તત્ત્વમસિ : ૨ – ધ્રુવ ભટ્ટ (ઈ-પુસ્તક)


“પહાડી શહેરની ગલીઓમાં જીપ અંદર સુધી લઈ જવાય તેટલી જગ્યા જ નથી. હું મારો સામાન લેવા ગયો ત્યાં ગુપ્તાજીએ મને રોક્યો અને ડ્રાઇવરને કહ્યું, ‘લગે હાથ ભીજવા દે કોઈ કે સાથમેં.’

અમે ખાલી હાથે આગળ ચાલ્યા. પાંચેક મિનિટમાં એક ડેલીબંધ મકાન આવ્યું. મુખ્ય દરવાજામાંની નાની ડેલી ખોલી, નમીને અમે અંદર ગયા. અંદર ચોગાન વિશાળ હતું. ચોગાનને બીજે છેડે, આ ડેલીની બરાબર સામે લાંબી પરસાળ પર હારબંધ ઓરડાવાળું ભવ્ય મકાન. ચોકની વચ્ચે તુલસીક્યારો. ડાબા હાથના ખૂણે ગમાણમાં ત્રણેક ગાય, વાછરડાં. પરસાળમાં ગાદી-તકિયાવાળો ઝૂલો. છેક સામેના ભાગે નાહવા-ધોવાની રૂમો.

ઘરમાંથી આરતીની ઘંટડીનો અવાજ સંભળાયો. અમે ચોક વચ્ચે આવ્યા. ત્યાં બાથરૂમ તરફથી તાંબાની ઝારી ભરીને એક રાજસ્થાની પાઘડી પહેરેલો માણસ આવ્યો અને પરસાળના પગથિયે ઊભો રહ્યો. ગુપ્તાજી ત્યાં ઊભા રહ્યા અને હાથ-પગ ધોવામાં પડ્યા. હું સીધો જ પગથિયાં ચડવા મંડ્યો.

‘પ્રભુ,’ ગુપ્તાજીએ મને રોકતાં કહ્યું, ‘હાથ-મુંહ ધો લે, બાદ અંદર ચલે. માં કો પસંદ નહિ આવેગા.’ આ શબ્દો સાંભળતાં જ મારા મનમાં ક્ષણિક વિદ્રોહ જાગીને શમી ગયો.

ગુપ્તાજીએ માત્ર સ્વચ્છતાના આગ્રહવશ હાથ-પગ ધોઈને આગળ જવા કહ્યું હોત તો મને આનંદ થાત, પણ પચાસ-પંચાવન વર્ષના ગુપ્તાજી સ્વતંત્ર રીતે વર્તી પણ શકતા નથી તે મારું મન સહી શક્યું નહિ. મને ગુપ્તાજીનાં મા ઉપર પણ ક્રોધ ઊપજ્યો કે આ સ્ત્રી પોતે વૃદ્ધ થઈ હશે છતાં પોતાનાં સંતાનોને સ્વતંત્ર થવા દેતી નથી. વળી જે માતાનો ગુપ્તાજી પર આટલો પ્રભાવ છે તે પોતે તો પુત્ર સામે આવ્યાં પણ નહિ.

ગુપ્તાજી ઘરમાં ગયા. હું હીંચકે બેઠો. છાપાં વાંચ્યાં. થોડી વારે માણસ આવીને ચા મૂકી ગયો તે પી રહું ત્યાં ગુપ્તાજી આવ્યા અને કહ્યું, ‘પાણી રાખી દિયે હૈ. અસનાન હો જાય.’

હું નાહીને બહાર નીકળ્યો ત્યારે ગુપ્તાજી બજારમાં ગયા હતા. ઘરમાં કોઈ ન હતું. ગુપ્તાજીના કુટુંબમાં બીજાં કોણ-કોણ છે તેની મને ખબર ન હતી. આવડું મોટું મકાન અને ફક્ત બે જ માણસો – એ જરા ખૂંચ્યું. હું ફરી પેલા પરસાળના હીંચકે જઈને બેઠો. ત્યાં અંદરના કમરામાંથી ગુપ્તાજીનાં મા બહાર આવ્યાં. ગોળમટોળ ઊજળું મોં, હાથ પર છૂંદણાં ટાંકેલાં. આટલી અવસ્થા અને ભરેલું શરીર છતાં આંખોમાં વૃદ્ધત્વનું નામ-નિશાન નહિ.

‘બિહારી બાહેર ગયો.’ તેમણે મને કહ્યું. ગુપ્તાજીનું નામ બિહારી છે તેની મને અત્યારે ખબર પડી. માજી હીંચકા પાસે પહોંચ્યાં કે પેલા પાઘડીવાળા માણસે ખુરશી લાવીને ત્યાં મૂકી. મા તેના પર બેઠાં અને મને પૂછ્યું, ‘ઘરમાં સબ ઠીકઠાક સે હૈ?’

મારા જેવા સાવ અજાણ્યા સાથે માજી આ રીતે ઘરનાં વડીલની જેમ વાત કરશે તેવી ધારણા મને ન હતી. મેં જરા અચકાતાં જવાબ આપ્યો, ‘મારા ઘરમાં કોઈ નથી. હું એકલો જ છું.’ માજી આગળ કંઈ બોલી ન શક્યાં. વાત વાળી લેવા તે બીજી વાતે ચડ્યાં, ‘સુપરિયાને કહાં છોડાયે?’

સુપ્રિયા માટે વપરાતો ‘સુપરિયા’ શબ્દ માજીના મોઢે તો કંઈક વિશેષ ભાવવાહી લાગ્યો. મને થયું, હું પણ તેને સુપરિયા જ કહીશ.

‘સાતવાં મોડે.’ મેં જવાબ આપ્યો.

‘ભલી છે લડકી.’ માજી બોલ્યાં. ‘મેં કહ્યું, અબ શાદી કર લે. પર ભટકતી રહે જંગલમાં. મેં કહૂં મત મારી ગઈ હે છોરીની.’ પછી દરવાજા તરફ જોઈને થોડી વાર મૌન સેવી રહ્યાં. પછી પાછાં કહે, ‘ઘર આજ ખાલી લાગે મુને. બિહારી કી બહુ, પુત્તર સબ ગવાલિયર ગયેં. આવેંગેં કલ-પરસોં.’ કહી તે હસ્યાં અને મને પૂછ્યું, ‘તું તો ઠીક સે હૈ ને, છોરા?’

‘હા.’ મેં કહ્યું; પછી શું બોલવું તે ન સમજાતાં સામું પૂછ્યું, ‘આપ કૈસી હો?’

‘મન્ને કા હોવે હૈ? બેઠી હૂં ખાસી ખા-પીકે. બારા-તેરા સાલની આઈ થી રાજસથાન સે આ ઘર મેં. અબ દેખા, બૂઢિયા હો ચલી હૂં.’ બોલીને તે મુક્ત રીતે હસી પડ્યાં.
હું તેમને હસતાં જોઈ રહ્યો. બાર-તેર વર્ષની વયે આ સ્ત્રી પરણીને અહીં આવી હશે. પેલા દરવાજે તેની સાસુએ તેને પૂજીને અંદર લીધી હશે. ત્યારથી આ તેનું ઘર છે. શરૂઆતમાં કદાચ તે ઘરના નવા સભ્ય તરીકે અહીં હશે, પણ ધીમેધીમે તે આ ઘરની એકચક્રી શાસક બની હશે.

‘બહુત ભલી હોતીથી મેરી સાસ.’ માજી ઊંડો શ્વાસ લઈને આગળ બોલ્યાં, ‘અપણી બેટી સમજકે મન્ને સબ કુછ સીખાવે. કભી માર-પીટ બી કર લેતી થી. પર મા ના મારેગી તો બીજા કોણ લોગ આ કે મારેગા?’ માજીની સ્મૃતિઓ ઊભરાઈ આવી. તેમની વાતો ચાલતી રહી. ગુપ્તાજીનો જન્મ, ગુપ્તાજીની બહેનનો જન્મ, માજીના પિતાનો સ્વભાવ, ધંધો-ધાપો, લગ્નો અને માજીના પતિના અવસાન સુધીનો તમામ ઇતિહાસ અને પ્રસંગો તેમણે વાતોમાં રજૂ કરી દીધા.

મારી જિંદગીનાં આટલાં વર્ષોમાં મેં ક્યારેય કોઈ વ્યક્તિ કે કુટુંબ વિશે આટલી જાણકારી આટલા ટૂંકા સમયમાં મેળવી નથી. પ્રોફેસર રુડોલ્ફ તો સરળ માણસ છે અને હું તેમની સાથે વર્ષોથી કામ કરું છું, છતાં તેમના ઘરે નહોતો ગયો ત્યાં સુધી મને એ પણ ખબર ન હતી કે લ્યુસી નામની ગ્રૅજ્યુએટ પુત્રીના તે પિતા છે.

પોતાની આટલી અંગત વાતો મારા અંતરંગ મિત્રોએ પણ મને નથી કહી, નથી મેં મારી વાત કોઈને કહી. અહીં આવીને હજી થોડા જ કલાકો વીત્યા છે ને આ ઘરને હું એ રીતે ઓળખતો થઈ ગયો કે જાણે તેમની સાથે વર્ષોના સંબંધે જોડાયેલો હોઉં. આટલી સ્વાભાવિક રીતે પહેલી જ વાર મળતા માણસને કોઈ પોતાની અંગત વાતો કરી શકે એવું આજે જોયા-જાણ્યા છતાં માનવું કઠિન લાગે છે.

‘હું તો લગભગ એકલો જ મોટો થયો છું.’ મેં માજીને કહ્યું, ‘મુંબઈના ઘરમાં ડૅડી, મમ્મી અને હું આટલાં જ રહેતાં. મમ્મીના અવસાન પછી મારાં નાનીમા મને પોતાને ઘરે તેડી ગયેલાં; પણ ત્યાં મારી તબિયત સરખી રહી નહિ તેથી ડૅડીએ મને પંચગની મૂક્યો. તે પછી ચારેક વર્ષે હું અને ડૅડી પરદેશ જતા રહ્યા.’

મારી આટલી વાતો મેં તેમને કહી. હું એક અજાણી વૃદ્ધા સાથે આટલો ભળી જઈશ તે કલ્પના પણ મને ન હતી. કોણ જાણે કેમ પણ આ વાતો થયા પછી અચાનક મને માનસિક હળવાશનો અનુભવ થયો. કદાચ જીવનમાં પ્રથમ વખત મને આવી અનુભૂતિ થઈ હશે.

અમે હજી વાતો કરતાં રહેત ત્યાં ગુપ્તાજી આવ્યા, ‘ખાણા લગવા દીયો, મા!’ તેમણે ઓટલા પાસે પગ ધોતાં કહ્યું.

