કેટલીક ગઝલરચનાઓ.. – મુકેશ ધારૈયા 8


૧. કૂંપળ ફૂટે છે

માણસની હિંમત તૂટે છે,
ખુદના ઘરને ખુદ લૂંટે છે.

પાનખરોનું રાજ અહીં તો,
કેમ કહું કૂંપણ ફૂટે છે.

વર્ણમાળાની કશી પડી ના,
કોઇ કલમનો ક ઘૂંટે છે.

પાગલ સૌ નકલી ફૂલોમાં,
સાચાં ફૂલને કોણ ચૂંટે છે.

માંડ કરીને ગઝલ લખી ત્યાં,
કોઇ કહે કે પ્રાસ ખૂટે છે.

૨. ક્યાં સુધી?

તારા ઘરને શોધવા ભટક્યાં કરું હું ક્યાં સુધી?
થઇને સુક્કી ડાળખી બટક્યાં કરું હું ક્યાં સુધી?

અંધારાં તો ઘેરતા આ ઓરડાને રાતમાં,
મીણ થઇને રોજ બસ ટપક્યાં કરું હું ક્યાં સુધી?

રોમે – રોમે ખૂંચતા જો યાદના ખીલા મને,
થઈ પયગંબર ક્રોસ પર લટક્યાં કરું હું ક્યાં સુધી?

સડકો લાંબી છે અહીંયાને વળાંકો પણ ઘણાં,
ને થોડા ડગ માંડતા અટક્યાં કરું હું ક્યાં સુધી?

૩. બદનામ હો

હોઠ પર હંમેશ તારું નામ હો,
કે પછી નિશદિન ભરેલા જામ હો.

તું નિકટ આવ નહીં તો કંઇ નહીં,
યાદમાં આવી મળે આરામ હો.

હું પ્રવાસી એકલો શોધ્યા કરું,
કોક રસ્તે, ક્યાંક તારું ગામ હો.

જામ માફક બસ તને પીધા કરું,
નામ મારું આ ભલે બદનામ હો.

લે નિખાલસ વાત તો કીધી તને,
શું ખબર કેવો હવે અંજામ હો!

૪. તબાહી

એક એક પળ મે તને ચાહી છે,
મારું આ મૌન એ ગવાહી છે.

આસું કિંમતી છે; એ શું જાણે તું,
તારે મન તો ફક્ત પ્રવાહી છે.

પ્રેમની ભાષા હોતી નથી; આ-
શબ્દો લખ્યા છે, માત્ર શાહી છે.

ખબર જો હોત તો ચૂપ થઇ જતે,
પ્રણયમાં આખરે તબાહી છે.

છેલ્લી વેળાએ તે કહે ‘મુકેશ’
ગઝલનો અર્થ ભાવવાહી છે.

૫. તને શું લખીએ?

યાદોમાં કાયમ તું આવ, તને શું લખીએ?
કે સ્વપ્ન ભરેલું તળાવ, તને શું લખીએ?

ઘેન ભરેલી આંખોમાં આંસુ પણ નહીં મળે,
જાણે ખાલી પડેલી વાવ, તને શું લખીએ?

જીવતો પણ નથી ને મોત પણ ક્યાં છે?
કેવળ શ્વાસોની આવ-જાવ, તને શું લખીએ?

મળે છે મહોબતમાં દર્દ-ઘા-આંસુ-ગમ;
ને છતાં રહે છે લગાવ, તને શું લખીએ?

જુઓ સૂરજ પણ ડૂબે છે દરિયામાં હવે,
’ને સાથે ડૂબે છે એક નાવ, તને શું લખીએ?

૬. તારા વગર હવે

છે અંધારું ઘોર, તારા વગર હવે,
ક્યારે થશે ભોર, તારા વગર હવે.

છે વર્ષા, વાદળ ને વીજળી પણ,
કોણ ચીતરે મોર, તારા વગર હવે.

