કારગીલ યુદ્ધ : ગુજરાતના શહીદો – મનન ભટ્ટ 1


સૌરાષ્ટ્ર બુકફેર અને લિટરેચર ફેસ્ટિવલમાં ભાગ લેવા રાજકોટ તા. ૧૦ ફેબ્રુઆરી ૨૦૧૯ના રોજ પહોંચ્યો. એ જ દિવસે એક વિશેષ પુસ્તક વિમોચનના સાક્ષી બનવાનો અવસર મળ્યો. ભારતીય નૌસેનાના સેવાનિવૃત્ત પેટ્ટી ઓફિસર શ્રી મનન ભટ્ટ દ્વારા લિખિત પુસ્તક ‘કારગીલ યુદ્ધ : ગુજરાતના શહીદો‘ નું વિમોચન આર્ષ વિદ્યામંદિરના સ્વામી શ્રી પરમાત્માનંદ સરસ્વતીજી દ્વારા કરવામાં આવ્યું. કારગીલ યુદ્ધની પૃષ્ઠભૂમિમાં ૧૨ ગુજરાતી શહીદ જવાનોની યુદ્ધ ક્ષેત્રે સર્વોચ્ચ બલિદાનની એમના જ મિત્રો દ્વારા કહેવાયેલી અને એમના જ એક સાથી ઓફિસર દ્વારા શબ્દસ્થ કરાયેલી ગાથા એટલે આ પુસ્તક. ગુજરાતીઓ વેપારી પ્રજા છે અને તેઓ સૈન્યમાં નથી એવા મેણાંંનો આ પુસ્તક સજ્જડ જવાબ છે. વિશ્વના સૌથી ઊંચા યુદ્ધ ક્ષેત્ર એવા કારગીલના પર્વતો પર, ૧૮૦૦૦ ફૂટની ઉંચાઈએ જ્યાં અત્યંત પાતળી હવાને લીધે શ્વાસ લેવો મુશ્કેલ છે, કાતિલ ઠંડી છે અને બર્ફીલા તોફાન વચ્ચે દુશ્મન વિરુદ્ધની જીવસટોસટની લડાઈમાં આપણા વીર જવાનોએ દાખવેલા અપ્રતિમ શૌર્ય અને સર્વોચ્ચ બલિદાનોની અમર સત્ય કથાઓ આ પુસ્તકમાં છે.


કારગીલ યુદ્ધ : ગુજરાતના શહીદો – પેટ્ટી ઓફીસર મનન ભટ્ટ, ભારતીય નૌસેના (સેવા નિવૃત્ત)

અમર પ્રહરી ગનર રમેશકુમાર વિક્રમભાઈ જોગલ

કારગિલ યુદ્ધ સમયે સેનાના મુખ્યાલય મતીયાન ખાતે એક સુરક્ષિત બંંકરની અંદર ઉભુ કરવામાં આવેલું. જનરલ ઓફિસર કમાન્ડિંગ ત્યાં રહીને સમગ્ર યુદ્ધ ઓપરેશન પર નજર રાખી રહ્યા હતા. આપણા અટેક પ્લાન આ મુખ્યાલયના ઓપરેશન રૂમમાં જ ઘડાઈ રહ્યા હતા. આહિર વીર રમેશ જોગલની ‘પાપા’ બેટરી આ મતીયાન ગામમાં સ્થિત હતી. રમેશ જોગલનું યુનિટ ૧૪૧ ફિલ્ડ રેજીમેન્ટ, ૧૨૧ ઈન્ફેન્ટ્રી બ્રિગેડનું ડાયરેક્ટ સપોર્ટ યુનિટ હતું. તેમના યુનિટના શિરે યુદ્ધના શરૂઆતના સમયથી જ દ્રાસ, કાક્સર અને બટાલિક સેક્ટર ખાતે દુશ્મનને આગળ વધતો રોકવાની તેમજ દુશ્મનને ખસેડવાની જવાબદારી હતી. ૧૪૧ ફીલ્ડ રેજીમેન્ટ પર દુશ્મન પોઝિશન પર હુમલો કરવાની સાથે સાથે મુખ્યાલયની સુરક્ષાની બેવડી જવાબદારી હતી. મતીયાનથી તેઓ સતત તોલોલીંગ અને ટાઈગરહિલ આ બંને પોઝિશન પર ગોળાઓ વરસાવી રહ્યાં હતા.

