નીલી નાઘેરમાં નદીના કિનારા પર ગોવિંદનું ખેતર હતું. ગોવિંદના પિતા રઘુનાથ મહારાજ રાજપુરમાં પ્રસિદ્ધ પુરુષ લેખાતા. વેપારી આલમના સરદાર તરીકે એનું નામ આસપાસનાં બે-ચાર ગામમાં મશહૂર હતું. ભોળા અને ભલા ખેડૂતોની ધીરધાર આ કામદારને ત્યાં થતી અને રાજપુરના નાનામાં નાના માણસથી માંડીને ત્યાંના ભાયાતી દરબાર જેવા મૂળુભા સુધી રઘુનાથ મહારાજની સુવાસને ઓળખતા. ઘણી વખત સાધારણ કજિયા એમની હાજરીની શેહમાં જ દબાઈ જતા. રાજપુરના ધર્મમંદિરમાં, હનુમાનની દેરીમાં ને ઝાંપામાં, બધે સ્થળે જ્યારે જ્યારે કોઈ પ્રશ્ન આવે, કાંઈક અડચણ પડે કે સાધારણ વાત બને કે તરત રઘુનાથ મહારાજ એનો નિકાલ લાવવાના.
રાજપુરમાં સૌના ગુરુ પણ હતા. કંકુ પટલાણી, ધનુ રબારણ ને સંતોક શેઠાણી એ ત્રણેયને હંમેશ ને હંમેશ નવ ગ્રહમાંના એકાદની પીડા તો રઘુનાથ મહારાજને દ્વારે મૂકવાની હોય જ. શ્રદ્ધા હશે કે અજ્ઞાન, પણ એના જ્યોતિષથી સારું પણ થઈ જતું. સવારમાં દિવસ ઊગતાં રઘુનાથ નદીએ નાહીને પોતાનું મજબૂત ગોળમટોળ શરીર ચંદનથી શોભાવતા ‘જય નીલકંઠ’ કરતાં મંદિરમાં જતા. એમનો સાદ પણ ખાસ્સો ઘાટો ઘેરો; ઘેર બે-ચાર ભેંસ, ખેતર વાડી અને બે ત્રણ ગામમાં જામેલી જૂની પ્રતિષ્ઠા. અરધો કામદાર જેવો, અરધો શેઠ જેવો, ગામના ગુરુ જેવો ને નાનાંમોટા સૌને મીઠો લાગતો આ પૂજ્ય પુરુષ રાજપુરમાં સુખી હતો ને એના લીધે આસપાસનાં ત્રણ ચાર ગામડાં પણ સુખી હતાં.
રઘુનાથ મહારાજે પોતાના ગોવિંદને શહેરમાં ભણવા મોકલ્યો હતો. રાજપુરની નાની-શી સરહદમાં ગોવિંદ અંગ્રેજી ભણ્યો, ત્યાં તો એની કીર્તિ પ્રસરી ગઈ. ગોવિંદની મા નાનપણથી નહિ, એટલે એનામાં કંઈક લાડનું અભિમાન વધારે હતું. ગામડિયાઓને તાજુબીમાં તરબોળ કરે એવા ‘હોરેશ્યસ’ના પાનાં-બે પાનાં તે ક્યારેક વાંચતો. તેને સૌ વખાણતા, કારણકે વખાણનારું મંડળ તદ્દન અજ્ઞાન હતું. ગોવિંદ ચોથી અંગ્રેજીમાં પાસ થયો. જો કે એને તો વર્ગ ચડાવવામાં આવ્યો હતો. પણ પરીક્ષાની જાદુભરી જુદાઈ ગામડિયાનાં ભેજામાં આવે તેમ હતી નહિ, તે દિવસે રઘુનાથ મહારાજે મોટી મિજબાની જેવું કર્યું. જો કે શાક ભીંડાનું હતું, અથાણું ચીભડાનું ને મુંબઈનાં સંતરામોસંબીની ગંધાતી બદબોને બદલે મગની તાજી શીંગો ને તાજગીભર્યા શેરડીના સાંઠા હતા. એની જ વાડીમાંથી લાવેલા બોર ને દાડમ પણ ખરાં. ગામડિયા આ મેવામાં અનહદ આનંદ ભોગવી રહ્યાં હતા.
