એકાંકી નાટક: “હાલરડું”, લેખક શ્રી બાબુભાઇ વ્યાસ
આ નાટક દિર્ગ્દર્શક, ભજવનારાઓ અને સ્ટેજ પર ની પ્રકાશ અને અવાજની વ્યવસ્થા કરવાવાળી વ્યક્તિઓ માટે એક પડકાર રૂપ છે, સમય સર સંવાદ અને રેડીઓ પર થતી ઉદઘોષણાઓ પણ નાટકનું એક મહત્વ નું અંગ છે. ૧૬ ઓક્ટોબર ૧૯૫૨ ના રોજ,ભાવનગર ની એ.વી. સ્કૂલના મધ્યસ્થ ખાંડમાં પહેલી વખત ભજવાયું.
ભાગ લેનાર કલાકારો:
માં: કુ. હંસાબેન શેઠ
જગત મુસાફર: શ્રી અત્રીકુમાર ભટ્ટ
સમાજ સુધારક: શ્રી જિતેન્દ્ર અંધારિયા
વેપારી: શ્રી ચંદ્રકાન્ત શેઠ
માસ્તર: શ્રી જશુભાઈ ઓઝા
છાપાવાળો: શ્રી જયંત પંડ્યા
ભારતમાતા (સ્ત્રી): કુ. દેવિકાબેન ત્રિવેદી
હાલાડુ ગાનાર: શ્રીમતી દેવીબેન વ્યાસ
નાટક ના દિર્ગ્દર્શક શ્રી શ્રી બાબુભાઇ વ્યાસ
સમય: સને ૧૯૦૦ થી ૧૯૫૨
સ્થળ: હિન્દની કોઈ પણ માંનો ઓરડો
પાત્રો: માં, માસ્તર, વેપારી, સમાજ સુધારક, છાપાવાળો, રેડીઓ એનાઉન્સર, મુસાફર અને માંભારતી
પડદો ખૂલેછે ત્યારે સ્ટેજ ના એક ભાગ પર સ્પોટ લાઈટ ના અજવાળે એક માં તેના બાળક ને પારણામાં ઝૂલાવતી નજરે પડે છે. સ્ટેજ ના બાકીના ભાગ માં અંધારું છે,
માં હાલરડું ગાતી હો છે, “ઓ જશોદાજી આવડો લાડકવાયો લાલ ન કીજીયે”
માં નું હાલરડું ધીમે ધીમે શાંત થતું જાય છે. માં પારણામાંના બાળકને જુવે છે, ફરી હાલારડું ગણગણે છે.. માં ઝોકે ચડે છે… સ્ટેજના બીજા ભાગ માં અજવાળું થાય છે અને માં નું સ્વપ્ન શરૂ થાય છે.
માં: કેવો ઊંઘી ગયો (આખા સ્ટેજ પાર પ્રકાશ પથરાય છે) કેવો ઊંઘી ગયો, કોઈ બોલાવશો માં, મારો લાલ ઊંઘી ગયો છે, અરે ઊંઘમાં પણ હશે છે. આતો હું તને રમાડુ છું કે તું મને રમાડે છે!
(મુસાફર આવેછે, એને ખભે થેલો છે, વૃધ્ધ છે, દાઢી છે અને દેખાવે તત્વજ્ઞાની)
મુસાફર: નાનપણમાં માતા પુત્રને શીખવાડે છે, અને મોટપણમાં પુત્ર માતાને શીખવાડે છે.
માં: (પારણા પાસે થી ઉભી થતાં) પછી તો તું મોટો થઈશ, ચાલતાય શીખીશ અને હું કહીશ (બાળકના આંગળી આપી ચલાવતી હોઈ તેમ) “પા પગી સોનાની ડગી….પા પગી સોનાની ડગી” અને એમ તું ડગલાં ભરતાં શીખીશ.
મુસાફર: વામનજીએ એવાં ત્રણ ડગલાં માં વિશ્વ લીધું હતું।
માં : પછી તો તું ઘરની બહાર નીકળતાં શીખીશ .
મુસાફર: દુનિયાનાં મહાન મુસાફરો ઘરની બહાર નીકળતા આમ જ શીખ્યા હોય છે. (મુસાફર જાય છે)
(સ્પોટ લાઈટ ફરી માં પાર આવેછે)
માં: અને આ શેરીની સ્ત્રીઓ તને જોઈને કહેશે “આ છોકરો તો જુઓ! જેણે પાંચે આંગળીએ પ્રભુ પૂજ્યા હશે તે આની માં હશે! અને મારા લાલ, તારું નામ પણ અમે ખૂબ વિચારીને પાડ્યું છે, જેમાં પ્રભુનો અંશ છે.
(આ દરમ્યાન સ્ટેજ ની બીજી બાજુ પ્રકાશ થાય છે)
(માસ્તર સોટી સહીત આવેછે, હાથમાં રજીસ્ટર છે)
માસ્તર: અરે છોકરાઓ, આપણાં ક્લાસ માં લાલજી કોણ છે? તું ? અલ્યા તારા માવતરને બીજા નામ નો જડ્યાં તે આવું અડબાઉ નામ પાડ્યું? લાલજી? શું નામ પાડ્યું છે? શિરીષ, મધુકર, સનાતન – આ બધા નામો ન હતાં તે આવું નામ રાખ્યું?
