કવિતાનો પુનર્જન્મ – ધૂમકેતુ 3


વીસમી સદીનાં ઘણા વર્ષો વહી ગયાં હતાં. સમાજની કાયાપલટ થઈ ચૂકી હતી.

એવી રચના થઈ હતી કે ન એમાં કોઈ શ્રીમંત હતો ન કોઈ ગરીબ. કોઈ માલિક મળે નહીં, મજૂર મળે નહીં, નોકર મળે નહીં. સઘળાં માણસો હતાં. સૌ શ્રમ કરે, શ્રમ વડે જીવે. શ્રમમાં જ આનંદ માને, કોઈને પોતાનું ઘર નહોતું. ખાસ વિશિષ્ટતા નહોતી, વ્યક્તિત્વ પણ નહોતું. સઘળાં સવારે એક મહાઘંટનાદે જાગી જતાં. સાડા છ ન થાય ત્યાં સામાન્ય પ્રાર્થનામાં જોડાઈ જતાં.

પ્રાર્થનામાં જે મનુષ્યોએ આ સૃષ્ટિ આવી બનાવી તેનાં સંસ્મરણો હતાં. ઈશ્વરને તો ખુલ્લે ખુલ્લું ‘ચેલેન્જ’ હતું કે તારાથી બને તો તું મહાસાગર સૂકવી દેજે, અમે નવો મહાસાગર સરજીશું. તારાથી બને તો તું મહામારી મોકલજે, અમે એને મારી હઠાવીશું. દીનતા ને નમ્રતા દોષ ગણાતાં, વિવેક વિદ્યાના અભાવનું પરિણામ.

કોઈ મોટું હતું નહીં, કોઈ પોતાને નાનું માનતું નહીં. સૌ સ્વતંત્ર હતાં પણ ‘સ્ટેટ’ની નિયમાવલી પ્રમાણે ચાલતા, વ્યક્તિ નાશ પામી હતી; સમષ્ટિ જન્મી હતી.

સૌના રસ-રંગ-ઈચ્છા-આકર્ષણ ને આકાંક્ષા એક હતાં. સૌ સિનેમા, નાટક સાથે જોતા, સાથે જમતાં, સાથે બેસતા, સાથે જ ફરતા.

કોઈ ‘ખાનગી’ જેવો શબ્દ બોલતું નહીં.

કોઈની ખાનગી માલિકીનું કાંઈ ન હતું. એનું ‘શરીર’ ‘સ્ટેટ’નું હતું. આત્માના અસ્તિત્વ વિશે વાત કરવી એ ગુનો ગણાતો.

મનુષ્ય, સમાજમાં એક અંગરૂપે હતો; એ સમુદ્રમાં તરંગ હોય તેમ રહેતો. તે જમાનાનો પુરુસઃઅ નિયમિત ઊઠતો. નિયમસર કામ કરતો, નિયમિ9ત વખતે જ સ્ત્રીને મળી શક્તો. નિયમિત સિનેમા જોતો, ભાષણ નાટકન સઘળું નિયમ પ્રમાણે જ સાંભળતો. એને પુરુષ કરતાં તમે ‘નિયમ’ કહો તો વધારે યોગ્ય ગણાય.

દરેક મનુષ્ય ‘સ્ટેટ’ના એરોપ્લેનમાં અમુક ધારાધોરણ પ્રમાણે ફરવા જઈ શક્તો. આસમાનમાં અધ્ધર બાંધેલા ‘આકાશી પ્રાસાદો’માં નૃત્ય સંગીતના જલસા થતા, ત્યારે સૌ ત્યાં હાજરી આપવા જતા. કોઈ માણસ નિયમ સિવાય બીજા કોઈ વિચાર કરતો નહીં.

‘ગરીબ’ શબ્દ કેવળ કવિતામાં હતો; સદગુણ, નીતિ ને સૌંદર્ય કલ્પનામાં. શાસ્ત્રીય વૈજ્ઞાનિક પદ્ધતિ પ્રમાણે સૌંદર્યને, માલિકી હકમાંથી નિર્મૂળ કરવા માટે, કદરૂપાં મનુષ્યોને રૂપાળાં બનાવવામાં આવતાં.

