તત્ત્વમસિ : ૭ – ધ્રુવ ભટ્ટ (ઈ-પુસ્તક)


૧૯.

આ અરણ્યોનાં અનેકવિધ સ્વરૂપોએ, તેમાં વસતાં માનવીઓ, પશુપંખીઓએ તેને અધિકારી ગણવાની શરૂઆત તો કરી જ દીધી છે. પણ માનવીને પોતાના અધિકારનું જ્ઞાન પ્રાપ્ત કરાવવાનો એક નક્કી માર્ગ અને સમય આ પ્રકૃતિએ નિર્ધાર્યો જ હોય છે. આ અરણ્યોએ તો અનેકોને જ્ઞાન આપ્યું છે. કદાચ તેનો સમય પણ આવશે.

“…મેં વિદેશમાં ભોગવેલી સગવડમાંથી જવલ્લે જ કોઈ સગવડ આ અરણ્યોએ મને આપી છે. આ અરણ્યોએ પોતાના મંગલમય, પવિત્ર પાલવ તળે ઝેરી જનાવરો અને હિંસક પ્રાણીઓ વચ્ચે પણ મને અભય અને નિરામય રાખ્યો છે. સુખ અને આનંદ વચ્ચેની ભેદરેખાને ઊજળી કરીને આ અરણ્યોએ મને બતાવી છે.

આજે આ અરણ્યોનું કદી ન જોયેલું, ન જોવા ઇચ્છેલું સ્વરૂપ હું જોઈ રહ્યો છું. મહર્ષિ વ્યાસે ખાંડવદહનમાં અરણ્યોને દાહતા અગ્નિને અનેક નામોએ શા માટે ઉલ્લેખ્યો છે તે હવે સમજી શકું છું. અનલ, કૃશાનુ, વહ્નિ, હુતાશન, શિખી, શિખાવાન, હુતભુજ, હવ્યવાહન, કૃતાજ્ઞા કે હિરણ્યરેતા. આ પ્રજ્વલી ઊઠેલાં વનોમાં અગ્નિ પોતાનાં તમામ નામોને સાર્થક કરતો આગળ વધી રહ્યો છે.

બિલેશ્વરનાં વનોમાં આગ લાગી છે તે જાણતાં જ અમે આશ્રમમાંથી શક્ય તેટલા સ્વયંસેવકો સાથે આવ્યા છીએ. સુપરિયાને પણ અહીં આવવા ઇચ્છા હતી પણ અમે તેને રોકી. અગ્નિ ચારે તરફ ફેલાવાને બદલે આગળ સીધી પટ્ટીરૂપે ફેલાતો જતો હતો એટલે રાહત હતી. જોકે એ પટ્ટીની પહોળાઈ પણ ઓછી ન હતી. અડધાથી એક કિલોમીટર પહોળી અને સત્તર કિલોમીટર લાંબી પટ્ટી રોજરોજ થોડી પહોળી અને વધુ લાંબી થતી જતી હતી.

સત્તર કિલોમીટરમાં બંને તરફનાં જંગલોને આગથી અલગ પાડી દેવાનું અશક્ય હતું; કારણ કે મોટા ભાગનાં સાધનો અને માણસો આગની એક જ તરફ હતા. પેલી તરફ તો ડુંગર પરનાં ગામડાંઓમાં વસતા થોડા આદિવાસીઓ સિવાય કોઈ પહોંચી શકે તેમ ન હતું.

સુભાષ બક્ષી આ આખાએ કામનું સંચાલન કરતા હતા. અમે બધા ટુકડીઓ બનાવીને તેમની સહાયે ઊભા. તેમણે બધી જ માહિતી પડદા પર દર્શાવી. પછી કહ્યું, ‘સત્તર કિલોમીટરમાંથી આઠ કિલોમીટર લંબાઈએ નદી છે. ત્યાં કુદરતી રીતે જ જંગલના બે ભાગ પડી જાય છે.’ તેમણે લાકડીથી નદીનો વિસ્તાર બતાવ્યો, ‘બાકીના ત્રણ કિલોમીટરમાં ડામરની સડક પસાર થાય છે.’
તેમણે સડકવાળો ભાગ બતાવ્યો અને પછી સમજાવ્યું, ‘એક ટુકડી નદી પર જાય. ત્યાં જે કંઈ સૂકાં ઘાસપાંદડાં હોય તે ખસેડીને નદીનો એક કિનારો સાફ કરે અને સાથે ડીઝલ મશીનો લેતા જાય. નદીમાંથી પંપિંગ કરીને જ્યાં શક્ય હોય ત્યાં કિનારાનું જંગલ ભીનું કરી દે.’

આ કામ માટે થોડા વિદ્યાર્થી યુવાનો અને સરકારી માણસો રવાના થવાના હતા. નદીતટનાં વનોમાં પડાવ નાખવાની તૈયારી કરીને બધા નીકળ્યા.

આગ પાસે જવાનું તો શક્ય જ નથી. સળગતાં જંગલોથી બાકીનાં વનોને અલગ પાડવા અમે અરણ્યોની સફાઈ આદરી છે. સૂકાં પાન અને ઘાસ ખસેડવા હજારો હાથ કામે લાગ્યા છે.
આજે સાંજે અમે થાક્યા-પાક્યા બેસીને આવતી કાલના કામની વિચારણા કરતા હતા ત્યાં ખાદીનો લેંઘો-ઝભ્ભો પહેરેલો એક માણસ આવ્યો. તેના થાકેલા ચહેરા પર પણ નૂર દેખાતું હતું. સપ્રમાણ શરીર, સહેજ ભીનો વાન અને સ્પષ્ટ ભાષા. આવતાંવેંત તેણે અમને બધાને કહ્યું, ‘નમસ્કાર.’ અમે સામે જવાબ આપ્યો.

‘ઉપરની તરફ અમે આગ વચ્ચે ઘેરાઈ જઈશું.’ તેણે કહ્યું. ‘હવે બહુ લાંબુ નથી રહ્યું.’

‘ક્યાં?’ મેં પૂછ્યું.

‘ઉપર, બિલેશ્વર પાસે.’

‘તમે જાઓ માસતર.’ અમારી સાથેના નાયકે કહ્યું. તે કદાચ આવનારને ઓળખતો હશે, ‘ગામ ખાલી કરાવી નાખો. એ સિવાય ઉપાય નથી. ઉપર માટી નથી, પાણીયે નથી ને માણસો પણ નથી. બહારથી કોઈને ત્યાં મોકલવાનું જોખમ પણ ન લેવાય. હવે કંઈ થાય નહિ. રસ્તો ખુલ્લો છે એટલામાં ભાગી છૂટો.’

‘પણ અમારી નિશાળ?’ તેણે પૂછ્યું. જવાબમાં અમારા નાયકે જરા ઊંચા સ્વરે કહ્યું, ‘વિશનું માસતર, આમેય તમારી નિશાળ બંધ જ થવાની છે. ત્યાં ભણવા કોણ આવે છે? બાયડી-છોકરાંની ને ઘરની ચિંતા કરો. નિશાળ બળી જાશે તો કંઈ આભ નથી તૂટી પડવાનું. તમને તો સારું થશે. તહેસીલમાં બદલી મળશે ને આ જંગલથી છૂટશો.’

વિષ્ણુ કંઈ બોલ્યો નહિ. અમે થોડી વાર નકશા જોયા. બિલેશ્વરની નિશાળ ક્યાં છે તે જોયું. હમણાં જ મળેલા ફોટાઓમાં આગની દિશા અને અંતર જોયાં. આગલા બે કે ત્રણ દિવસમાં આગ બિલેશ્વર, સતિયા, મીનિયા અને અકલસરાને ઝપટમાં લઈ લેશે. ત્યાંથી નાસી છૂટવા સિવાય માણસો પાસે કોઈ ઉપાય નથી. ઉપર તરફનો એક જ માર્ગ ખુલ્લો છે તે બંધ થાય ત્યાર પહેલાં આ ચારેય ગામ ખાલી કરાવવાં પડે અને તે પણ આવતી કાલે જ.

અમે સુભાષ બક્ષીને વાત કરી. તેમણે અત્યારે જ થોડા સ્વયંસેવકોને રવાના થવા જણાવ્યું. આગની રેખાને પેલે પાર થઈ માણસો અને ઢોરઢાંખરને નીચે લઈ આવવાના માર્ગો સૂચવ્યા. હું સાથે જવા તૈયાર થયો.

બે જીપ અમને દશ-બાર જણને આગની પટ્ટીના છેડે ઉતારી જાય. જ્યાંથી આગળ જીપ ન જઈ શકે ત્યાંથી જો કોઈ સાધન મળે તો તે અથવા પગપાળા સવાર સુધીમાં બિલેશ્વર અને આસપાસનાં ગામોમાં પહોંચી જવાનું હતું અને ગામો તાત્કાલિક ખાલી કરાવવાનાં હતાં.

સદ્ભાગ્યે જીપમાંથી ઊતરતાં જ અમને એક ટ્રૅક્ટર મળી ગયું. ચાંદની રાત હતી અને દૂર બળતાં જંગલો આકાશને ભરતું અજવાળું ફેંકતાં હતાં. નીરવ રાત્રીમાં ટ્રૅક્ટરના અવાજને ઢાંકી દેતો વનોના દાવાનળનો ભભૂકાટ આટલે દૂર પણ સ્પષ્ટ સંભળાતો હતો. સળગતાં અરણ્યો અગ્નિશિખાના ફફડાટના અવાજમાં પોતાનો વિનાશકારી નાદ ઉમેરે છે. ઘાસ, પાન, ડાળીઓ – ન જાણે શું – શું સળગી જતાં પહેલાં પોતાના અસ્તિત્વની છેલ્લી ઓળખ સમી એક ભયાનક ચીસ વહેતી કરે છે. મહાઅગ્નિ તેના સ્વર-માત્રથી ભય પ્રેરે છે. આ મધ્યરાત્રીએ તેનું દર્શન અને શ્રવણ કેટલું ભયાનક ભાસે છે તે હું શબ્દોમાં કોઈ કાળે વર્ણવી શકું તેમ નથી.

ટ્રૅક્ટર પણ છેક બિલેશ્વર પહોંચી ન શક્યું. અમારે ચાલવું પડ્યું. અગ્નિ તેના પરમ રૌદ્ર સ્વરૂપે બળતો જોઈ શકાતો હતો. જૂનના અંતની ચાંદની રાતની શીતળતાનો જરા સરખો અણસાર પણ આ અગ્નિ-તાંડવે રહેવા દીધો નથી. આકાશ રાખથી છવાયેલું રહે છે. કોઈ નિશાચર પંખી પણ ઊડતું નથી.