માં: (પ્રેમ આવેશમાં) પણ જો જે નિશાળમાં જઈને મારી કૂખ ન લજાવતો .
માસ્તર: અરે તું તો કેવો છોકરો છે? સાવ ડફફર છો ડફફર.
માં: આ એક શિખામણ યાદ રાખજે – તું કદી જુઠ્ઠું ન બોલીશ. સદાય સત્ય બોલજે .
માસ્તર: અરે એમાં શું? પરીક્ષા પાસ તો ગોખણિયા છોકરાઓ પણ કરે અને તું લાલજી, ચોરી કરી પાસ નહિ થયો હોઈ એની શું ખાત્રી? બોલ તે ચોરી કરી હતી કે નહિ?
માં: સાચું જ બોલજે.
માસ્તર: (ગુસ્સામાં) બોલ! ચોરી કરી હતી કે નહિ? સાચુ બોલ હરામખોર?…
(વિન્ગ માં જાય છે અને સોટી માર્યા નો અવાજ આવેછે અને પછી બાળક નો આવાજ સંભળાય છે…માં ..માં..)
માં: (એકદમ પારણા પાસે જઈને) અરે મારા લાલ…. મારા લાલ… શું કીધું? તું સત્ય બોલ્યો એટલે તને માર્યો? … હશે… ભલે માર ખાધો પણ જૂઠ્ઠું તો નથી બોલ્યોને?
(મુસાફર આવે છે)
માસ્તર: અરે લાલજી એમાં ફુલાઈ શું જાયછે ? લ્યો, કોલેજમાં ગયા એમાં મોટો મીર માર્યો…પણ છોકરાઓ યાદ રાખજો કે કવિ રવીન્દ્રનાથ ટાગોરે કોલેજનું બારણું પણ જોયું નહોતું છતાં તે વિશ્વના કવિવર ઠાર્યા હતા.
મુસાફર: માસ્તર સાહેબ, આવતી કાલ ના નાગરિકોને આવી શિખામણ શીદને આપો છો?
માસ્તર: તે તમે કોણ મને પૂછવા વાળા?
મુસાફર: અખિલ હિન્દનો એક મુસાફર.
માસ્તર: આવા બાવાઓ તો ચાલ્યાજ આવે છે! ખબર છે એમને આવતીકાલ નાગરિકોને ઘડનારાના કુટુંબનું પોષણ માગી ભીખીને થાય છે!
માં: અને તું ભણી ગણી ને પ્રોફેસર થઈશ કે દેશનેતા?
રેડીઓ એનાઉન્સર: આજકાલ દેશ માં બેકારી વધતી જાય છે.
માસ્તર: એટલે બહુ બહુ તો માગી ખાવાનો ધંધો કરશે.
મુસાફર: અગરતો હિન્દના સંસ્કાર, હિન્દની લક્ષ્મી, હિન્દની સંસ્કૃતિ ઝળકાવશે.
માં: (વિચારતી હોય તેમ) હિન્દની સંસ્કૃતિ! હિન્દની લક્ષ્મી! (મોટેથી) લક્ષ્મી મારા લાલ, તું તો હવે મોટો થયો, મારી આંખમાં પણ સમાતો નથી. હવે તારે માટે એક વહુ લાવશું, અને જાણેછે… એનું નામ શું પાડશું?.. લક્ષ્મી…
રેડીઓ એનાઉન્સર: દેશમાં બેકારી ના આંકડાઓની જેમ લગ્નના આંકડાઓ રોજબરોજ વધતા જાય છે.
માસ્તર: લગ્નો વધે એટલે બાળકો વધે અને એટલે બેકારી વધે.
માં: જો લાલ, હવે તું ગ્રેજ્યુએટ થયો, ઘરમાં વહુ આવી, કશાક ધંધા પાણી ગોત.
રેડીઓ એનાઉન્સર: આપણી યુનિવર્સીટીઓ થોકબંધ ગ્રેજ્યુએટો કાઢતી જાય છે, પણ તેમને રોજીરોટી મળે તેવી કોઈ યોજના ઘડી શકી નથી
માં: પણ મારા લાલને વાંધો નહિ આવે,
રેડીઓ એનાઉન્સર: આને લઈને મધ્યમ વર્ગમાં બેકારીનું પ્રમાણ વધ્યું છે.
માં: એ બધા તને બીવડાવે છે…..હા…બાકી જીવનમાં બે વાત યાદ રાખજે..
મુસાફર: માનવતા અને વિશ્વપ્રેમ.
માસ્તર: બાકી જીવનમાં બે વાત યાદ રાખવી. ખાઈને સુઈ જવું અને મારીને ભાગી જવું.
વેપારી: (પ્રવેશીને) કોઈને પૈસા દેવા નહિ…(ટોપી ઉંધી મુકી) ને દેવાળું કાઢવું .
સમાજ સુધારક: (પ્રવેશીને) ખાદીનો પ્રચાર અને અહિંસાનું પાલન.
માં: જીવન માં બે વાત યાદ રાખજે. નીતિ નો રોટલો અને પ્રભુનો ડર.
