‘હિંદ સ્વરાજ’ ની મૂળ વાત નખ દર્પણમાં – કાન્તિ શાહ


‘હિંદ સ્વરાજ’ એટલે હિંદ માટે જેવું સ્વરાજ ઝંખ્યું છે, તેવું સ્વરાજ. હિંદનું સ્વરાજ આવું હોય; અને વ્યાપક અર્થમાં લઈએ તો આખીયે માનવજાતિ માટેનુ સ્વરાજ પણ આવું વિશેષ હોય.

આપણ આપણી ઉપર રાજ ભોગવીએ, એ જ સ્વરાજ

ગાંધી કહે છે કે આપણે સ્વરાજનું નામ લીધું છે, પણ તેનું સ્વરૂપ સમજ્યા નથી. સ્વરાજ તે આપણા આત્માનું રાજ છે. એટલે કે સ્વ-શાસન, આત્મ-શાસન, મનુષ્યનું પોતાની ઉપર પોતાનું રાજ. સ્વરાજ તો સહુ એ સહુનું લેવું જોઈએ, કરવું જોઈએ. બીજા મેળવે તે સ્વરાજ નથી, પણ પરરાજ્ય છે. આપણી ઉપર આપણે રાજ ભોગવીએ, તે જ સ્વરાજ છે, અને એ સ્વરાજ આપણી હથેળીમાં છે. મુખ્યવાત જણે જેણે સ્વરાજ ભોગવવાની છે.

આવું સ્વરાજ મેળવવાની ચાવી છે, સત્યાગ્રહ

આની ચાવી સત્યાગ્રહ, આત્મબળ કે પ્રેમબળ છે. તે બળ અવિનાશી છે. તે બળ જેનામાં છે, તેની પાસે હથિયાર બલ કામ કરી શકતું જ નથી. આ સ્ત્યાગ્રહ એ કોઈ રાંક, બીકણ કે નમાલાનું સાધન નથી, બલ્કે એ તો આત્મશક્તિનો, પ્રેમના પરિબળનો પ્રકર્ષ છે. તેમાં હિંસાના માર્ગ કરતાં વધારે હિંમત ને બહાદુરીની જરૂર પડે છે.

સત્યાગ્રહ તે સર્વોપરી છે. તે તપોબળ કરતાં વધારે કામ કરે છે. સત્યાગ્રહને સારુ જે હિંમત અને મર્દાની ઘટે છે, તે તપોબળિયાપાસે હોઈ શકે જ નહીં. નમાલો માણસ પોતાને નાપસંદ કાયદાનો ભંગ કરી શકશે? પણ સત્યાગ્રહી તો કહેશે કે જે કાયદા તેને પસંદ નહીં હોય તે કબૂલ નહીં કરે, પછી ભલે ને તોપને મોઢે બાંધે! તોપ વછોડી સંકોડી ને મારવામાં હિંમત જોઈએ છે કે તોપને મોઢે હસતે ચહેરે બંધાતાં હિંમત જોઈએ છે? પોતે મૉત માથે લઈ ફરે છે તે રણવીર કે બીજાંના મૉત પોતાના હાથમાં રાખે છે તે? નામર્દ માણસથી એક ઘડીભર સત્યાગ્રહી એ રહેવા નહીં. ખરી ખુમારી તેને જ હોઈ શકશે કે જે આત્મબળ અનુભવી શરીરબલથી નહીં દબાતાં નીડર રહેશે અને તોપબળનો સ્વપ્ને પણ ઉપયોગ કરવા નહીં ધારે.

સત્યાગ્રહ એક અમોઘ સાધન છે. જે માણસ પોતે માણસાઈમાં છે, જેને ખુદાનો ડર છે, તે બીજાથી ડરવાનો નથી. તેને બીજાના કરેલા કાયદા બંધન કરનારા નથી.જો લોકો એકવાર શીખી લે કે, આપણને અન્યાયી લાગે તે કાયદાને માન આપવું એ નામર્દાઈ છે, તો પછી આપણને કોઈનો ઝુલમ બંધન કરી શકતો નથી. વળી, તમારી મરજીમાં આવે તો તમે અમને કાપજો, મરજીમાં આવે તો તોપે ઉડાવજો. પણ અમને જે પસંદ નથી તે તમે કરો તો તેમાં અમે તમને મદદ નથી કરવાના, અને અમારી મદદ વિના તમારાથી એક ડગ ભરી શકાય તેમ નથી. આ સ્વરાજની ચાવી છે.

