Daily Archives: January 2, 2009


જીવનનું સાફલ્યટાણું – સ્નેહરશ્મિ 1

અસહકારે દેશમાં જે હવા નવી ઉભી કરી એનું સંપૂર્ણ ચિત્ર આપવું અશક્ય છે. એ વખતે સાપ્તાહિક નવજીવનનો પ્રવાહ આખા દેશને માટે પ્રેરણાના પ્રચંડ નાદ જેવો હતો. દર અઠવાડીયે એના આગમનની અમે આતુરતાથી રાહ જોતાં, અને તેના દરેક અંકમાંથી કંઈક નવી પ્રેરણા, નવી દ્રષ્ટિ, નવી ભાવના વગેરે મેળવતા. એ અરસામાં નવજીવનમાં આવેલા સહી વિનાના એક લેખનું શિર્ષક મને યાદ આવે છે. એ હતું ‘ઋષિઓના વંશજ’. એ લેખમાં સત્યાગ્રહ આશ્રમમાં એ વખતે જે નવું ભાવનાજગત સર્જાઈ રહ્યું હતું એ માટેનો મુગ્ધ અહોભાવ હતો. બહાર કામગીરી બજાવી ઘણે દિવસે પાછાં વળતાં લેખકે આશ્રમમાં જાણે કે કોઈક નવી જ દુનિયા જોઈ. એ દુનિયા હતી આદર્શોની રંગબેરંગી ઝાંયવાળી, એમાં હતી નિર્મળ ચારિત્ર્ય માટેની સાત્વિક સ્પર્ધા અને ત્યાગ માટેની ઊંડી તમન્ના. લેખકે આશ્રમમાં જેનું દર્શન કર્યુ તે, નાખી નજર ન પહોચે એવી અમારી તે દિવસોના આદર્શોની ક્ષિતિજો એમાં લહેરાતી અમે જોતાં. આખો દેશ અને ખાસ કરીને એની કિશોર અને તરુણ દુનિયા અમને ઋષિઓના વંશજ જેવી લાગતી. જ્યાં નજર પડે ત્યાં આદર્શઘેલાં યુવક યુવતિઓનાં મુખ ઉપર મુક્તિની ઝંખના અને એ માટેની સાધનાની દિપ્તી નજર પડતી. એ વખતે અસહકારના રંગે રંગાયેલી કોઈ પણ વ્યક્તિને – કિશોરોથી માંડીને વૃધ્ધો સુધી – મળવાનું થતું, તે બધી જાણે ભાવનાના પ્રચંડ તરંગો પર ઝોલાં ખાતા દેવો જેવી લાગતી. એ પ્રત્યેકને ભારે મનોમંથન અને વેદનાઓનાં બોજને હસતે મુખે હળવા ફૂલની જેમ ઉપાડી, પોતે જ્યાં હોય ત્યાં પોતાનું શ્રેષ્ઠ અર્પતા જોવા અને એ બલિદાનની ધન્યતાથી પુલકિતતા અનુભવતા જોવા, એ જીવનનો અણમોલ લહાવો હતો. ૧૯૨૦-૨૧ના અરસાના એ બધાં દિવસો નવી નવી વ્યક્તિઓના પરિચયના, નવા ઉન્મેષોના અને નવી જ્ઞાન ક્ષિતિજોના ઉઘાડના ને અદમ્ય ઉત્સાહનાં હતાં. અનાવિલ […]