પેલો પાઘડીવાળો માણસ પાટલા-બાજઠ ગોઠવી ગયો. સામે એક બીજો બાજઠ મૂક્યો. તેના પર માજી બેઠાં અને અમારાં ભાણાંને જોતાં રહ્યાં. આ લાવો – તે લાવો કહેતાં વચ્ચેવચ્ચે ‘મારી સુપરિયાને ખાણા મિલા હશે કે નહિ?’ તેવી ચિંતા કરતાં રહ્યાં.

બપોરે મારે ઊંઘવા સિવાય કંઈ કામ ન હતું. રાતની સફર પછી થાક તો લાગ્યો હતો, પણ મને ઊંઘ ન આવી. છેલ્લા કમરામાં બારી પાસે મારા માટે નખાયેલા ઢોલિયા પર લંબાવીને મેં ‘ના કહેવી હોય ત્યારે હા ન કહેવી’ નામનું પુસ્તક વાંચ્યા કર્યું. વગર કામની પળોજણમાંથી ઊગરવાના કીમિયા બતાવતું આ પુસ્તક મને મારા મિત્ર રોબર્ટે ભેટ આપેલું. વાંચતાં-વાંચતાં કોણ જાણે કેમ પણ મને ગુપ્તાજીનાં માજી અને તેમની સરખામણીમાં મારાં નાનીમા યાદ આવ્યાં. ત્યારે આટલી જ ઉંમર હશે નાનીમાની અને ‘બાને નહિ ગમે’વાળી વાત પણ આ જ રીતે ત્યાં થતી.

નાનીમાના ઘરમાં પણ કેટલાં બધાં માણસો હતાં! ઘર જોકે નાનકડું, પણ કોણ જાણે શી રીતે એમાં અમે બધાં મજાથી રહી શકતાં! મહેશમામા, શાંતામામી, તેમના દીકરાઓ ઉમેશ અને નાનિયો, વિધવા ચંદરામાશી, તેમની દીકરી રેણુ અને પેલા દેવતાનાના.

કચ્છના એક ખૂણે નાનકડા ગામડામાં વીતેલા વર્ષને મેં ભાગ્યે જ ક્યારેક સંભાર્યું હશે. ઝડપથી વહી રહેલાં વર્ષો. કમાઓ અને ભણો, કમાઓ અને ખાઓ, કંઈક બનો, આગળ નીકળી જાઓ – આ બધી ધમાલમાં મને સમય પણ ક્યાં હતો? આજે કંઈ કામ નથી. વાંચવાથી પણ કંટાળું છું ત્યારે આ અરણ્યખોળે વસેલા શહેરમાં મારી આંખો સમક્ષ પેલું સાવ સુક્કી ધરા પર થોરિયાની વાડો વચ્ચે વસેલું ગામડું આવીને ઊભું રહે છે.

‘બાને નહિ ગમે.’ શાંતામામી જાણે મને સમજાવતાં હોય તેમ કહેતાં. ‘ભાણાભાઈ, ઊઠો. સૂરજ ઊગી જશે તો…’ કે ‘તમારા જેવડા છોકરાઓએ ત્રણ રોટલા તો ખાવા જ જોઈએ. ભૂખ્યા રહેશો તો…’ આ દરેક ‘તો’ની પાછળનું વાક્ય મામી ન કહેતાં હોત તોપણ અમે બધા સમજી શક્યા હોત: ‘…બાને નહિ ગમે.’

આમાં સહુથી નવાઈભરી વાત તો એ હતી કે બા, એટલે કે મારાં નાનીમા તો ક્યારેય પોતાને નથી ગમ્યું એમ કહેતાં જ નહિ. ન ક્યારેય કોઈને વઢે, ન કશું કરતાં રોકે. આમ છતાં જેણે પણ કોઈ ભૂલ કરી હોય તેને ખાતરીથી સમજાઈ જતું કે આવું બાને ગમ્યું નહિ હોય.

બાને ન ગમે તેવું કોઈ કરતું નહિ. એમાં અપવાદ હતા એક હું અને બીજા દેવતાનાના – મારા સદ્ગત નાનાના પિતરાઈ. તેમનું મગજ અસ્થિર હતું તે તો હું મોટપણે જાણી શક્યો. કચ્છમાં હતો ત્યારે તો તેમના અસ્વાભાવિક વર્તન વિશે એક જ ખુલાસો સાંભળવા મળતો: ‘એ તો દેવતા છે.’

મારું બાળમન પણ તેમના તરફ પૂજ્યભાવ રાખતું. મને ન ગમે તેવું ઘણું તેઓ કરતા, પણ આખરે તો એ દેવતા હતા. જો કોઈ માણસ મટીને દેવતા બની જાય તો તેને પોતાની ઇચ્છા પ્રમાણે વર્તવા તો દેવું પડે ને? ક્યારેક તો મને પણ થતું કે આ દેવતા બનવાનો કીમિયો હાથ લાગે તો મજાનું.

હું તો સાવ નાનો, ચોથા-પાંચમામાં હોઈશ. મારી મમ્મી ગુજરી ગઈ તેને ત્રીજે કે ચોથે દિવસે મેં ઘરમાં મહેશમામા અને નાનીમાને જોયાં. સાંજે તેમણે ડૅડીને કહ્યું, ‘વળતાં હું ભાણિયાને હાર્યે લઈ જાઉં છું. આગળ ઉપર ભગવાન સુઝાડે ઈ કરશું.’ આમ મારે કચ્છ જવાનું નક્કી થયેલું. નાનીમાની રતન જેવી દીકરીનું એકમાત્ર સંતાન. હું દસેક દિવસ પછી ગાડીએ ચડીને મુંબઈથી નીકળેલો. રસ્તામાં પેલી મોટીમસ નદી આવી ત્યાં તાંબાનો સિક્કો પાણીમાં પધરાવતાં નાનીમાએ મને હાથ જોડાવેલા અને બોલેલાં, ‘હે નરબદામા, મારા ભાણિયાની રક્ષા કરજો!’ નાનીમાના આ વાક્યે મને તે નદી પ્રત્યે કંઈક વિશેષ ભાવ પ્રેરેલો – એટલું મને યાદ.

ટ્રેનની અને થોડી બળદગાડાની મુસાફરીમાં મને મજા પડેલી. મમ્મી યાદ આવ્યા કરતી, પણ મને રડવું આવતું ન હતું. જોકે કચ્છ પહોંચ્યા પછી મારે રડવાના ઘણા પ્રસંગો બનેલા.

પહેલા જ દિવસે મામાના નાનિયા સાથે તાંબાનો લોટો લઈને ગામ બહાર થોરિયાની વાડે જઈને બેસવું પડ્યું ત્યારે શરમ અને સંકોચથી મને રડવું આવી ગયેલું. ઓ રે! મારી મમ્મી! આવી જગ્યાએ મને એકલો મૂકી દેવા જ તું ભગવાન પાસે ચાલી ગઈ?… અમારો મુંબઈનો નાનો સુઘડ ફ્લૅટ મને એ દિવસે સાંભરેલો તેવો ફરી ક્યારેય સાંભર્યો નથી.

આજ અચાનક એક નવપરિચિત કુટુંબના ઘરમાં બેસીને આ સ્મૃતિઓ વાગોળું છું. હજી બે દિવસ પહેલાં જ મેં તુષારને શાળાના દિવસો યાદ ન કરવાની સૂચના આપેલી અને આજે? આવું મને કેમ થયું હશે તે વિચારું ત્યાં ફળિયામાં માજીનો અવાજ સંભળાયો, ‘પૂરો દિન ભટકતી રઈ. અબ જાકે આવી ઘર. કહૂં અબ ઢંગથી રહે તો માનું.’

સુપ્રિયા જ આવી હોય તેમ માનીને મેં વિચારવું છોડ્યું અને બહાર આવીને ઊભો. બહાર સુપરિયા પગથિયે હાથ-પગ ધોતી હતી. તે પતાવીને માજીને પગે લાગી અને પછી માજીને બાથમાં લઈ તેમના ગાલ સાથે પોતાનો ગાલ દબાવ્યો.

‘ગંદી!’ માજીએ તેને બાથમાં લેતાં કહ્યું.

રાત્રે બહાર ફળિયામાં અમારા માટે ઢોલિયા ઢળાયા. માજીએ જાતે પગથિયે ઊભા રહીને માણસ પાસે આખી વ્યવસ્થા ગોઠવાવી. ઢોલિયા, તે પર ગાદલાં, સફેદ ઓછાડ, ઓશીકાં અને ઓઢણ. માથા તરફના ભાગે નાના ટેબલ પર પાણીનો કળશ અને બાવળનાં લીલાં દાતણ.

હું હીંચકા પર બેઠોબેઠો બધું ગોઠવાતું જોઈ રહ્યો હતો. સુપરિયા પરસાળમાં થાંભલાને અઢેલીને બેઠીબેઠી ‘મહાભારત’ વાંચતી હતી. અમે સૂવાની તૈયારી કરી એટલે ગુપ્તાજીના ઢોલિયા પાછળ નેતરની ખુરશી મુકાવીને માજી બેઠાં. પેલો પાઘડીધારી વાટકીમાં તેલ આપી ગયો. માજી ગુપ્તાજીના માથા પર તેલ ઘસવા લાગ્યાં. પાંચદશ મિનિટ માલિશ કરીને માજી ઊઠ્યાં. જતાં-જતાં મને કહે, ‘લગાવું તુંને?’

‘મને?’ મેં આશ્ચર્યથી પૂછ્યું અને તરત સ્વસ્થ થતાં જવાબ આપ્યો, ‘નહિ-નહિ. મને ટેવ નથી.’ માજી પગથિયાં ચડીને પરસાળમાં પહોંચ્યાં જ હશે કે સુપરિયા બોલી ઊઠી, ‘પાર્વતીમા, મને?’

‘તારા મથ્થા ધોઈ લે, છોરી.’ પાર્વતીમાએ જવાબ આપ્યો, ‘પૂરા જંગલ ભર લાઈ હો માથે પર. કાલ પહેલે નાહી લે તો ફિર તેલ ભી ડાલૂંગી.’

‘તો હાલરડું સંભળાવવું પડશે.’ સુપરિયાએ હઠ કરી.

‘તેરી ઉમર ક્યા લોરી સુણવા જેસી હે?’ કહેતાં માજી હસ્યાં. પછી તરત મંજૂરી આપતાં બોલ્યાં, ‘ઠીક, સુણાં દેતી હૂં, પર એક જ.’

