૧.
“લે ખાઈ લે.”
સાવ નજીકથી જ અવાજ સંભળાય છે. કોઈ સાવ પાસે બેસીને મને કહે છે. હું ગાઢ નિદ્રામાંથી જાગતો હોઉં કે તંદ્રામાં હોઉં એમ સ્વર અને શબ્દ ઓળખવા પ્રયત્ન કરવો પડે છે. ‘લે ખાઈ લે.’ નિર્જન વનો, નિ:શબ્દ ટેકરીઓ પર ઝૂકેલા નીલાતીત આકાશને પેલે પારથી આવતા હોય તેવા ઝાંખાપાંખા શબ્દો સ્ત્રીસ્વરના છે એટલું જાણી શક્યો.
મેં પ્રયત્નપૂર્વક આંખો ખોલી. રેતાળ, પથરાળ નદીટત પર તે મારી જમણી તરફ બેઠી છે. લાલ રંગનાં ઘાઘરી-પોલકું પહેરેલી તે ગોઠણભેર બેસીને મારા પર નમેલી છે. કહે છે, ‘લે ખાઈ લે.’ તેના નાનકડા હાથમાં પકડેલો મકાઈનો ડોડો તેણે મારા મોં પાસે ધરી રાખ્યો છે.
મહામહેનતે હાથ ઊંચો કરીને હું તે મકાઈ લઉં છું. ધીમેધીમે મારી સ્થગિત ચેતના જાગ્રત થાય છે. ધીરજપૂર્વક મકાઈનો એક દાણો ઉખેડીને હું મોંમાં મૂકું છું.
કેટલા સમયથી અહીં પડ્યો છું તે યાદ નથી. પરંતુ એક વાત નિ:શંકપણે યાદ છે કે અત્યારે સાંભળેલો ‘લે’ શબ્દ મારા કાને પડ્યો ત્યાર પહેલાં મેં છેલ્લે સાંભળેલા માનવસ્વરના શબ્દો હતા: ‘આપી દે.’
‘આપી દે’ અને ‘લે’ વચ્ચે કેટલો સમય પસાર થયો હશે? એક થાકેલો, બીમાર માનવી ખાલી પેટે જીવતો રહી શકે એથી વધુ તો નહિ જ. છતાં આ બંને શબ્દોને સાંકળવા બેસું છું તો સમય અમાપ બની જાય છે. વર્ષો, સદીઓ, મન્વન્તરોની આરપાર એનાં મૂળ ફેલાયેલાં દેખાય છે.
પરંપરા, સંસ્કૃતિ અને સમયને સાંકળતા અંકોડા જેવા આ શબ્દો હવે બે-ત્રણ શબ્દો ક્યાં રહ્યા છે? એ તો બની ગયા છે ભાષ્ય. અનાદિ- કાળથી અઘોર અરણ્યો, નિર્જન વગડાવાટ અને કાળમીંઢ પથ્થરોની પાર વહી રહેલા આ પરમ પારદર્શક જળની જેમ જ આ બે શબ્દો સનાતન કથા બની વહેતા રહ્યા છે.
કિનારે ઝૂકેલી વનરાજિ, રંગબેરંગી પાંચીકા જેવા ગોળ પથ્થરોથી છવાયેલો કિનારો અને સૃષ્ટિના સર્જન-સમયથી અબોલ ઊભેલી ટેકરીઓ વચ્ચે અવિરામ વહી રહેલાં આ નિર્મળ જળ. આ બધાંની સાક્ષીએ, જેને આદિ નથી, અંત નથી તેવી કોઈ મહાકથાની જેમ આ શબ્દો ‘આપી દે’ અને ‘લે’ અનાદિ, અનંત બની આટલામાં જ ક્યાંક વહેતા હોય છે.
મેં મકાઈ પરથી ધ્યાન ખસેડીને તે આપનાર તરફ નજર કરી. કોણ હશે આ વનકન્યકા? બોલવાનો પ્રયત્ન કરું છું તો ગળું ભરાઈ આવે છે, સાથેસાથે આંખો પણ.
ઝળઝળિયાં પાછળ આછાં દૃશ્યો દેખાય છે. વીગત સમય જાણે પુનર્જીવિત થતો હોય તેમ બધું જ ફરીથી ભજવાતું જોઈ શકું છું. જીવન કેટલી ટૂંકી અને સાંકડી કેડી પર ચાલ્યું જાય છે તેનો અનુભવ આ કાળાન્તરોથી વહી રહેલા મહાજળપ્રવાહ પાસે પડ્યોપડ્યો કરી રહ્યો છું.
બંને શબ્દોને સાંકળતા સમયને લયબદ્ધ કરવા પ્રયત્ન કરું છું તો હજી ગઈ કાલે જ બનેલા બનાવોની જેમ બધું જ નજર સમક્ષ આવીને ઊભું રહે છે…”
આટલું વાંચીને ડાયરી બંધ કરું છું તો થોડી વાર વિચારમાં પડી જવાય છે. આ નિર્જન, પથરાળ કિનારા પર પોતાની રહીસહી મૂડી મૂકતો હોય તેમ થેલીમાં લપેટીને સપાટ પથ્થર પર તે આ ડાયરી, થોડા પત્રો અને ફોટાઓ મૂકીને ચાલી નીકળ્યો. તેણે જેનો ત્યાગ કર્યો તેને સ્વીકારીને સાચવવાની મને આજ્ઞા છે. ઋણાનુબંધને કોઈ નામ નથી હોતું: તેનું હોય છે માત્ર ઋણ. પરાપૂર્વથી ચાલી આવતી આ રીતે આ ઋણ મારે નિભાવવાનું છે. આ માટે હું રોજ સવારે અહીં બેસીને આ ડાયરી, પત્રો, ફોટોગ્રાફ વાંચીને, જોઈને ‘આપી દે’ અને ‘લે’ વચ્ચેના સમયનો એકાદ તંતુ સાંકળી આપવાનો પ્રયત્ન કરીશ.
