પ્રસંગનું પુણ્યસ્મરણ – ગાંધીજી 5


જ્યારે હું ડરબનમાં વકીલાત કરતો હતો ત્યારે ઘણી વાર મારા મહેતાઓ મારી સાથે રહેતા. તેમાં હિંદુ અને ખિસ્તી હતા, ગુજરાતી અને મદ્રાસી હતા. તેમના વિશે મારા મનમાં કદી ભેદભાવ ઉપજ્યાનું મને સ્મરણ નથી. તેમને હું કુટુંબીજન ગણતો અને જો પત્ની તરફથી તેમાં કંઈ વિઘ્ન આવે તો તેની જોડે લડતો. એક મહેતો ખિસ્તી હતો. તેના માતાપિતા પંચમ જાતિનાં હતાં. ઘરની બાંધણી પશ્ચિમ ઘાટની હતી. તેમાં કોટડીઓમાં ખાળ હોતા નથી. તેથી દરેક કોટડીમાં મોરીને બદલે પેશાબને સારુ ખાસ વાસણ હોય છે, તે ઉપાડવાનું કામ નોકરનું નહોતું પણ અમારું ધણી ધણિયાણીનું હતું. મહેતાઓ જે પોતાને ઘરના જેવા માનતા થઈ જાય તે તો પોતાનું વાસણ ઉપાડે પણ ખરાં. આ પંચમ કુળમાં જન્મેલ મહેતા નવા હતા. તેમનું વાસણ અમારે જ ઉપાડવું જોઈએ. બીજાં તો કસ્તૂરબાઈ ઉપાડતી, પણ આ તેને મન હદ આવી. અમારી વચ્ચે કલેશ થયો. હું ઉપાડું એ તેને ન પાલવે, તેને પોતાને ઉપાડવું ભારે થઈ પડ્યું. આંખમાંથી મોતીનાં બિંદુ ટપકાવતી, હાથમાં વાસણ ઝાલતી અને મને પોતાની લાલ આંખોથી ઠપકો આપતી સીડીએથી ઊતરતી કસ્તૂરબાઈને હું આજે પણ ચીતરી શકું છું.

પણ હું તો જેવો પ્રેમાળ તેવો ઘાતકી પતિ હતો. મને પોતાને હું તેનો શિક્ષક પણ માનતો ને તેથી મારા અંધ પ્રેમને વશ થઈ સારી પેઠે પજવતો. આમ તેના માત્ર વાસણ ઊંચકી જવાથી મને સંતોષ ન થયો. તે હસતે મુખે લઈ જાય તો જ મને સંતોષ થાય. એટલે મેં બે બોલ ઊંચે સાદે કહ્યાં. “આ કંકાસ મારા ઘરમાં નહીં ચાલે” હું બબડી ઉઠ્યો.

આ વચન તીરની જેમ ખૂચ્યું. પત્ની ધગી ઉઠી, “ત્યારે તમારું ઘર તમારી પાસે રાખો. હું ચાલી.”

હું તો ઈશ્વરને ભૂલ્યો હતો. દયાનો છાંટો સરખો રહ્યો નહોતો. મેં હાથ ઝાલ્યો. સીડીની સામે જ બહાર નીકળવાનો દરવાજો હતો. હું આ રાંક અબળાને પકડીને દરવાજા લગી ખેંચી ગયો. દરવાજો અરધો ઉઘાડ્યો.

આંખમાંથી ગંગા જમના વહી રહ્યાં હતાં, અને કસ્તૂરબાઈ બોલી, “તમને તો લાજ નથી. મને છે. જરા શરમાઓ. હું બહાર નીકળીને ક્યાં જવાની હતી? અહીં માંબાપ નથી કે ત્યાં જાઊં. હું બાયડી થઈ એટલે મારે તમારા ધુંબા ખાવા જ રહ્યા. હવે લજવાઓ અને બારણું બંધ કરો. કોઈ જોશે તો બેમાંથી એકે નહીં શોભીએ.”

મેં મોં તો લાલ રાખ્યું, પણ શરમાયો ખરો. દરવાજો બંધ કર્યો. જો પત્ની મને છોડી શકે તેમ નહોતી તો હું પણ તેને છોડીને ક્યાં જનારો હતો? અમારી વચ્ચે કજિયા તો પુષ્કળ થયા છે, પણ પરિણામ હંમેશા કુશળ જ આવ્યું છે. પત્નીએ પોતાની અદભુત સહનશક્તિથી જીત મેળવી છે.

