તત્ત્વમસિ : ૩ – ધ્રુવ ભટ્ટ (ઈ-પુસ્તક)


૭.

“કીકા વૈદ રોજ સવારે આવે છે. હવેથી બે દિવસે આવશે તેમ કહેતા હતા. હું કેન્દ્ર પર ક્યારે જઈ શકીશ – એવું મેં પૂછ્યું નથી. કદાચ આ એકાંતવાસ મને ગમવા માંડ્યો છે. હું ક્યારેય આવા વિજન સ્થાને, આટલી પરમશાંતિ વચ્ચે ગુફાના કમરાઓમાં રહ્યો નથી. આ સાવ સગવડ વગરના સ્થળમાં એવું કંઈક છે જે મેં અગાઉ ક્યારેય માણ્યું નથી.

અમે જાતે રાંધીએ છીએ. મારાથી તો કાચુંપાકું જ રંધાય છે. જાતે કપડાં ધોઈએ છીએ. પુસ્તકોનો ભંડાર ખોલીએ છીએ. મારી માતૃભાષામાં મેં કદાચ પહેલી જ વાર આટલું વાંચ્યું હશે. ગઈ કાલથી તો શાસ્ત્રીજી પાસે બેસીને તબલાં શીખવાનું પણ શરૂ કર્યું. બોલવામાં મુશ્કેલી પડે છે તે સિવાય ખાસ પીડા નથી.

સુપરિયા આજ સવારે ગઈ અને બપોરથી પાર્વતીમા અને ગુપ્તાજી આવ્યાં છે. માજી આવતાંવેંત મને વઢ્યાં. કહે, ‘તું બી ભટક અને મર આ જંગલમાં! મન્ને તો ફિકર હોવે હે. સુણાં કે તું નાલેમેં પડ ગયા તો ભાગ કર આયી હૂં.’

હું જવાબમાં માત્ર હસી જ શક્યો અને હાથ જોડ્યા. તો માજી શાસ્ત્રીની પાસેથી ‘મને શું થયું? કેમ દવા કરી?’ તે બધી વિગત મેળવવા બેઠા. એક પરિવાર એકઠો થયો હોય તેમ અમે સાથે રહીએ છીએ.

સાંજે હું ખાટલે પડ્યો વાંચતો હતો ત્યાં મારું ધ્યાન ગુપ્તાજી અને શાસ્ત્રીજીની વાતો તરફ ખેંચાયું. મેં પુસ્તક બંધ કર્યું અને બહાર ઓટલે આવીને બેઠો.
એ બંને કોઈકની પ્રવૃત્તિઓની વાતો કરતા હોય તેવું લાગ્યું. ગુપ્તાજીએ કહ્યું, ‘ઓ હમારે ધરમથી નહિ, અલગ ધરમથી કામ કરેગા.’ ઘડીભર મને થયું કે કદાચ મારા વિશે વાતો થતી લાગે છે. પરંતુ હું આવીને બેઠો તોપણ વાતો તો ચાલતી રહી.

શાસ્ત્રીજી હો-હો કરતા હસી પડ્યા અને રેલિંગને ટેકો દઈ પગ લંબાવીને બેસતાં બોલ્યા, ‘બિહારી, એ જે કરે તે કરવા દે. કામ તો સમાજનું જ થાય છે ને? રહી ધર્મની વાત. એ એના ધર્મથી કરે કે તારા-મારા ધર્મથી. આપણે ક્યારેય ધર્મને ઝનૂનથી વળગ્યા છીએ?’

‘અબ તું મન્ને સમજાવેગા?’ ગુપ્તાજીએ શાસ્ત્રી સામે બેસતાં કહ્યું.

શાસ્ત્રીજીએ સામે જવાબ આપ્યો, ‘તારું મન જાણે જ છે, બિહારી, પણ મગજ માનતું નથી.’ કહી શાસ્ત્રીએ આંગળાં પ્રશ્નાર્થભાવે ફેલાવતાં પૂછ્યું, ‘તું વૈષ્ણવ છે, પણ અહીં શંકરના મંદિરે પગે લાગ્યો ને?’

ગુપ્તાજી હસી પડ્યા અને બોલ્યા, ‘સો તો સબ અપણા જ હે.’

‘બસ, આ જ વાત.’ શાસ્ત્રીએ પલાંઠી વાળતાં કહ્યું. ‘ગુપ્તા, આ જ વાત વિચારવા જેવી છે. જેમણે આ દેશને, આ સંસ્કૃતિને જીવતાં રાખ્યાં છે તેમણે ધર્મને જીવનનો પાયો નથી ગણ્યો.’

શાસ્ત્રી થોડું અટક્યા. નર્મદા તરફ જોઈ રહ્યા. શાસ્ત્રીજી શું કહેવા માગે છે તે હું સમજી ન શક્યો. રોજ ટીલાં-ટપકાં કરતો બ્રાહ્મણ આમ બોલે છે તે હું માની ન શક્યો. ગુપ્તા ‘શ્રી હરિ’ બોલીને મૌન સેવી રહ્યા. ત્યાં શાસ્ત્રીજીએ ગંભીર સ્વરે આગળ કહ્યું, ‘બિહારી, હું કે તું માત્ર ઈશ્વરના ભક્તો છીએ, ધર્મના નહિ. આ આખો દેશ આ રીતે જીવે છે.’ બોલીને શાસ્ત્રીએ દૂરના એક પથ્થર તરફ આંગળી ચીંધતાં કહ્યું, ‘જો સામે પેલો પથ્થર દેખાય છે? જા, એના પર સિંદૂર ચોપડી દે અને આપી દે કોઈ દેવનું નામ અને કર એક નવો સંપ્રદાય શરૂ. કોઈ તને રોકે કે તને અનુયાયીઓ ન મળે તો મને ખોટો કહેજે.’

હું સ્તબ્ધ થઈને સાંભળી રહ્યો. દિવસમાં ત્રણ વાર સંધ્યાપૂજા કરનારો એકાંતવાસી બ્રાહ્મણ મને કંઈક જુદો જ દેખાયો.

શાસ્ત્રીજી આગળ બોલ્યા, ‘સાંભળ, બિહારી! ઋષિઓએ જો ધર્મને જ જીવન સાથે જોડ્યો હોત તો આપણે આપણા પોતાના જ ધર્મમાં આટઆટલા સંપ્રદાયો ઊભા થવા દેત?’ કહીને શાસ્ત્રી અટક્યા.

પછી તેમણે જે કહ્યું તે મને સાવ નવી જ દિશા દર્શાવી ગયું. શાસ્ત્રીએ કહ્યું, ‘ધર્મ તો બાંધે છે, આજ્ઞાઓ આપે છે. આમ કરો, આ ન કરો, આને માનો આને ન માનો તેનું જ્ઞાન આપે છે. બિહારી, તમે બધાં તો મુક્તિનાં સંતાનો છો – પરમ મુક્તિનાં અને મુક્તિનાં સંતાનો બંધનો અને આજ્ઞાઓને જીવનનું મૂળભૂત જ્ઞાન માનીને ચાલે તેવું મનાય શી રીતે? તું વિચાર, કઈ તાકાત પર આ પ્રજા તેત્રીસ કરોડ દેવતાને સાચવતી આવી હશે? બીજાં અગણિત દેવ-દેવતા તો વધારાનાં. આમાં એકાદનો વધારો થઈ જશે તો આ પ્રજાને ભારે નહિ પડે.’

શાસ્ત્રી ફરી અટક્યા, ગુપ્તાજીના વિચારશીલ મુખ તરફ જોયું, બાજુમાં પડેલા કળશામાંથી થોડું પાણી પીધું અને આગળ કહ્યું, ‘જે સંસ્કૃતિ તમને આટલી સ્વતંત્રતા આપતી હોય તે ધર્મને જ જીવનનો પાયો માને છે તેવું કહેવાય કઈ રીતે?’

હું રસપૂર્વક આ વાતો સાંભળી રહ્યો. ગુપ્તાજીએ થોડું વિચાર્યું હોય તેવું લાગ્યું. પછી તે બોલ્યા, ‘ગણેશ, તું જો કહે સો. ભાઈ, મેં તો ધરમ- ધ્યાનનો આદમી લાગું હું. બીજા મન્ને સમજ ના આવે.’

‘આ વારે વારે શ્રી હરિ બોલે છે ને એટલું જ નથી સમજાતું? તારે તો એની સાથે રોજનો સંબંધ છે. બિહારી, એક વાત સમજી લે; આપણો, આ દેશના તમામનો, સીધો સંબંધ બ્રહ્મ સાથે છે. મેં કહ્યું તેમ આપણે મુક્તિનાં સંતાનો છીએ. આ દેશ અધ્યાત્મ પર ટકે છે, ધર્મ પર નહિ.’ કહી, અટકીને ગુપ્તાજીનો હાથ પકડતાં ફરી કહ્યું, ‘તારા શ્રી હરિ પણ બ્રહ્મનું સ્વરૂપ છે. ઈશ્વરને અહીં જન્મ લેવો પડે છે. આપણી સાથે, આપણી જેમ, આપણી વચ્ચે રહીને આપણાં સુખદુ:ખ અનુભવવાં પડે છે. મા પાસે હાલરડાં સાંભળીને ઈશ્વર અહીં મોટો થાય છે. જે દેશની માતાઓ બાળકના લોહીમાં પરમબ્રહ્મનો સંદેશ સીંચતી હોય તે દેશને ધર્મો અને નિષેધોનો દેશ કેમ કરીને ગણવો? સાંભળ, તું તો વેપારી છે, ભણ્યો છે. જરાક વિચાર તો સમજાશે કે આ દેશના અભણ અને નાનામાં નાના માણસને પણ ખબર છે કે પોતે સ્વયં બ્રહ્મનો જ હિસ્સો છે. નાનકડા બાળકથી માંડીને વૃદ્ધો સુધી દરેકે દરેકને જ્ઞાન છે કે આ જગત બ્રહ્મમાંથી ઉત્પન્ન થયું છે અને ત્યાં જ લય પામે છે. આ જ્ઞાન આપણા લોહીમાં છે.’