યુદ્ધના શરૂઆતના સમયમાં જ ૨ જૂન ૧૯૯૯ના રોજ કાક્સર સબ સેક્ટરની બજરંગ પોસ્ટ પર ફાયર નિર્દેશિત કરતા રમેશભાઈની રેજીમેન્ટના કેપ્ટન પી. વી. વિક્રમ વીરગતિને પામ્યા. સેનાએ તેમને મરણોપરાંત મેડલ વડે નવાજ્યા.

ગનર હવાલદાર લાલજીભાઈ પટેલની ૧૦૮ મિડીયમ આર્ટિલરી રેજીમેન્ટના ગનર્સે ‘ડાયરેક્ટ ફાયરિંગ મોડ’માંં સફળતાપૂર્વક અગિયાર કિ.મિની રેન્જ સુધી વિદ્વંસક તોપમારો કર્યો. ‘ડાયરેક્ટ ફાયરિંગ’માં સફળતા મળ્યા બાદ ૧૦૮ મિડીયમ રેજીમેન્ટ, ૧૪૧ ફીલ્ડ રેજીમેન્ટ, ૪૧ ફીલ્ડ રેજીમેન્ટ, ૧૦૮ મિડીયમ રેજીમેન્ટ, ૨૮૬ મિડીયમ રેજીમેન્ટ, ૩૧૫ ફીલ્ડ રેજીમેન્ટ અને ૧૮૮૯ લાઈટ રેજીમેન્ટ, આ બધા પ્રખર બાણાવળીઓ (ગનર્સ) નો જુસ્સો ઓર વધી ગયો હતો. કારગીલ લેહ શ્રીનગરની જીવાદોરી સમા રાષ્ટ્રીય રાજમાર્ગ ૧ ની બિલકુલ ઉપર ૧૫૦૦૦ ફુટ ઊંચા તોલોલીંગ પર્વત પર ૧૨ જૂન ૧૯૯૯ના રોજ સાંજે ચાર વાગ્યે સચોટ અને મુશળધાર ગોળાઓનો વરસાદ થવા લાગ્યો.

૧૩ જૂન ૧૯૯૯

પ્રધાનમંત્રી શ્રી અટલ બિહારી વાજપેયી સૌનિકોનો જુસ્સો વધારવા મતીયાન મુખ્યાલયની મુલાકાતે આવવાના હતા. પ્રધાનમંત્રીના ઉદબોધન માટે મોટી સંખ્યામાં સૈનિકો મતીયાનની આસપાસના ખુલ્લા મેદાનમાં એકઠા થયા હતા. નજીકમાં જ નિયુક્ત ગનર રમેશ અને તેમના સાથીઓ સુરક્ષા ઘેરો બનાવી દુશ્મન પર તોપમારો કરી રહ્યા હતા. પ્રધાનમંત્રીની સુરક્ષાની જવાબદારી પણ હવે તેમને શિરે હતી.