સ્ત્રીઓ સ્વેચ્છાએ પુરુષો બની શક્તી, પુરુષો સ્વેચ્છાએ સ્ત્રીરૂપ ધારી શક્તા. થોડો સમય આ સ્વેચ્છાનિયમને લીધે ગેરવ્યવસ્થા થઈ ને સ્ત્રીઓ કરતા પુરુષોની સંખ્યા વધતી ચાલી. માટે છ મહીના અગાઊથી નોટિસ આપવી પડતી. ને દર વર્ષે અમુક ટકા જાતિફેરફાર થાય એવો નિયમ પણ ઘડવામાં આવ્યો હતો. દરમ્યાન વિજ્ઞાનવેતાઓ સ્ત્રી અને પુરુષ બન્ને જાતિનો નાશ કરી વચ્ચેનો સમાધાનમાર્ગ મેળવવા માટે આકાશ પાતાળ એક કરી રહ્યા હતા.

સદગુણ ને નીતીનું સ્વરૂપ જમાનાએ જમાનાએ બદલાતું ચાલ્યું છે, માટે જે વ્યવસ્થાથી માનવને રોટી મળી છે તે વ્યવસ્થાને ઊંચા પ્રકારનાં નીતિ ને સદગુણ ગણી, કોઈ પણ મનુષ્ય પ્રચલિત નિયમો સિવાય બીજી કાલ્પનિક, ઊર્મિલ કે તરંગમય કોઈ પણ વાત ન કરે તેને માટે ખાસ નિયમો કર્યા હતા અને આ નિયમો બહુ જ કડક રીતે અમલમાં મુકાતા.

વ્યવસ્થા એ જ માનવતા છે એ સૂત્રને પ્રધાનપદે સ્થાપી, લૂલાં, લંગડાં, રક્તપીત્તિયાં, આંધળાં ને અશક્તોને સમાજમાં દેખાવા જ ન જોઈએ માટે તદ્દન તંદુરસ્ત સ્ત્રી અને પુરુષ સિવાય બીજાં સ્ત્રીપુરુષ વચ્ચેના શારીરિક સંબંધોનાં પરિણામોનો તાત્કાલિક નાશ કરવામાં આવતો.

આકાશી પ્રાસાદોમાં સામાન્ય સ્ત્રીઓનાં સામાન્યગૃહો રાખવામાં આવ્યા હતાં; અને દરેક માનવ પોતાનો આરામનો વખત ત્યાં આનંદમાં પસાર કરી શક્તો.

આવા આ નિયમબદ્ધ વ્યવસ્થિત વૈજ્ઞાનિક પ્રદેશમાં, ઘર, બાગબગીચા, રસ્તા અને છોકરાંછોકરીઓ સઘળાં એક પ્રકારનાં જોઈ શકાતાં. સૌંદર્યે દુનિયાને ઘેલછા લગાડી છે ને કવિઓએ તેની પ્રશસ્તિ કરી છે, એ ઉપરથી એ માનસિક રોગનું જંતુ કોઈ વ્યક્તિમાં પ્રવેશ ન કરે માટે, શસ્ત્રપ્રયોગથી પુરુષ સઘળાંના ચહેરા એકસરખા બનાવવામાં આવ્યાં હતાં.

ઘર, ફર્નિચર, બાગબગીચા, વૃક્ષ, રસ્તા, સઘળું એક કરી મૂકવામાં આવ્યું હતું જેથી માલિકીપણાની તૃષ્ણા જાગે જ નહીં. તેમજ એ ભાનને નિર્મૂળ કરવા માટે સ્ત્રીપુરુષોના નામકરણની પ્રથાનો ત્યાગ કરવામાં આવ્યો હતો.

કોઈ ચાંદની રાતે માણસ આકાશમાં ફરવા નીકળે તો અદ્રશ્ય વીજળી કિરણ ઉપર સપાટાબંધ પોતાની પાંખ વળગાડીને ઊડ્યાં જતાં હજારો સ્ત્રીપુરુષો આનંદ કરતાં નજરે પડે; જાણે નિરભ્ર આકાશમાં વિહરતાં માનવ-પંખી. પણ એમાં કોઈ એકનો ચહેરો બીજાથી ભાગ્યે જ જુદો પડી શકે.

સંખ્યાને યાદ રાખવાની શક્તિ પણ એ સમાજે ઊંચી રીતે ખીલવી હતી; અને તેથી જ નામના વિનાશ પછી, દરેક વ્યક્તિ પોતપોતાના નંબરથી ઓળખાવા છતાં, ભૂલ પડતી નહીં. એ રીતે તમારે કોઈપણ વ્યક્તિ વિષે ત્રણ નંબર યાદ રાખવા પડતા : વ્યક્તિ નંબર, રૂમ નંબર અને સ્ટ્રીટ નંબર.

