મમી – સ્નેહરશ્મિ


નારંગીના રસની પ્યાલીઓ અને કાજુની રકાબીઓ મહેમાનોની સામે ધરતા વેઈટરો યંત્ર-માનવોની જેમ એક ટેબલ પરથી બીજા ને બીજા પરથી ત્રીજા પર હેરફેર કરી રહ્યા હતા. તેમના હલનચલનથી આખ ખંડમાં થઈ રહેલા વાતચીતના ગુંજારવમાં આરોહ- અવરોહ આવ્યે જતા હતા, ત્યાં વિજળીનો ચમકારો થાય અને આંખ અંજાઈ જાય એવી પરિસ્થિતિ એકાએક સર્જવા પામી. એનું મૂળ હતું કલાત્મક રીતે નારંગીના રસની પ્યાલી તરફ લંબાયેલા એક સુંદર નાજુક હાથમાં. અનેક નજરો એ એક હાથ ઉપર સ્થિર થઈ ગઈ! એ હાથે જે ઊર્મિઓએ ખંડમાં વહેતી મૂકી તેમાંની એક મને પણ સ્પર્શી ગઈ અને ગુરુત્વાકર્ષણ હોય તેમ મારી નજર તે વદન પર ચોંટી ગઈ!

તેણે મને જોયો હતો? હુ એને ટીકી ટીકીને જોઈ રહ્યો હતો એનો ખ્યાલ આવવા પામે એવી મારા મનની તો સ્થિતિ હતી જ નહિ, પણ તેને તે ખ્યાલ આવ્યો હતો કે શું? ક્ષણના પણ હજારમા ભાગ જેટલા સમય માટે મારા તરફ જોયું ન જોયું કરી એનાં નયન શામાં તલ્લીન થઈ ગયા હતા? મને ખબર નથી કે આમ કેટલી ક્ષણો વીતી, પણ જ્યારે મારા ચિત્તમાં જાગૃતિનો સંચાર થયો ત્યારે મને લાગ્યું કે બધી નજરો ત્યાં જ ચોંટી રહી હતી – એરેબિયન નાઈટ્સની પેલી અચંચળ, ચિત્રિત પાષાણીક માનવસૃષ્ટિની જાણે નવી આવૃતિ!

અને તે ઊઠી. તે સાથે જીવનનો પુનઃસંચાર થતો હોય તેમ વાતાવરણ ચંચળ થઈ ઊઠ્યું. આંખો એકબીજા સાથે હોડમાં ઊતરી, ને તેની પાછળ પાછળ ઢસડાતા હોય તેમ બધા ડાઇનિંગ ટેબલ તરફ ગયા.

બધા પોતપોતાને અનુકૂળ જગ્યા પસંદ કરી બેસતા હતા ત્યાં મારી નિકટની ખુરશીનો ટેકો લેતાં તેણે પૂછ્યું, ‘નિયત જ્ગ્યાએ બેસવાનું હશે?’ એને જ્યારે જવાબ મળ્યો કે સૌ યથેચ્છ જગ્યાએ બેસી શકે છે, ત્યારે સહેજ પાંપણ નમાવી મને સંબોધતી હોય તેમ તે બોલી, ‘અહીં બીજું કોઈ બેસવાનું છે?’ અને ‘આપ અહીં બેસી શકો છો’ એવા શબ્દો મારા હોઠે આવે તે પહેલાં એ મારા મનોભાવને જાણે પામી ગઈ હોય તેમ તે બોલી, ‘આપને અડચણ પડે તેમ ન હોય તો હું અહીં બેસું – અહીંથી પેલી બોરસલી કેવી સુંદર લાગે છે!’ અને બેસતાં તેના અંગમાંની મીઠી ખુશ્બોથી તેણે મારા મનને જાણે કે દોલાયિત કરી દીધું.

