શોર્ટફિલ્મ્સનું વિશ્વ : ભાગ ૧ – જીજ્ઞેશ અધ્યારૂ 6


જેમ મને માઈકોફિક્શન વાર્તાપ્રકાર ખૂબ આકર્ષે છે તેમ શોર્ટફિલ્મ્સ પણ ખૂબ આકર્ષે છે. અને ન તો માઈક્રોફિક્શન કે ન શોર્ટફિલ્મ કોઈ નવો પ્રકાર છે. વર્ષોથી ચાલી આવતા આ બંને સચોટ પ્રકારો આજના સમયના સાહિત્ય માટે ખૂબ ઉપકારક થઈ શકે એવા છે. શોર્ટફિલ્મ્સ આજના સમયની ખૂબ ઝડપથી પ્રસરતી સહજ, સરળ પણ સચોટ વાત કહી જતી ફિલ્મો છે. મોબાઈલથી શૂટ થતી શોર્ટફિલ્મ્સ માટે અલગથી ઈનામો છે અને તેના અલગ ફિલ્મ ફેસ્ટિવલ થાય છે.

છેલ્લા થોડાક અઠવાડીયાના સતત પ્રવાસને લીધે શોર્ટફિલ્મ્સના વિશ્વને હું ખૂબ નજીકથી જોઈ રહ્યો છું. (થેન્ક્સ ટુ જીઓ) અંગ્રેજીમાં તો અજબગજબની શોર્ટફિલ્મ્સ મોજૂદ છે જ, હોરર, ડ્રામા, રોમાન્સ અને સામાજિક વિષયોને સ્પર્શતી અનેક અંગ્રેજી શોર્ટફિલ્મ્સ ખૂબ વખણાઈ પણ છે. હિન્દીમાં ઘણી સરસ શોર્ટફિલ્મ્સ બની છે. બોલિવુડના નામાંકિત ડાયરેક્ટર્સ ફરહાન અખ્તર, અનુરાગ કશ્યપ, મીરા નાયર વગેરે સિવાય અનેક ફિલ્મો એવી પણ છે જેના દિગ્દર્શકો કે કલાકારોના નામ અજાણ્યા છે, પણ તેમની આ ફિલ્મો જ તેમનો પરિચય આપે છે. આપણે આ શ્રેણીમાં ભાષાથી પર થઈને તેના સત્વ અને ગુણવત્તાને આધારે ઘણી શોર્ટફિલ્મોની વાત વિગતે કરીશું, તેમાં રહેલા માઈક્રોફિક્શનના મૂળને તપાસવાનો યત્ન કરીશું અને સહેજમાં ઘણું કહી જતી એ અસાધારણ ફિલ્મો માણીશું.

૧. ક્લાઉડિયા બેરીની શોર્ટફિલ્મ “ધ ચિકન” (French: Le Poulet)

આ શ્રેણીની શરૂઆત કરીએ એક ખૂબ જૂની શોર્ટફિલ્મથી, ક્લાઉડિયા બેરીની શોર્ટફિલ્મ “ધ ચિકન” (French: Le Poulet) ૧૯ જુલાઈ ૧૯૬૫ના રોજ પ્રસ્તુત થયેલી અને તેને બેસ્ટ શોર્ટ સબ્જેક્ટનો ઓસ્કર મળેલો. અમદાવાદમાં અંજુમ રજબલી દ્વારા થયેલા ફિલ્મલેખનના વર્કશોપમાં અમને એ દેખાડાયેલી.

મુદ્દો ખૂબ સહજ અને સરળ છે, પણ એને જે બખૂબીથી પ્રસ્તુત કરાયો છે એ યત્ન કાબિલેદાદ છે, અને એમાં ભાષા ક્યાંય નડતી નથી. એક ચિકન છે જે ઉજાણી માટે જ લવાયું છે, પણ એ ઘરમાંનો નાનકો એને વ્હાલ કરી બેસે છે.. પછી શું થાય છે એ જાણવા જુઓ આ બ્લેક એન્ડ વ્હાઈટ ફ્રેન્ચ શોર્ટફિલ્મ. મજબૂત એડિટિંગને લીધે તેની એકે એક ફ્રેમ, પ્રત્યેક દ્રશ્ય કે સંવાદ પોતાને સ્થાને ખૂબ જ જરૂરી છે. આ શ્રેણીની શરૂઆતમાં ‘ધ ચિકન’ લેવાનો અર્થ એ જ બતાવવાનો છે કે માઈક્રોફિક્શનની જેમ શોર્ટફિલ્મ્સ પણ નવી અવતરેલી નથી, એ લાંબા સમયથી ચાલી આવતું સ્વરૂપ છે.