અમે ચાલતા રહ્યા. બિલેશ્વર પહોંચીને ઊભા તો સવારના ચાર વાગ્યા હતા. ગામ હજી સૂતું હતું, પણ અમારા બોલાશથી એક – પછી એક જાગવા લાગ્યા. અમે બધાને ગામ બહાર બિલેશ્વરના મંદિરે ભેગા થવા કહ્યું.

‘નીં આવે તાપ આંઈ.’ મોટા ભાગના માણસો ગામ છોડી જવા તૈયાર ન હતા, ‘નીં મારી મૂકે તાપ દેવતા.’ અગ્નિદેવ પોતાની મર્યાદા નહિ છોડે તેવી તેમને શ્રદ્ધા હતી.

અમે ડાયાને કહ્યું કે તે પોતાના ગામવાસીઓને સમજાવે. તો તે કહે, ‘ચૂહા જ નીં નીકલા હોવે હે?’

‘એટલે?’ મેં પૂછ્યું.

‘તાપ આ પરે આના હોવે તો ભીતરથી ચૂહા નીકલે, ઘોરખોદ નીકલે, શાઉડી નીકલે તો સમજું.’ કદાચ તેનું અનુભવજ્ઞાન સાચું હોઈ પણ શકે.

અગ્નિની ઝાળો એણે મારા કરતાં વધુ જોઈ હશે, પણ અમારી પાસે વધુ પ્રમાણિત માહિતી હતી. મેં તેમને સમજાવ્યા. ઉપગ્રહોમાંથી લીધેલા ફોટાઓની વાત કરી. આગ કઈ દિશામાં આગળ વધે છે તે પણ સમજાવ્યું. તો કહે, ‘બરસાત હોતે સબ બૂઝ જાવે હેં. હર સાલ કાંઈ ને કાંઈ તો આગ લગે હે.’

તેની વાત ખોટી ન હતી. દર વર્ષે ક્યાંક ને ક્યાંક વનો બળતાં રહે છે. કુદરતી રીતે, માનવીની ભૂલથી કે ઇરાદાપૂર્વક વનો અને અગ્નિનો સંબંધ પરાપૂર્વથી ચાલ્યો આવતો સંબંધ છે. સર્જાય છે, બળે છે અને રાખમાંથી ફરી જન્મ લે છે આ વનો.

‘આ વખતે દર વર્ષ જેવું નથી.’ મેં કહ્યું, ‘આ તમારા વિષ્ણુ માસ્તરને પૂછો. એમણે જ અમને કહ્યું કે આગ આ તરફ આવે છે.’

હવે વિષ્ણુએ બોલવાનું શરૂ કર્યું. તેણે પોતે આગ ક્યાં જોયેલી. કેવી રીતે વધતી જોયેલી, તે બધું કહ્યું. બધાને થોડો વિશ્વાસ બેઠો, પણ હજી ગામ છોડવા કોઈ તૈયાર ન હતું. પોતાનું ફાટ્યુંતૂટ્યું, ઝૂંપડા જેવું પણ ઘર પોતાની ગેરહાજરીમાં સળગી જાય તે કલ્પના દરેક માટે અસહ્ય હતી.

સૂર્યોદય થઈ ગયો હતો. ઊગતાંવેંત પ્રખર તાપે દઝાડતો સૂર્ય ઊંચે ને ઊંચે આવતો જતો હતો. હજી અમારે બીજાં ત્રણ ગામો ખાલી કરાવવાનાં હતાં. મને ચટપટી થઈ. વિષ્ણુની સમજાવટ થોડીઘણી કામ આવી. અમે બધાને તૈયાર થવાનું કહીને સતિયા તરફ જવાનું કરતાં જ હતા ને ગંડુ ફકીર આવી ઊભો.

તેણે ચીપિયો ખખડાવીને ઊંચો કર્યો. તેની હથેળીમાંથી તે દિવસે રાખેલા સળગતા કોલસાનાં નિશાન હજી ગયાં ન હતાં તે સ્પષ્ટ દેખાયું. ‘મરોગે સબ!’ આવતાંવેંત તેણે સ્પષ્ટ કહ્યું, ‘આગસે બચ નીકલો, વરના મરોગે.’

ગંડુ ફકીરને જોઈને મને રાહત થઈ. બીજાં ગામોમાં પણ જો તેને સાથે લઈ જઈ શકાય તો જલદી કામ પતે. હું તેની સાથે વાત કરું તે પહેલાં જ તેણે મને કહ્યું, ‘કુછ મત બોલ.’ પછી ચીપિયો પછાડતાં કહે, ‘સબ ચલે જાયેંગે.’ અરે! મારા આશ્ચર્યનો પાર ન રહ્યો. જાણે મારા મનને તે વાંચતી શકતો હતો. હું મૌન સેવી રહ્યો.

‘ઘર બનેગા નયા.’ તેણે ટોળાને કહ્યું, ‘નયા ઘર બનાયેંગે.’ પછી બધા પર દૃષ્ટિ ફેરવતાં કહ્યું, ‘અબ જાઓ. દેખતે કયા હો? જાઓ.’ કહીને ઉતાવળે પગલે ચાલ્યો ગયો. બધા પોતપોતાના ઘર તરફ દોડ્યા. ઝટ-પટ પોટલાં બંધાયાં. ચાર જણને મદદ અને માર્ગદર્શન માટે ગામમાં રોકીને અમે સતિયા તથા બીજાં ગામો તરફ ગયા.

સતિયાના માણસો તો બધું બાંધીને ભેગા થઈને તૈયાર જ ઊભા હતા. ગંડુ ફકીરે કામ કરી આપ્યું હતું. મીનિયા અને બીજે પણ માણસો ગામ ખાલી કરે જ છે તે ખબર પણ મળ્યા. હવે કઈ તરફથી બહાર જવાનું છે તે બતાવવા અમે ચાર-ચાર સ્વયંસેવકોની ટુકડીઓ દરેક ગામે રવાના કરી, બધા બિલેશ્વર પાસે ભેગા થાય પછી સાથે જ આગળ જવું તેવું ઠરાવીને અમે છૂટા પડ્યા. વિષ્ણુ માસ્તર મને અને સાથેના સ્વયંસેવકોને પોતાના ઘરે લઈ ગયો.

તેની પત્નીએ અમને રાબ અને જુવારનો રોટલો આપ્યાં. ઉનાળામાં લીલું કહી શકાય એવું કંઈ આ પથરાળ વનોમાં મળતું નથી. જમીને મેં પૂછ્યું, ‘ક્યાંય જવાનું છે?’

‘ના,’ વિષ્ણુએ કહ્યું, ‘બધા આવી જાય પછી નીકળીએ.’

બપોરે ત્રણેક કલાકની ઊંઘ ખેંચીને હું જાગ્યો ત્યારે વિષ્ણુ પોતાની ઘર-વખરીમાંથી શક્ય તેટલું બાંધીને તૈયાર ઊભો હતો. થોડાં પુસ્તકો પણ તેણે થેલામાં સાથે ભર્યાં.

‘હિજરત’ – ચાર અક્ષરનો આ શબ્દ જે પ્રસંગને વર્ણવે છે તે પ્રસંગની પીડા વર્ણવવા માટેનો શબ્દ જગતના કોઈ શબ્દકોશમાંથી નથી. એ માત્ર અનુભવી શકાય છે. હિજરતીના અંતર સિવાય એની વ્યથાને કોઈ જાણી શકતું નથી ત્યાં વર્ણવી તો શી રીતે શકે? પોતાની પાછળ પોતે શું છોડી જાય છે તે માત્ર હિજરતી જાણતો હોય છે. ગમે તેટલા પ્રયત્ને પણ અન્ય કોઈ એ જાણી શકવાનો નહિ.

અમે નીકળ્યા. વિષ્ણુ માસ્તરે ઘરને પ્રણામ કર્યા. અડધા કલાકે અમે બિલેશ્વર પહોંચી ગયા. ઘણાં તો અમારાથી પહેલાં પહોંચીને બેઠાં હતાં. ચારેય ગામના થઈને હજાર-બારસો માણસો હતાં. આટલી જ વસ્તી જોઈને મને વિષ્ણુની શાળાના વિદ્યાર્થીઓની સંખ્યા વિશે કોઈ શંકા ન રહી.

મંદિર પાસે જ ત્રણ ઓરડીની નાનકડી શાળા સ્વચ્છ અને શણગારેલી. વિષ્ણુએ ત્યાં જઈને તાળું ખોલી નાખ્યું. ભીંત પરનાં કાળા પાટિયા પર લખ્યું ‘સુસ્વાગતમ્’ અને પાછો આવ્યો. અમારો સંઘ ચાલ્યો.

રસ્તામાં જ રાત ઢળી ગઈ. મુખ્ય રસ્તા પર આવીને અમે પડાવ નાખ્યો. સવારે વાહનો આવશે કે પગપાળા નીચે કૅમ્પ પર પહોંચી જઈશું. પોટલાં છૂટ્યાં. પથ્થરો વચ્ચે કરગઠિયાં ગોઠવીને શેકાતા જુવારના રોટલાની સુગંધ વાતાવરણમાં પ્રસરી. ભૂખ્યો મનુષ્ય અનાજની મીઠાશ તમામ ઇંદ્રિયોથી અનુભવી શકે છે તે મને આજે સમજાયું.

અમે કૅમ્પ પર જ રોકાયા. આદિવાસીઓએ તો ઝૂંપડાં ઊભાં પણ કરી દીધાં. વિષ્ણુ માસ્તર અને તેની પત્ની સાથે હું બેઠો. મેં પૂછ્યું, ‘તમારી શાળા ચાલે છે ખરી?’
‘નથી ચાલતી.’ તેણે કહ્યું. ‘લોકલ બૉર્ડ તો તેને બંધ કરવા માગે છે, પણ ગમે તેમ કરીને ચલાવું છું.’

‘હું ઘેર ઘેર જઈને છોકરાં બોલાવી લાવું ત્યારે.’ તેની પત્નીએ કહ્યું, ‘બિલેશ્વર, સતિયા, મીનિયા ને અકલસરા – ચાર ગામ વચ્ચે નિશાળ. આટલે દૂર ભણવા આવે કોણ? ને ખાવાનું ગોતવા જાય કે પછી ભણવા આવે?’

‘તમે છોકરાંઓને ઘરેથી બોલાવવા જાઓ છો?’ મેં પૂછ્યું.

