તત્ત્વમસિ : ૬ – ધ્રુવ ભટ્ટ (ઈ-પુસ્તક) 1


૧૬.

તેની ડાયરીમાં જે નથી તે પ્રસંગો મારે કહેવાના છે. તે, લક્ષ્મણ, બિત્તુબંગા – આ બધા આદિવાસી કેન્દ્રથી દૂર અરણ્યોમાં કામ કરતા હતા ત્યારે કેન્દ્રનું કામ યથાવત્ ચાલતું હતું. સુપ્રિયા ગામડાંઓમાં જતી, સ્ત્રીઓને તાલીમ આપતી. તેણે શાળાને પણ વ્યવસ્થિત કરી. છોકરીઓ કેન્દ્ર પર રહીને ભણી શકે તે માટેની સગવડ પણ થઈ. કાગળકામ કરતો ઝૂરકો સુપ્રિયા સાથે રહેતો.

સુરેનની સ્મૃતિમાં સંગીત-સમારોહ ગોઠવવાનો વિચાર સુપ્રિયાના મનમાં રમ્યા જ કરતો હતો. આ આખું વર્ષ તો બધાં છૂટાં-છવાયાં થઈ રહ્યા અને આયોજન થઈ ન શક્યું. આવતા વર્ષે તો સમારોહ ગોઠવવો જ છે તેવું વિચારીને તેણે ગણેશ શાસ્ત્રીને ત્યાં ચર્ચા ગોઠવી. ગુપ્તાજી અને તેમનાં મા પણ ગણેશ શાસ્ત્રીને ત્યાં આવ્યાં.

‘હું વિચારતો હતો કે તું રજા આપે તો થોડા મહિના હિમાલયમાં રહી આવું. આવતી સાલ તો મારે બદરી-કેદાર જવા વિચાર છે.’ ગણેશ શાસ્ત્રીએ કહ્યું, ‘એ પછીના વર્ષે ગોઠવ.’

‘ભલે.’ સુપ્રિયાએ કહ્યું, ‘પણ તમે પાછા આવો કે તરત બધાને ભેગા કરવા જ છે.’

‘કહે આ બિહારીને.’ ગણેશ શાસ્ત્રીએ ગુપ્તાજીને હવાલે કામ સોંપ્યું, ‘મારે તો તું અને બિહારી કહે તેમ કરવાનું છે. વ્યવસ્થાની બધી ચિંતા તમારે કરવાની છે.’

‘ચિંતા ક્યા બાતની?’ ગુપ્તાજીએ કહ્યું, ‘સારી બેવસ્થા હો જાવેગી.’

અહીં આ શંકરના મંદિરે આ ચારેક માણસો ત્રણ દિવસ રહ્યા. કોને નિમંત્રણ મોકલવું, કલાકારો અને શ્રોતાઓને માટે રહેવાની વ્યવસ્થા ક્યાં અને કેમ કરવી – આવી બધી વાતો તો ચાલતી જ રહી. વચ્ચે હજી આખું વર્ષ હોવા છતાં જાણે આવતા મહિને જ કાર્યક્રમ ગોઠવવાનો હોય એટલી ઝીણવટથી સુપ્રિયા નોંધ કરતી. ગુપ્તાજી તેની મજાક ઉડાવતા, ‘સો મિલ દૂરથી માલૂમ પડે – સુપરિયા ચલી આતી હૈ.’

‘ભલે.’ સુપ્રિયા કહેતી, ‘વરસ તો આમ નીકળી જશે. મને પહેલેથી બધી ખબર હોય તો મારે ફરી તમને બધાને ભેગા ન કરવા પડે.’

પાર્વતીદેવી વચ્ચે પોતાની વાત કાઢતાં કહે, ‘ગણેશ, મેં કહું ઈ છોરી કો બિયાહ કર વાદો.’ પછી કહે, ‘કા પતા કોણ સમજાવે છોરી કો?’

‘મને સમજાવવાની જરૂર નથી, માજી.’ સુપ્રિયાએ જવાબ આપ્યો, ‘મારે શું કરવું તેની મને ખબર છે…’

‘હા, બહેન,’ માજી બોલ્યા, ‘અબ મેં અનપઢ તુંને કા સમજાઉં? તું જ મન્ને સમજા દે.’

ગણેશ શાસ્ત્રીએ કહ્યું, ‘બેટા, માજીની વાત ખોટી નથી. છોકરો હું બતાવું. તારે જો નિર્ણય લેવો હોય તો આ યોગ્ય સમય છે. પછી મોડું થઈ જશે.’

‘તમે બધાં ખોટી ચિંતા કરો છો.’ સુપ્રિયાએ કહ્યું, ‘અત્યારે હું જે કામ કરું છું તેમાં મને મજા પડે છે. હજી મને એકલું પણ નથી લાગતું. જ્યારે એવું લાગશે ત્યારે જે થશે તે જોયું જશે.’ કહીને પોતાના કમરામાં ગઈ.

માજી સ્વગત બોલતાં હોય તેમ બોલ્યાં, ‘બિન્તા, ઈસસે તો ભલા હોતા તું તારે ઘર ચલી આતી.’

માજીનું વાક્ય સાંભળવા વનિતા અહીં ક્યાં હતી!?

આ તરફ ગામડેથી તે અને લક્ષ્મણ વિદાય થયા તે સાથે જ પેટીના મધનો ખેપિયો બોઘરણામાં મધ ભરીને કેન્દ્રમાં જમા કરાવવા ચાલ્યો. લક્ષ્મણે તો સીધો શહેર જવાનો ઇરાદો કરેલો, પણ તેનો થોડો સામાન આદિવાસી કેન્દ્ર પર હતો તેથી તેને પણ કેન્દ્ર પર જ જવું પડ્યું. બિત્તુબંગા તેમની સાથે નીકળ્યા.

‘અમે આશ્રમે પહોંચ્યા ત્યાં જાણ્યું કે સુપરિયા ત્રણ દિવસથી ગણેશ શાસ્ત્રીને ત્યાં છે. મારા આશ્ચર્ય વચ્ચે નિશાળ ચાલતી હતી. અત્યારે બધા બોરસલી નીચે હોય તેના બદલે ઢોળાવવાળા ખેતરથી થોડા ઉપરના ભાગે આવેલ મેદાનમાં બેઠા હતા. થોમસ પાદરી ભણાવતો હતો. મને જોઈને તેણે વિદ્યાર્થીઓને કહ્યું, ‘લો, આવી ગયા તમારા ગુરુજી.’
મેં થોમસ સાથે હાથ મેળવતાં કહ્યું, ‘અત્યારે તો બધા તમારા શિષ્યો છે અને સંખ્યા જોતાં લાગે છે કે આમ જ ચાલશે તો એક ગુરુજી હજી જોઈશે. વિદ્યાર્થીઓને મળીને મેં બધાના ખબર પૂછ્યા. ટેમ્પુડિયો જરા મોટો લાગવા માંડ્યો છે. તેનો અવાજ પણ બદલાયેલો લાગ્યો. મારી નજર પાછળના ભાગે નવા બંધાયેલા મકાન પર પડી. હું કંઈ પૂછું તે પહેલાં જ થોમસે કહ્યું, ‘ગર્લ્સ હૉસ્ટેલનું મકાન છે. આ સત્ર પૂરતી શાળા પણ તેમાં જ ચાલશે. દિવસે નિશાળ, રાત્રે નિવાસસ્થાન.’

થોમસથી છૂટો પડી, હૉસ્ટેલનું મકાન જોઈને હું હરિખોહ જોવા ગયો. કેટલાય સમય બાદ જોવા મળેલી આ ખીણને મન ભરીને જોયા જ કરી. આ ઘાટીને અનેક વખત જોયા પછી, તેમાં પગપાળા રખડ્યા પછી પણ તેને વારંવાર જોવાનો મોહ હું છોડી નથી શકતો. વૃક્ષો પર, વેલાઓ-ફૂલો પર પતંગિયાંઓ અને કીટકો અહીં પોતાના અગણિત રંગોને હરિખોહના લીલા રંગની અદ્ભુત છટા વચ્ચે વેરતાં રહી પ્રકૃતિનાં ગોપનીય રહસ્યો ખોલતા રહે છે. કોઈ પણ માનવી જેણે એક વખત આ હરિત જગત જોયું છે તે કોઈ કાળે તેની મોહિનીમાંથી મુક્ત થઈ જવાનો નથી.

હરિખોહથી પાછા ફરતાં મેં જોયું કે કમળા ડોલ ભરી લાવીને બોરસલી તળેનો ઓટલો ધોતી હતી. મેં જોયું તો આસપાસની બેસવા જેવી તમામ જગ્યાઓ તેણે ધોઈ સાફ કરી છે. મને સહેજ નવું લાગ્યું. કમળાનું કામ તો રસોડાનું છે. તેને આ રીતે પોતાના કાર્યક્ષેત્રની બહારનું કામ કરતી જોઈને મને નવાઈ લાગી. ‘કમળા, રસોડામાંથી તને બદલી કે શું?’ મેં પૂછ્યું, ‘કે પછી કોઈ મહેમાન આવવાના છે?’