‘ભલે એક.’ સુપરિયા પુસ્તક થેલામાં મૂકીને ઊભી થઈ. અંદર જઈ કપડાં બદલી આવીને પરસાળમાં થયેલી તેની પથારીમાં લંબાવતાં બોલી, ‘ચલો ગાઓ.’ માજી પોતાની પથારીમાં બેઠાં તો સુપરિયા કહે, ‘તમે તમારે સૂતાં-સૂતાં ગાઓ ને.’

‘કોઈ સોતે સોતે લોરી થોડા ગાતા હૈ?’ માજીએ કહ્યું.

સુપરિયાએ હાલરડું સાંભળવાની જીદ કરી તેની મને ખૂબ નવાઈ ઊપજી. આદિવાસી કલ્યાણ કેન્દ્રની સંચાલિકા, આટલા સંપર્કો ધરાવતી, પચીસ-સત્તાવીસ વર્ષની, ભણેલી ગણેલી યુવતી બાળક જેવી જીદ કરે તે મારા માન્યામાં ન આવ્યું. પ્રોફેસર રુડોલ્ફ આ યુવતીમાં જે શ્રદ્ધા બતાવે છે તે કયા કારણસર હશે તે સમજવું મને કઠિન લાગ્યું.

‘દેખ, મોટ્ટી કહાની ગાઉં હૂં.’ માજીએ કહ્યું અને સુપરિયાના મસ્તક પર હાથ ફેરવતાં, બાળકને સમજાવતાં હોય તેમ આગળ બોલ્યાં, ‘ખતમ હોણે કે પહેલે સો જાણા.’
સિત્તેર-બોંતેર વર્ષના વૃદ્ધ દેહમાં જાણે અચાનક સ્ફૂર્તિનો સંચાર થયો હોય તેમ પાર્વતીમા ટટ્ટાર બેઠાં. વળતી પળે જે સ્વર અને શબ્દો મેં સાંભળ્યાં તે મને અકળ અનુભવ કરાવી ગયા:

‘સમરથ સિમર લૂં શ્રી હરિ, લાગું સરસતી કો પાય,
આરાધના અવિનાશીની જો હે આદિ નિરંજનરાય.
આદિ નિરંજન અકળ સરૂપ રામજી લિયે ખેલન રૂપ,
પ્રથવી કી પાવન ભઈ મનશાય, સુભટ બન પોઢે જલમાંય
જે જે વૈકુંઠરાય…’

ઝાંખા પ્રકાશને કારણે હું પાર્વતીમાનો ચહેરો જોઈ શકતો ન હતો. જો જોઈ શકતો હોત તો જરૂર કહી શકત કે વર્ષો પહેલાં કપાળમાં લાલ ચાંદલો કરી, લાલ વસ્ત્રોમાં શોભતી, ઘરેણાંથી લદાઈને, તેના બિહારીને ગોદમાં લઈ, સામી પરસાળમાં બેસી, હાલરડું ગાતી હતી તે જ સ્ત્રી આજે આ વૃદ્ધ દેહમાં જીવંત થઈ ગઈ છે. સુપરિયાએ તો પરાણે જાગીને પણ હાલરડું પૂરું સાંભળ્યું હશે. હું આગલી રાતના ઉજાગરા અને થાકથી ભરેલો આ હાલરડાની મોહિનીને ખાળી શકું તેમ ન હતો. ધીમેધીમે મારી આંખો ઘેરાતી હતી. તંદ્રામાં જ મને લ્યુસી દેખાઈ. જાણે તે આકાશદર્શનની વાત માંડતી કે ફિઝિક્સના કોયડા ઉકેલતી મને કહે છે, ‘આટલું મોટું અનંત વિશ્વ એક જ તત્ત્વમાંથી સર્જાયું છે તે માનવું કેવું રોમાંચક છે, નહિ?’

લ્યુસી આવું કહેતી ત્યારે તેના રોમાંચને હું સમજી ન શકતો. આજે તેવો જ રોમાંચ મને નાભિ સુધી સ્પર્શી ગયો. ‘આદિ નિરંજન અકળ સ્વરૂપ, રામે લીધાં રમવા રૂપ’ના નાદથી તરબોળ બનેલી ક્ષણો અનંત બની જાય તેવું ઇચ્છું ત્યાર પહેલાં નિદ્રા મને ઘેરી વળી.

સ્વપ્નમાં જાણે હું કોઈ જુદા જ વિશ્વમાં પહોંચી ગયો. મારા ચહેરા પર આ ખુલ્લા નભમાંથી વરસતી ચાંદનીનો સ્પર્શ હું ઊંઘમાં પણ અનુભવતો હોઉં એવું મને લાગ્યું. ચાંદની કોઈ અપાર્થિવ શાંતિ પાથરતી હોય, બ્રહ્માંડનો લય જાણે પરસાળમાંથી રેલાઈને ચોપાસ વિસ્તરતો હોય! મારી સંવેદના જાણે દૃશ્યજગતમાંથી અદૃશ્ય નાદમાં પ્રવેશી ગઈ. હું જાણે કે આ અરણ્યો, આ ભૂમિ, માજી અને સુપ્રિયા ભારતીયને કોઈ નવા જ સ્વરૂપે નિહાળતો હતો.

સવારે ઊઠીને મેં રાતના અનુભવની નોંધ લખી. લ્યુસીને લખેલા અધૂરા પત્રમાં આ બધું ઉતાર્યું અને ઉમેર્યું: ‘લ્યુસી, યુનિવર્સિટીઓ અને બીજા અનેક અભ્યાસીઓ અનેક સંશોધનો દ્વારા જે શોધવા કે પ્રસ્થાપિત કરવા માગે છે તે જ વાત આ અફાટ અરણ્યો વચ્ચેના નાનકડા શહેરમાં એક અભણ વૃદ્ધા ગાતી હતી. તું ગ્રીસ અને ઇજિપ્ત જવાની છે તો હવે તારે અહીં પણ આવવું રહ્યું…’

હું નાહીને તૈયાર થયો ત્યારે સુપરિયા પરસાળમાં બેસીને વાળમાં તેલ નખાવતી હતી. પાર્વતીમા પાછળ બાજઠ પર બેસીને તેના છુટ્ટા વાળમાં તેલ નાખીને ગૂંચો ઉકેલતાં હતાં. સવારના ઉજાશમાં સુપરિયાનો ગોરો, શાંત અને નિર્મળ ચહેરો જોતાં આ સ્ત્રી આ વનોમાં આદિવાસીઓ વચ્ચે રહીને કામ કરતી હશે તેવું માનવું મુશ્કેલ લાગે.

છેલ્લાં કેટલાંયે વર્ષોથી મેં માણસોને સુખ-સગવડો ભોગવતાં જ જોયાં છે. જેમ વધુ સંપત્તિ તેમ વધુ સુખ એવું માનતી દુનિયામાં મેં અત્યાર સુધીના જીવનનો મોટો ભાગ ગાળ્યો છે. કંઈક મેળવી લેવાની, કંઈક પામવાની, હોદ્દાઓને કે ચંદ્રકોને જીતવાની ભૂખ જગાડવાનો તો મારો ધંધો. મારી પાસે તાલીમ પામીને વિજયી થયેલા કેટલાય ચહેરાઓ મને યાદ છે; પણ એમાંના સર્વાધિક સુંદર ચહેરા પર પણ મેં સુપરિયાના ચહેરા પર દેખાય છે તેવી, ઊઘડતી સવાર જેવી પ્રાકૃતિક સૌંદર્યની ઝાંય જોવાનું યાદ નથી આવતું. હા, લ્યુસી ક્યારેક વિચારમાં બેઠી હોય ત્યારે તેના ચહેરા પર સૌમ્યતા છલકાતી; પરંતુ આટલું સરળ સૌંદર્ય તો લ્યુસીનું પણ નથી.
અમે નીકળ્યાં ત્યારે પાર્વતીમાએ સુપરિયાને સંભાળીને જવા કહ્યું અને ઉમેર્યું, ‘છોરી, એક વાર તેરી મા કા પતા મિલે…’

તેમની અંગત વાતમાં દખલ ન થાય તેથી હું આગળ જઈને ઊભો; પરંતુ માજીના શબ્દો મારી જિજ્ઞાસાને ઉત્તેજિત કરી ગયા. કોણ અને ક્યાં હશે સુપરિયાની મા? – એ પ્રશ્ન મનમાં જ સમાવીને હું આગળ ચાલ્યો.

શહેરથી દસમા મોડે અમને ઉતારીને ગુપ્તાજીએ વિદાય લીધી. આઠેક આદિવાસીઓ ત્યાં હાજર હતાં. પેલી ગઈ કાલે ટ્રેનમાં હતી તે પુરિયા પણ હતી. તેના પર મારી નજર પડતાં તે મીઠું હસી. તેનું મધુર સ્મિત અમારા પર છવાઈ ગયું. સુપરિયાએ તેને આવકારી, ‘આવી છે તું?’

‘હોવ.’ પુરિયાએ કહ્યું. પુરિયાની પાછળ ઊભેલી એક સ્ત્રીને કદાચ આ ન ગમ્યું કે ગમે તેમ, તેણે પુરિયાનો ચોટલો ખેંચ્યો અને કહ્યું, ‘ચડ ગઈ હો, પર તુંને સીધી ની કરાં તો મુંને બોલના.’ જવાબમાં પુરિયા કંઈ બોલી નહિ, માત્ર હસીને અંગૂઠો બતાવ્યો.

બધાંએ થોડોથોડો સામાન ઉઠાવ્યો. આશ્રમના સામાનનાં પોટલાં મોટાં હતાં તે છોડીને નાનાં બનાવીને વહેંચી લીધાં અને અમે ચાલ્યાં. આદિવાસીઓ કેડી પર એકસરખી લાઇનમાં એકની પાછળ બીજો તેમ ચાલ્યા જતાં હતાં. એ લોકો આગળ નીકળી જાય ત્યારે અમારી રાહ જોતા ઊભા રહેતા. તેમની વાતો સતત ચાલ્યા કરતી. આટલું બધું બોલ-બોલ કરતાં ચાલવાનું કારણ શું હશે તે મને ન સમજાયું.

સુપરિયા કહે, ‘જેટલું બોલે છે એટલાં જ મૂંગાં પણ રહી શકે આ બધાં. અત્યારે તો સાંભળ્યું છે કે વાઘ આ તરફ આવ્યો છે એટલે કલબલાટ કરશે. બાકી તો બાજુમાંથી પસાર થઈ જાય તોપણ ખબર ન પડે એટલાં શાંત અને સાવચેત હોય આ બધાં.’

નીચે ઊંડી ખીણ ધરાવતી પર્વતીય ધારના મથાળે અમે કેડી પર ચાલ્યા જતાં હતાં. અચાનક ખીણમાંથી ફૂટી નીકલ્યા હોય તેવા લગભગ એકસરખા ચહેરાવાળા બે આદિવાસીઓ કેડી પર આવ્યા.