સત્યાગ્રહ અથવા આત્મબળ એ શબ્દ જે માણસો પોતાના હક મેળવવા પોતે દુઃખ સહન કરે છે, તે રીતને લાગુ પડે છે. જ્યારે મને કંઈ કામ પસંદ ન પડે, ત્યારે તે કામ હું ન કરું, તેમાં હું સત્યાગ્રહ અથવા આત્મબળ વાપરું છું. સત્યાગ્રહમાં હું આપભોગ આપું છું. અમુક કાર્ય ખરાબ લાગ્યું, તો તે ન કરવું અને તેમ કરતાં દુઃખ ભોગવવું. આ સત્યાગ્રહનું સ્વરૂપ છે.

સત્યાગ્રહી થવું જેટલું સહેલું છે, તેટલું જ કઠણ છે. જે માણસ દેશહિતને કારણે સત્યાગ્રહી થવા માગે છે, તેણે બ્રહ્મચર્ય પાળવું જોઈએ, ગરીબાઈ ધારણ કરવી જોઈએ, સત્ય સેવન કરવું જ પડે અને તેનામામ અભયતા આવવી જ જોઇએ. બ્રહ્મચર્ય વિના મનની ગાંઠ સજ્જડ થનાર નથી. જેનું મન વિષયમાં ભમે છે, તેનાથી કશી દોડ થવાની નથી. જેમ બ્રહ્મચર્યની જરૂર છે, તેમ ગરીબાઈ લેવાનીયે જરૂર છે. પૈસાનો લોભ અને સત્યાગ્રહનું સેવન, એ સાથે-સાથે બની શકે તેવું નથી. સત્યાગ્રહનું સેવન કરતાં પૈસો ચાલ્યો જાય તો બેફિકર રહેવું ઘટે છે. અને સત્યનું સેવન ન કરે, તે સત્યનું બળ કેમ દેખાડી શકે? એટલે સત્યની તો બરાબર જરૂર પડશે જ. ગમે તેટલું નુકશાન થતું હોય, તો પણ સત્યને નહીં છોડી શકાય. અને અભયતા વિના તો સત્યાગ્રહીની ગાડી એક ડગલું પણ નહીં ચાલી શકે. અભય સર્વથા અને સર્વ વસ્તુ બાબત ઘટશે.

સાધ્ય-સાધનની એકરૂપતા અનિવાર્ય

સારાં પરિણામ લાવવાને સારાં જ સાધનો જોઈએ. સાધન અને સાધ્ય – મુરાદ – વચ્ચે સંબંધ નથી, તે બહૂ જ મોટી ભૂલ છે. એ ભૂલથી, જે ધર્મિષ્ઠ માણસો ગણાયા છે, તેઓ એ ઘોર કર્મ કર્યા છે. એ તો કડવીનો વેલો વાવી તેમાંથી મોગરાનાં ફૂલની ઇચ્છા રાખવા જેવું થયું. સાધન એ બીજ છે અને સાધ્ય- મેળવવાનું – એ ઝાડ છે. એટલે જેટલો સંબંધ બીજ અને ઝાડ વચ્ચે છે, તેટલો સાધન અને સાધ્ય વચ્ચે છે. સેતાનને ભજીને હું ઈશ્વર-ભજનનું ફળ મેળવું એ બનવા જોગ નથી. જેવી કરણી, તેવી પાર ઊતરણી હોય છે. અશુદ્ધ સાધનોથી અનિષ્ટ પરિણામ જ નીકળશે.