કમળા મૂંઝાઈને ઊભી રહી. ઘડીભર તે કંઈ બોલી ન શકી. પછી ‘નીં હોવે.’ કહીને ઓટલો વાળવામાં પડી. મેં ફરીથી કહ્યું, ‘આ ઉંમરે આટલું પાણી સારી-સારીને માંદા પડવું છે?’
જવાબમાં કમળાએ જે કહ્યું તેની મને કલ્પના પણ નહોતી. કમળાએ કહ્યું, ‘કલ આવેગી છોરી લોગન. મા-બાપ છોડ ઈંહા. ઈથે દૂર.’ કહીને તેણે ભાંગીતૂટી ભાષામાં મને સમજાવ્યું કે પોતાના માતા-પિતાને છોડી- ને છોકરીઓ અહીં હૉસ્ટેલમાં રહેવા આવશે. કોઈ દિવસ ઘર છોડીને બીજે રહેવા ન ગયેલી નાનીનાની બાળાઓને સાંજ પડ્યે ઘર સાંભર્યા વગર થોડું રહેવાનું? હોસ્ટેલમાં સાંજે ન ગમે. એટલે બધી વિદ્યાર્થિનીઓ બહાર નીકળીને આ વૃક્ષોના ઓટલે રમશે, બેસશે, કદાચ રડશે પણ ખરી. કમળા અહીં સફાઈ કરીને બેસવા જેવું બનાવી રાખે તો મોટું પુન્યનું અને કમળાને પણ શાતા આપતું કામ થવાનું. એથી તે ઓટલા ધોઈને તૈયાર રાખે છે – આવું કંઈક કહીને તેણે ઉમેર્યું, ‘મું મા તો નીં હૂં. પન કોઈ તો લાગું હું.’

અન્યત્ર મને કોઈએ આવો જવાબ આપ્યો હોત તો મેં તેનો કેવો પ્રતિભાવ આપ્યો હોત તે હું વિચારી ન શક્યો. તે દિવસે કમળાને રસોઈ- ઘરમાંથી છૂટી કરવાનો વિચાર મને આવેલો. કદાચ ત્યાંના કામ માટે તો હજી પણ કમળાની યોગ્યતાને હું ન સ્વીકારું; પણ મને લાગે છે કે કમળાની ક્યાંક તો જરૂર છે જ. આ કેન્દ્ર ચાલે છે, આટલું વિકસ્યું છે એનો યશ જેટલો સુપરિયાને જાય છે તેમાં ક્યાંક આવાં કમળા જેવાં પાયાનાં કાર્યકરોનો પણ ભાગ છે જ. ધોવાતા ઓટલા પરથી નીતરતા પાણીમાં પગ ન પડે તે રીતે ચાલીને હું લક્ષ્મણના ઉતારે ગયો. તે જવાની તૈયારીમાં હતો. સુપરિયાને ન મળાયું તે દુ:ખ સાથે લક્ષ્મણે વિદાય લીધી. તેને કાકરાખોહની ધાર સુધી વળાવીને હું પાછો આવ્યો.
બિત્તુબંગા તેમના સોભદરા બાગાનની સાફ-સૂફીમાં હતા. આખો બાગ સરખો કરતાં તેમને બે દિવસ લાગ્યા. એ કામ પૂરું થયું તે સાંજે બેઉ જણ મારી પાસે આવીને કહે, ‘રૂપિયા માંગું હૂં.’

‘શાના કાજે?’ મેં પૂછ્યું.

તો જવાબ મળ્યો – ગલસંટો બનાવવો છે.

મારા તમામ જ્ઞાનકોષો જે શબ્દનો અર્થ બતાવવા શક્તિમાન ન બન્યા તેવો શબ્દ સાંભળીને હું મૂંઝાયો.

‘ક્યાં બનાવવો છે ગલસંટો?’ મેં પૂછ્યું.

‘ઈહાં જ.’ આ ‘ઈહાં’ એટલે ક્યાં તે ઈશ્વર અને બિત્તુબંગા સિવાય કોઈ જાણતું નહિ હોય તે વિશે મને શંકા ન હતી.

‘સારું.’ મેં કહ્યું, ‘સુપરિયા એકાદ દિવસમાં આવશે. તેને વાત કરજે. એ કહેશે એટલે પૈસા આપીશ. છે તારા ખાતામાં?’

નામદાર સુપરિયાની કચેરીમાં આ બજેટ મંજૂર કરાવતાં પહેલાં ગલસંટાનું સ્વરૂપ, સ્થળ અને કાર્ય – બધું જ સમજવું પડે. આ બેઉ આદિવાસીઓએ મને આ બધું કહ્યું હોત તોપણ હું કંઈ સમજી શક્યો હોત કે કેમ તે શંકાનો વિષય છે. એના કરતાં સુપરિયાને સમજાવે તે વધુ સારું.

સાંજે સુપરિયા આવી. મને કહે, ‘પેલા બંનેને સો રૂપિયા આપજો.’

‘ગલસંટા માટે?’ મેં પૂછ્યું. ‘હા.’ કહીને સુપરિયા હસી પડી અને બંને આદિવાસીની આ નવીન યોજના વિશે મને સમજાવ્યું.

વાત એવી કે અમારા આશ્રમની જમણી દીવાલ પાછળથી એક નાનકડું ઝરણું વહે છે. થોડે નીચે જતાં નાની સપાટ જગ્યા આવે તેમાં થઈને ઝરણું નર્મદા તરફ વહેતું થાય છે. આ સ્થળે બે ખડકો વચ્ચેથી નાનકડો ધોધ પણ પડે છે. આ બંને સ્થપતિઓ ધોધ આસપાસના ખડકો વચ્ચે એક ચેક-ડેમ બનાવવાના છે. ડેમ હોય એટલે દરવાજો પણ હોવાનો. લોખંડની ફ્રેઇમમાં પતરાનો દરવાજો ફિટ થશે અને ફ્રેઇમ પેલા ખડક સાથે જડી લેવાશે. દરવાજો ખોલવા અને બંધ કરવા ઉપરના ભાગે મોટો સ્ક્રૂ લગાડી દેવાનો. એક ગોળ પૈડું આ સ્ક્રૂમાં બેસાડીને ફેરવીએ એટલે દરવાજો ઊંચો-નીચો થઈ પાણીને જવા દે અને રોકે.

આ ડેમ માટેની તમામ સામગ્રી આ અરણ્યો જ મફતમાં પૂરી પાડશે, પણ પેલો લોખંડનો દરવાજો તો અહીં કોઈ બનાવી શકે નહિ. એ માટે આ બંને આદિવાસીઓ ચૌદ કિલોમીટર ચાલીને શહેર જશે અને પૈસા પણ આપવા પડવાના જ.

મહત્ત્વની વાત એ છે કે આ ડેમમાં વપરાનારી દરેક ચીજનું નામ બિત્તુબંગાને આવડે છે; પણ પેલા ઉપર-નીચે થતા દરવાજાને શું કહેવાય તેની ખબર નથી. એ બંને આવી બાબત કોઈને પૂછવા જાય તો બિત્તુબંગા શાના? જાતે જ નામ પાડી દીધું ‘ગલસંટો.’ આમ, બાકીનું જગત જેને ડેમના દરવાજા તરીકે ઓળખે છે તે રચનાને નવું નામ મળ્યું.
આ આખીય પરિયોજનાની પાછળનો હેતુ પૂછો તો માત્ર એટલો કે આવતા ઉનાળામાં આ બંને આદિવાસીઓ પોતાના ગલસંટાથી રચાયેલા સરોવરમાં યક્ષ અને કિન્નરોના અધિકારપૂર્વક જળવિહાર કરી શકે.

મેં નાણાં ચૂકવ્યાં તેના પંદરમા દિવસે તો બિત્તુ-બંગા અમને તેમનું સરોવર જોવા લઈ ગયા. પચીસ-ત્રીસ ફૂટના ઘેરાવામાં ભરાયેલું પાંચેક ફૂટ ઊંડું નિર્મળ સ્ફટિક સમું પાણી. ખડકાળ તળિયાવાળો એક નાનકડો ખાડો. માત્ર જળની હાજરીને કારણે જ કોઈ સ્થળ આટલું રમ્ય જગત સર્જી શકે તે જોયા વગર માની ન શકાય તેવું સત્ય છે. સુપરિયા કહે, ‘પ્રકૃતિનું નિરાકાર સ્વરૂપ જો અંતરીક્ષ હોય તો તે જળરૂપે સાકાર થતું હશે.’

