કિન્નોર (હિમાચલ પ્રદેશ) ની સફરે – હિરલ પંડ્યા 17


શું ક્યારેય તમારા સપનામાં સફરજન આવ્યા છે?

સફરજન! આવતા હશે કાંઈ? કેરીની સીઝનમાં રસની મહેફિલ જામતા સપના જોયા છે, પણ સફરજનના સપના?

ન આવ્યા હોય, તો આવી જાવ હિમાચલના કિન્નોર જિલ્લામાં! 

કેટલીક દંતકથામાં કહ્યું છે કે કિન્નોર સ્વર્ગમાંથી વાદળોને ચિરીને ધરતી પર અવતરીત થયું હતું! હવે દંતકથા કેટલી સાચી છે તેની તો મને ખબર નથી, પણ કિન્નોર સ્વર્ગ જેવું બેશક છે. દસેક વર્ષ પહેલાં અમે મનાલી ગયા હતા. એ વખતે ગુગલ બાબાથી આપણે એટલા પારંગત ન હતા એટલે સફરજનની કાપણી, લણણી (હાર્વિસ્ટ) ની મોસમ વિશે કાંઈ આર એન ડી કર્યું નહોતુ. પણ આ વખતે હિમાચલનો પ્લાન અમે એ રીતેજ ઘડી કાઢ્યો હતો કે સફરજન પૂરા રતુમડાં લાલ જોવા પણ મળે અને ઝાડ પરથી તોડી ખાવા પણ મળે!

મજાની વાત એ છે કે અહીં ૯૭૧૦ ફૂટથી વધારેની ઊંચાઈ પર ઉગતું આ ફળ એક્દમ રસાળ, મીઠું અને એનો દરેક કટકો તમારા મનને તૃપ્ત કરી દે એવો હોય છે. હું વધારીને નથી કહેતી, સાચ્ચે જ! ત્યાંની હવા અને પાણીનો આ બધો કમાલ છે. કિન્નોર જિલ્લો તિબેટ બોર્ડર સુધી વિસ્તરેલો છે અને આહ્લાદક પહાડો, ખીણ અને કલકલ વહેતી નદીથી ફળદ્રુપ છે. સમયની તંગીના કારણે અમે લોઅર કિન્નોરના ગામ જ ફરી શક્યા. તો ચાલો, અમારી સફરજનની સફર પર…

૧૯ સપ્ટેમ્બરે અમારા પ્રવાસનો પ્રારંભ અમે નારકન્ડાથી કર્યો. જે ૮૧૦૦ ફૂટની ઊંચાઈએ શિમલાને કિન્નોર સુધી જોડતા મુખ્ય રસ્તા પર આવેલું એક ગામ છે. નારકન્ડા, દિલ્હીથી ૪૪૦ કિલોમીટર દૂર છે અને શિમલાથી બે કલાક છેટે. અહીં આ વિસ્તારનું સૌથી ઊંચું એક શિખર છે જેનું નામ હાતુ શિખર છે. ૧૦,૨૮૮ ફૂટની ઊંચાઈ ધરાવતું આ ટોચનું નામ અહીંના ગ્રામ્ય દેવી હાતુ દેવીના નામ પરથી પડ્યું છે. સર્પાકાર રસ્તાઓ ચઢીને અથવા નાની ગાડીમાં બેસી જ્યારે તમે ટોચ પર પહોંચશો ત્યારે હાતુ માતાનું અદભુત મંદિર તમારું સ્વાગત કરશે.  ટોચ પરથી તમારી નજર જોવાનું શરુ કરશે. તમે ઉભા છો ત્યાંથી તરત નીચે દેખાતી અને ચોતરફ ફેલાયેલી લીલોતરીથી આચ્છાદિત ખીણ અને પછી દૂર ક્યાંક દેખાઈ જતા નાના ઘરના છાપરા, દૂર સરી જતી નદીની એક ચમકતી રેખા, એનાથી હજી દૂર આખા વિસ્તારની ચોકીદારી કરતા પહાડોની હારમાળા!