‘આ બિત્તુબંગા આવી ગયા.’ સુપરિયાએ કહ્યું અને આગળ ભાર વહી જતાં માણસોને બૂમ પાડીને કહ્યું, ‘હવે અમારા માટે રોકાશો નહિ, આ બેઉ જણ આવી ગયા છે.’ બે યુવાનોમાંથી એક અમારી આગળ અને બીજો પાછળ ચાલ્યો.

‘તો આ તમારા બિત્તુબંગા!’ મેં બેઉ આદિવાસીઓને જોતાં કહ્યું, ‘મને તો એમ કે બિત્તુબંગા એક જ વ્યક્તિનું કે કોઈ જાતિનું નામ હશે.’ જવાબમાં સુપરિયા પોતાનો થેલો પેલા આદિવાસીના હાથમાં આપતાં બોલી, ‘છે તો બે જુદાં નામ, પણ અહીં તે એક જ નામ તરીકે વપરાય છે. બેમાંથી કોઈ એકને બોલાવીએ તોયે અમને બિત્તુબંગા જ બોલવાની ટેવ પડી ગઈ છે.’

‘બિત્તુબંગા જ બોલે હે.’ એમાંના એક યુવાને સુપરિયાની વાતમાં સૂર પુરાવ્યો.

‘નીચે ખીણ છે તે કાકરાખોહ.’ સુપરિયા મને બધું બતાવતી હતી: ‘સામેની ડુંગરધાર પર પણ આવો જ રસ્તો છે. ત્યાંથી પણ કેન્દ્ર પર જઈ શકાય, પણ થોડું લાંબું પડે.’
આગળ જતાં વચ્ચે એક પથ્થર પર બેસીને રડતી પુરિયા મળી. ‘વળી તને શું થયું?’ કહેતાં સુપરિયા તેની પાસે ગઈ.

‘રામબલી પીટા હોગા.’ બિત્તુબંગા બોલ્યા. સુપરિયા થોડી ખિજાઈને બોલી, ‘તેના વર જોડે ધિંગામસ્તી કરે છે તે રામબલીને જરાય ગમતું નથી. એ જાણે છે તોયે શા માટે તોફાન ઊભું કરે છે?’

‘મું કુછ નીં કરા.’ પુરિયા મોં ચડાવીને બોલી, ‘ઓ મુંને સોતન બોલે હે.’ પુરિયાની આ વાત પર સુપરિયા મૌન સેવી રહી. બિત્તુબંગાએ તરત પ્રતિભાવ આપ્યો, ‘ઓ તો એસા જ સોચે હે. પૂરી સેતાન હે રામબલી.’

‘ઊઠ હવે, ઊભી થા.’ સુપરિયાએ કહ્યું અને ઉમેર્યું, ‘સાસરે જતી રહે તો આ ઝઘડા તો ન થાય.’ પુરિયાએ કંઈ જવાબ ન આપ્યો. તે ઊભી થઈને અમારી આગળ ચાલવા મંડી. અમે આઠેક કિલોમીટર ચાલ્યાં હોઈશું, પણ વાતોમાં અને ઘનઘોર વનોને નીરખવામાં કેન્દ્ર પર ક્યારે પહોંચી ગયાં તેની ખબર પણ ન પડી.”

* * *

અક્ષરનાદ નર્મદાની આ અદ્વિતિય કથા – તત્ત્વમસિ આપને માટે નિ:શુલ્ક રજુ કરે છે. તો સામે પક્ષે અક્ષરનાદને આર્થિક બોજથી દૂર રાખવા ધ્રુવભાઈએ પણ આ પુસ્તક અક્ષરનાદ પર રજૂ કરવા કોઈ જ રકમ લીધી નથી, અરે તેમણે રોયલ્ટી લેવાની પણ ના કહી. તો આખરે અમે એવા નિષ્કર્ષ પર પહોંચ્યા કે અક્ષરનાદ પર તત્ત્વમસિ નિ:શુલ્ક વાંચન માટે ઉપલબ્ધ થાય, અને વાચક પર ભરોસો રાખીએ. અહીં અક્ષરનાદ પર તત્ત્વમસિ વાંચીને કદાચ કોઈકને મનમાં થાય કે લેખકને ભલે પ્રતિક રૂપે, પણ વળતર મળવું જ જોઈએ તો જે તે ભાવક નિઃશુલ્ક વાઁચવા મળેલા આ ખજાના બદલ પોતાને ગમે તે રકમ ધ્રુવભાઈના ખાતામાં સીધી ભરી શકે છે. આ એક આગવો પ્રયાસ છે, ધ્રુવભાઈની જેમ વધુ સર્જકો આમ નિર્લેપ પોતાનું સર્જન સર્વે માટે ઉપલબ્ધ કરી શકે એ માટેની જવાબદારી હવે વાચકની બની રહે છે. મને અક્ષરનાદના સુજ્ઞ વાચકો પર વિશ્વાસ છે કે તેઓ મને નિરાશ નહીં જ કરે. ધ્રુવભાઈ ભટ્ટની બેન્કની વિગતો આ સાથે આપી છે.
Name of account : Bhatt Dhruvkumar Prabodhrai
Name of the Bank HDFC bank
Account number : 01831930001854
IFSC : HDFC0000183
Branch : Lambhvel Road, Anand.
Type of Account : Saving

* * *

‘પ્રિય લ્યુસી,

ટ્રેનમાંથી ઊતરીને લખવો શરૂ કરેલો તે અધૂરો પત્ર આજે બે મહિના પછી પૂરો કરવા બેઠો છું. વચ્ચે પ્રોફેસર સાહેબને મેં મોકલેલ ડાયરીના ઉતારાઓ તેં પણ વાંચ્યા હોય તો સારું.

આ પત્ર આજે લખવાનું યાદ આવ્યું તેના કારણમાં આગળ વર્ણવ્યું છે તે શ્વાનમંડળ જેવા ચિત્રનું પુનર્દર્શન છે. હું જ્યાં બેઠો છું ત્યાં લખ્યું છે ‘સોભદરા બાગાન’, પછી ‘બિત્તુબંગા’ અને નીચે પેલાં ટપકાં.

બિત્તુબંગાને તો તું હવે ઓળખતી હોઈશ તેમ માની લઉં છું. ‘સોભદરા બાગાન’ એટલે એક પરમસૌંદર્યમયી રાજકુમારી, શ્રીકૃષ્ણની બહેન સુભદ્રાનો બાગ. એ દ્વારિકામાં હોવો જોઈતો હતો પણ અહીં છે તે આ બિત્તુબંગાની કલ્પનાને કારણે.

અમારા કેન્દ્રથી એકાદ માઈલ દૂર એક નાનકડું ચર્ચ છે. પાદરી થોમસ નીચે તળેટીમાં રહે છે. હું અહીં ફરવા આવું ત્યારે ક્યારેક થોમસ મળે તો હું તેની સાથે ચર્ચના પગથિયે બેસું છું. ચર્ચથી થોડે નીચે ઊતરતાં એક તળાવડી પાસે બિત્તુબંગાનો સર્જેલો આ સોભદરા બાગાન. અહીંથી દૂરદૂર સુધી ટેકરીઓની હારમાળા જોઈ શકાય છે. તું તો આ સ્થળનું સૌંદર્ય જુએ તો તસવીરો ખેંચતી જ રહે.

પેલાં ટપકાંનું ચિત્ર તે બિત્તુબંગાનું પોતાનું પરિચય ચિહ્ન હશે તેમ માનું છું. તેઓ આવું ચિહ્ન શા માટે કરે છે તે મેં પૂછ્યું નથી. હવે બીજી વાર એ જ ચિત્ર જોયા પછી પૂછવાનું મન થાય છે. જે જાણીશ તે મને લખીશ…”

પત્ર પૂરો કરીને હું પાછો જવા નીકળ્યો. સાંજ ઢળતી હતી. થોડી વારમાં અંધકાર ઊતરી આવશે. આશ્રમે પહોંચીને સીધું રસોડે જવું પડશે. હું જરા ઉતાવળે ચાલ્યો ત્યાં સામેથી બિત્તુબંગાને આવતા જોયા. ‘ક્યાં ઊપડ્યા બેઉ જણ?’ મેં પૂછ્યું. ‘બાગાન.’ બેઉએ જવાબ આપ્યો. હું વધુ કંઈ પૂછું તે પહેલાં તે આગળ નીકળી ગયા.

સંધ્યા ઢળતાં હું ઘરે પહોંચ્યો. મારા, વાંસની દીવાલો અને લીંપણવાળા સુઘડ ઘરમાં આવીને મેં પત્ર કવરમાં મૂકીને સરનામું કર્યું. આવતી કાલે સવારે સ્ટેશને જતા કોઈ સાથે ટપાલ મોકલી દઈશ તેવું વિચારીને પત્ર સાચવીને મૂક્યો. અંદરના ઓરડામાં જઈને મારી થાળી લઈ હું રસોડા તરફ જવા નીકળ્યો. વચ્ચે કેન્દ્રની ઑફિસ, તેની પેલી તરફ સુપરિયાનું વાંસ-લીંપણવાળું ઘર. સુપરિયા બહાર બેસીને કંઈક વાંચતી હોય તેવું લાગ્યું. મને જતો જોઈને તે ઊભી થઈ. બત્તી બુઝાવી અને વાસણ લેવા અંદર ગઈ.

વાંસના કુટીર ઉદ્યોગોમાં કામ કરતાં આદિવાસીઓ હાથ-પગ ધોઈને ઘરે જવાની તૈયારી કરતાં હતાં. પેલી તરફ હાથ-કાગળનું કારખાનું તો ક્યારનુંય બંધ થઈ ગયું છે.
હું રસોડે પહોંચ્યો ત્યાં પાછળ જ સુપરિયા આવી. ‘આપણે સહુથી પહેલાં છીએ.’ તે બોલી અને રસોડામાંથી તપેલાં ઊંચકીને ઓટલા પર મૂકતી કમળાડોશીને કહ્યું, ‘બીજાં તારા બેલ પાડવાની રાહ જોતા હશે.’

કમળાએ ભોજન તૈયાર હોવાની સૂચના આપતી ઘંટી વગાડી. થોડી વારમાં દશેક આદિવાસીઓ આવી પહોંચ્યાં. બાબરિયો, ઝૂરકો, પુરિયા, રામબલી, મીઠિયો – બધાં આવીને અમારી પાછળ જ લાઈનસર ઊભાં. કમળા માંદી હોય તેમ વારેવારે સાડલાના છેડાથી નાક સાફ કર્યા કરતી હતી. મને સૂગ અને ચીડ ચડી. સુપરિયાએ કહ્યું, ‘કમળા, કાલે તું રસોઈ ન કરીશ. હું રામબલીને કહું છું કે એકાદ દિવસ રસોડું પણ સંભાળે. તું દવા લઈને આરામ કરજે.’