આ પુણ્યસ્મરણમાંથી કોઈ એવું તો નહીં માની લે કે અમે આદર્શ દંપતી છીએ અથવા તો મારી ધર્મપત્નીમાં કંઈ જ દોષ નથી, અથવા તો અમારા આદર્શો હવે તો એક જ છે. પણ તેનામાં એક ગુણ બહુ મોટા પ્રમાણમાં છે જે બીજી ઘણી હિંદુ સ્ત્રીઓમાં ઓછાવત્તા પ્રમાણમાં રહેલો છે. મને-કમને, જ્ઞાનથી-અજ્ઞાનથી, મારી પાછળ ચાલવામાં તેણે પોતાના જીવનની સાર્થકતા માની છે, અને સ્વચ્અ જીવન ગાળવાના મારા પ્રયત્નમાં મને કદી રોક્યો નથી. આથી જોકે અમારી બુદ્ધિશક્તિમાં ઘણું અંતર છે છતાં અમારું જીવન સંતોષી, સુખી અને ઉર્ધ્વગામી છે એમ મને લાગ્યું છે.

કસ્તૂરબાઈ ઉપર ત્રણ ઘાતો ગઈ, અને ત્રણેમાંથી તે કેવળ ઘરઘરાઉ ઉપચારોથી બચી ગઈ. તેમાંનો પહેલો પ્રસંગ બન્યો ત્યારે સત્યાગ્રહનું યુદ્ધ ચાલી રહ્યું હતું. તેને વારંવાર રક્તસ્ત્રાવ થયા કરતો. એક દાક્તર મિત્રે શસ્ત્રક્રિયા કરવાની ભલામણ કરી હતી. કેટલીક આનાકાની બાદ પત્નીએ શસ્ત્રક્રિયા કરાવવાની હા પાડી. શરીર તો ઘણું ક્ષીણ થઈ ગયું હતું. દાક્તરે ક્લૉરોફૉર્મ વિના શસ્ત્રક્રિયા કરી. ક્રિયા વખતે દરદ ખૂબ થતું હતું, પણ જે ધીરજથી કસ્તૂરબાઈએ તે સહન કર્યું તેથી હું તો આશ્ચર્યચક્તિ થયો. ક્રિયા નિર્વિઘ્ને પૂરી થઈ. દાક્તરે અને તેમનાં પત્નીએ કસ્તૂરબાઈની સરસ બરદાસ કરી.

આ બનાવ ડરબનમાં બન્યો હતો. બે કે ત્રણ દિવસ પછી મને નિશ્ચિંતપણે જોહનિસબર્ગ જવાની દાક્તરે રજા આપી. હું ગયો. થોડા જ દિવસમાં ખબર મળ્યા કે કસ્તૂરબાઈનું શરીર મુદ્દલ વળતું નથી, ને તે પથારીએથી ઊઠીબેસી શક્તી નથી. એક વાર બેહોશ પણ થઈ ગઈ હતી. દાક્તર જાણતા હતા કે મને પૂછ્યા વિના કસ્તૂરબાઈને દારૂ અથવા માંસ દવામાં કે ખાવામાં ન અપાય. દાક્તરે મને જોહનિસબર્ગ ટેલિફોન કર્યો, “તમારા પત્નીને હું માંસનો સેરવો અથવા ‘બીફ ટી’ આપવાની જરૂર જોઊં છું. મને રજા મળવી જોઈએ.”

મેં જવાબ આપ્યો, “મારાથી એ રજા નહીં અપાય. પણ કસ્તૂરબાઈ સ્વતંત્ર છે. તેને પૂછવા જેવી સ્થિતિ હોય તો પૂછો ને તે લેવા માગે તો બેલાશક આપો.”

“દરદીને આવી બાબતો પૂછવાની હું ના પાડું છું. તમારે પોતે અહીં આવવાની જરૂર છે. જો મને ગમે તે ખવડાવવાની છૂટ ન આપો તો તમારી સ્ત્રીને સારુ હું જોખમદાર નથી.”

