(‘શાશ્વત ગાંધી’ સામયિક, જૂન-૨૦૧૨ના અંકમાંથી સાભાર.)
મહેરબાબાએ ઉપવાસ દરમિયાન એક સંદેશો મોકલ્યો હતો,
‘ચાલીસ દિવસના ઉપવાસ કરશો તો ઈશ્વર દર્શન કરાવીશ. આ ઉપવાસ વહેલા છૂટે તોયે પાછળથી ચાલીસ કરવા પડશે. બધાને ચાલીસથી પણ ન થાય. પણ તમારી તપશ્વર્યા એવી છે કે તમને થાય. રાજકાજ છોડી સામાજિક કાર્ય કરવું જોઈએ.’
એમના શિષ્યને કાગળ લખ્યો;
ભાઈ દાદાચાનજી,
તમારા ૨૩મા કાગળનો આ ઉત્તર છે. બાબાને વિશેની મારી સ્થિતિ સ્પષ્ટ કરવા ઇચ્છું છું. કોઈથી બીજાને ઈશ્વર દર્શન કરાવાય છે એમ માનવામાં મને ઘણો સંકોચ છે. હ્રદય ‘ના’ પાડે છે. પણ જ્યારે બાબા એવો દાવો કરે છે ત્યારે હું કહું, ‘તમે મને ઈશ્વર દર્શન કરાવો તો ઉત્તમ.’ જે કહે કે મેં ઈશ્વર દર્શન કર્યાં છે, તેણે કર્યાં જ છે, એમ માનવું જ જોઈએ એવું કાંઈ નથી. ઈશ્વરદર્શન કર્યાનું કહેનારા ઘણાં તો ભ્રમમાં પડેલા જોવામાં આવ્યા છે. ઘણાંને સારુ તો એ કેવળ પોતાના મનના પડઘા હોય છે. ઈશ્વર દર્શન એટલે કોઈ બાહ્ય શક્તિનું દર્શન એવું તો હું માનતો જ નથી. કેમ કે ઈશ્વર તો આપણા બધામાં વસે જ છે, એમ મારી માન્યતા છે. પણ તેને કોઈક જ હ્રદયથી ઓળખે છે. બુદ્ધિથી ઓળખવું બસ નથી. આ દર્શન કોઈ કોઇને ન કરાવી શકે એમ મને લાગ્યા કરે છે.
ઈશ્વરના દર્શન સારું કોઈના કરાવ્યા ઉપવાસ ન થાય. મને અંતઃપ્રેરણા થાય ત્યારે જ તે બને. એવી પ્રેરણા થતાં હું રોક્યો રોકાઉં એમ નથી. ઉપવાસ કરવાથી ઈશ્વર દર્શન થાય એમ માની લેવાને કંઈ જ કારણ નથી. મારા ચાલીસ દિવસના ઉપવાસના સાટામાં બાબા ઈશ્વર દર્શન કરાવી શકે એ મારા હ્રદયમાં ન ઊતરે. એ સાટું તો સહેલું ગણાય. એમ થતાં હોય તે ઈશ્વર દર્શનની કિંમત મારી પાસે નથી.
હું આજ લગી તો એમ માનતો આવ્યો છું કે બાબા જીવનના વિભાગ નથી કરતા. જેનું જીવન ધર્મથી રંગાયેલું છે તેને મન રાજ્યપ્રકરણ, અર્થશાસ્ત્ર બધાં ધર્મનાં અંગ છે ને એમાંના એકેયને તે છોડી શકતો નથી. મારી મતિ પ્રમાણે જે ધર્મને ઘણી પ્રવૃત્તિમાંની એક પ્રવૃત્તિ માને છે તે ધર્મને જાણતો જ નથી. એટલે રાજ્યપ્રકરણ તે સમાજ-સુધાર ઇત્યાદિ હું કોઈ દિવસે છોડું એવું મારી કલ્પના બહાર છે. મારા ધર્મના પાલનને અર્થે હું રાજ્યપ્રકરણ, સમાજસેવા ઇત્યાદિમાં પડેલો છું.
બાબાનાં લખાણોનું ગુજરાતી કરવાનું વચન મેં નથી આપ્યું. ઊલટું મેં તો બાબાને સૂચવ્યું છે કે તેમણે અંગ્રજીમાં લખવાનો અથવા બીજાની પાસે લખાવવાનો મોહ છોડી કાં તો પોતાના વિચાર માદરી જબાન ગુજરાતીમાં પ્રગટ કરવા અથવા ફારસીમાં, જે તેમના કહેવા પ્રમાણે તેઓ બહુ સરસ જાણે છે. હા, તેમના લખાણમાંનું કંઈ મારા હદયમાં ચોંટી જાય તો તેનું ગુજરાતી હું અવશ્ય કરું.
ટૂંકમાં હું બાબાનો એક અભ્યાસી છું. જમશેદ મહેતાને પવિત્ર વ્યક્તિ માનું છું. તેના તારથી હું બાબાને મળ્યો. ઈશ્વરના ભકતો હું શોધ્યા કરું છું. બાબા તેવા હશે એમ ધારી તેમના પ્રસંગમાં હું આવ્યો.
