વાત સાવજ પરિવારની : નર સલામત, નારી-બચ્ચા અસલામત.. – જિજ્ઞેશ ઠાકર 7


એશિયાટિક લાયનની એક માત્ર હાજરી ગુજરાતમાં અને તેમાંય ખાસ કરીને સૌરાષ્ટ્રમાં છે, ત્યારે તેમના જતન અને પાલન-પોષણની જવાબદારી દરેક ગુજરાતીની છે. વનવિભાગની છેલ્લી ગણતરી અનુસાર રાજ્યમાં ૫૨૩ સાવજ ચોપડે નોંધાયેલા છે. પરંતુ ચોંકાવનારી વિગતો એ છે કે, છેલ્લા બે વર્ષમાં ૧૮૪ તો મોતને ભેટયા છે. બે વર્ષના સિંહોના મોતના આંકડાનો અભ્યાસ કરીએ તો તેમાં સિંહ કરતા સિંહણ અને સિંહબાળના મૃત્યુનો આંકડો ઘણો વધારે છે, જે ચિંતાજનક છે.

૨૦૧૬ના વર્ષમાં ૨૪ સિંહ, ૪૭ સિંહણ અને ૩૩ સિંહબાળના મૃત્યુ થયા છે. જેમાં નર વધુ સલામત છે અને નારી-બચ્ચાઓ અસલામત છે. વર્ષ ૨૦૧૭ની વાત કરીએ તો તેમાં પણ એ જ સ્થિતિ છે. જોકે સિંહણ કરતાં પણ સિંહબાળના મોત વધુ છે. ગયા વર્ષે ૧૫ સિંહ, ૨૭ સિંહણ અને ૩૮ સિંહબાળના મૃત્યુ થયા છે. બંને વર્ષનું સરવૈયુ કાઢતાં આંકડો મળ્યો કે કુલ ૩૯ સિંહ, ૭૪ સિંહણ અને ૭૧ સિંહબાળના મોત થયા છે.

Click to see full picture

જેવી રીતે આપણા સમાજમાં પુરુષપ્રધાનતા વધુ જોવા મળે છે એ જ સ્થિતિ સાવજના સમાજની છે. સાસણગીરમાં ફોરેસ્ટ ઓફિસર તરીકે ઉત્કૃષ્ટ ફીલ્ડ વર્ક કરીને ‘ગીરનો સિંહ’ પુસ્તક આપનાર ડૉ. સંદિપકુમારનો સિંહની વર્તણૂક ઉપરનો અભ્યાસ પણ ઉત્કૃષ્ટ છે. તેઓએ નોંધ્યું છે કે સિંહો ૭-૮ના સમૂહમાં જોવા મળે છે અને તેમાં એકાદ સિંહ, ૩-૪ સિંહણ અને બાકીના બચ્ચા હોય છે. બચ્ચા મોટા થતાં એ જ સમૂહના સિંહ સાથે બાથ ભીડે છે અને મોતને ભેટે છે. અથવા કેટલાક કિસ્સાઓમાં બચ્ચાને સિંહ દ્વારા પણ પતાવી દેવાતા હોય છે. બચ્ચા ઉપરાંત પ્રજનન હેતુથી સિંહણને ખતમ કરવાની પણ વોર જંગલમાં ચાલતી હોય છે. ટૂંકમાં કહી શકાય કે જંગલના રાજા સિંહના પરિવારમાં નર સલામત વધુ છે, જ્યારે નારી-બચ્ચા અસલામત છે. આ વાતને આંકડાઓ અને અભ્યાસ બંને સલામ ભરે છે! 

બચ્ચાને જન્મ આપ્યા પછી સિંહણ ૧૮ મહિના સુધી તેનું પાલનપોષણ કરે છે. પ્રજનન ઇચ્છતાં સિંહ માટે તે સમયગાળો વધારે પડતો હોય છે. પરિણામે પણ સિંહ બચ્ચાંઓને મારી નાખે છે. હાલના સમયે ગીરનું જંગલ પાંખું થઈ ગયું છે. સાસણ ગામ જઈએ તો ખ્યાલ આવે છે કે જંગલ ઓછું અને આસપાસમાં ૧૦૦થી વધુ રિસોર્ટ ઊગી નીકળ્યા છે! મેંદરડાથી ૨૫ કિ.મી.ના રસ્તામાં જ તે દેખાઈ આવે છે. સાસણ ગામ પૂરું થયા બાદ પણ છેક તાલાલા સુધી જંગલ ઘટી રહ્યું છે. ઊનાથી તુલસીશ્યામ તરફ જુઓ કે ગીરગઢડા તરફનો વિસ્તાર, બધે કમાણીના હેતુસર કાગડા કાળા છે. જંગલ વિસ્તારમાં અન્ય પ્રવૃત્તિઓ વધતા અને ટૂરીસ્ટોએ માઝા મૂકતા સિંહ સાસણગીર છોડી પ્રથમ શેત્રુંજીને કાંઠે અમરેલી, ભાવનગર જીલ્લા તરફ ફંટાયા છે. ત્યારબાદ તેનાથી પણ અંદર બૃહદગીર નામ આપવું પડ્યું છે. સમગ્ર સ્થળાંતરમાં સિંહની સરખામણીએ સિંહણ અને બાળકો ઓછી ટક્કર ઝીલી શકે છે. તેના કારણે પણ નરની સરખામણીએ નારી અને બચ્ચા વધુ અસલામત બન્યા છે. 