હવે તમને કહું નારકન્ડા રોકાવાનું અમારું કારણ, નારકન્ડાથી ૧૬ કિલોમીટર દૂર વસેલા ગામ થાનેદાર અને કોઠઘર. શિમલામાં ઉગતા અધિકતમ સફરજન અહીં થાય છે. સેમ્યુલ સ્ટોકસ નામના એક ફિલાડેલ્ફિયાના રહેવાસી ધર્મપ્રચારના કામે પંજાબ આવ્યા હતા. ફરતા ફરતા કોઠઘર પહોંચ્યા. ત્યાંની ગરીબી જોઇ હચમચી ગયા અને ત્યાંજ રહી મદદરૂપ થવાનો નિર્ણય લીધો. સફરજન તો ઘણા વર્ષોથી આ વિસ્તારમાં થતા હતા પણ તેની ગુણવત્તા સારી ન હતી. ૧૯૧૬માં સ્ટોક્સજીએ અમેરિકાથી થોડા સફરજન, પ્લમ અને પેરનાં બીજ લાવી કોઠઘરમાં પહેલું ઓર્ચાર્ડ (બાગ) શરુ કર્યું અને પછી પ્રયોગો કરી હવે પ્રસિદ્ધ થયેલા રેડ ડેલીશ્યસ અને ગોલ્ડન ડેલીશ્યસ સફરજન શિમલા બજારમાં વેચાતા કરી દીધા. તેમણે લોકલ ખેડૂતોને સફરજનના છોડ પહેલા પાંચ વર્ષ મફતમાં અથવા નોમીનલ રેટ પર આપ્યા. અનુકૂળ વાતાવરણ, માર્કેટિંગ અને ટ્રાન્સપોર્ટેશન માટે અડીજડીને કામે લાગી ગયા અને એમના પરિશ્રમથી અહીંના સફરજનનો ઉદ્યોગ ધમધોકાર ચાલવા લાગ્યો.

થાનેદારમાં પ્રવેશ કરતાજ રસ્તાની બન્ને બાજુ અમને ઝાડ પર સફરજનના ઝૂમખા લચી પડેલા દેખાયા. મારા ખુશીનો તો પાર જ ના રહ્યો, બન્ને તરફ લાલચટક સફરજન! એક ઘરની બહાર એક ટ્રકમાં સફરજનની પેટીઓ મૂકાઈ રહી હતી. કુતૂહલવશ હું અને પપ્પા ત્યાં ઉતર્યા, ગેટ પાસે ઉભા રહેલા ભાઈને પૂછ્યું, “સફરજન મળશે?”તો તેમણે કહ્યું, “આ તો બધા એક્સપોર્ટ માટે છે!” આ સાંભળી થોડા નિરાશ થઈ મેં કહ્યું, “અમારે જોવા હતા.” અને કોઈ એવી ક્ષણ બને જ્યાં હતાશા મળવાની જ હોય ને અચાનક સુખદ સરપ્રાઈઝ મળી જાય એમ તેઓ બોલ્યા, “જોવા હોય તો મારો બાગ આ રહ્યો, ચાલો!” બસ, પછી તો શું? ઘરની બાજુમાં બાગ હતો અને અંદર જતા જ થોકબંધ સફરજન ઝાડ પર હરખાઈ રહ્યા હતા. મારે તો ભાવતુ હતું ને વૈધે કહ્યા જેવું થયું. આટલા બધા સફરજન જોઈ મારી તો પ્રશ્નોની ગાડી દોડવા લાગી. તેમણે જણાવ્યું કે તેઓ રોયલ, ગોલ્ડન, રેડ ગોલ્ડન અને રેડ ડેલીશ્યસ દર વર્ષે વાવે છે, સાથે પેર અને એપ્રિકોટ (જરદાલુ) પણ. લાલ, લીલા અને ગોલ્ડન એમ ત્રણ અલગ રંગોના સફરજન જોઈ એવું લાગતું હતું કે આખા બાગમાં કોઈએ રંગોની પિચકારી મારી હોય! ઘણું સુઘડ અને સુંદર ઓર્ચાર્ડ હતું. અમે ભાઈને કહ્યું પણ ખરું કે અમને એક બે ચાખવા આપો, અમે માર્કેટ રેટ પ્રમાણે રૂપિયા પણ આપશું. થોડા મસ્કા પણ માર્યાં કે મુંબઇથી સ્પેશિયલ સફરજન જોવા માટે જ આવ્યા છીએ. પણ તેમણે કહ્યું, “અહીંના બધાજ સફરજન વેરહાઉસમાં જશે, વિદેશ જવા. તમને એક-બે કિલો છૂટા આગળ કિન્નોરમાં મળી જશે.” અમે સફરજનને આરામથી અડકી શકીયે એટલા દૂર હતા, પણ તોડી ને ખાઈ શકાય એટલા નજીક અમે હજુ પહોંચ્યા ન હતા! અને ત્યાંથી અમે પોતાને આશ્વાસન આપતા આગળ વધ્યા, કે હજુ તો પ્રવાસની શરુઆત થઈ છે, આગળ મળી જ જશે. થાનેદારમાં જોવાલાયક સ્થળમાં તાની-જબ્બર નામનું એક રમણીય તળાવ પણ છે. દેવદારનાં વૃક્ષોથી ઘેરાયેલા આ નાના તળાવની બાજુમાં એક નાનું નાગ દેવતાનું મંદિર છે.