ડેમની મજબૂતાઈ અંગે તાત્કાલિક તો શંકાનું કોઈ કારણ ન જડ્યું. વાંસ, વેલા, માટી, ને જાણે શું-શું લાવીને બિત્તુબંગાએ કામ તો પાકું કર્યું હતું. કેટલાંક નાનાં છિદ્રોમાંથી પાણી વહી જવા છતાં આ ડેમ કંઈ તૂટી પડે તેવો તો નથી જ.

હા, અષાઢના પ્રથમ દિવસે યક્ષના સંદેશવાહકો જ્યારે આ મોહક સ્થાને રોકાશે તે સમયે આ પરમ સૌંદર્યમય પ્રદેશની અને તેને રક્ષનારા ગલસંટાની ગતિ શી થશે તેના વિશે કોઈ જાણતું નથી.

જોકે એની ચિંતા કરવાની જરૂર પણ નથી, કારણ કે આવું બને ત્યારે પહેલાંનાં તો આ બંને ભાઈઓની આ સરોવરમાં યથેચ્છ વિહાર કરવાની ઇચ્છા પરિતૃપ્ત થઈ ગઈ હશે.
ગલસંટેથી પાછા ફરીને ઑફિસે ગયો. ટપાલમાં વિદેશી છાપવાળું કવર આવેલું જોઈને સહુથી પહેલું તે જ ખોલ્યું. પ્રોફેસરનો અને લ્યુસીનો પત્ર હતો. પ્રોફેસરે લખેલું: ‘તારા પત્રો મળ્યા છે. તને સૂઝે તે કરજે. તારા પ્રશ્નોનો ઉત્તર તારે જ શોધવો તેમ સૂચવું છું’ રુડોલ્ફના જવાબથી મને નવાઈ લાગી; છતાં કોઈ ખુલાસો વગરનો, તેમનો બે-ત્રણ વાક્યોનો પત્ર મેળવ્યા પછી પણ કોણ જાણે કેમ મને તે જ જવાબ યોગ્ય લાગ્યો.

લ્યુસીનો પત્ર વાંચીને હું ક્ષણભર વિચારમાં પડી ગયો. તેણે લખ્યું છે: “…તમારો પત્ર મળ્યો. મારા અચરજનો પાર નથી. હું વચન માગું છું કે હવે પછી તમે જે વાંચવાના છો તે હું તમને મળું નહિ ત્યાં સુધી જાહેરમાં કહેશો નહિ અને બીજું કે મને સાથે લીધા વગર તમે સાઠસાલીઓના ગામે નહિ જશો. હું અત્યારે જ ત્યાં આવવા ઉત્સુક છું, પણ હમણાં મારો ઇજિપ્તનો પ્રવાસ ગોઠવાઈ ગયો છે.

હવે ધ્યાનથી વાંચો: સાઠસાલીઓ જે ચિત્ર દોરે છે તે શ્વાનમંડળ અને વ્યાધનું જ છે તે હું ખાતરીપૂર્વક કહી શકું છું. રહી વ્યાધને સ્થાને બે ટપકાંની વાત. એ વિશે સ્પષ્ટતા કરું છું કે વ્યાધ એ જોડિયો તારો છે; પરંતુ મોટા, આઠ ઇંચ વ્યાસના દૂરબીન વગર વ્યાધને યુગ્મતારક-રૂપે જોવો શક્ય નથી. આથી આકાશદર્શનના શોખીનો અને વિજ્ઞાનીઓ સિવાય ભાગ્યે જ કોઈને વ્યાધ યુગ્મતારક છે તેની ખબર હોય. મારી ઉત્તેજના એ કારણે છે કે સાઠસાલીઓને વ્યાધ જોડિયો તારો છે તે ખબર કઈ રીતે હોઈ શકે?
એનાથી પણ વધુ રહસ્યમય બાબત મને પેલા સાઠ વર્ષે ઊજવાતા તહેવારની લાગે છે. તમે શ્વાસ થંભાવીને આગળ વાંચજો. વ્યાધ અને તેનો સાથી તારક એક ખગોળીય બિન્દુ આસપાસ ભ્રમણ કરે છે અને તેમના એક ભ્રમણની અવધિ છે પૃથ્વી પરનાં સાઠ વર્ષ.

હું રાત્રીનું તારાજડિત આકાશ જોઉં છું ત્યારે દરેક વખતે બ્રહ્માંડની અજાયબીઓ મને અભિભૂત કરે છે. આજે લાગે છે કે પૃથ્વીનાં રહસ્યો પણ અંરીક્ષનાં રહસ્યો જેવાં ઊંડાં અને અગમ્ય છે. મેં ગ્રીક અને ઇજિપ્તની ખગોળકથાઓ એકઠી કરી છે. આજના વિજ્ઞાનના સંદર્ભે આ કથાઓને મૂલવતાં મને ઘણી વાર એવું લાગ્યું છે કે એ વાર્તાઓમાં એવું કેટલુંય છે જેના પ્રમાણિત પુરાવા હવે આપણી પાસે છે.

આવતા વર્ષને અંતે કે તે પછીના વર્ષે ભારત આવું છું. સુપ્રિયાને મારી યાદ. ભૂલથી પણ તમે કોઈને હમણાં વ્યાધ વિશે વાત ન કરશો. લ્યૂસી.”

પત્ર વાંચીને મને તરત જ સાઠસાલીઓને મળવા જવાની ઇચ્છા થઈ આવી. આમેય લ્યુસીને આ માહિતી તેના પ્રયત્નોથી નહિ, સાવ અજાણતા જ મારા પત્રોથી મળી હતી. આમ છતાં તે તેને પોતાના અધિકારની બાબત ગણે તે મને ખૂચ્યું. મેં કાગળ સુપરિયાને વાંચવા આપ્યો.

‘લ્યુસીએ બીજાને ન કહેવાનું લખ્યું છે’ પત્ર વાંચીને સુપરિયાએ કહ્યું.

‘જાહેરમાં.’ મેં કહ્યું. ‘અને તમને એટલા માટે વંચાવું છું કે આ વાંચ્યા પછી સાઠસાલીઓ પાસે જવાની ઇચ્છા હું એકલો રોકી ન શકું તો તમે મને રોકો; અથવા તો જવાની ગોઠવણ કરી આપો? – તે મારે જાણવું છે.’

સુપરિયા હસી અને કહે, ‘તમારી અને લ્યુસીની વચ્ચે કેવી અને કેટલી સમજણ પ્રવર્તે છે તે હું નથી જાણતી. પણ હું તમને જે રીતે જાણું છું તેના પરથી મને લાગે છે કે તે પોતે જ આમાં આગળ વધે એ તમે ચલાવી લો તો?’

‘તમને પોતાને કંઈ જાણવાનું મન નથી થતું?’ મેં સુપરિયાને નાણી જોઈ. જવાબમાં તેની આંખો હસી. તેણે ધીમેથી કહ્યું, ‘આમાંનું કંઈ સાચું હશે તોપણ તે આપોઆપ કે લ્યુસી દ્વારા મારી સામે આવશે ત્યારે હું માનીશ.’

હું અજાણતાં જ સુપરિયા અને લ્યુસીની સરખામણી કરી બેઠો કે નહિ, તે સમજું ત્યાર પહેલાં તે ચાલી ગઈ. આગળ કંઈ પણ વિચારવું મને યોગ્ય ન લાગ્યું.”

* * * * * * * * * * * * *

અક્ષરનાદ નર્મદાની આ અદ્વિતિય કથા – તત્ત્વમસિ આપને માટે નિ:શુલ્ક રજુ કરે છે. તો સામે પક્ષે અક્ષરનાદને આર્થિક બોજથી દૂર રાખવા ધ્રુવભાઈએ પણ આ પુસ્તક અક્ષરનાદ પર રજૂ કરવા કોઈ જ રકમ લીધી નથી, અરે તેમણે રોયલ્ટી લેવાની પણ ના કહી. તો આખરે અમે એવા નિષ્કર્ષ પર પહોંચ્યા કે અક્ષરનાદ પર તત્ત્વમસિ નિ:શુલ્ક વાંચન માટે ઉપલબ્ધ થાય, અને વાચક પર ભરોસો રાખીએ. અહીં અક્ષરનાદ પર તત્ત્વમસિ વાંચીને કોઈકને મનમાં થાય કે લેખકને ભલે પ્રતિક રૂપે, પણ વળતર મળવું જ જોઈએ તો જે તે ભાવક નિઃશુલ્ક વાંચવા મળેલા આ ખજાના બદલ પોતાને ગમે તે રકમ ધ્રુવભાઈના ખાતામાં સીધી ભરી શકે છે. આ એક આગવો પ્રયાસ છે, ધ્રુવભાઈની જેમ વધુ સર્જકો પોતાનું સર્જન સર્વે માટે ઉપલબ્ધ કરી શકે એ માટેની જવાબદારી હવે વાચકની બની રહે છે. મને અક્ષરનાદના સુજ્ઞ વાચકો પર વિશ્વાસ છે કે તેઓ નિરાશ નહીં જ કરે. ધ્રુવભાઈ ભટ્ટની બેન્કની વિગતો આ સાથે આપી છે.
Name of account : Bhatt Dhruvkumar Prabodhrai
Name of the Bank HDFC bank
Account number : 01831930001854
IFSC : HDFC0000183
Branch : Lambhvel Road, Anand.
Type of Account : Saving

* * * * * * * * * *

૧૭

જળ: આ પૃથ્વી નામના ગ્રહ પર જેણે જીવન સર્જ્યું તે, પારદર્શક કે ડહોળાયેલા, વહેતા કે તળાવ-સરોવર વચ્ચે સ્થિર, સાગરમાં ઊછળતા, આકાશમાં ચડી આવીને વરસતા – જે સ્વરૂપે હોય તે સ્વરૂપે મનુષ્યને મોહિત કરે જ છે.

