સાહિત્યપ્રકાર મુજબ સંગ્રહ... : તત્ત્વમસિ


તત્ત્વમસિ : ૯ – ધ્રુવ ભટ્ટ (ઈ-પુસ્તક) 18

‘લે, ખાઈ લે.’ કોઈ સાવ નજીકથી બોલ્યું. તાજી મકાઈનો એક ડોડો મારા હાથમાં અપાયો. આંખો ખોલીને મેં ઝાંખાં દૃશ્યો વચ્ચે તેને જોઈ – ઘાઘરીપોલકું પહેરેલી નાનકડીબાળા. ‘લે, ખાઈ લે.’ ફરીથી તેણે કહ્યું.

મેં મકાઈનો એક દાણો ઉખેડી મોંમાં મૂકતાં તેને પૂછ્યું, ‘તું કોણ છે, મા?’

ઓળખ પુછાય ત્યારે ઉત્તર આપવાની અમને આજ્ઞા નથી હોતી. પોતાના મનમાં ઊઠેલા કેટલાક પ્રશ્નોના ઉત્તર માનવીને શ્રદ્ધા કે પ્રજ્ઞા થકી જ શોધવાના હોય છે. છતાં ક્યારેક કોઈકની જીદનો સ્વીકાર કરવો પણ ઉચિત હોય છે.

બ્રહ્માંડને બીજે છેડેથી આવતા હોય તેવા ઝાંખા પણ દિશાઓને ભરી દેતા નાદ સમા શબ્દો સમગ્ર વાતાવરણમાં પડઘાયા: ‘…રે..વા…!’


તત્ત્વમસિ : ૮ – ધ્રુવ ભટ્ટ (ઈ-પુસ્તક)

“અમે અમરકંટક પહોંચ્યાં તે દિવસ થોડો વરસાદ પડ્યો. વાતાવરણ રમ્ય અને ચાલવાની મજા પડે તેવું થઈ ગયું. વળતી સફરની કેડીઓ થોડી કઠિન હતી, પણ વાતાવરણે અમારો ઉત્સાહ અને ઝડપ ટકાવી રાખ્યાં. અત્યારે કપિલધારા પહોંચ્યાં છીએ અનેક પ્રપાતોની સ્વામિની નર્મદાના સહુથી ઊંચા પ્રપાત કપિલધારાને જોતી લ્યુસી ઊભી છે. પથ્થરોની ઘાટીને કોરીને નર્મદા વેગસહ ધસી રહી છે.

‘મેકલના પહાડો ઊતરીને મેદાનમાં જશે. ફરી પહાડો અને અરણ્યોમાં, ફરી મેદાન અને પછી ટેકરીઓમાં થતી આ પાતળી ધારા જેમજેમ આગળ વધતી જાય છે તેમતેમ અનેક નદી-નાળાંને પોતાનામાં લીન કરતી જળસમૃદ્ધ થતી રહે છે.’ શાસ્ત્રીએ કહ્યું તે લ્યુસીએ પોતાની ડાયરીમાં નોંધ્યું.


તત્ત્વમસિ : ૭ – ધ્રુવ ભટ્ટ (ઈ-પુસ્તક)

આ અરણ્યોનાં અનેકવિધ સ્વરૂપોએ, તેમાં વસતાં માનવીઓ, પશુપંખીઓએ તેને અધિકારી ગણવાની શરૂઆત તો કરી જ દીધી છે. પણ માનવીને પોતાના અધિકારનું જ્ઞાન પ્રાપ્ત કરાવવાનો એક નક્કી માર્ગ અને સમય આ પ્રકૃતિએ નિર્ધાર્યો જ હોય છે. આ અરણ્યોએ તો અનેકોને જ્ઞાન આપ્યું છે. કદાચ તેનો સમય પણ આવશે.

“…મેં વિદેશમાં ભોગવેલી સગવડમાંથી જવલ્લે જ કોઈ સગવડ આ અરણ્યોએ મને આપી છે. આ અરણ્યોએ પોતાના મંગલમય, પવિત્ર પાલવ તળે ઝેરી જનાવરો અને હિંસક પ્રાણીઓ વચ્ચે પણ મને અભય અને નિરામય રાખ્યો છે. સુખ અને આનંદ વચ્ચેની ભેદરેખાને ઊજળી કરીને આ અરણ્યોએ મને બતાવી છે.


તત્ત્વમસિ : ૬ – ધ્રુવ ભટ્ટ (ઈ-પુસ્તક) 1

તેની ડાયરીમાં જે નથી તે પ્રસંગો મારે કહેવાના છે. તે, લક્ષ્મણ, બિત્તુબંગા – આ બધા આદિવાસી કેન્દ્રથી દૂર અરણ્યોમાં કામ કરતા હતા ત્યારે કેન્દ્રનું કામ યથાવત્ ચાલતું હતું. સુપ્રિયા ગામડાંઓમાં જતી, સ્ત્રીઓને તાલીમ આપતી. તેણે શાળાને પણ વ્યવસ્થિત કરી. છોકરીઓ કેન્દ્ર પર રહીને ભણી શકે તે માટેની સગવડ પણ થઈ. કાગળકામ કરતો ઝૂરકો સુપ્રિયા સાથે રહેતો.

