આસક્તિ, સુવર્ણની બેડી! – રાધેશ્યામ શર્મા 2


(‘નવચેતન’ જાન્યુઆરી ૨૦૧૧ના અંકમાંથી સાભાર)

જગતમાં જેટલી પ્રેમ કથાઓ છે ત્યાં રૂપની, સૌષ્ઠવની, આકારની, સૌંદર્યની બોલબાલા છે.

વિજાતીય આકર્ષણનું સામ્રાજ્ય સર્વત્ર પ્રવર્તે છે. સજાતીય ખેંચાણોમાં પણ દેહનું, પૌદ્દ્ગલિક પિંડનું પ્રભુત્વ હોય છે. પ્રથમ, આકર્ષણ શરીરથી શરૂ થઈ માનસિક અને બૌદ્ધિક ભૂમિકા સુધી પહોંચે છે. આંતરિક સૌંદર્યનું પ્રકર્ષણ, કદર તો મોડેથી થાય. પ્રથમ તો પ્રેમી અને પ્રેમિકાનાં અંગોપાંગનાં લયહિલ્લોલ અને નજાકતની કવિતા પર જ સ્નેહની કથાનો પાયો મંડાય છે.

વિશ્વની બહુ બધી પ્રેમકવિતાઓ પુરુષપ્રેમીઓ કરતાં પ્રિયતમાઓની સુંદરતાનાં વર્ણનોમાં વપરાઈ છે. પ્રેમીઓ પાગલ થવાના, નિષ્ફળતા મળતાં આપઘાત કરવાની હદે પહોંચ્યા એવી ઘટનાઓના મૂળમાં સામેના સ્નેહપાત્ર પ્રત્યેનું પ્રગાઢ પ્રકર્ષણ રહેલું હોય છે.

ચાહે તે રોમિયો – જુલિયટ હોય, એલિઝાબેથ ટેલર – રોબર્ટ હોય, ક્લિયોપેટ્રા – માર્ક એન્થની હોય, લૈલા – મજનૂ હોય, શિરી – ફરહાદ હોય, હીર – રાંઝા હોય અમે પૌરાણિક કાળનાં સુકલ્પિત રાધા – કૃષ્ણ હોય – આવાં સર્વ પાત્રોનો અજર- અમર ઈતિહાસ એમના બાહ્ય દેખાવના સર્જક કવિ – નાટ્યકારોએ રચેલાં સ્નેહસ્તવન પર નિર્ભર છે. અહીં આત્માની નહીં, એનાથી અધિક શરીરના આકર્ષણ – સામર્થ્યની સ્વીકૃતિ છે.

વિશ્વવિખ્યાત લૈલા ઘણાને મતે કાળી હતી અને એવી રૂપવતીયે નહોતી તોયે મજનૂ લૈલાના શામળા સૌંદર્યમાં શીતલતા જોતો હતો! લોક મજાક કરી પૂછતું કે લૈલામાં શું બળ્યું છે તે તું ગાંડા કૂતરાની માફક ગલીગલીમાં ‘લૈલા લૈલા’ કરતો ભટકે છે? ત્યારે મજનૂએ આપેલો ઉત્તર પ્રેમ કહાનીઓમાં આજે પણ કાબિલે દાદ છે. તેણે કહેલું:

‘લૈલા કો મજનૂ કિ નિગાહોં સે દેખો.’

ક્લિયોપેટ્રા વિશે ઈતિહાસમાં નોંધાયું છે કે તે ઠીંગણી હતી ને જેટલાં વખાણ થયાં એવી તો નહોતી, છતાં જુલિયસ સિઝર, માર્ક એન્થની જેવા રાજવીઓ પર આકર્ષણની જાદુઈ ભૂરકી નાખી શકેલી! આવા ઘણા કિસ્સામાં આંતરદર્શન કરતાં બાહ્ય પ્ર-દર્શનનો મહિમા ગાવાતો અને વગોવાતો રહ્યો છે.

દેહના આકર્ષણના પ્રથમ પગથિયા દર્શન – શ્રવણ બાદ બીજું સોપાન આસક્તિનું છે, એટેચમેન્ટનું છે. આસક્તિ કેવળ પ્રેમીઓના ચરિત્રો સુધી આવીને અટકતી નથી. મનોવિજ્ઞાનના મહર્ષિ મનાયેલ ફ્રૉઈડે અને અન્ય માનસવિશ્લેષકો ‘ઈડિપસ કૉમ્પ્લેક્સ’ (માતા પ્રત્યે પુત્રીનો ભાવાનુરાગ) જેવી મનોગ્રંથિઓ મનુજ ચિત્તમાં શોધીને દ્રષ્ટાંતો રજૂ કર્યાં છે.