બધી આંખો હવે મારી ઈર્ષ્યા કરતી હોય તેમ તેના પરથી મારા પર અને મારા પરથી તેના પર ફરવા માંડી. તેની પાસે વિષયોની ખોટ ન હતી અને તેની વાત જાણે સાંભળ્યા જ કરીએ એવી મોહક હતી. થોડાક દિવસ પર ભજવાયેલા એક નાટક તરફ અમારી ચર્ચા વળી. એક ઘરમાં રાતે ગૃહિણી એકલી છે. તે યુવાન છે, સુંદર છે અને એકલતા તેને સાલે છે, આથી ઊંધવાની દવાનો અડધો ડોઝ લઈ બાકીનો અડધો સૂતી વખતે લેવાનું વિચારી ગ્લાસમાં રહેવા દઈ ઘરના બગીચામાં એ લટાર મારવા જાય છે, ત્યાં પોતાની મોટર ખોટકાઈ ગઈ હોવાથી ગૅરેજવાળાને ખબર આપવા ટેલિફોનની મદદ શોધતો કોઈ અજાણ્યો યુવાન ઘરમાં દાખલ થાય છે. ઘરમાં કોઈ છે કે કેમ એવું પૂછી ટેલિફોન પર નજર પડતાં તરત ગૅરેજવાળાને ટેલિફોન જોડે છે. તરસ્યો થયો હોઈ પાસે પડેલા ગ્લાસમાં પાણી રેડી ટેલિફોન કરતાં કરતાં તે પાણી પીએ છે, ને તરત તેની આંખમાં ઘેન ભરાવા માંડે છે. ઘેનમાં ને ઘેનમાં તે એ ઓરડામાંના એક પલંગ પર તે લંબાવે છે ને ઘસઘસાટ ઊંઘમાં પડે છે ત્યાં એ ઘરની ગૃહિણી, પેલી યુવતી, બગીચામાંથી ઊંઘે ઘેરાયેલી ઝોકાં ખાતી આવે છે ને પલંગ પર સૂઈ જાય છે. આપણા સમાજની દ્રષ્ટીએ આમાં કેટલું ઔચિત્ય લેખાય એ પ્રશ્નની ચર્ચામાંથી અનેક નાજુક પ્રશ્નો ઊભા થયા ને ચર્ચામાં રંગત આવી.

એમાં તેનો ફાળો નોંધપાત્ર હતો. સ્ત્રી પુરુષના સંબંધનાં નિરૂપણ – પણ જવા દો એ વાત! મનોવિજ્ઞાનની પરિભાષા વિના એ ઘટના સમજાવવા અન્ય કોઈ સાધન નથી, અને મને એ પરિભાષા કદીયે ગમી નથી. એટલે એટલું જ નોંધવું પૂરતું છે કે સંવવન, પ્રણય વગેરે સ્ત્રીપુરુષના સંબંધની જુદી જુદી ભૂમિકા માટે વપરાતા શબ્દોની ચર્ચામાં તેણે જે વિધાનો કર્યા તેની આસપાસ કમળની ફરતે ગુંજરાવ કરી રહેલા ભમરાની જેમ ટેબલ પરના અનેકની કલ્પના ચકરાવા લેવા લાગી. પ્રાણીસૃષ્ટિમાં શ્રેષ્ઠ મનુષ્ય છે. પણ એના શ્રેષ્ઠત્વનું ગૌરવ જાળવતાં એને નથી આવડ્યું, અને એથી મનુષ્ય હોવા છતાં એ મનુષ્યથી ઉતરતી પશુ કે પંખીની કોટિ જેવો જ રહ્યો છે એવું વિધાન એણે જ્યારે કર્યું ત્યારે એની સાથે ચર્ચામાં ઊતરવા અનેક જણ તત્પર થઈ ગયા – પણ એ સૌને અવગણી તે તો મારી સાથે જ વાતે ચઢી. મેં પૂછ્યું,

‘એવું શા ઉપરથી કહો છો કે મનુષ્યને હજુ એનાથી નીચી કોટિની જીવસૃષ્ટિનો જ પ્રતિનિધિ રહ્યો છે?’