ગોવિંદ પરણ્યો ત્યાર પછી રઘુનાથ મહારાજ પોતાના પુત્રને બહુવાર મદદરૂપ ન થઈ શક્યા. એમનું વૃદ્ધ શરીર લથડ્યું. ગોવિંદ ત્યારે છઠ્ઠી અંગ્રેજીમાં હતો. એનું મન પણ પરણ્યા પછી અભ્યાસમાંથી ઉઠ્યું હતું, એટલે વૃદ્ધ પિતાની હાજરીમાં રહેવા માટે તેણે અભ્યાસને તિલાંજલિ આપી. ન આપી હોત તો પણ ગાડું હવે અટકે તેમ હતું. થોડા દિવસ પછી રઘુનાથ મહારાજ દેવ થયા ને ભર્યા ઘરમાં ગોવિંદ અને તેની ભાગીરથી બન્ને બિનઅનુભવી રહ્યાં.
ગોવિંદમાં અપૂર્ણ અંગ્રેજી જ્ઞાનના ને લહેરી જીવનના દોઅ ધીમેધીમે ઘર કરી બેઠા હતા. ભાગીરથી પણ આ ગામડામાં રસ ભર્યો છે એવું સમજતી નહીં.
પરેવાશ્યે રબારી ઢોરને ‘પહરમાં’ લઈ જવાની બૂમ પાડે ત્યારે પોતે નવ વાગ્યે પથારીમાંથી બેઠો થઈ મહારાજને દાતણની બૂમ પાડતો તે હૉસ્ટેલના દિવસો ગોવિંદને યાદ આવે. ભાગીરથી નવરંગ સાળુ ભેંસના છાણમાં રજાક બગડે તો એનો આખો દિવસ બગડતો. ગામડા ગામમાં તો પાંચ વાગ્યે ઘંટીના ઘેરા નાદ વચ્ચે ઝીણા સૂરની હલક જામતિ હોય; છ-સાત ન વાગે ત્યાં દધિમંથનના સ્વરથી ફળીએ ફળી ગાજતી હોય ! પણ ભાગીરથીની વાંકી સેંથી, ગોવિંદના ખમીસનો અક્કડ ડફ; ઝીણું ધોતિયું કે નવરંગી સાળુ એમાંનું કાંઈ પણ બગડે એ કેમ ખમાય? શહેરી જીવનની ટાપટીપના મોહમાં પડેલાં આ દંપતીને ગ્રામજીવન ખૂંચવા લાગ્યું. સવારની તાજી સુગંધ, છાસ, મીઠું ગોરસ ને ઈંદ્રને દુર્લભ દૂધ, આ ચીજો ચાના કપને બદલે ઘરમાં અથડાતી જોઈ ભાગીરથી તો અરધી થઈ જતી.
ક્યાં હોટેલ, મોટર, ચેવદા, ચા ને સુંદર બાગ; ને ક્યાં તાજી છાસ, ગાયના સ્વર ને વડનો મીઠો છાંયો? ગોવિંદને લાગ્યું કે જો પોતે ગામડામાં બહુ દિવસ ગાળશે તો સમાજમાં બહુ પછાત રહી જશે. વર્તમાનપત્ર પણ રાજપુરમાં ક્યાંથી? ને જાહેરસભા! બે ચાર પટેલો, એક-બે શેઠિયા ને ચાર-પાંચા નાગાં છોકરાં ચોરાને ઓટલે બેઠાં હોય એ રાજપુરની જાહેરસભા; ધમપછાદા, ઢૉંગ ને દંભ ત્યાં ન મળે. શબ્દના ઠરાવ નહિ ને ખોટાં અનુમોદન નહિ. અહીં તો બે ચાર પટેલો મળી વાત કરે કે ગોંદરામાં અગિયારશે ખડ નાખવું છે ને કૂતરાને દૂધ પાવું છે કે ઠરાવ પાસ થાય. એમાં પ્રવૃત્તિની ધમાલ ન મળે. સાદી વાત ને સાદું વર્તન. ગોવિંદનાં ચશ્મામાં આ બધું માઠું ભાસ્યું, ને તેણે ગામડામાંથી જેમ બને તેમ જલદી ઊપડવાનો નિશ્ચય કર્યો. ગ્રામજીવનની ખોડખાંપણને સમારી એમાંથી દરેક પળે તંદુરસ્તી