૧. સ્હેજ તૂટી ગઈ ગડી
મુલાયમ વેદનાને ઓઢવાથી સ્હેજ તૂટી ગઈ ગડી.
અને નખશિખ ટહુકા વેરવાથી સ્હેજ તૂટી ગઈ ગડી.
અમે યાદોની મહેફિલ સાચવી રાખી નજાકત ઓઢીને,
ભીતરનો ખાલીપો બસ તોડવાથી સ્હેજ તૂટી ગઈ ગડી.
અહંની આગ ઠારીને મને તું આવ મળવાને સજન,
અરીસો એ વિચારે ફૂટવાથી સ્હેજ તૂટી ગઈ ગડી.
હતી ઉગવાની ક્ષણ ત્યાં ઝાડવું મુરઝાયું મૂળમાંથી તરત,
બધાં પરદેશી પંખી ઉડવાથી સ્હેજ તૂટી ગઈ ગડી.
કબૂતર એક ખૂણામાં ઘૂંટરઘુંની રટે માળા સતત,
જરી શ્વાસો તણાયા ખૂટવાથી સ્હેજ તૂટી ગઈ ગડી.
– પારૂલ બારોટ, એ-૫ ક્રિષ્ના બંગલો વિભાગ-૨, ગણેશ એપાર્ટમેન્ટ સામે. મોટેરા, અમદાવાદ ૦૫
૨. દીકરી એટલે..
દીકરી એટલે..
પા પા પગલી કરતો ઝાાંઝરનો ઝણકાર,
થાકેલા પપ્પાને તાજોમાજો ઘોડો કરી દે એ ચકલી.
પપ્પાની અવ્યકત લાગણીઓનું ઘોડાપૂર,
મમ્મીની આંખોમાંના ગર્વ અને સંતોષનું કારણ.
દીકરી એટલે
એક સાથે ગમી ગયેલા ત્રણ ડ્રેસની મૂંઝવણ,
નવરાત્રીની રાતે ચણિયાચોળી માટે
મમ્મીને આપેલી રિશ્વત.
ને એ પાછી ન આવે ત્યાં સુધી
અધીર મનની ઉતાવળ..
દીકરી એટલે,
મમ્મીના જૂના પર્સમાાંથી નીકળતી યાદો.
બુટ્ટી બંગડીઓનો ખજાનો
બક્કલોનું કારખાનું
બધાનાં તૈયાર થઈ ગયા પછી પણ જોવાતી રાહ.
દીકરી એટલે,
સાંજના સાત પછી આવતું વાવાઝોડું
મહેંદીના રંગ સાથે ચાલ્યુ જતું મેઘધનુષ
સમય સાથે નદી બની જતું ખળખળતુ ઝરણું
દીકરી એટલે,
બસ દીકરી..
– આરોહી શેઠ
૩. દીકરી થઇ છો તો …..
દીકરી થઇ છો તો નમતા રહેવાનું,
દીકરી થઇ છો તો સમજતા રહેવાનું,
દીકરી સાપનો ભરો હતો કાલે, દીકરી વહાલનો દરિયો છે આજે,
તો પણ
દીકરી થઇ છો તો સાંભળતા રહેવાનું
દીકરી થઇ છો તો સંભાળતા રહેવાનું.
સમાજની પ્રથાઓ દીકરી માટે,
રીતિરીવાજો ને વ્યવહાર દીકરી માટે,
ભાઈ, પિતા, પતિ, દીકરા માટે,
વ્રત અને આખડી – બાધા દીકરી કરે કોને માટે?
દીકરી થઇ છો તો સહન કરતા રહેવાનું,
દીકરી થઇ છો તો આંસુ પાડતા રહેવાનું,
મોટા પદ ગ્રહણ કરે છે દીકરીઓ જૂજ,
ભણી પોતે, પોતાનાને ભણાવે છે જૂજ.
પુરુષ માત્રને તુચ્છ ગણે છે જૂજ,
ને પોતાને કરવા હોઈ એવા કામ કરે છે જૂજ,
દીકરી થઇ છો તો ખુલ્લા મને, પોતાને માટે જીવવાનું.
દીકરી થઇ છો તો સંસ્કારને દીપાવી ને સ્વાભિમાનથી જીતવાનું.
દીકરી થઇ છો તો સાચા, ખોટા નો ફરક સમજવાનો,
દીકરી થઇ દીકરીથી વિશેષ બનવાનું.
માત્ર કુટુંબ નહીં પણ સ્વ નું નામ પણ રોશન કરવાનું.
દીકરી થઇ છો તો એનાથી નહીં રડવાનું.
શક્તિ તો છે વર્ષોથી ધરબાયેલી, આપણા સહુમાં,
એને કામે લગાડી જીવન સાર્થક કરવાનું.
– ભાવના મહેતા
ઇમેઇલ : bhavime@gmail.com ફોન : 92232 27464
૪. આધાર
ડગલાં નથી ભરાતા દિવાલો પર,
કેડીઓ તો રચાય છે ધરા ઉપર.