વેપારી: શું લાલજી! ઈશ્વર નો ડર! નીતિ નો રોટલો! આવાં આવાં વાક્યો ક્યાંથી શીખી આવો છો? ક્યા વાદ માં ભળ્યા છો? …..અને ગઈ કાલે શું ભાંગરો વાટી આવ્યા? હું પાછલે બારણેથી વિલાયતી કાપડ વેચું છું તેની ખબર તમે કૉંગ્રેસ હાઉસ માં આપી આવ્યા હતા કે? ધ્યાન રાખજો કે તમે મારા નોકર છો કૉંગ્રેસના નહિ.
માં: તેં ઠીક જ કર્યું નીતિ વિનાનો વેપાર તે દેશની લૂંટ જ છે.
વેપારી: એ તો ઠીક છે કે મારે બધાની લાગવગ છે, નહિ તો તમે મને પાયમાલ કરી નાખ્યો હોત.
માં: ને જો વહુ તો ઘર ની લક્ષ્મી છે….બિચારી એના માબાપને છોડીને તારું ઘર માંડવા આવી છે.
સમાજ સુધારક: સાંભળ્યું? શ્રીમાન લાલજીભાઈ એની બૈરીને કેમ રાખેછે તે?
વેપારી: ભણેલા ભવાડાજ કરે.
માસ્તર: પણ શેઠ …તમેતો મહાજન કહેવાઓ.તમારી પેઢીમાં શું કામ એવાઓને રાખોછો? દઇદો રજા.
વેપારી: લાગે આવે ત્યારે સોગઠી મારે એનું નામ જ વેપારી માણસ.સમજ્યા મારા મહેરબાન!
રેડીઓ એનાઉન્સર: આપણા દેશમાં જેમ જેમ લગ્નની સંખ્યા વધતી જાય છે તેટલીજ ત્યક્તાઓ, વિધવાઓ અને છૂટાછેડા લેનારની સંખ્યા પણ વધતી જાય છે.
છાપાવાળો: (પ્રવેશીને) આજના સમાચાર! લાલજી નામના હિન્દૂ જુવાનના લગ્નજીવનનો ભવાડો – કિંમત બે આના
માસ્તર: મને તો એમ હતુંકે લાલજી જેવો શુશીલ, સંસ્કારી જુવાન ગૃહસ્થી તરીકે ઘણોજ આગળ આવશે.
સમાજ સુધારક: (ભાષણ કરતો હોઈ તેમ) લગ્નના પવિત્ર બંધન ને છેહ દેનાર માટે દુનિયાની કોઈ પણ શિક્ષા પૂરતી નથી.
માં: (ત્રાસથી) કાંઈ માનશો નહિ, મારો લાલ એવું કદી કરેજ નહીં!
સમાજ સુધારક: આપણા સમાજમાં શું મોઢું લઈને ફરશો? લોકો એના નામ પર થુંકશે.
વેપારી: હા, થુંકશે જ.
માસ્તર: (વધુ મોટેથી) જરૂર થુંકશે (અંદર થી બાળક નો અવાજ – માં….માં…)
માં: પણ હું નહિ થુકું હો…..કારણ? કારણ..હું માં છું. (અંદર થી બાળક નો અવાજ – માં) મારા લાલ, આતે શું કર્યું? ભણ્યો – ગણ્યો સારી માં ના સંસ્કાર પામ્યો અને તેં આ ભૂલ કરી?
મુસાફર: એ જુવાને ભૂલ કરીછે તેની કાશી સાબિતી નથી.
માં: ખરી વાત?
મુસાફર: “ભૂલ્યા ત્યાં થી સવાર” એમ સમજીન જીવનયાત્રા ફરી શરુ કર.
સમાજ સુધારક: શું શેઠ….તમેજ ઊઠીને પેલા ને પાછો રાખ્યો? નોકરીમાંથી કાઢી મૂકીને!
વેપારી: અરે ભાઈ એમ નો કઢાય ..વળી પાછા કોક વાદવાળા કે પાર્ટી વાળા કહેશે કે કેમ કાઢ્યો એને, અને પછી પાછી હો હા થાય ..તેલ જુએ તેલની ધાર જુએ તેનું નામ જ વેપારી માણસ. સમજ્યા ને મારા મહેરબાન,
રેડીઓ એનાઉન્સર: વિશ્વયુધ્ધ પછી જે મોંઘવારી વધી છે તેને લઈને રૂપિયો નાનો થતો જાય છે.
વેપારી: શું કહ્યું તમે? પગાર વધારો?
રેડીઓ એનાઉન્સર: અમેરિકાનું મોંઘવારી દર નું પ્રમાણ 183, ઈંગ્લેન્ડનું 203 અને ભારતનું વધી ને 383 ટકા થયું છે.
વેપારી: કયે મોઢે તમે પગાર વધારો માગો છો? તમારે લીધે મારે પરદેશી કાપડ ના વેપારમાં નુકશાન થયું, મારા ખોટ ખોટા ચોપડામાં તમે સાચા આંકડા પાડયા તેથી મારે સરકારને ઇન્કમટેક્ષ વધારે ભરાવો પડ્યો અને જેલ માં જતાં બચ્યો.
માં: મને ખાત્રીજ હતી કે – મારો લાલ કદી જુઠાણું ચલાવી લેજ નહિ.
