પ્રેરણાદાયક પ્રસંગ-કથાઓ.. મહાત્મા ગાંધી વિશેષ 11


૧. બાપુના મૃતદેહને જાળવવાનું સૂચન!

ગાંધીજીના દેહને કંઈ નહીં તો અમુક સમય સુધી રાસાયણિક પ્રક્રિયાઓ કરીને જાળવી રાખવાનું એક સૂચન આવ્યું. કરોડો લોકો દૂરદૂરથી આવી ને દર્શન કરી શકે, દૂર રહેતાં સ્નેહીઓ પોતાનાં શ્રદ્ધા સુમન ચડાવી શકે, એવી એ સૂચન પાછળ દ્રષ્ટિ હતી. કોઈના પણ અવસાન બાદ ભૌતિક દેહની આમ જાળવણી કરવા સામે ગાંધીજીનો કેટલો વિરોધ હતો તે જાણનાર પ્યારેલાલે ધીરે અવાજે ડૉ. જીવરાજ મહેતાને કાનમાં કહ્યું, ‘એ તો ગાંધીજીની ઇચ્છા વિરુદ્ધ થશે.’

‘તમારે એ વાત સૌને કહેવી જોઈએ’ એમ કહીને ડૉ. મહેતાએ પ્યારેલાલને આગળ ધકેલ્યા. પ્યારેલાલે માઉન્ટબેટનને સંબોધીને કહ્યું, “મારી આપને કહેવાની ફરજ છે કે મૃતદેહને જાળવી રાખવાની પ્રથા સામે ગાંધીજીનો કટ્ટર વિરોધ હતો, અને જ્યાં પણ એમનું મરણ થાય ત્યાં જ તેમના દેહને અગ્નિદાહ દેવાની તેમણે મને ચોક્કસ સૂચના આપી રાખી હતી.”

ડૉ. મહેતા અને જયરામદાસ દોલતરામે પ્યારેલાલને ટેકો આપ્યો. માઉન્ટબેટન કાંઈક દલીલ કરવા જતા હતા કે વિશિષ્ટ સંજોગોમાં અપવાદ… વગેરે પણ વચમાં જ પ્યારેલાલે કહ્યું, “ગાંધીજીએ મને કહ્યું હતું કે આ બાબતમાં તમે તમારી ફરજ ચૂકશો, તો મારા મરણમાં પણ હું તમને ઠપકો આપીશ.” માઉન્ટબેટન માની ગયા, “તેમની ઇચ્છાને માન આપવું ઘટે.”

૨. ‘જય હિન્દ’ શબ્દનું મૂળ

હિન્દુ-મુસલમાન સમભાવ માટે બાપુના છેલ્લાં ઉપવાસનું પારણું હત્યાના બાર દિવસ પહેલાં એટલે કે ૧૮ જાન્યુ ૧૯૪૮ના રોજ કર્યું હતું. આ ઉપવાસમાં બાપુ સાથે ઘણાં લોકો જોડાયા હતા તેમાં પં. નહેરૂ પણ હતા. ઘરના માણસો સિવાય આ ઉપવાસની જાણ કોઈને ન હતી. ૧૮મી જાન્યુ.ના રોજ પં. નહેરૂ પારના પછી ગયા ત્યારે જ તે વાતની ખબર પડી હતી. તુરંત બાપુએ એક ચીઠ્ઠી લખી જેમાં લખ્યું હતું કે ‘ઉપવાસ છોડો અને હિન્દના જવાહર બની રહો.’

શ્રી ગોપાલકૃષ્ણ ગાંધી આ ચિઠ્ઠીમાં ‘હિન્દ’ શબ્દ પર લખે છે કે બાપુએ ઈન્ડીયા, ભારત, હિન્દુસ્તાન ન લખ્યું કે ન લખ્યું દેશ, વતન, રાષ્ટ્ર કે મુલ્કના જવાહર બનો પણ હિન્દ શબ્દ ખાસ પ્રયોજ્યો હતો – જે ત્યારપછી ૧૯૪૭ થી ૧૯૬૩ સુધી પં. નહેરૂ રાષ્ટ્રજોગાં ભાષણના અંતે ‘જયહિન્દ’ કહેતા રહ્યા. આ ‘જયહિન્દ’ શબ્દના પ્રયોજક બાપુ કે નહેરૂ નહિ પણ નેતાજી સુભાષચંદ્ર બોઝ હતા.

