દિવ્યલોક હાત્ત (શ્રીલંકાની સફરે) – સ્વાતિ મેઢ 4


‘વી હેવ બુક્ડ ઇન હોટેલ હેવન સેવન.’ અમે ડ્રાઇવરને કહ્યું. શ્રીલંકા દેશના નુવારા એલિયા (nuwara eliya) હિલસ્ટેશનમાં અમે પ્રવેશી રહ્યા હતા. અંગ્રેજોએ વિકસાવેલું હિલસ્ટેશન હતું. આમ તો એ નાનકડું શહેર હતું પણ લગભગ આખા શ્રીલંકામાં આપણને તો ખાસ કરીને ગુજરાત જેવા લીલોતરી વંચિત પ્રદેશમાંથી જનારાઓને તો બધે  જાણે જંગલો, ખેતરો અને બગીચાઓ  જ છે એવું લાગે. એમાં આ તો હિલસ્ટેશન હતું. પર્યટનનું સ્થળ હતું. શહેર શરૂ ક્યારે થયું તે ખબર ન પડી પણ જ્યારે એ સમજાયું ત્યારે અમે ડ્રાઇવરને કહ્યું, ‘વી હેવ બુક્ડ ઇન હોટેલ હેવન સેવન.’

આવા સુંદર સ્થળે સલામત પહોંચવાના આનંદમાં કે કોઈ બીજા કારણે  ડ્રાઇવરે તરત એ શબ્દોનું એની માતૃભાષા સિંહાલીમાં ભાષાંતર કર્યું, ‘દિવ્યલોક હાત્ત’, એટલે કે સાતમું સ્વર્ગ, માનવમન હમેશાં આ ધરતીથી ઉપર કોઈક દિવ્યલોક છે એવી કલ્પના કરતું આવ્યું છે. અંગ્રેજીમાં સેવન હેવન તો હિન્દીમાં સાતવાં આસમાન એનું ગુજરાતી સાતમું આસમાન. આનંદની અવધિ થાય ત્યારે આપણે કહીએ ‘એ તો ‘સાતમા આસમાને પહોંચી ગયો.’ એવા સાતમા આસમાન અર્થાત સેવન હેવનમાં અમારે બે દિવસ રહેવાનું હતું. ( વાચક મિત્રોને વિનંતી કે અહીં લખાતી અંગ્રેજી ભાષાના વ્યાકરણ વિષે સવાલ ઉઠાવવા નહીં. અમે ય પહેલા બે દિવસ સાચું ને સારું અંગ્રેજી બોલીને પછી શીખી ગયેલા કે ભાષા પ્રત્યાયન માટે હોય. સાંભળવાવાળાને સમજાય એટલે બસ. આપણને આવડતા વાક્યો, શબ્દોનો ખજાનો ખોલવો નહીં).

Nuwara Eliya Hill station, Srilanka

શહેરના પહાડી રસ્તાઓ પર મોટર આગળ વધતી ગઈ. મોટે ભાગે નાની મોટી હોટેલો, ગેસ્ટ હાઉસો અને કોઈ કોઈ બંગલાઓ રસ્તાની બંને બાજુએ દેખાતા હતા. રસ્તો ઊંચે ને ઊંચે જતો હતો. જાય જ ને? અમે સેવન હેવનમાં  જવાના હતા , સદેહે ! જોકે આખરે એક ગલી, એક સ્કૂલ અને શિશુ સંભાળ કેન્દ્ર,, એક દવાખાનું અને પછી એક વળાંક ને સામે પાટિયું, લખેલું,  ‘ હેવન સેવન.’ પહોંચી ગયા, સદેહે સાતમા સ્વર્ગમાં ! જોકે આમ કંઈ એ સાતમું આસમાન નહોતું. રસ્તો ઉપરની તરફ આગળ જતો હતો અને ત્યાં ય મકાનો દેખાતાં હતાં પણ આપણે માની લીધું કે આ જ છે સાતમી સ્વર્ગભૂમિ. અંદર તો જઈએ પહેલાં!