‘બે મહિનાથી મેં ખાસ કશું કામ કર્યું નથી.’ જમતાં-જમતાં મેં સુપરિયાને કહ્યું. ‘સિવાય કે તમારું મધકેન્દ્ર સંભાળ્યું.’

‘એ તો કર્યું ને?’ સુપરિયા હસીને બોલી, ‘તમે આવ્યા પછી મધ વધારે જમા થાય છે. અમારામાં આવું બને ત્યારે માણસનાં પગલાં સારાં છે તેમ કહેવાય.’

‘મધનું વજન કરીને વાસણો ભરતાં વાર લાગે છે. વળી થોડું બગડે પણ છે. આપણે કમ્પ્યુટરાઇઝ્ડ વજનકાંટો અને બૉટલ ભરવાનું મશીન વસાવી ન શકીએ?’ મેં અમસ્તું પૂછ્યું.

સુપરિયા એકદમ ચમકી હોય તેમ મારી સામે જોઈ રહી. તેના મુખભાવ જોતાં મને લાગ્યું કે તે કંઈક ઊંડા વિચારમાં પડી ગઈ છે. ધીમેથી તે બોલી, ‘વસાવી શકાય, પણ હમણાં તેની જરૂર નથી લાગતી.’

ભોજન પૂરું થયું ત્યાં સુધી તે કંઈ બોલી નહિ. અમે સાથે જ કૂંડી પર જઈને થાળી સાફ કરી. પછી ઘર તરફ પાછાં જતાં હતાં ત્યારે સુપરિયાએ કહ્યું, ‘મારે હિરનીટોલા જવું છે. તમે સાથે આવો તો વચ્ચે શાસ્ત્રીકાકાને મળી લઈએ.’

‘એમને મળવું જરૂરી છે?’ મેં પૂછ્યું. ‘શાસ્ત્રીકાકા’ એટલે ગુપ્તાજીના ગણેશ શાસ્ત્રી જ હોઈ શકે અને તેમને મળવું મને જરૂરી લાગતું ન હતું.

‘તમે આવવાના છો તે જાણીને તેમણે તમને મળવાની ઇચ્છા દર્શાવેલી. એ વડીલ છે અને સંસ્થાના મૂળ સ્થાપકોમાંના એક છે.’ સુપરિયાએ, મારા મનોભાવ જાણી ગઈ હોય તે રીતે જવાબ આપ્યો.

‘જઈશું,’ મેં કહ્યું, ‘તમે કહો ત્યારે.’

‘હમણાં તો મારે જબલપુર જવું પડે તેમ છે.’ સુપરિયા બોલી, ‘મારે મધ ઉછેર કેન્દ્રો સ્થાપીને આદિવાસીઓને કામ મળે તેવું ગોઠવવું છે. તે પછી આપણે જઈ આવીએ.’
‘હું જઈ શકું જબલપુર?’ મેં પૂછ્યું અને ઉમેર્યું, ‘આમેય મારે બીજું કામ નથી.’ શહેરમાં જવાની ઇચ્છા તો મને હતી જ.

‘ભલે.’ સુપરિયાએ કહ્યું.

અમે ઘર પાસે પહોંચ્યાં. સુપરિયા પગથિયું ચડીને અંદર જતી હતી ને મેં કહ્યું, ‘આ કમળાએ નિવૃત્ત થવું જોઈએ એવું નથી લાગતું?’ અચાનક સુપરિયા થંભી ગઈ. ત્યાં પગથિયા પર જ ઊભી રહીને પાછી ફરી મારા સામે જોઈને પૂછ્યું, ‘કેમ?’

તેની નજરમાં પોતાના અધિકારક્ષેત્રમાં મારા અનધિકાર પ્રવેશની નોંધ લેવાયાનો ભાવ હું જોઈ શકું તેટલો સ્પષ્ટ હતો.

‘તે થાકી જાય છે.’ મેં અચકાઈને કહ્યું, ‘ને રસોઈ પણ.. અને સ્વચ્છતા જાળવી શકતી નથી. જુઓ ને, તે પોતે જ કેટલી ગંદી અને બીમાર જેવી દેખાય છે! આજે તેનું કામ આપણે બીજાને સોંપવું પડ્યું.’

સુપરિયાના મોં પર વેદનાની ઝાંય પસાર થઈ ગઈ. તે કંઈ બોલ્યા વગર મારી સામે જ જોઈ રહી. તેને મૌન સેવતી જોઈને મારી હિંમત વધી. મેં આગળ કહ્યું, ‘જેમની પાસેથી આપણે તેમની બુદ્ધિનું, તેમની આવડતનું, અનુભવનું કામ લેવાનું ન હોય તેવા માણસોને ચાલીશ-બેતાલીશ વર્ષે છૂટા કરી યુવાનોને કામ પર લેવા જોઈએ. તો આપણને શ્રમ સસ્તો પડે. કમળા તો સાઠ વર્ષની થવા આવી. સંસ્થાને આર્થિક રીતે આવાં માણસો ન પોસાય.’

જવાબમાં સુપરિયા સહેજ હસી, તેની આંખો ચમકી અને મને કલ્પના પણ ન હોય તેવા શબ્દો તેણે મને કહ્યા, ‘સંસ્થામાં પોતાની રસોઈ જાતે કરી લેવાની છૂટ છે.’ હું સમસમી ગયો. સુપરિયા પાછી ફરીને ઘરમાં જતાં કહેતી ગઈ, ‘જબલપુર જઈ આવો. તમારે પછી કમળાને અક્ષરજ્ઞાન આપવાનું થશે. મારે એને ભણાવવી હતી, પણ કામ આડે હું ન કરી શકી. તમે કરી શકશો.’ અને અંદર ચાલી ગઈ.”

તે દિવસે જબલપુર જવા નીકળતાં અગાઉ ડાયરી લખી; પછી નિયમ તૂટ્યો. આજે ફરી પીપળાના વૃક્ષ હેઠળ બેસીને ડાયરી લખું છું. લ્યુસીને પત્ર પોસ્ટ કર્યાને દિવસો થયા. તેનો જવાબ કેન્દ્ર પર આવ્યો હશે. હું ક્યારે કેન્દ્ર પર જઈ શકીશ તે ખબર નથી. કીકો વૈદ કહે છે કે હવે એકાદ અઠવાડિયામાં તો હું દોડતો થઈ જઈશ.

જબલપુર જવા નીકળ્યો ત્યારે વહેલી સવારના પાંચ વાગ્યે બિત્તુબંગા મારો સામાન લેવા આવેલા. સામાનમાં તો ખભાથેલામાં બે જોડ કપડાં, કૅમેરા, બાઇનૉક્યુલર અને કામના કાગળો. છતાં તે લોકોએ મને સામાન ઉપાડવા ન દીધો.

સાડાપાંચ-પોણાછ સુધીમાં તો અમે કાકરાખોહની ધાર ઓળંગી ગયા. અજવાળું ડોકાવાની તૈયારીમાં હતું. પંદર ડગલાં આગળ ચાલતા બિત્તુને હવે દેખી શકાતો હતો. આગળ જતો બિત્તુ ઊભો રહી ગયો અને બોલ્યો, ‘બંગા, કાલેવાલી મા જા રઈ હે.’

‘કોણ?’ બંગા કંઈ કહે તે પહેલાં મેં પૂછ્યું.

‘કાલેવાલી મા. વાં પર જા રઈ હે.’ બિત્તુબંગા એકસાથે બોલ્યા અને નીચેના ઢોળાવ પર એક ખુલ્લી જગ્યા તરફ આંગળી ચીંધતાં આગળ કહ્યું, ‘ઓ પથરતલા પર દિખેંગી.’

આટલે દૂર કોઈ ચાલ્યું જતું હોય તેનો અવાજ કદાચ આ બંને વનવાસીઓના કાન પકડી શકે; પરંતુ કોઈ નિશ્ચિત વ્યક્તિ જ જાય છે, અમુક દિશામાં જ જાય છે અને અમુક સ્થળે હમણાં દેખાશે તેની ખબર શી રીતે પડે તે મને સમજાયું નહિ. પણ ‘કાલેવાલી મા’ શબ્દે મારી જિજ્ઞાસા સતેજ કરી દીધી. મેં પેલી ‘પથરતલા’-નામધારી જગ્યા પર નજર માંડી. હમણાં જ માથા પર પીંછાં કે પાંદડાં ખોસેલી, આદિવાસી ભૂવા માફક હાથમાં ઝાડુ-દંડો લઈને તેમની કાળીદેવી દૃશ્યમાન થશે તે આશાએ મેં દૂરથી પૂરું સૂઝે તેવો ઉજાશ ન હોવા છતાં જોયા કર્યું.

થોડી વારે બે ઊંચા લંગોટધારીઓ ઝાડીમાંથી ખુલ્લી જગ્યામાં આવ્યા. બંનેના ખભા પર તીર-કામઠાં હોય તેવું લાગ્યું. વળતી ક્ષણે જ કાળાં વસ્ત્રો પરિધાન કરી મોં પર ઘૂંઘટ ખેંચેલી સ્ત્રી-આકૃતિ બહાર આવી અને તરત પાછળ બીજા બે લંગોટધારી આદિવાસી. બધાં જ એક લાઇનમાં ચાલ્યાં જતાં હતાં.

પેલી સ્ત્રીની ચાલવાની ઢબ, તેણે પહેરેલાં વસ્ત્રો અને આગળ ચાલતાં નમીને કાંટા-ઝાંખરાં ખસેડવાની તેની રીત પરથી મને તે અરણ્યવાસિની ન લાગી.

‘કોણ હતું?’ એક વાર જવાબ મળી ગયો હોવા છતાં જિજ્ઞાસાવશ હું ફરી પૂછી બેઠો. ‘કાલેવાલી મા.’ બિત્તુબંગા પાસે આથી આગળનો જવાબ ન હતો. ‘તમારાં દેવી છે?’ મેં પૂછ્યું.

‘સબન કા દેવી. પૂરા જંગલ માને હે.’ બસ, આવો અણઘડ ઉત્તર.

‘બિત્તુ,’ મેં પૂછ્યું, ‘તને શી રીતે ખબર પડી કે કાલેવાલી મા જ ચાલી જાય છે?’