બિત્તુબંગાની સાથે હું એક વાર તલાવડીમાં નાહવા ગયો. પછી તો રોજની રઢ લાગી ગઈ છે. નાના બાળકની જેમ અમે ત્રણે જણ તલાવડીમાં કૂદી પડીએ છીએ. કદરૂપા અને અસંસ્કારી માનીને જે જાતિના માણસો સાથે વાત કરતાં પણ મને માનસિક આભડછેટ વર્તાતી તે જ જાતિના યુવાનો સાથે ખભાને ખભો અડે એટલી જગ્યામાં હવે હું કલાકોના કલાકો પડી રહું છું. તલાવડીમાં પડતાં જ અમે ત્રણેય જણ પ્રકૃતિમય બની જઈએ છીએ. અમારી સાથે હોય છે એક ચોથો મિત્ર. બિત્તુબંગાએ ચોથા મિત્રને નામ આપ્યું છે: તકસક.

ચોમાસામાં અમારો ગલસંટો તણાઈને ખોવાઈ ન જાય એ માટે તેને દોરડાથી બાજુના વૃક્ષ સાથે બાંધ્યો છે. ડેમ તૂટી પડે તો અમે ત્રણેય મળીને ફરી બનાવશું, પણ ગલસંટો ખોવાય તો નવો બનાવરાવવો પડે.

તક્ષક તે વૃક્ષના પોલાણમાં જ રહે છે. પહેલી વાર તો ગલસંટાને ભરાઈને સાપ બેઠો છે તે જોતાં જ મેં નાહવાનું માંડી વાળેલું. ત્યારે બિત્તુબંગાએ થોડું પાણી છાંટ્યું એટલે સાપ જઈને વૃક્ષને થડે બેઠો. તે વખતે હું નાહ્યા વગર જ પાછો આવેલો.

બિત્તુબંગાએ મને કહેલું, ‘ઈથે જ રહે હે તકસક. નીં કાટે.’

ધીમે ધીમે મને હિંમત આવી તેમ તલાવડીમાં ઊતરતો થયો છું. હવે તો તક્ષક બેઠો હોય અને અમે નાહીએ એવી દોસ્તી થઈ ગઈ છે.

આજ સાંજે નાહીને પાછા ફરતાં જરા મોડું થયું તો ઝૂરકો ડેમ ઉપર અમને તેડવા આવ્યો. કહે, ‘બુલાવે હે.’

સુપરિયા બોલાવે છે તે સમજી શકાયું. પણ એવું અગત્યનું કયું કામ હશે કે ઝૂરકાને બોલાવવા મોકલ્યો તે ન સમજાયું. અમે જલદી કપડાં બદલ્યાં અને ચાલી નીકળ્યા.

કેન્દ્ર પર પહોંચતાં જ સુપરિયાએ કહ્યું, ‘જબલપુર વન-ખાતામાં અરજી કરવાની છે. એક વાઘ માણસખાઉ થયો છે. તમે લોકો પણ હવે સાંજે નાહવા ન જશો.’

“પ્રિય પ્રો. રુડોલ્ફ,

દવાખાનાની પરસાળમાં બેસીને આ પત્ર લખું છું. થોડા દિવસો પહેલાં દૂરનાં અરણ્યોમાં એક વાઘે એક માનવીની હત્યા કરી. વર્ષોથી પરસ્પર વિશ્વાસ અને સહજીવનની ચાલી આવતી સાંકળ ક્યાંક તૂટી. આટલી વાતે આ નિતાંત શાંત અરણ્યોની શાંતિમાં વલયો સર્જ્યાં છે. અમે જબલપુર વન-ખાતાને અરજી કરી તે પછીના ત્રણેક દિવસ શાંતિ રહી અને ગઈ કાલે ફરી તેવરના વનોમાં એક કિશોરને વાઘ ઉપાડી ગયાની વાત આવી.

સુપરિયાએ વાઘને પકડવા સરકારને લખ્યું છે એ વાતથી માણસોને રાહત તો થઈ. પરંતુ એટલા-માત્રથી એમનો ભય દૂર થઈ શકે તેમ નથી.
સ્વયં હું પણ હવે સાંજે તલાવડી પર નથી જતો. કામ પર આવતા માણસો પણ વહેલા જતા રહે, મોડા આવે. ક્યારેક મોડે સુધી કામ ચાલે તો અહીં કેન્દ્ર પર જ રોકાઈ જાય છે. આવી સ્થિતિમાં જ અમારે અહીં આવવાનું થયું છે.

છેલ્લે તમને મોકલ્યાં તે પાનાં લખીને હું ઊભો થતો હતો ને કાગળના કારખાના પાસે કોલાહલ થયો. હું અને સુપરિયા એકસાથે દોડીને પહોંચ્યાં તો બાબરિયાનો હાથ યંત્રમાં આવી ગયો હતો. સદ્ભાગ્યે ઝૂરકાએ દોડીને મશીન બંધ કર્યું તોપણ બાબરિયાની હથેળી છૂંદાઈ ગઈ.

અમારી પાસે હતાં તેટલાં સાધનોએ અમે પાટાપિંડી કર્યાં અને તરત જ પ્લાસ્ટિકનું ફોલ્ડિંગ સ્ટ્રેચર લાવીને બાબરિયાને તેમાં સુવરાવ્યો.

હું, ઝૂરકો, બિત્તુબંગા અને ટેમ્પુડિયો આટલાં જણ બાબરિયાને લઈને દસવાં મોડ તરફ ચાલવા મંડ્યા. બહારથી બીજા ત્રણેક ઝૂંપડાવાસી અમારી સાથે થયા.

બાબરિયાને અહીં દાખલ કર્યો છે. હજી તેને વીસેક દિવસ રહેવું પડશે. તેની પત્નીને મેં આ ખબર મોકલાવ્યા કે તે પોતાનાં છોકરાં પાડોશમાં સોંપીને દોડી આવી. બાબરિયો સાજો થઈ જશે તેવું આશ્વાસન આપીને મેં તેને કહ્યું, ‘તારે અહીં રહેવું પડશે. તારાં છોકરાંને અમે આશ્રમ ઉપર લઈ જઈશું એટલે તેમની ચિંતા ન કરતી. બાબરિયાનું ધ્યાન ડૉક્ટર રાખશે. ગામમાં ગુપ્તાજી પણ છે. કંઈ કામ હોય તો તેમને મળજે. અમે પણ વચ્ચે આંટો મારી જઈશું.’

આ આખીય વાતના ઉત્તરમાં તેણે કહ્યું, ‘પૈહા નીં હે.’ અને પોતાના ગળામાંથી હાંસડી ઉતારી મને આપતાં તેણે હાંસડી વેચીને જે મળે તે લઈ આવવા કહ્યું. એ પૈસા ઓછા પડે તો સુપરિયાએ કે મારે ઉમેરવા. મને આટલું કહીને તે આગળ બોલી ન શકતી હોય તેમ તેની આંખો ભરાઈ આવી. બાબરિયાએ બીમાર પડીને અમને જાણે મુશ્કેલીમાં મૂક્યા હોય એવા ભાવથી તે કંઈક બોલી. પછી રડી પડી અને કહ્યું, ‘પૈહા ભર દું હું મજૂરી કરકે.’

સર, મારું મગજ ઘડીભર સુન્ન થઈ ગયું. મારું હૃદય ચિરાઈ ગયું. મેં કંઈ જવાબ આપવાની સમર્થતા ગુમાવી દીધી. મારું મન કહેતું હતું, ‘ઓ રે! અબુધ વનવાસિની! તારી આ એક જ વાતે તને મારા કુટુંબની જ એક સભ્ય બનાવી દીધી છે. ભલે તું અમારા ઘરમાં જન્મી-ઊછરી ન હો, પણ આ ઘડીથી તું અમારી છે. એક અજાણ્યા રહસ્યમય અદૃશ્ય દોરથી તેં અમને બાંધ્યા છે.’
સર, આવી જ સ્થિતિ જો ત્યાં કે કોઈ વ્યાપારી સંસ્થાનમાં ઉદ્ભવે તો ઘટનાક્રમ અને વાર્તાલાપ કેવાં હોય તે વિચારું છું તો બાબરિયાની પત્નીને ભોળી ગણું, મૂર્ખ ગણું કે આ તેની માણસાઈ ગણું તે હું સમજી શકતો નથી. હા, ઊંડેઊંડેથી એક જવાબ મળે છે કે આમ કરવું તેને તે પોતાનો ધર્મ ગણે છે.