મેં તે જ દહાડે ડરબનની ટ્રેન લીધી. ડરબન પહોંચ્યો. દાક્તરે સમાચાર આપ્યા, “મેં તો સેરવો પાઈને તમને ટેલિફોન કર્યો હતો!”

“દાક્તર, હું આને દગો માનું છું.” મેં કહ્યું.

“દવા કરતી વખતે દગોબગો હું સમજતો નથી. અમે દાક્તરો આવે સમયે દરદીને કે તેના સંબંધીઓને છેતરવામાં પુણ્ય માનીએ છીએ. અમારો ધર્મ તો ગમે તેમ કરીને દરદીને બચાવવાનો છે.” દાક્તરે દ્રઢતાપૂર્વક જવાબ આપ્યો.

મને ખૂબ દુઃખ થયું, હું શાંત રહ્યો. દાક્તર મિત્ર હતા, ભલા હતા. તેમનો અને તેમનાં પત્નીનો મારા ઉપર ઉપકાર હતો. પણ ઉપલી વર્તણૂક સહન કરવા હું તૈયાર નહોતો.

“દાક્તર, હવે ચોખવટ કરો. શું કરવા માગો છો? મારી પત્નીને હું કદી તેની ઈચ્છા વિના માંસ દેવા નહીં દઊં. તે ન લેતા તેનું મૃત્યુ થવાનું હોય તો તે સહન કરવા હું તૈયાર છું.”

દાક્તર બોલ્યા, “તમારી ફિલસૂફી મારે ઘેર તો નહીં જ ચાલે. હું તમને કહું છું કે તમારી પત્નીને મારે ઘેર રહેવા દેશો ત્યાં લગી હું તેને જરૂર માંસ અથવા જે કંઈ આપવું ઘટશે તે આપીશ. જો એમ ન કરવું હોય તો તમે તમારી પત્નીને લઈ જાઓ. મારા ઘરમાંજ હાથે કરીને હું તેનું મરણ થવા નહિં દઊં.”

“ત્યારે શું તમે એમ કહો છો કે મરે મારી પત્નીને હમણાં જ લઈ જવી?”

“હું ક્યાં કહું છું કે લઈ જાઓ? હું તો કહું છું કે મારા ઉપર કશા પ્રકારનો અંકુશ ન મૂકો. તો અમે બન્ને તેની જેટલી થઈ શકે એટલી બરદાસ કરશું ને તમે સુખે જાઓ. જો આવી સીધી વાત તમે ન સમજી શકો તો મારે લાચારીથી કહેવું જોઈએ કે તમારી પત્નીને મારા ઘરમાંથી લઈ જાઓ.”

હું ધારું છું કે તે વેળા મારો એક દીકરો મારી સાથે હતો. તેને મેં પૂછ્યું. તેણે કહ્યું, “તમે કહો છો એ મને કબૂલ છે, બાને માંસ તો ન જ અપાય.”

પછી હું કસ્તૂરબાઈ પાસે ગયો. તે બહુ અશક્ત હતી. તેને કંઈ પણ પૂછવું મને દુઃખદેણ હતું. પણ ધર્મ સમજીને મેં તેને ટૂંકાણમાં ઉપરની વાત કહી સંભળાવી. તેણે દ્રઢતાપૂર્વક જવાબ આપ્યો -“મારે માંસનો સેરવો નથી લેવો. મનખા દેહ વારે વારે નથી આવતો. ભલે તમારા ખોળામાં હું મરી જાઉં, પણ મારાથી આ દેહ વટલાવાશે નહીં.”

મેં સમજાવાય એટલું સમજાવ્યું ને કહ્યું, “તું મારા વિચારોને અનુસરવા બંધાયેલી નથી.” અમારી જાણના કેટલાક હિંદુ દવાને અર્થે માંસ અને મદ્ય લેતા તે પણ કહી સંભળાવ્યું. પણ તે એકની બે ન થઈ અને બોલી, “મને મને અહીંથી લઈ જાઓ.”