‘પશુસૃષ્ટિમાં એકબીજાનાં મોં સૂંધીને કે પંખીઓમાં ચાંચમાં ચાંચ મિલાવીને નરમાદા પોતાનો પ્રણય વ્યક્ત કરતાં હોય છે, માણસ માટે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ…’

‘અરે! પણ વિજ્ઞાન અને સૌંદર્યશાસ્ત્ર વચ્ચે હંમેશ જ સુમેળ રહે એવું ઓછું છે? તો પછી તમને જો કોઈ ચંદ્રાનના કહે…’

તે ખડખડાટ હસી પડી, ‘ચંદ્ર જેવો ઠરી ગયેલો ગ્રહ પણ સૌંદર્યનો દેખાવ કરી શકતો હોય તો પછી અમે સ્ત્રીઓ જે ચેતનથી…’

અને એ વાત એના પોતાના વ્યવસાય તરફ વળી. મરી ગયેલાં પશુપંખીમાં મસાલા ભરી તેમને આબેહૂબ જીવતાં જેવાં દેખાડવાનો – ટેક્સીડર્મિસ્ટનો વ્યવસાય તે કરતી હતી એવું જ્યારે અમે જાણ્યું ત્યારે અમારા આશ્વર્યનો પાર રહ્યો નહિ. મારાથી પૂછાઈ ગયું.

‘તમે ટેક્સીડર્મિસ્ટ છો? કોઈ સ્ત્રી ટેક્સીડર્મિસ્ટ હોવાનું સાંભળ્યું નથી….’

‘એવું તો જગતમાં ઘણું ય નહિ બન્યાનું આપણે સાંભળીયે છીએ – અને છતાં એવું બનતું જ રહે છે.’

‘તમે ગાંધીજીનું તો અનુકરણ તો નથી કરતાં ને?’ મેં હસતાં હસતાં પૂછ્યું.

‘મને નહિ સમજાયું’ – તેણે વિસ્મય દાખવ્યું.

‘ગાંધીજીએ એવું કહ્યું હતું કે જગતના ઈતિહાસમાંથી અહિંસક યુદ્ધનો દાખલો ન મળતો હોય એટલો એવો સાર તો ન જ ઘટાવી શકાય કે અહિંસક યુદ્ધ તો સંભવી જ નહિ શકે.’ સામેથી એક આધેડ વયના મહાપુરુષે મારા વતી ખુલાસો કર્યો.

‘એવા મહાપુરુષ જોડે મારી જાતને સરખાવાની ધૃષ્ટતા હું નહિ કરું, પણ મારી દાદીવાળી પેઢીની સ્ત્રીઓ નિરક્ષર હતી એટલે આજની સ્ત્રીઓ પણ નિરક્ષર જ હોવી જોઈએ એવું માની લેવું એ જેમ ભૂલભરેલું છે, તેમ ભૂતકાળમાં કોઈ સ્ત્રીએ ટેક્સીડર્મિસ્ટનો -‘

‘હા, હા સમજાયું -‘ હું મલકાતો બોલ્યો, ‘હવે તો સ્ત્રીઓ આર્કિટેક્ટ પણ થાય છે. પણ ટેક્સીડર્મિ જેવો -‘

‘ગંદો ધંધો મેં કેમ પસંદ કર્યો? એવું તમારે પૂછવું છે ને?’ મને અધવચમાં જ અટકાવતાં તેણે પૂછયું.

હું છોભીલો પડી ગયો, પણ હું કંઈ પણ કહું તે પહેલાં તેણે બીજો પ્રહાર કર્યો.