ધર્મનો અર્થ જો આટલો ઊંડાણથી તપાસીએ તો તેને ટકાવી રાખવા માટે પેલી ધર્મથી ઉપરથી અવસ્થા – અધ્યાત્મના બળની જરૂર પડે જ. તો પછી ક્યારેય ધ્યાન, ધરમ, ઈશ્વરસ્મરણ ન કરતી આ સ્ત્રીને આધ્યાત્મિક ગણું? મને લાગે છે કે આ સમાજની સંસ્કૃતિના મૂળમાં, આ ભૂમિની સુગંધમાં, આ પ્રજાના લોહીમાં કંઈક એવું છે જે દેશના નાનામાં નાના, અભણ ગામડિયામાં, પ્રખર પંડિતોમાં અને પરમ જ્ઞાની ઋષિઓમાં એકરૂપે વ્યાપેલું છે. એ શું છે તે મને મૂંઝવતો પ્રશ્ન છે.

હું કંઈ બોલી ન શક્યો. મેં તેની હાંસડી મારા હાથે તેના ગળામાં પહેરાવી. ખિસ્સામાં હતા તેટલા પૈસા તેના હાથમાં આપ્યા અને કહ્યું, ‘તારે બાબરિયાનું ધ્યાન રાખવા સિવાયની કોઈ ચિંતા કરવાની નથી…’ ”

પત્ર લખી રહ્યા પછી અમે ગુપ્તાજીની રાહ જોઈ. તે આવ્યા એટલે બાબરિયાની ભલામણ કરી અમે નીકળ્યા. બાબરિયાનાં બાળકોને લઈને આશ્રમે પહોંચવું તેવું નક્કી કર્યું.

બિત્તુબંગાએ બાબરિયાનાં પડોશીઓને અકસ્માતની વાત કરી અને છોકરાંને આશ્રમ લઈ જઈએ છીએ તેમ કહ્યું, ઝૂરકાએ જુવારનો રોટલો અને બાફેલી દૂધી બનાવી નાખ્યાં.
ગામ દશેક ઝૂંપડાંનું. વાઘના ભયે ગામ ફરતે કાંટાળી વાડ કરી છે. રાત્રે તાપણાં સળગાવીને વારાફરતી બધા જાગતા રહ્યા. રાત્રે મને જાગવા ન દીધો પણ મને બરાબર ઊંઘ ન આવી. બિત્તુબંગા તો અડધી રાત વીત્યે જ જવા તૈયાર થઈને બેઠા હતા. મારો આગ્રહ હતો કે સવારે પાંચ પહેલાં નીકળવું નથી. અમે નીકળ્યા ત્યાં સુધી સૂર્યોદય થયો ન હતો.

વનો હજી સૂમસામ હતાં. વહેલી પરોઢથી જ ગાતાં થઈ જતાં આ અરણ્યો કોઈ અજાણ્યા ભયે હજી સુધી મૂક છે. તડકાને પહાડો ઊતરીને ખીણ સુધી પહોંચતાં તો હજી કેટલોયે સમય જશે. વૃક્ષોની તળે ચાલતાં હજી અંધારું લાગે છે. મને અજાણ્યો ભય વ્યાપ્યો અને મેં ઉતાવળે ચાલીને બને તેટલું જલદી ગાઢ વનોમાંથી ઉપર તરફ ખુલ્લામાં પહોંચવા કહ્યું. એકાદ કલાકમાં અમે ખીણમાંથી બહાર નીકળી ગયા. હવે થોડો સમય માથાપુર ઊંચા ઢોળાવ પાસે ચાલીશું એટલે ચર્ચ પાસે પહાડનું મથાળું આવી જશે.

સહુથી આગળ બંગા, વચ્ચે હું, પાછળ બિત્તુ, તેની પાછળ બાબરિયાનાં બાળકોને પીઠ પર લઈને ચાલ્યા આવતા ઝૂરકા, ટીમુ અને છેલ્લે તીર-કામઠાં હાથમાં લઈને આવતા બીજા બે આદિવાસીઓ. અમે એક કેડી પર સીધી લાઇનમાં ચાલ્યા જતા હતા. બિત્તુના હાથમાં કુહાડી હતી.

ચર્ચ થોડું જ દૂર રહ્યું ને મારા પગથી થોડે આગળ કંઈક સળવળ્યું. મને લાગ્યું કે આગળ જતાં બંગાનો પગ લપસ્યો છે; પણ તે નીચે પડવો જોઈએ તેના બદલે મેં તેને જમણી તરફના ઢોળાવ તરફ ખેંચાતો જોયો. તે જ ક્ષણે મને ખ્યાલ આવ્યો કે ખીણ તરફની ઝાડીમાં છુપાઈને બેઠેલો વાઘ તેને લઈને ક્ષણમાત્રમાં તો ઢોળાવ ચડવા મંડ્યો છે. હું ચીસ પાડું તે પહેલાં તો મારી પાછળ આવતો બિત્તુ ત્રાડ પાડતો કૂદ્યો.

વાઘ જો ઉપરથી કૂદ્યો હોત તો બંગાને લઈને ખીણમાં ઊતરી જઈ શક્યો હોત, પણ તે ખીણ બાજુથી નીકળીને ઉપર જવા ગયો ત્યાં તેને તેની ઝડપ કામ ન આવી. હજી તે ખડકો પર ચડતો જ હતો ને બિત્તુ અજબ ત્વરાથી તેની પાસે પહોંચી ગયો. સ્વયં હનુમાન જાણે તેના શરીરમાં પ્રવેશ્યા હોય તેટલા વેગથી ખડક પર ચડતાંવેંત તેણે પોતાના હાથમાંની કુહાડી પૂરી તાકાતથી વાઘના માથા પર મારી. અમે બધાએ જોરથી હાકોટા કર્યા. બેઉ બાળકો ભયના માર્યાં રડવા લાગ્યાં. વાઘે બંગાને ત્યાં જ છોડી દીધો. જરા ફંટાઈને તે ઘુરકાટી કરતો કૂદીને આગળ નીકળી ગયો. બીજી જ પળે તે ચર્ચની દીવાલ પાસેથી પાછળના ભાગની ખીણમાં અદૃશ્ય થઈ ગયો.

બંગા ભાનમાં હતો. તે ઊભો થવા ગયો પણ તેની ડોક નમી ગઈ. કદાચ તેની કરોડનો મણકો તૂટી ગયો હતો. વાઘે તેની ડોક દબાવી દેવા ચાહી હશે, પણ તેના મોંમાં માથાનો પાછળનો ભાગ આવી જતાં બંગાની જિંદગી તો બચી ગઈ પણ તેની ખોપરીમાંથી લોહી વહેતું હતું.

તરત જ અમે બંગાને ચર્ચમાં લઈ ગયા. ઝૂરકો જઈને સુપરિયાને બોલાવી લાવ્યો. થોમસ પાદરી અને અમે બધા બંગાની સારવારમાં પડ્યા. થોમસે મીણબત્તી સળગાવી અને ક્રૉસ પર ચડેલા પ્રભુ ઈશુની મૂર્તિ સમક્ષ મૂકી. અમે બંગાની ડોક પાછળ વાંસની પટ્ટી ગોઠવી ને તેના પર પાટો વીંટતા હતા ત્યાં તે બેહોશ થઈ ગયો.

સુપરિયા આવી ગઈ હતી. તેણે સ્ટ્રેચર ખોલ્યું. જે સ્ટ્રેચર પર અમે બાબરિયાને લઈને ગઈ કાલે શહેર ગયા હતા તે જ સ્ટ્રેચરમાં અત્યારે બીજા આદિવાસીને લઈને જવાનો વારો આવ્યો.
સુપરિયા ક્રૉસ તરફ ગઈ અને ઘૂંટણે પડીને ખોળો પાથરીને પગે લાગી. મેં તેને આવું કરતાં પ્રથમ વખત જોઈ. ચર્ચમાં પ્રણામ કરવાની આવી રીત નથી; પણ અત્યારે અમે બધાં જ પ્રણામ અને પ્રાર્થનાની રીતભાતોથી ઉપરની સ્થિતિમાં હતાં. એક હિન્દુ સન્નારી પ્રભુ ઈશુના આશીર્વાદ ઇચ્છે ત્યારે ધર્મ આપમેળે માર્ગ કરી આપે તે સ્વાભાવિક હતું. આવે સમયે કોણ શું છે તે વાડાઓ નથી હોતા, ધર્મની વ્યાખ્યાઓ નથી હોતી, કોઈ સીમા નથી હોતી. હોય છે માત્ર એક ઇચ્છા – કોઈ એવી શુભ શક્તિના આશીર્વાદની, જે ઘાયલ અને આર્ત માનવીને દુ:ખમાં શાંતિ આપે અને તેની સારવાર કરનારને હિંમત અને સફળતા આપે. તે શક્તિ પછી ઈશ્વરના આશીર્વાદમાંથી, કોઈ જિન્દાવૃક્ષની છાયામાંથી, કોઈ ડૉક્ટરના હાથમાંથી, મિત્રના હૃદયમાંથી કે અશ્વમેધપુન્યા નર્મદાના જળમાંથી – ક્યાંયથી પણ મળતી હોય તો તેની ઇચ્છા અમે કરીએ છીએ. આ સચરાચરમાં એવું કંઈ પણ હોય જે બંગાને બચાવી લેવામાં અમને સહાયરૂપ થાય તો તેને વંદન કરવામાં અમે ક્ષોભ નહિ અનુભવીએ.