૧૪ જૂન ૧૯૯૯, સવારના ૧૦.૦૦ કલાકે

મતીયાનના એ વિસ્તાર પર દુશ્મને ગજબનાક ભારે તોપમારો શરૂ કરી દીધો. રમેશની બેટરીની તોપો પણ દુશ્મનના વેપન લોકેટિંગ રડારમાં આવી ચૂકી હતી. પરિસ્થિતિ વિકટ બની ગઈ. પ્રધાનમંત્રીના ઉદબોધન માટે એકઠા થયેલા સૈનિકોને તરત જ નજીકના પર્વતોની આડશ લેવાનું કહેવામાં આવ્યું. પરિસ્થિતિની ગંભીરતા પારખીને આર્મી એવિએશનના હેલિકોપ્ટરો થોડી જ મિનિટોમાં ત્યાંથી ઉડી ગયા. શરૂઆતી શેલિંગ હળવું હતું. એકવાર ટાર્ગેટ એક્વિઝિશન થઈ ગયા બાદ દુશ્મન શેલિંગ અસહ્ય બની ગયું. રમેશ જોગલની બેટરીની તોપો છુપાવવાને કોઈ જગ્યા નહોતી. દુશ્મન ઉપરથી સચોટ નિશાન સાધી રહ્યો હતો. મુકાબલો બરાબરનો નહોતો રહ્યો, પણ એ જવાનો ન ડર્યા, ન ડગ્યા અને રોકાયા વિના વળતા હુમલા કરતા રહ્યાંં. પ્રધાનમંત્રી વાજપેયીજીની મુલાકાત કેન્સલ કરવી પડી, તેમને પાછા ફરવું પડ્યું. તે શૈલિંગ બે કલાક સુધી એટલી જ તીવ્રતાથી ચાલ્યુંં.

આ દરમ્યાન એક નજીકની બોફોર્સ બેટરી પોઝિશન દુશ્મન ફાયરિંગની ઝપેટમાં આવી ગઈ. તેની ચાર તોપોને નુકસાન થયુંં, સૈનિકો ઘાયલ થયા.

અધિકૃતિ રીતે યુદ્ધ જૂન મહિનામાં શરૂ થયું. દુશ્મન પહેલાથીજ રાષ્ટ્રીય રાજમાર્ગ ૧-અ પરથી પસાર થઈ રહેલા સૈન્ય વાહનોને નિશાન બનાવી રહ્યો હતો. આ વિકટ રાજમાર્ગ પર દુશ્મનના તોપમારાના લીધે દિવસના અજવાળામાં આવનજાવન લગભગ અશક્ય થઈ ગઈ હતી. આવા સમયે એમ.ટી ગનર રમેશભાઈએ યુદ્ધ પહેલા લાંબા સમય સુધી અને યુદ્ધ દરમ્યાન સતત બે મહીના રાત્રીના ઘોર અંધકારમાં હેડલાઈટના પ્રકાશ વિના હિમાલયના દુર્ગમ પર્વતીય માર્ગો જેવા કે ઝોઝીલા પાસ અને કેપ્ટન મોડ પર દારૂગોળો ભરેલા જોખમી સૈન્ય વાહન સફળતાપૂર્વક ચલાવ્યા.

અમર શહીદ રમેશ જોગલના માતા જશીબેન

ટાઈગર હિલ પરથી દુશ્મન સતત રાષ્ટ્રીય રાજમાર્ગ પર નજર રાખી બેઠો હતો. તેમના સચોટ તોપમારાના લીધે આપણા સૈન્ય કાફલાઓ માટે રાષ્ટ્રીય રાજમાર્ગ પરથી દિવસે પસાર થવું અશક્ય બની ગયું હતું. આ પરિસ્થિતિમાંથી બહાર નીકળવા ટાઈગર હિલ પર કબજો અત્યંત મહત્વપૂર્ણ હતો. ટાઈગર હિલ પર હુમલાના આર્ટિલરી ફાયર પ્લાનને ‘ફાઈનલ બ્લો’ – ‘અંતિમ પ્રહાર’ એવું સૂચક નામ આપવામાં આવેલું. ત્રીજી જુલાઈ ૧૯૯૯, રાત્રીના સાડા આઠ કલાકે શરૂ થયેલો ‘અંતિમ પ્રહાર’ સાત જુલાઈ સુધી ચાલ્યો જેની શરૂઆત આર્ટિલરી ગનર્સે સીધા અને પરોક્ષ બંને તોપમારા વડે કરી. કુલ ૨૦ આર્ટિલરી યુનિટ્સ એટલે કે કુલ ૧૨૭ તોપો અને મોર્ટાર મળીને સમગ્ર ટાઈગર હિલ પર ગોળા વરસાવી રહ્યાં હતા. ગનર્સ દર મિનિટે પ્રત્યેક બેટરી દીઠ એક રાઉન્ડ ફાયર કરી રહ્યા હતા. સમગ્ર આકાશ આપણા તોપમારા અને દુશ્મનના ગોળાઓના પ્રકાશ વડે ઝળહળી ઉઠ્યું હતુંં. બોફોર્સ તોપોના અવિરત કવર ફાયર વચ્ચે ટાઈગર હિલ પર બે નાગા રેજીમેન્ટ, આઠ શિખ રેજીમેન્ટ અને અઢાર ગ્રેનેડિયર્સના દળોએ ત્રણ બાજુથી હુમલો કર્યો.