જો હું ઘરે હોઉં અને કોઈ મને કહે કે કાલે સવારે સાડા પાંચે ઉઠી જવાનું છે. તો હું એ આળસુઓમાંની એક છું કે મોઢું મચકોડું અને હજાર બહાના આપું ન ઉઠવાના. પણ પહાડો પર આવી ભૂલ ભૂલેચૂકે ન કરાય. સૂર્યોદય અને તેની પહેલાનો સમય પહાડોના રંગમંચ પર પ્રકાશનો ગજબ ખેલ રમવાનો સમય હોય છે અને આ અદભૂત ખેલ મેં કલ્પામાં જોયો. કલ્પા નારકન્ડાથી ૧૬૨ કિલોમીટર (૫-૬ કલાક) દૂર છે. નેશનલ હાઇવે ૨૨ નો રસ્તો થોડો ખરાબ છે. પણ રસ્તાની બાજુમાં સહપ્રવાસીની જેમ વહેતી સતલજ નદી સફરને થોડું ઓછું કષ્ટદાયક બનાવે છે. કલ્પાની ૧૪ કિલોમીટર પહેલા કિન્નોરનું મુખ્ય મથક રેકોંગ પીઓ આવશે અને સર્પાકાર રોડ ચઢી ૨૯૬૦ મીટરની ઉંચાઈ પર કલ્પા નામનું પ્રાચીન ગામ વસેલું છે. કલ્પા ભવ્ય કિન્નોર કૈલાશના તળેટીમાં વસેલું ગામ છે, જે મહાદેવનું શિયાળુ રહેઠાણ હતું. કિન્નોર કૈલાશના શિખરો રેકોંગ પીઓ પહોંચતાંજ તમારી આંખો સામે દીપી ઉઠશે અને મસ્ત વાત તો એ છે કે કલ્પાની કોઈપણ હોટેલમાંથી તમે કિન્નોર કૈલાશના દર્શન કરી શકો. અમે પહોંચ્યા ત્યારે સૂર્યાસ્ત થવા આવ્યો હતો, અને કિન્નોર કૈલાશની પર્વતમાળામાંનું એક ઊંચું શિખર જોરકન્ડેન (Jorkanden- ૬૪૭૪ મીટર) મેકેનાઝ ગોલ્ડ રંગે ઝગઝગીત થઈ રહ્યું હતું. અને સૂર્યોદયના સમયે તો આખો અલગ જ નઝારો હતો. રહસ્યમય! સૂરજની પહેલી કિરણોથી નહાતી બર્ફીલી ટોચ. ધીમે-ધીમે આ કિરણોએ આખા પહાડને પોતાના રંગે રંગી નાખ્યો. થોડા સમય પહેલા જે પહાડો રાતના પડછાયામાં ઉભા હતા તે હવે પ્રકાશમય બની જબરી આભા (ઔરા) સર્જી રહ્યા હતા. આવા મન પ્રફુલ્લિત કરી નાખે એવા સૂર્યોદય પછી અમારો આગળનો કાર્યક્રમ કલ્પા ગામમાં ફરવાનો હતો.