‘પાંવ પકડ લેવે સાઠસાલી કા.’ બંગાએ કહ્યું. ‘હોવ પાંવ પકડ લેવે.’ બિત્તુએ પણ એ જ શબ્દો દોહરાવ્યા. વચ્ચે પગ પકડવાની અને સાઠસાલી જેવા શબ્દોની વાત ક્યાંથી આવી? મારા મગજમાં કંઈ ઊતર્યું નહિ.

મને બિત્તુબંગાની વાત કરવાની આગવી લાક્ષણિકતા અકળાવતી હતી. તેમની વાત સમજવા મારે ખાસી મહેનત કરવી પડતી. લ્યુસી સાથે હોત તો સરળ પડત. તેને તો અજાણ્યા પ્રદેશોમાં રખડતાં, ભાષા વગર વાત કરતાં આવડી ગયું છે. મેં કોશિશ ચાલુ રાખી. ધીમેધીમે પૂછીને સ્ટેશને પહોંચતા સુધીમાં હું આટલું જાણી શક્યો:
અરણ્યોમાં આદિવાસીઓની અનેક જાતિઓ વસે છે. તેમાંના દરેકની ચાલવાની, બોલવાની ઢબ અલગ અને આગવી હોય છે. આ બધાં એકબીજા સાથે જ રહેવાં હોવા છતાં તેમની પોતાની આગવી ઢબ-છટામાં ખાસ લઢણ જાળવી રાખતાં હોય છે. હા, કેટલાંક ગામમાં ડાયા અને તેમના ચોરંટા જરૂર પડે તો બીજી જાતિના માણસની ચાલ અને બોલીની નકલ કરવામાં માહેર હોય છે.

આ બધામાં એક અલગ અને અનોખી જાતિ છે: સાઠસાલી. ખૂબ ઊંડાં વનોમાં રહે છે; બીજી જાતિ સાથે કોઈ વ્યવહાર ભાગ્યે જ રાખે છે અને ખાસ જરૂર વગર તે લોકો પોતાનો વિસ્તાર છોડીને ક્યાંય જતા નથી, નથી કોઈ એમની રજા વગર તેમના ઇલાકામાં જતું. તેઓ પોતાની જાતને નબળાનાં રક્ષણહાર અને વનોનાં રક્ષકો ગણે છે.
આજે કાલેવાલી માને નર્મદાસ્નાન માટે કે કોઈનાં દવા-દારૂ માટે બહાર નીકળવાનું થયું હશે એટલે રક્ષક તરીકે સાઠસાલીઓ તેની સાથે નીકળ્યા છે. તેમના ચાલવાથી થતો પાંદડા-ડાંખળાં તૂટવાનો અવાજ સાંભળીને બિત્તુબંગાને ખબર પડી કે સાઠસાલીઓ આ તરફ ચાલ્યા આવે છે અને સાઠસાલી આ તરફ આવે તો કાલેવાલી માના રક્ષકો તરીકે આવવું પડે એટલે જ આવ્યા હોય; તે ધારણા પર તેમણે વધુ ધ્યાન આપ્યું તો કાલેવાલી માનાં પગલાંનો અવાજ પણ ઓળખી શક્યા.

મારા આશ્ચર્યનો પાર ન રહ્યો. મને સ્પષ્ટ સમજાયું કે આ સહેલું નથી. અરણ્યો ગમે તેટલાં શાંત અને અબોલ હોય, આટલે દૂરથી ક્યાં કોણ જાય છે તે પારખી લેવું હોય તો આ વનોમાં જ જન્મવું પડે, અહીં ઊછરવું પડે. મારા જેવા યાયાવર માટે આ શક્ય નથી.

સ્ટેશન આવ્યું ન આવ્યું ને બિત્તુબંગા ભાગ્યા. કહે, ‘કાલેવાલી મા કા દરસન કરેંગે.’ મેં કહ્યું, ‘મારા પણ પ્રણામ કહેજો તમારાં દેવીને.’

‘ઓ તો નીં બોલે હે.’ તેમણે જવાબ આપ્યો. આટલા ટૂંકા વાક્યમાં મારે સમજી લેવાનું હતું કે કાલેવાલી મા કાં તો મૌન પાળે છે કાં તો બીજી આદિવાસી કોમનાં માણસો સાથે બોલતી નથી અથવા મૂંગી છે. મારા મન પર રહસ્યનો બોજ લાદીને બંને જણ ગયા.

ટ્રેન આવવાને હજી એકાદ કલાક હતો. મેં થોડું વાંચ્યું. પછી લટાર મારવા નીકળ્યો. સ્ટેશનથી થોડે આગળ નાનું ગરનાળું છે. તેની પેલી તરફ સિગ્નલ લાઇટનો થાંભલો, ત્યાં સુધી જઈને પાછા ફરવાનું વિચારીને હું ચાલતો જતો હતો. ટ્રૅક પાસે ઊગેલા ઘાસમાં ચાલ્યો જતો હતો. ચાલવા માટે આવી સપાટ જગ્યા આ અરણ્યોમાં ભાગ્યે જ ક્યાંક મળતી હોય છે.

ગરનાળા પાસે પહોંચીને હું ઊભો રહ્યો. આગળ જવું હોય તો મારે આ ઘાસ-કેડી છોડવી પડે. નાળું ઓળંગવા વચ્ચેનાં સ્લીપર્સ પર જવું પડે. મેં અહીંથી જ પાછા ફરવા વિચાર્યું. થોડી વાર નાળાના થાંભલા પર ઊભા રહીને મેં નીચે વહેતું ઝરણું નિહાળ્યા કર્યું. પથ્થરો વચ્ચેથી વહી જતું શુદ્ધ, પારદર્શક પાણી, શાંત અરણ્યો અને પ્રભાતનો કૂણો તડકો! સામે છેડેથી એક નોળિયો પાણી પીવા ઊતર્યો. મેં ઝોળીમાંથી કૅમેરા કાઢ્યો. નોળિયો ઝરણાના કિનારે નાના પથ્થર પર બેઠો. આગળના પગ અને શરીર ઊંચું કરીને તેણે આસપાસ જોયું અને પછી નમીને, ઝરણામાં મોઢું બોળીને તરત ચપળતાથી પાછો ઘાસ પાછળ અદૃશ્ય થઈ ગયો. મારા સંગ્રહમાં અલભ્ય એવી થોડી તસવીરો મળ્યાના સંતોષ સાથે હું પાછો ફરવા વળ્યો. કૅમેરા થેલીમાં મૂકવા સાથે મેં ડગલું ભર્યું. મારું ધ્યાન ચાલવામાં ન હતું. થાંભલા પર નિશાની માટે ખોસેલો પાટાનો ટુકડો મારા પગમાં ભરાયો. હું પડું છું એવું ભાન થતાં જ મેં જાત સંભાળવા પ્રયત્ન કર્યો. દૂરથી કોઈનો ‘એ… હે’ એવો સ્વર સંભળાયો. પછી શું થયું તે મને યાદ નથી.

ભાન આવ્યું અને આંખો ખૂલી ત્યારે હું ખાટલા પર સૂતો હતો. ચારે તરફ નિર્જન એકાંત. મેં સૂતાં-સૂતાં જ ડોક ફેરવી. થોડું દર્દ થયું અને મારી નજર સમક્ષ પૃથ્વીનું એક ભવ્યતમ સ્વરૂપ ખુલ્લું થયું. હું સૂતો હતો ત્યાં સામે પથ્થરની, સિત્તેર-એંશી ફૂટ ઊંચી, અર્ધચંદ્રાકારે પથરાયેલી કરાડોમાં પોતાનાં મૂળ જમાવીને ટકી રહેલાં પુરાતન વૃક્ષો છે. કરાડોની તળે જે ચોક જેવા ભાગમાં હું સૂતો હતો ત્યાં સામે નાનકડું શિવમંદિર તથા પથ્થરમાંથી જ કોતરીને સર્જ્યો હોય તેવો વિરાટ નંદી.

બીજી તરફ નજર દોડાવું તો આ વિશાળ ચોકના છેડે લોખંડની રેલિંગ. રેલિંગ પાછળ દૂર કોઈ નદીનો સામો કિનારો હોય તેમ હારબંધ ચાલી જતી પથરાળ કરાડો અને રેલિંગ પાછળથી વહી આવતો વહેતાં જળનો ખળખળાટ.

મારા દર્દની, હું ક્યાં છું તેની અને ‘મારું શું થશે?’ તેની ચિંતા ન હોત તો આ સ્થળની ભવ્યતાને, એના એકાંતને મન ભરીને માણતો રહેત. પરંતુ તે સમયે તો મારી પહેલી ઇચ્છા કોઈ માણસને મળવાની હતી.

મંદિરની પાછળ પથ્થર પર કંઈક વટાતું હોય તેવો અવાજ આવતો હતો. થોડી વારે કોઈ પુરુષનો સ્વર સંભળાયો, ‘દવાખાને ન લઈ જવો પડે. આ કીકો વૈદ દરદીને અડે ને એને ખબર પડી જાય કે દેહમાં ક્યાં તકલીફ છે.’ થોડી વાર મૌન છવાયું અને ફરી એ જ સ્વર સંભળાયો, ‘મારી સાતમી પેઢીએ પોપટ વૈદ્ય થઈ ગયા એ તો નજર માંડીને રોગ પારખતા ને ઉપચાર કરતા. મહારાજ, વૈદું તો અમારા કુટુંબના લોહીમાં. મારો દરદી સાજો જ થશે. ચિંતા ન કરશો. કંઈ ભાંગ્યું-તૂટ્યું નથી. હા, જીભ દાંત વચ્ચે આવી ગઈ એ ઘા છે, પણ દવાખાને નહિ જવું પડે.’

મને ચીસ પાડીને પેલા માણસોને બોલાવવાનું મન થયું, પણ ગળામાંથી અવાજ કાઢવા સિવાય કંઈ થઈ શક્યું નહિ. જીભ અને હોઠ પર અસહ્ય વેદના થઈ. માથામાં પાછળના ભાગે સણકો આવી ગયો.

મારો અવાજ પેલા માણસોને પહોંચ્યો હશે. તે બંને જણ મંદિર પાછળથી લગભગ સાથે જ આવ્યા. કીકા વૈદને મેં ત્યારે પહેલ-વહેલા જોયા. ગોઠણ સુધી ધોતી, ઉપર બાંય વગરની બંડી, આખા અરણ્યપથમાં શોધ્યો ન જડે તેવો ઊજળો વાન અને કીકા નામને સાર્થક કરે તેવી બેઠી દડી, હાથમાં વટાયેલી દવાનું પાત્ર. ઉતાવળી ચાલે તે મારા તરફ આવ્યા.