તેણે પોતાનું નામ આ ડાયરીમાં ક્યાંય લખ્યું નથી; નથી આ પત્રોમાં ક્યાંય તેનું નામ. મેં તેને જોયો જરૂર છે. છેક છ-સાત વરસનો હતો અને પુલ પરથી પસાર થતી ટ્રેનની બારીમાંથી ડોકિયાં કરતો હતો ત્યારથી તેને હું ઓળખું છું. વચ્ચે ઘણાં વર્ષો તે વિદેશ રહ્યો, તે આ ડાયરી પરથી જાણ્યું. તે પાછો ફર્યો ત્યારે ટ્રેન, બારી અને તેની જિજ્ઞાસુ આંખો – બધું પહેલાં જેવું જ મેં જોયું. હા, તેની મુખરેખા, વાત કરવાની, સમજવાની રીત અને વર્તનમાં મને ઘણો ફરક લાગ્યો. એક પળ તો મને એવું લાગ્યું કે વતનમાં પાછા ફરવું તેને ગમ્યું નથી. પણ એ બધી વાત છોડીએ. મારે તો તમને લઈ જવા છે ડાયરીના પાનાઓ વચ્ચેના એક અજાણ્યા પ્રદેશમાં:
“…તે રાત્રે હું અઢાર વર્ષે આ દેશમાં પાછો ફરતો હતો; પરંતુ આટલા લાંબા સમયે સ્વદેશ પાછા ફરનારને થવી જોઈએ તેવી લાગણી મને થતી ન હતી. પ્રોફેસર રુડોલ્ફે આદિવાસી સંસ્કૃતિના અભ્યાસ માટે જ્યારે મારું નામ સૂચવ્યું ત્યારે મને જરા અણગમો થયેલો. યુનિવર્સિટીની જિંદગી કે લ્યુસીનો સાથ બંનેમાંથી એક પણ છોડવું તે મારે મન સજા જેવું હતું. વગડામાં જઈને રહેવું એ કાંઈ રુચિકર કામ તો ન જ કહેવાય.
‘ખરેખર તો આ પ્રોજેક્ટ તુષારને સોંપવો જોઈએ. હજી પણ તેને સોંપાય તો સારું. મને નહિ ફાવે.’ મેં દલીલ કરી જોઈ. વર્ષોથી વિદેશમાં વસ્યો હોવા છતાં તુષાર અંદરથી દેશ તરફ ખેંચાણ અનુભવતો તે મને ખબર હતી. મારા મતે આવું કંઈ થવું તે લાગણીવેડા હતા. હું તો માનવ સંસાધન વિકાસનો પ્રખર હિમાયતી. માણસની ખૂબીઓ પારખીને તેનામાંથી મહત્તમ ઉત્પાદકતા સિદ્ધ કરવી એ મારું કામ. આદિજાતિઓ પાછળ કે બીજી કોઈ શોધખોળ પાછળ ભટકવું તેમાં ઉત્પાદકતા સિદ્ધ થતી હોય એવું મને ન લાગતું. હા, લ્યુસીને આવું બધું બહુ ગમે; પરંતુ તેના લેખો છપાય કે શોધખોળનો રોમાંચ અનુભવાય તે મજા પૂરતું જ, એથી વધુ નહિ.
‘ફાવશે, તને ફાવશે જ.’ પ્રોફેસરે મારી દલીલોને તોડી પાડતાં કહેલું, ‘મને બરાબર ખબર છે કે મારે તને જ મોકલવો છે, તુષારને નહિ – તને જ બરાબર?’
‘સર,’ મેં બને તેટલી નમ્રતા દાખવતાં કહેલું. ‘તમે આવું માનો છો તેનો મને આનંદ છે; પરંતુ જન્મે ભારતીય હોવા છતાં હું ભારતમાં બહુ રહ્યો નથી. એમાંય આદિવાસી વિસ્તારમાં તો હું ક્યારેય ગયો પણ નથી.’
બુઢ્ઢા પ્રોફેસરે પોતાને વિશ્વાસ ન આવતો હોય તેમ મારા સામે જોઈને માથું ધુણાવતાં કહેલું, ‘એ જે હોય તે. પણ તું જાય છે. ચિંતા તારે કરવાની નથી. મેં સુપ્રિયા ભારતીયને બધું સમજાવ્યું છે. તું એક વાર તેની પાસે પહોંચી જા.’
છેલ્લા છ માસથી ભારતની કોઈ સુપ્રિયા ભારતીયના પત્રો આવતા. એકાદ વખત કમ્પ્યુટર ફ્લૉપી પણ આવેલી. આટલી વાતથી પ્રોફેસર રુડોલ્ફ ભલે સુપ્રિયાથી પ્રભાવિત થઈ ગયા હોય, મને બહુ આશા ન હતી. આદિવાસી કલ્યાણ કેન્દ્ર ચલાવતી સુપ્રિયા ભારતીય એટલે ખાદીનાં કપડાંથી લદાયેલી, સાઠ-પાંસઠ વર્ષની ચશ્માંધારિણી, સ્વયંસેવકોથી વીંટળાઈને, ગાંધીબાપુને નામે ભાષણો આપતી સ્ત્રી. આ મારા મને દોરેલું સુરેખ ચિત્ર અને તે સાચું હોવા વિશે મને રજમાત્ર પણ શંકા ન હતી. રુડોલ્ફનું મન ન દુભાય એટલા ખાતર હું કંઈ બોલ્યો નહિ. પણ મેં પૂછ્યું તો ખરું જ, ‘સુપ્રિયા સાથે કામ કરવું જરૂરી ગણાશે?’
‘જરા પણ નહિ.’ પ્રોફેસર બોલ્યા, ‘તું તારી રીતે જ કામ કરજે.’ પછી ઊભા થઈને મારી પાસે આવ્યા, મારા ખભે હાથ મૂક્યો અને આગળ કહ્યું, ‘સુપ્રિયા તને આદિવાસીઓ સાથે ભળવામાં મદદરૂપ થશે. એક વાર તું એ લોકો સાથે ભળી જાય, તે બધા તને પોતાનો માનવા માંડે ત્યાર બાદ જ તું તેમની સંસ્કૃતિ વિશે જાણી શકશે. ત્યાં સુધી માત્ર માહિતી ભેગી કરવાથી વિશેષ કશું થશે નહિ. આઈ વોન્ટ યૂ ટુ સિટ વિથ ધેમ, ટુ હૅવ ડાયલોગ્ઝ વિથ ધેમ ઍન્ડ ટુ ડુ પાર્ટિસિપેટરી ઑબ્ઝર્વેશન.’