છે ગગનની મુઠ્ઠીમાં વાદળ અનેક,
રેત જેમ એયે સરકશે ધરા ઉપર.
કે ઘડીભર સાથ રહેવાના નથી,
તોયે ઇમારત વાદળોના પાયા પર.
આભાસમાં મૃગજળના રણ સુકાય,
ને નદીનું છે ઉધાર દરિયા ઉપર.
છે શ્વાસનું આયખું બસ બે ઘડી,
તોયે દિવસો જાય છે શ્વાસો ઉપર.
ખુદના હૃદય સંગે પ્રીત અમે ન કરી,
છે પ્રેમનો આધાર બસ ‘અન્ય’ પર.
– અનુજ સોલંકી ‘અન્ય’, સોલંકીવાસ, બસ-સ્ટેન્ડ પાસે, ગોજારીયા, તા.જી. મહેસાણા, ૩૮૨૮૨૫. મોબાઇલ નં. 9016277342
૫. ઝૂમું છું, ઝઝૂમું છું.
નશામાં આંખના તારા થઈ મદમસ્ત ઝૂમું છું,
હતું શું જામમાં એ જાતને હું રોજ પૂછું છું.
છવાઈ છે ખુમારી એ નશાની મુજ ઉપર એવી,
નથી એ સૂધ કે હું શું અધર કે ભાલ ચૂમું છું.
જરા પણ એકતરફી આપણો ના પ્યાર છે તો યે
નજરમાં આ જગતની હું જ શમ્મા, હું જ ફૂદું છું.
ફસાના પ્યારના એ આપણા દિલચશ્પ રહ્યા છે,
લખું છું યાદમાં તારી, લખી સઘળાય ભૂસું છું.
જરા નાદાન છું હું સાવ સાચી વાત લાગે છે
લઈ પોતું, કંડારેલા શિલાના લેખ ભૂસું છું.
નગરમાં યાદના તારી નથી શેરી અજાણી એક
બનીને અજનબી હું આજ ચારેકોર ઘૂમું છું.
મથું છું હું ઝલક એકાદ તારા હુસ્નની જોવા,
નિરખવા સોણલાં તારાં બરાબર કાચ લૂછું છું.
હતી રે’શે સદાકાળે વિરોધી પ્યારની દુનિયા
થઈ ફરહાદ કે રાંઝા જગત સામે ઝઝૂમું છું.
– કિલ્લોલ પંડ્યા
૬. હું છું.
ઘાયલ છું, દીવાનો છું, હું મસતાનો છું.
શમ્મા પર મરતો પાગલ શો પરવાનો છું.
દિશ ઉત્તરના એ તારક સમ છું અવિચળ હું,
પડતી પડશે ઉલ્કા ના હું ખરવાનો છું.
છો હોય કહેવાતો ઈશ્ક અગનનો દરિયો,
ડૂબીને તેમાં આખર હું તરવાનો છું.
આજ ભલો થૈ મુજને છલકાવી દે સાકી,
માન ન માન ભલે તું પણ હું પયમાનો છું.
મોત પછીતે મારા કરશો ન રુદન કોઈ,
કારણ? મરતાં મરતાં હું તો હસવાનો છું.
આપ્તજનો સૌ આમ થશો ના આકુળવ્યાકુળ
હજુ “કિલ્લોલ” કરું છું, હું ક્યાં મરવાનો છું?
– કિલ્લોલ પંડ્યા, મોબાઈલ નં. ૯૮૨૫૩ ૦૮૫૧૧
મારી અંગત વ્યસ્તતાઓ અને અનિશ્ચિત જીવનપદ્ધતિ વચ્ચે ઘણાં સમયથી અક્ષરનાદ પર મૂકવાની બાકી રહી ગયેલી અનેક મિત્રોની પદ્યરચનાઓ આજે પ્રસ્તુત કરી છે. પારૂલ બારોટ, આરોહી શેઠ, ભાવના મહેતા, અનુજ સોલંકી અને કિલ્લોલ પંડ્યાની પદ્યરચનાઓ આજની આ પોસ્ટમાં શામેલ છે. અક્ષરનાદને કૃતિ પાઠવવા અને પ્રસિદ્ધ કરવાની તક બદલ સૌ સર્જક મિત્રોનો ખૂબ આભાર અને તેમની કલમને અનેક શુભકામનાઓ.
રચનાઓ સારી છે. મહેનત અને ચીવટ જણાઈ આવે છે.
સહુને અભિનંદન!
અક્ષરનાદ પર કાવ્યકૃતિ મોકલી શકાય છે ?
બધી રચનાઓ સુંદર છે…
બહુ સુંદર રચનાઓ છે.
ખૂબ સુંદર રચનાઓ. અભિનંદન સૌ રચયિતાઓને .
અતિસુંદર રચનાઓ.
આભાર
Jagdish Karangiya ‘Samay’
બધી જ રચનાઓ એક દમ મસ્ત.. સવાર સવારમાં જ આ રચનાઓ માણવા મળી!! દરેક રચનાકારોને શુભેચ્છા!
nice