ગુપ્તાજીએ દલીલ કરી, ‘મન્ને તો ધરમ કે નિયમ પાલના હે. ગનેશ, તું બી તીન બાર નહાધોઈને પૂજા કરતા રહે હે!’

હવે શાસ્ત્રીજીનો સ્વર બદલાયો. તેમણે એક પછી એક સ્પષ્ટ શબ્દો ઉચ્ચારીને કહ્યું, ‘બિહારી, નિયમો તો છે. મોટા ભાગના નિયમો સાંસ્કૃતિક નિયમો છે. જીવનને સ્વસ્થ અને સારું બનાવવા એ ઘડાયા અને ધર્મમાં તેનો સમાવેશ કરાયો. અમે બ્રાહ્મણોએ કેટલુંક અનુચિત સર્જ્યું: અને કર્મકાંડમાં તમને ખેંચ્યા. એ બધું જવા દે. મારું કહેવું એટલું જ છે કે તારું મન કહે તે કર, મગજ કહે તેમ ન કર. આપણે હજારો વર્ષથી આમ જીવ્યા છીએ. એટલે જ આપણો ધર્મ પૂજા-પાઠ અને યમ-નિયમથી ક્યાંય ઉપરનો છે. મહાપંડિતો પણ એનો પાર પામી નથી શકતા, એટલે હું કે તું તો વધુ શું સમજી શકીએ? આ તો મને સમજાય છે તેવું તને કહ્યું.’

ગુપ્તાજીએ કહ્યું, ‘ઠીક વૈસે કરેંગે.’ તે બંનેની વાત શામાંથી નીકળી હતી તે મને ખબર ન પડી.

સાંજે પાર્વતીમાએ હિરનીટોલાથી માણસોને બોલાવીને ભજન કરાવ્યાં; પ્રસાદ વહેંચ્યો. શંકરના મંદિરના ચોગાનમાં અનેક દેવતાઓને નિમંત્રતાં ભજનોની લ્હાણ થઈ. હું સાંભળતો રહ્યો.

પાર્વતીમા અને ગુપ્તાજી વિદાય થયાં ત્યારે શાસ્ત્રીએ ફરી ગુપ્તાજીને કહ્યું, ‘બિહારી, ધર્મની નથી એટલી ચિંતા મને સંસ્કૃતિની છે, આપણી જીવનરીતિ અને પરંપરાઓની છે. આપણી શ્રદ્ધાની, જીવન પ્રત્યે જોવાની આપણી લઢણની જેટલી ચિંતા મને છે તેટલી બીજી કોઈ વાતની નથી. આ દેશ અને આ પ્રજા વિદેશની શાસકોને જીરવી ગયાં. પરધર્મોને પણ તેમણે આવકાર્યા. પણ હવે જે સાંભળું છું, જોઉં છું એનાથી ડર લાગે છે. હવે આપણી જીવનદૃષ્ટિ બદલવાના પ્રયત્નો થાય છે. આપણી પરંપરા, આપણી સંસ્કૃતિ… આ જશે તો આ દેશ નહિ ટકે. મારી ખરી ચિંતા એ છે, ધર્મ નથી.’

ગુપ્તાજી કંઈ બોલ્યા નહિ. થોડી વાર મૌન સેવ્યા પછી મસ્તક પર હાથ ફેરવ્યો અને બોલ્યા, ‘શ્રી હરિ’ અને પાર્વતીમાને અને બે રાજસ્થાની માણસોને, ચારેક આદિવાસીઓને લઈને ચાલ્યા. એમની જીપ હિરનીટોલા સુધી જ આવી શકી હતી. હવે ત્રણેક ગાઉ ચાલીને જશે.

પાર્વતીમાને સુપરિયાને મળવું હતું. તે કંઈ તરત પાછી આવે તેમ ન હતું. પાર્વતીમા હિરનીટોલા પહોંચી ગયાં તેવો સંદેશો લઈને સાંજે માણસ આવ્યો. તેણે કહ્યું કે સુપરિયા પણ હિરનીટોલા આવી છે અને બધાં ત્યાં રોકાવાનાં છે. મારી તબિયતના ખબર સુપરિયાને પહોંચાડવાના છે કહી તેણે મને મારી ટપાલ આપી. વિદેશી છાપવાળું કવર જોતાં જ મારું મન આનંદિત થઈ ગયું. લ્યુસીએ લાંબો પત્ર લખ્યો હશે. તે મને યાદ કરતી હશે. કદાચ પોતાની એકાદ તસવીર પણ મોકલી હશે, તેવું વિચારતાં મેં ઝડપથી કવર ખોલ્યું. એક સાદા કાગળ પર લખ્યું હતું:

‘ગુરુજી,

તમે નિશાળ શરૂ કરી દીધી હશે અને બધા તમને ગુરુજી કહેતા હશે તેવું ડૅડી માને છે. તમારી ડાયરી રસપ્રદ હોય છે. વાંચું છું. અગાઉના પત્રમાં તમે શ્વાનમંડળ અને વ્યાધની વાત લખી છે તેનાથી હું ખૂબ ઉત્તેજિત છું. હું અચંબામાં ગરકાવ છું. વ્યાધને સ્થાને બે ટપકાં હોય તેવું શી રીતે બને? તે હું ન સમજું ત્યાં સુધી તમને જણાવીશ નહિ; પરંતુ નીચેના પ્રશ્નોના જવાબ મને તાત્કાલિક લખશો. બિત્તુબંગા પાસે આનો ખુલાસો મળશે જ.

1. તે ચિત્ર શ્વાનમંડળનું જ છે?

2. જો હા, તો આવું ચિત્ર દોરતાં તેઓ ક્યાંથી શીખ્યા?

3. વ્યાધને સ્થાને તેઓ એકને બદલે બે ટપકાં કેમ કરે છે?

4. તે બંને કેટલું ભણ્યા છે?

આ પ્રશ્નોના જવાબ મેળવવા મારા માટે ખૂબ જરૂરી છે. તરત જ માહિતી મોકલશો.

લ્યુસી.

મને હતાશા થઈ કે ક્રોધ આવ્યો તે નક્કી ન કરી શક્યો. મેં માત્ર એટલું નક્કી કર્યું કે લ્યુસીના પ્રશ્નોના જવાબ તાત્કાલિક શોધવાનો પ્રયત્ન હું નહિ કરું. આપમેળે મળશે તો લખીશ – આમાં મારા માનવ સંસાધન વિકાસની તાલીમની, મારા ભણતરની, મારા અઢાર વર્ષોના વિદેશવાસની નિષ્ફળતા સાબિત થતી હોય તોપણ.”

અક્ષરનાદ નર્મદાની આ અદ્વિતિય કથા – તત્ત્વમસિ આપને માટે નિ:શુલ્ક રજુ કરે છે. તો સામે પક્ષે અક્ષરનાદને આર્થિક બોજથી દૂર રાખવા ધ્રુવભાઈએ પણ આ પુસ્તક અક્ષરનાદ પર રજૂ કરવા કોઈ જ રકમ લીધી નથી, અરે તેમણે રોયલ્ટી લેવાની પણ ના કહી. તો આખરે અમે એવા નિષ્કર્ષ પર પહોંચ્યા કે અક્ષરનાદ પર તત્ત્વમસિ નિ:શુલ્ક વાંચન માટે ઉપલબ્ધ થાય, અને વાચક પર ભરોસો રાખીએ. અહીં અક્ષરનાદ પર તત્ત્વમસિ વાંચીને કોઈકને મનમાં થાય કે લેખકને ભલે પ્રતિક રૂપે, પણ વળતર મળવું જ જોઈએ તો જે તે ભાવક નિઃશુલ્ક વાંચવા મળેલા આ ખજાના બદલ પોતાને ગમે તે રકમ ધ્રુવભાઈના ખાતામાં સીધી ભરી શકે છે. આ એક આગવો પ્રયાસ છે, ધ્રુવભાઈની જેમ વધુ સર્જકો પોતાનું સર્જન સર્વે માટે ઉપલબ્ધ કરી શકે એ માટેની જવાબદારી હવે વાચકની બની રહે છે. મને અક્ષરનાદના સુજ્ઞ વાચકો પર વિશ્વાસ છે કે તેઓ નિરાશ નહીં જ કરે. ધ્રુવભાઈ ભટ્ટની બેન્કની વિગતો આ સાથે આપી છે.
Name of account : Bhatt Dhruvkumar Prabodhrai
Name of the Bank HDFC bank
Account number : 01831930001854
IFSC : HDFC0000183
Branch : Lambhvel Road, Anand.
Type of Account : Saving

“સાંજે ચોકમાં ખાટલો ઢાળતો હતો ત્યારે શાસ્ત્રીજીએ પૂછ્યું, ‘તું નિશાળ કરવાનો છે?’