મારી પાસે આનો કોઈ જવાબ ન હતો. મેં જરા મૂંઝવણભર્યા સ્વરે કહ્યું, ‘એચ. આર. ડી.નું કામ હોત તો હું સહેલાઈથી કરી શકત. આ વિષય મારા માટે સાવ નવો છે. મને તો શરૂઆત કેમ કરવી તેની પણ ખબર નહિ પડે. સાવ એકડે એકથી શરૂ કરવાનું થશે.’
‘અરે વાહ!’ પ્રોફેસર એકદમ આનંદથી બોલી પડ્યા, ‘ખરેખર એકડે એકથી જ શરૂ કર. તું ત્યાં નાનકડી શાળા શરૂ કર અને રહે. તારે આદિવાસીઓ વચ્ચે રહેવાનું, તેમની રોજિંદી બાબતો સમજવાની, નોંધવાની અને તે ડાયરીની નકલ મને મોકલતા રહેવાનું. બસ, આ થશે તારો રીપૉર્ટ.’ આવા અણઘડ રીપૉર્ટ ખાતર એ ધૂની પ્રોફેસરે યુનિવર્સિટી પાસે કેટલાયે ડૉલરનું અનુદાન મંજૂર કરાવ્યું હતું!!
પ્રોફેસર એક-બે વખત ભારત આવી ગયેલા. અહીંના શિક્ષકો અને વિદ્યાર્થીઓ વિશે તે શું સમજીને પાછા ગયા હશે તે મને ખબર નથી; પણ તેમને ભારતીય શિક્ષકો અને સમાજ વચ્ચેના સંબંધો પ્રત્યે ખાસ લાગણી છે તેની મને બરાબર ખબર હતી.
ખેર! નાગા-ભૂખ્યા આદિવાસીઓ અને કોઈ ખાદીધારિણી સુપ્રિયાબા ભારતીય વચ્ચે રહીને થોડી નોંધો લખીને ભાગી આવવાનું કંઈ ખાસ અઘરું નહિ પડે. મારા બેએક પત્રો મળતાં જ રુડોલ્ફ મને પરત બોલાવી લેશે.
સદ્નસીબે તુષાર મુંબઈ સુધી મારી સાથે આવ્યો. તે તો મુંબઈ ઊતરતાં જ નાચી ઊઠેલો. કહે, ‘ચલ યાર, આપણી સ્કૂલ જોઈ આવીએ.’
‘સ્ટુપિડ!’ મેં કહેલું, ‘ખોટા લાગણીવેડા છોડ. જોઈએ તો જીવન જીતવાની કળા વિશે બે લેસન આપી દઉં.’
‘ઓ ભાઈ!’ તુષારે નાટકીય ઢંગથી કહ્યું, ‘આપણે તો જેવા છીએ તેવા સારા છીએ. તમે સિધાવો તમારાં સુપ્રિયાજીને દેશ. જોઈએ તો આજ રાતની ગાડીની ટિકિટ કન્ફર્મ કરાવી દઉં.’
ખરેખર તુષારે તેમ કર્યું. રાત્રે મને સ્ટેશને મૂકવા આવ્યો ત્યારે કહે, ‘યાર, માણસ મટી જવાથી કોઈ ફાયદો નથી. થોડી વાર લાગે કે આપણે કંઈક છીએ, બસ, બીજું કશું નહિ. મને તો બધુંય યાદ આવે છે. આપણી નિશાળ, પેલાં ટીચર સિસ્ટર ઍસ્થર… ખરેખર મજા હતી એ દિવસોમાં.’ કહેતાં તેનો અવાજ ભીનો થઈ ગયો.
‘તું યાદ કર એ દિવસો અને બેસી રહે.’ મેં કહેલું, ‘દુનિયા ક્યાંની ક્યાં નીકળી જશે તે જોતો રહેજે.’
ટ્રેન ઊપડી અને તે ગયો. અત્યારે રાત્રે અગિયાર વાગ્યે પણ તે શાળાના બંધ મકાન પાસે કાર રોકવાનો, થોડી વાર ત્યાં ઊભો રહીને સિગારેટ ફૂંકવાનો, પછી જ ઘરે જવાનો એની મને ખાતરી હતી.
જે હોય તે. તુષારના વિચારો પડતા મૂકીને હું ‘માનવસંસાધન વિકાસની પ્રયુક્તિઓ’નું પુસ્તક વાંચતો ક્યારે ઊંઘમાં સરકી પડ્યો તેનો પણ ખ્યાલ ન રહ્યો.”
* * *
અક્ષરનાદ નર્મદાની આ અદ્વિતિય કથા – તત્ત્વમસિ આપને માટે નિ:શુલ્ક રજુ કરે છે. તો સામે પક્ષે અક્ષરનાદને આર્થિક બોજથી દૂર રાખવા ધ્રુવભાઈએ પણ આ પુસ્તક અક્ષરનાદ પર રજૂ કરવા કોઈ જ રકમ લીધી નથી, અરે તેમણે રોયલ્ટી લેવાની પણ ના કહી. તો આખરે અમે એવા નિષ્કર્ષ પર પહોંચ્યા કે અક્ષરનાદ પર તત્ત્વમસિ નિ:શુલ્ક વાંચન માટે ઉપલબ્ધ થાય, અને વાચક પર ભરોસો રાખીએ. અહીં અક્ષરનાદ પર તત્ત્વમસિ વાંચીને કદાચ કોઈકને મનમાં થાય કે લેખકને ભલે પ્રતિક રૂપે, પણ વળતર મળવું જ જોઈએ તો જે તે ભાવક નિઃશુલ્ક વાઁચવા મળેલા આ ખજાના બદલ પોતાને ગમે તે રકમ ધ્રુવભાઈના ખાતામાં સીધી ભરી શકે છે. આ એક આગવો પ્રયાસ છે, ધ્રુવભાઈની જેમ વધુ સર્જકો આમ નિર્લેપ પોતાનું સર્જન સર્વે માટે ઉપલબ્ધ કરી શકે એ માટેની જવાબદારી હવે વાચકની બની રહે છે. મને અક્ષરનાદના સુજ્ઞ વાચકો પર વિશ્વાસ છે કે તેઓ મને નિરાશ નહીં જ કરે. ધ્રુવભાઈ ભટ્ટની બેન્કની વિગતો આ સાથે આપી છે. |
---|
Name of account : Bhatt Dhruvkumar Prabodhrai |
Name of the Bank HDFC bank |
Account number : 01831930001854 |
IFSC : HDFC0000183 |
Branch : Lambhvel Road, Anand. |
Type of Account : Saving |
* * *
૨.