સ્ટ્રીટ નંબર ને વ્યક્તિનો નંબર એના શરીરને વળગેલી સહેલાઈથી બીડી ઉઘાડી શકાય તેવી ઊડણપાંખ ઉપર જ મુકાતા. આ પ્રમાણે ‘નંબર ૩૯૫૦, ૬૧૨, રૂમ નં. ૧૭૫૦, ૬૨૧, સ્ટ્રીટ નંબર ૭૩૧.’ એમ બોલીને તમે કોઈ પણ ‘મેમ્બર’ નો પત્તો મેળવી શકો.

રજની ખીલી હતી. કવિઓ, ચિત્રકારો અને ઘેલા પ્રેમીઓની કહેલી ઊર્મિમય સઘળી પ્રશસ્તિઓના નાશ કર્યા છતાં, આજની રજનીએ ઓઢેલો ચાંદનીનો સાળુ દુનિયાને મુગ્ધ કરે એવો આકર્ષક હતો. આવા આકર્ષણથી માણસ ઘણી વખત ઊર્મિમય ને કાલ્પનિક બની જાય છે. એથી એ અસર ટાળવા માટે એ વૈજ્ઞાનિક નં ૬૩૭૫૧ – એણે પ્રયત્ન કર્યો હતો. પણ હજી એ પ્રયત્ન સફળ થયો ન હતો. એની યોજના એવી હતી કે આકાશમાંથી લાખો તારાની જેમ વિદ્યુતબિંદુઓ ફેલાવીને ચાંદનીને એવી રીતે છાઈ દેવી કે એનામાં રહેલું અકુદરતી સૌંદર્ય નાશ પામે અને તે પણ માનવકૃતિની જેમ વાસ્તવિક રૂપ ધારીને દુનિયાને અજવાળે.

આ યોજના હાથ પર લેવાનું મુખ્ય કારણ એ હતું કે, રડ્યાખડ્યા ટાપુ પર એક રખડતું યુગલ આવી ચડ્યું હતું. એને આ સઘળી એક જ પ્રકારની રચના જોઈને અને વિવિધતાનો અભાવ જોઈને નવું નવું લાગવા માંડ્યુ. મેંદીની કાપેલ વાડ જેવી રચનાથી પહેલા થોડા દિવસ તો એને સારું લાગ્યું; પણ પછી વાતાવરણ એટલું કૃત્રિમ ને એકધારું લાગ્યું કે એણે પોતાની તજેલી જન્મભૂમિનું વિરહગાન પોતાની જર્જરિત વીણા ઉપર છેડ્યું!

આકાશમાંથી દરરોજ પાંચ ને દસે નિયમિત મળતા ‘સર્વગાન’નો જ આ અવાજ છે એમ ધારીને પહેલાં તો કોઈનું લક્ષ ગયું નહીં, પરંતુ એટલામાં વર્ષોથી નહીં સાંભળેલો એવો મૃદુ, મીઠો, મોહક, આરોહ અવરોહ સાંભળીને, હજારોનાં અંત:કરણમાં નિયમ વિરુદ્ધ આનંદોર્મિ થવા લાગી. કેટલાંકના અંતરમાં ન સમજાય તેવી કલ્પના જાગી; કોઈકના મનમાં જાણે આ સ્થળ છોડીને, કોઈ દૂર દૂરના પ્રદેશમાં રખડવાની લગની ઊઠી; કેટલાક નેત્રો મીચીં કેવળ સ્વરોની મનોહારી રચનામાં તલ્લીન થઈ ગયાં. કોઈ કોઈ પોતાના અંતરમાં કોઈ દિવસ ન સાંભળેલો એવો એકાદ અદ્રશ્ય ખંડ નજરે ચડ્યો.

જ્યાં વ્યવસ્થા, નિયમ, શિસ્તપાલન, સ્પષ્ટ વિચારસરણી, એ શબ્દોએ મનુષ્યને મેંદીની વાડ જેમ કાપીને એક જ ઊઁચાઈનો, એક જ સ્વરૂપનો – એક જ વિચારસરણીનો બનાવ્યો હતો, ત્યાં આ તોફાન જોઈને પ્રથમ તો ‘સ્ટેટ’ના કેટલાક અધિકારીઓ આ વિપત્તિનો શી રીતે અંત લાવવો તે સમજ્યા નહીં. પણ અંતે જે લોકોએ આવી નબળાઈઓ બતાવી હતી તેમના પર શસ્ત્રપ્રયોગ કરી, જે રસગ્રંથિ વડે આ ગેરવ્યવસ્થાનો જન્મ શક્ય બન્યો હતો, તે રસગ્રંથિનો નાશ કરી તેના બદલે બીજી ગ્રંથીઓ મૂકી દીધી.