‘નિશાળ કરવાનો છે?’ શબ્દો મને ન ગમ્યા. ઘડીભર મનમાં એમ પણ થયું કે ‘સંધ્યા-પૂજા કરીને પડી રહેવા કરતાં કંઈક સારું કરવાનો છું’ એવું કહી દઉં. પણ શાસ્ત્રી સામે એવું વર્તન મારાથી ન થયું.

મેં કહ્યું, ‘આમ તો હું આદિવાસી સંસ્કૃતિના અભ્યાસ માટે આવ્યો છું. એ માટે આદિવાસીઓને ભણાવવાં પડે તો તે હું કરીશ.’ કહીને હું અટક્યો અને જે વાત હું પહેલાં કહી શક્યો ન હતો તે કહી, ‘અંધશ્રદ્ધા અને ધર્માંધતાથી પીડાતી આ પ્રજાને સાચા રસ્તે વાળવાનો પ્રયત્ન પણ હું કરીશ. તેમની સુષુપ્ત શક્તિઓને ઓળખી, જગાડીને તેનો મહત્તમ લાભ સમાજને મળે તેવું પણ હું કરવા ધારું છું.’

‘કરજે, જરૂર કરજે.’ શાસ્ત્રી ખાટલે બેઠા અને સોયમાં દોરો પરોવતા હતા તે કાર્ય અટકાવ્યા વગર બોલ્યા, ‘પણ પહેલાં બધું જો, બરાબર સમજ, પછી તને સૂઝે એ કરજે.’ દોરો પરોવીને શાસ્ત્રી ઊભા થયા. કમરામાંથી ઉપરણો લઈ આવીને સાંધવા બેઠા.

‘બરાબર જોઈ-સમજી શકાય એ માટે તો મેં ભણાવવાથી શરૂ કરવા ધાર્યું છે. એ બહાને તેમને થોડાં સુધારી પણ શકાશે.’ મેં શાસ્ત્રીજીની સામે જમીન પર બેસતાં કહ્યું.
શાસ્ત્રી ટાંકા લેતા ગયા અને મારી સામે જોયા વગર બોલતા રહ્યા, ‘આદિવાસીઓને સુધારવાનો અધિકાર આપણને છે કે નહિ તે હું નથી જાણતો. હા, તું જો આદિવાસીનાં જીવન સુધારી શકે તો મને ખૂબ આનંદ થાય.’

‘એટલે?’ અધિકારની વાતથી મને નવાઈ લાગી. ‘મારી પાસે યુનિવર્સિટીની પરવાનગી છે. બધા જ કાગળો, જરૂરી મંજૂરીની વિધિ – બધું કર્યા પછી હું આવ્યો છું, અધિકાર વગર નહિ.’

હું જાણે અણસમજુ બાળક હોઉં તેમ ગણેશ શાસ્ત્રી મને જોઈ રહ્યા. સોય-દોરાને એક પતરાની ડબ્બીમાં મૂકીને તેમણે સાંધેલું વસ્ત્ર બાજુ પર મૂક્યું, પછી આગળ બોલ્યા, ‘હું તારાં કાગળિયાંની વાત નથી કરતો. તું અહીં રહે, બધું જો અને સમજ. અત્યારે તો એટલું જ બસ છે.’ કહી ઊભા થયા.

શાસ્ત્રી ઓરસિયા પર ચંદન ઘસવા બેઠા. હું એકલો બેસીને વિચારતો રહ્યો. શાસ્ત્રી કયા અને કેવા અધિકારની વાત કરી ગયા તે મારા મનમાં સ્પષ્ટ ન હતું. થોડી વારે હું ઊભો થઈને રેલિંગ તરફ ગયો. ત્યાં બેસીને ડાયરી લખવા મંડ્યો.

મોડી રાત્રે ફાનસના અજવાળે મેં પ્રોફેસરને પત્ર લખ્યો. શાસ્ત્રીજીની અને મારી આજની વાતો લખી અને ઉમેર્યું: ‘સર, મને આ માણસ, શાસ્ત્રીની વાત સમજાતી નથી. તેમની દલીલો રસપ્રદ છે. પણ તેની સાથે સંપૂર્ણ સહમત કે અસહમત થતાં પહેલાં તમે શું સૂચવો છો તે જાણવું મને ગમશે.’ લખી, કવર બીડી, સાચવીને થેલામાં મૂક્યું. પછી ક્યાંય સુધી વિચારમાં પડી રહ્યો.

સવારના પહોરે હું રેલિંગ પર હાથ ટેકવીને વહી જતાં જળને નીરખતો રહ્યો. મન પ્રફુલ્લિત હતું. થોડી વારે મારી બાજુએથી પસાર થઈ શાસ્ત્રીજી નદીમાં ઊતર્યા. હું પણ તેમની પાછળ ગયો. અમે બંને જણ નદીસ્નાનની મજા માણતા રહ્યા. શાસ્ત્રીએ નાહતાં-નાહતાં મને વાતોમાં ખેંચ્યો.

‘તારું ભણતર ક્યાં થયું, ભાઈ?’

‘શરૂઆતનાં વર્ષો મુંબઈમાં, પછી પંચગનીની બૉર્ડિંગ સ્કૂલમાં અને પછી પરદેશ ગયો.’ મેં જવાબ આપ્યો.

‘ગામડાં તો જોયાં નહિ હોય.’ શાસ્ત્રીએ કહ્યું.

‘એકાદ વર્ષ મોસાળ રહેલો.’ મેં જવાબ આપ્યો, ‘કચ્છમાં નાનું ગામડું છે.’

‘મામા શું કરે છે?’

‘મામા નથી. હતા ત્યારે કથા-કીર્તન કરતા. હવેલીમાં ભાગવત વાંચતા.’

‘તમે પણ ભાગવત સાંભળ્યું હશે.’ શાસ્ત્રીજીએ ડૂબકી લગાવતાં પૂછ્યું. તે બહાર આવે ત્યાં સુધી અટકીને મેં જવાબ આપ્યો, ‘ખાસ નહિ. ધર્મ-કર્મમાં કે ક્રિયાકાંડમાં મને શ્રદ્ધા નથી.’

જવાબ સાંભળીને શાસ્ત્રી કંઈ બોલ્યા નહિ. તેમણે જળ હાથમાં લઈને સૂર્યને અર્ઘ્ય આપ્યો. પછી પાણીમાંથી કિનારા તરફ જતાં કહ્યું, ‘કંઈ જરૂર નથી. ધર્મમાં શ્રદ્ધા હોવી જરૂરી નથી. પણ માણસને શ્રદ્ધા તો હોવી જોઈએ.’

શાસ્ત્રીની વાત સમજ્યો ન હોઉં તેમ હું મૂઢ બનીને ઊભો રહ્યો. મને શાસ્ત્રી પર ગુસ્સો આવ્યો. થોડા વખત પહેલાં તેમણે અધિકારની વાત કહી. એ હજી મને સમજાઈ નથી ત્યાં આ શ્રદ્ધાની વાત કહે છે. ‘ધર્મમાં શ્રદ્ધા ન હોય તો ચાલે, પણ શ્રદ્ધા હોવી જોઈએ.’ ખરો છે આ બ્રાહ્મણ! મને લાગ્યું કે ગુપ્તાજીની સાથે તેમણે જે ચર્ચા કરી હતી તેના અનુસંધાને તો તેમને મારી કામગીરીમાં રસ નહિ પડ્યો હોય ને? તેમના મનમાં સહેજ પણ એવી શંકા હોય કે શાળા દ્વારા હું તેમનાં ધર્મકાર્યોમાં મદદરૂપ થઈશ તો તે મારે નિર્મૂળ કરવી રહી.

કદાચ આ કારણે જ મેં નદીએથી પાછાં ફરતાં તેમને કહ્યું, ‘હું આદિવાસી શાળા ચલાવું તોપણ ત્યાં ધર્મની વાત આવવાની નથી. કદાચ તેમની અંધશ્રદ્ધા અને વહેમો દૂર કરવા મારે એવું પણ કંઈક કરવું પડે, જેથી તમારી ધાર્મિક લાગણી દુભાય.’

શાસ્ત્રી કંઈ જ ન બોલ્યા. મારા તરફ જોતાં પગથિયાં ચડતા રહ્યા. તેમણે મને જવાબ આપવાનું માંડી કેમ વાળ્યું તે મને ન સમજાયું.

હું વિચારમાં ડૂબી ગયો. શાસ્ત્રીજી કહે છે તેમ આ સંસ્કૃતિ ધર્મથી અલગ કોઈ અવસ્થાને જીવનનો પાયો ગણીને રચાઈ હોય અને ધર્મ તથા પેલી અવસ્થા એકબીજાથી ભિન્ન છે તે જાણી-સ્વીકારીને ચાલતી હોય તો તે કઈ અવસ્થા છે તે શોધવાનું મારે જ છે.

હીન કક્ષાના શાસકો, પરદેશી હુમલાખોરો, કનિષ્ઠ મહાજનો અને અયોગ્ય ધર્મગુરુઓ વચ્ચે પણ પોતાનાં અસ્તિત્વ અને અસ્મિતાને જેવા ને તેવા સ્વરૂપે ટકાવી રાખતી આ પ્રજા પાસે એવો તે કયો જાદુ છે જે કાલાંતરોથી આખાયે દેશને અખંડ, અતૂટ રાખે છે?

