Daily Archives: February 18, 2019


કારગીલ યુદ્ધ : ગુજરાતના શહીદો – મનન ભટ્ટ 1

સૌરાષ્ટ્ર બુકફેર અને લિટરેચર ફેસ્ટિવલમાં ભાગ લેવા રાજકોટ તા. ૧૦ ફેબ્રુઆરી ૨૦૧૯ના રોજ પહોંચ્યો. એ જ દિવસે એક વિશેષ પુસ્તક વિમોચનના સાક્ષી બનવાનો અવસર મળ્યો. ભારતીય નૌસેનાના સેવાનિવૃત્ત પેટ્ટી ઓફિસર શ્રી મનન ભટ્ટ દ્વારા લિખિત પુસ્તક ‘કારગીલ યુદ્ધ : ગુજરાતના શહીદો’ નું વિમોચન આર્ષ વિદ્યામંદિરના સ્વામી શ્રી પરમાત્માનંદ સરસ્વતીજી દ્વારા કરવામાં આવ્યું. કારગીલ યુદ્ધની પૃષ્ઠભૂમિમાં ૧૨ ગુજરાતી શહીદ જવાનોની યુદ્ધ ક્ષેત્રે સર્વોચ્ચ બલિદાનની એમના જ મિત્રો દ્વારા કહેવાયેલી અને એમના જ એક સાથી ઓફિસર દ્વારા શબ્દસ્થ કરાયેલી ગાથા એટલે આ પુસ્તક. ગુજરાતીઓ વેપારી પ્રજા છે અને તેઓ સૈન્યમાં નથી એવા મેણાંંનો આ પુસ્તક સજ્જડ જવાબ છે. વિશ્વના સૌથી ઊંચા યુદ્ધ ક્ષેત્ર એવા કારગીલના પર્વતો પર, ૧૮૦૦૦ ફૂટની ઉંચાઈએ જ્યાં અત્યંત પાતળી હવાને લીધે શ્વાસ લેવો મુશ્કેલ છે, કાતિલ ઠંડી છે અને બર્ફીલા તોફાન વચ્ચે દુશ્મન વિરુદ્ધની જીવસટોસટની લડાઈમાં આપણા વીર જવાનોએ દાખવેલા અપ્રતિમ શૌર્ય અને સર્વોચ્ચ બલિદાનોની અમર સત્ય કથાઓ આ પુસ્તકમાં છે.