બંગાને લઈ જતાં આખે રસ્તે મેં આ બનાવ વિશે વિચાર્યા કર્યું. આટલા વખતના અરણ્યવાસ અને આદિવાસીઓના સહવાસ પછી મને એ સમજવું મુશ્કેલ લાગ્યું કે વાઘે પાછળ, છેલ્લે ચાલ્યા આવતા આદિવાસી પર હુમલો કરવાને બદલે સહુથી આગળ જતા બંગાને જ શા માટે ઝડપ્યો? વળી બંગાને લઈને ખીણમાં ઊતરી જવાને બદલે તે ઉપર તરફ શા માટે ગયો? અને મોટા ભાગે સાંજ પછી શિકાર કરનારું પ્રાણી વહેલી સવારે ક્યાંથી આવી ચડ્યું?

આ બધા માટે જવાબદાર કદાચ અમારું મૌન હતું. અમે બધા જો વાતો કરતા આવતા હોત તો આવું ન બનત. બંગાનાં પગલાં સાંભળીને વાઘ સચેત થયો હશે. બીજા માણસોનો બોલાશ ન સંભળાતાં આવનાર માણસ એકલો જ છે તેમ માનીને તે નીચા અને કિશોર જેવા દેખાતા

યુવાન પર કૂદ્યો હશે. જે ક્ષણે વાઘ બહાર આવ્યો તે જ ક્ષણે તેની નજર મારી ઉપર અને બીજા માણસો પર પડતાં તે વિક્ષુબ્ધ થઈને પોતાનું લક્ષ્ય ચૂકી ગયો હશે. આથી બંગાની ડોકને બદલે તેનું મસ્તક તેના મોંમાં ઝડપાઈ ગયું.

બરાબર તે જ સમયે અમે હાકોટા કરતાં વાઘે ગભરાટમાં ઉપર તરફ જવા માંડ્યું હશે. આ બધું ક્ષણાર્ધમાં એકસાથે બની ગયું અને ત્યાં સુધીમાં બિત્તુએ પોતાના તમામ ચાપલ્યથી તેને ઝડપી લીધો. પણ જે થવાનું હતું તે તો થઈને જ રહ્યું.

શહેર પહોંચતાં જ બંગાને દાખલ કરાવીને તરત અમે જબલપુર વાયરલેસ કરાવ્યો. વાઘ માણસખાઉ થયાની વિગતો છાપાંઓને પહોંચે તેવી વ્યવસ્થા કરી અને જંગલખાતાને પણ તેની જાણ કરી. હું હૉસ્પિટલ પર રોકાયો. બિત્તુની પત્ની જોગાને અહીં બોલાવી લીધી.

ત્રીજે દિવસે સવારે સુપરિયા અને ગણેશ શાસ્ત્રી આવ્યાં ત્યારે બંગા છેલ્લા શ્વાસ લેતો હતો. બિત્તુ અપાર દુ:ખમાં પણ રડ્યો નહિ. કોઈએ તેને ખભે હાથ મૂકીને કહ્યું, ‘બિત્તુ!’ ત્યાં તેણે અસ્વસ્થ થઈને કહ્યું, ‘બિત્તુ નીં બોલે હો, બિત્તુબંગા જ હોવે હે.’ અમને બધાંને, જે કોઈપણ મા-વિહોણા બંગાને મોટો કરવા બિત્તુએ ઉઠાવેલાં કષ્ટોની વાત જાણે છે તે તમામને તેની આ વાત યોગ્ય લાગી. આજથી અમે બધાં – અરે આ વનોનાં પર્ણેપર્ણ પણ એ સ્વીકારીએ છીએ કે બિત્તુનું નામ બિત્તુ નહિ, બિત્તુબંગા જ છે.

જોગા ખૂબ રડી. શાસ્ત્રીજીએ ‘નર્મદે હર’ કહી બંગાના દેહને સ્પર્શ કર્યો. હું મુખ ફેરવીને કમરામાંથી બહાર નીકળી ગયો. અચાનક મને નર્મદાની પરિક્રમાએ નીકળી જવાની ઇચ્છા થઈ આવી.”

૧૮

“લોકો બાધા-આખડી રાખવા મંડ્યા છે. બહુરૂપીઓ વાઘનું રૂપ લઈને આવે તો તેને વધુ અનાજ મળે છે. કોઈ પણ ભોગે આ માનવભક્ષીનો કોપ ટળે તો શાંતિ થાય.
કાલેવાલી માએ સાઠસાલીઓ પાસે માણસનાં મહોરાં બનાવરાવીને આદિવાસીઓમાં વહેંચ્યા. બહાર જઈએ ત્યારે આવું મહોરું માથાના પાછળના ભાગે પહેરીએ એટલે વાઘ પાછળથી હુમલો કરતાં ડરે.

માણસ પાછળના ભાગે મહોરું લગાવીને ચાલતો જતો હોય ત્યારે તે ઊંધા પગલે ચાલે છે તેવો આભાસ હાસ્ય પ્રેરે છે. બધા હસે પણ ખરા. કારુણ્યમાંથી પણ હાસ્ય શોધી કાઢવાનો કસબ માનવજાત પાસે સદીઓથી છે.

સુપરિયા જાતે જબલપુર જઈને આવી ત્યારે વનખાતાએ વાત ગંભીરતાથી લીધી. સરકાર માનવભક્ષીને પકડવા આવવાની છે તે સમાચાર અરણ્યોમાં ફેલાઈ જતાં લોકસમુદાયમાં ઉત્સાહ ફેલાઈ ગયો. ક્યાં છટકું ગોઠવાશે, કેવી રીતે મારશે, મારશે કે પાંજરે પૂરીને લઈ જશે તે વિશે કોઈને કશી જ ખબર ન હોવા છતાં શું કરવાનું છે તેનો નિર્ણય પોતે જ કરતા હોય તે રીતે આ ભોળા લોકો વાતો કરે છે.

એક માત્ર બિત્તુબંગા ચૂપ રહીને બધું સાંભળ્યા કરતો હોય છે.

જંગલખાતાના જિલ્લા વનરક્ષક શ્રીનિવાસને આશ્રમમાં જ થાણું નાખ્યું. જુદાજુદા વનવિસ્તારોના કર્મચારીઓને ભેગા કરીને આખીયે યોજના કેમ પાર પાડવી તે સમજાવ્યું. હિંમતવાળા આદિવાસી યુવાનોને સાથે રહેવા અને હાકોટા કરવા તૈયાર કર્યા. જાણે લશ્કરની નાનકડી છાવણી હોય તેવી પ્રવૃત્તિ આશ્રમમાં થવા લાગી. વાયરલેસ સેટ અને વૉકી-ટૉકી લઈને સરકારી કર્મચારીઓ પોતપોતાના વિસ્તારોમાં પહોંચી ગયા.

આવતી કાલથી અરણ્યવ્યાપી અભિયાન આરંભવાનું છે. આશ્રમનો ઝાંપો સાંજે બંધ થયો. જમીને અમે બધાં બહાર ખુલ્લામાં બેઠાં-બેઠાં શ્રીનિવાસનના અનુભવો સાંભળતાં હતાં. ત્યાં અચાનક કાળજું કંપાવતી વાઘની ગર્જના સંભળાઈ.

અમે ચોંક્યાં. આશ્રમની પાછળની તળેટીમાંથી જ આ અવાજ આવ્યો હતો. હું, બિત્તુબંગા, સુપરિયા અને વનરક્ષક એકસાથે ઊભાં થઈ ગયાં.

‘ઓહ જ હે! ઓહી જ!’ બિત્તુબંગા ઉશ્કેરાટથી બોલી ઊઠ્યો. ‘ઓહી જ ઘુકાટ કરે હે!’

‘અવાજ પરથી તું ઓળખે કે?’ પૂછતાં વનરક્ષક આશ્રમની દીવાલ તરફ ગયા.