ધર્મથી વિમુખ નથી છતાં ધર્મથી પર રહેવાનું આ સંસ્કૃતિ ક્યાંથી શીખી છે? કદાચ મારે પોતે જ આ પ્રશ્નોના જવાબ મેળવવાના છે કે ક્યારેક કોઈક આપશે? ખબર નથી.
સુપરિયા આવી ત્યાં સુધી મારે શાસ્ત્રીજી સાથે ફરી ચર્ચા ન થઈ. હું નિયમિત તબલાં શીખવા બેસું છું, પણ શાળાની કે મારા કામ વિશેની કોઈ વાત મારા ગુરુ કાઢતા નહિ. ક્યારેક રહસ્યમય રીતે મને જોઈ રહેતા. આ વ્યવહાર અમારી વિદાયના દિવસ સુધી ચાલ્યો. અમે કેન્દ્ર પર જવા નીકળ્યા ત્યારે શાસ્ત્રીજી અમને વળાવવા ઉપર સુધી ચાલતા આવ્યા.

છૂટા પડતી વખતે શાસ્ત્રીજીએ કહ્યું, ‘તું પરદેશથી આવ્યો છે અને અહીં આદિવાસીઓ વચ્ચે કામ કરવાનો છે તે જાણ્યા પછી તને મળવાની ઇચ્છા થયેલી. મળાયું તે સારું થયું. આ પ્રજાને બરાબર ઓળખ, તને ઘણું સમજાશે.’

માર્ગમાં મારે સુપરિયા સાથે બધી વાત થઈ. સુપરિયા શાંતિથી કહે, ‘આપણે શાસ્ત્રીકાકાની ચિંતાને સમજી શકીએ તેવાં થઈ શકીએ તો-તો સારું. હું બીજું કંઈ તો ન સમજું પણ મને એટલું તો લાગે જ છે કે એકાદ પ્રાણી કે પક્ષીની નસલનું અસ્તિત્વ જોખમમાં પડે તો આખી દુનિયા તેને બચાવી લેવા તૈયાર થઈ જાય છે. કહેવાતા

બુદ્ધિજીવીઓ હાંફળા-ફાંફળા બનીને બોલવા-લખવા બેસી જાય છે. પૈસા ખર્ચે અને વિરોધ પણ કરે. પણ માણસની આખી સંસ્કૃતિ, તેની પરંપરા, તેના જીવનની ધરોહર સમૂળગી નાશ પામે, આખેઆખી વ્યવસ્થા જ ભાંગી પડે તેને પરિવર્તન ગણીને વધાવે – આ મને યોગ્ય લાગતું નથી. તમને લાગે છે?’

સુપરિયાની વાતનો જવાબ મારી પાસે ન હતો. નિ:શબ્દ અરણ્યો પર ચળકતો સૂર્ય ઊંચે આવતો જતો હતો. અમે હરિખોહના માર્ગે આગળ ચાલ્યાં.

હરિખોહ! આ અદ્ભુત, અલૌકિક વનશ્રી, પ્રકૃતિ જેને પરમ મંગલમય અને પ્રિય ગણતી હશે તેવાં સ્થાનોમાં આ ખીણનું નામ અવશ્ય હોવાનું. હરિ અને હરી બેઉ નામને સાર્થક કરતો આ અરણ્યખંડ ખરેખર તો ફરતે ઊભેલી પહાડી ધારોની તળેટીઓ મળતાં રચાયેલું સપાટ મેદાન છે. સ્વયં હરિને રમવા આવવાનું મન થાય તેવું પારલૌકિક સૌંદર્ય અહીં લીલો રંગ ધરીને વીખરાયું છે. કાકરાખોહ પણ હરિયાળી ખીણ છે. પણ ત્યાં સાગ અને સરાઈ વૃક્ષોના બાહુલ્યને કારણે લીલા રંગને એક જ પ્રકારનું દૃશ્યજગત રચવા મળ્યું છે. જ્યારે આ હરિખોહ! એક જ રંગ આટઆટલી વિવિધતાથી નિખરી શકે તે હકીકત જેણે હરિખોહ જોઈ નથી તે ભાગ્યે જ માની શકે. અગણિત પ્રકારનાં વૃક્ષો-વેલીઓથી છલકાતી આ ખીણ લીલા રંગની અનેકવિધ છટાનાં રહસ્યો ખોલતી પથરાઈ છે.

‘કેટલા બધા રંગો છે, નહીં?’ મેં સુપરિયા તરફ જોતાં પૂછ્યું.

‘રંગ તો એક જ છે, ઝાંય જુદી છે.’ સુપરિયાએ સાવ સીધીસાદી રીતે કહ્યું; પણ તેના શબ્દોમાં મને કંઈક જુદી વાત સમજાતી લાગી. સુપરિયાને આવું રહસ્યમય બોલતાં મેં પહેલી જ વાર સાંભળી. મેં ચમકીને તેના તરફ જોયું, પણ તે તો તેના સ્વાભાવિક ઢંગથી ચાલી આવતી હતી. મને પ્રશ્ન થયો કે પાર્વતીમાના મુખે સાંભળેલી પેલી ‘આદિ નિરંજન અકળ સ્વરૂપ’ પંક્તિઓ અજાણતાં જ સુપરિયાના મુખે વહી ચાલી તો નથી ને?

મને ગણેશ શાસ્ત્રીની વાત ધીમેધીમે અહીં ઊઘડતી લાગી. આ દેશને, તેની વિચારસરણીને સમજવાની જરૂર છે તેવું તે શા માટે કહેતા હતા તે થોડું સમજાય છે. એક સાદા નાના વાક્યમાં મોટામાં મોટી વાત સમાવવાની રીત આ પ્રજા ક્યાંથી શીખી હશે? તે વિચારું છું તે સાથે જ મને સ્પષ્ટ દેખાય છે કે સરળ પ્રકૃતિમય જીવન જ આનું રહસ્ય હોવું જોઈએ. પ્રકૃતિ સમીપે રહેનાર, તેને આત્મસાત્ કરનાર માનવી જ્યારે શબ્દ વહેતો કરે છે ત્યારે અજાણપણે જ કોઈ સંદેશો વહી નીકળે છે. આ રહસ્યે જ આ દેશને કબીર, ગંગાસતી, નરસિંહ, તુકારામ અને અનેક જાણ્યા-અજાણ્યા મહામાનવો ભેટ ધર્યાં છે. સર્વશક્તિમાન પ્રકૃતિ સાવ સાદાસીધા માનવીને મુખે અગમવાણી વહેતી કરવાની અદ્ભુત શક્તિ ધરાવે છે.

થોડી વારે બિત્તુ-ગંગાની વાતો શરૂ થઈ. બંને ભાઈઓ એક-બીજા સાથે વાતો કરે તે હું સમજી શકતો ન હતો. બહારના માણસ સાથે વાત કરવા માટે આ લોકો નવી, પોતાને અનુકૂળ ભાષા વિકસાવી લે છે. અંદરોઅંદરની વાતચીત પોતાની મૂળ બોલીમાં જ કરતા હોય છે. બહારનો માણસ સરળતાથી તેમની અંદરઅંદરની વાતો સમજી શકતો નથી.

વચ્ચે બિત્તુ ઊભો રહ્યો. તેને એક ડાળ કાપવી હતી, પણ સુપરિયાએ તેમ કરવાની ના પાડી તેથી ચિડાયેલો. મોઢું ચડાવીને આગળઆગળ ચાલ્યો. થોડી વારે અચાનક ઊભો રહીને કહે, ‘ગંડુ ફકીર!’ આ શબ્દ તેણે બંગાને કહ્યો, સુપરિયા માટે કહ્યો કે બીજા કોઈ માટે તે હું સમજી ન શક્યો.

હું કંઈ પૂછું તે પહેલાં દૂરની ઝાડીઓમાંથી અવાજ આવ્યો, ‘ઓ રિ છોરી, જરા રુકના. તેરે સાથ આ રહા હૂં.’ પછીની ક્ષણે સામે ઝાડીમાં હલચલ દેખાઈ અને ઝાંખરાં ખસેડતો, લાલ-લીલાં થીગડાંવાળો ઝભ્ભો પહેરેલો એક માણસ બહાર આવ્યો. એક હાથમાં ચીપિયો, બીજા હાથમાં સીસમના લાકડાનો કાળો દંડો, ખભે ખલતો, માથે ઓળ્યા વગરનાં ઝટિયાં. વધેલી દાઢી અને આંખોમાં ઘેલછાની છાંટ. હજી યુવાન ગણાય તેટલી ઉંમર હશે.

‘નયા આયા હૈ ક્યા?’ તેણે મારી સામે જોઈને પૂછ્યું. પછી મારા જવાબની પરવા કર્યા વગર સુપરિયા તરફ ફરીને કહે, ‘તેરે સાથ ચલૂંગા છોરી. રોટી ખાઉંગા તેરી.’
‘જી ચલીએ.’ સુપરિયાએ કોઈ વડીલને આપતી હોય તેવા આદરથી જવાબ આપ્યો.

‘ગંડુ ફકીર’ શબ્દ કોને માટે વપરાયેલો તે સમજતાં મને વાર ન લાગી, પણ એક ગાંડા જેવા માણસને સુપરિયા આટલો વિવેકથી જવાબ આપે છે તે જોઈને નવાઈ લાગી. પેલા બિત્તુબંગા તો આગળ વધીને ગંડુ ફકીરને પગે અડવા ગયા.

‘ચલો હટો.’ તે ખિજાયો, ‘પાગલ કહાં કે. ભાગો યહાં સે.’ તેના ક્રોધની કોઈ અસર બિત્તુ કે બંગા પર ન થઈ. તે બંને તો તેને અડીને જ રહ્યા.