સુરેનની સ્મૃતિમાં સંગીત-સમારોહ ગોઠવવાનો વિચાર સુપ્રિયાના મનમાં રમ્યા જ કરતો હતો. આ આખું વર્ષ તો બધાં છૂટાં-છવાયાં થઈ રહ્યા અને આયોજન થઈ ન શક્યું. આવતા વર્ષે તો સમારોહ ગોઠવવો જ છે તેવું વિચારીને તેણે ગણેશ શાસ્ત્રીને ત્યાં ચર્ચા ગોઠવી. ગુપ્તાજી અને તેમનાં મા પણ ગણેશ શાસ્ત્રીને ત્યાં આવ્યાં.


તત્ત્વમસિ : ૫ – ધ્રુવ ભટ્ટ (ઈ-પુસ્તક)

“શાસ્ત્રીજી પાસે તબલાં શીખવાનું હું ચૂકતો નથી. ક્યારેક સુપરિયા પણ સાથે બેસીને ગુરુશિષ્યની સંગત સાંભળે છે. શાસ્ત્રીય રાગોની સમજ સુપરિયાને ઘણી છે, પણ તે કંઈ ગાતી નથી, ક્યારેક શાસ્ત્રીજી સાથે ચર્ચા કરે છે.

આજ શાસ્ત્રીજીએ સુપરિયાનાં માતા-પિતાને યાદ કર્યાં. કહ્યું, ‘સુરેન અને વનિતાને સાંભળ્યા પછી બીજાંને સાંભળવાનું મન ન થાય. એ બેઉ હતાં ત્યાં સુધી હું દર ચાર વર્ષે સંગીત-સમારોહ ગોઠવી શકતો. હવે નથી થતું.’

‘બાપુ નથી, પણ તમે તો છો ને?’ સુપરિયાએ કહ્યું, ‘તમે કહો તેવી ગોઠવણ તો થઈ શકે તેમ છે.’


તત્ત્વમસિ : ૪ – ધ્રુવ ભટ્ટ (ઈ-પુસ્તક) 1

તે જ સમયે રસ્તાની સામી બાજુના ખડકોને કોતરીને બનાવાયેલા પાંચ ગોખલા મારી નજરે પડ્યા. હું ત્યાં ગયો તો જોયું કે દરેક ગોખને અંદર ઢળીને આરામથી બેસી શકાય એમ ખાસ કોચવામાં આવ્યા છે. નીચે લખ્યું છે: ‘ભીમ તકિયા.’ પછી ‘બિત્તુબંગા’ અને પેલી આકૃતિ. પાંડવોને માટે બનાવાયેલા ગોખલામાં હું બેઠો. પથ્થરને આવો કાળજીપૂર્વકનો આકાર આપી શકનાર બંને ભાઈઓને મેં મનોમન વખાણ્યા અને લ્યુસીને જવાબ લખવો બાકી છે તે વિચારતાં તેને પણ સ્મરી લીધી. વધુ બેસી રહેવું પાલવે તેમ ન હતું. મેં મારા થેલા ઉપાડ્યા. હાથમાં લાકડી-રૂપે એક સૂકી પાતળી ડાળ લીધી અને ચાલ્યો.

રસ્તાથી થોડે જ દૂર પહોંચ્યો અને મને સમજાયું કે સૂમસામ વનોમાં એકલપંડે ચાલવું કલ્પનામાં જેટલું રોમાંચકારી લાગે છે તેટલું હોતું નથી. આસપાસની સૃષ્ટિ દેખાતી બંધ થઈ અને ઊંચાં ઊભેલાં મહાવૃક્ષો વચ્ચે હું એકલો જ છું એ ખ્યાલ આવતાં જ મારો અરણ્ય-ભ્રમણનો ઉત્સાહ ઓસરવા માંડ્યો.


તત્ત્વમસિ : ૩ – ધ્રુવ ભટ્ટ (ઈ-પુસ્તક)

“કીકા વૈદ રોજ સવારે આવે છે. હવેથી બે દિવસે આવશે તેમ કહેતા હતા. હું કેન્દ્ર પર ક્યારે જઈ શકીશ – એવું મેં પૂછ્યું નથી. કદાચ આ એકાંતવાસ મને ગમવા માંડ્યો છે. હું ક્યારેય આવા વિજન સ્થાને, આટલી પરમશાંતિ વચ્ચે ગુફાના કમરાઓમાં રહ્યો નથી. આ સાવ સગવડ વગરના સ્થળમાં એવું કંઈક છે જે મેં અગાઉ ક્યારેય માણ્યું નથી.