‘નર્મદે હર!’ પાછળના કમ્પાર્ટમેન્ટમાંથી કોઈનો અવાજ આવ્યો અને હું જાગી ગયો. ટ્રેન કોઈ લાંબા પુલ પરથી પસાર થતી લાગી.
‘નર્મદે હર!’ બીજા બે-ત્રણ જણ પણ બોલ્યા. મને આ રીતે ટ્રેનમાં બૂમો પાડતા માણસો પર ચીડ ચડી. ત્યાં મારી સામેની બર્થ પર સૂતેલાં માજી અડધાં ઊભાં થઈને બારી ખોલવાનો પ્રયત્ન કરવા મંડ્યાં. ટ્રેન પુલની મધ્યમાં આવી ગઈ હતી. મને કોણ જાણે શું સૂઝ્યું તે મેં બર્થ પરથી ઊતરીને પેલાં માજીને બારી ખોલી આપી.
તે માજીએ બારી બહાર સિક્કો ફેંક્યો, નદીને હાથ જોડ્યા અને મારો આભાર માન્યા વગર બારી બંધ કર્યા વગર જ પાછાં સૂવા માંડ્યાં. મને ચીડ ચડી. મેં મારી બર્થ પર પડેલા બિસ્કિટના ખાલી ખોખાનો ડૂચો વાળીને માજી જોઈ શકે તે રીતે નદીમાં ફેંક્યો અને વ્યંગમાં બોલ્યો, ‘નર્મદે હર.’
મને હતું કે પેલાં માજી ચિડાશે, પણ તે તો મારી સામે જોઈને મલક્યાં અને નાના બાળકને કહેતાં હોય તેમ કહે, ‘હવે સૂઈ જા, બેટા અને સાંભળ, બારી તો ઉઘાડી રાખ્યે જ સારું.’
મેં બારી બહાર જોયું. શુદ્ધ, ધવલ ચાંદનીમાં અખૂટ જળભર્યો નદીનો પટ પૂરો થવામાં હતો. પાસે આવી રહેલા સ્ટેશનના અને પાસે વસેલા નગરના દીવા નદીમાં પ્રતિબિંબિત થતા હતા. અચાનક મને યાદ આવ્યું કે આ નદીને મેં અગાઉ જોઈ છે – હા, નાનો હતો અને કચ્છ ગયેલો ત્યારે. તે વખતે અમે આ પુલ પરથી દિવસના ભાગે પસાર થયેલાં. ટ્રેનનો ડબો અત્યારે છે તેના કરતાં જુદો હતો. હું નાનીમાના પડખામાં ભરાઈને બારીમાંથી નદીને તાકી રહ્યો હતો. હું લગભગ સંમોહિત થઈને નીચે વહેતી નદીને જોતો હતો ને મારાં નાનીએ, આ સામે સૂતેલાં માજીની જેમ જ પોટલીમાંથી સિક્કો કાઢી, નદીમાં ફેંકતાં કહેલું: ‘હે નરબદામા, મારા ભાણિયાની રક્ષા કરજે.’
પૈસાને પાણીમાં ફેંકી દેતી પ્રજા જગતમાં અન્યત્ર હશે કે નહિ તેની મને ખબર નથી; કદાચ લ્યુસી જાણતી હોય. અડધી દુનિયા ફરવામાં ક્યાંક તો તેણે આવું જોયું હશે.
લ્યુસી યાદ આવતાં જ મને ઘેરી ઉદાસીની લાગણી થઈ. મને નવાઈ લાગી. મારી માન્યતા પ્રમાણે મને આવું કશું થવું જોઈતું ન હતું. લ્યુસીએ આપેલી વીંટીને સ્પર્શી ને ક્યાંય સુધી તેને યાદ કરતો રહ્યો.
સવારે આંખ ખૂલી ત્યારે લગભગ બધાં જ જાગી ગયાં હતાં. છેક ઉપરની બર્થમાં કેટલાક પ્રવાસીઓ હજી સૂતા હતા. મારી બર્થની ઉપરની બર્થવાળો પ્રવાસી ઊઠીને માજીવાળી બર્થ પર કપડું પાથરીને નમાજ અદા કરતો હતો. માજી એક છેડે બેસીને માળા ફેરવતાં હતાં. એક જ બર્થ પર, સામસામે છેડે બેસીને બે જુદાજુદા ધર્મનાં માણસો પોતપોતાની પ્રાર્થના કરે છે. હમણાં તે પૂરું થશે. પછી તે બંને વાતોએ વળગશે. તે સમયે પણ અત્યારે દેખાય છે તેવો જ ભેદ, ભાષા પરથી સ્પષ્ટ દેખી શકાશે.
જુદા ધર્મો, જુદી ભાષા, અલગ રીત-રિવાજો, સાવ ભિન્ન અવસ્થામાં ઉછેર; છતાં કોણ જાણે કેમ આ બંને જણામાં કંઈક સામ્ય હોવાનો આભાસ મને થાય છે. એ શું છે તે હું કલ્પી ન શક્યો. મારું સંશોધક અને વિશ્લેષક મન રહીરહીને તે બંનેની ક્રિયાઓની નોંધ લેતું રહ્યું.
નીચે ઊતરીને મેં મારી ચાદર સંકેલી, બર્થ નમાવી અને હાથ-મોં ધોઈને પાછો ફર્યો ત્યાં સુધીમાં પેલાં બેઉ જણાની ધાર્મિક ક્રિયાઓ પૂર્ણ થઈ ગઈ હતી.