‘ગંદા ધંધા સ્ત્રીઓ માટે નથી એવું માનનાર પુરુષોમાંથી કેટલાયે પોતાનાં બાળકોનાં મળમૂત્ર સાફ કરવા જેવા -‘

અમે બધા ખડખડાટ હસી પડ્યા, અને એને હાથે વધુ હારમાંથી ઉગારવા હોય તેમ અમારામાંથી એકે કહ્યું,

‘આપણે જરાં આડવાતે ચડી ગયા’ – અને તેની પૂર્તિમાં હોય તેમ સામેથી એક ફૂટડા જુવાને તેનું ધ્યાન ખેંચવાનો પ્રયત્ન કરતાં કહ્યું, ‘તમે કહેતાં હતાં કે ચાંચમાં ચાંચ -‘

‘હા-‘ વચ્ચેથી એક બીજો જુવાન કૂદી પડ્યો. સંવનનો બીજો કોઈ એથી વધુ સારો પ્રકાર -‘

તેને અધવચથી રોકતાં તે બોલી, ‘વાત્સ્યાયન પાસે જાઓ.’ અને એમ બોલતાં તેણે તેની ડોકને એવો તો કળાત્મક મરોડ આપ્યો કે એની ગ્રીવા કેટલી બધી સુંદર, ગૌર, સુરેખ અને લાંબી હતી તે એકાએક મારા ધ્યાનમાં આવ્યું. અને મારાથી બોલાઈ ગયું…

‘તમારું કહેવું એમ છે કે પશુપંખીના કરતાં કંઈક જુદી જ રીતે માનવસૃષ્ટિમાં પ્રણયની અભિવ્યક્તિ થવી જોઈએ ?’

જવાબમાં એની આંખ મલકી.

‘અંબોડો સ્ત્રીનું એક અતિ મનોહર અંગ છે કે એથી પણ કંઈક વિશેષ હશે?’

પ્રશ્નોની ઝડી શરૂ થઈ –

‘અને એ અંબોડાની નીચેની, સુરેખ કમનીય ડોક -‘

‘હંસની ડોક જેવી -‘

‘હા, આજની સંસ્કારસંપન્ન નારીએ એનાં અંગોમાંથી જે બહુ ઓછાં અંગોને અનાચ્છાદિત રાખ્યાં છેતે પૈકી એ એક અતિ સંવેદનશીલ અંગ છે -‘ પોતાના વદન પરની એક લટ સવારતાં તે બોલી, અને એનાં એ વચનોએ મારા મર્મેમર્મમાં એક અપૂર્વ ઝણઝણાટી પેદા કરી. રૂપની અસહ્ય માદકતાથી ભરેલી તેનીએ ગ્રીવા તરફ નજર ખસેડી લેવાનું મારે માટે જાણે કે અ શક્ય બની ગયું, અને છૂટાં પડ્યા ત્યારે પણ ક્યાંક સુધી એની એ રૂપાળી ડોક તરફ હું ટીકતો જ રહ્યો!

એ મેળાવડા બાદ મારા ચિત્તની ચંચળતાનો પાર રહ્યો નહિ. મન ઘડી ઘડી અંબોડા નીચેની તેની તે સુડોળ, લાંબી, ગૌર ગ્રીવા પાછળ દોડવા લાગ્યું ને તેના દર્શન માટે અધીરું થવા માંડ્યુ. ત્યાં એક દિવસ ટેલિફોનની ઘંટડી રણકી અને તેની પાછળા ગુંજી ઊઠ્યું તેનું તે કલમધુર સ્મિત. સાંજે ચાર વાગે તેની સાથે ચા પીવાનું મને નિમંત્રણ મળ્યું – જીવનની પરમ ધન્યતા મેં અનુભવી.

