પાંચ લઘુકથાઓ – સંંકલિત 2


કુમાર સામયિક (મે ૨૦૦૫ અને જૂન ૨૦૦૫)માંથી સાભાર સંકલિત

૧. છીંડુ – ભગવત સુથાર

ગલુજીએ પોતાના ઘરની વાડમાં રહેલાં નાનાંમોટાં બધાં જ છીંડા પૂરવા માંડ્યાં. છીંડા પૂરતાં પૂરતાં તે મન સાથે છેડાયો : લોક બચારું કેતું’તું… અલ્યા ગલુજી! છોડી ઉપર નજર રાખજે. ઈની માન પન મી ચેટલી વાર કીંધુ પણ પથરા પર પોણી… ઈએ પરભવની દશ્મન. નકર જવોન છોડી પર હાકો નો રાખ. આ તી છોડી પોંચ માગ તો દહ દે. મી કીધું’તું છોડીન તું નો ફટવ. તો કે દાદાની ચકલી કાલ ઊડી જાહ.. કાલ હું ઊડ ઈ તો. મી તો નજરો નજર હરુભરુ મારા હાત પેઢીના દશ્મનના પરતાપિયાના નટલા હાથે જોઈ તો જોણમને ઓળશ્યો જ નો હોય ઈમ ફટફટિયા પર. મું તો જોતો જ રિયો… આજ આવ તોણ ઈની વાત. ટોટિયાં જ ભાંહી નોખું. ન નોખું ખાટલે. જો, આ તારા દખે તો આજ જ થુરિયા લાઈન છેડાં પૂર્યાંહ.. રાતે તું બારાં જા તો ખરી? મારી ઓલી ગગીબુનનાં તો જઉં છું. કઈન જતી એ નફફટના શેતરે અન.. અન.. લોક તો ચેવી ચેવી વાત્યું કર છ..

‘લ્યો હેડો હવ મેલો કેડો. આ ચા મેલી છ. બપોરના મંડ્યા રયા છો તી… ઈમ કૉય આપણું રોક્યું નો રોકાય. ઈના નસીબે જે લેખ્ય હશી તી થાશી. મેલો, હંઘી ચંત્યા… નોખો બોખ ન વેરઢું કૂવે…’

ગલુજી કોદાળી અને ધારિયું મૂકીને કટલું બંધ કરીને આવ્યો. ચાનો પ્યાલો હાથમાં લીધો. હાથ ગુસ્સાથી ધ્રુજવા લાગ્યો. મૂછ ફફડવા લાગી. બે ઘૂંટ ભરીને બોલ્યો: ‘આ ચા એ કડવી વખ છ.. આ કટલ પણ હોકોળ ઠોચીન રાતે તારું વાહીન ઊંધહું… પછ રાત ચ્યમ કરીન જાહ…?’

ચા પીને ગલુજીએ ખાલી કપ ગંગાના હાથમાં મૂક્યો.

‘જરા, બજારી જઉં. કોય લાબ્બું છ?’

‘ના, પણ જોવ, જરા જીવન ટાઢક વળ, મનવિહારો યે વળી થાહ…’

ગલુજી સૂરજ ડૂબતાં આવ્યો. જમવા બેઠો. ચંપી આવી નથી એ ઉચાટમાં ગળે કોળિયો ઊતરતો નથી. ત્યાં પેલું કટલું ખખડ્યું ને આવનારે કહ્યું, ‘એ તમારી ચંપલી નટલાન પૈણી ન શ્હેરમોં…’

ગલુજી અને ગંગા પેલાં તાજાં પૂરેલાં છીંડાં સામે જોઈ રહ્યાં. થૂરિયાના કાંટા ઊડીને જાણે આંખે ઘોંચાવા લાગ્યા.

૨. સરનામું – હરેશ કાનાણી

ધીરજલાલે રાત-દિવસ એક કરીને ઘણી માલમિલકત બનાવેલી. શહેરમાં નામ પણ ઘણું હતું. હવે જીવનના છેલ્લા દિવસો હતા. પત્નીએ મરતી વખતે દીકરાને કહેલું; ‘આ તમારા બાપુજીનું ધ્યાન રાખજો. તેમણે તમારા માટે ઘણું કર્યું છે.