https://www.youtube.com/watch?v=JSOPILoAQFI

૨. ક્રાયલર એકર્સ્ટ્રોમની શોર્ટફિલ્મ ‘રીસેટ’

નાનકડી છોકરી સોફી તેની મા સાથે ક્યાંક ખૂબ અંતરિયાળ પ્રદેશમાં અથાગ એકલતામાં, ખેતરોની વચ્ચે ક્યાંક એક ઝૂંપડામાં જીવે છે, એક એવું સ્થળ જે પોતાનામાં એક રહસ્ય છુપાવીને બેઠું છે. સોળ મિનિટની આ શોર્ટફિલ્મ તમને એક અનોખી વૈચારીક સફરે લઈ જાય છે, તમે એને સાયન્સ ફિક્શન ફિલ્મ કહી શકો, હોરર કહી શકો.. જો કે હું માનું છું કે ‘સર્જન’ સભ્યો આ ફિલ્મના અહીં બતાવ્યો છે એ સિવાયના રસપ્રદ અંત પણ વિચારી શકે છે.

ફિલ્મના હાર્દમાં છે એક બાળકના મનમાં માતા-પિતા પ્રત્યેનો અથાગ વિશ્વાસ અને સુરક્ષાની ભાવના. માતાપિતા આસપાસ હોય ત્યારે બાળક નિરાંતે જીવે છે, પણ મનમાંનો એ ડર, માતાપિતા સાથે ન હોય તો શું થશે એ વિચાર સતત મનના ખૂણે ભંડારાયેલો હોય છે જ. પણ જો સુરક્ષાની એ ભાવના જ ન રહે તો, તેને માતા કે પિતા તરફથી જ જો અસુરક્ષા અનુભવાય તો.. એ જ અસહજતા અને મનોમંથનને આ ફિલ્મ ખૂબ જ સુંદર રીતે દર્શાવે છે.

૩. શ્લોક શર્માની અફલાતૂન શોર્ટફિલ્મ ‘બોમ્બે મિરર’

આજકાલ ચૂંટણીનો માહોલ છે અને ધર્મ વિશેની ચર્ચાઓ ખૂબ જોરશોરથી થાય છે. સોશિયલ મિડીયા આજના સમયમાં વિચારપ્રવાહ પર અજબની પકડ ધરાવે છે, એ તમારો મત બદલી પણ શકે છે અને તમારા મતને તમારા મનમાં જડબેસલાક કરી શકે છે, એના માટે તમે કોઈ પણ હદ સુધી જઈ શકો એ પણ શક્ય છે..

આપણો દેશ બિનસાંપ્રદાયિક છે પણ આપણી સાંપ્રદાયિક માન્યતાઓ સંજોગોની સાથે મળીને ક્યારેક એ ભાવનાને સખત રીતે આઘાત પહોંચાડતી હોય છે. આપણા સમાજ અને વ્યવહારની સહજતા વિષમ સંજોગોમાં મહદંશે કાયમ રહી છે, પણ જો એમ ન થઈ શક્યું તો? શ્લોક શર્માની આ ફિલ્મ ફક્ત ત્રણ જ મિનિટમાં તમને કલાક સુધી અવાચક કરી મૂકવા સક્ષમ છે. ફક્ત ત્રણ મિનિટમાં એક આખું ચલચિત્ર, તદ્દન માઈક્રોફિક્શન જેવી જ ફીલિંગ અહીં મળે છે. જાણીતા મરાઠી અભિનેતા, લેખક અને દિગ્દર્શક વિજય મૌર્ય સાથે સિટિલાઈટ્સ, અલીગઢથી જાણીતા રાજકુમાર રાવ અભિનિત આ ફિલ્મનું લેખન અને દિગ્દર્શન હરામખોર, ગેંગ્સ ઑફ વાસેપુર અને દેવ ડી જેવી ફિલ્મોથી દિગ્દર્શક / સહદિગ્દર્શક તરીકે જાણીતા થયેલા શ્લોક શર્માનું છે. કેટલી નાની સ્પેસમાં કેટલો મોટો મુદ્દો અને અજબનો કુઠરાઘાત

તો આ શોર્ટફિલ્મો વિશે આપનો અભિપ્રાય જાણવાની ઉત્કંઠા રહેશે. શોર્ટ ફિલ્મ્સ વિશે લંબાણથી લખવું જરૂરી નથી, જરૂરી છે તેના સત્વને સમજવું અને તેના વાર્તાબીજને ઓળખવું. આવતા દિવસોમાં અનેક શોર્ટફિલ્મ્સનો આમ જ પરિચય કરીશું.


આપનો પ્રતિભાવ આપો....

6 thoughts on “શોર્ટફિલ્મ્સનું વિશ્વ : ભાગ ૧ – જીજ્ઞેશ અધ્યારૂ