રાગ અનુરાગનું ક્ષેત્ર એટલું વિશાળ અને સંકુલ છે, જે માતા-પિતા, પુત્ર-પુત્રી, પરિવારના સભ્યો, અને છેક રાષ્ટ્રધ્વજ સુધી વિસ્તર્યું છે! શહીદી વહોરનાર દેશભક્તોનો આદર પોતાના રાષ્ટ્ર માટે અનુરાગની સરહદને સ્પર્શ્યો હોય છે જેમકે પ્રેમીઓ નાકામયાબીનો, દેશવટાનો, સામાજિક બહિષ્કારનો ભોગ થઈ ઝેર પી મરણશરણ થતાં રહ્યાં છે.

આસક્તિનો આત્મીયતા સાથે સંબંધ છે, મનુષ્ય હૂંફ, ઉષ્મા, સધિયારો, સહાય પ્રાપ્ત કરે ત્યારે અને ત્યાં તે વ્યક્તિ પરત્વે આસક્ત થાય એ સ્વાભાવિક છે, પણ એ જ આસક્તિ બંધનની બેડી બની જવાની સંભાવના પણ સમજવા સરીખી છે.

એવું ક્યારે બને કે જ્યારે આસક્તિ, સંગના રંગીન સંગીન દોષથી જાણ્યે-અજાણ્યે વ્યક્તિને કેદી બનાવી દે!

અને જો જ્ઞાનભક્તિ પ્રત્યે વળે તો આસક્તિ મુક્તિ તરફ લઈ જાય! આવા પ્રસંગે અસંગપણાના દૃઢ શસ્ત્રથી વિચિત્ર વિષમ ગ્રંથિઓ છેદાઈ જાય. આત્મીય સ્વજનો સાથેના સાંસારિક વ્યવહારમાં કોઈ જાગી ગયેલો મહાનુભાવ હર્ષ અને શોકમાં એકસમાન, સમ્યક ભાવે વર્તે છે.

લાઓત્સે જેવા જ ચીનના મર્મી ફકીર ફિલસૂફ ચું આંગ ત્સેના જીવનનો એક પ્રસંગ આજે પણ તવારીખમાં ઝળહળી રહ્યો છે.

ચુ આંગ ત્સેની પત્નીએ પુત્ર જણ્યો. લોકો હરખથી વધાઈ આપવા આવ્યા ત્યારે જન્મેલા પુત્રનો ફકીર બાપ, બધાંને મીઠાઈ વહેંચવાને બદલે ખૂણામાં બેસી મોટા અવાજે રોતો હતો. લોકો વિસામણમાં પડી ગયા ને રોવાનું કારણ પૂછ્યું તો ચુ આંગ ત્સે બોલ્યો: મારા પુત્રના જન્મ સાથે જ એનું મૃત્યુ ક્યારે થશે એ જાણીને રડું છું. લોકો પાછા જતા રહ્યા.

થોડાં વરસ બાદ ફકીરની પત્ની ગુજરી ગઈ. એના એ લોક ખરખરો કરવા, દિલાસો આપવા આવ્યા ત્યારે ચુ આંગ ત્સે ઘરબહાર ઓટલે બેસીને બીન વગાડતો હતો!

લોકો : ‘પ્રિય પત્ની મરી ગઈ એના દુ:ખને બદલે તમે વાજિંત્ર બજાવી ગાઓ છો? તમારું વિચિત્ર આચરણ સમજાતું નથી.’

ફકીર : ‘આપ સૌ પણ ખુશી મનાઓ. હું પામી ગયો છું કે એ છૂટી ગઈ, જનમમરણના ફેરાંમાંથી મુક્તિ પામી ગઈ.’

આવા મર્મી જ્ઞાની ઓ રાગના તેમજ દ્વેષનાં નિબિડ જંગલોની પાર જઈ, અનુરાગભર્યું આચરણ દર્શાવે કે ઉપેક્ષા કરે ત્યારે વિરોધી દેખાતી બંને પરિસ્થિતિઓમાં અવિચળ અને નિ:સ્પંદ રહી શકે છે!