જીવનના આ છેલ્લા દિવસોમાં ધીરજલાલની માનસિક સ્થિતિ થોડી કથળી ગઈ છે, તેવું દીકરા માનતા. વહુઓનું વર્તન પણ સારું ન હતું.

ધીરજલાલ ઘણી વખત સવારે નીકળે તો રાત્રે મોડા ઘરે પહોંચતા. ઘરે ક્યારે પહોંચે તેનું નક્કી ન હોય; તેથી દિકરાએ ખિસ્સામાં સરનામાનું એક કાગળ પ્લાસ્ટિકની કોથળીમાં નાખી રાખતાં. જેથી કોઈ અકસ્માત થાય તો તેને જાણ થાય. એક દિવસ ધીરજલાલ સાંજ થતા ઘરે ન આવ્યા, દીકરાઓએ થોડી ખોળવાની મહેનત કરી. પરંતુ એ મહેનતમાં સફળતા મળી નહીં. આડોશપડોશમાં આ વાતની જાણ થતા તેઓ આવીને આશ્વાસન આપવા લાગ્યા; ‘કેવા ભલા માણસ છે તેઓ. કોઈને પણ કાંઈ કહે જ નહીં!’

સવારે રસ્તા પર જેવી ચહલ-પહલ થવા લાગી તેવામાં ધીરજલાલ ઘરે આવી પહોંચ્યા. તેઓ ઘરમાં આવી સીધા ખુરશી પર બેઠા.

નાની વહુ એટલામાં બોલી; ‘અરે હું તો ઘણા સમયથી કહું છું કે બાપુજીને મેન્ટલ હૉસ્પિટલમાં ભરતી કરી દેવા જોઈએ.’

મોટો દીકરો પૂછવા લાગ્યો; ‘અત્યાર સુધી તમે ક્યાં હતાં? તમને કેટલા શોધ્યા? તમે અમારી આબરૂના ધજાગરા ઊડાડવા માગો છો? શું સરનામું ખોવાઈ ગયું હતું?’ આટલું દીકરો બોલ્યો ત્યાં જ ધીરજલાલે સરનામાંવાળી કોથળી કાઢી અને પૂરી સ્વસ્થતાથી સરનામું વાંચવા લાગ્યા અને બબડી પડ્યાં; ‘હું આ કાગળમાં લખેલ સરનામેં જ આવ્યો છું કે…?

૩. મોંઘી મા – ડૉ. કેશુભાઈ દેસાઈ

મોંઘી મા નેજવાં ધરીને આગંતુકને ઓળખવા મથી રહ્યાં.

‘આપણા સરપંચ છે.’ પાડોશી રામસંગે ઓળખાણ આપતાં ઉમેર્યું; ‘ભઈનો સંદેશો લાયા છે.’

‘ભઈ’ નું નામ કાને પડતાં જ ડોશીના મોઢા પર ચમક ફરી વળી. ‘હાજો તો છે કે?’ બૈરાંછોકરાં કહોળશેમ (કુશળક્ષેમ) છે કે? આંય માને બંગલામાં પૂરીને ગયો તે ગયો!’ એ ગળગળાં થઈ ગયાં; ‘ફેરવારકો મોઢું બતાડવાય ના આયો!’

દિનુને અમેરિકા સદી ગયું હતું. માડીની ખબર કાઢવા રૂબરૂ આવવાનો વખત જ ક્યાં મળતો હતો? ધંધો એટલો બધો હતો કે રેઢો મૂકીને ઈન્ડિયા બહુ ગંદું છે એવું માની બેઠાં હતાં. છોકરાંને એમની મમ્મીએ જ ફટવી માર્યા હતાં.

‘દિનુભઈએ દસ હજાર ડોલર મોકલ્યા છે, માડી!’ સરપંચ કહી રહ્યાં હતાં; ‘આપણી શાળા તમારા નામે ઓળખાશે હવેથી! છવ્વીસમી જાન્યુઆરીએ પરધાન સાહેબ તમારા નામની તકતી ખુલ્લી મૂકશે.’