પેલાં માજીએ નાસ્તાનો ડબરો ખોલ્યો. ડબાના ઢાંકણ પર ઢેબરાં મૂકી મારી સામે ધર્યાં, ‘લે ભાઈ, નાસ્તો કર.’
આવો વાસી ખોરાક તેણે ગંદા હાથે મને ધર્યો તે મને ગમ્યું નહિ. મેં જરા અણગમો દેખાડીને માથું ધુણાવ્યું અને કહ્યું, ‘ના.’
‘વહુને લેવા જાય છે?’ માજીએ પૂછ્યું, ‘કે પિયર મૂકીને આવે છે?’ અચાનક મને ધક્કો લાગ્યો. રાત્રે સૂઈ જતી વખતે યાદ આવેલી લ્યુસી હજી પણ મારા મોં પર વાંચી શકાય અને તે પણ એક સાવ અભણ ડોશી, પળ-બે-પળમાં પારખી જાય તે મારા કૌશલ્યનું, મારી તાલીમનું અને સમગ્ર માનવ સંસાધન વિકાસ કાર્યક્રમનું અપમાન હોય તેવું મને લાગ્યું.
મેં કંઈ જવાબ ન આપ્યો. માજીએ પણ આગળ કંઈ પૂછ્યું નહિ. તે પોતાનો નાસ્તો કરવામાં પડ્યાં. પેલા નમાજીને પણ તેણે ઢેબરાં આપ્યાં. તે બિરાદરે લીધાં અને પ્રેમપૂર્વક ખાધાં. થોડી વારે બંને વાતોએ વળગ્યાં. ‘ભોપાલ ક્યારે આવશે’થી માંડીને મક્કા, મદીના, ચારધામ યાત્રા, અમારું કુરાન અને અમારાં શાસ્ત્રો, ગીતા, રામાયણ – બધું જ તેમની વાતોમાં આવતું ગયું. પોતપોતાનાં કુટુંબ-કબીલાની બધી જ તવારીખ પણ બેઉ જણાંએ સામસામે ઉખેળી. જાણે વર્ષોથી સાથે રહેતાં હોય એમ એ થોડાં સમયના સહપ્રવાસીઓની વાતો ચાલતી રહી.
ફરીથી મને વિચાર આવ્યો: આટઆટલી ભિન્નતાઓ વચ્ચે પણ આ પ્રજા શી રીતે નિરાંતે જીવ્યે જાય છે? અનેક પ્રશ્નો, ઝઘડાઓ, અસમાનતા અને વિવાદો વચ્ચે પણ આ દેશ હજારો વર્ષોથી એક અને અખંડ ટકી રહ્યો છે. શું છે આનું રહસ્ય? એવું શું છે જે આ મનુષ્યોને એક પ્રજા તરીકે ટકાવી રાખે છે? અને મનમાંથી જ જવાબ આવે છે, ‘જે હોય તે. એ શોધવાનું કામ મારું નથી.’
માનવમનની એક વિચિત્રતા છે કે તે કંઈક ન વિચારવાનું નક્કી કરે તે જ વાતનો વિચાર તેનો પીછો પકડે છે. ‘આ કામ મારું નથી’ એવું કહેવાની ટેવ મારા માનવ સંસાધન વિકાસના અભ્યાસો અને કાર્યક્રમોની નીપજ છે. પણ ના પાડ્યા પછી પણ ન કરવા ઇચ્છેલા કામનો વિચાર હું છોડી શકતો નથી. હજી મારામાં આટલી કચાશ કેમ, તે પણ હું સમજી નથી શકતો.
અહીં આવવા નીકળ્યો તેની આગલી રાત્રે મેં જિમીને આ જ શબ્દો કહેલા અને તેની વાતોને તથા તેની રાણીગુફાને ભૂલી જવાનું નક્કી કરેલું. છતાં અત્યારે ‘આ કામ મારું નથી’ એ વિચાર આવતાં સાથે જ મને જિમીનો પડી ગયેલો ચહેરો યાદ આવી જાય છે. તે મૂર્ખની જેમ મારી પાસે માગવા આવ્યો હોય અને મેં શક્તિશાળી સમ્રાટની જેમ તેને ના પાડી હોય તેવો કંઈક વિજયભાવ મને ત્યારે થયેલો.
તે રાત્રે હું મારો સામાન ગણીને યાદી બનાવતો હતો અને બારણે ટકોરા થયા. મેં દરવાજો ખોલ્યો તો બહાર વરસતા બરફમાં, રૂંછાદાર ફર પહેરીને ઊભેલો જિમી દેખાયો. મેં તેને અંદર લઈને દરવાજો બંધ કર્યો.
‘તું તારા વતનમાં પરત જવાનો કે?’ હું જિમીને બેસવાનું કહું ત્યાર પહેલાં તો તે બોલવા મંડ્યો.
મેં તેના તરફ ખુરશી ધકેલી તેને બેસવાનો ઇશારો કરતાં કહ્યું, ‘હા, એમ જ છે. કાલે હું નીકળું છું.’ જિમી કંઈ બોલ્યો નહિ. તે કંઈક કહેવા આવ્યો હોય અને કહી ન શકતો હોય તેવું મને લાગ્યું.
મેં કૉફી બનાવવા બાઉલની સ્વિચ ચાલુ કરી અને બીજી ખુરશી ખેંચીને તેની સામે બેઠો. ‘તારે કંઈ કામ છે?’ મેં જિમીને પૂછ્યું.
જિમીએ થોડી વાર વિચાર્યા કર્યું, પછી પૂછ્યું, ‘તું ત્યાં જંગલોમાં રખડવાનો છે, ખરું – આદિવાસીઓની વિગતો મેળવવા?’
‘એનાથી સહેજ જુદું.’ મેં તૈયાર થયેલી કૉફી પ્યાલામાં ભરતાં જવાબ આપ્યો. ‘જંગલ જ હશે તેની મને ખાતરી નથી. હું જ્યાં રહેવાનો છું તે જગ્યાનું નામ આદિવાસી કલ્યાણ કેન્દ્ર છે. કદાચ તે કોઈ નાના શહેરમાં પણ હોય.’ મેં કૉફીનો પ્યાલો જિમીના હાથમાં આપ્યો અને આગળ કહ્યું, ‘અને આદિવાસીઓની વિગત મેળવવાથી જરા જુદા પ્રકારનું કામ હું કરવાનો છું. હું ત્યાં શિક્ષક તરીકે રહેવા માગું છું. આપણા ડેટા ક્લેક્શન જેવું મિકેનિકલ એ કામ નહિ હોય.’