ને રસ ખેંચવાને બદલે શહેરના ઉપરના ભપકામાં અંજાઈ જવાથી ગોવિંદને દરેક પળે એ ગામડું ખૂંચવા લાગ્યું. તેણે ગામડામાં હિસાબ પતાવવાનું કામ શરૂ કર્યું. રઘુનાથ મહારાજની પ્રામાણિકતા ને ચારિત્ર્યબળ એવાં વિખ્યાત હતાં કે એનું બધું લહેણું પતી ગયું. ગોવિંદ તથા ભાગીરથી હવે શહેરમાં જવાની તૈયારી કરવા લાગ્યાં. ‘ભગરી’ ભેંસ, ‘કલ્યાણી’ ગાય, વાછરડાં ને ઘોડી, પોતાની સુંદર ફળી, વાલોળનો માંડવો ને તુલસીનો ક્યારો, એક ધોલિ બિલાડી, પારેવાનું પાણી પીવાનું કુંડુ, ગલના છોડ ને અજમાનાં પાનના કુંડા, એ બધું જ ગોવિંદે કાંઈ પણ અફસોસ વિના છોડ્યું. એનું ચિત્ત શહેરની ભભકાભરી જિંદગીમાં એવું ચોંટ્યુ હતું કે કોઈ વસ્તુ એના હ્રદયને સ્પર્શી શકી નહિ.
ગાડામાં બેસી ગોવિંદ રવાના થયો. સૌ દૂર સુધી વળાવી પાછાં ફર્યાં. એટલામાં ગોવિંદે પોતાના પિતાના વૃદ્ધ મિત્ર નારણ ભટ્ટને આવેલા જોયા.
‘ગોવિંદ! જાય છે? બાપુ ગામડું સંભારજે હો.’
‘હા કાકા, કાંઈ ગામ ભૂલાય છે?’ ગોવિંદે વિવેકના શબ્દો બોલવા ઘટે તે વાપર્યા.
‘હિસાબ બધો ચૂકતે કર્યો?’
‘હા કાકા.’
‘ને ઢોરઢાંખર?’
‘મૂળુભાને વેચાતાં આપ્યાં.’
નારણ ભટ્ટના પેટમાં ટાઢો શેરડો પડ્યો. ગામડાનાં માણસોને ઢોર વેચતાં જીવન વેચવા જેવું લાગે છે!
‘ઠીક બેટા, તને ગમ્યું તે સાચું. ખેતરવાડી?’
‘કલ્યાણ પટેલને અર્ધે ભાગે વાવવા દીધાં.’
નારણ ભટ્ટની આંખમાં આંસુ આવ્યા. રઘુનાથ ભટ્ટનો વિયોગ આજે ખરેખરો લાગ્યો. પણ ભાગીરથી ને ગોવિંદ ગામડાના જીવનની મશ્કરી કરતાં આગળ ચાલ્યાં. મિલના ભૂંગળાં, મોટરનો ભોંકાર ને માણસોની જબ્બર ધમાલ વચ્ચે પહોંચ્યા ત્યારે એમને લાગ્યું કે હવે તેમના જીવનમાં કાંઈક જોમ આવે છે!
શહેરમાં ગોવિંદે જીવન શરૂ કર્યું. બે-ચાર દિવસ આંટા મારી રેલવેની ઑફિસમાં કારકુન તરીકેની નોકરી ગોવિંદે લીધી. રાજપુરમાં મીઠી તાજગીભરેલા જારના અને વણના ખેતરમાંથી પસાર થતાં જે અકથ્ય સુગંધ પૃથ્વીમાંથી છૂટતી, એને સ્થાને અમદાવાદની સાક્ષાત નરક જેવી બદબોભરેલી પોળમાંથી ગોવિંદ હંમેશા અગિયાર વાગ્યે જતો ને પાંચ વાગ્યે આવતો. આટલી ગુલામી સ્વીકારીને તેણે પોતાની શહેરી તરીકે ઈજ્જત સાચવી લીધી. ને ભાગીરથીનો પેલો નવરંગી સાળુ ભેંસના છાણને બદલે હવે ગટરની દુર્ગંધ પામવા લાગ્યો. ભાત, દાળ, રોટલી ને ગંધાતું શાક એ ખાતાં ખાતાં શહેરી જીવન વીતવા લાગ્યું.