સરલા તે દિવસે મેળાવડામાં મારી સાથે ન હતી એનું અત્યારે મને કેવું સુખદ ભાન થયું! એની ફોઈએેનું નામ પાડ્યું ત્યારે તેની કલ્પના પણ નહિ હોય કે એ નામને ખોટું પાડે એવી બધી જ યોગ્યતા તેનામાં હતી! અને તેથી મારી દશા તો યજ્ઞ-પશું જેવી હતી. મારા લાલનપાલનમાં તે કશીય કમીના રાખતી નહીં, પણ તેની ચપળ આંખ એક્સ-રેને પણ ભુલાવી દે એવી વેધકતાથી મારી આરપાર ગતિ કર્યા જ કરતી. અમારા ચોથા સંતાન પછી તેણે એક દિવસ મને કામનું રહસ્ય સમજાવતાં કેવળ સંતતિ માટે જ ગૃહસ્થાશ્રમનું આલંબન લેતા રધુવંશના રાજાઓ તરફ આંગળી ચીંધી! એ આદર્શ ચૂકી જે ભોગરત બને છે તેના હાથમાંથી પ્રાણની ધબક સરી જઈ કેવળ ઇજિપ્તના પિરામિડોમાંનાં મમી જ રહે છે! એણે દોરેલા કારમા – બલકે બિભત્સ ચિત્ર પછી એની નજર પડતાં જ જાણે કે હું વીજળીનો આંચકો અનુભવતો તેનાથી દૂર ફંગોળાઈ જતો, આજે સદભાગ્યે તે એને પિયર ગઈ હતી. એટલે હું આઝાદ હતો, અને મારા મુક્તિદિને મને આવું મનગમતું નિમંત્રણ મળ્યું એને મે સુખ શકુનરૂપ લેખ્યું.

બરાબર ચાર વાગ્યે હું તેને ત્યાં પહોંચ્યો. દરવાજા પર મોટો આલ્સેશિયન કૂતરો હતો, પણ હું નક્કી કરી શક્યો નહિ કે તે સાચો સાચ હતો કે ટેક્સીડર્મિની કોઈ કરામત! તે ભસ્યો! પણ કોઈ જીવંત પ્રાણીના કંઠમાંથી આવતા અવાજ જેવું નહિ – બલકે કોઈ ધાતુમાંથી આવતા અવાજ જેવું એનું ભસવાનું મને લાગ્યું. પણ હું લાંબો વિચાર કરું તે પહેલાં દરવાજો ઊઘડ્યો. એ ઉઘાડનાર દરવાન પણ બીજા દરવાનો કરતાં કંઈક જુદો નહોતો? એની આંખ પલકતી ન હતી! એનાં અંગો અક્કડ હતા, પણ એ બધી વિગતો પર વિચાર કરવા થોભવા જેટલી મને ક્યાં ફૂરસદ હતી! હું તો તેને મળવા અધીર હતો. તેના ખંડમાં મેં પ્રવેશ કર્યો. દક્ષિણ ભારતનાં વિશાળ ગોપૂરોના ગર્ભાગારમાં દાખલ થતાં ચામાચિડિયાંની ગંધવાળી અને મનને અસ્વસ્થ કરી મૂકે એવી જે હવા આપણને ચોમેરથી વીંટી વળે છે તેનાં કરતાં પણ વધુ બેચેન કરી મૂકે એવી ઊબભરી હવાનો એક સામટો અણધાર્યો ઘસારો થયો હોય તેવું મારા અણું અણુંમાં મેં અનુભવ્યું. સડેલાં મડદાંની વાસ કરતાં પણ વધુ કારમી વાસ કોઈ નક્કર પદાર્થની જેમ મારાં અંગ સાથે અથડાઈ, મારાં વસ્ત્રોમાં ચોંટી ગઈ, ને એનાથી આઘાત પામવાને બદલે હું અસહાય બનીને એ વાસના ઊગમસ્થાન તરફ જાણે કે આકર્ષાયો – હડસેલાઈ રહ્યો!