મોહનદાસ ગાંધીના ‘વંદેમાતરમ’
(મહાદેવભાઈની ડાયરી ભાગ-૨)
એક બીજા ભાઈ સાથે;
સં. – ‘અંતરાત્માનો અવાજ એટલે શું?’
બાપુ – ‘અંતરાત્માનો અવાજ એ ઈશ્વરનો અવાજ છે, એ આપણો અવાજ નથી. એ અવાજ ઈશ્વરનો હોય કે શેતાનનો પણ હોય. આપણી મારફત ઈશ્વર બોલે તેમ કરવા માટે આપણે યમનિયમનું બરાબર પાલન કરવું જોઈએ. કરોડો માણસ અંતરાત્માના અવાજનો દાવો કરે પણ સાચો અંતરાત્માનો અવાજ એકનો જ હોય. એની સાબિતી આપી શકાય એમ નથી. પણ એની અસર પડી શકે છે. અંતરાત્માનો અવાજ એ આપણી બહારનું બળ છે, પણ બાહ્ય બળ નથી. આપણી બહારનું અટલે આપણા અહંકારથી બહારનું બળ છે. અહંકાર સૂતો હોય છે ત્યારે એના ઉપર બે બળ કામ કરે છે, સત અને અસત. જ્યારે આપણે સત બળની સાથે તદાકાર થઈએ છીએ ત્યારે ગૂઢ ભાષામાં એમ કહેવાય કે ઈશ્વર આપણી મારફત બોલી રહ્યો છે. આપણી સત સાથે એટલા તદરૂપ થઈ જઈએ છીએ કે આપણો અહં શૂન્ય થઈ જાય છે.
સં. – અંતરાત્માનો અવાજ સાંભળ્યાનો દાવો માણસ ક્યારે કરી શકે?
બાપુ – એ તો માણસ ઉપર આધાર રાખે. એને જ્યારે પોતે અનુભવ થાય કે પોતે કામ નથી કરતો ત્યારે તે એમ કહી શકે. ધારો કે હું અંતરાત્માનો અવાજ સાંભળવાનો હંમેશા પ્રયત્ન કરું, હંમેશા ઈશ્વરને વીનવું કે તું મારી મારફત કામ કર અને મને શૂન્ય કરી નાખ તો એવી પળ આવે જ્યારે મને લાગે કે ઈશ્વર મને સાંભળી રહ્યો છે, તે વખતે હું એમ કહું પણ ખરો કે હું ઈશ્વરનો આવાજ સાંભળું છું. પણ હું તે સાબિત શી રીતે કરું? એ તો મારા આચરણથી જ સાબિત થાય પણ તેય છેવટની કસોટી નથી. ધારો કે હિમાલયની કોઈ ગુફામાં એક માણસ દટાઈ ગયો છે અને ઈશ્વર તેને મળવા માટે મને ત્યાં મોકલે છે. ધારો કે હું એ જગ્યાએ પહોંચ્યો, મેં જરાક ખોદ્યું અને મને માણસ મળી ગયો. તેમ છતાં સંભવ છે કે એ અંતરાત્માનો અવાજ ન હોય. કેવળ અકસ્માત હોય અથવા તો મારો ભ્રમ હોય, અથવા તો કોઈએ મને એમ કહ્યું હોય. દુનિયા તો પરિણામથી જ મારો ન્યાય કરશે. જો પરિણામ સારું આવે તો દુનિયા કહેશે, આ ચમત્કાર થયો. પણ ખરેખર આમાં છેવટની સાબિતી કશી નથી. માણસ ક્યારે આત્મવંચના કરે છે અથવા ક્યારે દંભી થાય છે તે એ પોતે જાણતો નથી હોતો. દંભ કરતાંયે આત્મવંચનામાં વધારે મોટો ભય છે.
એક જ વસ્તુ દર્શાવનારા ઘણા દાખલા હોય ત્યારે આપણને વધારે પુરાવો મળે છે. તેમાં બુદ્ધ, કૃષ્ણ, મહમ્મદ એ બધા મહાન પુરુષો આવે છે. તેઓએ જે સત્ય ઉચ્ચાર્યાં છે એ તેઓએ પોતાની શક્તિથી નથી ઉચ્ચાર્યાં પણ તેમની મારફત કોઈ અલૌકિક શક્તિએ એ ઉચ્ચારાવ્યાં છે. કેટલાક માણસો અધિકારી હોય છે કે જેમની મારફત અલૌકિક શક્તિ કામ કરે. પણ તે ક્યારે કરે એની સાબિતી ન આપી શકાય.
(મહાદેવભાઈની ડાયરી ભાગ -૩)
દાદાચાનજીને આપેલો ઉત્તર એકદમ સટીક, સંતુલીત અને તર્કક્ષમતાથી ભરપુર છે. ફકત આ એક જ જવાબ પરથી ગાંધીજીની વિચક્ષણ પ્રતિભાની ઝલક મળી રહે છે.
એક્ષેલ્લેન્ત લેખ ૧સ્ત વખ્ત આચ્યો . અભિનન્દન બપુ મતે લ્ખ્ અભર્