ગીતા અંગે વિવિધ દર્શનો – સંકલિત 7


(આલ્બર્ટ આઈન્સ્ટાઈને ગીતા વિશે કહ્યું છે, ‘જ્યારે હું ભગવદગીતા વાંચુ છું અને વિચારું છું, પ્રભુએ આ મહાન વિશ્વ શી રીતે બનાવ્યું છે? આ દુનિયાની તમામ સિદ્ધિઓ મને તુચ્છ લાગે છે.’ ગીતા અંગે કેટલાય વિચારકો, જ્ઞાનીઓ અને વિવિધ ક્ષેત્રના મહાનુભાવોએ અનેક વિચારો, દર્શનો પોતપોતાની સમજ અને અનુભવને આધારે મૂક્યા છે. પરંતુ કોઈ એક દર્શન એ પુસ્તકને સંપૂર્ણપણે સમજાવી શકે એમ માનવાને કારણ નથી, બધાંના પોતપોતાના મત છે, એવાજ કેટલાક વિચારો આ મહાન ગ્રંથવિશે આજે અહીં સંકલિત કર્યા છે.)

ગીતા – માંનો ખોળો

જે વસ્તુનો આપણે હાલતા ને ચાલતા ઉપયોગ કરવા ઇચ્છીએ તે ગ્રંથ જેટલી રીતે, જેવી રીતે સમજાય, તેવી રીતે સમજીએ અને વારે વારે તેનું મનન કરીએ તો છેવટે આપણે તે -મય થઈ શકીએ. હું તો મારી બધી મુશ્કેલીઓમાં ગીતામાતા પાસે દોડી જાઊં છું ને આજ લગી આશ્વાસન મેળવનારા છે તેમને કદાચ , જે રીતે હું તે રોજેરોજ સમજતો જાઊં છું તે રીતે જાણતા કંઈક વધારે મળે અથવા તેઓ કંઇક નવું ભાળે એ અસંભવિત નથી.
– મહાત્મા ગાંધી (‘ગીતાબોધ’માંથી)

ગીતા – હિંદની દીવાદાંડી

ગીતાએ અણીના પ્રસંગનું , રાજકીય અને સામાજીક કટોકટીનું અને ખાસ કરીને માનવ આત્માની આધ્યાત્મિક કટોકટીનું કાવ્ય છે. ગીતાનો ઉપદેશ સાંપ્રદાયિક નથી અથવા કોઈ અમુક માન્યતા યા વિચારો ધરાવનારાઓને ઉદ્દેશીને કરવામાં આવેલો નથી. તેની આ સર્વસ્પર્શી અને ઉદાર દ્રષ્ટિને લીધે જ બધા વર્ગના તથા સંપ્રદાયના લોકો તેને માન્ય રાખે છે.

ગીતા રચાયાને અઢી હજાર વર્ષ થયા, તે દરમ્યાન હિંદની જનતા પરિવર્તન, વિકાસ અને અવનતિની ઘટમાળમાંથી અનેકવાર પસાર થઈ છે. તેને એક પછી એક નવા અનુભવો થયા છે. તેણે એક પછી એક નવા વિચારો ખીલવ્યા છે. પણ એ બધાં પરિવર્તનોમાં કંઇક જીવંત વસ્તુ ઉત્તરોત્તર વિકસતા જતા વિચાર સાથે બંધ બેસે તથા માણસના ચિત્તને વ્યથિત કરતી આધ્યાત્મિક સમસ્યાને લાગુ પડી શકે એવું નિત્ય નવીન કંઈક હિંદને ગીતામાંથી હંમેશા સાંપડ્યું છે.
– જવાહરલાલ નહેરુ (‘મારૂ હિંદનું દર્શન’ માંથી)

ગીતા – ભારતીય આધ્યાત્મિકતાનું સુમધુર ફળ

મહાભારતમાં ગીતાનો પ્રથમ સમાવેશ થયો તે વખતે એ જેટલી નાવિન્યપૂર્ણ તેમજ સ્ફૂર્તિદાયક હતી એટલી પ્રત્યક્ષ અનુભવથી આજે પણ લાગે છે. ગીતાના ઉપદેશોનો પ્રભાવ તાત્વિક અથવા તો વિદ્વાનો વચ્ચેની ચર્ચાનો વિષય નથી, પરંતુ આચાર અને વિચાર ક્ષેત્રે એ જીવંત બળ છે. એની અસરનો અનુભવ તત્કાળ થાય છે.