‘છોકરાં બોલાવી લાવે, એટલું જ નહિ,’ વિષ્ણુએ કહ્યું. ‘એમને ખાવા-પીવા આપીએ તો જ રોકાય, નહિતર જતાં રહે જંગલમાં, કંદ-મૂળ શોધવા, પક્ષી મારવા કે સસલાં પકડવા.’

‘નિશાળ ન ચાલે તો તમારી નોકરી જાય?’ મેં પૂછ્યું. વિષ્ણુ થોડું હસ્યો. પછી કહે, ‘ના. મારી બદલી થાય. બીજે મૂકે.’ પછી ઊંડો શ્વાસ લઈને આગળ બોલ્યો, ‘પહેલાં આ નિશાળ બંધ કરવાનો ઠરાવ આવ્યો ત્યારે હું તહેસીલમાં હતો. મેં જ બદલી માગીને આ નિશાળ ચલાવવાનું નક્કી કરેલું.’ પછી ધીમેધીમે બોલ્યો, ‘નિશાળ ટકશે તો આજ નહિ ને કાલ પણ કોઈક ભણશે. બંધ થઈ જાય તો શું કોઈ ભણવાનું?’

હું આ પતિ-પત્નીને જોઈ રહ્યો. તાલુકાનું શહેર છોડીને માત્ર એક નિશાળ બંધ થતી અટકે એ કારણે આ બંને અરણ્યોમાં આવી વસ્યાં છે. અર્ધભૂખ્યાં આદિવાસીઓને પોતાની ટૂંકી આવકમાંથી પણ ખવરાવીને આ પતિ-પત્ની શીખવવા માગે છે, એ પણ માત્ર વાંચતાં-લખતાં.

મેં તેમને કહ્યું, ‘નિશાળમાં જ ભણવાની સાથેસાથે લોકોને કંઈ કામ મળી રહે એવું કરીએ તો?’

વિષ્ણુ ઉત્સાહિત થઈને બોલ્યો, ‘તો-તો ભણે.’

‘તમે ચિંતા ન કરો. આપણે કંઈક ગોઠવી શકીશું. તમારી નિશાળ ચાલે અને તમારાં પત્ની બીજા કામકાજની સંભાળ લે.’ મેં દૃઢતાપૂર્વક કહ્યું.

અમે વાતો કરતા જ હતા ને બક્ષીનું તેડું આવ્યું એટલે હું ગયો. ઉપગ્રહમાંથી ઝિલાયેલા ફોટોગ્રાફ તેણે બતાવતાં કહ્યું, ‘તમે ઘણાંને બચાવી શક્યા છો. આગ બિલેશ્વરથી પણ આગળ સુધી ફેલાઈ ગઈ છે.’

હું કંઈ બોલી ન શક્યો. એ ચાર-પાંચ ગામડાંઓનાં થોડાંએક ઝૂંપડાંઓ મારી નજરે તર્યાં અને ગયાં. બિલેશ્વરના પર્વત પર ફેલાયેલી આગના ચિત્રને એકીટશે જોતાં મેં નિર્ણય કર્યો કે આ બધું પૂરું થતાં જ હું ત્યાં જઈશ. આગ સામે લડવા આવેલા સ્વયંસેવકો વનોમાં લાંબો સમય રહી શકે તેમ ન હતું. બધા પોતપોતાનાં કામ છોડીને બે-ત્રણ દિવસ આ કામમાં સેવા આપવા આવે અને જાય. ક્યારેક તો કશું કહ્યા વગર પણ જતા રહે. લશ્કરી શિસ્ત અને સખત કામની જરૂરત સામે અમારી પાસે છૂટાછવાયા પ્રયત્નો સિવાય કંઈ છે નહિ. અધૂરામાં પૂરું આગની માહિતી મેળવવા ખબરપત્રીઓ, પર્યાવરણ માટે કામ કરતી સંસ્થાઓના સભ્યો અને બીજા કેટલાય આવવા મંડ્યા. સદ્નસીબે વરસાદ વરસવો શરૂ થયો. સતત ત્રણ દિવસ પડેલા અનરાધાર વરસાદે અગ્નિને શાંત કર્યો. ટેકરીઓ પરથી કાળાં, ભૂખરાં, રાખોડી – અનેકરંગી ઝરણાંઓ વહેતાં થયાં. નદી પૂરથી છલકાઈ ગઈ. વરસાદ બંધ રહ્યો ત્યારે અર્ધદગ્ધ અરણ્યો ભૂતાવળ શાં ઊભાં હતાં. કૅમ્પ વીખરાવા માંડ્યો. વિષ્ણુ મારી પાસે આવ્યો. હું થોડી પળો તેની સામે જોઈ રહ્યો અને પૂછ્યું, ‘શું કરીશું?’

‘કરીશું કંઈક.’ વિષ્ણુએ ઉત્તર આપી આકાશ સામે જોયું. પછી ધીમેથી બોલ્યો, ‘એમ હારીને બેસી થોડું રહેવાશે?’

‘તો ચાલો.’ મેં કહ્યું.

‘તમે ત્યાં આવો છો?’ વિષ્ણુએ આશ્ચર્ય પામતાં પૂછ્યું.

‘હા.’ મેં કહ્યું તે સાથે વિષ્ણુ ઉતાવળે પોતાના તંબુ તરફ ચાલ્યો ગયો. તે પાછો ફર્યો ત્યારે સાથે તેની પત્ની અને બે-ત્રણ આદિવાસીઓ પણ હતાં. હું મારાં કપડાં-ચોપડા થેલામાં ગોઠવતો હતો ત્યાં આવીને તેઓ મારો સમાન ભરવામાં મને મદદ કરવા લાગ્યા. અમે બધાએ એકબીજા સામે જોયું અને ધીમે પગલે પ્રયાણ કર્યું.

છેલ્લે જેને લીલાંછમ વૃક્ષોભર્યા જોયા હતા તે બિલેશ્વરના ઢોળાવો કાળાં રાખોડી અને પીળાં ઠૂંઠાંઓથી ભયાવહ ભાસતા હતા. મંદિરના અવશેષો, શિવલિંગ, નદી, નિશાળનું ખંડેર – આટલા સિવાય કંઈ બચ્યું નથી. સતિયા, અકલસરા કે મીનિયામાં તો ગામ ક્યાં હતું તે પણ ખબર ન પડે એમ બધું ભસ્મીભૂત થઈ ગયું છે. માથે ચોમાસું ગાજે છે. ક્યાંથી અને શી રીતે શરૂ કરવું તે વિચાર કરવાનો પણ સમય નથી. આજથી જ જે મળે તેનાથી માથે છાપરું કરી લેવામાં સહુ પડ્યા છે. એક ટોળું પેટની આગ ઠારવાના ઉપાય શોધવા ગયું. આટલી વિપત્તિઓ વચ્ચે પણ સાધનોની લૂંટાલૂંટ ન થઈ. વિષ્ણુની પત્નીએ ચૂલો ગોઠવીને જુદાંજુદાં વાસણોમાં લોટ બાફી આપ્યો. એકાદ દિવસ આમ ગયો ત્યાં બક્ષી તરફથી વાંસ-દોરી અને આદિવાસી કેન્દ્ર તરફથી અનાજ-વાસણ આવી ગયાં. હું તહેસીલ અને જિલ્લાની સરકારી ઑફિસોમાં જઈ આવ્યો. નિશાળના સમારકામ માટે લોકલ બૉર્ડ પાસે નાણાં ન હતાં. એથી એક અલગ ટ્રસ્ટ બનાવીને અમે નવી જગ્યાએ નિશાળ કરીએ તો વિષ્ણુ માસ્તરનો પગાર લોકલ બૉર્ડ ચૂકવ્યા કરે તેવું સૂચન થયું. બદલામાં અમારે લોકલ બૉર્ડ સંચાલિત શાળાનું પાટિયું મારવું. પણ વિષ્ણુ માસ્તર આમાં સહમત ન થયો. લોકલ બોર્ડે જ નિશાળ નવી કરવી જોઈએ અને એમ ન થાય તો પોતે જૂની શાળાને છાપરું કરીને ત્યાં જ ભણાવશે તેમ કહેતો રહ્યો.

રાત્રે હું મીણબત્તીના ઉજાશે ડાયરી લખતો હતો ને વિષ્ણુની પત્ની વિદ્યા મારી સામે આવીને બેઠી. ‘માસ્તર નિશાળને છાપરું તો કરશે,’ વિદ્યાએ જમીન તરફ તાકી રહેતા કહ્યું, ‘પણ ભણવા કોણ આવશે?’

‘મને ધ્યાનમાં છે.’ મેં કહ્યું, ‘મેં જમીન માગી છે. બેએક દિવસમાં સરકારી અધિકારીઓ આવીને જોઈ જશે પછી કામ આગળ ચાલશે અને કામ મળશે એટલે તમારી નિશાળ ચાલશે.’
વિદ્યા ચમકી, ‘તમે સરકારી માણસોને અહીં બોલાવ્યા છે?’

મેં હવે લખવાનું બાજુ પર મૂકીને વિદ્યા સામે જોયું. તેનો ચહેરો મૂંઝાયેલો લાગ્યો. મેં કહ્યું, ‘હા, કેમ? જમીન માગીએ છીએ તો તે લોકો જોવા આવે તો ખરા ને?’

‘ભલે આવે.’ વિદ્યાનો ચહેરો ચિંતાથી ઝંખવાયો. તેને બોલતાં થોડો સંકોચ થતો હોય તેમ લાગ્યું.

‘કેમ, કંઈ મુસીબત છે?’ મેં પૂછ્યું.

જવાબમાં વિદ્યા ધીમેથી બોલી, ‘ના, પણ તમે તો એ લોકોને બોલાવીને વાતો કરશો. મારે તો બધાયનાં પેટની ચિંતા કરવાની એટલે પૂછ્યું.’

અચાનક મને ખ્યાલ આવ્યો કે વિદ્યા આટલા દિવસોથી કોઈ ફરિયાદ વગર અમારા બધાનો ખ્યાલ રાખે છે. એના રસોડામાં શું ખૂટે છે, એ ક્યાંથી શું લાવે, મંગાવે છે એનો અમે કદીયે વિચાર સરખો કર્યો નથી. છતાં એ અન્નપૂર્ણા કોણ જાણે શી રીતે – કદાચ પોતે ભૂખી રહીને પણ અમને ભૂખ્યા સૂવા દેતી નથી. હું વિદ્યાની સામે જોઈ રહ્યો, પછી કહ્યું, ‘હું તો વિચારતો હતો કે થોડા દિવસો માટે થોમસને પણ અહીં બોલાવીએ તો તેનો અનુભવ આપણને કામ લાગે.

‘ભલે, બોલાવો.’ વિદ્યાએ જવાબ આપ્યો અને ઊભી થઈને ધીમે પગલે ચાલી ગઈ.