હિંસા સર્વથા, સર્વત્ર, સર્વકાળે ત્યાજ્ય ને વર્જ્યં

અંગ્રેજો સામે લડવું હશે, તો હિંદને હથિયારબંધ કરવું જ પડશે, એ માન્યતા સાવ ખોટી છે. હિંદને હથિયારબંધ કરવું, તે તો હિંદને યુરોપની જેમ બનાવવા જેવું છે. તેમ થાય તો યુરોપના જે બેહાલ છે, તે હિંદના થાય. હિંદની પ્રજા કદી હથિયાર ધારણ નહીં કરે. ન કરે એ ઠીક જ છે. એ વિચારતો હિંદની પવિત્ર ભૂમિને રાક્ષસી બનાવવાનો લાગે છે. ખૂન કરીને હિંદને ગુલામીમાંથી છોડાવીશું, એવો વિચાર કરતાં તમને ત્રાસ કેમ નથી છૂટતો? હિંદી પ્રજા એવું કદી ઇચ્છતી નથી. ખૂન કરીને રાજ ભોગવશે, તે પ્રજાને સુખી કરવાના નથી. જે ખૂન ઘીંગારાએ કર્યું (લંડનમાં એક અંગ્રેજ અફસરનું), જે ખૂન હિંદુસ્તાનમાં થયાં છે. તેથી ફાયદો થયો છે, એમ માનતા હોય, તે મોટી ભૂલ કરે છે. ઘીંગારાને હું દેશાભિમાની ગણું છું, પણ તેની પ્રીતિ ઘેલી હતી. તેણે પોતાનાશરીરનો ભોગ કુમાર્ગે આપ્યો છે. તેથી અંતે ગેરફાયદો જ છે.

લંડનમાં વસતા એકે એક જાણીતા અરાજકતાવાદી હિંદીના પ્રસંગમાં હું આવ્યો હતો. એમના શૂરાતનની છાપ મારા પર પડેલી. પણ મને લાગ્યું કે એમની ઘગશે અવળી દિશા પકડી છે. દારૂગોળો એ હિઁદને સદે તેવી વસ્તુ નથી. મનમાં એવો વહેમ પણ ન લાવો કે આપણને સ્વરાજ મળવામાં દારૂગોળાની જરૂર છે. ચોક્કસ માનજો કે, હિઁસા એ હિંદુસ્તાનનાં દુ:ખોનો ઇલાજ નથી. આપણી સંસ્કૃતિ જોતાં હિંદુસ્તાનને આત્મરક્ષા સારુ ભિન્ન અને ઉચ્ચ્તર પ્રકારનું કોઇ શસ્ત્ર વાપરવું જોઇએ. અને તે સત્યાગ્રહ જ હોઈ શકે. હિંદુસ્તાન અંગ્રેજથી નહીં, એમના સુધારાથી કચરાયેલું છે

જે કારણથી દરદી માંદો પડ્યો હોય, તે કારણ દૂર કરે તો દરદી સાજો થાય, એ જગત પ્રસિદ્ધ વાત છે. તેમ જ જે કારણથી હિંદ ગુલામીમાં આવ્યું, તે કારણ દૂર થાય તો તે બંધનમુક્ત થાય. અંગ્રેજોને લાવ્યા આપણે અને તેઓ અહીં રહે છે આપણે લીધે. આપણે તેમનો સુધારો ગ્રહણ કર્યો છે તેથી જ તે અહીં રહી શકે છે. તેઓની ઉપર તમે તિરસ્કાર કરો છો, તે તેઓના સુધારા ઉપર કરવો ઘટે છે.

હિંદુસ્તાન અંગ્રેજે લીધું એમ નથી. પણ આપણે તેને દીધું છે. હિંદુસ્તાનમાં તેઓ પોતાના બળે નથી ટકી શક્યા, પણ આપણે એઓને રાખ્યા છે. જેમ આપણે તેઓને આપ્યું, તેમ આપણે હિંદુસ્તાન તેઓની પાસે રહેવા દઈએ છીએ. તેઓએ હિંદુસ્તાન તલવારથી લીધૂં એમ તેઓમાંના કેટલાક કહે છે,અને તલવારથી રાખે છે એમ પણ કહે છે. આ બંને વાત ગલત છે. હિંદુસ્તાનને રાખવામાં તલવાર કંઈ જ કામ આવે એમ નથી. આપણને જ તેઓએ આપણે ત્યાં રહેવા દઈએ છીએ.