હું બહુ રાજી થયો. લઈ જતાં ગભરાટ થયો. પણ નિશ્ચય કરી લીધો. દાક્તરને પત્નીનો નિશ્ચય સંભળાવ્યો. દાક્તર ગુસ્સે થઈ બોલ્યા, “તમે તો ઘાતકી પતિ દેખાઓ છો. આવી માંદગીમાં તેને બિચારીને આવી વાત કરતાં તમને શરમ પણ ન થઈ? હું તમને કહું છું કે તમારી સ્ત્રી અહીંથી લઈ જવા લાયક નથી. જરા પણ હડદોલો સહન કરે તેવું તેનું શરીર નથી. તેનો પ્રાણ રસ્તામાં જ જાય તો મને આશ્ચર્ય નહિં થાય. છતાં તમે હઠથી નહીં જ માનો તો તમે તમારા મુખી છો. મારાથી તેને સેરવો ન અપાય તો મારા ઘરમાં એક રાત રાખવાનું પણ જોખમ હું નહીં લઉં.”

ઝરમર ઝરમર મેહ વરસ્તઓ હતો. સ્ટેશન દૂર હતું. ડરબનથી ફિનિક્સ રેલરસ્તો ને ફિનિક્સથી લગભગ અઢી માઈલનો પગરસ્તો હતો. જોખમ સારી પેઠે હતું. પણ ઈશ્વર સહાય થશે એમ મેં માની લીધું. મેં ફિનિક્સ એક માણસ આગળ મોકલ્યો. ફિનિક્સમાં અમારી આગળ ‘હૅમક’ હતું. હૅમક તે જાળીવાળા કપડાંની ઝોળી અથવા પારણું. તેના એડા વાંસ ઉપર બંધાય એટલે દરદી તેમાં આરામથી ઝૂલતું રહી શકે. એ હૅમક એક બાટલી ગરમ દૂધની ને એક બાટલી ગરમ પાનીની તથા છ માણસો લઈને ફિનિક્સ સ્ટેશન ઉપર આવવા વેસ્ટને કહેવડાવ્યું.

બીજી ટ્રેન ઉપડવાનો સમય થયો ત્યારે મેં રિક્ષા મંગાવી. ને તેમાં આ ભયંકર સ્થિતિમાં પત્નીને લઈ હું ચાલતો થયો. પત્નીને મારે હિંમત આપવાપણું નહોતું. ઊલટું તેણે મને હિંમત આપીને કહ્યું, “મને કંઈ નહીં થાય. તમે ચિંતા ન કરજો.”

આ હાડપિંજરમાં વજન તો રહ્યું જ નહોતું. ખોરાક કંઈ ખવાતો નહોતો. ટ્રેનમાં ડબ્બા સુધી પહોંચતાં સ્ટેશનના વિશાળ પ્લેટફોર્મ ઉપર લાંબે સુધી ચાલીને જવાનું હતું. ત્યાં રીક્ષા જઈ શકે એમ નહોતું. હું તેને તેડીને ડબ્બા લગી લઈ ગયો. ફિનિક્સ તો પેલી ઝોળી આવેલી. તેમાં અમે દરદીને આરામથી લઈ ગયા. ત્યાં કેવળ પાણીના ઉપચારથી ધીમે ધીમે શરીર બંધાયું.

શસ્ત્રક્રિયા પછી જો કે કસ્તૂરબાઈને રક્તસ્ત્રાવ થોડા સમયને સારુ બંધ રહ્યો હતો પણ પાઓ તેણે ઊથલો માર્યો. તે કેમેય મટે નહીં. નકરા પાણીના ઉપચારો વ્યર્થ નીવડ્યા. પત્નીને જોકે મારા ઉપચારો ઉપર ઝાઝી આસ્થા નહોતી, છતાં તેનો તિરસ્કાર પણ નહોતો. બીજી દવા કરવાનો આગ્રહ નહોતો. તેથી જ્યારે મારા બીજા ઉપચારોમાં સફળતા ન મલી ત્યારે મેં તેને મીઠું અને કઠોળ છોડવા વીનવી. બહુ મનાવતા છતા મારા કથનના ટેકામાં કંઈ કંઈ વંચાવતાં. માને નહિં છેવટે તેણે કહ્યું, “કઠોળ ને મીઠું છોડવાનું તો તમને કોઈ કહે તો તમે પણ ન છોડો.” મને દુઃખ થયું ને હર્ષ પણ થયો. મારો પ્રેમ ઠલવવાનો મને પ્રસંગ મળ્યો. તે હર્ષમાં મેં તુરત જ કહ્યું, “તારી માન્યતા ભૂલભરેલી છે. મને દરદ હોય ને વૈદ આ વસ્તુ કે બીજી કોઈ વસ્તુ છોડવાનું કહે તો જરૂર છોડી દઉં. પણ જા, મેં તો એક વર્ષને સારુ કઠોળ અને મીઠું બન્ને છોડ્યાં. તું છોડે કે ન છોડે એ નોખી વાત છે.”