અહીં આવ્યા પછી પહેલી જ વાર મેં તુષારને પત્ર લખ્યો. પછી થોમસને બોલાવવા માણસો મોકલ્યો.

બિલેશ્વરના ઢોળાવો સાફ કરતાં જ ઘણો સમય ગયો. આગ પછીના ચોમાસામાં આડેધડ ઊગી ગયેલી ઝાડીઓની સફાઈ કરી, જમીનને સમતળ બનાવીને અમે ચાર જણાએ ફૂલોની ખેતી શરૂ કરી. થોમસ ગામડાંઓમાં જતો, સાંજ સુધી રખડતો, માણસોને અમારા કામમાં જોડાવા સમજાવતો. તેણે ‘ભણો અને કામ કરો’નું સૂત્ર પ્રચલિત કર્યું. અમારા બાગમાં દરેક ઘરમાંથી એક વ્યક્તિ કામે આવે એવું ગોઠવી આપ્યું.

‘મધ પછી આ ફૂલોની ખેતી.’ મેં થોમસ સાથે વાત કરતાં કહ્યું, ‘લાગે છે કે અહીંના વાતાવરણમાં જ કંઈક એવું છે જે આપણને પ્રાકૃતિક ઉપાયો જ સુઝાડે છે.’

‘આ પ્રતાપ અહીંની જીવનશૈલીનો છે. આ લોકોને પહેલો વિચાર પ્રકૃતિનો જ આવે. આપણે એમની સાથે રહ્યા એટલે આપણને નૈસર્ગિક કામો સૂઝે છે. નહિતર આપણે કારખાનાં નાખવાનું વિચાર્યું હોત.’

‘વાત તો સાચી છે.’ મેં કહ્યું.

થોમસને પોતાનાં ધાર્મિક પ્રવચનો માટે સમય ન મળતો જોઈને મેં કહેલું, ‘હમણાં તમારું કામ અટકી પડ્યું છે; પણ છએક મહિનામાં તો આપણે છૂટા થઈ શકીશું.’

‘આ પણ મારું જ કામ છે.’ તેણે કહેલું, ‘પ્રભુ સોંપે તે દરેક કામ મારે કરવાનું જ છે.’

શાળા શરૂ કરવા માટે આ પાદરીએ અમને ખૂબ મદદ કરી. ખાસ તો વિષ્ણુ માસ્તરને અલગ ટ્રસ્ટ કરીને પોતાની જ શાળા શરૂ કરવા તે સમજાવી શક્યો. સરકારી મંજૂરી, મદદ મેળવવાથી માંડીને શાળાનું વ્યવસ્થાતંત્ર ગોઠવવાની તમામ કામગીરીમાં થોમસ છેક સુધી વિષ્ણુની સાથે રહ્યો. આમ, સરકારી મદદ, વિષ્ણુ અને વિદ્યાની ધગશ, આદિવાસીઓની મહેનત અને તુષારના સંપર્કો દ્વારા મળતી મદદથી અમે ઊભા થવા મંડ્યા.

બિલેશ્વર આદિવાસી ખેત સંસ્થા ઢોળાવો પર ફૂલના બગીચાઓમાં આદિવાસીઓને કામ આપે અને નિશાળમાં ભણાવે એ સ્થિતિએ ક્યારે પહોંચીશું તે ખબર નથી. ક્યારેક હું હતાશ થઈ જઉં ત્યારે વિદ્યાનાં ચમકતાં નયનોને કે વિષ્ણુ માસ્તરની ધૂનને જોઈને શાતા પામું છું. ક્યારેક લ્યુસી યાદ આવે છે. હું અહીં જ રહીને વિષ્ણુ, વિદ્યા કે સુપરિયાની જેમ કામ કરવાનું નક્કી કરું અને લ્યુસી મને સાથ આપતી હોય તેવા વિચારો પણ મને આવે છે. ક્યારેક લ્યુસીને પત્ર લખવાનું મન થાય છે. પણ એ તો ઇજિપ્તના કોઈ ખૂણે તેનાં સંશોધનોમાં પડી હશે. તે મને યાદ કરતી હશે તેમ વિચારીને હું આનંદતો રહું છું.”

૨૦

“પ્રિય પ્રોફેસર રુડોલ્ફ,

મેં દોઢ વર્ષ અહીં ગાળ્યું તે દરમિયાન તમે સોંપેલું કામ ખોરંભાયું કહેવાય કે નહિ તે તમે નક્કી કરજો. મને લાગે છે કે મેં તમને નિયમિત ડાયરી મોકલ્યા કરી છે તે આપણી સમજૂતી મુજબનું કામ થયું કહેવાય.

હા, અહીં આવીને મારે જે કરવું હતું તે થઈ શક્યું નથી. મારું માનવ સંસાધન વિકાસનું કામ હું વીસરવા મંડ્યો છું. માણસને મેં રીસોર્સ તરીકે જોવાનું શરૂ કર્યું ત્યારે મેં મારી જાતને પણ રીસોર્સ ગણી હશે કે નહિ તેનો જવાબ અંદરઅંદરથી ‘ના’માં જ મળે છે. મબલખ માનવસંપત્તિના પ્રદેશમાં આવીને શું નું શું કરી નાખવાની મારી ઇચ્છાઓ હતી. એનાથી કંઈક જુદું જ કામ થયું. એ મેં જ કર્યું છે એવું તો નથી, તોપણ મને એક જુદા જ પ્રકારનો સંતોષ થાય છે.

બિલેશ્વરની નવરચના અને પુન:સ્થાપના પાછળ આટલો સમય જશે તેવી કલ્પના તો મેં નહોતી કરી. હું અહીં આવ્યો ત્યારથી માંડીને આજ સુધી તહેસીલના આંટાફેરા, જિલ્લાની મુલાકાતો, આદિવાસીઓ સાથે ગામડામાં રખડપટ્ટી. હું કે વિષ્ણુ જંપીને બેઠા નથી. વિદ્યા અથાક કામ કરતી અને લેતી રહી છે.

આજે છેક તળેટીમાંથી પણ બિલેશ્વરના ઢોળાવો પર રંગબેરંગી બગીચાઓ જોઈ શકાય છે. બળેલાં અરણ્યો સાફ કરી, તેમને ખેતીલાયક બનાવીને ફૂલોની ખેતી કરનાર બિલેશ્વર આદિવાસી ખેતમંડળના સભ્યોએ, સરકારે, લોકલ બૉર્ડની શાળાના શિક્ષકે અને તેની પત્નીએ જે અથાક કામ કર્યું છે તે પર્વતોના ઢોળાવ પર લખેલું દૂરથી દેખાય છે: ‘કુબેર બાગાન’. ગ્વાલિયરના વેપારીઓ સાથે ફૂલોની નિયમિત ખરીદીના કરાર કરીને આજે જ આવ્યો અને હવે નર્મદાતટે પાછો જઉં છું…’

‘હું ગ્વાલિયર રોકાઈ ગયો એથી સુપરિયાનો પત્ર મને ત્રણ દિવસ મોડો મળ્યો. લ્યુસી આવી છે તે જાણ્યા પછી તરત જ નીકળી પડવાનું મન થઈ આવ્યું. ગણેશ શાસ્ત્રીને ત્યાં સંગીતસમારોહ તો શરૂ થઈ ગયો હશે. મારું મન નર્મદાને ખોળે પહોંચી જવા તલપાપડ થઈ રહ્યું.

વિદાયવેળાએ મને દુ:ખ ન થયું, ન ઉદાસીનતાનો અનુભવ થયો. પહેલાં પણ આવી લાગણીના અનુભવો મને ન થતા; પરંતુ એ મારા કૌશલ્યને આભારી હતું. આજે જે થયું તે બિલકુલ સ્વાભાવિક, કશાય આયાસ વગરની મન:સ્થિતિ લાગે છે.

‘થોડો વખત એકલું લાગશે, ગમશે નહિ.’ વિષ્ણુએ કહ્યું; પણ વિદ્યાએ સ્વસ્થતાથી વિદાય આપી. કહે, ‘સારું કામ કરીને છૂટાં પડવાનો પણ એક અનોખો આનંદ હોય છે.’

‘હવે મને દરેક પ્રસંગ આનંદસ્વરૂપ લાગે તો નવાઈ નહિ.’ મેં જવાબ આપ્યો. વિદ્યા હસી અને બોલી, ‘એવું શક્ય બનો.’ પછી એક ડબરો મને આપતાં કહ્યું, ‘પણ ભૂખ્યા પેટમાં આનંદ નહિ ટકે. આમાં દૂધી-મકાઈનાં ઢેબરાં છે.’ મેં તેના હાથમાંથી ડબરો લઈને ઝોળીમાં મૂક્યો.

ટ્રૅક્ટર તૈયાર કરાવીને હું ધોરી માર્ગે પહોંચ્યો. ત્યાંથી સરદારજીની ટ્રકમાં હિરનીનાલા પહોંચતાં સાંજ પડી ગઈ. ટ્રકમાંથી ઊતરી અડધો કલાક ચાલ્યો કે નર્મદાને કિનારે જે સ્થળે અમે બંગાને અગ્નિદાહ દીધો ત્યાં આવીને ઊભો છું. બંગા યાદ આવવા સાથે મન ઉદાસ થયું. ‘માનવજીવન ખૂબ કીમતી છે’ એમ કહીને જીવનમાં આગળ ને આગળ ધપવા અને લક્ષ્ય નિર્ધારિત કરીને તેને પામવા મથતા રહેવા મેં મારા વિદ્યાર્થીઓને પ્રેરિત કર્યા છે. તેમ કરતાં મારા મનમાં એક સ્પષ્ટ અર્થ રહેતો કે જીવનમાં કંઈક પામવું એટલે સત્તા, સંપત્તિ, કીર્તિ કે સામાજિક સંબંધો – દરેકમાં બને તેટલા અવલ સ્થાને રહેવું. આજે આ શાશ્વત વહી રહેલી રેવાના ખડકાળ કિનારે, જિંદગીમાં પ્રથમ વખત મારા મનમાં જીવનનો અર્થ ગૂઢ બનતો જાય છે. જીવન શું છે? તેનો અર્થ શું છે? સાર્થકતા શામાં છે? તે સાથે જ ઊઠે છે એક પ્રશ્ન: આપણે ક્યાંથી આવ્યા છીએ અને ક્યાં જવાનું છે?

