સોનેરી જીવનસૂત્રો – ખલિલ જિબ્રાન, અનુ. ધૂમકેતુ 4


(સીરિયાના લેબૅનૉનમાં બશેરી ગામમાં ૧૮૫૩ના જાન્યુઆરીમાં ખલિલ જિબ્રાન જનમ્યા. જિબ્રાન એટલે આત્માનો વૈદ્ય, ખલિલ એટલે પસંદ કરાયેલો, પ્રેમભર્યો મિત્ર. એશિયામાં જે કેટલીક અદ્વિતિય પ્રતિભાઓ જન્મી છે, એમાં ખલિલ જિબ્રાન અગ્રસ્થાને છે. એની પાસે ટાગોરની સુંદરતા, સચ્ચાઈ અંગ્રેજ કવિ બ્લેઇકની અને કિટ્સની બારીકી છે. એ કવિ હતો, ચિત્રકાર હતો, ફિલસૂફ હતો – અને આ બધું હતું એટલે એ લેખક હતો! અને આશ્ચર્ય એ છે કે આ વાક્યનું પ્રતિવાક્ય પણ એટલું જ સત્ય છે. એનું લખાણ જેટલી વાર વાંચીએ એટલા નવા અર્થો મૂકતું જાય છે. આજે એવા જ કેટલાક સર્જનનું ધૂમકેતુએ કરેલ અનુવાદ પ્રસ્તુત છે.)

૧. સૌંદર્ય અને કુરૂપતા

એક વખત એ બંને સમુદ્રકિનાએ ભેગાં થઈ ગયાં. – સુંદરતા અને અસુંદરતા. સૌન્દર્ય અને કુરુપત બન્નેએ એકબીજાને કહ્યું, ‘ચાલો, આપણે૩ સમુદ્રસ્નાન કરીએ!’

અને એમણે એમના વસ્ત્રાભૂષણ કિનારે મૂક્યાં. જલાધિજલના તરંગમાં તરવા પડ્યાં. થોડી વાર જળવિહાર કરીને તે પાછા ફર્યાં, ત્યારે કુરૂપતા પહેલી કાંઠે પાછી ફરી. તેણે સૌંદર્યના વસ્ત્રો પહેરી લીધાં અને એ પોતાને રસ્તે પડી.

એટલી વારમાં સુંદરતા બહાર આવી. જુએ તો પોતાના વસ્ત્રાભૂષણ મળે નહીં, અને લજ્જા તો ઢાંક્યા વિના છૂટકો નહોતો. એટલે એણે કુરૂપતાના વસ્ત્રો પહેરી લીધાં અને પછી તે પણ ચાલી ગઈ.

પણ ત્યારથી આજ દિવસ સુધી એનું એક આશ્ચર્યજનક પરિણામ આવ્યું છે! સ્ત્રીઓ અને પુરુષો સઘળાં કુરૂપતાને સ્વરૂપ માને છે. સ્વરૂપને કુરૂપ સમજે છે! પણ કોઈકોઈ એવા પણ છે જેમણે સૌંદર્યની મુખમુદ્રા નિહાળી છે. એ તો વસ્ત્રોની ફેરવણી છતાં પણ, એની સાચી જાતને ઓળખી કાઢે છે! અને વળી બીજા કેટલાક એવા પણ છે, જેમણે કુરૂપતાની મુખમુદ્રા જાણી છે. એટલે વસ્ત્રાલંકારના ઠાઠમાઠ છતાં, એમની નજરે કુરૂપતા કુરૂપતા જ રહે છે.

૨. શોધ

એક હજાર વર્ષ પહેલા બે ફિલસૂફો એક જગ્યાએ મળી ગયા. બંને જ્ઞાનગોષ્ઠિમાં પડ્યા. એકે બીજાને કહ્યું, ‘તમે ક્યાં જાઓ છો?’

બીજાએ પ્રત્યુત્તર આપ્યો, ‘હું યૌવનનું ઝરણ શોધવા નીકળ્યો છું, આ ડુંગરમાળામાં એ ક્યાંક વહે છે. મેં જૂના પ્રાચીન ગ્રંથોમાં એ વિષે વાંચ્યું છે. પણ તમે શું શોધવા નીકળ્યા છો?’

પહેલાએ કહ્યું, ‘હું મૃત્યુનું રહસ્ય શોધવા જાઉં છું.’