રેલવે ટ્રેક પણ સિંહમૃત્યુ માટે એક મોટું નિમિત્ત બન્યો છે. સાસણગીરના જંગલને ચીરીને લાંબો રેલ્વે ટ્રેક પસાર થાય છે. તેમાં સૌથી ખતરનાક ટ્રેક સતાધારથી સાસણ ગામ વચ્ચે ૨૨ કિલોમીટરમાં છે. રેલવે ફાટક પણ ક્યાંય નથી. સાસણ ગીર છોડીને શેત્રુંજીને કાંઠે પાલીતાણા, સાવરકુંડલા, ખાંભા, રાજુલા સુધી સાવજના પરિવારોનું વિચરણ શરૂ થયું છે. ત્યાં પણ રેલવે ટ્રેક જોખમી છે. ભાવનગર ડિવીઝન તળેના એકમાત્ર રાજુલાના ટ્રેક પર જ દર છ મહિને ૨-૩ સિંહબાળ કપાઈ મરે છે. કેટલાક સ્થળોએ ફાટકના બદલે માણસો દ્વારા દોરી બાંધીને કામચલાઉ ફાટક છે. સિંહણ અને બચ્ચા સિંહથી દૂર પાલનપોષણ માટે જાય છે. ત્યારે ત્યાં તેમનાં મોત છાશવારે થતા રહે છે. સિંહ પરિવારના સામાજીક વર્તણુકના અભ્યાસના આધારે એવું જોવા મળ્યું છે કે બચ્ચાને જન્મ આપ્યા બાદ સિંહણ દૂર સુધી જતી રહે છે. જેથી બચ્ચાંને સિંહથી બચાવી શકાય, પરંતુ અકસ્માતોથી બચાવી શકાતા નથી. 

૩ માર્ચ વન્યપ્રાણી દિવસ છે. ૨૦૧૮ની ઉજવણી રાજય સરકાર દ્વારા સાસણ ખાતે કરવામાં આવી હતી. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ઉદ્બોધન કરતી વખતે જણાવ્યું કે, અહીં સુવિધાઓ વધારવામાં આવશે અને તેના માટે રૂપિયા ૧૫ કરોડ ખર્ચ કરવામાં આવશે. મારી દ્રષ્ટિએ તો ખરેખર અહીં જંગલમાં સુવિધાઓ વધારવાની નહિ, પરંતુ ઘટાડવાની જરૂરિયાત છે. આપણે ટૂરિસ્ટોને લાડ લડાવવા છે કે સાવજોને તે પહેલાં નક્કી કરી લેવું જોઈએ. વન્યસૃષ્ટિમાં માણસનો પગપેસારો થાય છે પછી ત્યાંથી સ્થાનિક જીવ ચાલતી પકડે છે. તાજેતરના વિધાનસભા સત્ર દરમિયાન  સરકારે ૨૦૧૬ અને ૨૦૧૭ નાં આંકડા જાહેર કરતાં જ સ્વીકાર્યું છે કે, આપણે બે વર્ષમાં ૧૮૪ સિંહને ગુમાવ્યા છે. ૨૦૧૬માં ૧૦૪ અને ૨૦૧૭ માં ૮૦. બે વર્ષમાં ૩૯ નરની સામે ૭૪ નારી અને ૭૧ બચ્ચાઓ મોતને ભેટયા છે ત્યારે સિંહણ અને સિંહબાળને બચાવવા વિશેષ જાગૃતિની જરૂરિયાત છે. આમ તો સિંહ સામે સિંહણ અને સિંહબાળના મોતનો આંકડો ડબલ જેવો છે. સિંહની વસતી વધારવા સિંહણ અને બચ્ચા બંને પાયો છે. એશિયાટિક લાયનનું છેલ્લું સરનામું ગુજરાત – સૌરાષ્ટ્ર છે. આફ્રિકન લાયન માનવ મિત્ર નથી હોતાં પરંતુ એશિયાટિક લાયન મિત્રાચારીનો વ્યવહાર રાખે છે. હવે આપણે ભેગા મળી તેમને બચાવવા કેવી મૈત્રી રાખીએ છીએ તે જોવું રહ્યું. 