કદાચ દરેક વ્યક્તિની આ શોધ છે. આ શોધ લઈને માણસ જન્મે છે. કોઈ ફિઝિક્સ દ્વારા, કોઈ ધર્મના માર્ગે, કોઈ જેને અધ્યાત્મ કહેવાય છે તે અકળ માર્ગે પણ પોતાની શોધ કર્યા જ કરે છે.
ક્યાંય સુધી હું એ જ સ્થળે બેઠો રહીને વિચારે ચડી ગયો. સંધ્યા ઢળી ગઈ. વૈશાખ પૂર્ણિમાનો ચંદ્ર ઊગ્યો. પછી ચાંદની રાત્રે હું નર્મદાના ખડકાળ વેરાન કિનારા પર ગણેશ શાસ્ત્રીના નિવાસ તરફ આગળ વધ્યો. આ એકાંત, આ સૂમસામ પથ્થરો, ખળખળ વહી જતી નર્મદા અને ઉજ્જ્વલ બનતું જતું આકાશ.

થોડું ચાલ્યો કે મેં નર્મદાના જળમાંથી બહાર આવતાં બે કંગાળ, કૃશ શરીરોને જોયાં. રાત્રીના બે પ્રહર વીત્યે, નદીમાં જાળ નાખીને જે કંઈ મળે તેનાથી પેટની આગ બુઝાવવા નીકળેલાં આ માનવીઓ પાસે આવ્યાં ત્યાં સુધી સ્ત્રી-પુરુષ તરીકે જુદાં ઓળખાયાં નહિ એટલાં દુર્બળ. મને જોઈને તેમણે અકારણ ખુલાસો કર્યો: ‘મછલી’. બંને એકબીજાની આડશે ઊભાં રહેવા પ્રયત્ન કરતાં હતાં. માત્ર લંગોટભેર ઊભેલાં બેઉ હાડપિંજરોને મેં કહ્યું, ‘બેસો, ખાવાનું આપું છું.’

વિદ્યાએ સાથે બંધાવેલાં મકાઈનાં ઢેબરાંમાંથી મેં ત્રણ સરખા ભાગ કર્યા. ત્યાં પથ્થર પર જ મૂકીને અમે ખાવા બેઠાં. પેલી સ્ત્રી દૂર જઈ એક પાંદડું શોધી લાવી. પોતાના ભાગમાંથી બે ઢેબરાં કાઢી, પાનમાં વીંટાળીને અલગ મૂક્યાં, પછી પોતાનો ભાગ ખાવા બેઠી. તેણે કોનો ભાગ અલગ મૂક્યો તે પૂછવું મને ન સૂઝ્યું. કદાચ પોતાના બાળકો માટે.

ખાઈ રહ્યાં એટલે તે બંનેએ મને પૂછ્યું, ‘જાવેં?’ મને થયું કે મેં ખવરાવ્યું તે કારણે આભારવશ તે મારી રજા માગે છે. મેં નફકરાઈથી કહ્યું, ‘હા, જાઓ.’

પુરુષ જવા વળ્યો પણ પેલી સ્ત્રી ગઈ નહીં. તેણે ફરી પૂછ્યું, ‘જાવે કા?’ ક્ષણભર મને નવાઈ લાગી પછી ‘હા, હા…’ કહ્યું ને ‘જાવ’ કહેતો હું મારા રસ્તે પડ્યો.

થોડે આગળ જઈને મેં નર્મદામાં સ્નાન કર્યું. સંગીત-સમારોહ શરૂ થવામાં હશે. એ સ્થળ હવે દૂર નથી. ચંદ્ર માથે આવશે ત્યાં સુધીમાં પહોંચી જવાશે એ વિચારે કપડાં સુકાય ત્યાં સુધી મેં પથ્થરની છાટ પર લંબાવ્યું. જાગ્યો ત્યારે પોણાબાર થયા હતા. જલદીજલદી કપડાં એકઠાં કરીને મેં પગ ઉપાડ્યા. રહીરહીને મારું મન વિચારે ચડી જતું હતું. નાનપણમાં જોયેલી એક નદી વર્ષો બાદ ફરી જોઈ. તેના વિશે વાતો સાંભળી, ધીમેધીમે તેનો પરિચય પામ્યો. તેની પરિક્રમાએ નીકળેલાં જનોને જોયાં. આજે નીરવ એકાંતે તેના કિનારે ચાલ્યો જાઉં છું. આગળ કશું વિચારું ત્યાર પહેલાં સમારોહ-સ્થળેથી વહેતા વાંસળીના સૂરે મને ઝાલી લીધો.

હું સમારંભના સ્થળે પહોંચીને રેલિંગ પાસેથી ઉપર ગયો ત્યારે સામેના મંચ ઉપર એક યુવાન કલાકાર વાંસળી બાજુ પર મૂકીને સભાજનોને હાથ જોડતો હતો.

શ્રોતાઓએ તાળીઓથી સંગીતકારનું અભિવાદન કર્યું. આ અરણ્યોમાં આવવા-જવાની અગવડ જોતાં શ્રોતાઓની સંખ્યા ઘણી કહેવાય તેવી હતી.

શાસ્ત્રીય સંગીત સાથે મારો લાંબો નાતો નથી. ગણેશ શાસ્ત્રી વગાડતા અને મને શીખવતા, વાતો કરતા તે પૂરતું મારું જ્ઞાન. પણ અહીં સુધી આવતાં મેં જે વાંસળી-વાદન સાંભળ્યું તેના પરથી આ બે દિવસ અહીં કેટલું મધુર વાતાવરણ સર્જાયું હશે તેની કલ્પના હું કરી શક્યો.

મારી નજર મંચ પાસે સુપરિયાને અને લ્યુસીને શોધી વળી. પણ તે બેમાંથી કોઈ દેખાયું નહિ. હું જ્યાંથી ઉપર આવ્યો ત્યાં પગથિયાં પાસે જ રેલિંગને અઢેલીને બેઠેલા ગંડુ ફકીર પર મારી નજર પડી. મેં ફકીર સામે જોઈને સહેજ સ્મિત આપ્યું. તેણે કોઈ પ્રતિભાવ ન દર્શાવ્યો. મને થોડું અપમાન લાગ્યું.

એટલામાં મંચ પર આવીને એક જૈફ વયના, કલાકાર જેવા લાગતા માણસે કહ્યું, ‘અલીબક્ષ, અબ આપ સમાપન કીજિએ.’

આ સાંભળીને ગંડુ ફકીર ઊભો થયો. મારા મનમાં સહેજ કચવાટ થયો. એક તો હમમાં જ તેણે મારી ઉપેક્ષા કરી તેવું મને લાગેલું; અને બીજું પેલો મહુડીવાળો પ્રસંગ હું ક્યારેય ભૂલી શકું તેમ ન હતો. આવા ઉત્કૃષ્ટ સમારોહમાં આવા ગાંડાઘેલા, મહુડી પીવાવાળાને મંચ પર આદરથી બોલાવાયો તે મને બહુ યોગ્ય ન લાગ્યું.

હું ત્યાં રેલિંગ પાસે જ, સમારોહનું સમાપનગાન સાંભળવા બેસી રહ્યો. ફકીર મંચ પર ગયો એટલે પેલા કલાકારે તેને નમન કર્યાં, પણ એનો કંઈ ઉત્તર આપ્યા વગર ફકીર સીધો આગળ આવ્યો અને બેઠો.

તેણે પોતાના સાથીઓ, પાછળ તંબૂર લઈને બેઠેલા યુવાન અને તબલાવાદકને હાથ જોડી મસ્તક નમાવીને પ્રણામ કર્યાં. મને મનમાં જ સહેજ હસવું આવ્યું. ગંડુ ફકીરે શરૂઆત કરી:

‘મૈં હૂં બંદા તેરા, મૈં હૂં આશિક તેરા
મૈં તો દીવાના હું, મેરે સિજદોં કા ક્યા?
મૈં નમાજી બનું યા શરાબી બનું
બંદગી મેરે ઘર સે કહાં જાયેગી?’

આ સાંભળતાં જ હું સ્તબ્ધ થઈ ગયો. તેણે આગળની એક કડી ગાઈ, પણ મારું મન તો હજી ‘મૈં નમાજી બનું યા શરાબી બનું’ સુધી જ જઈ શક્યું હતું. શ્રોતાઓમાંથી ‘વાહવાહ! કયા બાત કહી!’ના શબ્દો ઊઠ્યા. મારા ગળામાંથી હરફ પણ નીકળી શકે તેમ ન હતું.

હવે ફકીરે ગાયન આરંભ્યું. એક અલગ છટા, એક અલગ મસ્તી. તબલાં અને માનવકંઠની આવી અદ્ભુત લીલા મેં અગાઉ ક્યાંય જોઈ નથી, અગાઉ ક્યાંય સાંભળી નથી. ભૈરવી તેની ચરમ સીમાએ વાતાવરણમાં વ્યાપી રહી. મારા સહિત તમામ શ્રોતાઓ મંત્રમુગ્ધ થઈને સાંભળી રહ્યાં. માત્ર નર્મદા પોતાના સહજ વહેણે ખળખળ વહી રહી હતી.

અમારી મુગ્ધતા તૂટી ત્યારે ફકીર ઊભો થઈને શ્રોતાઓને પગે લાગ્યો. અમે બધાંએ તેની સામે હાથ જોડ્યા. ‘સુપરિયા!’ ફકીરે કહ્યું અને આગળની હરોળમાંથી ઊભી થઈને સુપરિયાને મંચ પર જતી મેં જોઈ.

‘છોરી,’ ફકીરે કહ્યું, ‘હર સાલ યે કરો. અલગઅલગ ઠિકાનોં પે કરો, મગર કરતી રહો.’ કહીને ગંડુ ફકીર મંચ પરથી ઊતરીને જવા લાગ્યો ત્યાં ગણેશ શાસ્ત્રીએ તેને રોક્યો.

આવેલા દશેક કલાકારોને મંચ પર નિમંત્રીને ગણેશ શાસ્ત્રીએ દરેકને શાલ ઓઢાડી પુરસ્કાર આપ્યો. બધા જ યુવાન કલાકારોએ ગણેશ શાસ્ત્રીને પ્રણામ કર્યા. ફકીરને પણ શાલ ઓઢાડાઈ અને પુરસ્કાર આપીને ગણેશ શાસ્ત્રી નીચા નમીને ગંડુને પગે લાગ્યા.

ગંડુ બે ડગલાં પાછળ હટતાં બોલ્યો, ‘પાગલ હૈ ક્યા?’ અને મંચ પરથી ઊતરીને ચાલ્યો ગયો.