ગંડુ ફકીર. માણસ આવાં નાટક ક્યારે અને શા માટે કરતા હોય છે તે હું બરાબર જાણું છું. મારા વર્ગોમાં મેં આ પ્રકારનાં વર્તન વિશે ભણાવ્યું પણ છે. મને આ યુવાન ફકીર પ્રત્યે અણગમો થયો, પણ સુપરિયાએ ‘જી, ચલીએ’ કહી દીધું છે તો તે ગંડુના વરઘોડામાં મારે અનિચ્છાએ પણ સામેલ થવું જ પડશે.

‘દેખ, છોરી, આજકી રોટી તેરે ઘર ખાઉંગા.’ ફકીર શરત કરતો હોય તેવી અદાથી બોલ્યો.

‘જી.’ સુપરિયાએ ફરી એવો જ જવાબ આપ્યો. ‘મૈં ખુદ બનાઉંગી, બસ?’

મને લાગ્યું કે મારે સુપરિયાનો વર્ગ પણ લેવો પડશે. કેન્દ્ર પર પહોંચીને વાત. અત્યારે તો હરિખોહનું સૌંદર્ય માણતાં ચાલ્યા કરીએ.

થોડે આગળ એક ટેકરી જેવા ઢોળાવ ઉપર ચાર-પાંચ ઝૂંપડાં હતાં. તે બતાવીને સુપરિયાએ મને કહ્યું, ‘છતિયાટોલા જેવા ટીંબા ન જુઓ ત્યાં સુધી ગરીબી શું કહેવાય તે સમજાય નહિ.’ તે થોડું અટકી અને આગળ ચાલતાં ફરી બોલી, ‘દિવસો સુધી કંદમૂળ ખાઈને ટકાવાતું જીવન કેવું હોય તે છતિયાટોલાનો આદિવાસી નજરે ચડે તો જ સમજાય. અમારો વિકાસ- કાર્યક્રમ આ લોકોને બે વખત કુશકીની રાબ પણ પૂરી પાડી શકે તો તેને મોટી સફળતા ગણું.’ હું પાછળ ચાલતાં તેની વાતો સાંભળતો હતો.
અમે ઝૂંપડાંઓ નજીક પહોંચ્યાં અને મેં માનવ-કંકાલ જેવા એક એકલા વૃદ્ધ આદિવાસીને ઝૂંપડા પાસે ઉભડક બેઠેલો જોયો. માત્ર લંગોટભેર બેસી રહીને તે જમીન ખોતરતો હતો. અમારા પર નજર પડતાં જ તે ઊભો થયો.

‘ઈથે, ઈથે.’ તેણે હાથ લંબાવતાં કહ્યું. મને લાગ્યું કે તે ભીખ માગે છે. અમારી સાથે બચેલો નાસ્તો હતો. તેમાંથી સુપરિયા તેને ખાવા આપી દે તો અમે ચાલતી પકડીએ. એવું કઈ બને તે પહેલાં તે દુર્બળ જન કેડી વચ્ચે આવી બંને હાથ ફેલાવી ઊભો રહ્યો.

‘નીં જાણે દૂં ઈહાંસે, બાઈ! ખાલી પેટ નીં જણાં.’ તેણે કહ્યું અને અમે બધાં થંભી ગયાં.

‘ફિર કભી આયેંગેં, અભી રહને દો.’ સુપરિયાએ તેને સમજાવ્યો.

પણ પેલો માને તેમ ન હતો. કહે, ‘ખાલી પેટ નીં જાણે દૂં.’ અચાનક ગંડુ ફકીર આગળ આવ્યો. પેલાનો હાથ પકડીને કહે, ‘ચલ. આજ તેરે ઘર હો જાય.’ પછી સુપરિયા તરફ ફરીને કહે, ‘ચલ છોરી, ચલતી હૈ?’

સુપરિયા તેને અનુસરી. આખું ટોળું પેલા ઝૂંપડા પાસે ગયું. ફકીરે પોતાની ઝોળીમાંથી ફાટેલી ચાદર કાઢીને પાથરી. અમે બધાં બેઠાં. ઝૂંપડાની અંદર તો એકથી વધુ માણસ સમાય તેવું હતું જ નહિ.

પેલો આદિવાસી હર્ષથી ગાંડો થતો હોય તેમ નાચી ઊઠ્યો, ‘તીરથ હો ગયા! આજ તીરથ હો ગયા!’ બોલીને તેણે આનંદ વ્યક્ત કર્યા કર્યો. વચ્ચે ‘નીં જાણે દૂં. ખાલી પેટ કીથે જાણાં?’ કહેતો રહ્યો.

‘અબ તું બોલતા હી રહેગા યા કુછ ખિલાયેગા ભી?’ ગંડુ જાણે પેલા પર ઉપકાર કરતો હોય તેમ બોલ્યો.

મતલબ કે આ કંગાલ હવે અમને રાંધી ખવરાવવાની તેની ઇચ્છા પૂરી કરશે. છી, તેના હાથનું કે કદાચ તેણે માગી-ભીખી લાવેલું તે આપશે તોપણ અમે ખાઈશું શી પેરે?
તે પોતાના ઝૂંપડામાં ગયો. અંદર કંઈક ખખડાટ થયો અને થોડી વારે તે પાછો બહાર આવ્યો ત્યારે તેના હાથમાં કાળા રંગની માટલી અને એવો જ કાળો પડી ગયેલો ઍલ્યુમિનિયમનો વાડકો હતાં. માટલી અમારી સામે મૂકતાં તેની આંખમાં અપાર વેદના ઊભરાઈ. તે પરાણે બોલતો હોય તેમ બોલ્યો, ‘ઓર કુછ નહિ ઘર મેં. પર ખાલી પેટ નીં જાવા. પાપ લાગે હે.’

‘મહુડી છે ને?’ સુપરિયાએ વઢતી હોય તેમ કહ્યું. ‘મરવાના, પણ મહુડો નહિ છોડવાના.’

‘હા. મહુડી જ હે.’ પેલાએ નિખાલસતાથી કબૂલ્યું, ‘બીજા દાના બી નંઈ ઘર મેં. પર ખાલી પેટ કીથે જાણાં?’

‘મીઠું છે ઘરમાં?’ સુપરિયાએ પૂછ્યું ‘નમક, નમક!’ પેલાને સમજાય તે રીતે ફરી બોલી.

‘હાં. થોડા હે.’ કહી પેલો અંદર ગયો અને કાચની તૂટેલી રકાબીમાં થોડું મીઠું મૂકીને લાવ્યો.

મને થયું કે ગંડુ ફકીરનો ક્રોધ માઝા મૂકી જશે અને તે આ ગરીબ બિચારાને પાઈનો કરી નાખશે; પણ મારા આશ્ચર્ય વચ્ચે ગંડુ ફકીરે પેલી માટલી ઉઠાવી. તે નમાવીને પેલા કાળા વાટકામાં પ્રવાહી રેડ્યું. અમે કંઈ સમજી શકીએ ત્યાર પહેલાં તો તેણે વાડકી મોઢે લગાવી અને મહુડી ગટગટાવી ગયો.

‘નર્મદે હર’ કહેતાં તેણે વાડકી નીચે મૂકી. પછી પેલા આદિવાસીને કહે, ‘બસ? અબ ખુશ?’

મને કમકમાં આવી ગયાં, પરંતુ પેલા આદિવાસીના મુખ પર નિરાંત દેખાઈ. સુપરિયાએ પેલી રકાબીમાંથી મીઠાના બે કણ લીધા અને મોંમાં મૂક્યા. અમે બધાં તેને અનુસર્યાં.

ઊભાં થઈને અમે ચાલ્યા એટલે પેલો આદિવાસી અમને વળાવવા આવ્યો. થોડે પહોંચીને અમે છૂટાં પડીએ ત્યાં ગંડુ ફકીરે સુપરિયાના હાથમાંથી નાસ્તા-વાસણની થેલી લઈ લીધી. પછી પેલા આદિવાસી તરફ લંબાવીને કહે, ‘લે લે.’

પેલો આનાકાની કરવા મંડ્યો તો ફકીરે પરાણે તેના હાથમાં થેલી પકડાવતાં કહે, ‘ફકીર દેતા હૈ. લે લે.’ કહી પારકી થેલી પેલાને થમાવી ગંડુ રાજા ચાલવા મંડ્યા. સારું થયું કે બાકીનો સામાન લઈને હું અને બિત્તુબંગા થોડે આગળ નીકળી ગયેલા. નહિતર આ ગંડુ એ પણ આપી દેતાં વાર ન કરત.

હું લગભગ ત્રાસી ગયો. આ ગંડુ, એક નાગોડિયા આદિવાસીની ગંદી માટલીમાંથી એવા જ ગંદા વાસણમાં ઠાલવીને ગંધાતો દારૂ જાણે અમૃત પીતો હોય તેવી અદાથી પી ગયો. પેલા આદિવાસીને દારૂ ન પીવાની સલાહ આપતી સુપરિયા આ ગંડુને કંઈ કહી ન શકી.

બિત્તુબંગા આ દારૂડિયાને પગે પડે છે અને આ પ્રદેશમાં કદાચ સર્વાધિક શિક્ષિત ગણાય તેવી સ્ત્રી સુપરિયા તેને પ્રેમથી પોતાને ત્યાં ભોજન કરવા નિમંત્રે છે. કઈ જાતનો વ્યવહાર છે આ? મેં કદી નથી જાણ્યો, નથી જોયો.