આજકાલ કરતાં પાંચ વર્ષ વીતી ગયાં. ભાગીરથીના સાડલા રંગવામાં, લિપ્ટનના ડબામાં, ક્યારેક કૉફી, કોકો ને બિસ્કિટમાં ને વખત મળે તો હોટલની મરકીમાં ગોવિંદના ટૂંકા પગારનો મોટો ભાગ વપરાઈ જતો, ને તેથી જીવનસસાયન પદાર્થોને બદલે જીવન ટકે તેવા પદાર્થ પણ ન મળ્યા. એવામાં ભાગીરથીને એક છોકરો આવ્યો. પછી તો વિટંબણા વધી. નવી માતા જૂની સાસુ પાસેથી કાંઈ તાલીમ તો મેળવી શકી ન હતી એટલે પાછો બાલામૃતનો ખર્ચ આ ગરીબ કારકુનના બજેટમાં વધ્યો, ધીમેધીમે જીવનનો શ્રમ એટલો વધ્યો કે ગોવિંદને ક્ષય લાગુ પડ્યો.
દરેક કારકુનની સ્ત્રી હોય છે તેમ ભાગીરથી બહારની ટાપટીપમાં એટલો સમય ગાળતી કે ઘરમાં વ્યવસ્થાને બદલે દરેક જગ્યાએ કાંઈ ને કાંઈ ચીજ રખડતી હોય. બિચારી સમજે ક્યાંથી કે હોટલની જલેબી ને ભજિયાં એ છોકરાને ઝેરનો પ્યાલો આપવા બરાબર છે. એનો પડોશીધર્મ પણ એટલો વિશાળ હતો કે એનું ઘર સૌ નવરાનું વિશ્રાંતિભવન હતું. ભાગીરથી ધીરે ધીરે ગ્રામજીવનનો વ્યવહાર ભૂલી શહેરી જીવનનો ભભકો ને કર્કશતા ખીલવતી ગઈ.
આજે હવે ગોવિંદ ધીમા બળતા દીવા સામે જોઈ રહ્યો છે. પાસે રગટિટીયા જેવો હરિપ્રસાદ ને ભાગીરથી ગ્લાનિભર્યા બેઠાં છે.
‘નરહરને કીધું?’ ઝીણા દુઃખભર્યા અવાએજ ગોવિંદ બોલ્યો ‘તેણે રાજપુર તાર કર્યો?’
‘હા.’ ભાગીરથીએ જવાબ વાળ્યો.આ બધી સ્થિતિથી અજ્ઞાત બાળક એની માતાના ખોળામાં રમી રહ્યું હતું.
નરહર, ગોવિંદ જેવો બીજો કારકુન હતો. શહેરમાં સૌ કારકુન ભાડૂત છે. માલિક ને શેઠ લૂંટારાં ને તેમની જ પાડોશમાં ભૂખ્યા ને દુઃખી કારકુન ભાડુત. આ શહેર!
એટલામાં બારણુ ખોલીને એક ફાંકડા જેવો જુવાન દાખલ થયો. એ નરહર પોતે હતો.
‘ૂહો, હરિપ્રસાદ.’ તે છોકરા સામે જોઈ બોલ્યો. પછી ગોવિંદ સામે જોયું, ‘કાં કેમ છે? આજ તો ‘ફીવર’ નથી ના?’
‘શરીર સહેજ ગરમ એ.’ ગોવિંદે કહ્યું.
‘એ તો સાળું અમદાવાદની ‘હીટ’થી તોબા!’
ગોવિંદે ઉધરસ ખાધી. નાનો હરિપ્રસાદ ભાગીરથીની સાડી ખેંચીને રમતો હતો.
‘તેં તાર ક્યારે કર્યો?’
‘આજ બે દિવસ થયા.’ નરહર એક ખુરશી ખેંચી ગોવિંદ પાસે બેઠો. ‘આજના સમાચાર જાણ્યા ના?’
‘શા છે?’ ગોવિંદે આતુરતાથી પૂછ્યું.
‘બીજુ શું? આખો સ્ટાફ વિરુદ્ધ છે. સાળાને એકલા ‘ઓઈયાં’ કરવું છે કેમ જાણે બીજાને પેટ ન હોય?’