વેપારી: અને તે દહાડે શું કહેતા હતા? શેઠ ઠગાઈ કરેછે! અલે ભલા માણસ, તમે તો હાજી ઘોડિયામાં રમતા લાગો છો! હશે….તમારી દ્રષ્ટિએ ઠગાઈ હશે પણ એવી ઠગાઈ કરીનેજ હું તમારી જેવાને નભાવી શકું છું. સમજ્યાને?
છાપાવાળો: (પ્રવેશીને) આજના વર્તમાન – બહારવટિયાએ ભાંગેલું પાંચમું ગામ…
વેપારી: (મીઠાશથી) અરે લાલજી, આજે રાતના જરા ઘરે આવી જજેને – અંગત કામ છે.
રેડીઓ એનાઉન્સર: આજકાલ દેશમાં વધતી જતી ચોરી અને લૂંટફાટ અટકાવવા સરકારે ઝડપી પગલાં લેવાનો નિર્ણય કરેલો છે.
વેપારી: લાલજી…અરે લાલજી! તમે કાલે મારે ઘેર આવ્યા પછી મારી દીકરીનો સોનાનો હાર ચોરાયો છે….સમજ્યા? તમે ચોર છો…ચોર…આ રહયા સાક્ષી .
સમાજ સુધારક: હા….એ ચોર છે.
માસ્તર સાડી સાતવાર ચોર.
માં: તો તમે આ સોનાની સાંકળી લો – પણ મારા લાલને ચોર ન કહો .
માસ્તર: શું ચોરને ચોર ના કહેવો?
માં: છોકરા, કહે કે આ જુઠ્ઠું છે, સાબિત કરી આપ કે તું ચોર નથી – નહિ તો માં હોવા છતાં હું તારો ટોટો પીસી નાખીશ..
મુસાફર: એ તદ્દન ઉપજાવી કાઢેલો આરોપ છે.
છાપાવાળો: આજ ના વર્તમાન..પુરાવાને અભાવે શહેરની કોર્ટે નિર્દોષ ઠરાવેલા શ્રી લાલજી ભાઈ.
વેપારી: ભલેને છૂટી ગયો પણ હજી મારા દાવમાંથી છટકવાનો નથી.
રેડીઓ એનાઉન્સર: આજે ન્યાયકોર્ટમાં મદનલાલ સામે તારાદેવી, ચંદનમલ સામે મનોકુમારી, રમેશચંદ્ર સામે ચંપાવતી અને લક્ષ્મીબાઈ સામે લાલજીના છુટા છેડા જાહેર કરવામાં આવ્યા છે,
માસ્તર: મારી નિશાળ નું નામ બોળ્યું.
છાપાવાળો: એક શિક્ષિત હિન્દૂ જુવાને તેની પત્નીને આપેલી તલાક.
સમાજ સુધારક: શિક્ષિત..શો દંભ ચાલી રહ્યો છે જગતમાં.
છાપાવાળો: થોડા વખત પર શેઠ જીવણદાસની જુવાન પુત્રી બહેન કાન્તાનો હાર ચોરી જવાનો આરોપ -જેમના પર આવ્યો હતો – તે લાલજીભાઈને આજે તેમના પત્ની લક્ષ્મીબાઈએ તલાક આપી છે.
માં: અરે….આ તે શું કર્યું?
મુસાફર: વહુ એટલે ઘરની લક્ષ્મી (સ્મિત કરેછે)
રેડીઓ એનાઉન્સર: એક જાહેર થયેલા અહેવાલ મુજબ આજે બેકારોની સંખ્યા વધીને ચાલીસ લાખ…
સમાજ સુધારક: અલ્યા બાયડીને સાચવતાય ન આવડી?
રેડીઓ એનાઉન્સર: પાંત્રીસ હજાર……
માસ્તર: હવે શું કરશો લાલજીભાઈ?
રેડીઓ એનાઉન્સર: ચારસો…
વેપારી: (ગુસ્સામાં) ચાલ્યો જા અહીંથી..
રેડીઓ એનાઉન્સર: અને સત્તાવીસ નહિ પણ અઠ્ઠાવીસ છે.
મુસાફર: એમાં નિરાશ શું થાય છે? મને જો….કોઈ બંધન નથી. તદ્દન ફ્ક્ક્ડરામ અને તારું બંધન તો તેં ક્યારનું એ ફગાવી ધીધુ છે! હવે કોની તમા છે? બનજા જગત મુસાફર….
માં: મારા લાલ – તને જગત જીવવા નહીં દે મારી પાસે ચાલ્યો આવ.
રેડીઓ એનાઉન્સર: આજે તારીખ 18મી એપ્રિલ 1921….આજ ના મૂખ્ય સમાચાર.. મોહનદાસ ગાંધીએ સત્યાગ્રહ નાંમની લડત કરવા માટે એક કરોડ રૂપિયા અને એક કરોડ જુવાનોનું અહિંસાત્મક લોહી માગ્યું છે.
સમાજ સુધારક: હિંદની સંસ્કૃતિ માટે…
વેપારી: હિંદના વ્યાપાર માટે….
માસ્તર: હિંદની કેળવણી માટે…..
મુસાફર: હિંદની આઝાદી માટે.