ફરી એક વાર સઘળે શાંતિ થઈ ગઈ. પેલા રખડતા યુગલને દરિયાકિનારે લઈ જઈ હોડીમાં બેસાડ્યું અને તેમના કલ્પનાના પ્રદેશ તરફ અનંત પ્રવાસ માટે મોકલી આપ્યું.

પણ મંગળલોક ને ચંદ્રલોક સાથે વૈજ્ઞાનિક સંબંધ બંધાયા પછી કોઈ ચાંદની રાતે ત્યાંથી પણ કોઈ રડ્યુંખડ્યું યુગલ પૃથ્વી પર ક્યારેક ફરવા નીકળી આવતું. આ પ્રમાણે ચંદ્રલોકમાંથી એક રસિક સ્ત્રી અને પુરુષ પૃથ્વીનું સૌંદર્ય જોવા આવી ચડ્યાં.

સ્ત્રીએ ઈન્દ્રધનુ રંગની આછી રૂપેરી વાદળીની સાડી પહેરી હતી, શુક્રલોકમાં બનતી તેજસ્વી ઘૂઘરીઓની કનક મેખલા તેના અંગ ઉપર શોભી રહી હતી. અંબોડે સાચાં પારિજાતનાં ફૂલ વાળે વાળે પરોવ્યાં હતાં. નમણાં નાક ઉપર ચંદ્રામૃતના સત્વનું મોતી શોભતું હતું. હાથમાં આકાશગંગાની છીપોમાંથી બનાવેલા કંકણ હતાં. એનો ચહેરો મોહક હતો; આંખમાં મદિરા હતી, ચાલમાં ગૌરવ હતું. શરીરની રેખા સ્પષ્ટ ને સ્વચ્છ હતી.

એની સાથેનો પુરુષ પણ એટલો જ મોહક હતો. પરંતુ એના ચહેરા ઉપર પથરાયેલી શાંતિ અજબ હતી. અને એને મૂકીને એના મોહક ચહેરાને જોવાનું અશક્ય બની જતું.
આ યુગલ ફરતું ફરતું એક નાજુક ને સુંદર ઝરણાકાંઠે મનોરમ વાડી જોઈ ત્યાં થોભ્યું.

વાડીની અંદર નાની ઝૂંપડી હતી. એની આસપાસ ફૂલછોડ હતા, આગળ હરિયાળા ઘાસથી છવાયેલી ભોં હતી. પાછળના ડુંગરમાંથી નાચતું કૂદતું ઝરણ વહી રહ્યું હતું. થોડે દૂર નિર્ભ્રાન્ત બનીને હરણાં ફરતાં હતાં. એક તરફ પાંખથી પાંખ લગાવી પક્ષીઓ નિ:શંકપણે બેઠા હતાં. વાડીનાં સુંદર ફૂલછોડો ઉપર યથેચ્છ ફૂલો ખીલી રહ્યાં હતાં. સમગ્ર વાતાવરણ સ્વચ્છ, સુંદર ને શાંત હતું.

પરંતુ વાડીમાં કેવળ વાતાવરણ હતું : આગળપાછળ ક્યાંય મનુષ્યનો પગરવ ન હતો. કોઈએ શરીર તજીને પોતાના આત્માને રહેવા માટે જાણે એક એકાંત સ્થળ પસંદ કર્યું હોય! જ્યાં પૃથ્વી પર મહાન ગગનચુંબી મહેલો, વિમાનો, વિજળીમાર્ગો, ઊડણપાંખો, લોકો, યંત્રો, અવાજો, રસ્તાઓ, આવું આવું જોયું હતું ત્યાં એકાદ સ્થળમાં લગભગ અદ્રશ્ય જેવું આ એકાંત સ્થાન જોઈને ચંદ્રલોકના યુગલને આનંદ આવ્યો. તે ત્યાં ગયું અને શાંતિથી બેઠું – કોઈનો પગરવ સંભળાય માટે કાન માંડીને.