‘હં!’ ગોવિંદે ટૂંકો જવાબ વાળ્યો. બીજુ કાંઈ બોલે ત્યાં ઉધરસ ખાવી પડી.
આ વખતે દ્વાર ખૂલ્યું. બ્રાહ્મણો બાંધે છે તેવી ગોળમટોળ ચીંથરિયા પાઘડીવાળો એક બ્રાહ્મણ દાખલ થયો. એના એક હાથમાં ડાંગ ને ખભા પર ખડિયો હતો, ને બહુ જતનથી સાચવેલું ચંદનનું ટીલું કપાળમાં હતું. નરહર જરાક આડું જોઈ હસ્યો, ત્યાં બ્રાહ્મણની પાછળથી કોઈ વિચિત્ર ખેડૂતનો જાડો અસંસ્કૃત સ્વર આવ્યો – ‘કાં ગોવિંદભાઈ, કાંઈ ઓળખાણ પડે છે?’
નરહર બોલનાર સામે જોઈ રહ્યો. એના કાઠિયવાડી જાડા વેશમાં ને ચહેરા પર જન્મસિદ્ધ ભલમનસાઈનાં ચિહ્ન હતાં. પણ કારકુનની નજર એવું કાંઈ જોવા કેળવાયેલી નહોતી. તે ગોવિંદ સામે જોઈને બોલ્યો, ‘Perhaps those Rajpur fellows!’ (કદાચ રાજપુરના માણસો હશે!)
ગોવિંદ બન્નેને જોતાં સફાળો બેઠો થયો. ‘ઓહો! કાકા! કલ્યાણ પટેલ! આવો આવો, તમને ભૂલું?’
એટલામાં નારણ ભટ્ટ ખડિયો નીચે મૂકીને આગલ વધ્યા – ‘અરે, ગોવિંદ! બેટા! તારા આ હાલ! શું માંદો છે?’ નરહર સૌને વાતોએ ચડ્યાં જોઈ ધીમેથી સરી ગયો. શહેરમાં પડોશીધર્મ આવી રીતે સમાપ્ત થાય છે.
‘કાકા!’ ગોવિંદની આંખમાં આંસુ આવ્યાં. ‘હવે આ છોકરાંને જાળવજો!’
‘અરે કંઈ ગાંડો થયો છે? આવો, કલ્યાણ પટેલ આવો, ગોવિંદ પાસે આવો.’
કલ્યાણ પટેલ આગળ વધ્યા, ‘ઓહો ભાઈ! બહુ લેવાણા છો?’ ભોળા અને ભલા કણબીએ રૂપિયાની થેલી આગળ ધરી. ‘જુઓ તમે તો હિસાબ ન કર્યો પણ અમારે પાછું બીજે અવતાર ભર્યે છૂટકો. આ તમારા અરધિયાણ ભાગનું મૂલ.’
બીજે દિવસે સૌએ સાથે સંતલસ કરી. એમ ઢર્યું કે ગોવિંદે રાજપુર આવવું. ગોવિંદ રજા લેવા ગયો. બડા સાહેબના બાંકા શરીરમાં વક્રતા ઘણી હતી.
એણે કહ્યું કે, ‘હમણાં કામની ખેંચ છે, રજા ન મળે’
‘પણ સાહેબ, આ સવાલ મારી જિંદગીનો છે.’
‘જિંદગી કરતા પણ આ કામ વધારે ઉપયોગી છે, રજા નહિ જ મળે.’
ગોવિંદ હતાશ બની પાછો ઘેર આવ્યો. ‘સાહેબ ડિસમિસ કરશે?’ તેણે નિરાશાભર્યા સ્વરે નારણ ભટ્ટને કહ્યું.
‘શું કીધું?’ નારણ ભત્ટ સમજ્યા નહીં.
‘ડિસમિસ કરશે.’
‘ડામેશ કરશે, એમ ના?’
‘હા’
‘ત્યારે બેટા! પાછો રાજપુર ભેગો થા. એવા પાંચ સા’બ ઘડીભર થંભી જાય એવા ઘોડાપૂર મોલ જામ્યા છે! જ્યાં સુધી તરકોશી વાડી છે ત્યાં સુધી આભરે ભર્યા છે.’