છે ઉમ્ર નાની, ને હિંમત પણ ઘણી,
નથી શરીરમાં જોર, તારા વગર હવે.

ક્યાં સુધી ફંગોળાવ પતંગ જેમ આભે?
કોણ ઝાલે દોર, તારા વગર હવે.

ઢળતી રાત, દોસ્‍તો ને મહેફિલે શરાબ,
ક્યાં ચઢે છે તોર, તારા વગર હવે.

૭. સગપણ

જો મને છે તાવ જેવું,
કે પછી છે ઘાવ જેવું.

જીંદગી જો રમતે ચઢી,
છે-નથી-છે દાવ જેવું.

સાગર મધ્યે ઉભો છું,
કોઇ લાવો નાવ જેવું.

ખૂબ અઘરૂ માપ એનું,
સગપણ ઉંડી વાવ જેવું.

૮. તારી યાદ

આમ તો વાત અમસ્‍તી છે તારી યાદની,
કેટલી તોયે મસ્‍તી છે તારી યાદની.

નામ છે એથી જ તો ભારે છે આ પત્રો,
બસ નહીં તો એ પસ્‍તી છે તારી યાદની.

એકલો હું એટલે જ ફરું છું ગામમાં,
જો બધી ભરચક વસ્‍તી છે તારી યાદની.

નાવિક નથી,સાગર નથી,પવન પણ ક્યાં,
કેવળ રહી તે કશ્તી છે તારી યાદની.

આમ તો મારું અસ્‍તિત્વ જ નથી લાગતુ,
થાય કે સઘળી હસ્‍તી છે તારી યાદની.

૯. વરસાદ આવે છે

ચાલ થોડુંક પલળીએ, વરસાદ આવે છે.
એક બીજામાં ભળીએ, વરસાદ આવે છે.

છીછરાં જળમાં ન્હાવું ફાવે નહીં અમને,
ચાલ સાગરને તળીએ, વરસાદ આવે છે.

કોણ જાણે છે અહીં મનને એક બીજાનાં?
આપણે બંને કળીએ, વરસાદ આવે છે.

ગામમાં પંખી,પશું, જન પોઢે બધા ત્યારે,
યાદમાં આવી મળીએ, વરસાદ આવે છે.

’ને પછી તું ગા મને ગમતું એક હાલરડું,
બાળક થઇને ઢળીએ, વરસાદ આવે છે.

અંધકાર અને પવન સામે ફાનસ લઇને,
કોણ ઉભું છે ફળીએ, વરસાદ આવે છે.

૧૦. એટલે દરિયો

રસ્તો, મુસાફિર, મંજિલ અને કારવાં એટલે દરિયો.
નાવ, હલેસા, ગીતો અને ખારવા એટલે દરિયો.

ઉનાળો, તરસ, તાપ, દિશાઓ મૌન, દોડતા હરણ,
વંટોળ, રેતી, રણ અને ઝાંઝવાં એટલે દરિયો.

અંધારી રાત, સળગતો અગ્નિ, તમરાનો અવાજ,
દોસ્તો, મહેફિલ, જામ અને ઠંડી હવા એટલે દરિયો.

કાળું ડિંબાગ નભ, કડાકા, અને વીજનો ચમકાર,
મેઘધનુષ્ય, વરસાદ અને ફૂકાતો વા એટલે દરિયો.

ક્ષિતિજ, ડૂબતો સૂર્ય, પંખી, એકાંત, ધુમ્મસ,
હું, વ્યથા, આંસુ, ગમ અને મિતવા એટલે દરિયો.

૧૧. લખ મને

પ્રેમનો એકાદ કાગળ લખ મને,
કે પછી ઘોળીને મોકલ વખ મને.

ઝંખના તારી કરું છું સતત હું,
એટલે તું પણ કદીક ઝંખ મને.

વેદના તારી જ સૌ ગા-ગા કરે,
હું જ જાણું કેટલા છે દખ મને.

