. રમણબાએ પણ પોતાના નિયમો માત્ર હળવા જ ન કર્યા બલકે પોતે પણ પોતાની પાછળની બંને પેઢીઓ સાથે ભળી ગયાં, એથી જ કેતકીબાને પણ ફરિયાદો ઓછી થઈ.

પ્રેમ માં પરિવર્તનની પુષ્કળ તાકાત હોય છે. રમણબાની જેમ જે પણ પરિવર્તનોનો સ્વીકાર કરે છે એ માત્ર પ્રેમ જ નહિ, આદરને પણ પાત્ર બને છે.

– દિપિકા પરમાર

દિપિકાબેન પરમારની પ્રસિદ્ધ થઈ રહેલી આ પ્રથમ કૃતિ છે. અક્ષરનાદ પર તેમનું સ્વાગત છે. તેમની કલમ વધુ ખીલતી અને વિકસતી રહે એ શુભેચ્છાઓ સાથે અક્ષરનાદને પ્રસ્તુત લઘુનવલ પાઠવવા બદલ તેમનો આભાર.


આપનો પ્રતિભાવ આપો....

13 thoughts on “ઈશાની (લઘુનવલ) – દિપિકા પરમાર

  • ARVIND PATEL

    બહુ જ સરસ અને સુંદર વાર્તા. જાણે એક આખી ફિલ્મ જોઇ નાખી એવું લાગે છે.

  • Dipikaba parmar

    મારી પ્રથમ કૃતિને આપ સૌ તરફથી મળેલ ઉત્તમ પ્રતિસાદ માટે આપ સૌની આભારી છું. જીજ્ઞેશભાઈ નો પણ હ્રદયથી આભાર. મૂલ્યલક્ષી સાહિત્ય મારું પ્રાધાન્ય છે માટે એ દિશામાં પ્રયત્નો કરતી રહીશ. ધન્યવાદ.

  • મનસુખલાલ ગાંધી

    પહેલેથીજ આગળને આગળ વાંચવા મજબુર કરે તેવી સુંદર વાર્તા.. એકીજ બેઠકે વાંચી(નાંખી) નહીં પણ, આગળ શું આવશે તેનું કુતુહલ આખી વાર્તા એકજ બેઠકે માણી.. બહુ સરસ..મજા આવી ગઈ.. એવુંજ લાગ્યું જાણે કોઈ સાચી ઘટનાની વાર્તા છે..

    ખુબ અભિનંદન,,

  • Janardan

    આટલી સરસ વાર્તા પહેલાજ પ્રયત્ને લખે, એ કેટલી પ્રતિભાવંત વ્યક્તિ હશે !
    અભિનંદન ,દીપિકા, ઉજ્જવળ બની ઝળકી રહાે

  • Ravi Dangar

    પહેલા તો ખૂબ ખૂબ અભિનંદન દીપિકા………….

    શરૂઆત થોડી કંટાળાજનક હતી, પણ પછી આખી લઘુનવલ અંત સુધી જકડી રાખે છે.

    કોઈ ફિલ્મ કે સિરિયલ બની શકે એવું કથાવસ્તુ છે……………….

  • Chandresh Panchamia

    Congratulations Dipikaben, Abhinandan, very interesting, could not stop reading, finished in one seating. Excellent (Ishani) Character

  • anil sheth

    ” CONGRATULATION ” DIPIKA BEN. EXCELLENT 1ST TIME WRITE ISHANI (LAGHUNVAL) WRITTEN LIKE EXPERIENCED LEKHIKA. TEACH HOW TO LIVING IN JOINT FAMILY- WITHOUT ANY SELFISHNESS, TRULY LOVE & SACRIFY EACH OTHER FAMILY MEMBER. WHAT IS TRUE LOVE & SACRIFICE EACH-OTHER TEACH FOR THINKING FOR THAT OWN SELF. WRITE MORE INTERESTING (LAGHUNVAL) LIKE THIS. THANK YOU JIGNESH BHAI FOR PRODUCE 1ST TIME WRITER LEKH.

  • Anila Patel

    માની જ નથી શકાતું કે આ લેખિકા લિપિ કે બેનની પ્રથમ કૃતિ છે.ખૂબજ સરસ રીતે સંબંધોના તાણાવાણા ગૂથાયા છે.
    ખૂબજ રસિક વાર્તા.

  • Mansukhlal Kakkad Devjibhai Kakkad

    પ્રથમ પ્રયત્ન આટલો સુંદર હોઈ શકે તે આનંદ ની વાત છે.

  • hdjkdave

    ‘પ્રેમમાં પરિવર્તનની પુષ્કળ તાકાત હોય છે. …જે પણ પરિવર્તનોનો સ્વીકાર કરે છે એ માત્ર પ્રેમ જ નહિ, આદરને પણ પાત્ર બને છે.’ આ થીમને કેન્દ્રમાં રાખીને સુખદ અનુભૂતિ આપતી આ લઘુ નવલનું આલેખન સુંદર થયું છે. કથાની ભાષા તેના ભાવ અને ઘટનાઓને અને કથાનુરૂપ વાતાવરણને સઘન બનાવે છે. પરિસ્થિતિનું સર્જન વાસ્તવિક લાગે છે. કથા પ્રવાહમાં વાચક છેક સુધી વહે છે. નાયક અને નાયિકાનાં પાત્રોનું યથાર્થ ચિત્રણ કોઈને સુંદર ચલચિત્ર બનાવવા પ્રેરે તેવું છે. અને સહુથી અગત્યનું પાસું આ કથા વર્તમાન યુવા વર્ગને સાચી દિશામાં આગળ કેવી રીતે વધી શકાય તેની પ્રેરણા આપે છે. દીપિકા પરમારને અભિનંદન અને શુભેચ્છા. શ્રી જીજ્ઞેશભાઈ નવી કલમની પરખ ધરાવે છે અને આ કથા તેનો પ્રબળ પુરાવો છે! (હર્ષદ દવે)