વાસ્તવમાં ગીતાનો ઉપદેશ રાષ્ટ્ર તેમજ સંસ્કૃતિનું પુનરુત્થાન કરતો રહે છે. જગતના શ્રેષ્ઠ ગ્રંથોમાં તેનો નિર્વિવાદ સમાવેશ થયેલો છે. ગીતાગ્રંથ ભારતીય આધ્યાત્મિકતાનું પરિપક્વ સુમધુર ફળ છે. નવા યુગમાં માનવી શ્રમજીવન અને કર્મ એ બધાં આદર્શવાદના આવશ્યક તત્વો છે. તેમની મહતાની પ્રતિતિ પોતાની આધારવાણી દ્વારા કરાવી ગીતા આધ્યાત્મિકતાનો સનાતન સંદેશ આપે છે.
– મહર્ષિ અરવિંદ

ગીતા – ત્રિવેણી સંગમ

ગીતાનો સંદેશ શો છે? ગીતા કહે છે તેમ કર્મની ગતિ અતિ ગહન છે અને શું કરવા યોગ્ય છે ને શું નહીં એમાં જ્ઞાની પુરુષોની મતિ પણ મૂંઝાઈ જાય છે. કર્મનો સ્વભાવ જ એવો છે કે તે માણસમાં આસક્તિ ઉભી કરે છે ને તેને બંધનમાં નાખે છે. અને મનુષ્યથી કર્મ કર્યા વિના તો કોઈ કાળે રહી શકાય તેમ નથી. ત્યારે એવો કોઈ કીમિયો ન હોય કે મનુષ્ય કર્મ કરે છતાં કર્મથી બંધાય નહીં? આ એક કેન્દ્રિત વિચારની આસપાસ ગીતાએ જ્ઞાન, ભક્તિ અને યોગની ત્રિવેણી વહેવડાવી છે અને પોતપોતાની પ્રકૃતિ મુજબ મનુષ્ય એ ત્રણે દ્વારા સ્થિતપ્રજ્ઞ અનન્ય ભક્ત કે યોગારૂઢ બની કેવી રીતે કર્મ બંધનને તોડી નાખે છે તે બતાવી આપ્યું છે.
– મકરન્દ દવે (‘ચિરંતના’ માંથી)

ગીતા – સર્વધર્મનો નિચોડ

આપણે ધર્મના મૂળતત્વોમાં ઉંડા ઉતરવાની જરૂર છે. આમાં શ્રીમદ ભગવદગીતા મદદ કરી શકે. શ્રીમદ ભાગવદ ગીતા જેવો ગ્રંથ બીજે ક્યાંય મને તો દેખાતો નથી. સર્વધર્મનો નિચોડ એમાં છે. એમાં કોઈ આ કે તે ચોક્કસ ધર્મનું નામ નથી. એમાંતો વ્યાપક ધર્મની મિમાંસા છે. માણસે એના જીવનનો સુંદર વિકાસ કઈ રીતે કરવો એની સમજ જેવી એમાં આપેલી છે એવી ભાગ્યે જ બીજે કોઈ ઠેકાણે આપણને મળે. જો કે અન્ય ધર્મગ્રંથોમાં જીવનને ઉપકારક એવી અનેક મહત્વની વાતો જોવા મળે છે ખરી પરંતુ ભગવદગીતામાં તે વધુ સ્પષ્ટતાથી તાર્કિક રીતે અને સર્વગ્રાહી રીતે રજુ થઈ છે.
– મોરારજી દેસાઈ (‘સર્વધર્મ સાર’ માંથી)

ગીતા – અપૂર્વ ગ્રંથ

ચરાચર જગતના ગૂઢ તત્વોને સમજાવી દેનાર ગીતાના જેવો બીજો કોઈ ગ્રંથ વિશ્વની કોઈ પણ ભાષામાં નથી. હિંદુ ધર્મ અને નીતિશાસ્ત્રના મૂળતત્વો જેણે જાણવા હોય તેણે આ અપૂર્વ ગ્રંથનું અવશ્ય અને પ્રથમ અવલોકન કરવું જોઈએ. હિંદુધર્મના તત્વો સંક્ષેપમાં અને નિઃસંદેહ રીતે સમજાવી શકે એવો ગીતાના જેવો બીજો કોઈ ગ્રંથ સાહિત્યમાં નથી.
– લોકમાન્ય ટીળક

