સમિધા.. એક જમાનામાં સમિધ જિજ્ઞાસાનું પ્રતીક હતું, આજે પણ છે. સમિધનો શબ્દાર્થ છે યજ્ઞમાં વપરાતું લાકડું. જિજ્ઞાસુ વિદ્યાર્થી ગુરુ પાસે જ્ઞાન પ્રાપ્ત કરવા જતો ત્યારે જંગલમાંથી લાકડા કાપવા જવું પડતું, જ્ઞાનયજ્ઞ સતત ચાલુ રહેતો. ‘ફી’ રૂપે વિદ્યાર્થી પાસેથી સતત જિજ્ઞાસાની – જ્ઞાનપિપાસાનીજ અપેક્ષા રખાતી.
જ્ઞાનપિપાસાનો અંત ક્યારેય આવતો નથી. આ પ્યાસ બુઝાય તો મનુષ્યત્વનું મૃત્યુ જ થઈ જાય. જ્ઞાનથી જ સત્યને પામી શકાય છે, સત્યને જાણી શકાય છે. અનેક લોકો તમને ઠસાવવાની – ફસાવવાની કોશિશ કરે છે. તેઓ કહે છે, જુએ ત્યાં તે જગ્યાએ સત્ય છે અને એ સનાતન સત્ય છે.
વાસ્તવમાં સત્ય સનાતન છે એ વાત સાચી પણ એમાં આપણે જે જાણ્યું છે એ તો આપણા જ્ઞાનચક્ષુની સીમા છે. એ વિસ્તર્યા કરે તેમ તેમ સત્યનો ચહેરો વધુ ને વધુ સ્પષ્ટ બને છે. સત્યને વધુ ને વધુ સારી રીતે સમજવું એ માટે સતત પ્રયાસો કરવા એ ઉત્તમોત્તમ મનુષ્યત્વ છે. જડ બુદ્ધિથી સ્વીકારાયેલા સત્યો, ચાહે એ શાસ્ત્રોમાં હોય, શાસ્ત્રોને આધારે હોય યા સ્વયં ‘તે’ના મુખે કહેવાયા હોય, અજ્ઞાન અસત્ય તરફ દોરી જાય છે.
ઈશ્વર કઈ ભાષા બોલે છે? રખે ભૂલશો, એ તમારી ભાષા બોલતો નથી. એ ફૂલોની સુગંધમાં – રંગોમાં બોલે છે. એ બાળકની નિર્દોષ આંખોની ભાષા બોલે છે. એ સિતારાઓની ટિમટિમમાં ઈશારાઓની ભાષા બોલે છે અને તમે જ્યારે મૌન બની એના સાન્નિધ્યમાં બેસો છો ત્યારે મૌનની ભાષા બોલે છે. જ્યારે તમે તમારી ભાષા ભૂલી શકો ત્યારે જ તમે એની ભાષા સમજી શકો.
ઈશ્વર છે? હું ખૂબ દ્રઢતાથી કહીશ, ‘હા છે, મેં તેને અનુભવ્યો છે, સાંભળ્યો છે, જોયો છે, સ્પર્શ્યો છે. પણ હું કહીશ કે તમે જે રીતે એને ઓળખો છો – ઓળખવાનો દાવો કરો છો તે રીતે નહીં. મેં એને હંમેશા મંદિરની બહાર ભટકતો જોયો છે. શાસ્ત્રોથી કંઈક વિપરીત ભાષા બોલતો જોયો છે. એના ચરણોમાં ચડાવવામાં આવેલા દંભના નાળિયેરો ફોડી ફોડીને – ફંફોસી ફંફોસીને એમાંથી એને નિ:સ્વાર્થ પ્રેમ શોધતો અને નિરાશ થતો અને ફરીથી નવી આશા સાથે એ જ કાર્યને ફરી કરતો જોયો છે.

આ પુસ્તકનો અડધો ભાગ ડિસેમ્બર ૧૯૮૨માં સમિધા નામે પ્રગટ થયો હતો. ૧૯૮૭માં આ પુસ્તકની ૪૦૦૦ નકલો વહેંચાઈ ચૂકી હતી. નવો ભાગ ઉમેરતા જેમણે વાંચ્યું હતું તેમને મળતા અને તેમના વિચારો જાણતા આટલો સમય વીત્યો છે. તમને ઈશ્વરનો સાક્ષાત્કાર જોઈતો હોય, નિ:સ્વાર્થ પ્રેમ જોઈતો હોય તો આ પુસ્તક અવશ્ય વાંચજો, અનુસરજો અને આચરણમાં ઉતારજો..
– સુરેશ સોમપુરા (૧૧ – નવેમ્બબર – ૧૯૮૯)
અક્ષરનાદ ડાઉનલોડ વિભાગમાં શ્રી સુરેશ સોમપુરાનું આ સુંદર અને મનનીય પુસ્તક ‘સમિધા’ આજથી નિ:શુલ્ક ડાઉનલોડ માટે ઉપલબ્ધ છે. નીચે ક્લિક કરીને પણ પુસ્તક મેળવી શકાશે.
સમિધા – સુરેશ સોમપુરા (29648 downloads )
PDF is damage not open Ple look after this matter
ખૂબ સુંદર !