અમે જાતે રાંધીએ છીએ. મારાથી તો કાચુંપાકું જ રંધાય છે. જાતે કપડાં ધોઈએ છીએ. પુસ્તકોનો ભંડાર ખોલીએ છીએ. મારી માતૃભાષામાં મેં કદાચ પહેલી જ વાર આટલું વાંચ્યું હશે. ગઈ કાલથી તો શાસ્ત્રીજી પાસે બેસીને તબલાં શીખવાનું પણ શરૂ કર્યું. બોલવામાં મુશ્કેલી પડે છે તે સિવાય ખાસ પીડા નથી.


તત્ત્વમસિ : ૨ – ધ્રુવ ભટ્ટ (ઈ-પુસ્તક)

“પહાડી શહેરની ગલીઓમાં જીપ અંદર સુધી લઈ જવાય તેટલી જગ્યા જ નથી. હું મારો સામાન લેવા ગયો ત્યાં ગુપ્તાજીએ મને રોક્યો અને ડ્રાઇવરને કહ્યું, ‘લગે હાથ ભીજવા દે કોઈ કે સાથમેં.’

અમે ખાલી હાથે આગળ ચાલ્યા. પાંચેક મિનિટમાં એક ડેલીબંધ મકાન આવ્યું. મુખ્ય દરવાજામાંની નાની ડેલી ખોલી, નમીને અમે અંદર ગયા. અંદર ચોગાન વિશાળ હતું. ચોગાનને બીજે છેડે, આ ડેલીની બરાબર સામે લાંબી પરસાળ પર હારબંધ ઓરડાવાળું ભવ્ય મકાન. ચોકની વચ્ચે તુલસીક્યારો. ડાબા હાથના ખૂણે ગમાણમાં ત્રણેક ગાય, વાછરડાં. પરસાળમાં ગાદી-તકિયાવાળો ઝૂલો. છેક સામેના ભાગે નાહવા-ધોવાની રૂમો.


તત્ત્વમસિ : ૧ – ધ્રુવ ભટ્ટ (ઈ-પુસ્તક) 4

“લે ખાઈ લે.”

સાવ નજીકથી જ અવાજ સંભળાય છે. કોઈ સાવ પાસે બેસીને મને કહે છે. હું ગાઢ નિદ્રામાંથી જાગતો હોઉં કે તંદ્રામાં હોઉં એમ સ્વર અને શબ્દ ઓળખવા પ્રયત્ન કરવો પડે છે. ‘લે ખાઈ લે.’ નિર્જન વનો, નિ:શબ્દ ટેકરીઓ પર ઝૂકેલા નીલાતીત આકાશને પેલે પારથી આવતા હોય તેવા ઝાંખાપાંખા શબ્દો સ્ત્રીસ્વરના છે એટલું જાણી શક્યો.

મેં પ્રયત્નપૂર્વક આંખો ખોલી. રેતાળ, પથરાળ નદીટત પર તે મારી જમણી તરફ બેઠી છે. લાલ રંગનાં ઘાઘરી-પોલકું પહેરેલી તે ગોઠણભેર બેસીને મારા પર નમેલી છે. કહે છે, ‘લે ખાઈ લે.’ તેના નાનકડા હાથમાં પકડેલો મકાઈનો ડોડો તેણે મારા મોં પાસે ધરી રાખ્યો છે.


તત્ત્વમસિ – ધ્રુવ ભટ્ટ (ઈ-પુસ્તક) 3

નદીઓમાં નર્મદા મને સર્વાધિક પ્રિય છે. આ લખાણમાં મેં પરિક્રમાવાસીઓ, નર્મદાતટે રહેનારાં – રહેલાં ગ્રામજનો, મંદિર-નિવાસીઓ, આશ્રમવાસીઓ પાસેથી સાંભળેલી વાતો અને મારા થોડા તટભ્રમણ દરમિયાન મને મળેલી વાતોનો, મારી કલ્પના ઉપરાંત, સમાવેશ કર્યો છે. સાઠસાલીની વાત પશ્ચિમ આફ્રિકાની ડૉગૉન નામની આદિવાસી જાતિની માન્યતાઓ પર આધારિત છે.

આ દેશને, તેની પરમસૌંદર્યમય પ્રકૃતિને અને તેનાં માનવીઓને હું અનહદ ચાહું છું. હું આ દેશનું, મારી ઇચ્છા છે તેટલું અટન – દર્શન કરી શક્યો નથી. જેટલું ફર્યો છું એટલા-માત્રમાં પણ મને માણસે-માણસે જીવનના જુદાજુદા અર્થો મળ્યા છે. બીજા દેશો મેં જોયા નથી. જોયા હોત તો ત્યાં પણ આવો જ અનુભવ થાત તેવો વિશ્વાસ ઊંડે ઊંડે છે.

– ધ્રુવ ભટ્ટ