અમે તિલક છાત્રાલયમાં હતા ત્યારે અમારા અધ્યાપક શ્રી રામનારાયણ પાઠક સાહેબ તાવમાં સપડાયા, તેમની ખબર લેવા હું ગયો અને મેં ખબર પૂછી ત્યારે તેમણે તાજેતરમાં જ શ્રી મેઘાણીએ ગાયેલા ‘વહુએ વગોવ્યા મોટા ખોરડાં’ ગીતની એક કડીની ઢબે કહ્યું,
ઘટ્ટક દઈને સાયબાજી સૂઈ ગયાં,
પછેડીની તાણી તે સોડ જો,
મચ્છર ઘણાં ને ઉંચા ઓરડાં.
મૂળ પંક્તિ નીચે પ્રમાણે છે,
ઘટ્ટક દઈને ગોરાંદે પી ગયાં,
ઘરચોળાની તાણી તેણે સોડ જો,
વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં.
આમ હળવાશના આવા વાતાવરણમાં ગુરુ શિષ્ય વચ્ચે આદાનપ્રદાનનો વહેવાર કેવો વિકસતો હશે તેની સહજ અટકળ થઈ શકે તેમ છે, એક વધુ ઉદાહરણ
પાઠકસાહેબની કેટલીક લાક્ષણિકતાઓમાં એમની છીંક જાણીતી હતી. તમે તમારા ઓરડામાં બેઠા હો અને દૂર રસ્તા પરથી કોઈકના છીંકવાનો અવાજ તમારે કાને પડે તો તમે અચૂક કહી શકો કે એ તો પાઠકસાહેબની જ છીંક ! અમારા સાપ્તાહિક ‘પંચતંત્ર’માં વિદ્યાર્થી સુન્દરમે એ છીંકનો હળવો વિનોદ કરતાં એક કાવ્ય લખ્યું. બીજા અંકમાં, એ જ શીર્ષક નીચે, પાઠકસાહેબનું નીચેનું કાવ્ય પ્રસિદ્ધ થયું.
‘પૂછ્યું શ્રી શુક સનકાદિકે,
પ્રાસ નહીં મળવાની બીકે,
મૂક્યું ચોથા ચરણ તરીકે
પાઠકની છીંકે ?’
પ્રાસ મળે જ્યાં ધોબી ઝીંકે,
મલ્લ લડે જ્યાં ઢીંકે ઢીંકે,
લૂલે પગ અંજનિ કે,
પાઠકની છીંકે ?
જગત બધું બેલડીએ વિહરે
ને જોઈએ બે લડીએ ત્યારે,
એક રહી જાશે અડવી કે,
પાઠકની છીંકે ?
મહેરુજીની ભેંસો ભડકી
માનશુકનથી ટ્રેનો અટકી,
શું વળ્યું પ્રાસ ન શોધ્યો ભટકી,
પાઠકની છીંકે ?
જન ભટક્યાં સૂતા ઓશીકે,
પાણી થંભ્યા વહેતાં નીકે,
ગોરસ ફૂટ્યાં અધ્ધર શીકે,
પાઠકની છીંકે ?
આ રીતે વિદ્યાપીઠમાં શિક્ષણના સહજ વિકાસને પ્રેરે ને ઉત્તેજે એવું વાતાવરણ આખો વખત લહેરાતું રહેતું. અને વિદ્યાપીઠના ધ્યાનમંત્ર ‘સા વિદ્યાયા વિમુક્તયે’ માં રહેલી ભાવના અમને સિદ્ધ થયેલી જણાતી.
-સ્નેહરશ્મિ (‘સાફલ્યટાણું’ માંથી સાભાર)