ગીતા – માનવતાનું શાસ્ત્ર

ગીતા એટલે યોગેશ્વર શ્રીકૃષ્ણના મુખકમલમાંથી નીતરેલું માધુર્ય તેમજ સૌંદર્યનું વાંગ્મયી સ્વરૂપ. ભગવાન ગોપાલકૃષ્ણની પ્રેમમુરલીએ ગોકુળમાં સૌને મુગ્ધ કર્યા તે યોગેશ્વર કૃષ્ણની જ્ઞાન મુરલી ગીતાએ કુરુક્ષેત્રની ભૂમિ પર અર્જુનને યુદ્ધ કરવા માટે પ્રેર્યો અને ત્યારથી આજ સુધી અનેક જ્ઞાની ભક્ત, કર્મયોગી, ઋષિ, સંત, સમાજસેવક, કે ચિંતક તે પછી કોઈ પણ દેશ અથવા કાળનો હોય, ધર્મનો કે જાતિનો હોય તે સર્વને તેણે મુગ્ધ કર્યા છે. આ ગંગાએ માનવને જીવન જીવવાની હિંમત આપી છે. ભગવાન અર્જુનને નિમિત્ત બનાવી વિશ્વના માનવમાત્રને ગીતાના જ્ઞાન દ્વારા જીવનાભિમુખ કરવાનો ચિરંતન પ્રયાસ કર્યો છે. કોઈ પણ વિશિષ્ટ ધર્મસંઘ કે સંપ્રદાયના નાદમાં ન પડતાં ગીતાકારે માનવજીવનમાં ચિરંતન મૂલ્યોને ગીતામાં ગૂંથ્યા છે. ગીતા માનવને સુખી થવાની માનસશાસ્ત્રીય જીવનકલા શીખવે છે. એ અંતે તો માનવને સાચા માનવ થવાનું કહે છે, ગીતા વૈશ્વિક ગ્રંથ છે.
-પૂ. પાંડુરંગ શાસ્ત્રીજી આઠવલે (‘સંસ્કૃતિ પૂજન’ માંથી)

ગીતા – સર્વ સમસ્યાનું મારણ

ભગવદગીતાનો ઉદ્દેશ છે માનવજાતને સંસારના બંધનમાંથી, અજ્ઞાનમાંથી મુક્ત કરવાનો. દરેક મનુષ્ય અનેક રીતે મુશ્કેલીમાં હોય છે. અર્જુન પણ કુરૂક્ષેત્રનું યુદ્ધ લડવાની મૂંઝવણમાં હતો. એકલા અર્જુન જ નહીં, આપણે બધાં જ ચિંતાગ્રસ્ત છીએ. આપણું અસ્તિત્વ જ અસતના વાતાવરણમાં છે. જો મનુષ્ય ભગવદગીતામાં કહેલા સિદ્ધાંતો ગ્રહણ કરે તો તે પોતાના જીવનને પૂર્ણ બનાવી શકે છે અને સંસારને લીધે થતાં બધાં પ્રશ્નોનું પૂર્ણ નિરાકરણ કરી શકે છે. સમગ્ર ભગવદગીતાનો આ સાર છે.
– પ. પૂ. શ્રીમદ ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદ (‘ભગવદગીતા તેના મૂળરૂપમાં’ માંથી)

બિલિપત્ર

શ્રીમદ ભગવદગીતાએ ઉપનિષદરૂપી બગીચામાંથી વીણી કાઢેલા આધ્યાત્મિક સત્વરૂપી પુષ્પોમાંથી ગૂંથેલી સુંદર છડી અથવા કલગી છે.
– સ્વામી વિવેકાનંદ


આપનો પ્રતિભાવ આપો....

7 thoughts on “ગીતા અંગે વિવિધ દર્શનો – સંકલિત

 • Nikhil N. Trivedi

  અતિ સુન્દર. આપનો લેખ વાંચ્યા બાદ એક વાત તો સાબિત થઇઃ
  ગેીતા સુગેીતા કર્તવ્યા કિમ અન્યે શાસ્ત્ર વિસ્તરેહિ…….જે કાંઇ જાણવાનું છે તે બધું જ ગેીતાજેીમાં સમાયું હોવાથેી બેીજા ગ્રન્થોનેી પણ જરુર રહેતેી નથેી. શ્રિલા પ્રભુપાદના ઉલ્લેખથેી વિષેશ આનન્દ કેમકે તેઓ મારા ગુરુ છે.

 • P U Thakkar

  જ્યાં સુધી શો લાભ છે; અથવા શું મહાત્મ્ય છે; તેનો ખ્યાલ ના આવે ત્યાં સુધી તેના તરફ વ્યક્તિ ના પણ આકર્ષાય. ગીતા વિષેના અભિપ્રાયો મુકવામાં આવ્યા તે એક પ્રકારે મહાન ગ્રંથની નહી, પણ માનવતાની સેવા થઇ ગણાશે. ગીતા વિષે મહાન વિભૂતિઓએ કહેલી વાતો ઉજાગર કરવામાં આવી તે બદલ અભિનંદન..

 • SWAMIJI

  bhagavad geeta a “jivan jivavani kala sikhavad to granth che…je no mukkhy sandes KARM YOG(Iswar saranagati)dwara manani suddhi…..ane tena dwara ATMA GYAN (self knowlage)ni prapati j che……… ISWAR SARANATA THI ISWAR SWARUPATA NI PRAPTI ……………….