એ હૉલને પેલે છેડે કાર્યમગ્ન બેઠી હતી. તેની પીઠ મારી તરફ હતી. સાડીનો છેડો માથા પરથી સરી પડ્યો હતો, ને તેનો વિશાળ સુંદર અંબોડો, તેમાંના ગુલાબનાં ફૂલ સાથે જાણે મારું સ્વાગત કરી રહ્યો હતો. અંબોડા નીચેની તેની સુડોળ સુંદર, ગૌર ગ્રીવા પર મારી નજર સ્થિર થઈ. સ્ત્રીની આંખ, હોઠ આદિના સૌંદર્યના વર્ણન માટે એક પણ નવી ઉપમા શેષ રહી નહિ હોવા છતાં જુદાજુદા શબ્દોમાં એ ચવાઈ ગયેલાં વર્ણનોનું પુનરાવર્તન કરતાં મોટામાં મોટા સર્જકો પણ સંચકો નથી અનુભવતા, પણ આજે મને લાગ્યું કે એ સૌએ જે જોવા જેવું છે – સુંદર નવયૌવાનની કમનીય ગ્રીવા – તેની પૂરી નોંધ લીધી નથી!… અને મારી નજર એ હૉલમાંના પંખી અને પશુઓ તરફ ગઈ. જાણે વનને તેના આદિ વતનમાંથી લાવી અહીં રોપી દેવામાં આવ્યું હતું! એની વનરાઈમાં ક્યાંક ચકલી, બુલબુલ, મેનાપોપટથી માંડી કૂકડા, મોર, સારસ, બાજ, ગરુડ આદિ વિવિધ પંખીઓ અને સસલાંથી માંડી સિંહ સુધીનાં પશુઓ હતાં. એ બધાં કંઈકને કંઈક ક્રિયામાં મગ્ન હતાં! પણે પાંખ પસારી ઊડતો મોટો બાજ કોઈ હોલા પર તરાપ મારી રહ્યો હતો, ત્યાં તો પેલી સારસબેલડી કેવી મગ્ન હતી! પેલી સિંહણ ત્યાં ગૌરવમૂર્તિ પેલા સિંહને જાણે નિમંત્રી રહી હતી, તો પેલા હાથીના ગંડસ્થળને ચીરવા પેલો સિંહ ત્યાં તૈયારી કરી રહ્યો હતો. અદભૂત હતી એની એ સૃષ્ટિ. મને તે વિશ્વકર્મા જેવી જણાઈ. એની ઈચ્છા થતાં જ જીવનની ધબક માટે તલસી રહેલી એની આ સૃષ્ટિ અંગ મરોડી જાગી જશે એવું મને લાગ્યું. – અને એના કાર્યમાં વિક્ષેપ ન પડે તેમ હું આગળ વધ્યો. બધું નીરવ હતું. પશુ, પંખી, વનરાઈ. અરે! તેની સાડીનો પાલવ સુદ્ધાં- બધું સ્થિર- ફ્રેમ મઢ્યા ચિત્ર જેવું હતું.

તેની ગ્રીવામને લોહચુંબકની જેમ ખેંચીઑ રહી. એના કેન્દ્રમાં આસોપાલવનાં કૂણાં પાંદડાની લીલાશની યાદ આપતો એક નાનકડો તલ હતો. અનવદ્ય હતું એ સૌંદર્ય, અસહ્ય હતું એનું કામણ, દુર્નિવાર હતું એનું નિમંત્રણ! એ તલ તરફ મારા હોઠ ઝૂક્યા, ત્યાં વાતાવરણમાં જાણે મોટો પલટો આવ્યો હોય તેમ મારી સકળ ઇંદ્રિયોમાં કોઈ અદભૂત સંવેદના પ્રગટી ને મારી નજર સહસા ત્યાંની પ્રાણી સૃષ્ટિ તરફ ગઈ. એ સૌએ પીઠ ફેરવી દીધી હતી! મેં ખંડમાં ચોમેર નજર નાંખી. બધાં જ પંખી, બધાં જ પશુ જાણે ‘એ અમારે જોવું નથી!’ એમ કહેતા પીઠ ફેરવીને થંભી ન ગયા હોય! શો હતો એનો અર્થ! સ્વાગતનો એ એક પ્રકાર હતો કે પ્રતિકાર હતો કે પ્રતિકારનું ઇંગિત… પ્રચંડ ગતિથી, મારી પ્રત્યેક ઇંદ્રિય ને સકલ જ્ઞાનતંતુમાં એક માદક ઝંકૃતિ વ્યાપી ગઈ અને એ ગ્રીવા તરફ હું ઝુક્યો, ત્યાં તેની પીઠ ફરી ગઈ! તે જ મુખ – તે દિવસે મેળાવડામાં જોયેલી તે જ અંગરેખા – પણ… પણ… એના હોઠ પરનું સ્મિત! મૃત્યુની અનેક વાર મેં કલ્પના કરી છે. તેને સદેહે મેં કલ્પ્યું છે- પણ એ સ્મિત! એ જોતાં સંભવ છે કે મૃત્યુપણ કંપી ઊઠે! આંખમાં આંખ માંડીને એના તરફ જોવાની મારામાં હામ રહી નહીં!

