કથક નૃત્યનું ભાવદર્પણ : ઠૂમરી – સ્વાતિ અજય મહેતા
લલિત ગાયનનો એક પ્રકાર ઠૂમરી ગાયનક્ષેત્રના જેટલો લોકપ્રિય છે તેટલો જ ઉત્તર ભારતીય શાસ્ત્રીય નૃત્યશૈલી કથકમાં પણ અતિ લોકપ્રિય અને તેના અતૂટ હિસ્સા સમાન છે. આ વાતની કથક પ્રેમી રસિકોને વિશેષ રૂપથી જાણ હોય જ. યોગાનુકૂલ પરિવર્તનોની દરેક કલા પર અસર આવતી જ હોય છે. કાલાંતરે કથક નૃત્યપ્રયોગોમાં પણ માત્ર મનોરંજનની ભાવનામાંથી બહાર નીકળી, તેનું પ્રાચીન મંદિર સ્વરૂપ તથા તેના અભિનયની અદાકારીને પૂર્ણ રીતે ખીલવવામાં ‘ઠૂમરી’નું બહુ અમૂલ્ય યોગદાન છે. કથક નૃત્યમાં નર્તનના ત્રણે ભેદો નૃત્ત, નૃત્ય અને નાટ્ય, ત્રણે અંગોનું સમૃદ્ધ અને વૈભવી સ્થાન છે અને એ દ્રષ્ટિએ કથક સંપૂર્ણ શુદ્ધ શાસ્ત્રીય નૃત્ય છે. ભારતીય પરંપરામાં નર્તન ક્રિયાના ત્રણે ભેદોમાં નાટ્યને રસાશ્રિત, નૃત્તને તાલલયાશ્રિત અને નૃત્યને ભાવાશ્રિત મનાયાં છે. ધનંજયે ‘દશરૂપક’ માં લખ્યું જ છે એ માન્યતાથી નૃત્યનું મુખ્ય કાર્ય ભાવોનું પ્રદર્શન છે.