પંદર-વીસ મિનિટ ચાલ્યાં હોઈશું અને ફકીર રસ્તા વચ્ચે ઊભો રહી ગયો, પૂછ્યું, ‘છોરી, મૈં ક્યું આતા હું તેરે સાથ?’

‘મહુડી ચડી ગઈ લાગે છે.’ મેં આ નવું નાટક જોતાં વિચાર્યું.

‘રોટી તો હમારે યહાં હોગી ન આપ કી?’ સુપરિયાએ સાશંક પૂછ્યું.

‘મતલબ સમજતી હો?’ ફકીરે સામે પૂછ્યું. હું કઈ સમજ્યો નહિ. સુપરિયાએ મૌન સેવીને હાથ જોડ્યા. તો પેલો કહે, ‘મતલબ મૈં સમજાતા હૂં. અગર આજ મૈં તેરે ઘર ખાતા હૂં તો મતલબ હૈ ઉસ બૂઢેને હમે ભૂખા નિકાલા હૈ.’

‘તમે ક્યાં ખાધું છે?’ સુપરિયા લગભગ ઢીલી થઈને બોલી, ‘મારો જીવ ન કચવાવશો.’

ગંડુ ફકીર ક્રોધથી બોલ્યો, ‘અરે! નહિ કૈસે ખાયા મૈંને? ઉસ કા જિતના થા, સબ તો ખા ગયા!’ પછી લાકડી પછાડતાં ઊલટી દિશામાં ફંટાયો. કહે, ‘તું અબ જા, મેરી આજ કી રોટી તો હો ગઈ.’

થોડે દૂર પહોંચીને તેણે પાછળ જોયું. અમે હજી ઊભાં હતાં તે જોઈને માટીનું ઢેફું હાથમાં લઈને અમારી તરફ ફેંકતાં બૂમ પાડી, ‘ચલ જાઓ સબ. ફકીર સમઝતે હૈં લોગ મુઝે. મૈં અપને આપસે ધોકા નહિ કર સકતા. જાઓ, ચલે જાઓ.’ અને ઉતાવળી ચાલે ઝાડીમાં અદૃશ્ય થઈ ગયો.

હું સ્તબ્ધ થઈ ગયો. મારા તમામ અભ્યાસોને ખોટા પાડતો તે ક્યાં ગયો હશે તેનો વિચાર કરતો હું ઊભો રહ્યો. સુપરિયાનું મોં પડી ગયું, ‘ભૂખ્યા પેટે મહુડી પી ગયો છે. ખાશે નહિ તો પેટ સળગી જશે.’ તે બોલી.

બિત્તુબંગા સુપરિયાની ઉદાસી પામી ગયા. આશ્વાસન આપતા હોય તેમ કહે, ‘કાલેવાલી મા ખિલાવેગી. ફિકર નીં કરા.’ અને તે બંને ચાલતા થયા. કાલેવાલી માનો સંદર્ભ નીકળતાં મને બચાવનારી પેલી મલીરધારિણીને મળવા હું તલપી ઊઠ્યો. પણ મારે હજી ધીરજ રાખવાની હતી. હું અને સુપરિયા ધીમે પગલે બિત્તુબંગાની પાછળ ચાલવા માંડ્યાં.

આશ્રમે પહોંચીને મેં તો જમી લીધું. બપોરે, આવતી કાલે કરવાનાં કામોની યાદી બનાવી. અત્યારે સૂતાં પહેલાં આ ડાયરી લખવા બેઠો છું.

સંધ્યાસમયે રસોડે ગયેલો ત્યારે સુપરિયા આવી ન હતી. કમળાને પૂછ્યું તો તે કહે, ‘ઓ નીં ખાવે.’ મને સુપરિયા પર ચીડ ચડી. એક ગાંડાઘેલા ફકીર પાછળ આટલું દુ:ખ ભોગવવાનો શો અર્થ હતો? મારું ખાવાનું પતે કે તરત સુપરિયા પાસે જઈને તેને ‘લાગણી જીતવાની કળા’ પર નાનકડું પ્રવચન આપી આવવાનું મેં વિચારેલું.
મારાં વાસણો ઘરમાં મૂકીને હું સુપરિયાને ત્યાં ગયો તો તે બહાર ફળિયામાં લાઇટ કરીને ખુરશીમાં બેઠીબેઠી ‘મહાભારત’ વાંચતી હતી.

‘આવો.’ મને જોઈને તેણે પુસ્તક બંધ કર્યું, ‘વરંડામાં બીજી ખુરશી છે તે લેતા આવો.’

‘ના.’ મેં કહ્યું, ‘હું અમસ્તો જ આ તરફ આવ્યો.’ તે શા માટે ભૂખી રહી તે પૂછીને મારે વાત શરૂ કરવાની હતી, પરંતુ હું તેમ કરી ન શક્યો. જરા વાઈ મૂંઝાઈને ઊભો રહ્યો પછી સાવ જુદો જ પ્રશ્ન કરી બેઠો, ‘મહાભારત’ વાંચો છો? ક્યાં સુધી વંચાયું?’

‘હા.’ કહેતાં તે ઊઠી. પોતે વરંડામાંથી ખુરશી લઈ આવી અને મારી સામે મૂકતાં બોલી, ‘તમે તો આ વાંચ્યું નથી, પછી ક્યાં સુધી વંચાયું એ કેમ જાણશો?’ કહી તે પાછી પોતાની ખુરશીમાં જઈ બેઠી.

‘એમ તો મને થોડીઘણી ખબર છે.’ કહી હું તેણે મૂકેલી ખુરશીમાં બેઠો.

‘થોડીઘણી એટલે?’

‘ભીમ, અર્જુન, કર્ણ – આવું બધું.’

‘દ્રૌપદી?’ તેણે પગ પર પગ ચડાવતાં પૂછ્યું.

‘હા, એની ખબર છે.’ મેં મારા બંને હાથ મારા ગોઠણો પર ટેકવી ઊભા થવાની ચેષ્ટા કરતાં જવાબ આપ્યો. ‘બેસો હજી.’ સુપરિયાએ કહ્યું, ‘લાક્ષાગૃહ વિશે જાણો છો?’

‘હા,’ મેં કહ્યું, ‘ત્યાં પાંડવોને બાળી મૂકવાનો પ્રયાસ થયેલો.’

‘અરે વાહ!’ સુપરિયા એકદમ ખુશ થઈ હોય તેમ હસી. ‘અને હિડિંબા – હિડિંબવધ?’

‘હા.’ ‘સ્વયંવર?’ ‘હા.’ ‘કુરુક્ષેત્ર? ગીતા? ગાંધારીનો શાપ?’

‘હા, હા, હા.’ – તે પૂછતી જ ગઈ અને મારા બધા જ જવાબો ‘હા’માં આવતા ગયા. અચાનક મારા મનમાં પ્રકાશ થયો. મારા આશ્ચર્યનો પાર ન રહ્યો.

સુપરિયા મારી અવસ્થાને પામી ગઈ અને નિર્મળ હસીને તેણે મને પૂછ્યું: ‘નવાઈ લાગે છે, નહિ?’

‘હા. અત્યંત નવાઈભર્યું.’ મેં કહ્યું.

‘મને પણ તમારા જેવી જ નવાઈ લાગેલી.’ સુપરિયાએ પુસ્તક હાથમાં લઈ તેના પર કુમાશથી હાથ ફેરવતાં કહ્યું. ‘ક્યારેય ન વાંચેલી, ધ્યાન દઈને ન સાંભળેલી વાતો જ્યારે વાંચવા બેઠી ત્યારે મને લાગ્યું કે આ બધું તો હું અક્ષરશ: જાણું છું.’

હું ઊંડા વિચારમાં ગરક થઈ ગયો.

અત્યારે ડાયરી લખતાં પણ આ વાત યાદ કરીને નવાઈ પામું છું. થોડુંથોડું સમજાય છે કે આ દેશમાં દરેકેદરેક જણને એક અનોખી જીવનદૃષ્ટિ લોહીમાં જ મળે છે. રામાયણ-મહાભારત જેવી કથાઓ વાંચ્યા વગર પણ તેની રજેરજ ખબર આ માટીમાં જન્મીને ઊછરતાં માવનીને હોય છે. કોઈ પણ ભાષાનો, કોઈ પણ ઉંમરનો, કોઈ પણ જાતિ કે કોઈ પણ પ્રદેશનો વાસી હોય, ભારતવાસી આ કથાઓ, ભલે પોતપોતાની રીતે પણ, જાણતો જ હોય છે. આ કથાઓનાં પાત્રોની વેદના, હર્ષ, વિષાદ કે ઉલ્લાસને પોતાનામાં અનુભવતો હોય છે, કારણ, એ માત્ર કથાઓ નથી, જીવન અને તેની પરંપરાઓ છે. ગણેશ શાસ્ત્રીએ મને જે જોવા-સમજવાની વાત કરી છે તેનો અર્થ સમજવાની કોશિશ મારે કરવી જોઈએ. આમાંથી કદાચ કંઈક નવું જ નીપજે. સુપરિયા સાથે જે વાત કરવા હું ગયો હતો એ વાત કર્યા વગર જ હું ચાલ્યો આવેલો; પણ મને લાગે છે કે જે વાતો થઈ તે વધુ મહત્ત્વની હતી.”

9

“પાનખરે વનોને પર્ણહીન બનાવી દીધાં હતાં. હવે માર્ચ-એપ્રિલમાં વૃક્ષોને નવી કૂંપળો ફૂટવા માંડી છે. નાના-નાના છોડ અને ઝાડીઓમાં પણ વસંતનો ઝીણો સળાવળાટ ઉદ્ભવ્યો છે. જોકે ઝરણાંઓ દિવસે દિવસે ક્ષીણ થતાં જાય છે.