‘નવાઈભર્યું!’ જિમી કૉફી પીતાં બોલ્યો. પછી ફરી મૌન સેવીને મારી સામે હસ્યો. તે પોતાની વાત કહી શકે તે માટે મૌન સેવીને મેં તેની સામે જોયા કર્યું.
થોડી પળો પછી કૉફીનો છેલ્લો ઘૂંટ લઈને પ્યાલો બાજુના ટેબલ પર મૂકતાં જિમી બોલ્યો, ‘કદાચ તને મારી વાત વિચિત્ર લાગશે, પણ મારે તને કહેવી જ પડે તેમ છે.’
‘ભલે, કહે ને.’ મેં જવાબ આપ્યો.
પોતાના બંને હાથનાં આંગળાં ભેગાં કરીને જિમી જાણે લાંબી કથા કહેવાનો હોય તેવી અદાથી બોલ્યો, ‘આજથી દોઢસોથી વધારે વર્ષો પહેલાંની આ વાત. અમારા પરદાદા તે વખતે ભારતમાં હતા. તે વખતે ત્યાં બ્રિટિશ હકૂમત હતી અને સરકાર જંગલોમાં રસ્તા બાંધવા સર્વે કરાવતી. આવા એક સર્વેના કામમાં મારા દાદા હતા.’
‘હં…’ મેં હોંકારો ભણ્યો.
‘આ બધું મારા દાદાની જૂની ડાયરીમાં તૂટક-તૂટક લખેલું મેં વાંચ્યું છે.’ જિમી મારી સામે નજર નોંધતાં આગળ બોલ્યો, ‘એક વખત સર્વેનું કામ કરતાં-કરતાં મારા દાદા જંગલમાં ભૂલા પડી ગયેલા અને કોઈ રાનીગુફા નામના સ્થળે જઈ ચડેલા.’
‘જિમી,’ મેં વચ્ચે કહ્યું. ‘તે દેશમાં રાની કે રાણી ખૂબ લોકપ્રિય શબ્દ છે અને આવા નામની જગ્યા કે ગુફાઓ ગમે ત્યાં મળી આવે.’
‘એમ હશે,’ જિમીએ નિરાશ થયા વગર કહ્યું, ‘પણ આ ગુફા ઘણી મોટી છે. ગાઢાં જંગલો વચ્ચે નાનકડી નદીમાં ચાલીને ત્યાં જવાય છે. મારા દાદા ત્યાં ગયા ત્યારે ગુફામાં નાનાસાહેબ નામે એક વિદ્રોહી જાહેર થયેલા સરદારને મળેલા અને તેમનો અઢળક ખજાનો મારા દાદાએ નરી આંખે જોયેલો.’
‘એક મિનિટ, જિમી.’ મેં વચ્ચે કહ્યું, ‘તું અઢારસો સત્તાવનના વિપ્લવ સમયની વાત કરે છે?’
‘કદાચ એમ જ હશે. મને પૂરી ખબર નથી.’ જિમીએ બંને હાથ છૂટા પાડીને અજ્ઞાન દર્શાવ્યું, ‘પણ બ્રિટિશ લશ્કર તે સરદારની શોધમાં હતું. મારા પરદાદાને બ્રિટિશર માનીને જ એ નાનાસાહેબના માણસો પકડી ગયેલા અને તેમને આ રાણીગુફામાં રાખેલા. તેમણે મારા દાદાને મારી નાખ્યા હોત, પણ કોણ જાણે કેમ તે નાનાસાહેબે મારા દાદા લશ્કરના માણસ કે જાસૂસ નથી તેવી વાત માની લીધી અને આંખે પાટા બાંધીને દાદાને સર્વે છાવણી સુધી મૂકી ગયેલા.’
જિમી ધૂની માણસ હતો તેની મને ખબર હતી, પણ રાત્રે સૂવાના સમયે ધૂની માણસોની ધૂન ચરમસીમાએ હોતી હશે તેવો અનુભવ મને પહેલી વખત થતો હતો.
‘જિમી, નાનાસાહેબ તો અજ્ઞાત વેશે ઘણાં સ્થળોએ રહેલા. મેં વિપ્લવનો ઇતિહાસ થોડોઘણો વાંચ્યો છે એટલે મને ખબર છે.’ મેં કહ્યું.
‘હા, પણ એ છેલ્લે આ સ્થળે જ હતા અને તેમનો પેલો અઢળક ખજાનો પણ ત્યાં હતો. મારા દાદાની ડાયરીમાં આ બધું લખ્યું છે.’
‘જો, જિમી,’ મેં અવાજ જરા રુક્ષ કરીને કહ્યું, ‘ખજાનો મેળવવાની વાત ભૂલી જા. હું જંગલોમાં રહેવાનો હોઈશ તોપણ આ કામ મારું નથી.’
‘એવું નથી. ના, એવું નથી.’ જિમી માથું ધુણાવતાં બોલી ઊઠ્યો, ‘મારા દાદા ત્યાં હતા એ પૂરતો જ મને એ સ્થળમાં રસ છે. તું વિચાર, મારા દાદાએ લખેલી વાત સાવ સાચી છે તે જાણીને મને કેટલો ગર્વ થશે! મારા માટે આ જાણવું કેટલું મહત્ત્વનું છે તેની કલ્પના તું નહિ કરી શકે.’
‘તે હોઈ શકે.’ મેં જવાબ આપેલો, ‘પણ મને નથી લાગતું કે હું તને કંઈ મદદ કરી શકું. જંગલોમાં ગુફા શોધવાનું કામ મારું નથી અને જે કામ હું કરવાનો જ નથી તેને માટે તને ખોટું આશ્વાસન આપવું તેવું હું નહિ કરું.’