પ્રગાઢ પ્રસક્તિ નિષ્કલંક ભકતિમાં પલટાઈ જવાની ઐતિહાસિક હકીકત સંત તુલસીદાસ રામાયણીની જિંદગીમાં બની ગયેલી. તુલસીનો ‘રામચરિતમાનસ’ ગ્રંથ, ભારતના ખૂણેખૂણામાં વંચાય છે, એટલું જ નહીં અંગ્રેજી, રશિયન જેવી ઘણી વિદેશી ભાષાઓમાં અનુવાદ રૂપે પણ પોંખાય છે.

પૂર્વજીવનમાં તુલસી પરણ્યા પછી એમની સુંદર પત્નીના રૂપ પર અતિ મુગ્ધ હતા. પત્નીને પ્રસંગ પિયર જવાનું થયું તો આ પતિદેવ વિયોગના અગ્નિથી એવા દાઝ્યા કે રાતોરાત કેટલાક માઈલ ચાલીને સાસરે પહોંચી ગયા. બારણે ટકોરા માર્યા તો રત્નાવલી સમી પત્નીએ બારણું ખોલી કહેલું:

‘અસ્થિ ચરમ સમ દેહ પ્રીત, તામે જૈસી રીત
ઐસી હોત શ્રી રામમેં તો હોત ન ભવભીત!’

હાડકાં ચામડાંના આ દેહમાં જેટલી પ્રીતિ રાખો છો એટલી શ્રી રામમાં ભક્તિ રાખી હોત તો તમારા ભવની ભીતિ ટળી જાત!

તેજીને તો ટકોરો બસ ગણાય. તુલસીએ જાણે વીજ ઝબકારે શ્રી રામભક્તિનું મોતી પરોવી લીધું!

તુલસીદાસ રામ ભક્ત હતા, ને સુરદાસ કૃષ્ણભક્ત હતા. પણ એ પહેલાં તો એ રૂપાંગનાને મલવા તરફડતા આસક્ત રસિક જીવ બિલ્વમંગલ હતા. એક રાતે નદીમાં ખાબકી તરાપા પર બેસી રૂપજીવીના ઝરુખા નીચે પહોંચી ગયા. પેલો તરાપો નહોતો દંત કથા પ્રમાણે અંધારામાં એક તરતા મુર્દા પર બેસીને કિનારે આવેલા. ઝરુખે ચઢીને જવું કેવી રીતે, તો મૃત સાપને દોરડું માની પકડીને ઉપર પહોંચ્યાં હતા. એમના જીવનચક્રમાં એવો પલટો આવ્યો કે અંધ બન્યા પછી માધુરી મુરત સમા શ્યામકૃષ્ણની આરાધાનામાં ભક્તિ – કાવ્યો રચી અમર થયા.

આમ આસક્તિ વિધાયક છે અને વિનાશક પણ છે. પોઝિટિવ દ્રષ્ટિ ગ્રંથિ મોક્ષ કરાવે અને નેગેટિવ ધારણા બંધનનો અહેસાસ આપે.

મોટો આધાર સંકલ્પશક્તિની તીવ્રતા પર છે. એ ઊર્જા – આસક્તિ કઈ ચેનલમાં વહી જશે તે સામાન્ય જણો નહીં પણ જ્ઞાનપ્રકાશ પામેલા દેખી શકે અને પથપ્રદર્શક બની પોતાના પ્રદીપથી અન્યના દીવા ચેતવી શકે. પસંદગી કરવાનું સ્વાતંત્ર્ય દરેકને છે. બાકી સો વર્ષની અંધારી ગુફામાં એક દીવાસળીનો ઉજાસ શું ના કરી શકે?

– રાધેશ્યામ શર્મા


આપનો પ્રતિભાવ આપો....

2 thoughts on “આસક્તિ, સુવર્ણની બેડી! – રાધેશ્યામ શર્મા

  • Nardi Jagdish Parekh

    અક્ષર અર્ચનાનો અલભ્ય અવસર આપનાર અક્ષરનાદનો અત્યંંત આભાર. ઇશકૃૃપાનુ અવિરત ઝરણુંં આ જીવ પર વરસે છે ને ભજનની
    સરવાણી વહેતી રહે છે

  • Nardi Jagdish Parekh

    અક્ષર અર્ચનાનો અલભ્ય અવસર આપનાર અક્ષરનાદનો અત્યંંત આભાર. ઇશકૃૃપાનુ અવિરત ઝરણુંં આ જીવ પર વરસે છે ને ભજનની
    સરવાણી વહેતી રહે છે