હું સુપરિયાને મળવા અને લ્યુસીને શોધવા ઉત્સુક હતો, ત્યારે ગણેશ શાસ્ત્રી પેલા જૈફ કલાકારને કહેતા સંભળાયા, ‘આપ જિસકી આરાધના કરતે હૈં ઔર મૈં જિસકી પૂજા કરતા હૂં, ઉસકા દોસ્ત હૈ વહ.’ ”

ગણેશ શાસ્ત્રીની આ વાત તે સાંભળી શક્યો હોત તો તેને ઘણા પ્રશ્નોના ઉત્તર મળી આવત. ભક્ત-ભગવાન, સેવક-સ્વામી, પામર-પરમનો છેદ ઉડાડી દઈને આવી મસ્તીભરી સીધી મૈત્રીનો સંબંધ કદાચ તેના પ્રશ્નોનો ઉત્તર બનત. આ દેશની સંસ્કૃતિના પાયામાં શું છે તેની શોધમાં એક મહત્ત્વની કડી તેને મળત. બ્રહ્મ સાથેનો આવો સીધો સરળ, પ્રેમ કરવાનો, લડવા-ઝઘડવાનો, રિસાવા-મનાવાનો, હાલરડાં ગાઈને ઘોડિયે હીંચોળવાનો સંબંધ આ પ્રજાને એક દોરે બાંધી રાખનાર અદૃશ્ય દોરનો એક તાંતણો છે – તેવું તે વિચારી શકત. ‘બંદગી મેરે ઘર સે કહાં જાયેગી’ની ખુમારી લઈને ફરતા સૂફીઓ, ‘ના મૈં કોઈ ક્રિયા-કરમમેં’નો સંદેશ સાળ પર વણી રહેલા મહામાનવો, ‘અંતે તો હેમનું હેમ’ બોલીને, તમામ ભેદભાવ ભૂલીને સચરાચરને એક ભાવે નીરખતાં માનવરત્નોનો આ પ્રજા પર મોટો ઉપકાર છે. હજારો વર્ષની સંસ્કૃતિને જીવતી રાખવાનું કૌવત આ પ્રજામાં સીંચવાનું કામ આવાં જાણ્યાં-અજાણ્યાં અનેક નામોએ કર્યું છે:

“…ટોળા વચ્ચેથી પસાર થઈ હું સુપરિયા પાસે ગયો. ‘આવી ગયા?’ સુપરિયાએ મને આવકાર્યો. ગણેશ શાસ્ત્રી હજી મહેમાનોથી વીંટળાયેલા હતા.

‘લ્યુસી!’ સુપરિયાએ આજુબાજુ જોઈને બૂમ પાડી. થોડે જ દૂર કોઈ યુવાન કલાકાર સાથે વાતો કરતી લ્યુસીએ અમારી તરફ જોયું. પૂર્ણપણે ભારતીય વસ્ત્રોમાં સજ્જ, માથે ઓઢીને ઊભેલી કન્યાને જોઈને ઘડીભર હું માની ન શક્યો કે તે લ્યુસી છે.

પેલા કલાકારની રજા લઈને લ્યુસી લગભગ દોડતી આવી. મારો હાથ પકડીને કહે, ‘કેમ છો?’ પછી કહે, ‘શોધી કાઢ્યા ને તમને આ જંગલો વચ્ચે?’

‘મજામાં?’ મેં કહ્યું, ‘તું કેમ છે? તારા ડૅડી કેમ છે?’

‘તમે લોકો વાતો કરો. હું મહેમાનોની વ્યવસ્થા પતાવીને આવું.’ સુપરિયાએ કહ્યું.

‘અમે પણ આવીએ છીએ.’ હું અને લ્યુસી એકસાથે બોલ્યાં.

કલાકારો માટે પાકા રસ્તા સુધી પાલખી અને ત્યાંથી બસની વ્યવસ્થા કરાઈ હતી. ‘શ્રોતાઓ પાકા રસ્તા સુધી જવા ઇચ્છે તો ટ્રૅક્ટરમાં જઈ શકાશે. જે લોકો રોકાઈ જવા ઇચ્છે તેમને શમિયાણા તળે સૂવાની વ્યવસ્થા કરાશે’ તેવી જાહેરાત કરીને અમે કામે વળગ્યાં.

લ્યુસી સાથે જ હતી. વચ્ચે વચ્ચે અમે ઘણી વાતો કરી. તેના ઇજિપ્ત- પ્રવાસની, મારા અહીંના બિલેશ્વરના બગીચાઓની, તેના ડૅડીની અને આશ્રમની, આશ્રમનું કામ જોઈને લ્યુસીના મનમાં ઊઠેલા પ્રતિભાવોની.

દોઢેક કલાક વ્યવસ્થામાં ગયો. જેઓ રોકાયા હતા તેમાંના ઘણાએ તો શમિયાણા તળે જગ્યા શોધીને લંબાવી પણ દીધું. શાસ્ત્રીજી નવરા પડ્યા એટલે હું તેમની પાસે ગયો. તેમને પ્રણામ કર્યા.
‘થોડો મોડો પડ્યો, નહિ?’ શાસ્ત્રીએ મારો ખભો થાબડતાં કહ્યું. મેં માત્ર હસીને પ્રત્યુત્તર વાળ્યો.

‘હવે આરામ કરો.’ શાસ્ત્રીજીએ અમને બધાંએ ઉદ્દેશીને કહ્યું.

‘તમે કંઈ ખાધું છે?’ સુપરિયાએ મને પૂછ્યું, ‘વ્યવસ્થા છે.’

‘હા.’ મેં કહ્યું, ‘વિદ્યાએ ટિફિન આપેલું.’

‘સવારે મળીએ.’ કહીને અમે છૂટાં પડ્યાં. હું ગણેશ શાસ્ત્રીના કમરામાં ગયો. શાસ્ત્રી સૂઈ ગયા હતા. મેં નીચે જ ચટાઈ પાથરીને લંબાવ્યું. રાતને સવાર થવામાં કંઈ વાર ન હતી. ગણેશ શાસ્ત્રીના ખભે જનોઈ ન જોઈને મને નવાઈ લાગી.

એકાદ કલાકમાં તો અમે ઊઠી ગયા. સૂર્યોદય થવામાં હતો. શમિયાણો લગભગ ખાલી હતો. કેટલાક માણસો નર્મદાસ્નાન કરીને તૈયાર થતા હતા. એક તરફ નાસ્તાનું અને ચાનું ટેબલ ગોઠવેલું હતું ત્યાં થોડા માણસો ટોળે વળીને નાસ્તો કરતા હતા. લ્યુસી અને સુપરિયા રેલિંગને ટેકે ઊભાં-ઊભાં વાતો કરતાં હતાં.

ઊઠીને હું મારો સામાન સુપરિયાની ઓરડીમાં લઈ ગયો અને નર્મદાના કિનારા પર નાહવા ચાલ્યો. ઉપરથી લ્યુસી અને સુપરિયાએ મારી સામે હાથ હલાવ્યા. મેં તેમને નદીમાં નાહવા નિમંત્રણ આપતી સંજ્ઞા કરી. તે બંને જણે ઇશારાથી સમજાવ્યું કે બંનેએ ક્યારનુંયે નાહી લીધું છે.

નાહીને બહાર આવ્યો પછી ભીનાં કપડાં લઈને ઉપર ચાલ્યો. બેએક જણ સિવાય કિનારા પર કોઈ રહ્યું નહિ. ઉપર ગયો તો મોટા ભાગના લોકોએ વિદાય લઈ લીધી હતી. સુપરિયા અંદરની બાજુ કંઈક કામે વળગી હશે. લ્યુસી એકલી રેલિંગ પાસે ઊભીઊભી નર્મદાને નીરખતી હતી.

‘અહીં બધે પથ્થરો જ છે; રેતી ક્યાંય નથી?’ લ્યુસીએ મને પૂછ્યું.

‘થોડે આગળ નદીની વચ્ચે રેતીનો ટાપુ છે.’ મેં કપડાં રેલિંગ પર સૂકવતાં જવાબ આપ્યો, ‘પાણીમાં થોડું ચાલીને જવું પડે. પણ સ્થળ સરસ છે. જવું છે?’

લ્યુસી થોડું વિચારીને કહે, ‘તમે કામમાં ન હો તો ચાલો.’ ”

* * * * * * * * * * * * *

અક્ષરનાદ નર્મદાની આ અદ્વિતિય કથા – તત્ત્વમસિ આપને માટે નિ:શુલ્ક રજુ કરે છે. તો સામે પક્ષે અક્ષરનાદને આર્થિક બોજથી દૂર રાખવા ધ્રુવભાઈએ પણ આ પુસ્તક અક્ષરનાદ પર રજૂ કરવા કોઈ જ રકમ લીધી નથી, અરે તેમણે રોયલ્ટી લેવાની પણ ના કહી. તો આખરે અમે એવા નિષ્કર્ષ પર પહોંચ્યા કે અક્ષરનાદ પર તત્ત્વમસિ નિ:શુલ્ક વાંચન માટે ઉપલબ્ધ થાય, અને વાચક પર ભરોસો રાખીએ. અહીં અક્ષરનાદ પર તત્ત્વમસિ વાંચીને કોઈકને મનમાં થાય કે લેખકને ભલે પ્રતિક રૂપે, પણ વળતર મળવું જ જોઈએ તો જે તે ભાવક નિઃશુલ્ક વાંચવા મળેલા આ ખજાના બદલ પોતાને ગમે તે રકમ ધ્રુવભાઈના ખાતામાં સીધી ભરી શકે છે. આ એક આગવો પ્રયાસ છે, ધ્રુવભાઈની જેમ વધુ સર્જકો પોતાનું સર્જન સર્વે માટે ઉપલબ્ધ કરી શકે એ માટેની જવાબદારી હવે વાચકની બની રહે છે. મને અક્ષરનાદના સુજ્ઞ વાચકો પર વિશ્વાસ છે કે તેઓ નિરાશ નહીં જ કરે. ધ્રુવભાઈ ભટ્ટની બેન્કની વિગતો આ સાથે આપી છે.
Name of account : Bhatt Dhruvkumar Prabodhrai
Name of the Bank HDFC bank
Account number : 01831930001854
IFSC : HDFC0000183
Branch : Lambhvel Road, Anand.
Type of Account : Saving

* * * * * * * * * *

૨૧

“નદીના એકાંતે, ઠંડી સવારના કૂણા તડકામાં લ્યુસીની સાથે ચાલવામાં અને તેની વાતો સાંભળવામાં અમે ક્યારે પેલા રેતદ્વીપ પર પહોંચ્યા તેની ખબર ન રહી. લ્યુસી રેતીમાં પગ લંબાવીને બેઠી. હું તેને અડીને બેઠો. લ્યુસીએ મારો હાથ પોતાના હાથમાં લીધો. અમે મૂક બેઠાં હતાં ને કિનારા પરથી કોઈની બૂમ સંભળાઈ. સામે જ કિનારા પર એક ખાખી ચડ્ડી અને ભૂખરું શર્ટ પહેરેલો માણસ ઊભો રહીને કંઈક કહેતો હતો.