‘હા, હા. પૈચાનું હૂં.’ બિત્તુબંગા ઉશ્કેરાઈને બોલ્યો, ‘મું કવાડી મારા હે. દેખી લો જા કે.’ બિત્તુબંગા જાતે જ ઉશ્કેરાટમાં દોટ મૂકીને બહાર દોડી જશે તેવું લાગતાં મેં તેને શાંત કરતાં કહ્યું, ‘જે હોય તે. સાહેબને જોઈ લેવા દે.’

શ્રીનિવાસને સર્ચલાઇટ મંગાવી, પાળી પાસે નિસરણી મુકાવીને સાવચેતીપૂર્વક દીવાલ પાછળ જોયું. વાઘનાં તોફાન વધતાં ગયાં. ઘુરકાટ અવિરત ચાલુ રહ્યો.

‘કંઈક થયું લાગે છે.’ શ્રીનિવાસને કહ્યું, ‘કદાચ બે વાઘ ઝઘડતા હોય કે પછી એ ક્યાંક ફસાયો હોય.’ વધુ ઝીણવટથી સર્ચલાઇટ ફેરવીને તેમણે ઉમેર્યું, ‘નીચે પાણીનું તળાવડું છે ત્યાં કંઈક લાગે છે. બીજે ક્યાંયથી તે જગ્યા સારી રીતે જોઈ શકાય?’

‘બહાર નીકળીને થોડું નીચે જવું પડે.’ મેં કહ્યું, ‘ત્યાં એક ખડક પાસેથી તળાવડીવાળી આખી જગ્યા ચોખ્ખી દેખાશે.’

‘તો ત્યાં જઈએ.’ શ્રીનિવાસને કહ્યું, ‘તમને બંદૂક વાપરતાં ફાવે છે?’

‘ના.’ મેં કહ્યું, ‘પણ ચાલશે, હું લાકડી લઈને સાથે આવું છું.’

અમે શ્રીનિવાસન અને તેના ચાર-પાંચ સિપાહીઓની સાથે બહાર નીકળ્યા. ‘મારશો નહિ.’ સુપરિયાએ બિત્તુબંગાની હાજરી છતાં કહ્યું.

‘મારવાનો અમને હુકમ પણ નથી.’ શ્રીનિવાસને કહ્યું, ‘સિવાય કે અમારી જાન પર આવી પડે.’

‘મુ કાટ દુંગા!’ બિત્તુબંગાએ કદાચ પહેલી વાર સુપરિયાથી જુદું મંતવ્ય વ્યક્ત કર્યું.

સુપરિયાએ બિત્તુબંગા સામે જોયું અને સાહજિકતાથી કહ્યું, ‘ભલે, તને એ સારું લાગતું હોય તો તેમ કરજે. પણ તને એનાથી શાંતિ થતી હોય તો જ.’

‘મું મારુંગા જ!’ બિત્તુબંગાનું વેર શબ્દોથી શમે તેમ ન હતું.

સર્ચલાઇટના પ્રકાશમાં તળાવડીવાળો નાકડો વિસ્તાર ઝળાંહળાં થઈ ઊઠ્યો તે ક્ષણે અમે જે દૃશ્ય જોયું તે અમારામાંનું કોઈ ક્યારેય બૂલી શકવાનું નથી.
ચાંદની-મઢ્યાં વૃક્ષો વચ્ચે નાનકડા તળાવના દરવાજાની ફ્રેઇમમાં વાઘનું માથું ફસાઈ ગયું છે. બિલાડીનું માથું માટલામાં જઈ શકે પણ બહાર ન નીકળી શકે, તેમ આ માનવભક્ષી ગલસંટામાં ફસાઈ ગયો છે.

‘આશ્ચર્ય!’ શ્રીનિવાસને અંગ્રેજીમાં કહ્યું અને આંખે દૂરબીન લગાવ્યું. પછી કહે, ‘પ્રાણી તો એ જ છે, જો તમારા માણસે તેને કુહાડી મારી હોય તો.’

પછી દૂરબીન મારા હાથમાં આપતાં ઉમેર્યું, ‘નસીબદાર છો તમે. આવું જોવાનું દરેકને મળતું નથી.’

મેં દૂરબીનથી જોયું. વાઘનું શરીર ખડક પછવાડે હતું પણ માથું ગલસંટાની ફ્રેઇમ વચ્ચે સ્પષ્ટ દેખાતું હતું. આંખો અંજાઈ જવાથી અને પ્રકાશથી ભય પામીને તેણે ઘુરકાટ ધીમો કર્યો અને શાંત પડ્યો રહ્યો.

આ જગતપટ પર આવાં કેટકેટલાં અપ્રતિમ દૃશ્યો સર્જાતાં રહેતાં હશે. આમાંનું એક નજરે જોઈ શકવા બદલ હું મને ભાગ્યશાળી ગણું કે હતભાગી, તે ન સમજાતાં મેં દૂરબીન શ્રીનિવાસનને પાછું આપ્યું.

સિપાહીઓએ પણ દૂરબીનથી નિરીક્ષણ કર્યું, પછી કહે, ‘હવે એ નીકળી રહ્યો. ટ્રેપ મંગાવી લઈએ.’

‘ગૅંગ આખી ખીણમાં છે.’ શ્રીનિવાસને કહ્યું, ‘ને આ પ્રાણી કંઈ ભાગી શકવાનું નથી. સવારે જ અજવાળામાં પકડીશું.’

‘ઈથે જ કાટ દેવે.’ બિત્તુબંગા બોલ્યો, ‘એક કવાડી માગે હે.’

ઑફિસરે જવાબ ન આપ્યો. સર્ચલાઇટ બુઝાવીને અમે પાછા ફર્યા. વાયરલેસ કરવા પ્રયત્ન કર્યો પણ સેટમાં કંઈક ખરાબી લાગી. સુપરિયાને વાત કરીને અમે સૂતા. વાઘના ઘુરકાટા ધીમેધીમે ઓછા થતા ગયા. તેણે પરિસ્થિતિ સ્વીકારી લીધી હશે.

બિત્તુબંગાને મેં મારા ઘરમાં સુવરાવ્યો. અડધી રાત વીત્યે તંદ્રામાં મને લાગ્યું કે બિત્તુબંગા ઊઠીને બહાર ગયો; પણ હમણાં પાછો આવીને સૂઈ જશે તે વિચારે હું તરત જ પાછો ગાઢ નિદ્રામાં સરી ગયો.

અરણ્યોની સવાર આવી. સહુથી પ્રથમ સાગબાનના સૌંદર્યમુગટ સમા પુષ્પગુચ્છ સૂર્યપ્રકાશને ઝીલતા ઝળહળી ઊઠે અને પછી તડકો ઊતરવા માંડે ખીણ તરફ. ધુમ્મસમાં ઢબૂરાયેલી ખીણો ધીમેધીમે જાગે, પંખીઓનો કલરવ વાતાવરણને ભરી દે; પછી થોડી પળોમાં આ સમગ્ર પ્રકૃતિને માનવીય સ્પર્શ આપતો વનવાસીઓનો લયસભર ધ્વનિ વહેતો થાય. જોકે માનવભક્ષીના આતંકે પેલાં ગીતો છીનવી લીધાં છે. માણસો હવે બહાર આવતાં બને તેટલું મોડું કરે છે.

શ્રીનિવાસન અને તેના સિપાહીઓ દેખાયા નહિ. સુપરિયા તેના ઘરના ઓટલે ઊભીને માથું ઓળે છે. બિત્તુબંગા પેલી તરફ કંઈક સળગાવે છે. કદાચ કચરો બાળતો હોય. તે સિપાહીઓ સાથે તલાવડી પર કેમ ન ગયો – એ વિચારું છું ત્યાં મેં દરવાજામાંથી આવતા શ્રીનિવાસનને દીઠા.

‘તલાવડીનો દરવાજો કોણે ખોલ્યો?’ આવતાંવેંત તેમણે પૂછ્યું. તેમણે ‘વાઘને કોણે માર્યો’ તેવું પૂછ્યું હોત તો મને સહેજ પણ નવાઈ ન લાગત, પણ સાવ ઊલટી વાત સાંભળીને હું આશ્ચર્યમાં ડૂબી ગયો.

‘એવું ગાંડું સાહસ કોઈ ન કરે.’ કહેતી સુપરિયા આવી, ‘કદાચ આપોઆપ છટકી ગયો હોય.’

‘અશક્ય. તદ્દન અશક્ય.’ શ્રીનિવાસને અંગ્રેજીમાં કહ્યું, ‘તેને માટે જાતે નીકળવું શક્ય જ ન હતું અને તમે જુઓ, કોઈએ આખો સ્ક્રૂ ખોલીને દરવાજો છૂટો કરેલો છે.’

અમે કંઈ વિચારીએ ત્યાં બિત્તુબંગા આવ્યો. કહે, ‘મું ખોલા ગલસંટા.’

‘શું બકે છે?’ ઑફિસર ખિજાયા.