લાકડુંય નથી અને લોઢું ય ના;
તો અહીં કોના હણે છે નખ મને?

ગામની નિશાળમાં ભણ્યો નથી,
એટલે તું જ શિખવાડ ક-ખ મને.

૧૨. ધીરજ ચાખો

વાટ કોની જુએ છે ઝાંપો,
બારણું ઝૂરે છે કે આંખો?

ચાંદની આપું બદલામાં, ને-
એક સૂરજ માંગુ છું રાતો.

લઇ લ્‍યો પાછી આ દોલતને,
ગઝલ લખવા બસ દર્દ જ આપો.

રામને પણ ત્યાં ખેંચી ગઇ છે,
કો’ક શબરીની ધીરજ ચાખો.

૧૩. સ્‍વપ્‍ન ફળવાનું

આખરે એ સ્‍વપ્‍ન ફળવાનું,
કદીક તો બનશે તને મળવાનું.

આજ વરસાદ તમારા ભાગે,
’ને રણ બની મારે બળવાનું.

છો નદી માટે મન ફાવે ફર,
છેવટે સાગરમાં ભળવાનું.

ઝાડ પર માળો બાંધી જુઓ,
ખૂબ અઘરું છે દુ:ખ ગળવાનું.

એટલું બાકી કામ અહીં તો,
એક – બીજાના મન કળવાનું.

૧૪. તને યાદ છે?

આપણે બંને મળ્યા’તા, તને યાદ છે?
સાગર બધા ખળભળ્યા’તા, તને યાદ છે?

એક રસ્‍તા પર બધા ચાલતા હોય છે,
આપણે જ અલગ વળ્યા’તા, તને યાદ છે?

ચાંદ પણ નો’તો, સૂરજ પણ નથી તે છતાં;
તારલાઓ ઝળહળ્યા’તા, તને યાદ છે?

એક દિવસે સાત દરિયા હતા હાથમાં,
’ને ચરણ મારા બળ્યા’તા, તને યાદ છે?

સફળતા અમથી ન આવે મને શોધતી,
સ્‍વપ્‍નો તારા ફળ્યા’તા, તને યાદ છે?

– મુકેશ ધારૈયા

બિલખા રોડ, જૂનાગઢના જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ખાતે સિેનીયર લેક્ચરરના પદ પર કાર્યરત મુકેશભાઈ ધારૈયાની અક્ષરનાદ પર આ પ્રથમ પોસ્ટ છે. તેમણે કેટલીક ગઝલરચનાઓ અક્ષરનાદને પાઠવી છે જે બધી જ આજે અહીં પ્રસ્તુત કરી છે. અક્ષરનાદ પરિવારમાં મુકેશભાઈનું સ્વાગત અને તેમની કલમને અનેક શુભેચ્છાઓ. અક્ષરનાદને તેમની કૃતિઓ પાઠવવા બદલ તેમનો ખૂબ આભાર.


આપનો પ્રતિભાવ આપો....

8 thoughts on “કેટલીક ગઝલરચનાઓ.. – મુકેશ ધારૈયા

 • વિમલ દંગી

  ખૂબ સરસ હૃદય સ્પર્શ અને વાસ્તવિક રચનાઓ છે.
  રચયિતા ને ઘણા ધન્યવાદ, અભિનંદન

 • sudha mehta

  અતિ સુંદર ગઝલો . લખવાનું ચાલુ રાખશો. શુભકામનાઓ.

  • મુકેશ ધારૈયા

   પ્રતિભાવ અને પ્રોત્સાહન આપવા બદલ આપનો ખૂબ ખૂબ અાાભાર

  • મુકેશ ધારૈયા

   જગદીશજી
   તમામ રચનાઓ વાંચી હશે. ખૂબ જ ગમ્યુ. આપે કહ્યુ એ શેરમાં ઇશ્વરીય તત્વની વાત છે. કોઇ ધર્મની નથી. કાવ્યમાં કે ગઝલમાં ભાવ જગતનું મહત્વ છે.