‘આખરે માનેય વેંચી ત્યારે જંપ્યો!’ મોંઘીમા બોખા મોઢે એવું હસ્યાં, એવું હસ્યા કે એમની કૂવા જેવી આંખો છલકાઈ પડી. હીબકાં ખાતાં એ કહી રહ્યાં; ‘મારે શું તકતીઓ જોઈ જોઈને જ જીવવાનું?’

૪. મજા – મનસુખ સલ્લા

સુમિત સાંજે ઑફિસથી અવીને ખુરશીમાં એવીરિતે બેઠો કે જાણે આખા દિવસનો થાક તેના પર ચડી બેઠો ન હોય! થાકથી એ જાણે જાડો દેખાતો જતો હોય! રુમાએ તેને પાણીનો ગ્લાસ આપ્યો. તે એક ઘૂંટડે પી ગયો. રુમાએ પ્રેમથી કહ્યું; હવે તારી ઑફીસ મનમાંથી ઉતારી નાખ. તું અત્યારે ઘરમાં બેઠો છે.’

‘શું ધૂળ ઉતારું?’ એ બે બદામનો સાલો પરીખ! વાતવાતમાં મારી સામે ધુરકિયા કરે છે. બોસ છે, કાંઈ વાઘ તો નથીને?’

‘તું હાથપગ ધોઈ લે. આપણે જમવા બેસીએ. પછી તું નિરાંતે કરવી હોય તે વાત કરજે.’ કહી રુમા રસોડામાં ગઈ.

સુમિત હાથપગ ધોઈ જમવા બેઠો, તેણે ટી. વી. ચાલુ કર્યું. સગર્ભા બન્યા પછી રુમાને જમતી વખતે ટી.વી. ચાલુ રાખવાનું ગમતું ન હતું. સુમિત સાથે વાતો કરવાનું મન રહેતું. આજે તે કાંઈ બોલી નહિ. ત્યા6 સમાચારમાં સુનામીના તોફાનના મૃતદેહોનાં ચિત્રો દેખાવા લાગ્યા. બે માતાઓ મૃત શિશુને લઈને આક્રંદ કરતી હતી. તે જોઈને રુમા આખી કંપી ઊઠી. સુમિત નિર્લેપ ભાવે ખાતો અને જોતો હતો. રુમાએ પૂછ્યું ‘હા6ડવો મૂકું થોડો?’ ‘હા’ કહી સુમિત ફરી ટી.વી. જોવા લાગ્યો. ત્યાં એક જગ્યાએ મડદાંનો ઢગલો કર્યો હતો તે દેખાયો. સ્ત્રીઓ બાળકો-પુરુષોનાં શરીરો એકબીજાની વચ્ચેથી દેખાતાં હતાં. સુમિત એકાએક ઉશ્કેરાઈ ગયો. ‘ઓફીસમાં સાલો પરીખ અને ઘરમાં આ મડદાં. ચેનલ બદલ. આમાં કાંઈ મજા નથી પડતી. રુમાએ અભાનપણે રિમોટના જે બટન ઉપર આંગળી અડી તે દબાવ્યું. બદલાયેલી ચેનલમાં રેસલીંગમાં એક માણસ બીજા માણસને ક્રુરપણે ઢીબી રહ્યો હતો. સુમિતના હાથમાં કોળિયો એમને એમ રહી ગયો હતો. તે રસથી જોઈ રહ્યો હતો.

મૂંગીમૂંગી ખાઈ રહેલી રુમાને પૂછવાનું મન થયું પણ પૂછી ન શકી કે, ‘હવે મજા પડે છે ને?’

૫. સોય – ભગવત સુથાર

‘અલી પભલી! ચાં જઈ?’ ઝૂંપડીનું કટલું ખોલતાં વાલી ડોસી બોલ્યાં.

‘આ રી માં! હું કોમ છ?’ પભલી ઝૂંપડી માંથી બહાર આવી.