અમે અંદર ગયાં. હોટેલ વિદેશી પ્રવાસીઓ માટે હોય એમ લાગ્યું. અમે પણ શ્રીલંકામાં વિદેશી જ ગણાઈએ. જો કે એ દેશમાં આપણને વિદેશમાં છીએ એવું લાગતું જ  નથી. મકાનનું બાંધકામ સુંદર હતું.  પણ થોડું બંધિયાર લાગ્યું. રૂમોની અંદર સર્વ પ્રકારની સુવિધાઓ હતી. મોટી બાથરૂમ, એમાં ગરમ-ઠંડા પાણીના નળો, શાવર, ઊંચી ક્વોલિટીના શેમ્પૂ, સાબુ, હેર ડ્રાયર વગેરે વગેરે. સારી પથારીઓ, સામે ટેલીવિઝન. ઓઢવાના સુંવાળા બ્લેંકેટો, પથારીની બાજુમાં જ ચા બનાવીને પીવાની બધી જ સામગ્રી. દિવસ આખો મોટરમાં બેસીને આવનારાઓને સાંજ પડે જે જોઈએ એ બધું જ રૂમમાં હતું. વિવેકી (પણ કાચુંપાકું અંગ્રેજી બોલતા) યુનિફોર્મ પહેરેલા સેવકો. આપણને સાધારણ  લોકોને આને સ્વર્ગ માની લેવામાં વાંધો નહીં. આ સ્વર્ગમાં અપ્સરાઓ, ગંધર્વો, કિન્નરો નહોતા ધરતી પર હતું ને એટલે. પણ વિવેકી રીતભાતની ચમકવાળા સેવકો હતા. (ના,કન્યાઓ નહોતી,સ્વાગત મેજ પર પણ નહીં.) એમાંનો એક સેવક જતાં જતાં કહી ગયેલો, ‘ ડિનર ઇઝ રેડી સર. ’ અમે થોડું  નિરાંતે બેઠાં ને પછી જમવા ગયાં.

ડાઈનિંગ હૉલ. બહુ મોટો ન હતો પણ સરસ રીતે ગોઠવેલો હતો. ચોરસ ટેબલો અને દરેક ટેબલે ચાર ચાર ખુરશીઓ. હૉલ લગભગ આખો ભરેલો હતો, શ્વેતવર્ણ પ્રવાસીઓથી. આ સાતમી સ્વર્ગભૂમિ ત્રણ પ્રકારના ભોજન પીરસતી હતી. પશ્ચિમની વાનગીઓ, શ્રીલંકાની વાનગીઓ અને ભારતીય વાનગીઓ. શાકાહારી અને બિનશાકાહારી બંને પ્રકારની. સાથે વિવિધ પીણાં પણ ખરાં. અમે ભારતીય શાકાહારી ભોજન લાવવાનું કહ્યું. સૂપથી શરૂ કરીને આખરી મિષ્ટ વાનગી સુધીનું બધું જ મળવાનું હતું, અગાઉથી ચૂકવી દીધેલાં નાણાંના બદલામાં. આ ઉપરાંત ટેબલ પર શોભા માટે સળગતી મીણબત્તી પણ મૂકાઈ. માથે મોટા મોટા ઝૂમ્મરો ઝળાંહળાં થતાં હતાં તો પણ. ટેબલ પર મીણબત્તી સળગતી હોય તો એને કેંડલલાઇટ ડિનર કહેવાય ને? હાહાહા, સાતમી સ્વર્ગભૂમિમાં કેંડલલાઇટ ડિનર! ક્યા બાત, ક્યા બાત!

થોડી જ વારમાં ભોજન આવ્યું. સ્વાદિષ્ટ મેવામસાલાથી ભરપૂર ખૂબ બધો પુલાવ અને સાથે ભેળવવા દાળ, શાક, ચટણી, સૂપ તો ખરા જ. ભારતીય ભોજનની એક ખાસિયત એ છે કે એમાં જમનારે વચ્ચે વચ્ચે પાણી પીવું પડે. પશ્ચિમના ભોજનની જેમ દરેક કોળીયે તો નહીં પણ વચ્ચે વચ્ચે કોઈ કોઈ વાર. અમને પણ પાણી પીવાની જરૂર લાગી. સેવકને કહ્યું, ‘બ્રિંગ વૉટર’. સેવક ખૂબ વિવેકથી હાથમાંની ટ્રે છાતી પાસે દબાવીને કંઈ ખાનગી વાત કરતો હોય તેમ કાન પાસે મોં લાવીને બોલ્યો, ‘……’. મને ન સમજાયું. એણે બીજી વાર કહ્યું, ‘વૉટર ઈઝ ચાર્જેબલ’.