પ્રો. સુગત બોઝ તેમની બુકમાં લખે છે કે નેતાજી પોતાના અનુયાયીઓ માટે કોઈ સત્કારવાના શબ્દની શોધમાં હતા – જે શબ્દ બધાં ધર્મના લોકોને સ્વીકાર્ય હોય. એક દિવસ આબિદ હુસનૈ થોડા રાજપુત સૈનિકોને ‘જય રામજી કી’ કહેતા સાંભળ્યા જેમાંથી તેમણે ‘જય હિન્દુસ્તાન કી’ શબ્દ સૂચવ્યો. પણ બોલવામાં વધુ સુગમ અને સંગીતમય લાગે તેથી તેને ટૂંકાવી ‘જય હિન્દ’ શબ્દ પ્રયોજ્યો હતો.

૩. સાધુ કે સેવક

વર્ષોના સાધુ જીવન પછી એક હિંદુ સાધુને સમાજ અને દેશ સેવાની ઈચ્છા થઈ એટલે એ સાબરમતી આશ્રમમાં બાપુ પાસે આવ્યા અને પોતાની ઇચ્છા વ્યક્ત કરી કોઈ પણ કાર્ય કરવાનો આદેશ માંગ્યો. બન્ને વચ્ચેના વાર્તાલાપનો ભાવાર્થ કંઈક આવો હતો. ગાંધીજીએ કંઈક આવું કહ્યું, ‘ભલે, તમારા જેવા બધા જ સાધુ સંતો આવી સેવામાં લાગી જાય તો આપણો દેશ જલદી બેઠો થઈ જાય. હવે પેહેલો આદેશ એ છે કે તમે આ ભગવા કપડાં ઉતારો અને સાદા સંસારી કપડા પહેરી લ્યો.’

પેલા સાધુ મહારાજનો ક્રોધ ભભૂક્યો. બાપુને કહે ‘હું ઝાડું કાઢીશ, સંડાસ પણ સાફ કરીશ, ઉપવાસ પણ કરીશ, પરંતુ વરસોના તપ સાથે પહેરેલા આ ભગવા કપડાં તો ન જ ત્યજુંં.’

ગાંધીજી કહે, ‘આ દેશના માનવો એટલા શ્રદ્ધાળુ અને ભોળા ભાવિક છે કે આ કપડામાં તમને જોઈને પ્રથમ વંદન કરશે અને પછી તમારા હાથમાંથી આ ઝાડુ લઈને પોતે એ કામ કરશે, તમને આવા કામ નહિ કરવા દે. અહીં આવીને આંતર સાધનાના કપડાંના નિયમો ત્યજ્યા તો હવે એ કપડાં પણ ત્યજો. સાધનાનો માર્ગ સ્વીકાર્યો તો સાધનામાં રહો, સેવાનો માર્ગ સ્વીકાર્યો તો અમારા જેવા બની જાવ, બધાં તમને સરળતાથી સેવા કરવા દેશે.’

– ધનવંત ટી. શાહ

૪. આરામ, આત્મશુદ્ધિ અને ઉપાસના

આશ્રમના વિદ્યાર્થીઓની ક્ષતિઓને સારુ પોતાની જવાબદાર ગણી ગાંધીજીએ નવેમ્બર ૧૯૨૫ની ૨૪મીથી ૩૦મી સુધી ઉપવાસ પણ કરેલા. એ ઉપવાસને છેલ્લે દિવસે તેમણે કહ્યુંઃ “હું તો સત્યનો શોધક છું. મોટી મોટી જબરદસ્ત સરંજામવાળી ધવલગિરીની ચડાઈઓ કરતાં સત્યના મારા પ્રયોગોને હું અસંખ્યગણા અગત્યના માનું છું…. મારા અંતરાત્માનો અવાજ સાંભળતો હું અટક્યો કે હું નકામો થઈ પડવાનો છું…”

એકવાર તેમણે ગૂજરાત મહાવિદ્યાલયના વિદ્યાર્થીઓ અને અધ્યપકોને સમજાવતાં કહ્યું હતુંઃ “આપણે આત્મબળ કેળવવા એકઠા થયા છીએ – તેમાં ભલે એક સાથી હો કે અનેક. આત્મબળ એ જ ખરું બળ છે. એ બળ તપશ્વર્યા, ત્યાગ, દ્રઢતા, શ્રદ્ધા, નમ્રતા વિના આવતું નથી એ ખચીત માનજો.” અને આશ્રમના મંત્રી અગનલાલ જોશીને તેમણે લખ્યું હતુંઃ “જેમ જેમ અંતરાત્માને સાંભળતા જશો તેમ તેમ તમારા નિર્ણયો શુદ્ધ થશે, તમે શુદ્ધ થશો, નિર્મળ થશો, શાંત થશો.”