પણ સઘળું શાંત હતું. – ઝૂંપડીમાં પડેલી મૂકવાણીની વીણા જેવું, ઝૂંપડીમાં કેવળ એક વીણા પડી હતી ને બીજુ કાંઈ ન હતું. ક્યાંય અવાજ ન હતો, ક્યાંય અશાંતિ ન હતી, ક્યાંય અવ્યવસ્થા ન હતી. માત્ર એવું લાગ્યા કરતું હતું કે કોઈએ આંહી દેહ તજ્યો છે, ને શબ્દો રાખ્યા છે. પેલી મૂંગી વીણામાં પોતાનું અંતરગાન મૂકીને કોઈ કવિ મરણ પામ્યો હતો. નિયમ – નિયમ – નિયમથી બચવા માટે એક રખડુ સ્વતંત્ર સ્વમાની, લગભગ સ્વચ્છંદી, મગજનો ફરેલ, મસ્ત, તોફાની, કવિ પેલા નિયમ પ્રદેશમાંથી એક વખત આંહી આવી ચડ્યો હતો અને પછી આટલું જ ગાજો ને આ પ્રમાણે જ લખજો’ એ નિયમિત જીવનચક્રમાંથી પોતાના સ્વતંત્ર ગાનને ચૂંથવા કરતાં અહીં જ રહી ગયો.

એણે એ ગાનમાં જીવન ગાયું; વેદના ગાઈ; યાંત્રિક એકતામાંથી જન્મતો શાપ ગાયો; વિલાસે આપેલ અતૃપ્તિ ગાઈ; વિજ્ઞાને આપેલ સાધન, સુખ, ને અશાંતિ ગાયા; જીવન જીવવાની મહત્તા ગાઈ; પક્ષી અને કુદરતને ગાયા; ઝરણાંને ગાયા; ચંદ્ર લોકનું ગાન કર્યું ને બહારની વ્યવસ્થા છતાં પણ રહી જવા પામેલ અવ્યવસ્થિત આંતરજીવનનો કલહ ગાયો. એણે બહારની સૃષ્ટિ નું બધું લીધું; અંદરની સૃષ્ટિનું સઘળું લીધું; અને એ બંન્નેના સમન્વયમાંથી ઉત્પન્ન થતો નવજીવનનો મહિમા ગાયો. એને મન માનવ સંઘનો એક જ વર્ગ હતો. એણે એક એક માણસને ‘માણસ’ બનાવવા પ્રયત્ન કર્યો. માણસ ‘માણસ’ બને તો જ વિકાસ શક્ય છે એવી એની ભાવના એણે ગાઈ. અંતે એનો દેહ ગયો. શબ્દો રહ્યા.

અને એ સર્વ મૂક ગાનો વાડીમાં વેરણછેરણ પડ્યાં હતાં.

આજે ચંદ્રલોકના યુગલના સ્પર્શથી હોય તેમ પેલી મૂંગી વીણામાંથી અનેક સ્વરો આવવા લાગ્યા. સૃષ્ટિને સૃષ્ટિમાં વ્યાપી રહેલા સૌંદર્યને, માનવ અને માનવતાને, કુદરતને અને જીવનને, જીવન વ્યવ્સ્થા અને જીવનવિકાસને મૂર્તિમંત કરતી મૂક વીણાના સ્વરો આવવા લાગ્યા; ફેલાવા લાગ્યા ને આકાશમાં ચડી ઘર ઘર ને હદય હદય સ્પર્શવા લાગ્યા.

4.

હવે કસોટીનો સમય આવ્યો.

આ વખતે માત્ર થોડા જ રસગ્રંથિથી પીડિત લોકોની કલ્પના જાગી. સૌંદર્ય અભિલાસ જાગ્યો, કાંક દ્રશ્ય માટે લગની લાગી, એવું ન થયું પણ જે લોકો તંત્રવાહક હતા તેમના સ્ત્રીઓ અને બચ્ચા, હજારો જુવાનો અને વૃદ્ધો, પેલા સ્વરોમાં મુક્ત બનીને, જાણે કાંઈ અનિયમિત આપો, કાંઈક વિવિધતા આપો, કંઈક અપૂર્ણ છે, જીવનમાં કાંઈક રહી જાય છે તે આપો – એમ કરતા જ્યાંથી સ્વરો આવતા હતા તે દિશા તરફ દોડ્યા ! એમને જાણે લાગતું હતું કે એમનું જીવન એ નિયમિત જીવન છે પણ નવજીવન નથી. એ જીવનનો સંદેશ લેવા પેલા મૃત કવિની એકાંત વાટિકા તરફ દોડ્યા.