કલ્પા સફરજન અને અખરોટ માટે પ્રચલિત છે. અહીં ફરવા લાયક સ્થળોમાં નારાયણ-નાગીની મંદિર છે, જેના દરવાજા બંધ હતા પણ પરિસર ખૂબ કલાત્મક કોતરણીથી સંપૂર્ણ છે. અહીં તમને હિન્દુ સંસ્કૃતિ સાથે તિબેટની સંસ્કૃતિની પણ છાપ નજરે પડશે. નજીકમાં જ Lochawa La-Khang monastery (મઠ) છે જે નાનું પણ જીવંત હતું. એક આત્મહત્યા પોઇન્ટ (suicide point)છે જ્યાંથી આ વિસ્તારની ખીણને જોઈ શકાય છે. કિન્નોરમાં એક વસ્તુ તમારું ધ્યાન આકર્ષિત કરશે એ છે કિન્નોરી ટોપી! બજારમાં નીકળેલી ગૃહિણીઓથી લઈને બાંકડે બેઠા ગૃહસ્થ હોય કે સ્કૂલમાં જતા બાળકો, બધાજ આ કિન્નોરી ટોપી પહેરી દિનચર્યામાં મસ્ત દેખાશે. અહીં બીજા પર્યટન સ્થળોની જેમ આખો દિવસ અહીં-ત્યાં ફરી શકાય એવા ઘણા ફરવાના સ્થળો નથી. બસ કેડીઓ પર પગપાળા નીકળી પડો, અને હિમાચલી દિનચર્યાને નજીકથી જોવાની મજા માણો. 

બીજા દિવસે સવારે મન ભરીને કિન્નોર કૈલાશના દર્શન કરી અમે નીકળી પડ્યા સફરજન માટે. અમે એક બે ઓર્ચાર્ડ વાળાને પૂછ્યું, પણ હજુ કાપણીને ૧૦-૧૫ દિવસ હતા! શિમલામાં કાપણી ઑગસ્ટ- સપ્ટેમ્બરની વચ્ચે થઈ જાય છે. જ્યારે કિન્નોરમાં સપ્ટેમ્બર અંત સુધીમાં. અહીં કલ્પામાં સફરજન હજી પૂર્ણ પણે પાક્યા ન હોવાથી ચાખી શકાય એવું ભાગ્યમાં હતું નહીં.

બે દિવસ અહીં આરામ કરી અમે પાછા નીકળી પડયા આગળના પ્રવાસે. હવે અમે જ્યાં જઈ રહ્યા હતા એ જગ્યા હતી છિતકુલ (chitkul). આ ગામ કિન્નોર જિલ્લામાં આવેલું ઇન્ડો -તિબેટ બૉર્ડર નજીકનું છેલ્લું ગામ છે. ગામમાં માંડ ૨૫-૩૦ ઘરો હશે અને એક કિલોમીટરમાં સમાઈ જતું આ ગામ કોઈ પણ બીજા પર્યટન સ્થળ ને ટકકર આપી શકે એવું છે. હોટેલના નામે, ત્રણ-ચાર નાની હોટેલ છે અને કેટલાક હોમસ્ટે. આમ જુઓ તો કરવા માટે કંઈ નથી. અહીં bsnl સિવાય કોઈ નેટવર્ક નથી. નથી કોઈ ટી.વી કનેક્શન. બસ એક કલાત્મક મંદિર છે અને એક દૂર સુધી દેખાતી વેલી, એવી વેલી જ્યાંથી બાસ્પા નદી વહેતી આવે છે. નવેમ્બરના પહેલા અઠવાડિયા પછી ઠંડી ને કારણે અહીં હોટેલો બંધ થઈ જાય છે, ડિસેમ્બર પછી તો માઈનસમાં ટેમ્પરેચર હોય છે. રમણીય ખીણો અને બર્ફીલા પહાડોની મધ્યમાં ચિતરાયેલી આ વેલી પ્રકૃતિની સર્વોત્તમ કારીગરીમાંની એક છે.  કલ્પાથી આ ગામ અઢી-ત્રણ કલાક દૂર છે. ૧૧,૩૧૯ ફૂટની ઊંચાઈ પર આવેલા આ ગામ સુધી પહોંચવાનો રસ્તો થોડા ખતરનાક વળાંકો વાળો અને ઉબડખાબડ છે પણ ધીરજના ફળ મીઠાં હોય છે! ફળ તો અહીંના મીઠાં છે જ પણ અહીંના બટાકા પણ પ્રખ્યાત છે.