છાપાવાળો: અહિંસાત્મક સત્યાગ્રહની લડાઈમાં આપણા શહેરના જાણીતા જુવાન લાલજીભાઈ જોડાયા છે.
માં: વાહ મારા લાલ!
માસ્તર: મારી નિશાળનું નામ ઉજાળ્યું.
વેપારી: અરે સરકારે એને ફટકાની સજા કરી છે.
સમાજ સુધારક: એ ધણી ક્રૂર શિક્ષા છે. માણસને ભાન માં રાખી જીવતા ચીરવા બરાબર છે.
છાપાવાળો: દેશનેતા લાલજીભાઈને થયેલી પચ્ચીસ ફાટકની સજા.
માં: અરે…અરે(અંદરથી ફાટક સંભળાય છે, એક, બે, ત્રણ ચાર…- ઊંચે અવાજે) બંધ કરો…એને બદલે મને મારો (કોઈનો શ્વાસ લેવાનો અવ્વાજ) મરાલાલ, આજે તે માં ને સાદ ન કર્યો?મૂંગો કેમ રહ્યો? હૈ….આજે માને ખોળે જઈને બેઠો છે….એમાં મૂંગો રહ્યો?
રેડીઓ એનાઉન્સર: જૂન 1930 કોંગ્રેસ નામની બિનઅધિકૃત સંસ્થાએ બ્રિટિશ સરકાર સામે સરકારી મીઠાના અગરો પર સત્યાગ્રહ શરૂ કર્યોછે.
વેપારી: દેશના આ તંગ વાતાવરણમાં મારો વેપાર પડીભાંગ્યો છે.
માસ્તર: વાનરસેના અને માંજરસેનાએ હડતાલો પડાવી મારા નાકમાં દમ આની દીધો છે.
છાપાવાળો: ધારાસણાની અહિંસક લડતમાં સરકારનાં પોલીસોની લાઠીનો ભોગ થઇ પડેલા લાલજીભાઈ…
સમાજ સુધારક: લાલજીભાઈ તો શાહિદ છે.
વેપારી: ઘણોજ સમજુ માણસ
માસ્તર: લાલજીભાઈ તો મારી નિશાળનું એક અનમોલ રતન છે.
માં: મારા લાલ, તારે માથે આવેલાં આળ તેં દેશના આ પવિત્ર યજ્ઞમાં બાળીને ભસ્મ કરી નાખ્યાં છે.
મુસાફર: આનું નામ જનતા …ગઈકાલે શું બોલતા હતા અને આજે શું બોલે છે. અસીમ છે આ કુદરત!
રેડીઓ એનાઉન્સર: 14 મી ઓગસ્ટ 1947, રાતના બાર અને દસ મીનીટે ઓલ ઇન્ડિયા રેડીઓ દિલ્હીથી વડા પ્રધાન પંડિત જવાહરલાલ નહેરુ……
શ્રી નહેરુ…..”સુનો મુલ્કવાસીઓ – યહ રાત્રી હૈ, ઔર રાત્રી હૈ, લોગ અંધેરેકો બદશકુન ઔર ઉજાલેકો શુભશકુન માંટે હૈં, લેકિન હમ આજ ઐસા નહીં માંનતે.ક્રાઈસ્ટ કે એ 1947 કે વર્ષ કે ઓગસ્ટ 14વીં તારીખ કે ઘોર અંધકારમે હમારા શકુન છીપા હૈ, દેશબંધુઓ ! ઇસ અંધેરી રાતમે દૂસરે સ્વતંત્ર મુલ્કો કી સુભાગી પ્રજા જબ જબ આઝાદીકી ગહરી ઓર મીઠી નિંદમે આરામ સે સોઈ હોંગી તબ હમ ભારતવાસી ઇસ અંધેરેમેં હમારી આઝાદી – પ્રાણપ્રિય આઝાદી પ્રાપ્ત કર રહે હૈ..દો સો સાલ કી ગુલામીકી પુરાની ઝંઝીર તોડ રહે હૈ। અબ હમારે દેશમેં કોઈ ન ભુખા રહેગા ઓર ન કોઈ નંગા – વસ્ત્રહીન હોગા, હમારા ભારત ફિર સે નંદનવન કી તરાહ લહેરાતા હોગા, હમારી પ્રજા અબ આઝાદ પ્રજાઓકે સાથ સીના તાનકર ઓર સ્વમાનસે ખડી રહેગી, બસ, કુછહી ક્ષણો કે બાદ હમ તેહંતીસ કરોડ ભારતીજનો સંપૂર્ણ તાકત સે આઝાદ હિન્દકી જયજયકાર પૂકારેંગે , આઝાદ ભરતી ઘોષણા કરેંગે…… જયહિન્દ — (વંદેમાતરમ નું ગીત વાગેછે)
છાપાવાળો: આજના વર્તમાન – 15 મી ઓગસ્ટના મુક્તિ દિને 42ની લડતમાં નામચીન થયેલા દેશ ના નેતા શ્રી લાલજીભાઈએ શરિરમાં ફરકાવેલો રાષ્ટ્રધ્વજ.
માં: દેશના નેતાઓને પણ માં તો હોઈ છે.
મુસાફર: એક જન્મદાત્રી અને બીજી જન્મભૂમિ.