સૈન્યના પ્રત્યેક પ્લાનની જેમ જ ટાઈગર હિલ પર હુમલાનો પ્લાન પણ એટલી હદે સિક્રેટ હતો કે આપણા તત્કાલીન સેના પ્રમુખ જનરલ વેદ પ્રકાશ મલિકને પણ તેની જાણ નહોતી.

જનરલ મલિક તેમના પુસ્તકમાં લખે છે : ભારતમાં સેના પ્રમુખને યુદ્ધક્ષેત્રે સીધા આયોજનમાં ભાગ લેવાનો હોતો નથી. આ કાર્ય જે – તે ડીવીઝનલ કમાન્ડરનું છે. ડીવિઝનલ કમાન્ડર અને કોપર્સ કમાન્ડર જરૂરીયાત મુજબ તેમના બૃહ પ્રમાણે સેના પ્રમુખને માહિતગાર કરતાં રહે છે. હું જાણતો હતો કે અમે એક બે દિવસમાં જ ટાઈગર હિલ પર હુમલો કરીશું. પરંતુ કમાન્ડને નાહકના પ્રેશરમાં ન નાખવા, તેમ વિચારીને મેં તેમને ફોન કર્યો ત્યારે તેમને એ ખાસ દિવસ વિષે પૂછવાનું ટાળ્યું. પણ જ્યારે મેં બીજા દિવસે ન્યુઝ ચેનલોની હેડલાઈન જોઈ કે “સપ્તાહાંતે ભારતીય સૈન્ય ટાઈગર હિલ પર અંતિમ એટેક કરવાનું છે!” હું આશ્ચર્યચકિત હતો. મેં કોપર્સ કમાન્ડરને ફોન કર્યો અને કોઈ પણ પ્રકારની સરંજામની જરૂરિયાત હોય તો મને જણાવવા કહ્યું. કમાન્ડરે જણાવ્યું કે આર્ટીલરી ફાયર કેન્દ્રિત થઈ શકે માટે તેઓ એક પછી એક શિખર પર હુમલો કરશે.

૦૩ જુલાઈ ૧૯૯૯ના રોજ શરૂ થયેલાં ટાઈગર હિલ ફાઈનલ અસોલ્ટના દિવસે સેનાએ નક્કી કર્યું હતું કે ગમે તે ભોગે ટાઈગર હિલ પર કબજો મેળવીને જ રહીશું. કારગીલનું યુદ્ધ સામાન્ય રીતે રાત્રીના અંધકારમાં લડાયું કારણ હતું, ઉપર બેઠેલો દુશ્મન આપણા જવાનો અને ગન પોઝીશન્સને આસાનીથી ટ્રેક ન કરી શકે. ટાઈગર હિલ જેવા પ્રાઈમ ટારગેટ પર ફાઈનલ અસોલ્ટ વખતે આર્ટીલરી દિવસે પણ તોપમારો કરતી રહી. દિવસના ભાગે, ઊંચાઈ પર બિરાજમાન દુશ્મન માટે આપણી તોપો ગણી ગણીને વીંધી નાખવી રમતવાત હતી. ચોતરફ વરસી રહેલા જીવલેણ અગનગોળાઓ વચ્ચે ઘેરાયેલા તોપચીઓ અને ટાઈગર હિલ સર કરવા મરણીયા બનેલા ઇન્ફન્ટ્રીમેન ડગ્યા વિના અડીખમ લડતા રહ્યા.