મેં વિચાર્યું ન હતું પણ એક નાના ઢાબાનું કોબી- બટાકાનું શાક ગજબ સ્વાદિષ્ટ હતું. કોબીનું શાક ઘરે દર અઠવાડિયે ખાતા હોઈએ એટલે આપણને તેની કિંમત નથી હોતી. પણ એ દિવસે પહેલી વાર કોઈ ઢાબા પરનું કોબી-બટાકાનું શાક ખાઈ સંંતોષનો ઓડકાર ખાધો હતો. એમાં પણ જ્યારે થોડા દિવસથી દરરોજ પનીર અને વેજીટેબલ કોફ્તા જ ખાતા હોવ તો વધારે! હવે બપોરે છિતકુલ પહોંચ્યા પછી કરવા માટે કાંઈ હતું નહીં, તો બાસ્પાના કિનારે સૂર્યાસ્ત સુધી બેઠાં. ઘણા પર્યટકો અહીં સવારે આવી બપોર સુધીમાં નીકળી જાય છે, પણ મારુ માનો તો અહીં એક દિવસ તો રોકાવું. અહીંના બાળકો સાથે ક્રિકેટ રમવા, કોઈ મોન્ક સાથે વાતો કરવા, સેનાનાં જવાનો ને આવતા-જતા જોઈ ગર્વની અનુભૂતિ કરવા, પહાડોને આંખોમાં સમાવી લેવા, ઇન્ડો-તિબેટ બોર્ડરના છેલ્લા ઢાબા પર મેગી ખાવા અને ગરમા ગરમ ચા પીવા. આપણી ભાગતી દોડતી જિંદગીમાં એક દિવસ કોઈક એવા સ્ટેશન પર ઉતરી જવા જ્યાં કોઈ ને કાંઈ ઉતાવળ નથી. જ્યાં બસ તમે, તમારી સામે પહાડો અને નિતાંત શાંતિ હોય!


રાત્રે ઠંડી એટલી હતી કે વધારે ઊંઘ આવી નહીં, અને સવારે તો હું બહુ ઉત્સાહમાં હતી કારણ હવે અમે જ્યાં જઈ રહ્યા હતા એ જગ્યા હતી સાંગલા વેલી! અમને છિતકુલથી અહીં પહોંચતા એક કલાક લાગ્યો. સાંગલા- શિમલાથી આવતા હોવ તો ૨૨૫ કિલોમીટર દૂર છે અને છિતકુલથી ૨૪ કિલોમીટર.  અહીંની સ્પેશિયાલિટી સફરજન તો છે પણ સાથે બાસ્પા ને કિનારે આવેલા કેમ્પ છે જ્યાં તમે ટેન્ટમાં રહેવાનો આનંદ માણી શકો છો. હવે કેમ્પમાં એન્ટ્રી કરતાજ મને ખબર પડી કે અહીંના માલિકનું પોતાનું સફરજન અને ઓર્ગેનિક વેજિટેબલનું ખેતર/ બાગ છે. બસ, આટલુંજ તો જોઈતું હતું!

તો આજનો બપોરનો કાર્યક્રમ એક પુસ્તક લઈ ટેન્ટની બહાર બેસવાનો હતો, અને સાથ આપવા નીચે વહેતી બાસ્પાનો ખળખળ ધ્વનિ તો ખરો જ! અને એની જુગલબંધી ચાલતી હતી હવાથી લહેરાતા પાંદડાઓના ધ્વની સાથે. અહીં સાંગલાનાં ઘરો અને મંદિરનું અદભુત કોતરકામ તમને આકર્ષિત કરશે. અહીં જોવાલાયક સ્થળોમાં કામરું કિલ્લો, ફિશ ફાર્મ, મઠ અને તિબેટીઅન વુડ કારવિંગ સેન્ટર છે. જો તમે પરાક્રમી લોહીવાળા હોવ, તો કેમ્પવાળા રિવર ક્રોસિંગ, અને ટ્રેકિંગ પણ તમારા માટે ગોઠવી આપે છે. નજીકના ગામ રકચામ અને બાતસેરી તો પગપાળા જઈ સેર સપાટો મારી આવી શકાય એવા છે. હું સાંજ સુધીમાં બે વખત મેનેજરનું માથું ખાઈ ચૂકી હતી કે સફરજન જોવા મળશે કે? પણ મારા બધા પ્રયત્નો અસફળ થઈ રહ્યા હતા. 

અંતે બીજા દિવસે મારી પ્રાર્થનાઓ ફળી. સવારે ફળોના ભગવાન મારા પર પ્રસન્ન થયા ને મેનેજરે કહ્યું, “તમે ફરી આવો પછી બપોરે બાગમાં જઈશું!”


“કૂદકે આ જાઓ ઈધર!” બે સેકન્ડ માટે મને સમજાયું નહીં એમના પોતાના બાગમાં જવા પાળી કેમ કૂદવા કહે છે? પણ હું વિચારું એ પહેલાં તો પપ્પા પાળી ચઢીને બીજી બાજુ મારી રાહ જોતા હતા. મેનેજરે કહ્યું, તમારું કુતુહલ જોઈ હું આ મોટા ઓર્ચાર્ડમાં લઈ આવ્યો. આ અમારા પાડોશીનો છે! 