‘ભલે,’ જિમી જરા નિરાશ વદને ઊભા થતાં બોલેલો, ‘પણ તું મને ખોટો ન સમજ. તું તે ગુફા શોધે તેવું પણ હું નહિ કહું. અનાયાસે તને જો જાણ થાય કે આવું કોઈ સ્થળ છે અને નાનાસાહેબ ખરેખર ત્યાં રહેલા, તો તરત મને જણાવજે કે એ સ્થળ છે. બીજું કશું જ ન જણાવીશ. બસ, તે ગુફા છે એટલું સત્ય જાણવું જ મારા માટે પૂરતું છે.’ કહીને તે ગયો.
તેની પાછળ દરવાજો બંધ કરવા સાથે જ હું તેની આખીયે વાત અને રાણીગુફાની દંતકથાને ભૂલી જવાનો નિર્ણય કરીને મારો સામાન તૈયાર કરવા મંડ્યો હતો.”
* * *
“ભોપાલ સ્ટેશને માજીને લેવા તેનો પુત્ર, પુત્રવધૂ અને બે નાનાં બાળકો આવ્યાં હતાં. બંને બાળકો ‘બા આવ્યાં, બા આવ્યાં…’ કહીને કૂદવા મંડ્યાં. પેલો મુસલમાન પ્રવાસી ઊતરીને જતાંજતાં માજીને કહે, ‘ખુદાહાફિજ.’
‘જેસી કૃષ્ણ, ભાઈ.’ માજીએ જવાબ આપ્યો. હું શાંતિથી આ બધું જોઈ રહ્યો હતો. ડબો ખાલી થયો પછી માજીનો સામાન નીચે ઉતારવા તેનો પુત્ર અંદર આવતો હતો. મેં તેને અટકાવ્યો અને બૅગો બહાર અંબાવી. માજી પોતાની પુત્રવધૂ સાથે વાતોએ વળગ્યાં હતાં. હું નીચે ઊતર્યો કે માજીએ પૂછ્યું, ‘ક્યાં જવાનો, બેટા?’
‘મારે હજી આગળ જવાનું છે; સાંજની ગાડીમાં.’ મેં જવાબ આપ્યો.
‘સારું, ભાઈ, આવજે.’ માજી સાવ અકારણ મને વિદાય આપતાં બોલ્યાં અને સાડલાનો છેડો માથા પર સરખો કરતાં આગળ કહ્યું, ‘મા નરબદા તારી રક્ષા કરે.’
‘માડી,’ મેં કહ્યું, ‘નદી તે રક્ષા કરે કે ડુબાડે?’ મેં માત્ર મજાક કરી હતી કે માજીની ધર્મપરાયણતાનો ઉપહાસ કર્યો હતો, તે તેનો પુત્ર કે પુત્રવધૂ સમજી ન શક્યાં. બંને જરા વિચલિત થઈ ગયાં. માજીએ સ્વસ્થચિત્તે જવાબ આપ્યો, ‘એ તો જેવી જેની ભાવના, બેટા.’
‘ભાવના!’ હું મનોમન ચિડાયો અને ચાલવા મંડ્યો.
આદિવાસી કલ્યાણ કેન્દ્રની ભોપાલ શાખા બહુ શોધવી ન પડી. મેં ધાર્યું હતું તેમ જ બજાર વચ્ચે ભાડાની ઓરડીઓમાં આ શાખા હતી. બેએક આદિવાસીઓ કદાચ આ કેન્દ્રનો ઉપયોગ હૉસ્ટેલ તરીકે પણ કરતા હોય તેવું ત્યાં પડેલા બિસ્તરા અને ઘોડામાં ગોઠવાયેલાં કપડાં-પુસ્તકો પરથી લાગ્યું. ચડ્ડી-ખમીશ અને ટોપી પહેરેલો એક યુવાન મધના બાટલા ખોખામાં પૅક કરતો હતો. બીજો એક જણ રજિસ્ટરમાં કશુંક લખતો હતો.
‘રાતની ગાડી વતી ટિકિટ મીલી હોવે હે.’ તેણે મને સીધું જ કહ્યું. કદાચ મારા સામાન અને સફરની નિશાનીઓવાળા દેખાવ પરથી તે મને ઓળખી ગયો. ‘સુપરિયાજી ને કહેલવાયા હોવે.’ તેણે ખાનામાંથી ટિકિટ મને આપતાં કહ્યું, ‘ગુપતાજી ગાડી પરે લેણે આવેંગે, જીપમેં.’
મેં ટિકિટ લીધી અને તપાસીને ખીસામાં મૂકી. ઉપરના માળે મારે રહેવું હોય તો ત્યાં કમરો ખાલી હતો, પણ હું ત્યાં રહી શકું તેવું મને ન લાગ્યું. મેં સ્ટેશન પર પાછા જઈને રીટાયરિંગ રૂમમાં જ રહેવું પસંદ કર્યું. બપોર આખી ઊંઘમાં કાઢી. સાંજે સ્ટેશન બહાર થોડી લટાર મારી. રાત્રે મારી ટ્રેન.
ગાડી જેમજેમ આગળ વધતી ગઈ તેમતેમ પૅસેન્જરો ઓછા થતા ગયા. રીઝર્વેશનનો કોઈ અર્થ રહ્યો ન હતો. કોચ લગભગ ખાલી હતો. રેલવેનો અધિકારી ‘જરા સાચવજો. જરૂર પડે તો હું બીજા મિત્રો સાથે આગળની બોગીમાં જ છું’ કહી જતો રહેલો.
રાત વધતી ગઈ તેમ થોડાં નવાં પૅસેન્જરો આવ્યાં. અર્ધનગ્ન, તીરકામઠાધારી. નાનીમોટી પોટલીઓ અને માટીની કે ઍલ્યુમિનિયમની ઘડૂલીઓ સાથે રાખીને ચડતાં. ઘડીભર મને થયું કે બધાંને નીચે ઉતારી મૂકું કે ટી. સી.ને બોલાવી લાવું; પણ એ બધાં ઉપદ્રવ કરે તેવું ન લાગ્યું. બિચારા સંકોચવશ સીટ પર બેસી પણ ન શક્યાં. નાનાં, નાગોડિયાં, દૂબળાં- પાતળાં બાળકોને બોગીની ભોંય પર સુવડાવીને તેઓ પણ ત્યાં નીચે જ બેસી રહ્યાં. હવામાં બીડીની ધુમાડી છોડતાં બેએક જણની સામે મેં જોયું કે તેમણે તરત જમીન પર ઘસીને બીડી બુઝાવી નાખી.