તેઓનો પરમેશ્વર પૈસો છે, એ ધ્યાનમાં રાખવાથી બધા ખુલાસા થઈ શકશે. તેઓને જે દેશને રાખે છે, તે દેશને વેપારના અર્થે રાખે છે. અંગ્રેજો વેપારને અર્થે હિંદમાં આવ્યા, વેપારના અર્થે રહે છે, અને તેઓને રાખવામાં આપણે જ મદદગાર છીએ. અંગ્રેજ પોતાના માલને સારુ દુનિયાને પોતાની બજાર બનાવવા માગે છે.

માટે મારો ખાસ અભિપ્રાય છે કે, હિંદુસ્તાન અંગ્રેજથી નહીં, પણ આજકાલના એમના સુધારા નીચે કચરાયેલું છે, તેની ઝડપમાં આવી ગયું છે. સુધારાની હોળીમાં જે માણસો બળી મૂઆં છે, તેની તો હદ જ નથી. તેની ખૂબી તો એ છે કે, માણસો સારું માનીને તેમાં ઝંપલાવે છે, તેઓ નથી રહેતા દીનના(ધર્મના) કે નથી રહેતા દુનિયાના. તેઓ ખરી વસ્તુને તદ્દન ભૂલી જાય છે. સુધારો તે ઉંદરની જેમ ફૂંકી ફોલી ખાય છે.

આ સુધારો તે કેવો સુધારો, એ તો મુસીબતે માલૂમ પડે તેમ છે. તબીબો પણ તમને કહેશે કે, ઘાસણીના દરદરવાળો મૉતના દહાડા લગી પણ જીવવાની આશા રાખ્યા કરે છે. ઘાસણીનો રોગ ઉપરથી દેખાય એવી ઈજા કરતો નથી. વળી, તે રોગ માનસને ખોટી લાલી આપે છે. તેથી રોગી વિશ્વાસે તણાયા કરે છે અને છેવટે ડૂબે છે. તેમ જ સુધારાનું સમજવું. તે અદ્રશ્ય રોગ છે. તેનાથી ચેતજો.

આ કુધારો ન ખપે, હરગિજ ન ખપે

હું અંગ્રેજોને વિનયપૂર્વક કહીશ કે, તમે જે સુધારાની હિમાયત કરો છો, તેને અમે કુધારો જાણીએ છીએ. જે હિંદીને ખરી ખુમારી ચઢી હશે, તે જ ઉપર પ્રમાણે અંગ્રેજને કહી શકશે અને તેઓના રૂઆબમાં નહીં દબાય. આવી ખરી ખુમારી તો તેને જ ચઢે કે જે જ્ઞાનપૂર્વક માને કે, હિંદી સુધારો તે સર્વોપરી છે અને યુરોપી સુધારો તે ત્રણ દહાડાનો તમાસો છે. એવા સુધારા તો કંઈ થય ગયા ને રોળાયા, કંઈ થશે ને રોળાશે. આવી ખરી ખુમારી તો તેને જ હોઈ શકશે કે જે આત્મબળ અનુભવી શરીરબળથી નહીં દબાતાં નીડર રહેશે અને તપોબળનો સ્વપ્ને પણ ઉપયોગ કરવા નહીં ધારે. આવી ખરી ખુમારી તેને જ રહેશે કે જે હિંદી અત્યાચારની દયામણી દશાથી બહુ જ અકલાયો હશે અને જેણે ઝેરનો પ્યાલો પહેલેથી જ પી લીધો હશે. આવો હિંદી એક જ હશે, તો તે પણ ઉપર મુજબ અંગ્રેજને કહેશે અને તે અંગ્રેજને સાંભળવું જોઈશે.