ઓર્ચાર્ડમાં પ્રવેશ કરતાજ આંખો તૃપ્ત થઈ ગઈ. જ્યાં જુઓ ત્યાં સફરજન! આંખોને સંંતોષ આપ્યા પછી હવે જિજ્ઞાસાને સંંતોષ આપવાનો સમય હતો. કિન્નોર ડિસેમ્બરથી માર્ચ સુધી બરફની ચાદર ઓઢેલું  રહે છે. આ સમય દરમ્યાન કોઈ નવો પાક લેવામાં નથી આવતો, ધરતીને આરામ આપવામાં આવે છે. બરફના કારણે માટી કુદરતી રીતે ફળદ્રુપ બને છે ને સફરજનની સારી ઉપજ માટે મદદરૂપ થાય છે. સફરજનનો નવો પાક લેવા પહેલા ખેડૂતો નાઇટ્રોજન- ફિક્સિંગ પાક લે છે જેવાકે રાજમા, બકવીટ (buckwheat) તેથી માટી રિફ્રેશ થઈ જાય છે. પહેલાના જમાનામાં અહીંના લોકો ઘઉંને બદલે બકવીટની રોટલી ખાતા. અહીંના બકવીટના પેનકેક (પુડલા) જરૂરથી ચાખવા જેવા છે.

પાછા સફરજન પર આવીએ, નવા વર્ષના પાક માટેની શરૂઆત ખેડૂતો એપ્રિલ મહિનાથી શરૂ કરે છે. મે મહિનામાં ફૂલો આવે છે, અને જૂનથી ઑગસ્ટ બહુ મહત્વપૂર્ણ સમય હોય છે. છોડને વરસાદ, કરા તેમજ જીવજંતુઓથી રક્ષણ આપવું પડે છે, જેનાથી સપ્ટેમ્બર સુધીમાં વિપુલ પ્રમાણમાં લણણી થાય. સફરજન કળીમાંથી નીકળતી નાની દાંડી પર લટકતું હોય છે. સફરજનને કળી સાથે ન તોડતા ફક્ત દાંડી સાથે તોડવું જોઈએ. જો કળી સાથે તોડ્યું તો એ જગ્યા પર બીજું સફરજન આગામી વર્ષોમાં ઉગી શકતું નથી. સફરજનનું ઝાડ આઠમાં વર્ષથી ફળ આપવાનું શરૂ કરે છે અને વૃક્ષનો જીવનકાળ ચાલીસ વર્ષ સુધીનો હોઈ શકે છે. ઉત્પાદન વધારવા પરાગ નયન (ક્રોસ પૉલિનેશન) કરવામાં આવે છે અને આ ક્રોસ પોલીનેશનને કારણે એકજ ઝાડ પર ગ્રીન એપલ, ગોલ્ડન અને રેડ જેવા પ્રકારના સફરજન ઉગાવી શકાય છે. સફરજનની લણણી એ એકદમ પાકી જાય એના થોડા દિવસ પહેલાજ કરી લેવામાં આવે છે. અમે એક અઠવાડિયું જલ્દી આવ્યા હોવાથી લણણી નો સમય હજી થયો ન હતો. અમે સફરજન તોડી શક્યા નહીં, પણ મને એ વાતની ખુશી હતી કે કંઈક નવું જાણવા મળ્યું. સર્વોત્તમ ગુણવત્તા ધરાવતા સફરજન એક્સપોર્ટ થતા હોય છે અને જે સફરજન થોડા બગડી ગયા હોય તેમાંથી એપલ સાયડર વિનેગર (apple cider vinegar) બનાવવામાં આવે છે. ઓર્ચાર્ડમાંથી નીકળતા અમે વાઇલ્ડ પીચ (peach) તોડી ને ખાધા. મને થોડો તો વસવસો રહી ગયો હતો કે હવે કાલે તો મુંબઈ જવા નીકળી જઈશું અને સફરજન ચાખવા સુધા ના મળ્યા.