સહેજ પાછળ, ધીરગંભીર પગલે, સ્વસ્થ ચહેરે ચાલતો, અરણ્યોએ ઘડેલો હોય તેવો બ્રાહ્મણ ચાલ્યો આવતો હતો. અર્ધા ઉઘાડા શરીર પર જનોઈ, ચમકતી આંખો, કપાળ પર ત્રિપુંડ, નિર્ણાયક ભાવ. બંને મારી પાસે આવ્યા.

‘સૂતો રહેજે. તને સારું જ છે, પણ બોલવાની કોશિશ ન કરતો. આ કીકો તારી દવા કરે છે.’ પેલા બ્રાહ્મણે કહ્યું. કીકા વૈદે મારી નાડ તપાસી પીઠ તળે હાથ નાખીને દબાવી જોયું, પગ-હાથ હલાવી જોયા અને ‘નર્મદાની કૃપા છે; આટલેથી પડ્યો પણ બહુ વાગ્યું નથી.’ કહીને તેણે સાથે લાવેલો લેપ મારી હડપચી પર લગાવ્યો. પછી કોઈ કડવા ઉકાળામાં પલાળ્યું હોય તેવું કપડું મારા હોઠ પર નિચોવ્યું અને પેલા બ્રાહ્મણ તરફ ફરીને ‘દહાડામાં છ-સાત વખત આ ટીપાં મોંમાં નાખજો.’ એમ કહી, હાથ જોડી, મંદિરમાં દર્શન કરીને તે ગયો.

‘સુપ્રિયાને કહાવ્યું છે.’ પેલા બ્રાહ્મણે શુદ્ધ શબ્દો કહ્યા. ‘તે બહાર ગઈ છે. આજે આવી જવી જોઈએ.’ મેં હાથના ઇશારાથી ‘હું ક્યાં છે?’ તેવો પ્રશ્ન કર્યો તો કહે, ‘નર્મદાને ખોળે. કાલેવાલી મા તને અહીં મૂકી ગયાં. હવે તું તારા ઘરમાં જ છે તેવું માન અને કોઈ વિચારો કર્યા વગર સૂઈ રહે.’ કહીને મને પાતળું વસ્ત્ર ઓઢાડી તે મંદિર પાછળ ગયો. એના સિવાય અહીં બીજું કોઈ હોય તેવું લાગ્યું નહિ.

તો હું નર્મદાને ખોળે હતો. અહીં આ નર્મદાના સમયાતીત પ્રવાહે કોતરી કાઢેલી, વળાંક લઈને ફેલાયેલી માતાના ખોળા જેવી ઘાટીમાં એકલો સૂતો હતો. આ દેશના માનવીને હોય છે તેટલું માનું મમત્વ મને નથી. મારી માનો ખોળો પણ મને સ્પષ્ટ યાદ નથી. તે ખોળામાં સૂવા ન મળ્યાનો અફસોસ પણ મને નથી. છતાં આ બ્રાહ્મણે ‘નર્મદાને ખોળે’ તેમ કહ્યું ત્યારે હૃદયમાં કોઈક ઊંડો, અજાણ ભાવ જાગીને શમી ગયો.

કાલેવાલી મા મને મૂકી ગઈ. એ અજાણી, અદીઠી સ્ત્રી અને તેના સાઠસાલી રક્ષકો મને પેલા નાળા પરથી અહીં લઈ આવ્યાં હશે. પોતાના મલીર પાછળ ચિંતિત ચહેરો છુપાવીને તે મને ઝોળીમાં નાખીને ઊંચકી લાવતા સાઠસાલીઓ પાછળ ચાલતી અહીં સુધી આવી હશે. તેનું નર્મદાસ્નાન કે બીજું અગત્યનું કામ મૂકીને તે મારી સેવા કરવામાં પડી હશે. પછી કીકો વૈદ આવ્યો હશે. જેના કુટુંબમાં વૈદું લોહીમાં છે, તે વૈદ મને શહેરના દવાખાને લઈ જવાની જરૂર નથી તેમ કહીને મારી દવા કરવામાં પડ્યો હશે.

કુટુંબ! આ શબ્દ કીકા વૈદના અવાજમાં કેવો મધુર લાગતો હતો! મારે કુટુંબ નથી. જે દેશમાં હું વસ્યો, મોટો થયો ત્યાં કુટુંબ જેવું ખાસ કંઈ છે નહિ. ગ્રાન્ડપાનું નામ પણ માંડ યાદ રાખનારી પ્રજાને સાતમી પેઢીના પૂર્વજોનું ગૌરવ લેવાની ટેવ તો ક્યાંથી હોય!

કીકાની જેમ દાદા અને પિતા સાથે જંગલોમાં રખડીને વનસ્પતિઓ ઓળખળાનું, વીણવાનું તથા બાપ-દાદા સ્વસ્થતા અને આત્મવિશ્વાસથી દર્દીનો ઉપચાર કરતા હોય તે જોઈ, સમજીને શીખવાનું સદ્ભાગ્ય કેટલા જણને મળતું હશે?

કદાચ આ કુટુંબપ્રથા અને કૌટુંબિક પરંપરાની પ્રથા તો આ દેશને ટકાવનારું બળ નહિ હોય? – એ વિચાર આવતાં જ મને ફરી પાછું નાનીમાને ત્યાં ગાળેલું બચપણનું એક વર્ષ યાદ આવી ગયું.

મહેશમામાના મિત્ર રમણીકમામા અમારે ત્યાં આવતા ત્યારે નાનીમાને અચૂક પૂછતા, ‘બા, એક્કો કેવોક હાલે છ?’ પછી મહેશમામાને કહેતા, ‘તારા બાપુ જીવતા હોત તો ગાડું કેમ ગબડે છે, એમ પૂછત. હવે બા એકલાં ખેંચે છે એટલે એક્કો કહેવો પડે.’

‘ઢાંઢો હાલતો રેય એટલું બસ છે.’ નાનીમા જવાબ આપતાં. ‘એક્કો એની મેળે ખેંચાતો રેય.’ આટલા નાના વાક્યમાં નાનીમાની સંસાર ચલાવવાની, કુટુંબ સાચવવાની રીતથી માંડીને તેમની વ્યથા, તેમની એકલતા, તેમનાં મનોમંથનો – બધું સમાઈ જતું.

કુટુંબનાં સભ્યો સમજણના એક અદૃશ્ય દોરથી જોડાયેલાં હતાં. દેવતાનાના અને નાની વચ્ચે તો અલૌકિક સમજણ પ્રવર્તતી હતી તે મને આજે સમજાય છે. મને બરાબર યાદ છે કે હું નાનીમાને ત્યાં પહોંચ્યો તેના બીજે જ દિવસે સવારે મારે નાહવા માટે ફળિયામાં ડોલ મુકાઈ. મેં જરા આનાકાની કરી તો મામી કહે, ‘આપણે ન્યાં ના’યા વિના ચા-દૂધ પિવાતાં નથ. નાઈ લ્યો જોઉં. નીકર બાને નંઈ ગમે.’

પણ ખુલ્લામાં નાહવા બેસવાની મારી તૈયારી ન હતી. હું ત્યાં જ ઊભો રહ્યો.

‘એને ઉઘાડામાં નાવાની ટેવ નોં હોય. ભાણાને ખાટલો આડો મૂકી દ્યો.’ પાણિયારા પાસે પૂજામાં બેઠેલાં નાનીમાએ કહ્યું.

ઉમેશે ખાટલો ઊભો કર્યો. ખાટલાની આડશે રહીને મેં માંડમાંડ કપડાં ઉતારીને શરીર પર કળશો ઢોળ્યો ન ઢોળ્યો ને ઓસરીમાં બેઠેલા દેવતાનાના ઊભા થયા. કોઈ કશું સમજે, વિચારે ત્યાં મારી પાસે આવતાંક ને એકદમ ખાટલો ખેંચીને બોલ્યા, ‘જય ભોલેનાથ!’

ખલાસ! શેઈમ! શેઈમ! હું ધ્રૂજી ઊઠ્યો.

‘ઓ રે, ઓ રે! દિગંબર!’ ચંદરામાશીની રેણુ સામે થાંભલી પાસે બેસીને માથું ઓળાવતી હતી તે તાળીઓ પાડીને બોલી. માશીએ ‘ચૂપ મર, ચાંપલી!’ કહી તેના વાંસામાં ધબ્બો માર્યો.

હું જ્યાં ઊભો હતો ત્યાં જ ઉભડક પગે ટૂંટિયું વાળીને બેસવા ગયો ત્યાં મારા જ ધક્કાથી ડોલ ઢોળાઈ ગઈ. મારા ક્રોધની સીમા ન રહી. મેં હાથમાં કાદવ ઉઠાવ્યો અને દેવતાનાનાના મોં પર ફેકતાં બોલ્યો, ‘લે, લેતો જા!’

નાનીમા પૂજા પડતી મૂકીને દોડતાં આવ્યાં. પોતાના સાડલામાં મને વીંટાળતાં અંદરની ઓરડીમાં લઈ ગયાં. મને આભાસ થયો કે નાનીમાની આંખમાં પાણી આવી ગયાં છે. મને અંદર એકલો મૂકીને તે બહાર નીકળ્યાં. દેવતાનાના હજી ત્યાં જ ઊભા છે તે બારણામાંથી દેખાતું હતું. નાનીમા તેમની સામે ગયાં. ખોળો પાથર્યો. માથું જમીન પર અડાડીને તેમને પગે લાગ્યાં અને કંઈ જ બોલ્યા વગર પાછાં પૂજા કરવા બેસી ગયાં.

ચંદરામાશી મારાં કપડાં લઈને ઓરડીમાં આવ્યાં. મને કપડાં પહેરાવતાં કહે, ‘બેટા, દેવતાનાના પર હાથ નોં ઉપાડાય. ઈ તો દેવતા છે. ઈને કાંય ખબર થોડી પડે?’ પછી ઉમેરેલું, ‘બાને કેટલું બધું નોં ગમે એવું થ્યું?’

જોકે ચંદરામાશીના છેલ્લા વાક્ય સાથે હું સહમત ન હતો. વાંક કંઈ મારો ન હતો. બાએ પણ પછી ચોખ્ખું કહેલું, ‘ભાણાને કોઈ કાંય કેસો માં. એનો કાંઈ વાંક નથી.’ ત્યાર પછી કોણ જાણે કેમ પણ હું એકદમ ડાહ્યો થઈ ગયેલો. બાને નહિ ગમે એવું લાગતાં જ હું કઠિનમાં કઠિન પરિસ્થિતિ જીરવી જતો. કડવી દવા પી જતો. બાજરાનો રોટલો અને ભાજી ખાઈ જતો. વહેલો ઊઠીને રામ આતાના કૂવે નાહી પણ આવતો.