અને ત્યાં સૌંદર્ય મૂર્તિ જેવું પેલું ચંદ્રલોકનું યુગલ જોઈને લોકો સઘળા નિયમ તોડી, ઘેલાની પેઠે નૃત્ય કરવા લાગ્યા! આજે પહેલી જ વખત પોતાના કરતા જુદા ચહેરાવાળા માણસો તેમણે જોયાં હતાં.

અધિકારીઓ અને તંત્રવાહકો થોડી વારમાં જ શસ્ત્રવૈદ્યો સાથે આવી પહોંચ્યા. પણ લોકો તો એક જ અવાજે કહી રહ્યા હતા; ‘વિવિધતા આપો! સૌંદર્ય આપો, સ્વપ્ન આપો, થોડીક અવાસ્તવિકતા આપો.

‘તમે સ્વપ્ન માગો છો? જે નથી તેની વાત કરવાનું તમે કહો છો? નૂત્ય, સંગીત, કળા, કાવ્ય, સાહિત્ય – આ મદિરાએ તમને એક વખત ભિખારી નથી બનાવ્યા ! આજ ફરી એ માંગો છો!’

‘અમને પાછું ભિખારી ભલે થવું પડે, પણ આ લાગણી-જીવનની ગરીબી અસહ્ય છે; અમને તેજ વજ્ર જેવા બનાવવાને બદલે જડ જેવા બનાવી રહ્યા છો?

મૃત કવિ ચંદ્રલોકનું ગાન મૂક વિણામાંથી જાગ્યું ઈન્દ્રધનુ રંગની સાડી પહેરેલી સુંદરીએ નૃત્ય શરૂ કર્યું; પુરુષ તાલ દઈ રહ્યો.

લોકો ગગનભેદી આવાજે એક જ શબ્દો બોલી રહ્યા; ‘અમને લાગણી વિનાનાં યંત્ર ન બનાવો- અમને પણ સ્વપ્ન આપો! પછી ભલે એ ખોટાં હો – ભલે એ મિથ્યા હો જીવન પોતે પણ ક્યાં સાચું છે?’

અને સૌ એક ધ્યાનથી નૃત્યમાં તલ્લીન થઈ ગયાં.

મૃત કવિની મૂક વાણીમાંથી ‘જીનવ જીવવાની મહત્તા’ નું ગાન નીકળતું હતું!

હજારો કંઠમાંથી અવાજ આવ્યો, ‘સુંદરી, તમારું નામ કહો, અમને તમારું નામ કહો, કારણ કે અમે નંબર જાણીએ છીએ. અમને તમારું નામ કહો, અમારે તમારો સ્વર સાંભળવો છે.’
‘મારું નામ – મારું નામ અનામી!’

ચંદ્રામૃતની ઘાસ જેવા સ્પષ્ટ, સ્વચ્છ, મૃદુ શાંત શબ્દોમાં જવાબ મળ્યો, ‘મારું નામ – અનામી!’

– ધૂમકેતુ
(‘તણખામંડળ ૪’ માંથી)

ધૂમકેતુના તણખામંડળ ૪ માંની આ એક અનોખી વાત આજે પ્રસ્તુત કરી છે. સાવ નિરસ, શુષ્ક અને સંપૂર્ણપણે ઘરેડમાં ચાલતા જીવનમાં કવિતાનો પુનર્જન્મ થાય ત્યારે શું થતું હશે? જીવનનો ઉલ્લાસ, જીવનની વેદના, જીવનની વાસ્તવિકતા અને અવાસ્તવિકતા – એ બધાંને જીવવા માંગતા અયાંત્રિક લોકોના મનોભાવને ધૂમકેતુ કેટલી સહજતાથી ઉપસાવી શકે છે એ તો તેમની આ સુંદર કૃતિ વાંચીએ તો જ સમજાય.


આપનો પ્રતિભાવ આપો....

3 thoughts on “કવિતાનો પુનર્જન્મ – ધૂમકેતુ

  • સુભાષ

    હું જ્યારે ૫૦ના દાયકામાં સ્કૂલમાં હતો ત્યારે ધૂમકેતુ માટે આદરભાવ હતો. પણ આટલા વર્ષે આ વાંચ્યા પછી પ્રશ્ન થાય છે કે “કવિતાનો પુર્જન્મ” આવો હોય?