પણ! સવારે બુફે નાસ્તામાં સફરજનની પ્લેટ જોઈ મારે તો બત્રીસ કોઠે દીવા થવા જેવું થયું! અને એનો સ્વાદ! શું કહું તમને! પહેલું બટકું સફરજનનું ભર્યું અને એક ક્ષણમાં જ પરમઆંનદની અનુભૂતિ થઈ ગઈ. આટલું રસાળ સફરજન મેં ક્યારેય ન હતું ચાખ્યું, જાણે મોઢામાં રસનો ફુગ્ગો ફૂટ્યો હોય! બસ સફર સફળ થઈ ગઈ!

કિન્નોર કયારે જવું? – બેસ્ટ સમય છે મે થી જૂન. ગરમીની શરૂઆત થઈ હોય, બરફ પણ પહાડો પર જોવા મળે અને સફરજનના ઝાડ પર ગુલાબી – સફેદ ફૂલો આવેલા હોય, ઇન શોર્ટ ફુલ ગુલાબી વાતાવરણ. થોડી ઠંડી સહન થતી હોય તો સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં સફરજન જોવાનો લ્હાવો છોડવા જેવો નથી. અને મને જાણવા મળ્યું કે જો તમે ઠંડી સહન કરી શકતા હોવ, અને બરફમાં ચાલવામાં કોઈ તકલીફ ન થતી હોય, તો માર્ચમાં હોળી સમયે એક વાર અહીં આવવા જેવું છે. હોટેલો તો બંધ હોય છે પણ હોમસ્ટેના દરવાજા હમેશાં ખુલ્લા હોય છે. હોળીના બે દિવસ અહીંના ગ્રામ્યજનો પારંપારિક કપડાં અને ઘરેણાં પહેરી પારંપારિક સંગીતનાં તાલે આખો દિવસ ઝૂમે છે. 

કિન્નોર કેવી રીતે પહોંચવુ- સૌથી નજીકનું હવાઈમથક શિમલામાં (Jubbarhatti Airport) છે. બાય રોડ દિલ્હીથી અંદાજે ૫૭૦ કિલોમીટર દૂર છે, અને ૧૫ કલાક થાય છે. જયારે ચંદીગઢથી અંદાજે ૩૭૦ કિલોમીટર છે, અને ૧૧-૧૨ કલાક થાય છે. દિલ્હી અને ચંદીગઢથી હિમાચલ રોડ ટ્રાન્સપોર્ટની રેગ્યુલર બસ રેકોંગ-પીઓ અને રકચામ સુધી દોડે છે. અને એક બસ છિતકુલ સુધી પણ આવે છે. કિન્નોરમાં રેલ્વે સ્ટેશન નથી, સૌથી નજીકનું સ્ટેશન કાલકા રેલવે સ્ટેશન શિમલામાં છે, જે ૩૧૦ કિલોમીટર દૂર છે. 

હવે તમને એમ લાગશે કે સફરજન તો નીચે રેકડીવાળા પાસે પણ મળી જશે એના માટે કિન્નોર સુધી થોડી લાબું થવાય. ચાલો, બહાના જોઈતા હોય તો હું આપું! અહીં આવો ભવ્ય કિન્નોર કૈલાશના પહાડોની ભવ્યતામાં ખોવાઇ જવા, હિન્દુ અને તિબેટની સંંસ્કૃતિનું મિશ્રણ અનુભવવા, વાંકા-ચૂકા રસ્તા પર રોડ ટ્રીપની મજા લેવા, નાના બાળકોના સફરજન જેવા લાલ ગાલ જોઈ પ્રસન્ન થઈ ઉઠવા, જાજરમાન પહાડોની વચ્ચેથી ખળખળ વહેતી નદીના કિનારે દિવાસ્વપ્ન જોવા, મોમોઝ અને ગરમ સૂપની જ્યાફ્ત માણવા, મોનેસ્ટ્રીમાંથી પ્રાર્થના લખેલા રંગીન તોરણ સ્વજનો માટે લઈ આવવા, એકદમ ફ્રેશ સફરજન ખાવા અને અમારા માટે ૧-૨ કિલો લેતા આવવા!

નિસર્ગની સમીપ જવા, તેને માણવા અને તેમાં દિલથી ભળી જવા. અને સૌથી મહત્વનું, કહેવાતી વ્યસ્ત લાઈફમાંથી થોડો સમય પોતાને અને પોતાના પરિવારને આપવા તો જવું જ જોઈએ!

– હિરલ પંડ્યા


આપનો પ્રતિભાવ આપો....