– જિજ્ઞેશ ઠાકર, ફેકલ્ટી, જર્નાલિઝમ એન્ડ માસ કોમ્યુનિકેશન, ઈગ્નો. (40, શ્રીનાથજી નગર – ૩, તળાજા રોડ, ભાવનગર – ૩૬૪ ૦૦૨; ૦૨૭૮-૨૫૬ ૭૨૬૭, ૯૯૨૫૧ ૨૫૨૮૫ 


આપનો પ્રતિભાવ આપો....

7 thoughts on “વાત સાવજ પરિવારની : નર સલામત, નારી-બચ્ચા અસલામત.. – જિજ્ઞેશ ઠાકર

  • Urvesh Mehta

    I think, afforestation around the protected area is the need of the hour. And about the railway track, let’s build a separation wall on both sides. Underground passage can be constructed at some places so that Lions can cross the track from there. I think we can start with this and let’s look for the revision on observation of these steps.

  • SUBODHCHANDRA

    આપનો લેખ ખૂબ સરસ છે.
    એના અનુરૂપે ઉમેરી શકાય કે વરસો સરસ વધતી જતી વસ્તી, ઘટતા જતા જંગલો. અને જે શેષ રહ્યા છે તે જગ્માયો મા પણ માણસો દ્વારા થતા અતિક્રમણ પણ મહ્દઅંશે જવાબદાર તો ખરા જ.
    રેલ્વે દ્વારા ટ્રેન ના પાટા પર થતા અકસ્માતો મા ટ્રેનની સ્પીડ ઘટાડી અને સંરક્ષકો/ચોકિયાત મુકવાથી પણ ઘણાં મોત બચાવી શકાય. બંગાળ, દક્ષીણ ના રાજ્યો તેમજ ઉત્તર-પૂર્વના રાજ્યો મા આવા પગલા લેવાતા રહે છે.
    વન્ય પ્રાણીઓ ને જાળવવા હોયતો શિકાર થી વન્ય પ્રાણી તેમનુ ભેટ ભરી શકે એવા પશુઓની વસ્તી હોવી જરૂરી છે જેથી તેમના ખોરાક ની વ્યવસ્થા વિદેશોની જેમ થઈ શકે.. અને માણસો પર થતા હૂમલાઓની સંખ્યા ઘટે
    વન્ય શૃષ્ટિને જીવંત રાખવાની દરેક ની ફરજ અને જવાબદારી છે.

  • મનસુખલાલ ગાંધી

    શું તમે પણ ભાઈ…!!! જરા વિચારો.. ગીરના આખા જંગલમાં એક સિંહ હશે તો પણ સિંહ દર્શન નો કાર્યક્રમ ચાલતો રહેશે, પછી વધારેની શું જરૂર છે…??? અને વધારે સિંહો હશે તો પણ તેઓ કોઈ રાજકારણીને કાવડિયા નહીં ખવડાવે એટલે વધારેની જરૂર નથી. પણ રીસોર્ટવાળા તો કોથળા ભરી ભરીને કાવડિયા નહીં.. નોટોના કોથળા આપી શકે છે, તો પછી આ રાજકારણીઓ કોનો પક્ષ લેશે…?? અને આજ રાજકારણીઓ કાયમ તો રહેવાના નથી… ભવિષ્યમાં ન પણ રહે…પછી જો અત્યારેજ લક્ષમી ચાંદલો કરવા આવતી હોય ત્યાં મોઢું ધોવા થોડા જવાના..!!! આમાં તો મોદીસાહેબ પણ નિવેદન કરવા સિવાય કંઈ નહીં કરી શકે…કાશ્મીર સરહદ પર એકજ મીનીટમાં એકસાથે લશ્કરના ઢગલાબંધ જવાનોનો કચ્ચરઘાણ નીકળી જાય છે તો પણ માત્ર નિવેદન કરીને, થોડાક રૂપીયાનો બદલો આપીને સુઈ જવાનું… સિંહના મરણ માં તો કોઈ સિંહને બદલો પણ નથી આપવાનો..!!

    અભ્યાસપુર્વક લખાયેલો બહુ સરસ અને સમજવા જેવો સુંદર લેખ..

    • Natu Modha

      માનવ વસ્તીનો બચાવ અને તેમના આનંદપ્રમોદના ભોગે સાવજ પરિવારનો ભોગ લેવાય છે. જંગલોમાં રિસોર્ટની શું જરુર છે?. માનવ વસ્તીમાં તમને
      જોવા કોઈ પ્રાણી આવી ચડે ત્યારે તમે કેવા બાધા થઈ જાઓ છો. જીવો એને જીવવા દયો. કુદરતે આપેલું રક્ષણ છિનવાઈ જાય ત્યારે જ સાવજોને દૂરગમન કરવું પડે છે તે સમજવાની જરૂર છે.