હેં, જમતી વખતે પીવાના પાણીના પૈસા? સ્વર્ગભૂમિમાં કશું પણ આપ્યા વિના કશું ન મળે. એ સત્ય તો આપણે જાણતા જ હોઈએ. તો સાતમી સ્વર્ગભૂમિમાં ય એવું જ હોય. ભલેને એ આ ધરતી પર જ હોય ! બીજા ટેબલો પર બેઠેલા શ્વેતવર્ણ પ્રવાસીઓ તો પાણી પીતા જ ન હોય. એમને તો પૈસા ચૂકવીને મળે એવાં પીણાં જ ફાવે. આપણને ભારતમાં અને વળી ગુજરાતમાં એવાં પીણાંની ટેવ નહીં…. કારણ? શું જોઈને પૂછતા હશો ?

શું કરવું? પાણીના પૈસા આપવા કે પાણી વિના ચલાવી લેવું? ત્યાં વેઈટરે સમજાવ્યું કે ‘વૉટર બૉટલ ઈઝ ચાર્જેબલ.’  થેન્ક ગોડ, સાદું પાણી મફત મળે છે. ‘ધેન બ્રિંગ ધેટ વૉટર.’ અમે કહ્યું. વેઇટર પાણી લઈ આવ્યો. ભોજન સાથે એક પાઠ ભણ્યા. આ સાતમી સ્વર્ગભૂમિમાં વૉટરબોટલ ઈઝ ચાર્જેબલ. રૂમમાં પાણી માટે વૉટરબોટલ જ અપાતી હતી. ચાર્જ અગાઉથી લઈ લીધેલો.

રાત હતી. રૂમની ભારેખમ પડદા લગાડેલી વિશાળ કાચની બારીઓના કાચની આરપાર માત્ર અંધારું જ દેખાતું હતું. સ્વર્ગભૂમિની બહાર શું છે એ જોવા સવાર પડે અને અજવાળું થાય એની રાહ જોવાની જ હતી.

સવાર પડી. શ્રીલંકામાં નવેમ્બર મહિનામાં શિયાળો ન હોય. વરસાદની મોસમ હોય. સવારના છ વાગ્યા હતા પણ સૂર્યોદય થઈ ગયો હતો. પડદા ખસેડીને જોયું અધધધ! લીલોતરીનો તો જાણે ભંડાર વેરાયેલો સામે ખીણમાં. દૂર ટેકરીઓ દેખાતી હતી લીલીછમ્મ. બારીનો કાચ સહેજ જ ખસેડયો તો પરોઢિયે પડેલા ઝાકળની ભીનાશ અંદર ઘૂસી આવી. એવો તો શીતળ, મુલાયમ સ્પર્શ પ્રકૃતિનો. ખરી, ખરી. એટલા પૂરતી  આ સ્વર્ગભૂમિ ખરી. હોટેલની બહાર ફરવા નીકળ્યા તો બંગલાઓ, હોટેલોના મકાનો અને સુંદર બગીચા લોકોએ કહ્યું, ‘એપ્રિલમાં તો આથી ય વધુ સુંદર હોય છે છે બધું.’

હવે વારો બ્રેકફાસ્ટનો. આ વખતે પાણી નહોતું પીવાનું અને ફળોના રસ ચાર્જેબલ નહોતા. જોકે દૂધ માંડ અડધો પ્યાલો કચવાતે મને આપેલું. સવારે સારી વાતો કરવી જોઈએ એવું ડાહ્યા લોકો કહે છે. એટલે આ વખતના ભોજનની વાત પડતી મૂકીએ. જો કે ખાધું નિરાંતે,પેટ ભરીને. એકે ય વાર વિદેશ પ્રવાસ ન કર્યો હોય એવા વાચકોને નમ્ર સૂચન હોટલોમાં જે બ્રેકફાસ્ટ મળે તે નિરાંતે ખૂબ ખાઈ લેવો. ત્યાં ભોજન બીજી વાર મિલે ના મિલે જેવું હોય છે.