માસ્તર: આવી આઝાદી શું કામની? મોંઘવારી કેટલી બધી વધી ગયી છે! પોતે બધા પ્રધાનો થઈને બેઠાછે ને અમારી સમુયે જોતા નથી.
વેપારી: વેપાર ધંધા પડી ભાંગ્યા અને ક્હેછે કે આપણે સ્વતંત્ર થયા – અરે પરમીટ વગર માલ લાવવાની પણ સ્વતંત્રતા ક્યાંછે?
સમાજ સુધારક: ખુરશીમાં બેઠા પછી એ બધા ના મગજ ફરી ગયાં છે.
માં: પણ તે બધામાં મારા લાલનો શું વાંક?
રેડીઓ એનાઉન્સર: યે ઓલ ઇન્ડિયા રેડીઓ હૈ આજ 15વી ઓગસ્ટ 1948 – આઝાદીકી પહલી સાલ ગિરહ, રાતકે સાદે આઠ બાજે હૈ, અબ ઇસ સુનહરે અવસર પર હમારે પ્રધાન મંત્રી શ્રી જવાહરલાલ નહેરુ રાષ્ટ્ર જોગ પ્રવર્ચન સુનિયે:
શ્રી નહેરુ, ” માલુમ નહિ કે હમ કહા થે ઔર કહા જા રહે હૈ? આઝાદ ભારત કે દેશવાસીઓ – આજ આઝાદી કા પ્રથમ વર્ષ પૂર્ણ હુઆ ઓર અબ હમ સ્વતંત્રતાકે દૂસરે સાલકી મંઝિલ તય કારને કે લિયે તૈયાર હો રહે હૈ. ઇસ તૈયારી કો આઝાદીકી પ્રથમ સાલ ગિરહ કે સુનહરે નામસે પીંછાના ગયા હૈ. લેકિન ઇસ સાલ ગિરહ કી સચ્ચી ખુશી હમારે આત્મા મેં ગુંજતી નહિ હૈ – ક્યુ? ઇસ પ્રશ્ન કે ઉત્તર કે લિયે હમકો હમારે પીછલે એક સાલકા ભૂતકાલ યાદ કરના પડેગા. હિન્દકી આઝાદી પ્રાપ્ત હુઈ તબ હમારી આંખોમેં નાશીલ સ્વપ્નોકા એક ખુમાર થા – હમારા સ્વપ્ન થા કે અબ ઇસ દેશમેં ન કોઈ ભૂખ રહેગા ઔર ન કોઈ નંગા – વસ્ત્રહીન હોગા, હમારી પ્રજા દૂસરે આઝાદ મુલકોકી પ્રજા કે સાથ સિના તાનકર સ્વમાનપૂર્વક પ્રગતિ ઓર સુખ કી રાહોં પર કદમ બઢાતી હોગી ઓર હમારે કિસાન ઓર મજદૂર પેટભર અન્ન ઓર કાફી વસ્ત્રો કો પાકર સુખકી નીંદ મેં સોંયેંગે.લેકિન આજ એક સાલ કે બાદ જબ આંખ ખોલકર પીછલે ભૂતકાલકો દેખતે હૈ તો શર્મ સે હમારી ગરદને ઝૂક જતી હૈ ઔર દુ:ખસે દિલ થમ જાતા હૈ. આજ દેશકી પ્રજા અન્ન કે એક એક કણ કે લિયે તડપ રહીહૈ. લાખ્ખો ભારતીય આજ ભી ભૂખસે મરતે હૈ, ઓર કરોડો બચ્ચે વસ્ત્રહીનતા કે કારણ નંગે રહેતે હૈ, સેંકડો સ્ત્રીઓં કે ફટે વસ્ત્રોંકો આજ પૅવંદ કરને કે લીયે કપડ઼ેકા એક ટુક્ડા તક અક્સર નહીં મીલતા હૈ..કિસાન અલગસે દુઃખી હૈ, મજદૂર અલગસે રોતાહૈ. હમને માનાથા કી ભારત ફિરસે નંદનવન બનેગા ઔર ભારત માતા ગુલામી કે બેબસ આંસુ પોંછકર હસતી હોંગી. લેકિન આજકી પરિસ્થિતિ કો દેખકર યહ ક્હાનેકે લિયે હમ મજબુર હૈ કે ભારત ઉજડ રહા હૈ, ભારત મેં આજ લુટેરે ઔર ડાકુઓં હૈં જીસે હમકો લડાના પડેગા ઓર હમ લડેંગે..લેકિન માલુમ નહીં કી હમ કહાં હૈ ઓર કહાં જા રહે હૈ? અબ કહા હોંગે? ભૂતકાલ દિલોકો રુલા રહા હૈ, ભારતકી પવિત્ર મશાલ અપને દિલોમેં રોશન કરકે ઇસ અંધકારમય ભાવીમેઁ આગે બઢે….જયહિન્દ (જનગણમન વાગે છે)
સમાજ સુધારક: બસ આવી લોકશાહીથી તો આવી રહયા….વડા પ્રધાને જ કહ્યું છે કે જો હું પ્રધાન ન હોત તો આ વહીવટને સહન ન કરત.
વેપારી : શી જરૂર હતી આ નિરાશ્રિતોની ?