‘આમને કંઈક મદદની જરૂર લાગે છે.’ લ્યુસીએ તેને જોતાં કહ્યું.

ત્યાં સુધીમાં પેલો અમારી તરફ આવ્યો. પોતાની જોળી રેતીમાં મૂકતાં તેણે કહ્યું, ‘પરકમ્માવાસી.’

‘ચિંતા ન કરશો.’ મેં પરિક્રમાવાસીને જવાબ આપ્યો અને હાથ જોડ્યા, ‘બધી વ્યવસ્થા થઈ જશે. અહીંથી થોડે જ દૂર મંદિર છે.’

‘નો હિન્દી, નો ઇંગ્લિશ, ઓન્લી તમિલ.’ પેલા પરિક્રમાવાસીએ કહ્યું. મેં ઇશારાથી તેને સમજાવ્યું કે અહીં તેમની બધી વ્યવસ્થા થઈ જશે.

‘કોણ છે તે?’ લ્યુસીએ જિજ્ઞાસાસહજ પ્રશ્ન કર્યો.

‘પરિક્રમાવાસી.’ મેં કહ્યું અને પરિક્રમા વિશે મને હતી તેટલી સમજ આપી.

‘આ ઉંમરે?’ લ્યુસીના આશ્ચર્યનો પાર ન રહ્યો. માણસ એક નદી ફરતે પરિક્રમા કરવા નીકળે તે જ તેને નવું લાગ્યું. એમાંય વધુ આશ્ચર્ય તો તેને એ જાણીને થયું કે આટલા લાંબા અંતરની અનેક કષ્ટભરી યાત્રાએ નીકળનાર વ્યક્તિ કોઈ દુન્યવી કારણો વગર, કોઈ સાહસ કરવાની કે સિદ્ધિ મેળવવાની ઇચ્છા વગર, કોઈ સંશોધન કરવાની વૃત્તિરહિત, અજાણ્યો-અનામી બનીને આ રીતે નીકળી પડે છે.

‘અજાયબ લાગે.’ લ્યુસી પેલા પરિક્રમાવાસી તરફ તાકી રહેતાં બોલી, ‘આખરે શું પામવા ઇચ્છે છે આ લોકો?’

‘નર્મદા.’ મારાથી કહેવાઈ ગયું.

‘એટલે?’ લ્યુસી એકદમ અચંબામાં પડી ગઈ, ‘આ રીતે નદીને પામવાનું શક્ય છે? આપણે ત્યાં કેટલાક સાહસવીરો એમેઝોનમાં આનાથી પણ વધુ જોખમી સફરો કરતા હોય છે, પણ આવી ધૂન તેમને નથી વળગતી.’

મને લ્યુસીએ ‘આપણે ત્યાં’ શબ્દો વાપર્યા તે ગમ્યું, પરંતુ તેણે કરેલાં બીજાં ઉચ્ચારણો મને ન ગમ્યાં. મેં કહ્યું, ‘હું પણ નહોતો માનતો. મને આ એક ધૂન લાગતી હતી; પણ હવે ધીમેધીમે લાગવા માંડ્યું છે કે એમેઝોન કે મિસિસિપીને પણ પામી શકાય, જો આવી જ શ્રદ્ધાથી તેની પરિક્રમા કરીએ તો.’ મેં લ્યુસીના ચહેરાને ધ્યાનથી જોયો અને આગળ કહ્યું, ‘પણ હું પ્રમાણ વગર માનવાનો નથી.’

‘તમે કહો છો કે તે નર્મદાને આત્મસાત્ કરવા ધારે છે?’

‘કદાચ.’ મેં નદી તરફ દૃષ્ટિ કરતાં કહ્યું, ‘આત્મસાત્ કરવા કે આત્મલીન થવા.’

‘આશ્ચર્ય!’ લ્યુસી ફરીને એ જ શબ્દ બોલી અને વહેતી નર્મદાને જોઈ રહી, ‘કેટલીય મુશ્કેલ યાત્રા, આવાં અરણ્યોમાં!’

‘લ્યુસી,’ મેં કહ્યું, ‘દરેક પરિક્રમાવાસી એક શ્રદ્ધા સાથે નીકળે છે કે સ્વયં નર્મદા તેની સંભાળ લેશે. પરિક્રમા દરમિયાન ક્યાંક ને ક્યાંક નર્મદા તેને સદેહે મળશે પણ ખરી. આવી પળે તેને ઓળખવામાં પોતે ભૂલ ન કરે તેવી પરિક્રમાવાસીની પ્રાર્થના હોય છે.’

‘ખરેખર એવું બને છે ખરું?’ લ્યુસીએ પૂછ્યું. તે સમયે કિનારા પર ચાલ્યા જતા ગંડુ ફકીર પર તેની નજર પડી અને તે બોલી, ‘હેય, જુઓ પેલા જાય! ગઈ રાત્રે તેમણે ગાયું હતું!’

એટલામાં ગંડુની નજર પણ અમારા પર પડી અને તે અમારી તરફ આવ્યો. આવતાં જ પરિક્રમાવાસી તરફ જોઈને કહ્યું, ‘પહૂંચ ગયે યહાં તક તો, ક્યું?’ પેલો જવાબમાં માત્ર મલક્યો અને આગળની દિશા તરફ ઇશારો કરીને ‘હજી તો લાંબો પંથ છે’ તેવું સૂચવ્યું. મને નવાઈ લાગી કે આ ‘ઓન્લી તમિલ’ કહેતો હતો તે ગંડુનો પ્રશ્ન પળવારમાં શી રીતે સમજી ગયો?
અમે કંઈ પૂછીએ તે પહેલાં ગંડુએ ઝોળીમાંથી મોહનથાળ અને ફરસાણ કાઢ્યાં અને ઊભો થઈને કિનારેથી સાગનાં પાન લઈ આવ્યો. તેના પર નાસ્તો પાથરતાં પેલા પરિક્રમાવાસીને કહે, ‘હમારી સુપરિયાને દિયા હૈ. ખાઓ. કહેતી થી, બાબા, સમાલકે રખના ઔર ખાના… અરે, જબ ખુદ નહિ સંભલ સકે તો ખાના ક્યા સંભાલેંગે? ક્યું, સચ હૈ ના?’ સામો માણસ પોતાની ભાષા સમજે કે ન સમજે તેની ગંડુને પડી ન હતી; કે પછી પેલો તેની વાત સમજતો હતો?

અમે પણ નાસ્તો કરવામાં જોડાયાં. લ્યુસીની જિજ્ઞાસા શમી ન હતી. તેણે મને પૂછ્યું, ‘ખરેખર આ લોકોને નર્મદા દર્શન આપે છે?’

‘ખબર નથી; પણ ઘણાંને એવો અનુભવ થયો છે એવું મેં સાંભળ્યું છે. તને પણ સાંભળવા મળશે.’ મેં ઉત્તર આપ્યો.

‘કેટલું ઉત્તેજનાસભર! પણ એવું શક્ય નથી લાગતું.’ લ્યુસીએ કહ્યું, ‘આપણે આ માણસને પૂછીશું?’

‘હજી તે મંદિરે રોકાવાનો છે. તેને આરામ કરવા દે. પછી નિરાંતે પૂછીશું. તારામાંના સંશોધકને કાબૂમાં રાખજે.’ લ્યુસીની મજાક કરતો હોઉં તેમ મેં કહ્યું.

‘એટલી શિષ્ટતા છે મારામાં.’ લ્યુસીએ પણ એવા જ સ્વરે જવાબ આપ્યો. ગંડુનું ધ્યાન અમારી વાતો તરફ ગયું. તેણે પૂછ્યું, ‘કયા કહેતી હૈ લડકી?’

મેં અમારી વાતનો સાર ગંડુને કહ્યો અને ગંડુએ વાતનો દોર સીધો જ લ્યુસી સાથે જોડી લીધો. ‘તુમ ચાહતી હો નર્મદાકો પાના? તો ચલી જાઓ ઇનકે સાથ, અગર બિશ્વાસ પડતા હૈ તો.’
જવાબમાં લ્યુસીએ મસ્તક ધુણાવી, હાથની સંજ્ઞા કરી ‘ના’ કહી. બે સાવ અજાણ્યાં, એકબીજાની ભાષા પણ ન જાણતાં માણસો આટલી સરળતાથી વાત કરી શકે તે મેં દંગ રહીને જોયા કર્યું. પેલો તમિલભાષી પણ આનંદપૂર્વક આ નવો અનુભવ માણતો રહ્યો. ગંડુએ એક પાંદડું હાથમાં લીધું અને લ્યુસી સામે ધર્યું. પછી સાવ સરળ પણ કંઈક જુદા જ અવાજે બોલ્યો, ‘બોલ, લડકી, તું ઈસ પત્તેકા રૂપ લે સકતી હૈ?’ પૂછીને તે થોડું અટક્યો. લ્યુસી તેનો પ્રશ્ન સમજી છે તેવું લાગતાં જ તેણે કહ્યું, ‘અગર હાં, તો યે પૂરા પેડ તેરા રૂપ લે લેગા. અગર કોઈ… કયા નામ હે તેરા? લુસી?… હાં, તો લુસી, પત્તા યા ડાલી ભી બન સકે તો પેડ જરૂર લુસી બન જાયગા. યે પ્રતિજ્ઞા હે પેડકી. યહી વચન હૈ નદીકા, આકાશકા – હર ચીજકા.’ પછી અમને બધાને ઉદ્દેશીને કહે, ‘જીસે તુમ બેજાન સમજતે હો વે સબ હમસે કઈ જ્યાદા જિન્દા હૈં.’

લ્યુસી હતપ્રભ બેઠી સાંભલી રહી અને ધીમેથી માત્ર બે શબ્દો બોલી શકી: ‘ઓહ નો!’

કિનારા તરફથી કોઈનો અવાજ સંભળાયો. થોડી વારે ઢોળાવ પાછળથી બે-ત્રણ ગાયોને હંકારતી નાનકડી બાળા નદીમાં ઊતરી. ગાયો પાણી પીતી હતી ને તે બાળા અમને નીરખતી રહી. ગંડુએ તેને નાસ્તો કરવા નિમંત્રી. તે આવી. તેણે પોતાને મળેલા ભાગમાંથી થોડું એક પાનમાં વીંટ્યું. બાકીનું ખાઈને ઊભી થતાં ગંડુને પૂછ્યું, ‘મું જાઉં?’