એ પતાવીને અમે ફરવા નીકળ્યા. બાગબગીચા જોયા. મંદિર જોયું. બજાર જોયું. રખડ્યા. નિરુદ્દેશ રખડ્યા અને એવામાં બપોરના ભોજનનો સમય થયો. વિચારેલું કે અહીંની સ્થાનિક કોઈ વાનગીઓ ચાખીશું. પણ મસાલાની અતિ તીવ્ર સુગંધ. દરેક ભોજનાલયને  દરવાજેથી જ પાછા વાળી દે તેવી તીવ્ર સુગંધ. બંને પ્રકારના ભોજનોની મિશ્ર સુગંધ. હિંમત ન ચાલી એ જમવાની. પાછા સાતમી સ્વર્ગભૂમિમાં. અહીં તો રસોઈયાઓ સાંજના ભોજનની તૈયારીઓમાં પડેલા. તો ય સંમત થયા. લંચ આપવા. ત્રીસેક મિનિટની રાહ જોવડાવી અને આખરે ભોજન આવ્યું. ખૂબ બધો ભાત અને સાથે સંભાર,ચટણીઓના વાટકા. અમે દહીં માગ્યું. ભારતમાં આપણે ભાત સાથે દહીં લઈએ. વળી હેડ વેઇટર સાથે ગૂફ્તગુ અને સેવક વિવેકથી, હાથમાંની ટ્રે શરીર સાથે દબાવીને ધીરેથી બોલ્યો, ‘કર્ડ ઈઝ ચાર્જેબલ સર!’ ‘ અલ્યા ભાઈ, તારો આટલો બધો ભાત દહીં વિના ખાવો કેમ કરીને? ચાર્જેબલ તો ચાર્જેબલ તું દહીં લાવી આપ.’ અમે અમારી માતૃભાષામાં બબડ્યા. મોટેથી કહ્યું, ‘નો પ્રોબ્લેમ.’ દહીં આવ્યું. અતિ સ્વાદિષ્ટ પણ ખાસ્સું મોંઘું. (એ તો જો કે છેક બીલ આપતી વખતે જાણવા મળેલું.) હજી રાતનું ભોજન  લેવાનું હતું. આવતી કાલનો બ્રેકફાસ્ટ પણ. સાદું પાણી અને વિવિધ વાનગીઓ જમી લીધી. સાતમી સ્વર્ગભૂમિમાં.      

બીજે દિવસે નવા સ્થળે પ્રયાણ. આ તો શાંત સરોવર એટલે કે લેક સિરીનને કાંઠે આવેલી જગ્યા હતી. શ્રીલંકામાં વનરાજી અને સરોવરો, તળાવો ઠેરેઠેર જોવા મળે. આંખને આનંદ થાય. વળી ટાપુનો દેશ, ડુંગરાળ પ્રદેશ એટલે આપણે ત્યાં હોય છે એવા ફોરલેન રસ્તા નહીં. વાહનો ડુંગરો, જંગલો, ખેતરોની વચ્ચે થઈને ધીમે ધીમે જાય. ગાડી ન ચલાવતા હોય એણે બે ય તરફ જોયા કરવાનું॰ નિરાંતે ધીમે ધીમે લગભગ સાતઆઠ કલાકની સૌંદર્યસફર કરતાં અમે લેક સિરીન પહોંચ્યા. રસ્તે વળી વરસાદ પણ જોવા મળ્યો. પહાડોનો વરસાદ. ખૂબ સુંદર સ્થળ સરોવરને કાંઠે એક રિસોર્ટમાં. સરોવરમાં હંસ, બતક, બગલા તરતાં દેખાય. પાણીમાં માછલીઓ પણ ખરી. રમણીય, દર્શનીય જગ્યા. જોકે આ ય સ્વર્ગભૂમિ નહોતી એ વાત જવા દો. અહીં આવવાનો હેતુ કહીને આગળ વધું.