બધા સમજશે કે અંગ્રેજનો દોષ કાઢવો તે વ્યર્થ છે. તેઓ આપણે વાંકે આવ્યા, આપણે વાંકે રહ્યા છે અને આપણો વાંક દૂર થયે જશે અથવા બદલાશે. બધા હિંદી સમજશે કે આપણે દુઃખ સહન કરીને જ બંધન છોડાવી શકીશું. બધા હિંદી સમજશે કે આપણે જે પાપ અંગ્રેજને તેમના સુધારામાં ઉત્તેજન આપીને કર્યું છે, તેનું નિવારણ કરવા દેહાંત લગી આંદામાનમાં રહીએ તો જરાયે વધારે પડતું નથી થયું. બધા હિંદી સમજશે કે કોઇ પણ પ્રજા દુઃખ વેઠ્યા વિના ચઢી શકતી નથી. રણ સંગ્રામમાં પણ કસોટી તે દુઃખ છે, બીજા ને મારવા તે નથી. તેમ જ સત્યાગ્રહ વિશે છે. સત્યાગ્રહ, આત્મબળ કે પ્રેમબળ એ જ સ્વરાજની મેળવવાની ચાવી છે. તે બળ અજમાવવા સર્વથા સ્વદેશી પકડવાની જરૂર છે. બધા હિંદી સમજશે કે ‘બીજા કરે ત્યારે આપણે કરીશું,’ એ ન કરવાનું બહાનું છે. આપણને સારું લાગે છે તે વાસ્તે આપણે કરો, બીજાને ભાસશે ત્યારે તે કરશે. એ જ કરવાનો રસ્તો છે. મારું કર્તવ્ય મારે કરી લેવું, તેમાં બધી કાર્યસિદ્ધિ આવે છે.

ખરો સુ-ધારો આ છે – હું માનું છું કે જે સુધારો હિંદુસ્તાને બતાવ્યો છે, તેને દુનિયામાં કંઈ જ પહોંચી શકે તેમ નથી. મારા મત પ્રમાણે દુનિયાને હિંદી સુધારો અમુલ્યમાં અમૂલ્ય છે.

સુધારો એ વર્તન છે કે જેથી માણસ પોતાની ફરજ બજાવે. ફરજ બજાવવી તે નીતિ પાળવી એ છે. નીતિ પાળવી એ આપણા મનને તથા આપણી ઇંન્દ્રિયોને વશ રાખવી એ છે. એમ કરતાં આપણે આપણને ઓળખીએ છીએ. આ જ ‘સુ’ એટલે સારો ધારો છે. તેથી જે વિરુદ્ધ છે, તે કુધારો છે.

(યજ્ઞ પ્રકાશન, હુજરતપાગા, વડોદરા દ્વારા પ્રકાશિત અને શ્રી કાન્તિભાઈ શાહ દ્વારા લખાયેલ પુસ્તક ‘હિંદ સ્વરાજ – એક અધ્યયન (ગાંધીને પામવાનો એક પ્રયાસ)’ માંથી સાભાર. પુસ્તક કિંમત ૫૦ રૂપિયા, પૃષ્ઠ સંખ્યા ૨૬૨)

હિંદ સ્વરાજ ભલભલા થાપ ખાઈ જાય એવું પુસ્તક છે. ગોખલેને આ લખાણ એટલું અણઘડ લાગેલું કે તેમણે ભવિષ્ય ભાખ્યું કે ગાંધી હિંદમાં એક વરસ રહ્યા પછી જાતે જ આ પુસ્તકનો નાશ કરશે. નહેરૂએ કહેલું કે હું આને અવાસ્તવિક માનું છું. કોંગ્રેસે તો તેની ચર્ચા વિચારણા કરવાનું જ મુનાસિબ નથી માન્યું. જ્યારે બીજી બાજુ ગાંધીજીએ જાતે થઈને લખ્યું હોય, અંદરના ધક્કાથી લખ્યું હોય તેવું આ એક જ પુસ્તક છે, એમણે કહ્યું છે, ‘જ્યારે મારાથી નથી રહેવાયું ત્યારે જ મેં લખ્યું છે. બહુ વાંચ્યુ, બહુ વિચાર્યું જે મારા વિચારો છેવટના લાગ્યા તે વાંચનારની પાસે મૂકવા મારી ફરજ સમજ્યો છું.’ આ પુસ્તકના મૂળ વિચારનો શ્રી કાન્તિભાઈ શાહનો સંવર્ધિત અને સરળ આસ્વાદ આજે અત્રે પ્રસ્તુત કર્યો છે. ગાંધી નિર્વાણ દિવસે આજે તેમના વિચારોને સાચા અર્થમાં સમજવા અને આત્મબદ્ધ કરવાથી વધુ મોટી શ્રદ્ધાંજલી કઈ હોઈ શકે?