‘પણ ગોવિંદના નોકરીમય જીવનમાં ‘ડિસમિસ’ની ગડમથલ જામી રહી હતી. આવા યાંત્રિક જીવનમાંથી રસાયણ ઊડી જઈ એકલો ધારાધોરણનો જથ્થો રહે છે. પરંતુ રાજપુરના જાહેર જીવન વગરના ગામડિયાઓમાં સ્વાધીનતાનો જુસ્સો હતો. તેમણે કારકુનને તેજ કર્યો.
બીજે દિવસે સૌ રાજપુર તરફ ચાલ્યાં. ગોવિંદ રાજપુરમાં તો આવ્યો. પણ શહેરી જીવનનું ઝેર એવું રગરગમાં વ્યાપી ગયું હતું કે હવે તેની તંદુરસ્તીમાં ફેરફાર થવો અશક્ય હતો. નરહરનો કાગળ એવો હતો કે સાહેબે ડિસમિસ કર્યો છે છતાં માણસનો ખપ છે માટે રાખશે. ગોવિંદે જવાબ લખ્યો કે, ‘હવે હું નોકર નથી ને કોઈએ નોકર રહેવું નહિ. જમીનના કકડામાં જેટલું જીવન છે તેટલું બીજા કશામાં નથી.’
ત્યર પછી થોડા માસે જીવનની મુસાફરીનો છેલ્લો દિવસ આવી પહોંચ્યો, ગોવિંદને એક જ નિરાંત હતી કે પોતાના જ ગામમાં કુટુંબને રક્ષણમાં મૂકિ પોતે જાય છે.
‘કાકા, કલ્યાણ પટેલ!’ ગોવિંદે કહ્યું, ‘હવે હું જાઊં છું, અને આ તમને સોંપ્યા.’
થાપણનો ને હાથ ઝાલવાનો રિવાજ જેવો ગામડામાં સચવાઈ રહ્યો છે, તેવો જબરદસ્ત શહેરમાં પણ સચવાતો નથી. ને તેથી જ તો શહેરમાં ‘અનાથાશ્રમ’નો રિવાજ છે જ્યારે ગામડામાં બંધુત્વની ભાવનાનો માર્ગ છે.
કલ્યાણ પટેલ માત્ર રોઈ રહ્યો! છેવટે બોલ્યો – ‘તમારા જીવને સદગત કરજો. જ્યાં સુધી હું છું ત્યાં સુધી હરિપ્રસાદની ખેડ તૂટશે નહીં.’
ગોવિંદ આંખ મીંચી ગયો!
* * *
બે-ચાર વર્ષ પછી નીલા ભરચક્ક ખેતરમાં ભાગીરથી ઊભી છે, તાજી સુગંધથી મગજ ભરાઈ જાયા છે. શ્રાવણ માસનાં આછા વાદળામાં નીલાં પીળાં ખડ જલપ્રવાહની માફક ડોલી રહ્યાં છે. ટેકરીઓ પર ને ડુંગરાળા પરથી રબારીની વાંસળી ને દર્દભર્યા દુહાઓ આખી સીમને કાંઈ જુદો જ પલટો આપી રહ્યાં છે, એ વખતે ગોવિંદના ખેતરને સીમાડે બે બળદના ગાડામાં બેસીને એક જુવાન એ તરફ આવતો દેખાયો. ગાડું છેક નજીક આવ્યું, ભાગીરથીએ જુવાનને ઓળખ્યો,
‘ઓહો! નરહરભાઈ! આમ ક્યાં?’
‘મારા મામાને ત્યાં જાઊં છું; અહીંથી બે ગાઉ દૂર ગામડામાં રહે છે.’
‘બહુ લેવાઈ ગયા છો! કાંઈ તબિયત ઠીક નથી?’
નરહરે ઉધરસ ખાતાં જવાબ આપ્યો, ‘બસ એ જ!’ અને એનો શહેરી જુસ્સો બહાર આવ્યો – ‘માણસને ક્ષયમાં મારી નાંખવો ને ભવિષ્યની પ્રજાને હતવીર્ય કરી નાખવી એ અમારી યાંત્રિક સંસ્કૃતિ અને વીસમી સદીનો સુધરેલી પ્રગતિનો પ્રભાવ છે! ખરેખર કોઈ પ્રજા ગુલામ ને હતવીર્ય હોય એના કરતાં બળવાન ને જંગલી હોય તે વધારે સારું છે.’