‘લે આ હોય, ઈમાં તિ શી મોટી હોગાત છ?’

‘મા! તમારો પાડ તિ શેં ભુલાહે? પભલી ગળગળા સાદે બોલી.’

‘ચમ, અલી પભલી, એવું તિ હું છ?’

મારા ચમનિયાન માસ્તરે પેલાં નિહાળનાં લૂગડાં વના નેહાળેથી કાઢી મેલ્યો. ઈનું ધોળું પેરણ ફાતી જ્યું છ. મું હોંઘી દેય તિ કાલ્ય ભણવા જાહ.’ પભલીએ સંતોષથી કહ્યું.

‘ઈનું ધોળું ફાટેલું પેરણ’ આ શબ્દો વાલીડોસીના ચાર જમનારાનાં દુ:ખનો પહાડ ખડક્યો. તે મંદમંદ પગલે, પડું પડું થતાં પોતાની ઝૂંપડીમાં આવ્યાં. તૂટ્યો ફૂટ્યો પતરાનો એક તંક ખોલ્યો. અંદરથી અસ્તવ્યસ્ત, ઝાંખી જૂની એક છબિ કાઢી, હૈયે ચાંપી. આસું ડબકતી આંખે બોલ્યાં, ‘બેટા ઈ દન તારું ફાટેલું પેરણ હોંઘવા આ એક હોય ઓલે હંધી ઝૂંપડી ભટકી. પણ તિ હુઈનો કટ્યોકો ય નો મળ્યો. પેરણ નો હંધાણું. માસ્તરે હંધા ભણનારા વચાળે ટીપીન રોતલો કરવાનો ડારો દીધેલો. મારો વનો નેહાળ ન જ્યો. પણ ગોમ છોડીનનાહી જ્યો. શે’રમાં ચોરી અને ખૂન કરતાં ઝલાયો. આજની ઘડી હુધી જેલનોં બચકાં ખાય હ. દોઈડો તો હતો પણ આ મૂઈ હોય નતી. પભલી તારા છોરાન તો પેરણ હોંધીન પેરાવજે. વાલીડોસી આસુંની ધારથી વનાની છબિને અભિષેક કરી રહ્યાં.


આપનો પ્રતિભાવ આપો....

2 thoughts on “પાંચ લઘુકથાઓ – સંંકલિત

  • chaman

    ભગવત સુતારની બે લખુકથાઓ આજે વાંચતાં અમારા બંનેના માધ્યમિક શાળાના દિવસો યાદ આવ્યા. હું અને એઓ એક્જ ધોરણમાં અને એકજ શાળામાંથી મેટ્રિક પાસ થયેલા. અમે બંને મોહનાલાલ પટેલ સાહેબના વિધ્યાર્થી.કે જેમણે ‘લઘુકથા’ ને ગુજરાતી સાહિત્યમાં લાવ્યાનું માન મેળ્વ્યું છે. હ્યુસ્ટનની ‘સાહિત્ય સરિતા’ની એક સભામાં મેં ‘લઘુકથા’ અંગે એક વાર્તાલાપ આપી ‘લઘુકથા’ ને ‘ટૂંકી વાર્તા’ વચ્ચેના તફાવતની સહુને વંચિત કરેલા! લઘુકથાના વાંચકો આ તફાવતથી જાણકાર થાય તો લઘુકથાની સમજણનું મૂલ્ય સારી રીતે અંકાય.

  • મનસુખલાલ ગાંધી

    આપણી આજુબાજુ-ચોપાસ નજરે દેખાય તેવી ગરીબીના ઢગલાં પડ્યાં છે, આવી વાર્તાઓના પ્રસંગો, વ્યક્તિઓ આપણી આસપાસજ ઘુમે છે, નજરે દેખાય છે, પછી આવી વાર્તાઓ વાંચી વાંચીને જીવને ઉચાટજ કરવાનો…અને મનને Depression માં મુકવાનું…. કોઈ સારી આનંદભરી-ઉલ્લાસભરી, મનને આનંદમય બનાવે તેવી રસમય વાર્તાઓ ન મળી…??