મારામાં ત્રણ પ્રકારનું પાગલપણું છે. પહેલું પાગલપણું આ છે મારો દ્રઢ વિશ્વાસ છે કે ભગવાને જે કાંઈ ગુણ ઉચ્ચ સંસ્કારો, વિદ્યા અને ધન આપ્યું છે તે બધું ભગવાનનું જ છે. પોતાના કુટુંબના નિર્વાહ માટે તથા બીજી અત્યંત જરૂરી વસ્તુઓ માટે જેટલું જોઈએ તેટલું જ પોતાને અર્થે ખર્ચ કરવાનો માણસને અધિકાર છે. તે પછી જે બાકી રહે તે ભગવાનને પાછું સોંપી દેવુ જોઈએ. હું જો બધું જ મારા માટે, મારા સુખ માટે, મારા ભોગવિલાસ માટે વાપરી નાખું તો હું ચોર બનું. બીજું પાગલપણું મારામાં હમણાં પ્રવેશ્યું છે કે કોઈપણ રીતે ભગવાનનો સાક્ષાત્કાર કરવો. એ માર્ગ ગમે તેટલો દુર્ગમ હોય પણ એ માર્ગે જવાનો મેં સંકલ્પ કર્યો છે. ત્રીજું પાગલપણું આ છે સામાન્ય લોકો સ્વદેશને એક જડ પદાર્થ – અમુક મેદાનો, ખેતરો, વનો, પર્વતો અને નદીઓનો બનેલો સમૂહ સમજે છે. પણ હું સ્વદેશને માતારૂપે જોઉં છું, તેની ભક્તિ કરું છું, પૂજા કરું છું. હું જાણું છું કે આ પતિત દેશનો ઉધ્ધાર કરવાનું બળ મારામાં છે, શારીરિક બળ નહિં પણ જ્ઞાનનું બળ. ક્ષાત્રતેજ એ જ કાંઈ એકમાત્ર તેજ નથી, બ્રહ્મતેજ પણ ચે. એ તેજ પ્રભુના જ્ઞાન ઉપર પ્રતિષ્ઠિત છે. આ ભાવના લઈને તો હું જનમ્યો છું. મારા અણુંએ અણુંએ આ ભાવના ઓતપ્રોત છે. આ મહાધ્યેય સિધ્ધ કરવાને મને ભગવાને પૃથ્વી પર મોકલ્યો છે. – શ્રી અરવિંદ