ગાડું આગળ ચાલ્યું ને પાછાં ફરતાં ભાગીરથીની મિજબાની સ્વીકારવાનું નરહરે કહ્યું. ભાગીરથી સીમમાં નજર કરી રહી. ભથિયારીઓ સાંજે પાછી વળતાં ગીત લલકારી રહી હતી ને ચરે તરફ રાસનો પ્રવાહ રેલી રહ્યો હતો. ભાગીરથીની આંખમાં આંસુ આવ્યાં. હરિપ્રસાદે તે જોયું, તેનો બાળસ્વભાવ તરત પ્રશ્ન કરવા દોડ્યો. ‘બા, તું કેમ રુએ છે?’
‘અમસ્તી બેટા!’
‘ના, કહે’
‘બેટા! આ પ્રકૃતિનું સૌંદર્ય, ખેતરની સ્વાધીનતા, લીલી વાડી ને જિંદગીની તાજગી ખોઈ, યંત્રોના મોહમાં શહેરમાં આપઘાત કરવાનો પાઠ કોણ આપી રહ્યું છે? શું ગામડાં ભિખારી થશે અને શહેરો ગુલામ થશે એ આ સંસ્કૃતિનું ધ્યય છે?’
આથમતા સૂર્યમાં મા-દિકરો રાજપુર તરફ ચાલ્યાં
– ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી ‘ધૂમકેતુ’ (‘તણખા મંડળ – ૧’માંથી સાભાર)
ગુજરાતી સાહિત્યમાં ટૂંકી વાર્તા ક્ષેત્રે ધૂમકેતુનું પ્રદાન જાણીતું છે. વિષયવૈવિધ્ય, સચોટ અને સ્પષ્ટ પાત્રાલેખન, તાદ્દશ વર્ણનો અને ભાવનામય વાતાવરણની ચિત્રાત્મકતા, માનવ સંવેદનોની સૂક્ષ્મ અભિવ્યક્તિ, તીવ્ર સંવેદનો સાથે સમયોચિત કથાવસ્તુને કંડારીને તેમણે અનેક સુંદર ટૂંકી વાર્તાઓ આપી છે. પ્રસ્તુત વાર્તામાં નગરજીવનના મોહમાં રઘુનાથ મહારાજનો પુત્ર ગોવિંદ હર્યાભર્યા કુટુંબને, રાજપુર ગામને છોડીને શહેરમાં નોકરી કરવા જાય છે. શહેરના મોહમાં કૃત્રિમ અને પ્રદૂષિત જીવનવ્યવસ્થા તેને મોતના મુખમાં ધકેલે છે. અને જીવનના અંતે ફરીથી મૂળ જગ્યાએ આવે છે – વાર્તાઓની સાથે સંકળાયેલ ઘટનાપ્રસંગમાં ગ્રામજીવનની નાની નાની બાબતો – સંસ્કારો, પ્રકૃતિનો ખોળો, બંધુત્વની ભાવના વગેરેનું સરળ નિરુપણ અહીં થાય છે. ગામડાના નાનકડા જમીનના ટુકડા સાથે જેટલું સાદગીભર્યું અને ભર્યુંભર્યું જીવન છે એટલું શહેરી સંસ્કૃતિમાં નથી એ પ્રભાવક રીતે અહીં દ્રષ્ટિગોચર થાય છે.
બિલિપત્ર
શિક્ષણે એક એવો વિરાટ લોકસમૂહ પેદા કર્યો છે જે વાંચી શકે છે, પણ શું વાંચવા જેવું છે તેનો વિવેક કરી શક્તો નથી.
Thank You
Very Much For This Story Because It Was Very Helpful To Me In My Project
આ ખુબ જ સરસ હતુ.
Thankyou
Very much Give us Gujju Knowledge
Jay Jay Garvi Gujrat
Superb Jigneshbhai…….like it very much…thanks…..
ખુબ સરસ, શહેરીકરણે ગામડા ટુટી રહયા છે
ખુબ જ સરસ
ધુમક્રેતુજી ની વાર્તા માટે શુ લખવુ…..રજુઆત મુક્વા બદલ આભાર