પણ એમાંથી દરેકના મનમાં આવ્યું કે સામેવાળો વાત કરે છે ખરો, પણ એને એની શોધના વિષયનું પૂરેપૂરું ભાન લાગતું નથી. પછી તો એમાંથી પિષ્ટપોષણ ઉભું થયું. વાદ જાગ્યો, અને સામસામે જ્ઞાનઅંધકારનો દોષ એકબીજા ઉપર મૂકીને, એ મોટા અવાજે ચર્ચા કરવા માંડ્યા.

એવામાં ત્યાંથી એક વિચિત્ર માણસ નીકળ્યો. એના ગામમાં સૌ એને મૂર્ખ ગણતા.

એ અહીંથી નીકળ્યો અને આ બે તત્વજ્ઞાનીઓની ચર્ચા સાંભળતો ત્યાં ઊભો રહ્યો.

પછી તે તેમની પાસે આવ્યો અને બોલ્યો, ‘સજ્જનો! એમ જણાય છે કે તમારી બંનેની ફિલસૂફીની વાત એક જ છે, અને બંને જણાં એક જ વિષય ઉપર બોલી રહ્યાં છો, માત્ર તમારી રજુઆતના શબ્દો જ જુદાજુદા છે. તમારામાંનો એક યૌવનનું ઝરણ શોધવા નીકળ્યો છે, બીજો મૃત્યુનું રહસ્ય ગોતવા નીકળ્યો છે. પણ ખરી રીતે તો એ બંને એકરૂપે – બીજે ક્યાં? – તમારામાં જ વસી રહેલ છે! યૌવનનું ઝરણ પણ તમારામાં જ છે; ને મૃત્યુનું રહસ્ય પણ તમારામાં જ વસે છે. પ્રાજ્ઞ પુરુષો, મને તો આમ જણાય છે. લ્યો, સલામ!’

એટલું બોલીને ધીમું હસતો હસતો પેલો અજાણ્યો વિચિત્ર માણસ ચાલતો થઈ ગયો.

પેલા બે ફિલસૂફોએ એકબીજાની સામે મૂંગામૂંગા થોડીવાર જોયા કર્યું. અને પછી તે બંને પણ સામસામે હસી પડ્યા.

અને તેમાંનો એક બોલ્યો, ‘હાં, ત્યારે તો આપણે બંને હવે સાથે જ પ્રવાસ કરીશું; ને સાથે જ શોધખોળ નહીં કરીએ?’

૩. પ્રાર્થના અને વેદના

તમે તમારી બારીએ બેસીને આવનાર – જનારને જોઈ રહ્યાં હો, અને એવામાં તમારે જમણે હાથે, કોઈ સાધ્વી દેખાય, ને ડાબા હાથ તરફ કોઈ વારાંગના દેખાય.

– અને તમે તમારા અજ્ઞાનમાં એમ પણ બોલી ઊઠો ‘એક તરફ કેટલી પવિત્રતા – બીજી તરફ કેટલી અધમતા!’

– પણ તમે તમારી આંખો બંધ કરો, અને એક છાનો અવાજ તમારા કાનમાં સંભળાશે.

એક પ્રાર્થના દ્વારા મને શોધે છે, બીજી યાતના દ્વારા, બન્નેના સાચા તત્વમાં તો, મારા રહેઠાણ માટે એક જ મંડપ ઊભો છે!’

બિલિપત્ર

જેની સાથે બેસીને તમે આનંદવિનોદ કર્યો, એને કદાચ તમે ભૂલી શક્શો,
પણ જેની સાથે બેસીને તમે રડ્યા, એને તમે કદાપિ ભૂલી નહીં જ શકો.


આપનો પ્રતિભાવ આપો....

4 thoughts on “સોનેરી જીવનસૂત્રો – ખલિલ જિબ્રાન, અનુ. ધૂમકેતુ

  • નીતિન વિ મહેતા

    ખલિલ જિબ્રાનના વિચારો અદ્ભુત રીતે પ્રસંગોનો આધારે અર્ર્થ્સભર અને જીવનમાં ઉતારવા જેવા છે

  • હર્ષદ દવે

    ખલિલ જીબ્રાનની વાતો, વાક્યો ગહન અને અર્થસભર હોય છે. વીંધીયેલી પાંખોમાં સ્ત્રીઓની સામાજિક પરિસ્થિતિ તેઓ દર્શાવે છે. તે પુસ્તકનો ગુજરાતી અનુવાદ પ્રવીણ પ્રકાશન, રાજકોટ દ્વારા વર્ષો પહેલાં પ્રકાશિત થયો હતો.