માસ્તર: ચાલો લાલજીભાઈને પુછીયે…એ સાચો રસ્તો બતાવશે.
વેપારી : કહેછે કે એમણે પ્રધાનપદ ન સ્વીકાર્યું.
માં: તે સારું કર્યું, ખુરશીએ બેઠા પછી ગરીબોનું કામ તારાથી ન થઇ શકત.
છાપાવાળો: એક આગાહી પ્રમાણે 1952માં થનારા ત્રીજા વિશ્વયુધ્ધમાં હિન્દ યુધ્ધનું મેદાન બનશે।
માસ્તર: બાળકોને લશ્કરી તાલીમ આપવી જરૂરી છે.
વેપારી:”અનાજ વધુ ઉગાડો” ની જે જેહાદ સરકારે ઉઠાવી છે તેમાં ખેડુતોએ સાથ આપવો જોઈએ।
માં: પણ હિંન્દ તો પ્રજાસત્તાક રાજ છે ને?
(સમાજ સુધારક જેણે અત્યાર સુધી ધોળી ટોપી પહેરેલી તેને બદલે ખાખી ટોપી બદલાવેછે)
સમાજ સુધારક: સ્વતંત્ર હિંન્દનાં પ્રજાજનો, દેશની સ્થિતિ અત્યારે વિષમ છે. હિંન્દનાં ઇતિહાસને પાને પાને આપણાં પૂર્વજોની ગૌરવગાથાઓ લોહીના અક્ષરોથી લખાયેલી છે. બોલો તમારે શું જોઈએ છે? હિંસા કે અહિંસા? યુધ્ધ કે મૃત્યુ ની શાન્તિ? સ્વતંત્ર હિંન્દનાં પ્રજાજનો, આનો શો જવાબ તમે આપોછો?
માસ્તર: યુધ્ધ.
વેપારી: યુધ્ધ.
છાપાવાળો: યુધ્ધ.
(સ્ટેજ પાછળ થી અવાજ – યુધ્ધ..યુધ્ધ)
માં: નહીં …નહીં …શાન્તિ.જગતમાં શાન્તિની જ જરૂર છે.
છાપાવાળો:આવતી કાલે યુધ્ધ જાહેર થવાની આગાહી…
મુસાફર: (હસતાં) અહિંસા પરમોધર્મ.
માસ્તર: આ યુધ્ધનો યશસ્વી ઇતિહાસ હું બાળકોને શીખવીશ।
વેપારી: હું વેપાર વધારી હિંન્દનું નામ દેશવિદેશમાં મશહૂર કરીશ.
છાપાવાળો:મારૂં છાપું લડાઈના છેલ્લા માં છેલ્લા સમાચારો જનતાને પહોંચાડશે.
સમાજ સુધારક: આ યુધ્ધથી સમાજ પર શી શી અસરો થઇ તેના પર હું ભાષણો આપીશ.
માં: આ બધી તો શબ્દોની રમત છે.
માસ્તર: (જુસ્સામા) જુવાનો ! હિંન્દનાં રક્ષણ માટે…
સમાજ સુધારક: (વધારે મોટેથી) હિન્દુ ધર્મ માટે….
વેપારી: હિંન્દનાં વેપાર માટે…
માસ્તર:તમારે તમારું બલિદાન દેવનુંછે।
વેપારી: એના જેવી બીજી એકે શહીદી નથી.
માં: અરે પ્રભુ!
સમાજ સુધારક: હિંન્દનાં ઇતિહાસમાં તમારું નામ સોનેરી અક્ષરે લખાશે..
છાપાવાળો: આપણા દેશના એક જુવાને યુધ્ધ અટકાવવા આપેલું અજોડ બલિદાન..
માસ્તર: ખરો મર્દ હતો એ…
માં: (સમાજ સુધારક તરફ) તમે એને જોયો હતો?
સમાજ સુધારક: દેશ એનાં ગીતો ગાશે.
માં: (વેપારી તરફ) તમે પણ નથી દીઠો?
વેપારી: એના નામનું તો અમે બાવલું ઉભું કરીશું.
માં: અરે કોઇતો કહો કે “મેં એને દીઠો હતો”.
મુસાફર: (લલકારતાં) “એની ભસ્માંકિત ભૂમિ પર ચણજો આરસ ખાંભી ….એ પથ્થર પર કોતરશો નવ કોઈ કવિતા લાંબી…લખજો ખાખ પડી આંહીં કોઈના લાડકવાયાની ……કોઈના લાડકવાયાની”
માસ્તર: એની રાખ અમે ગંગાજીમાં પધરાવશું.
સમાજ સુધારક: એની રાખના ઘેરઘેર પૂજન થશે…
વેપારી:એની રાખ દેશની સમૃદ્ધિ વધારશે.
મુસાફર: તારી રાખ વિશ્વની વિભૂતિ બનશે.
માં: તારી રાખ….તારી રાખ… હું મારા આંસુઓથી ઠારીશ મારા લાલ .
રેડીઓ એનાઉન્સર: સ્વ. લાલજીની સ્મશાનયાત્રા આજે બપોરે ત્રણવાગે નીકળશે.
માસ્ટર: (ઘોડિયાં પાસે જતાં) ચાલો સ્મશાન યાત્રામાં.