આમ તો આ ટુરિસ્ટ પ્લેસ નથી. એક વ્યાપાર કેન્દ્ર છે, અહીંથી નજીકનું એક શહેર, રત્નપુર. ભારતના કોઈ સ્થળ જેવું નામ લાગે છે, નહીં? શ્રીલંકામાં અનેક રીતે આપણને ભારત સાથે સમાનતા જણાય.જાણે ભારતનો જ કોઈ ભાગ હોય. જોકે ભારત જેવુ ઘણું અહીં નથી. રત્નપુર નામનું પણ એવું જ. શ્રીલંકા દેશ જેમસ્ટોન્સ એટલે કે જમીનમાંથી નીકળતા મૂલ્યવાન પથ્થરોની ખાણો માટે જાણીતો છે. અમને એવી ખાણો જોવાનું કુતૂહલ હતું. સામાન્ય રીતે વિદેશી પ્રવાસીઓ ન જાય તેવા સ્થળે અમારે જવું હતું. સાંજે લેક સીરીનનું સૌંદર્ય નિહાળ્યું. બીજે દિવસે સવારે ખાણો જોવા ગયા. ‘અરેબિયન નાઇટ્સ’ની વાર્તાઓમાં સિંદબાદની સફરમાં વર્ણન છે કે એકવાર એ રત્નોની ખાણમાં પહોંચી જાય છે. એ ખૂબ ઉત્તેજનાપૂર્ણ બયાન છે. પણ એ વાર્તાની જેમ અહીં ખીણમાં પડેલા સૂરજના પ્રકાશમાં ઝળહળતા રત્નો ન હતાં. જોવા મળ્યા માત્ર કાદવ, માટી, પાણીભરેલા ખાબોચિયાં અને ઊંડા કૂવાઓ. આપણે ગ્રહોના નંગો કહીએ છીએ એ પથ્થરો ભૂગર્ભમાં ૧૫—૨૦ મિટર ઊંડે ખોદીને ટોપલામાં ભરીને કાઢવામાં આવે છે નકરી માટીભર્યા કાંકરા. મોટા ઢગલામાંથી માંડ એકાદ મૂલ્યવાન પથ્થર મળે. કાદવ, માટી, પાણી ભરેલા ખાબોચિયાં અને ઊંડા કૂવાઓમાં ઉતરીને મજૂરો પથ્થરો કાઢે. એમાંથી નીલમ કયો ને માણેક કયો,પુખરાજ કયો કે ગોમેદ (અં. ગાર્નેટ) કયો  એ તો ત્યાં બેઠેલા એક્સપર્ટને જ ખબર પડે. એક્સપર્ટ પણ મજૂરોની સાથે એમના જેવી જ ટૂંકી લુંગી પહેરીને બેઠો હોય. એક એણે જ ખમીસ પહેરેલું. ટોપલો ઠલવાય કે એમાં આમતેમ હાથ ફેરવીને કામ લાગે તેવો કાંકરો કાઢી લે અને ખમીસના ખિસ્સામાં સેરવી દે. કોઈને જોવા ન દે ! શો રૂમમાં નાજુક ડબ્બીઓમાં ગોઠવાયેલા મગ કે ચોળાના દાણા જેવડા આકર્ષક ચમકતા નીલમ, માણેક, પોખરાજ કે ગોમેદ ખરેખર કેવા હોય છે એ જોઈને આપોઆપ યાદ આવી જાય પેલું સંસ્કૃત સુભાષિત. ધરતીના પેટાળમાંથી નીકળતા રત્નને ખૂબ ઘસાવું, છોલાવું, કપાવું પડે છે એ પછી જ એ રાજાના મુકુટ પર વિરાજે છે. મને થયું એ સુભાષિત રચનારે આવા ખાણમાંથી નીકળેલા પથ્થરો જરૂર જોયા હોવા જોઈએ. ખૂબ જ ઉર્જાપૂર્ણ લાગે સમગ્ર કાર્ય. ચારેપાસ લીલોતરી, નાળિયેરીના બગીચાઓ, ચાના બગીચાઓ, ખેતરો અને વચ્ચે ખાણો. છૂટીછવાયી નાની નાની જગ્યાઓમાં મજૂરો ખાણમાં ઉતરીને માટીકાંકરા કાઢતા હોય. અમને મળીને એ બધા અતિ ઉત્સાહમાં આવી ગયા. અમને વિગતવાર આખી પ્રક્રિયા સમજાવી. અલબત્ત, આ જગ્યાએ જવાનું પ્રતિબંધિત હતું. અમે ખાસ ઓળખાણ અને ભલામણથી જ ખાણો સુધી જઈ શક્યા હતા. પણ શોખ અને કુતૂહલ આવું સાહસ કરાવી દે. કરી નાખ્યું. હજી ય કશુંક વધુ રસપ્રદ મળવાનું હતું.