પત્નીને ભારે પશ્ચાતાપ થયો. તે બોલી ઊઠી, “મને માફ કરો. તમારો સ્વભાવ જાણતાં છતાં કહેતાં કહેવાઈ ગયું. હવે હું તો કઠોળ ને મીઠું નહીં ખાઉં, પણ તમે તો તમારું વેણ પાછું ખેંચી લો, આ તો મને બહુ સજા કહેવાય.”

મેં કહ્યું, “તું કઠોળમીઠું છોડશે તો તો બહુ જ સારું. મારી ખાતરી છે કે તેથી તને ફાયદો જ થશે. પણ લેવાયેલી પ્રતિજ્ઞા મારાથી ફેરવાય નહીં. મને તો લાભ જ થવાનો. ગમે તે નિમિત્તે માણસ સંયમ પાળે તોયે તેમાં લાભ જ છે. એટલે તું મને આગ્રહ ન કરજે. વળી મને પણ મારી પરીક્ષા થઈ રહેશે, ને તે બે વસ્તુઓ છોડવાનો જે નિશ્ચય કર્યો છે તેમાં કાયમ રહેવામાં તને મદદ મળશે.” આ પછી મને મનાવવાપણું તો રહ્યું જ નહીં. “તમે તો બહુ હઠીલા છો. કોઈનું કહ્યું માનવું જ નહીં.” કહી ખોબો આંસુ ઢાળી શાંત રહી.

આને હું સત્યાગ્રહને નામે ઓળખાવવા માંગું છું, ને તેને મારી જિંદગીનાં મીઠાં સ્મરણોમાંનું એક માનું છું.

– ગાંધીજી

(“ગાંધીજીની આત્મકથા – એમના જ શબ્દોમાં” શ્રી મહેન્દ્ર મેઘાણી દ્વારા સંકલિત અને સંક્ષેપિત પુસ્તકમાંથી સાભાર.)

ગાંધીજીની આત્મકથા એમના અઠવાડિક નવજીવનમાં ૧૯૨૫ની ૨૯મી નવેમ્બરના અંકથી હપ્તાવાર પ્રસિદ્ધ થવા લાગી હતી. પછી તે પુસ્તક સ્વરૂપે બહાર પડી ૧૯૨૭માં. ગાંધીજીના જીવનની કથા એમણે જ લખેલા એક બીજા પુસ્તકમાં પણ આવે છે – દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઈતિહાસ. એ તો આત્મકથાની પણ પહેલા લખાયેલું અને પ્રસિદ્ધ થયેલું. એકવીસમી સદીમાં હિંસાના ઓથાર નીચે જીવતી આજાર માનવજાતની તબીબી માવજત કરીને તેને મુક્તિનો માર્ગ બતાવી શકે એવા એક મહાપુરુષે આલેખેલી પોતાના જીવનની સંક્ષિપ્ત કથાનો આ એક અંશ અત્રે પ્રસ્તુત કર્યો છે. ગાંધીજી અને કસ્તૂરબાના જીવનને લગતા આ મહત્વના પ્રસંગની વાત અહીં આલેખાઈ છે. આશા છે આ વાંચન બધાને ગમશે.


આપનો પ્રતિભાવ આપો....

5 thoughts on “પ્રસંગનું પુણ્યસ્મરણ – ગાંધીજી

  • JBG

    બધા જ ધર્મોના ગ્રંથોમાં ન માની શકાય તેવી ચમત્કારી ઘટનાઓની વાત આવે છે. ગાંધીજીની જીવનકથા ભવિષ્યમાં માની શકાય તેવા ધર્મગ્રંથમાં સ્થાન પામશે.

  • PRAFUL SHAH

    Gandhi ko gussa kyu aya ,is well narrated ,evan Bapu has done in anger , the same way any male feels, and become angry and try to teach her. but every woman is not Kasturba.life becomes unbearable. se the dispute betwwn Bapu and Son Harilal..
    No adjustment in life-trouble
    ed LIFE.