17 thoughts on “કિન્નોર (હિમાચલ પ્રદેશ) ની સફરે – હિરલ પંડ્યા

  • Lata Bhatt

    વાહ હિરલબેન …સુંદર પ્રવાસલેખ …લખવાની શૈલી સ્થળ જેટલી જ સહજ અને સુંદર. પ્રાકૃતિક સૌંદર્યમાં અમે ય ઘડીભર ખોવાઇ ગયા. સિમલા સુધી તો ગયા હતા પણ આ સ્થળોની માહિતી નહોતી. ભવિષ્યમાં લહાવો મળશે તો જરૂર જશું.

  • Gopal Khetani

    રસપ્રદ વર્ણન (કિન્નોરના સફરજન જેવું જ) ઊને રસાળ શૈલીમાં લખાયેલ આ પ્રવાસ લેખ વાંચીને કિન્નોર જવાનું મન થઈ ગયું

  • Ravi Dangar

    ખૂબ જ રસપ્રદ……….

    વર્ણન એટલી સરસ રીતે કર્યું છે કે હું પણ વાંચીને કિન્નોર પહોંચી ગયો. એકવાર જરૂર જઈશ કિન્નોર.

  • Hiral Pandya

    વાંચવા અને પ્રતિભાવો આપવા બદલ આપ સૌ નો હૃદયથી આભાર!

  • Sanjay Pandya

    vaah Hiral …Nicely narrated ….Keep it up . અમારા લાહુલ સ્પિતિ અને કિન્નોર પ્રવાસની યાદ તાજી થઈ

  • જિગર

    સુંદર વર્ણન. દર 50km મા ભાષા અને ભોજન બદલાય છે. એને માણવા તો સફર ખેડવુંજ પડે.

  • Vimla hirpara

    નમસ્તે,હિરલબેન, પ્રથમ તો મફતમાં આટલી સરસ સફર કરાવવા બદલ આભાર. તમારી અદ્રશ્ય આંગળી પકડી અમે પણ હિમાલય ફરી આવ્યા! આપણા દેશમાં પણ સ્વિઝરલેન્ડથી ચડીયાતા પર્વતો ને રમણીય પ્રકૃતિ સ્થળો છે. પણ ન માણે આપણને પરદેશનો એક મોહ છે. ઘણી વસ્તુની માફક ;ફોરેન ટુર’ એ સામાજિક સ્ટેટસનું પ્રતિક બની ગઇ છે.એ પણ હકીકત છે કે આપણે ત્યા આવા પ્રવાસસ્થળોનો વિકાસ કે સગવડ પ્રમાણમાં ઓછી હોય છે. ગમે એમ પણ પ્રવાસ કરવાની મજા આવી. સાથે એક વાત જે કદાચ તમને બહુ અનુસંગત ન લાગે પણ દરેક પ્રવાસસ્થળે કોઇને કોઇ ‘માતાજી’ તો હોવાના. ભલે સારી હોટેલ કે રેસ્ટોરન્ટ કે સંડાસબાથરુમ જેવી પાયાની જરુરિયાત ન હોય. આવા બર્ફિલા પ્રદેશમાં ખરા રક્ષકો તો આપણા સૈનિકો છે. જો કાંઇ અકસ્માત થાય તો કોઇ દેવીદેવતા મંદેરમાંથી ઉભા નથી થતા કે શંકરભગવાન ત્રીશુળ લઇને નથી દોડતા પણ આપણા સરહદના રક્ષકો જ આપણને મદદ કરે છે. !!!!!!!!

    • Hiral Pandya

      આભાર Vimlaji, તમને મારો પ્રવાસલેખ ગમ્યો તે જાણી મને ખૂબ આંનદ થયો. અને તમારા વિચારો સાથે હું સહેમત છું, જવાનોના જેટલા ઓવારણાં લઈએ એટલા ઓછા છે!

  • Manoj

    સરસ વર્ણન કર્યું છે. ફોટાઓ જોઈને મન પ્રફુલ્લિત થઈ ગયું.

  • hdjkdave

    આનંદ આપતી સફર…સફરમાં સફરજન જોવા મળે, મન ધરાય એટલાં જોવાં મળે પણ ખાવા ન મળે અને સફર કરતાં જન પણ ન મળે પણ વિદેશ જાય ! હળવી ક્ષણોમાં હળવા થવા રમતાં રમતાં ફરવાની મોજ. સ-રસ, સ-ફર (સહુ સાથે ફરતાં) જન! કુન્નુરમાં જવા જેવું છે…