પેલો ઘીવાળો પ્રસંગ નાનીમાની સમજણનું, કુટુંબ એટલે શું, કુટુંબના સબળા-નબળાની એકબીજા પ્રત્યેની જવાબદારી શું તેનું સ્પષ્ટ દર્શન કરાવી ગયેલો. તે ત્યારે નહોતું સમજાયું, આજ સમજી શકું છું.

તે દિવસે મામીએ પંદર દિવસે થોડું ઘી તાવેલું. અમને બધાંને કહેલું કે સાંજે અમને ઘી-ગોળ-ભાખરીનો લાડુ ખાવા મળશે. ચૂલા પરથી ઉતારીને માટીનો ઘાડવો મામીએ રસોડાના ઉંબરા બહાર પાણિયારા પાસે ઠરવા મૂક્યો. એટલામાં દેવતાનાના પાણિયારે પાણી પીવા આવ્યા. ઘાડવો તેમની નજરમાં આવ્યો કે તરત જ તેમણે ‘જય ભોલેનાથ’ કહેતાં બંને હાથે ઊંચકી લીધો.

‘ગરમ છે! ગરમ છે!’ મર્યાદા રાખતાં હોવા છતાં મામી રસોડામાંથી દોડતાં બહાર આવીને બોલ્યાં; પરંતુ ત્યાં સુધીમાં તો ઘાડવાનો ઘા થઈ ચૂક્યો હતો. ફળિયાની માટીમાં ફિણાઈને ઘી ઠરી ગયું.

‘મહેશ, તપેલીમાં પાણી ભરીને દાદાના હાથ બોળી દે.’ નાનીમા જરા પણ અસ્વસ્થ થયા સિવાય ઊભાં થતાં બોલ્યાં. મહેશમામા તો હવેલીએ જતા રહેલા. ચંદરામાશીએ દાદાના હાથ પર પાણી રેડીને ઉપર દૂધની તર લગાવી. નાના કંઈ બોલ્યા વગર ખૂણામાં જઈને બેસી રહ્યા.

બપોરે મામા હવેલીએથી આવ્યા. મામી રસોડામાં તેમને જમાડતાં હતાં. હું બહાર બેસીને પલાખાં લખતો હતો. અંદર મામા-મામી ધીમે અવાજે કંઈક વાતો કરતાં હોય તેવું લાગતાં મેં પલાખા પડતાં મૂકીને કાન માંડ્યા.

‘ઈ દેવતા માણસ છે. શું કઈએ એને?’ મામાએ કહ્યું.

‘ઈને નોં કે’વાય ઈ સમજું છું.’ મામી કદાચ રડતાં-રડતાં બોલતાં હતાં, ‘આ ભાણો કાંય ખાતો નથ્ય. ઘી થ્યું’તું તે ઈને લાડવો કરી દેવો’તો. ઈ વાતે મને મનમાં લાગ્યું.’
આખો દિવસ કોઈ કંઈ બોલ્યું નહિ. હું માનતો હતો કે મામી રડેલાં તેની મારા સિવાય કોઈને ખબર નથી. મેં રેણુને આ વાત કરવાનું નક્કી કરેલું. ઉમેશ તો મોટો ને નાનિયાને કંઈ એમ થોડું કહેવાય કે બપોરે તારી મા રડેલી?

પણ રાત્રે જ મારો ભ્રમ ભાંગી ગયો. અમે બહાર ખાટલા ઢાળીને સૂતેલા. અમને ઊંઘી ગયેલા જાણીને નાનીમા દેવતાનાનાના ખાટલા પાસે આવ્યાં અને કહ્યું, ‘હાથ બતાવો જોઉં, કેવાક દાઝ્યા છો?’

નાનાએ આજ્ઞાંકિત બાળકની જેમ હાથ ફેલાવ્યા. થોડે દૂર રહી, લાજ આઘી કરીને નાનીમાએ નમીને ચાંદનીના અજવાળે જોઈ શકાય તેટલું જોયું અને કહ્યું, ‘અરેરે! ભગવાને તમને આવું શેં સુઝાડ્યું? આ હાથ આખા કકળી ગ્યા છ!’ પછી પરાણે બોલતાં હોય તેમ આગળ બોલ્યાં, ‘અને મારી શાંતાવહુ રોઈ ઈ વધૂકું.’

ખલાસ! નાનીમાના દુ:ખે મારું હૃદય ચિરાઈ ગયું. મેં ક્યારેય તેમને મોઢે કોઈને ઠપકો અપાયાનું જાણ્યું ન હતું. તે રાત્રે ચાંદનીના અજવાળે, એક માનસિક રીતે નબળા માણસને, જેને પોતાનો વડીલ માનતા હતા તેને, ઠપકાભર્યાં વેણ કહીને પોતાનું વ્રતભંગ કર્યાની પીડા તે વૃદ્ધ સ્ત્રી કેમ સહી શકી હશે તે મને અત્યારે પણ સમજાતું નથી.
તે સમયે દેવતાનાના અને નાનીમાનાં હૃદયોએ જે અનુભવ કર્યો હશે તે વિશે આજ પહેલાં મેં ક્યારેય વિચાર્યું નથી. મેં તો સંબંધોમાં તણાઈ ન જવાની, સ્વસ્થ રહેવાની અને લાગણીવેડાથી દૂર રહીને જાતનું રક્ષણ કરવાની વ્યાવસાયિક તાલીમ લીધી છે. અત્યારે આ અરણ્યોની સાક્ષીએ, તે બંને હૃદયોની વેદના હું એકસામટી અનુભવું છું. તે પ્રસંગ પછી દેવતાનાનાએ ડેલીએ જ બેસી રહેવાનું કેમ રાખેલું તે હવે સમજાય છે…

પેલા બ્રાહ્મણે આવીને ઉકાળાનાં ટીપાં હોઠ પર નાખ્યાં ત્યાં સુધી હું વિચારોમાં ખોવાયેલો રહ્યો. ‘બહુ વિચારો ન કરીશ.’ બ્રાહ્મણ જાણે મારા મનોભાવને જાણી ગયો હોય તેમ બોલ્યો. ‘ઊભા થવાશે? તો ચાલ અંદર.’ કહીને તેણે મને ટેકો કર્યો.

ધીરેધીરે અમે મંદિર પાછળ ગયા. સામે જ ગુફાના મુખ આગળ દીવાલ ચણીને બનાવેલા ત્રણેક કમરા હતા. વચ્ચેના કમરાનું બારણું ખોલીને બ્રાહ્મણે મને અંદર લીધો. વિશાળ ગુફાઘરમાં સુખડની સુગંધ મહેકતી હતી. સામે નાના મેજ પર પથ્થરની દીવાલને ટેકવીને મૂકેલી સિતાર, બાજુમાં તબલાંની જોડ, હારમોનિયમ અને કોઈક ત્રીજું વાજિંત્ર. મારું મન ભરાઈ આવ્યું. આવાં વાજિંત્રોને ખરા સ્વરૂપે હું પહેલી વાર જોતો હતો. ફિલ્મ કે ટેલિવિઝનમાં જોયાં હોય પણ સાચા સ્વરૂપે આ વાદ્યો! મેં અહોભાવથી જોયા કર્યું.

‘સાંભળવું છે?’ બ્રાહ્મણે કહ્યું, ‘સુપ્રિયા આવે પછી વગાડીએ.’ કહી તે દીવાલ પાસે ગોઠવેલા કબાટ તરફ ગયો. કબાટ ખોલીને થોડી ચોપડીઓ કાઢી. મારી નજર કબાટ પર ટાંગેલી તસવીર પર ગઈ. કદાચ સુપરિયાનો અને સાથે કોઈ યુવાનનો ફોટોગ્રાફ ત્યાં ટીંગાતો હતો. અચાનક મારા ગળામાંથી પ્રશ્નાર્થભાવે ‘અં…?’ સ્વર નીકળી ગયો અને મેં ફોટોગ્રાફ તરફ આંગળી ચીંધી.

‘વનિતા અને સુરેશ છે.’ પેલા બ્રાહ્મણે કહ્યું, ‘સુપ્રિયાનાં બા-બાપુ.’ અને ફોટો ઉતારીને મને હાથમાં આપતાં આગળ બોલ્યો, ‘એના જેવો સિતારવાદક ભાગ્યે જ જડે. એ સિતારને જીવી ગયો. આ મંદિર સામે બેસીને અમે વગાડતા; સવાર પડી જતી તોપણ ખબર ન રહેતી.’

મેં ધ્યાનથી ફોટો જોયો. સુપરિયાની માતાનો ચહેરો જ સુપરિયાને વારસામાં મળ્યો છે. ક્યાં હશે આ સ્ત્રી – વનિતા! પોતાની પુત્રીને એકલી છોડીને ક્યાં અને શા માટે ચાલી ગઈ હશે? અને તેનો ફોટો અહીં આ બ્રાહ્મણ પાસે શાથી?

આમાંના થોડા પ્રશ્નોનો ઉકેલ તો સાંજે સુપ્રિયાના આવતાં સાથે જ મળી ગયો. તે આવી. બિત્તુબંગા મંદિરની પરસાળમાં રોકાઈ ગયા. સુપરિયા સીધી જ અંદર આવી અને એક હાથે સાડીનો છેડો માથા પર ઢાંકતી, બીજો હાથ પેલા બ્રાહ્મણના પગ તરફ લંબાવી, નમીને બોલી, ‘પ્રણામ, શાસ્ત્રીકાકા.’

‘આવ, બેટા!’ ગણેશ શાસ્ત્રીએ તેને આવકારી, ‘ઘણું જીવો અને સારાં કામ કરો.’

પછી સુપરિયા મારા તરફ ફરી અને પૂછ્યું, ‘કેમ છે હવે?’ મેં હથેળી ઊંચી કરીને ‘સારું છે’ની નિશાની કરી. સુપરિયાએ મારી પાસે આવીને મારા મોંનું નિરીક્ષણ કર્યું અને શાસ્ત્રીજીને પૂછ્યું, ‘શહેર લઈ જવા છે?’

‘જરૂર નથી.’ શાસ્ત્રીએ જવાબ આપ્યો, ‘સારું થઈ જશે. થોડા દિવસ ભલે રહે, મને પણ ગમશે.’ ”

– ધ્રુવ ભટ્ટ

તત્ત્વમસિ – પ્રાકકથન

તત્ત્વમસિ – ૧

તત્ત્વમસિ – ૨

તત્ત્વમસિ – ૩

તત્ત્વમસિ – ૪

તત્ત્વમસિ – ૫

તત્ત્વમસિ – ૬

તત્ત્વમસિ – ૭

તત્ત્વમસિ – ૮

તત્ત્વમસિ – ૯

તત્ત્વમસિ – ૧૦

તત્ત્વમસિ – ૧૧

આપનો પ્રતિભાવ આપો....