ગયા બાપુ – સ્નેહરશ્મિ 10


ગાંધીજીના મૃત્યુ પ્રસંગે રચાયેલા આ કાવ્યમાં કવિ ગાંધીજીને મોટા ઘરના મોભ સાથે, વહાણના કૂવાથંભ સાથે અને હિમાલય સાથે સરખાવતા કહે છે કે મોટા ઘરનો મોભ તૂટ્યો છે. મૃત્યુ જીતી ગયું છે , તેનો ખોળો ભરાઈ ગયો છે, પરંતુ ભારતની પ્રજા રંક બની ગઈ છે. ગાંધીજી વિના તેમને આખો દેશ નોંધારો લાગે છે અને હવે કોણ પ્રેમ, ત્યાગ, હૂંફ આપશે તેની ચિંતા તેમને કોરી ખાય છે તે આ કાવ્યમાં સ્પષ્ટ છે.

પૂજ્ય બાપુને તેમની પુણ્ય સ્મૃતિમાં આજે અધ્યારૂ નું જગત તરફ થી ભાવાંજલી અને એ અભ્યર્થના કે તેમના વિચારો અને તેમના સિધ્ધાંતો આપણને દરેક કપરા સમયમાં માર્ગદર્શન આપે, સાચાં રસ્તે લઈ જાય.

*************************************

મોટા ઘરનો મોભ તૂટ્યો આ ? કે વ્હાણનો કૂવાથંભ ?

ફાટ્યો પહાડનો પા’ડ હિમાલય ? કે આ કો’ઘોર ભૂકંપ ?

બની ભોમ ગાંધી વિનાની; તૂટી હાય દાંડી ધરાની !

સાગર આખો ઘોર ખેડીને નાથ્યા ઝંઝાવાત,

હાથવેંત જ્યાં આવ્યો કિનારો ત્યાં આ શો રે આઘાત ?

ખરાબે લાવી પછાડી મૃત્યુ ! તેં નાવ અમારી.

ગયા બાપુ ! ઋત ગયું શું ? ગયા પ્રેમ ને ત્યાગ ?

ગયા ગાંધી ! સત્ય ગયું શું ? ગયા શીત સોહાગ ?

માનવકુલભાણ ભૂંસાયો ! ધરાનો પ્રાણ હણાયો !

મૃત્યુ આજ હા ! જીતી ગયું શું ? સભર તારો અંક !

અમ પ્રતિ તું જુએ હવે શેં; આજ અમે સૌ રંક !

નોંધારાને ગોદ કો લેશે ? બાપુ વિના હૂંફ કો દેશે ?

 – સ્નેહરશ્મી


આપનો પ્રતિભાવ આપો....

10 thoughts on “ગયા બાપુ – સ્નેહરશ્મિ