આવતા સત્રથી મારે શાળા અને પ્રૌઢશિક્ષણના વર્ગો શરૂ કરવા છે. એ માટે તાલુકે જવાનું થયું ત્યારે રસ્તામાં કીકા વૈદને પણ મળી લેવાનું વિચારીને હું નીકળ્યો. કીકા વૈદે મને સાજો કર્યો, પણ નર્મદાતટેથી નીકળતાં અગાઉ તેમને મળી લેવાનું હું ચૂકી ગયો હતો.

વૈદ્યને આપવા મધની ચાર બોટલો લઈને હું હરિખોહવાળા ઝાંપેથી બહાર નીકળતો હતો ને પુરિયા સામે મળી. ‘કેથે?’ પૂછીને, કેડ પર હાથ દઈને ઊભી રહી.
‘બિવરી. કીકા વૈદને મળીને તાલુકે જવું છે.’ મેં જવાબ આપ્યો.

પુરિયાએ આંખો વિસ્તારી અને કહ્યું, ‘ઈહાંસે તો બઉત લંબા પડે હે.’

મને આ એક જ માર્ગની ખબર હતી. હું કશો જવાબ આપ્યા વગર ઊભો રહ્યો. પુરિયાએ કહ્યું ‘બિવરી તલક મું ચલું હૂં સાથ. તેસીલ તલક નીં આવું.’ મારી રજાની રાહ જોયા વિના તે મને ‘ઠેર જરા’ કહી અંદર ચાલી ગઈ.

પુરિયા પાછી આવી ત્યારે બેએક વર્ષનો એક બાળક તેની સાથે હતો. પુરિયા તેની સાથે તેની બોલીમાં વાતો કરતી આવતી હતી. આવીને કહે, ‘રામબલી કા હે છોરા.’
‘એ જે હોય તે, પણ તું તેને સાથે કેમ લઈ આવી?’ મેં પૂછ્યું. ‘તેડી- તેડીને થાકી જઈશ.’ પુરિયાએ કંઈ જવાબ ન આપ્યો. ઓઢણીનું ખોયું કરીને બાળકને પીઠ પર બેસાર્યો અને ગાતી-રમતી ચાલી.

‘તું આખો વખત ગીતો શું ગાય છે?’ મેં પૂછ્યું, ‘જ્યારે જોઈએ ત્યારે ગાતી જ હોય છે.’

પુરિયા ઊભી રહી. સહેજ નમીને પાછી ફરી. પછી હસી અને બોલી, ‘મું અચ્છા ગાઉં હૂં?’

‘સારું ગાય છે. પણ મને કંઈ તારી બોલીનાં ગીતો સમજાય નહિ.’ મેં જવાબ આપ્યો.

પછી પુરિયા વાતોએ ચડી. મારી આગળ ચાલતી રહી અને કેટકેટલી વાતો કરતી રહી. તે આદિવાસીઓનાં ગીતો ગાય છે. તેણે મને સમજાવવા કોશિશ કરી. હોળીનાં, વાવણીનાં, કયા વૃક્ષનો કેવો ઉપયોગ કરી શકાય, તેનાં પાન અને ફળનો સ્વાદ કેવો છે તથા તેના વૈદકીય ગુણો શું છે – તેવું પણ તેનાં ગીતોમાં આવે. એક સાવ જુદા જ પ્રકારના ગીતનો અર્થ તેણે મને સમજાવ્યો. ‘અમારા પરદાદાને ચાર આનામાં માથે ઉપાડી શકાય તેટલા વાંસ મળતા. દાદાને એટલા જ વાંસ એક રૂપિયામાં મળ્યા. બાપાએ ત્રણ રૂપિયા દેવા પડતા અને અમારે તો એક વાંસના જ ચાર રૂપિયા આપવા પડે છે.’ આર્થિક ઇતિહાસને વણી લેતાં ગીતો હોય તેની મને નવાઈ લાગી. મેં તે ગીત નોંધી લીધું. પુરિયા કહે કે આવાં બીજાં કેટલાંય ગીતો તેને મોઢે છે. ઝાડનાં ગીત ઉપરાંત સીતાજીને શોધવા નીકળેલા રામનું ગીત અને આવાં ગીતો પણ તેને આવડે છે, ત્યાંથી માંડીને રામબલી દુષ્ટ છે, તેના પર શંકા કરે છે – સુધીની વાતો તે કરતી ગઈ.

‘મેરા પેટ નહિ.’ તેણે વચ્ચે કહ્યું, ‘એ વાસ્તે બોલે હે મુંને.’ કહી તે થોડું મૌન સેવી રહી. પછી મારા તરફ ફરીને ઊભી રહી. તેના કાળા નમણા ચહેરા પર દુ:ખની એક ઝલક ચમકી અને તરત જ તેનો પેલો પરમ આનંદ તેની આંખમાં આવીને બેઠો. તે હસી પડી અને બોલી, ‘મેરા કા? મું નીં જાઉં સાસરે.’

એક સાથે આવડો આનંદ અને આટલો વિષાદ આ હંમેશાં હસતી- કૂદતી વનબાળા મનના કયા ખૂણામાં સમાવી રાખતી હશે – એ વિચારતાં મેં કહ્યું, ‘એ કંઈ બરાબર ન કહેવાય. કોઈ કંઈ કહે એટલે પતિને છોડી દેવાય?’

‘ઓ મા રે!’ પુરિયા ખડખડાટ હસી પછી બોલી, ‘ઓ હી જ તો હે સબનકી જડ. સચ બોલને સે ડરે હે.’ કહીને તે અટકી ગઈ. તેની મોટામાં મોટી ફરિયાદ તેના પતિ પ્રત્યે હતી. બીજા તેને બોલે ત્યારે બચાવ કરવાને બદલે તે પણ પુરિયાને પુત્રહીન કહેતો. પોતાનો બચાવ ન કરી શકે તે પતિને પતિ માનવા પુરિયા તૈયાર ન હતી. પુરિયાએ સ્પષ્ટ ન કહ્યું, પણ મને લાગ્યું કે પુરિયાની આ સ્થિતિ માટે કદાચ તેનો પતિ કારણરૂપ હોઈ શકે.

વચ્ચે એક ઝરણા પાસે અમે નાસ્તો કરવા રોકાયા. આ અરણ્યોમાં ચાલતા જવું હોય તો કંઈનું કંઈ ખાવાનું સાથે રાખવું પડે અથવા કયા વૃક્ષનું પાન, ફળ, ફૂલ કે મૂળ ખાઈ શકાય તેનું જ્ઞાન હોવું જોઈએ, નહિતર પથરાળ ઢોળાવોવાળી વનકેડીઓ થકવી નાખે અને ખાલી પેટે એક ડગલું ભરવું પણ મુશ્કેલ બને.
જમતાં-જમતાં પુરિયાએ મને પૂછ્યું કે હું મારી પત્નીને કેમ સાથે નથી લાવ્યો?

‘મારું લગ્ન જ નથી થયું.’ કહેતાં મને લ્યુસી યાદ આવી. કેટલાય સમયથી મેં કે તેણે એકબીજાને પત્ર લખ્યો નથી.

પુરિયાએ પૂછ્યું, ‘બંગા જેસન તો નીં હે?’

‘બંગાને શું છે તે મને ખબર નથી.’ મેં જવાબ આપ્યો. પુરિયા ફરી હસી પડી અને બોલી, ‘લખી કો દેખ બેઠા. ઓ તો ચલી ગઈ.’ કહેતી તે ઊભી થઈ ઝરણામાં હાથ બોળીને ધોયા, ખોબો ભરીને પાણી પીધું. રામબલીના છોકરાને પાણી પાયું, પછી આવીને વાસણો લીધાં, સાફ કર્યાં અને મને એક વાડકો ભરી પાણી લાવી દીધું. બચેલો નાસ્તો અને વાસણ થેલામાં ભરતાં તેણે બંગાની વાત કહી.

લક્ષ્મીનાં માતા-પિતાએ બંગા સો મરઘી લાવી આપે તો લક્ષ્મીને બંગા સાથે પરણાવવી તેવી શરત મૂકેલી. બંગા ત્રણ મહિનામાં એટલી મરઘી લાવી આપવાનો હતો. દરમિયાન નારણિયો વચ્ચે આવ્યો.

‘નાંણયા બોલે હે ઓ રેલવાઈ મેં હે. મેં જાનું હૂં, ઓ નીં હે રેલવાઈ મેં. ઓ તો કાભૈ પાટેકે કંત્રાટમેં લગે હે.’ પુરિયાએ કહ્યું. નારણિયો રેલવેનાં સ્લીપર બદલનારા કોન્ટ્રાક્ટરને ત્યાં કામ કરે છે અને એ કંઈ રેલવેનો કર્મચારી ન ગણાય તેની સ્પષ્ટ સમજ આ સ્ત્રીને છે તેની મને નવાઈ લાગી, મેં હસીને કહ્યું, ‘સાચી વાત છે. એ કંઈ રેલવેની નોકરી ન કહેવાય.’

