ગુજરાતનું કાશ્મીર : ડાંગ – મેહુલ સુતરીયા 13
દક્ષિણ ગુજરાતમાં મહારાષ્ટ્રની સરહદે અડીને આવેલો ડાંગ જિલ્લો . ચારેકોર પથરાયેલું કુદરતી સૌન્દર્ય. બારેમાસ વહેતી નદીઓ,ગીચ જંગલો,ઉંચા વૃક્ષો …. કુદરતે જાણે સ્વર્ગને ધરતી પર ઉતાર્યું ન હોય !!…
ડાંગ સાથે મારે હ્રદયનો સંબધ રહ્યો છે તેનું એક મૂળભૂત કારણ એ કે મારા સસરા આ જિલ્લામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવે એટલે દર વેકેશનમાં મારી પત્ની નિલમ અને બે પુત્રો આર્યન અને યશ સાથે ત્યાં જવાનું થતું. ડાંગ જવાનું થાય એટલે ઓછામાં ઓછો ૧૦ થી ૧૨ દિવસનો કાર્યક્રમ હોય જ . અમદાવાદમાં જેમ હું બાઈક લઈને ફર્યો છું તેવું જ ભ્રમણ મેં ડાંગના એ ડુંગરાળ અને ઢોળાવો વાળા રસ્તાઓ પર કર્યું છે. સાચું કહું તો ડાંગના એ કુદરતી સૌન્દર્યને ખોબલે ખોબલે પીધું છે અને હજી પણ જાણે તૃષા રહી ગઈ હોય એમ દર વેકેશનમાં ત્યાં જવાનો જાણે કે અંતરમનમાંથી સાદ આવે છે. અને ડાંગના એ બે ગામોની યાદો જ્યાં મેં ઘણો સમય વિતાવ્યો છે એવા સુબીર અને પિંપરી જાણે મને બોલાવે છે.