ગાંધીજીને મન આત્મશક્તિ વધારવાનો રસ્તો ઈશ્વરથી ડરીને ચાલવું અને નિરંતર આત્મશુદ્ધિ કરતા રહેવું. આ પ્રક્રિયા તેમને જેટલા પ્રમાણમાં પોતાની વ્યક્તિગત સાધના લાગતી તેટલી જ સમાજનું બળ વધારનારી પણ લાગતી. કારણ તેઓ જીવનને અખંડિત રીતે જોતા. તેમના મનમાં ખાનગી અને જાહેર જીવન એવા ભેદ નહોતા. જેમ એક વૈજ્ઞાનિક પોતાનો પ્રયોગ એની નાનકડી પ્રયોગશાળામાં કરે છે, પણ એ પ્રયોગને અંતે એને લાધેલું તથ્ય એ આખી દુનિયા સારુ ઉપલબ્ધ હોય છે, તેમજ ગાંધીજીને મન આત્મરીક્ષણ અને આત્મશુદ્ધિ મારફત મેળવેલું સત્ય પણ જગત આખા સારુ ઉપલબ્ધ હતું. જેને એમાં રસ હોય તે અનુભવનો લાભ લે. સ્વિટ્ઝર્લેંડની ‘વર્લ્ડ્ઝ યૂથ’ પત્રિકાના તંત્રીને તેમણે પોતના અનુભવો સાર અત્યંત સંક્ષેપમાં પણ અચૂક રીતે પાઠવ્યોઃ “સત્ય અને પ્રેમ મારા જીવનના માર્ગદર્શક સિદ્ધાંતો રહ્યા છે. ઈશ્વર જે અવર્ણનીય તેનું વર્ણન કરી શકાય તેમ હોય તો મારે કહેવું જોઈએ કે ઈશ્વર સત્ય છે. તેને, એટલે કે સત્યને, પ્રેમ સિવાય બીજી રીતે પહોંચવું અશક્ય છે. પ્રેમ પૂરેપૂરો માત્ર ત્યારે જ વ્યક્ત થઈ શકે જ્યારે માણસ પોતાની જાતને શૂન્યવત બનાવી દે. શૂન્યવત થવાની આ પ્રક્રિયા પુરુષ કે સ્ત્રી કરી શકે એવો એક ઉત્તરોતર વધતા જતા આત્મસંયમ દ્રારા જ એ થઈ શકે એમ છે.”

આ પુરુષાર્થને ગાંધીજી કઠણ જરૂર માને છે, પણ તેથી તેનાથી તેઓ ડરી જતા નથી. તેમને તો જીવનને ડગલે ને પગલે આ બાબત કરેલા પ્રયત્નને લીધે એના કેટલાક ધોરી માર્ગ મળી ચૂક્યા છે. આ માર્ગમાં ચાલનારે વધુ ને વધુ નમ્ર બનતા જવાનું છે, એ નમ્રતા છેવટે ભક્તિમાં પલટાવી જોઈએ અને તે ભક્તિ એકનિષ્ઠાથી થવી જોઈએ.

(મારું જીવન એ જ મારી વાણી)

– ‘આનંદ ઉપવન’ સામયિકમાંથી સાભાર (જાન્યુઆરી ૨૦૧૫)

૩૦ જાન્યુઆરી એટલે મહાત્મા ગાંધીજીનો નિર્વાણદિવસ, આજે તેમના મૃત્યુના સડસઠ વર્ષો પછી પણ તેમના વિચારો અને પદ્ધતિ આજના વિશ્વ માટે એટલી જ પ્રસ્તુત અને અસરકારક છે જેટલી ત્યારે હતી. ઓબામા હોય કે મંડેલા, મોદી હોય કે આંગ સૂ કી કે અન્ય કોઈ પણ વિશ્વનેતા, ગાંધીજીના વિચારો અને આદર્શો સાથે આ દરેકે કદમતાલ મિલાવવાનો જ સંદેશ વિશ્વને આપ્યો છે. એક વર્ષ જૂનું, અત્યંત સુંદર અને વાંચનપ્રદ સાહિત્ય પીરસતું સામયિક ‘આનંદ ઉપવન’ જાન્યુઆરી અંકને ‘બાપુ વિશેષાંક’ તરીકે લઈને ઉપસ્થિત થયું છે અને તેની પ્રસ્તુતિ ખરેખર દાદ માંગી લે તેવી સુંદર છે. આજે તેમાંથી જ કેટલાક સંકલિત પ્રસંગો પ્રસ્તુત છે.


આપનો પ્રતિભાવ આપો....

11 thoughts on “પ્રેરણાદાયક પ્રસંગ-કથાઓ.. મહાત્મા ગાંધી વિશેષ