ગંડુએ હસીને કહ્યું, ‘હાં, મા, કહીં જા સકતી હો તો જાઓ.’ અને પેલી પોતે પાંદડામાં બચાવેલા ભાગ લઈને ગાયો વાળતી ચાલી ગઈ.

હું ગંડુ તરફ જોઈ રહ્યો. મને મનમાં પ્રશ્ન થયો કે ગંડુ કહે છે તે કદી પણ સત્ય હોઈ શકે? તે સાથે મને ગઈ રાત્રે જ મળેલું યુગલ યાદ આવ્યું. તેમાંની સ્ત્રીએ પણ આ રીતે જ પોતાના ભાગમાંથી અલગ કાઢીને ભોજન સાચવ્યું હતું અને જતાં પહેલાં બે વખત પૂછ્યું હતું, ‘મું જાઉં?’ આ બે પ્રસંગોનું સામ્ય શું સૂચવે છે તે સમજવાની મારી શક્તિ નથી. તે માત્ર અકસ્માત હોય કે અહીંના લોકોનો રિવાજમાત્ર પણ હોય.

પણ તેમ ન હોય તો? તો પછી એ સમયે ઘટેલી તે નાનકડી ઘટનાથી મોટું સત્ય બીજું ન હતું. પેલાં બે ભૂખ્યાં જનો, ઊંચે આવી રહેલો ચંદ્ર, આસો નવરાત્રીનું નિરભ્ર આકાશ, ચોતરફ પથરાયેલી ખડકમાળ વચ્ચે ખળખળાટ વહી રહેલાં જળ અને તે સહુથી જુદી ઘટનામાં કોઈ માટે સાચવીને પાંદડે વીટીને અલગ રખાયેલું અન્ન – બ્રહ્માંડના છેડા સુધી વ્યાપતું પરમ સત્ય તો ત્યાં જ હતું; પણ હું તે પારખવામાં થાપ ખાઈ ગયો તેવું મારે સ્વીકારવું રહ્યું. તોપણ જ્યાં સુધી નદી પોતે પોતાને મુખે મને નહિ કહે કે ‘હું નર્મદા છું’ ત્યાં સુધી કંઈ પણ ન માનવાનું નક્કી કરીને હું ઊઠ્યો.

ગંડુ પેલા તમિલભાષીને ખભે હાથ મૂકીને ઊભો થયો અને જતાં-જતાં કહ્યું, ‘મું જાઉં?’ અમે બધાં જ હસી પડ્યા. ગંડુ વનો તરફ અને અમે મંદિર તરફ ચાલ્યાં.

શાસ્ત્રીને ત્યાં પહોંચીને મેં પરિક્રમાવાસીની વ્યવસ્થા કરી. પછી હું અને લ્યુસી રસોડા તરફ ગયાં. સુપરિયા રસોઈયાને સૂચનાઓ આપતી હતી. અમને જોઈને તેણે કહ્યું, ‘બિત્તુબંગા સાથે વાત થઈ છે. તે તમને સાઠસાલીઓ પાસે લઈ જશે. ક્યારે જવાનું છે તે બિત્તુબંગા જાણી લાવશે.’

‘ભલે.’ લ્યુસીએ કહ્યું અને આગળ બોલી, ‘હવે બીજું કોઈ કામ છે?’

‘થોડી વાર પછી.’ સુપરિયાએ કહ્યું, ‘રસોઈ તૈયાર થાય એટલે જેટલાં છે તેટલાને જમાડી દઈએ પછી નવરા.’

બહાર બે કુટુંબ અને બીજાં થોડા માણસો મળીને પંદર-વીસ જણ હતાં. અમે બધાંને જમાડ્યાં. પેલા તમિલ પરિક્રમાવાસીને એક ઓરડીમાં ઉતારો આપ્યો. બપોરે મેં અને સુપરિયાએ લ્યુસીના પ્રવાસની વાતો સાંભળી. ચાર વાગતાં જ લ્યુસીએ પેલા તમિલ પરિક્રમાવાસીને યાદ કર્યો.

હું અને લ્યુસી તે પરિક્રમાવાસીના ઉતારે ગયાં. તે કંઈક વાંચતો હતો. અમને જોઈને તેણે પુસ્તક બાજુ પર મૂક્યું અને હાથ જોડ્યા.

મેં અને લ્યુસીએ તેને મહામહેનતે સમજાવ્યું કે અમારે તેની પરિક્રમા વિશે અને તેના અંગત જીવન વિશે થોડું પૂછવું છે.

ભાષાની મુશ્કેલી અમને નડી. પણ લ્યુસી તેની વ્યાવસાયિક કુશળતાથી આ પરિસ્થિતિનો ઉકેલ લાવી શકી.

તે ત્રણ મિત્રો તમિલનાડુથી સાથે નીકળ્યા છે. બીજા બે જણને થોડું હિન્દી અને સારું અંગ્રેજી બોલતાં આવડે છે. પોતે બીમાર થવાથી વચ્ચે રોકાઈ ગયો હતો તેથી પાછળ રહી ગયો છે. હવે આગળ જતાં મિત્રોની સાથે થઈ જશે.

તેનું નામ પૂછ્યું તો કહે, ‘પરિક્રમાવાસી.’

‘તમે સંન્યાસ લીધો છે?’ લ્યુસીએ પૂછ્યું.

‘ના.’ તે હસી પડ્યો. પત્ની, બે પુત્રો અને એક પુત્રી. પુત્રો સરકારી નોકરીમાં છે. દીકરીને પરણાવી છે. ઘરેથી નીકળતાં પત્નીએ પાછા આવવાનું વચન લીધું છે. પોતે શિક્ષક છે. આ વર્ષે રીટાયર થશે. રીટાયર થતાં અગાઉની રજાઓમાં તે નીકળ્યો છે. ઘર છોડ્યે ત્રણ મહિના થયા. લ્યુસી સારી એવી વાતો કઢાવી શકી.

છેવટે લ્યુસીએ પૂછ્યું, ‘રસાતામાં તમે નર્મદાને મળ્યા?’

પેલો સમજ્યો નહિ. મેં ‘દર્શન’ કહી, હાથ જોડીને અભિનય સહિત ફરી પૂછ્યું, ‘નર્મદાદર્શન.’

‘દર્શન’ શબ્દ તે સમજ્યો અને અમારો પ્રશ્ન પણ સમજ્યો. સમાધિમાં સરી ગયો હોય તેમ થોડી ક્ષણો આંખો બંધ કરીને બેસી રહ્યો. પછી નર્મદાની દિશામાં હાથ જોડીને મસ્તક નમાવ્યું. તે કંઈ બોલી ન શક્યો. તેની આંખોમાંથી અશ્રુધારા વહેવા લાગી. ધીમેથી તે ઊભો થયો અને કમરામાંથી બહાર જઈ રેલિંગ પાસે ઊભો રહી નર્મદાને નીરખતો રહ્યો.
‘તેણે કંઈ જવાબ આપ્યો?’ લ્યુસીએ મને પૂછ્યું.

‘આપ્યો અને ન પણ આપ્યો.’ કમરામાંથી બહાર નીકળતાં મેં લ્યુસીને જવાબ આપ્યો, ‘તેનાં આંસુ નર્મદાને મળ્યાના આનંદથી વહેતાં હતાં કે હજી સુધી અધૂરી રહેલી દર્શનની ઇચ્છાને કારણે તે આપણે વિચારી લેવાનું.’

‘જે રીતે તે વાત કરે છે તે, જે રીતે અહીં આવ્યો છે,’ લ્યુસી બહાર ઊભી રહીને પેલા તમિલ યાત્રીને જોતાં બોલી, ‘તે જોતાં તેને હવે કોઈ ઇચ્છા હશે તેવું લાગતું નથી.’

‘હં…’ મેં કહ્યું અને અમે મંદિરના ઓટલા તરફ ગયાં. લ્યુસી ઓટલા પર બેસીને નોંધ કરતી રહી. હું ત્યાં જ ઊભો હતો. અચાનક લ્યુસીએ નોટબૂકમાંથી નજર ઉઠાવતાં પૂછ્યું, ‘આપણે એ રીતે નર્મદાકિનારે થોડું ચાલી શકીએ?’

‘તારી પાસે પૂરતો સમય હોય તો.’ મેં લ્યુસી પાસે બેસતાં કહ્યું, ‘પરિક્રમા પંદર-વીસ દિવસ કે મહિનામાં કરવાનું કામ નથી.’

‘પણ એથી વધુ સમય તો મારી પાસે નથી.’ લ્યુસી ડાયરી પોતાનાં પર્સમાં મૂકતાં બોલી. ‘પરિક્રમા નહિ તો થોડા દિવસોનો પગપાળા પ્રવાસ કરવો તો છે જ.’ તેનો વિચાર નિર્ણય-સ્વરૂપે બહાર આવ્યો. અમે બંને ગણેશ શાસ્ત્રી પાસે ગયાં. અમારો વિચાર જાણીને રાજી થતાં કહે, ‘અમરકંટક જઈને થોડે સુધી નીચે ઊતરીએ તો સાતેક દિવસનો પ્રવાસ થાય.’

‘મેં કોઈ નદીના ઉદ્ગમસ્થાનને જોયું નથી.’ લ્યુસી ઉત્સાહથી બોલી, ‘મને બહુ ગમશે.’

‘તું નિરાશ થઈશ.’ ગણેશ શાસ્ત્રીએ કહ્યું, “હવે અમરકંટકમાં પણ આધુનિક વ્યાવસાયિક વૃત્તિઓ પહોંચી ગઈ છે.”

‘ભલે,’ લ્યુસીએ કહ્યું, ‘મને વ્યાવસાયિક હોવા તરફ અણગમો નથી.’ અને અમે નર્મદાના ઉદ્ગમ તરફ નીકળવાની તૈયારી આદરી. જતાં બસમાં અને વળતાં થોડું ચાલીને આવવાની અમારી યોજના હતી.”

– ધ્રુવ ભટ્ટ

તત્ત્વમસિ – પ્રાકકથન

તત્ત્વમસિ – ૧

તત્ત્વમસિ – ૨

તત્ત્વમસિ – ૩

તત્ત્વમસિ – ૪

તત્ત્વમસિ – ૫

તત્ત્વમસિ – ૬

તત્ત્વમસિ – ૭

તત્ત્વમસિ – ૮

તત્ત્વમસિ – ૯

તત્ત્વમસિ – ૧૦

તત્ત્વમસિ – ૧૧

આપનો પ્રતિભાવ આપો....