પ્રિય દેશવાસીઓ, ભારતની સેવા કરવાની અને તેની સ્વતંત્રતાનો હિસ્સો બનવાની મને તક મળી તે માટે હું મારી જાતને ખૂબ ભાગ્યશાળી ગણું છું. આજે સૌપ્રથમ વખત ભારતીયોના સેવક તરીકે આધિકારીક રીતે હું તમને સંબોધન કરી રહ્યો છું, તમારી સેવા અને વિકાસ માટે પ્રતિજ્ઞાબધ્ધ. હું અહીં છું કારણકે તમે એમ ઈચ્છતા હતા અને જ્યાં સુધી તમે મને તમારા વિશ્વાસથી ઉપકૃત કરશો ત્યાં સુધી એમ જ રહીશ. આપણે આજે મુક્ત અને સાર્વભૌમ લોકો છીએ અને ભૂતકાળના બોજો થી મુક્ત થયા છીએ.આપણે વિશ્વ તરફ સમાન અને મિત્રતાભરી આંખોથી અને આત્મવિશ્વાસ ભરેલા ભવિષ્ય તરફ જોઈ રહ્યા છીએ. વિદેશીઓની હકૂમત જતી રહી છે. તો ચાલો હવે આપણે એકનિષ્ઠતા અને ધ્યેય પ્રાપ્તિની ઝંખના સાથે આપણાં નવા કાર્યો તરફ વળીએ, જે આપણા મહાન નેતાએ આપણને શીખવ્યા છે. ગાંધીજી આપણા સદનસીબે આપણને પ્રેરણા આપવા અને સાચા રસ્તે દોરવા અને મહાનતમ સત્ય તરફ આપણને લઈ જવા આપણી સાથે છે. તેમણે ઘણાં વખત પહેલેથી આપણને શીખવ્યું છે કે ધ્યેય અને આદર્શોને મેળવવાના રસ્તાઓ માટે તેમને કદી છોડી શકાય નહીં, અને એ કે ધ્યેય પ્રાપ્તિ માટેના સાધનો પણ શુધ્ધ હોવા ઘટે. જો આપણે જીવનમાં ઉંચા આદર્શો લક્ષ્યમાં રાખીશું, જો આપણે એક એવા મહાન દેશ તરીકે ભારતની કલ્પનાને સાકાર કરવા પ્રયત્ન કરીશુ જે તેના સદીઓ જૂના શાંતિ અને સ્વતંત્રતાના સંદેશને બીજાઓ સુધી પહોંચાડશે, તો આપણે પોતે મહાન બનવું પડશે અને ભારતમાતાના સાચા સપૂત બનવુ પડશે. આખાય વિશ્વની આંખો આજે આપણા ઉપર છે, અને પૂર્વમાં થયેલા આ સ્વતંત્રતાના સૂર્યોદયને જોઈ રહી છે, એ સમજવા માંગે છે કે આ શું છે? આપણું તાત્કાલીક અને પ્રથમ કર્તવ્ય હોવું જોઈએ બધા આંતરીક મતભેદો અને હિંસા રોકવી. જે આપણને સમગ્ર […]