મારાં અંગે શીત વલવાં લાગ્યાં. હજારો વર્ષ જૂની કોઈ કબરમાં હડસેલાઈ રહ્યો હોઉં એવી કારમી અનુભૂતિ મારા પ્રત્યેક મર્મને થિજાવી રહી. તેમાંથી ઊગરવા કંઈક આલંબન શોધવાં હોય તેમ મારી અસહાય નજર ફરીથી મેં તેના મુખ પર માંડી ને તરત જ આઘાત સાથે તે પાછી વળી. પિરામિડમાંના મમીના ખુદની યાદ તાજી કરાવતી ફીકાશ આ પહેલાં કોઈ જીવંત મુખ પર મેં જોઈ ન હતી, અને મને યાદ આવી મારી સરલા અને સરલાએ વર્ણવેલી પેલી મમી જેવી ઉષ્માશૂન્ય સ્ત્રી-

એનું એજ સ્મિત હજુ તેના હોઠ પર હતું! મને એ અસહ્ય થઈ પડ્યું. કોઈ મોટા આઘાતથી પ્રાણની ઉષ્મા વિનાની ટેક્સીડર્મીની એ દુનિયામાંથી બહાર ફંગોળાઈ રહ્યો હોઉં તેમ એ હૉલની બહાર નીકળી નાઠો. જીવનને ઝંખતી ભૂખી દ્રષ્ટિએ એની ઊંચી અટારીમાંથી મેં બહાર નજર નાખી. તે દરવાન, તે આલ્સેશિયન કૂતરો એ બધું ચિત્રવત જેમનું તેમ ત્યાં સ્તબ્ધ હતું. ડાળ પરથી ખરી પડેલા વાસી ફળના જેવું આખું નગર નિઃસ્તબ્ધ, નીરવ, મૃતઃપાય હતું અને તેમાં સંતાવા મથતાં કીડાની જેમ આખો દિવસ તેની ઉપર સળવળતો હતો!

– સ્નેહરશ્મિ

કવિ, વાર્તાકાર, નવલકથાકાર, નાટકકાર, ચરિત્રકાર, આત્મકથાકાર, સંપાદક એવા વિવિધ ક્ષેત્રોમાં પ્રભાવશાળી સર્જન આપ્યાં છે એવા આપણી ભાષાના અદના સર્જક શ્રી ઝીણાભાઈ દેસાઈ ‘સ્નેહરશ્મિ’ની પ્રસ્તુત વાર્તા ‘મમી’ વર્ણન અને અવધારણાઓની દ્રષ્ટિએ અનોખી છે, ખૂબ પાતળો એવો વાર્તાનો ઘટનાક્રમ વાચકને એક અનોખા વિશ્વમાં લઈ જાય છે અને ભયનું લખલખું જન્માવી આપે છે. વર્ષો પહેલા તેમણે પોતાના સર્જનમાં વાપરેલો ટેક્સીડર્મીનો સંદર્ભ પણ અનોખો છે.

આપનો પ્રતિભાવ આપો....