પરોક્ષ આર્ટીલરી ફાયર જ્યાં સદંતર નાકામ રહ્યો તેવે સમયે ગનર્સે પ્લાન બી અમલમાં મૂકી દુશ્મનને ચોંકાવી દીધા. થોડાક સમયમાં જ ૪૨ કિલો વજનની આર્ટીલરી સેલ્સના ૫૦૦ જેટલા રાઉન્ડસ તોલોલીંગ પર દાગી દીધા. કુલ ૪ ટન વજનનો ટીએનટી એશ્લોસિવ તોલોલીંગ પર વરસ્યો અને પર્વત અને આસપાસની ધરા ધ્રુજી ઉઠી.

૦૬ જુલાઈ ૧૯૯

૧૪૧ ફિલ્ડ રેજીમેન્ટની ‘પાપા બેટરી મતીયા ગામમાં તૈનાત હતી. પર્વતીય દુર્ગમ વિસ્તારોમાં ગન ડીપ્લોયમેન્ટ પણ અત્યંત મુશ્કેલ હતું. યુદ્ધને શરૂ થયે બે મહિના વીતી ગયા હતા. લબરમૂછીયો યુવાન ગનર રમેશકુમાર વિક્રમભાઈ જોગલ યુદ્ધક્ષેત્રે ઘડાઈને રણબંકો શુરવીર બની ચુક્યો હતો. પાપા(પી) બેટરીના ગન ડીટેચમેન્ટ સાથે જોડાયેલો રમેશ તોપગોળાને ફાયરીંગ માટે તૈયાર કરી તોપમાં લોડીંગ કરી રહ્યો હતો. છેલ્લા ત્રણ દિવસથી ગનર રમેશની બેટરીની છે તોપોના ગનર્સ ટાઈગર હિલ પર દુશ્મન ઠેકાણાઓ પર અવિરત પણે તોપમારો કરી રહ્યા હતા. દુશ્મન પાસે વેપન લોકેટીંગ રડાર હતા. તેઓ આપણી ગન પોઝીશન્સને ટ્રેક કરી વળતો તોપમારો કરી રહ્યા હતા. ગનર રમેશની આસપાસ ધાણીફૂટ શેલ્સ વરસી રહ્યા હતા.

કારગીલ યુદ્ધ પોતાના જીવની રતીભાર પરવા કર્યા વગર રમેશ બોફોર્સ તોપને નિરંતર ગોળાનો સપ્લાય પૂરો પડતો રહે તે માટે મરણીયો થઈ મંડ્યો હતો.

રમેશ અને તેના સાથીઓના હાથમાં સતત ભારેખમ તોપગોળા ઉપાડવાથી ફોડલા પડી ગયા હતા, બાવડા સુજી ગયા હતા. હિમાલયના ઠંડાગાર અને સુકા વાતાવરણમાં ચામડી ફાટી રહી હતી. શરીરમાં કાપા પડી જવાથી લોહી નીકળવા માંડતું. નવાઈની વાત એ છે કે, આટલી ઊંચાઈએ જ્યાં શ્વાસ લેવો પણ મુશ્કેલ હતો ત્યાં આપણા વીર જવાનો યુદ્ધ લડી રહ્યા હતા. છેલ્લા બે મહિના દરમિયાન પરિસ્થિતિ એવી રહી હતી કે ક્યારેક ચોવીસ કલાકમાં બે કલાક આરામ મળે તો નવાઈ થતી. રાતભર દુશ્મન પર તોપમારો કરવાનો અને દિવસે, દારૂગોળાની વ્યવસ્થા કરવાની. તોપોનું મેન્ટેનન્સ કરવાનું. વળી રાષ્ટ્રીય રાજમાર્ગ પર દુશમન તોપમારાને લીધે રાશન સપ્લાય રૂટ બાધિત હતો અને ખાવાના કંઈ ઠેકાણા નહોતા.