‘ઓ હિ જ તો!’ કહેતી પુરિયા ઊઠી. બાળકને પાછું ખોયામાં ટાંગ્યું અને પીઠ પર લટકાવ્યું. અમે આગળ ચાલતાં થયાં ને પુરિયાએ કહ્યું, ‘સબન સેતાન હોવે હે.’ તેના કથન વિશે મારે કંઈ કહેવાનું ન હતું. હું મૌન સેવી રહ્યો અને પુરિયા બોલતી ગઈ. નારણે લક્ષ્મીના પિતાને સમજાવ્યા કે પોતે રેલવેમાં સારા પગારથી કાયમી કામ પર છે. માલગાડીમાં બેસીને સ્લીપર અને પાટા લેવા-મૂકવા ટિકિટ લીધા વગર છેક જબલપુર જઈ-આવી શકે છે. મોટા સાહેબો તેને નારણ કહીને બોલાવે છે. બસ, પોતાની પુત્રીના સુખનો વિચાર કરતા પિતાને આનાથી વધુ શું જોઈએ? વળી સો મરઘી તો બંગાની ત્રણ માસની મુદત સામે નારણિયો તો દોઢ-બે માસમાં જ લાવી આપવાનો હતો. કા’ભઈ પાટા પાસે વ્યાજે એડવાન્સ પૈસા તેને મળે જ.

લક્ષ્મીનો વિવાહ નારણિયા સાથે થઈ ગયો. બંગાએ કોઈ ઝઘડો ઊભો ન કર્યો. તે માત્ર એક વાર લક્ષ્મીના પિતાને અને પછી નારણિયાને મળ્યો અને તેમને સ્પષ્ટ સમજાવી આવ્યો કે જો લક્ષ્મી ભૂખે મરશે, તેને પહેરવા-ઓઢવાની ખામી આવશે, લક્ષ્મીના પૈસામાંથી નારણિયો કંઈ વાપરશે કે તેને કોઈ પણ જાતનું દુ:ખ દેશે, તો બંગા નારણિયા અને લક્ષ્મીનાં મા-બાપનાં માથાં ફોડી નાખશે.

‘મેં તો કહું હૂં ઓ લખીકા જ માથા પઈલે ફોડ.’ પૂરિયા જાણે બંગાને સામે ઊભો રાખીને કહેતી હોય તેમ હાથનો લટકો કરીને બોલી.

‘એમાં લક્ષ્મીનું માથું શા માટે ફોડવું?’ મેં પૂછ્યું.

‘ઓ હિ જ તો ગઈ રેલવાઈમેં બેઠણે.’ પુરિયા હસીને બોલી. આગળ કંઈ વાત થાય તે પહેલાં પાછળથી કોઈએ બૂમ પાડી, ‘પૂરિયા હો…’ અને અમે ઊભાં રહ્યાં. અમે પાછળ જોયું તો ઝૂરકો લગભગ દોડતો આવતો હતો. આવતાંવેંત તે પુરિયાને વઢતો હોય તેમ ઉગ્ર સ્વરે તેની ભાષામાં કંઈક કહેતો રહ્યો. પછી મને સમજાવ્યું કે પુરિયા કોઈને કશું કહ્યા વગર રામબલીના છોકરાને લઈ આવી હતી. કેન્દ્ર પર બાળકની શોધખોળ ચાલી. એ તો સારું થયું કે બિત્તુબંગાએ પુરિયાને બાળક સાથે જતી જોયેલી. મેં પણ ઝૂરકાનો સાથ આપ્યો અને પુરિયાને કહ્યું, ‘આમ કોઈને કહ્યા વગર કેમ ચાલી આવી અને પાછી છોકરાને ઉઠાવી લાવી?’

પુરિયા કંઈ બોલી નહિ. પોતે કંઈક ખોટું કર્યું છે તેવું તેને લાગ્યું નહિ. અમારા બધા પર તેને ક્રોધ આવ્યો. તે ત્યાંથી જ પાછી આશ્રમ તરફ ચાલવા લાગી. કદાચ તેની આંખો ભરાઈ આવી હતી. ઝૂરકો તેની પાછળ બબડતો ચાલ્યો. હું એકલો કીકા વૈદને ગામ પહોંચવા સામેની ટેકરી ઓળંગવા કેડીએ ચડ્યો.

કીકો વૈદ ઘરે ન હતા. બે દિવસ પછી આવવાના હતા. ગોરાણીને મેં મધ આપ્યું. થોડા પૈસા આપ્યા તો કહે, ‘એ વૈદરાજને આપજો. મને ખબર નથી.’ ગોરાણીએ સુપરિયાના ખબર પૂછ્યા. તેનાં માતા-પિતાને સંભાર્યાં. મને થયું કે તે વનિતા વિશે કંઈક વાત કાઢે તો સારું, પણ તેવું ન થયું. હા, તેમણે બિત્તુબંગાને યાદ કરીને વનિતા વિશે કહ્યું. ‘નારદીના છોકરા આ બિત્તુડો ને એનો ભાઈ.’ મને ચા આપતાં ગોરાણી બોલ્યાં, ‘નારદીનો વર બંગાના જનમ પહેલાં તાવમાં મરી ગયો. વનિતા નારદીને પોતાને ઘરે લઈ ગઈ. વર-વહુ બેય જણાં ખાદીવાળાં અને નવોનવો આશ્રમ કાઢેલો. તે જેમતેમ ગાડું ગબડાવે. એમાં નારદી ને એના બે છોકરા. પેલાં બેય પોતે અડધું ખાઈને આ આદિવાસીને ખવડાવે એવાં.’

કહી ગોરાણી ઘરકામે વળગ્યાં. પાણિયારું સાફ કરતાં વળી આગળ બોલ્યાં, ‘ગણેશ શાસ્ત્રીની ને સુરેનની ભાઈબંધી પાકી, એટલે વનિતાની છોકરી ગ્વાલિયરની મોટી નિશાળે ભણી. એ ભણી તોય પાછી અહીંયાં જ આવીને રહી.

ગોરાણીએ કામ પૂરું કરીને મારા સામે બેસતાં પૂછ્યું ‘રાત રોકાવાનો છે? તો રોકાઈ જા.’

‘કાલે વૈદરાજ આવશે?’ મેં પૂછ્યું.

‘નહિ આવે. એને તો બે દિ’ થાશે જ. કદાચ ત્રણ પણ થાય. પણ તું આવ્યો છો તો રોકાઈ જા.’

‘ના.’ મેં કહ્યું. જઉં. ફરી ક્યારેક આવીશ. પાછો એકલો છું અને રસ્તો લાંબો છે.’

‘બિત્તુને સાથે લાવવો હતો ને.’ ગોરાણીએ કહ્યું. પછી હસીને બોલ્યાં, ‘એ બેય ભાઈ આવે તો ભેગા જ આવે. નામે ય એવાં પાડ્યાં છે. બિત્તુબંગા બોલીએ તોય એક જ નામ બોલતાં હોઈએ એવું લાગે.’ કહેતાં ગોરાણીનો સ્વર આર્દ્ર થયો. તેમણે આગળ કહ્યું, ‘ને છેય એવું, ભાઈ! બેય જીવ એક જેવા છે. નારદી મરી ગઈ, વનિતા નહિ. છોકરી કૉલેજ ભણે. બંગો માંડ ત્રણ વરસનો. આ તમારા વૈદરાજ છોકરાને તેડવા ગયેલા કે અહીં લાવીને રાખું, તો દવા ખાંડવા-બાંડવામાં મદદરૂપ થાય ને છોકરા પણ રખડે નહિ. પણ માળા, ન આવ્યા. બિત્તુએ મા ઉછેરે એમ બંગાને ઉછેર્યો. એને કેડમાં તેડીને જંગલમાં ભટક્યા કરે ને ક્યાંક જગ્યા ભાળી નથી કે છીણી-હથોડા લઈને બેસે કાંક ડેરા બનાવવા.’

ગોરાણીની વાતો સાંભળવાની મજા પડતી હતી, પણ મારે મોડું થતું હતું. વનિતાના આટલા ઉલ્લેખ પછી પણ તે ક્યારે અને ક્યાં ચાલી ગઈ તે વાત ન આવી તેની મને નવાઈ લાગી અને થોડો વસવસો પણ રહ્યો. ‘વૈદરાજ આવે ત્યારે ફરી આવીશ’ કહીને મેં રજા લીધી.

પાછા ફરતાં કોઈ વાહન ન મળ્યું. અંતે એક ડીલિવરી વૅન ભાડે કરી. ડ્રાઇવર પાસે બેઠો. એ પણ કેવો આનંદી હતો! રસ્તામાં કોઈ આદિવાસી મળે કે કોઈપણ જતું-આવતું મળે તો હાથ ઊંચો કરે. પછી મને કહે, ‘મૌજ મેં આવેંગે યે લોગ. સોચેંગે, આજ ડ્રાઇવર સા’બને હમકો સલામ કરી.’

સાતવાં મોડે મને ઉતારતો ગયો અને કહે, ‘સમાલ કે જાઈઓ.’ પછી મજાકમાં કહેતો હોય તેમ કહે, ‘શેર હોતે હૈં ઈસ જંગલમેં.’ ”

– ધ્રુવ ભટ્ટ

તત્ત્વમસિ – પ્રાકકથન

તત્ત્વમસિ – ૧

તત્ત્વમસિ – ૨

તત્ત્વમસિ – ૩

તત્ત્વમસિ – ૪

તત્ત્વમસિ – ૫

તત્ત્વમસિ – ૬

તત્ત્વમસિ – ૭

તત્ત્વમસિ – ૮

તત્ત્વમસિ – ૯

તત્ત્વમસિ – ૧૦

તત્ત્વમસિ – ૧૧

આપનો પ્રતિભાવ આપો....