સમાજ સુધારક: (ઘોડિયાં પાસે જતાં) ચાલો બધાં.
વેપારી: (ઘોડિયાં પાસે જતાં) હું પણ આવું છું.
માં: બસ બંધ કરો…બધા જાઓ અહીંથી.
માસ્તર: શું ગાંડી થઈ ગઈ છે??
મુસાફર: એ યુધ્ધ નહિં થાય. મારો અનુભવ કહેછે કે એ યુધ્ધ નહિં થાય.ગયાં બે વિશ્વયુધ્ધોએ એકે એક દેશની પાયમાલી કરી નાખી છે. પૃથ્વી રસ વિહોણી થઇ છે, અને માનવીએ સંસ્કાર મેલ્યા છે.
માં: માનવી પશુ બન્યો છે.
સમાજ સુધારક: ગાંડી જ થઇ ગઈ લાગે છે.
વેપારી: એને ઇસ્પિતાલમાં મોકલી દો, સાવ ફટકી ગયું છે.
માં: અને હવે? એક માં નાં તડપતા દિલનાં ટુકડા — તમારે માટે મેં એને જન્મ નથી આપ્યો – તમારી મેલી રમતનું એ પ્યાદું બનશે તે પહેલાં તો હું જ એને મારી નાખીશ…
(મારવા ધસે છે, – બધા એકદમ ચાલ્યા જાય છે, અહીં પ્રાકાશ શરૂઆતની જેમ એક ખૂણે વધુ અને બીજે ખૂણે ઝાંખો થાય છે….એ ઝાંખા પ્રક્ષ માં એક સ્ત્રી નો ઓછાયો દેખાય છે)
સ્ત્રી: અરે માં, આ શું કરે છે?
માં: તમે કોણ છો?
સ્ત્રી: હું પણ તારા જેવી એક માં છું,
માં: તમારું બાળક ક્યાં?
સ્ત્રી: તેઓએ મારી નાખ્યું।
માં: તમારું નામ?
સ્ત્રી: મારુ નામ ભારત…
માં: તમારા બાળકનું તમે વેર નથી લેતા?
સ્ત્રી: માં ની ભાષામાં વેર શબ્દ જ ન હોય
માં: તમારા બાળકને મારી નાખ્યુ છે તો પણ?
સ્ત્રી: તેઓ તો અબૂધ માનવી છે, અને મારા બાળકે જ ક્યાં નથી કીધું કે પીડિત અને કચરાયેલા માનવી માટે હું યુગે યુગે જન્મ ધરીશ.
માં: તમારો બાળક ફરી જન્મ લેશે?
સ્ત્રી: હા, કોઈપણ માં નાં પેટે જન્મ લેશે। આ યુગનો રાષ્ટ્રપિતા આવતા યુગનો બાળક જ હશે. દુનિયા કદાચ અત્યારે તેની જ વાટ જોઈ રહી છે, તારો બાળક જ પયગંબર નહિ થાય તેની શી ખાત્રી ? (ઘોડિયા તરફ જોતા) જો એ જાગ્યો….
માં: (ઘોડિયા તરફ નમતા) ચાલો હું તેને ફરીથી ઉંઘાડી દઉં.
(માં ફરી એજ હાલરડું ગાય છે અને સાથે પડદો પડે છે)
* * *
અક્ષરનાદને આ એકાંકી પ્રસ્તુત કરવા માટે પાઠવવા બદલ શ્રી નિતિનભાઈ વ્યાસનો ખૂબ આભાર. તેમનો સંપર્ક ndvyas2@gmail.com એ સરનામે કરી શકાય છે.
Liked. Thanks.
માર જન્મ પહેલાં નુ નાટક છે, પરંતુ એવુ લાગ્યુ કે મે એ સામે બેસીને જોયુ હોય.
મજા આવી બહુ વખત પછી વિતેલા જમાનાનુ નાટક વચવાની.
Babubhai Vyas was visonory person. In fiftees he presented dramas of J . B . Priestly and J . M . Berry. There were no techniques of theatre which are available today. Even sometimes they used to perform without microphone. He was far ahead of his time. He translated some one act plays from English and presented in such a way as if they are written in Gujarati.He cultivated our test as regards drama. He taught us how to view and appreciate the art of drama. Bhavnagar will always remain obliged of him.
Shri Vinodbhai,
Many thanks for your kind comments. Play writers like Thurber, Shaw, Arthur Miller, Satre, JB Priestley, Badal sarkar, CC Mehta, Deshpande etc. were favorite of Shri Babubhai. He has also dramatize stories written by Premchand, Meghani, Banful etc.
વીતેલી સદીના આવા અનામી સર્જકની રચનાને આમ એકવીસમી સદીમાં લોકભોગ્ય કરવી , તે પૂણ્ય કાર્ય છે. નીતિન ભાઈ અને જિજ્ઞેશ ભાઈનો આ પહેલ માટે આભાર.
સ્વ. બાબુભાઈનો બાયો ડેટા મળી જાય, તો તેમનો પરિચય નેટ ઉપર મુકી શકાય.
આભાર્ બાબુભાઇ બાબત વિશેશ માહિતિ ચોક્કસ મોકલિ આપિશ
સુંદર એકાંક નાટક.
જય ભારત
—————
Jagdish Karangiya ‘Samay’