૧૪૧ ફીલ્ડ રેજીમેન્ટની “પાપા” બેટરીની ગન પોઝીશન દુશ્મન રડારમાં લોક થઈ ગઈ હતી. તોપો પર્વતની આડશ હતી, પરંતુ એ જગ્યા એટલી સાંકડી હતી કે તોપને ખસેડવી શક્ય નહોતું. વળી ટાઈગર હિલ એટેક ચાલી રહ્યો હતો. એક કિમી લંબાઈ અને બે કિમી પહોળાઈ ધરાવતા ટાઈગર હિલ ઉપર ઘણી લોકેશન્સમાં દુશ્મન હજીયે છુપાઈને બેઠો હતો. ઉપર, ઇન્ફન્ટ્રીના જવાનો મરણીયા થઈને, સામી છાતીએ મૃત્યુને ગળે લગાવી રહ્યા હતા. ઈન્ફન્ટ્રીને એક એક ઈંચ માટે જીવલેણ સંઘર્ષ કરવો પડી રહ્યો હતો. આવી કટોકટીમાં બોફોર્સને ધીમી પાડવી પાલવે તેમ નહોતું. ૦૬ જુલાઈ ૧૯૯૯ સમય સવારના ૧૧.૩૦ કલાક – રમેશ જોગલની “પાપા” બેટરીનો સચોટ ફાયર દુશ્મન ઠેકાણાઓ પર તબાહી મચાવી રહ્યો હતો. તોલોલીંગ એટેક હોય કે ટાઈગર હિલ અસોલ્ટ કે પછી વાજપેયીજીની મુલાકાત; દરેક વખતે મતીયાનમાં તૈનાત રમેશની “પાપા” બેટરી દુશ્મનને લોઢાના લાલચોળ ચણા ચખાડી રહી હતી. પાકિસ્તાનીઓએ કોઈપણ ભોગે રમેશની બેટરીને નષ્ટ કરવાની નેમ લીધી હતી. દુશ્મને ૧૪૧ ફિલ્ડ રેજીમેન્ટની “પાપા’ બેટરીની ગન પોઝીશનનું નિશાન લઈ છોડેલા અનેક ગોળામાંથી એક ગોઝારો ગોળો લક્ષ્યભેદી નીવડ્યો અને અમર પ્રહરી ગનર રમેશ જોગલની બાજુમાં જ ફાટ્યો. ગોળામાંથી ઉડેલા લાલચોળ પ્લીન્ટર્સમાંથી ઘણાં ખરા ગનર રમેશના શરીર સોંસરવા ઘૂસી ગયા તો કેટલાંક આરપાર નીકળી ગયા અને એ વીરનું પ્રાણ પંખેરું લેતા ગયા.

બે મહિનાના રક્તરંજીત સંઘર્ષ બાદ અંતે ટાઈગર હિલ પર આપણે સંપૂર્ણ કબજો મેળવ્યો. સમગ્ર કારગીલ યુદ્ધ દરમિયાન ટાઈગર હિલની લડાઈ સૌથી વધુ લોહીયાળ બની રહી.

રમેશકુમાર જગલની વાત

હાલારની ધીંગી ધરામાં ઘણા સાવજ જન્મ્યા છે. એવોજ એક સાવજ હતો મેવાસા ગામના વિક્રમ ભાઈ અને જશીબેન જોગલનો વચલો દીકરો રમેશકુમાર વિક્રમભાઈ જોગલ, ફક્ત પાંચ વરસની કુમળી વયે. બાળકોના શિરેથી પિતાની છત્રછાયા જતી રહી. પિતાના અકાળે મૃત્યુ પશ્ચાત મોટા દીકરા હમીરભાઈએ જાત ઘસીને, મજૂરી કરીને બે ભાઈઓને ભણાવી ગણાવી પગભર કરવાનું બીડું ઉઠાવ્યું. મેવાસા ગામની પ્રાથમિક શાળામાં શિક્ષકોના માનીતા અને સૌથી હોનહાર વિદ્યાર્થી તરીકે રમેશની ગણના થતી. રમેશને સૈન્ય ગણવેશ પ્રત્યે અસીમ ખેંચાણ, મોટા હમીરભાઈને કહેતો કે “ભાઈ, મારે આ ગણવેશ પહેરવો જ છે.”