ખાણો જોઈને પાછા વળતા હતા. મુખ્ય રસ્તા પર પહોંચ્યા. સાંકડો રસ્તો હતો. હજી મોટર સુધી પહોંચીએ એટલામાં એક ખેતર જેવી જગ્યાએ નાની ઝૂંપડીની બહાર બેઠેલા બે માણસોએ અમને બોલાવ્યા. ‘કમ સર, સીટ’. અમારા ડ્રાઈવરને સિંહાલી ભાષામાં કશુંક કહ્યું. પેલા માણસોએ અમને એક તૂટેલી ખાટલી પર બેસાડયા. એક જણ અંદર ગયો અને અમે કશું સમજીએ એ પહેલાં બે મોટ્ટા લગભગ માટીના નાના ઢોચકા જેવડા લીલા નાળિયેર લઈ આવ્યો અને એને તોડીને અમને આપ્યા, ‘ ડ્રિંક સર, મેડમ, વેરી સ્વીટ કોકોનટવૉટર.’ અહીં કહી દઉં કે વિશ્વના સૌથી વધુ નાળિયેર ઉત્પાદન કરતા આ દેશમાં લીલા નાળિયેર પીવા માટે વેચાતા નથી આપણે ત્યાં જેમ દેશના બધા દરિયાકાંઠાઓ પર મળે છે તેમ. પણ અમે સદભાગી હતા. મોટા નાળિયેર, મોટો લોટો ભરાય એટલું એમાં પાણી. પીવા માટે સ્ટ્રો નહીં ગ્લાસ પણ નહીં. સીધું મોઢે માંડીને પીધું. પાણી ઢોળાતું હતું. મોંએથી નીતરતું કપડાં ભીંજવતું હતું. અમે હસતાં હતાં. પેલા લોકો પણ પ્રસન્ન ચહેરે અમને નિહાળતા હતા. બોલવાનું તો કશું હતું નહીં, ભાષા જ ક્યાં જાણતા હતા અમે એકબીજાની. જોવાની હતી માત્ર આંખોની ભાષા. મનને જાણે હળવું,પીંછાના સ્પર્શ જેવું કૈંક અડકી ગયું, પાણી પીવાઇ ગયું પછી એમાંથી જાડી અને મીઠી મલાઈ પણ એ માણસોએ કાઢી આપી. અમે ખાધી અને પ્રસન્ન અને સંતુષ્ટ થઈ ગયા આ અણધાર્યા લાભથી. નાળિયેર પીવાનું પત્યું. એ લોકોએ  એમની રીતે હ્રદય પર હાથ મૂકીને હસતા ચહેરે અમને વિદાય આપી. અમે પૂછ્યું, ‘મની ફોર કોકોનટ?’  ‘નો,નો, સર, મેડમ  અવર ગેસ્ટ, હોસ્પિટાલિટી.’ આથી વધારે કહેતાં કદાચ એમને આવડતું જ ન,તું ! લે ભાઈ, આ તો અજાણ્યા લોકો એકબીજાના મહેમાન યજમાન !!

શ્રીલંકા દેશનો છેક અંતરિયાળ વિસ્તાર, તદ્દન જ ગ્રામીણ પ્રદેશ, પેલા બે માણસોએ પહેરેલી માત્ર ટૂંકી લુંગીઓ, અતિશય કૃશ શરીર, શ્યામ વર્ણ, બોખા મોં. શહેરી સમૃધ્ધિનું કોઈ લક્ષણ નહીં કે નહીં તાલીમબધ્ધ રીતભાતની ચમક પણ એમના નિખાલસ સ્મિત,સરળ, મધુર વ્યવહાર, હોંશભર્યુ આતિથ્ય અનુભવીને લાગ્યું કે સેવન હેવન, સાતમી સ્વર્ગભૂમિ, દિવ્યલોક હાત્ત પેલી પાણી અને દૂધ, દહીં માટે પૈસા માગતી વિદેશી પ્રવાસીઓ માટેની હિલસ્ટેશનની હોટલમાં હતું કે અહીં?

માગું તો હું માગું આવું સેવન હેવન, સાતમી સ્વર્ગભૂમિ, દિવ્યલોક હાત્ત.

– સ્વાતિ મેઢ

સરનામું: ૧૦/૧૧૫ પરિશ્રમ એપાર્ટમેન્ટ્સ, વિમાનગર પાસે, સેટેલાઈટ રોડ, અમદાવાદ ૩૮૦૦૧૫, ટેલીફોન – (૦૭૯) ૨૬૭૪૫૮૩૬ મો: ૯૭૨૪૪ ૪૨૫૮૬, email: swatejam@yahoo.co.in


આપનો પ્રતિભાવ આપો....

4 thoughts on “દિવ્યલોક હાત્ત (શ્રીલંકાની સફરે) – સ્વાતિ મેઢ