‘બિત્તુ!’ મેં કહ્યું, ‘તેં? તેં છોડી મૂક્યું એ પ્રાણીને? તારે તો એને મારી નાંખવાનું વ્રત હતું ને?’ મને સાચા શબ્દો જાણે જડતા ન હતા. ‘તને ખબર છે આ જ જનાવરે તારા ભાઈને…’

‘માલૂમ મુંને.’ બિત્તુએ કહ્યું, ‘ઓહી જ બંગાને ખા ગઈ થી.’

‘ગઈ થી’ શબ્દો સાંભળીને હું અને શ્રીનિવાસન બંને ચમક્યા. તો અમે જેને વાઘ માનતા હતા તે વાઘણ હતી! ગલસંટામાંથી ફક્ત મોઢું જ દેખાતું હતું અને તે પણ ફસાયેલું. નહિતર શ્રીનિવાસન જેવો બાહોશ અધિકારી વાઘણને ઓળખી ન લે તેવું ન બને.

બિત્તુબંગાએ ગલસંટો ખોલી કેમ નાખ્યો તે સમજવા હું પ્રયત્ન કરું ત્યાં તેના જ શબ્દોએ મને આખીય વાતનો તાળો મેળવી આપ્યો. ‘છોડ દિયા જ અચ્છા થા.’ બિત્તુબંગા બોલ્યો, ‘માં ઓ ગઈ અને બચૂલે ગયે જંગલમાં.’

‘તને ભાન છે?’ મેં ઉતાવળમાં કહ્યું, ‘તેં શું કર્યું છે?’ બિત્તુબંગા અને સુપરિયા બંને નવાઈથી મને જોઈ રહ્યાં. હું થોડો ગૂંચવાયો અને આગળ બોલતાં અટકી ગયો. સુપરિયા શ્રીનિવાસનને એક તરફ દોરી ગઈ.

શ્રીનિવાસનના આસિસ્ટન્ટે જરાક વ્યંગમાં કહ્યું, ‘આવા મૂઢ લોકોને સુધારવા તમે અહીં થાણું નાખ્યું છે?’

આ પ્રશ્નનો જવાબ આપવા હું ત્યાં હતો જ નહિ. હું તો ત્યાં જ ઊભો હજારો વર્ષ પાછળ ઠેલાઈને પહોંચી ગયો હતો કુરુક્ષેત્ર પર. આ સામે ઊભો છે નતમસ્તક અશ્વત્થામા, આ રહ્યાં પાંચેય પાંડવો, દ્રૌપદી અને શ્રીકૃષ્ણ.

અચાનક દ્રૌપદી આગળ વધે છે અને અશ્વત્થામાને રક્ષે છે, ‘ન હણશો એને. પુત્રહીનતાનું દુ:ખ શું હોય છે તે હું જાણું છું. કૃપીને એ દુ:ખ કદી ન મળો, કદી નહિ!’
આ સમયમાં પાછો ફરી વનરક્ષકના સવાલને સમજવા પ્રયત્ન કરું છું તો જવાબ મળે છે કે ખરેખર જે કરવાની ઇચ્છાવશ હું અહીં આવ્યો હતો તે સંદર્ભે મારી અહીં કોઈ જરૂર ન હતી. ગણેશ શાસ્ત્રીનો પ્રશ્ન – ‘એમને સુધારવાનો અધિકાર મને છે કે નહિ?’ – આજે આટલા સમય પછી સાચા અર્થમાં સમજાય છે.

જેને સુધારવાની નેમ લઈને હું આવ્યો હતો તે તો એક નાનકડું વાક્ય બોલીને એક જ ફલાંગે આર્યાવતની સુસંસ્કૃતા મહારાણીની હરોળે જઈ બેસવા સમર્થ છે.

મેં વનરક્ષકને કંઈ જવાબ ન આપ્યો અને શ્રીનિવાસન સુપરિયા સાથે વાત કરતા હતા ત્યાં ગયો.

‘ચિંતા ન કરો.’ શ્રીનિવાસન કહેતા હતા, ‘એક સરસ તક ગુમાવી એટલું દુ:ખ છે, પણ તેને કંઈ અમે પકડી ન હતી; એટલે બીજું કંઈ કરવાની જરૂર નહિ પડે.’

‘તમારા સિપાહીઓ?’ સુપરિયાએ પૂછ્યું.

‘અમે કોઈ વાત જ નથી કરતા.’ અધિકારીએ જવાબ આપ્યો. ‘હું આ જંગલોમાં પંદર વર્ષથી ફરું છું એટલે શું કરાય અને શું ન કરાય તેની મને બરાબર ખબર છે. તમે ચિંતા ન કરશો.’ પછી બે હાથનાં આંગળાં ભેગાં કરતાં કહ્યું, ‘અહીંનાં જનાવરોને ઓળખું છું એથી વધુ અહીંના લોકોને ઓળખું છું.’

સુપરિયાના મુખ પર હળવાશ દેખાઈ. બિત્તુબંગાએ પકડાયેલી વાઘણને છોડી મૂકી છે તે ખબર ફેલાય તો શું થાય તે હું પણ કલ્પી શક્યો.

શ્રીનિવાસન બિત્તુ પાસે ગયા, ‘અમે તેને બચ્ચાં સહિત પકડીને ઝૂમાં લઈ જઈશું. તું હવે મૂંગો રહેજે.’ કહીને તે બહાર નીકળ્યા.

સાંજે બિત્તુબંગા મારી પાસે આવીને પૂછતો હતો કે દેવળવાળા પાંજરામાં તેનાથી બોલાય?

તે કન્ફેશન બૉક્સની વાત કરતો હતો તે સમજતાં જ હું ચમક્યો, ‘શું બોલવું છે?’ મેં પૂછ્યું.

‘મેં જનાવર છોડા. બંગા નીં જાણે હે.’ અચાનક મને ભાન થયું કે આ નાનકડો, ઠીંગણો, કાળો આદિવાસી અરણ્યો પરના આકાશને ભરીને છવાઈ શકે એટલો મોટો છે. ધર્મના સૂક્ષ્માતિસૂક્ષ્મ અર્થને જાણવા સતત પ્રયત્ન કરતા રહેલા ભીષ્મ, વ્યાસ કે યુધિષ્ઠિર જે મથામણોમાંથી પસાર થયા હશે તેવી જ મથામણ આ અબુધ આદિવાસી અત્યારે કરી રહ્યો છે.

વાઘણને છોડવાની કે ભાઈની હુમલાખોરને મારીને બદલો લેવાની-ધર્મની બે વિટંબણામાંથી એક તેણે સહેવાની હતી. અંતે બે બચોળિયાંની માતાને છોડીને તેણે એક તો નિભાવી; પણ બીજી?

મેં કહ્યું, ‘બિત્તુબંગા, તેં છોડી મૂકી તે જ સારું કર્યું. બંગાને તો ખબર પડશે જ અને તે રાજી થશે. તારે જાળીમાં જઈને બોલવાની જરૂર નથી.’

‘તું હી જ તો બોલા.’ બિત્તુબંગાએ આક્ષેપાત્મક ભાવે કહ્યું.

‘શું?’ મેં પૂછ્યું. મેં બિત્તુબંગાને કંઈ કહ્યું હોય તેવું મને યાદ ન આવ્યું.

‘બોલા હોવે હે. “બિત્તુ તુને યે કયા કરા?” અઈસન બોલા.’ તેણે સ્પષ્ટભાવે ઉત્તર આપ્યો.

‘એ તો… એ તો… અમસ્તું જ. પેલા સરકારી માણસો ઊભા હતા તેથી મને ડર લાગ્યો હશે.’ મેં જાતને બચાવવા કોશિશ કરી. મારી જાત કેટલી પોકળ છે તેનું આવું વરવું દર્શન મેં કદીયે કર્યું નથી. હું સ્વીકારું છું કે શિક્ષક બનવું સહેલું નથી. તમારા શબ્દો પર માણસો વિશ્વાસ મૂકે છે. તમારા શબ્દો પર માણસ પોતે પાપી છે કે પુણ્યશાળી તે નક્કી કરે છે. હું મૂર્ખ હતો રે, બિત્તુબંગા, હું મૂર્ખ હતો…”

– ધ્રુવ ભટ્ટ

તત્ત્વમસિ – પ્રાકકથન

તત્ત્વમસિ – ૧

તત્ત્વમસિ – ૨

તત્ત્વમસિ – ૩

તત્ત્વમસિ – ૪

તત્ત્વમસિ – ૫

તત્ત્વમસિ – ૬

તત્ત્વમસિ – ૭

તત્ત્વમસિ – ૮

તત્ત્વમસિ – ૯

તત્ત્વમસિ – ૧૦

તત્ત્વમસિ – ૧૧


આપનો પ્રતિભાવ આપો....

One thought on “તત્ત્વમસિ : ૬ – ધ્રુવ ભટ્ટ (ઈ-પુસ્તક)