૧૯૯૦ના એપ્રિલ મહિનામાં રમેશ સૈન્યમાં જોડાયો. તેને ટ્રેડ મળ્યો “આર્ટીલરી’. આર્ટીલરી તાલીમ મથક નાસિક ખાતે રમેશ જોગલ, મસરીભાઈ ચાવડાથી ત્રણેક દિવસ પહેલાં પહોંચી ગયેલા.

હવાલદાર મસરીભાઈ :

“સેનાના ટ્રેનીંગ સેન્ટરમાં મારો હજી તો પહેલા જ દિવસ હતો. રમેશભાઈ નવા રંગરૂટોમાં કોઈ ગુજરાતી છે તેવી પૃચ્છા કરતા મારી પાસે આવી ચડ્યા. હું પહેલીવાર ઘરેથી બહાર નીકળેલો અને સેનાની તાલીમ કેવી અઘરી હોય છે એ કેવળ સાંભળ્યું હતું. દરેક રંગરૂટની જેમ મારા મનમાં પણ ફફડાટ હતો. રમેશભાઈ મને કહે, આપણે બંને આહિરના સંતાનો છીએ. હું છું ત્યાં સુધી તારે કોઈ બાબતમાં ગભરાવાની જરૂર નથી.

સેનાની ટ્રેનીંગ ખૂબ મુશ્કેલ હતી, પણ રમેશભાઈ ભારે જોશીલો માણસ. એ કહેતો, મસરી, જો એકવાર આપણે કંઈ ન કરી શકીએ, તો નાસીપાસ થવું નહીં. આપણે બન્ને ફરી મળીને કોશિશ કરીશું. પણ એવી જરૂર ક્યારેય પડી નહીં. અમે પ્રત્યેક ટાસ્કમાં ફર્સ્ટ ગ્રેડમાં જ નીકળી જતા. લાંબા અંતરની દોડ હોય કે બીજી ગમે તેવી મુશ્કેલ તાલીમ, રમેશે પોતે પ્રથમ આવવા માટે ક્યારેય મને પાછળ નથી છોડ્યો. મારો

ભેરુ કહેતો, “મસરી, સફળતા હોય કે નિષ્ફળતા આપણી બંનેની સહિયારી જ રહેશે.”

એ દિવસે ન જાણે શું થયું પણ રમેશભાઈ કહે, “મિત્ર અહીંથી ગયા બાદ, આપણે ગામમાં એક સામાન્ય માણસનું જીવન જીવીને વૃદ્ધાવસ્થામાં મૃત્યુ પામીશું. જ્યારે અહીં કદાચ એવો પણ સમય આવશે કે દેશને માટે જુવાનીમાં જ મરી ફીટશું. રોજ કેટલાય માણસો આમ જ જીવન મરણના ફેરા પુરા કરે છે પણ કોણ એને યાદ રાખે છે? ભાઈ મારા, મારા અને તારા જેવો એક સૈનિક જ્યારે વીરગતિને પામે છે ને ત્યારે તો આખો દેશ એની પાછળ શોક મનાવે છે. આપણા ગામની કેટલીય પેઢીઓ આપણને યાદ કરો ભાઈ.”

કારગીલ યુદ્ધ સમયે મારી રેજીમેન્ટ બાડમેરથી આગળ રાજસ્થાનમાં નિયુક્ત હતી. જે દિવસે મને રમેશની શહીદીના ખબર મળ્યા. હું ખૂબ રડ્યો. આખો દિવસ કંઈ ખાઈ-પી ન શક્યો. રમેશના યુનિટમાંથી જ્યારે પણ કોઈ અમારા યુનિટમાં આવતું તો હું તેમને બેસાડીને રમેશની તેના યુનિટમાં વીતાવેલી પળ પળની યાદો વિશે પૂછતો.


ભારતીય નૌસેનાના સેવાનિવૃત્ત ઓફિસર મનન ભટ્ટ કારગીલ યુદ્ધમાં અને ઓપરેશન પરાક્રમમાં સક્રિય ભાગ ભજવ્યો હોય એવા બાહોશ અધિકારી છે. ૧૯૯૭ માં ભારતીય નૌસેનામાં જોડાયા ત્યારથી તેમણે ફ્રિગેટ અને કોર્વેટ ક્લાસના યુદ્ધજહાજોમાં, સૈન્ય મુખ્યાલય ખાતે, ડિફેન્સ રીસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (ડિ.આર.ડી.ઓ) ખાતે, રશિયા, અમેરિકા અને અન્ય મિત્ર દેશોમાં ભારતીય નૌસેના પ્રતિનિધિ તરીકે, નૌસેનાના એલીટ કમાન્ડો ફોર્સ માર્કોસ સાથે તથા નૌસેનાના અન્ય વિભાગોમાં સેવાઓ આપી વર્ષ ૨૦૧૨માં ૧૫ વર્ષ ગૌરવપૂર્ણ સૈન્ય સેવા બાદ નિવૃત્તિ સ્વીકારી. તેઓ ન્યુક્લીયર, બાયોલોજીકલ, કેમિકલ વોરફેર અને ડિફેન્સ તથા ફાયર એન્ડ સેફટી ક્ષેત્રમાં વિશેષજ્ઞ છે.

શહીદોના સન્માનમાં સમગ્ર ગુજરાતમાંથી અનેક માજી સૈનિકો તેમના સૈન્ય મેડલ પહેરીને કાર્યક્રમમાં હાજરી આપી હતી. કારગીલ યુદ્ધમાં શહીદ થયેલા ગુજરાતના વીર સપૂતોના બલિદાનને યાદ કરાયું હતું અને બાર શહીદોના પરિવારજનોનું પણ આ પ્રસંગે સન્માન કરાયું હતું. તો કારગીલ યુદ્ધમાં ભાગ લીધેલા અને પુસ્તકમાં ઉલ્લેખિત ગુજરાતી સૈનિકોનું પણ સન્માન કરાયું હતું. જ્યારે આ સૈનિકોના બલિદાનની, એ પ્રસંગની વાત તેમના પરિવારજનો સામે વર્ણવાઈ, એમના એ સર્વોચ્ચ બલિદાનને આદરાંજલી અપાઈ ત્યારે ઉપસ્થિત સૌની આંખોમાં આંસુ અને મનમાં એ શહીદો માટે ગર્વની લાગણી હતી. પુસ્તક વિમોચન તો અનેક જોયા છે પણ આ પુસ્તકથી વધીને આપણા ગુજરાતી વીરોની ગાથાનું વિમોચન હતું.

કારગીલ યુદ્ધ- ગુજરાતના શહીદો પુસ્તકનું વિમોચન કારગીલમાં શહીદ થયેલા 12 ગુજરાતી જવાનોના પરિવારની ઉપસ્થિતિમાં સંપન્ન થયું.

આપનો પ્રતિભાવ આપો....

One thought on “કારગીલ યુદ્ધ : ગુજરાતના શહીદો – મનન ભટ્ટ

  • anil1082003

    JAI SAHID NEVER FORGET YOUR SACRIFICE FOR OUR COUNTRY. GUJARATI HUVA TO KYA HO GAYA. HUM BE UPNE DESH KI RAXA KAR SAKTE HAI. JAI JAVAN JAI GUJARAT. HUM BHI GUJARAT KE SAVAJ( LION) JESE HAI