એક કાળી નમણી યુવતી ઊભીઊભી બારી બહાર જોઈને કંઈક ગાતી હતી. આટલા અંધકારમાં તે બહાર કયું જગત નિહાળવામાં પડી હશે? તે આનંદથી ગાય છે તેના કારણની પણ મને ખબર ન હતી, ન તેના ગીતના શબ્દો હું સમજતો હતો. આમ છતાં તેને ગાતી જોવાનું મને ગમતું હતું. તેનામાં એવું કંઈક હતું જે તેનાં સાથી આરણ્યકોથી તેને અલગ તારવતું હતું.
વચ્ચેવચ્ચે પવને ઉડાડી મૂકેલા વાળ સરખા કરવા તે બારી પાસેથી ખસીને આ તરફ ફરતી. વાળમાંથી કાળો દોરો છોડી, હોઠ વચ્ચે દબાવી, બે હાથે વાળ સરખા કરીને ફરી બાંધતી. એકાદ વખત મારા તરફ નજર પડતાં તે હસી પણ ખરી. ફરી પાછી બારી બહાર ડોકાઈને ટ્રેનની આગળ-પાછળની દિશામાં, ક્ષિતિજ તરફ અને આકાશમાં ટમકતા તારલાઓ તરફ નજર માંડીને ગાવા લાગતી.
મેં અઢળક સુખ-સગવડ ધરાવતાં માનવીઓને પણ આટલી સાહજિક અને નફકરી અવસ્થામાં જોયાં નથી. મેં પોતે પણ, કોઈ પ્રશ્નો ન હોવા છતાં, આવી સાહજિક પળો ક્યારેય માણી નથી. તો અનેક અછતો વચ્ચે, પૂરતાં કપડાં અને ખોરાક પણ ન પામતી આ યુવતી આટલી સુખમયી કેમ દેખાય છે? કદાચ તેની સુખ માટેની સમજણ મારી સુખ વિષેની વ્યાખ્યાથી અલગ હશે!
મારે ઊતરવાનું હતું તે સ્ટેશન વહેલી પરોઢે આવ્યું. ટ્રેન ધીમી પડી. અજવાળું થવાને હજી થોડી વાર હતી. તારાજડિત આકાશની પૃષ્ઠભૂમિમાં આ સમગ્ર વિસ્તાર પર્વતો અને ટેકરીઓથી ઘેરાયેલો લાગ્યો.
હું ઊઠ્યો. મારો સામાન ભેગો કર્યો. આદિવાસીઓનું ટોળું ગભરાટમાં હોય તેમ ચીસાચીસ કરતું, ઊંઘતાં બાળકોને જગાડતું નીચે ઊતરવા તલપાપડ થઈ રહ્યું. ટ્રેન ઊભી રહેતાંવાર બધાં કૂદીકૂદીને નીચે ઊતર્યાં. બહાર પ્લૅટફૉર્મ નથી તેનો મને ખ્યાલ આવ્યો. મારો સામાન હું દરવાજા પાસે લાવ્યો. ત્યાં નીચે ઊતરી ગયેલા માણસોએ તે ખેંચી લીધો. હું સંભાળપૂર્વક ઊતર્યો ને ટ્રેને આગળ વધવાની સૂચના આપતી સીટી વગાડી. હવે મને ખ્યાલ આવ્યો કે આ સ્થળે પ્લૅટફૉર્મ તો નથી જ, સ્ટેશન પણ નથી. થોડે આગળ પતરાની છાપરી છે. ન ટિકિટ આપનાર, ન ટિકિટ પાછી લેનાર.
મારો સામાન લઈને ટોળું ચાલતું થયું. ‘અરે ઓ, ઊભાં રહો.’ મેં બૂમ પાડી, ‘મારે તમારી સાથે નથી જવાનું.’
બધાં ઊભાં રહ્યાં. સ્ટેશનની છાપરી પાસે મારો સામાન ઉતાર્યો. પેલી ગીતો ગાતી હતી તે છોકરી મારો બિસ્તરો માથે મૂકીને આગળ નીકળી ગઈ હતી. એક જણે તેને બૂમ પાડીને કહ્યું, ‘પુરિયા હો, વાપસ આવ. નીં જાણેરો આને અપને સાથ.’
‘તો કેથે જાવાં?’ પૂછતી પુરિયા પાછી આવી અને ખિલખિલ હસી. ‘મરે રે ઈથે અકેલા.’ તેણે મને કહ્યું. તે મારી સામે મારો સામાન મૂકીને બાજુમાં ઉભડક પગે બેઠી અને નાના બાળકને સમજાવતી હોય તેમ ‘બાઘ આવે હે ઈથે’ કહીને તેણે પોતાને આવડતી હોય તેવી ભાષામાં મને સમજાવ્યું કે અહીં એકલા રહેવાય નહિ. રીંછ આવે અને ક્યારેક વાઘ પણ આવે. કદાચ એ બંનેમાંથી કોઈ ન પણ આવે, તોયે મારે આ જંગલોમાં ક્યાંય જવું હશે તો આટલો સામાન લઈને એકલા જવાની શક્તિ મારામાં છે એવું માનવા તે તૈયાર નથી.
‘ગુપ્તાજી મને લેવા આવવાના છે.’ મેં કહ્યું.
‘તારો ગુપ્તા તો સેઠ હોવે હે. આવેગા દિન નીકલે બાદ.’ પુરિયાએ કહ્યું, ‘મું બેઠું હું તારે સાથ.’ મને એકલો છોડવાનું તેને મન ન હતું. મને પુરિયા રોકાય તે સામે વાંધો ન હતો, પણ ગુપ્તાજી મને લઈ જાય પછી પુરિયાને તો એકલાં જ જવું પડે, તેથી મેં કહ્યું, ‘ના, અજવાળું થતાં કંઈ વાર નહિ લાગે.’
તે બધાંએ ટોળે વળીને કંઈક વાત કરી. થોડી વારે બધાં પોતપોતાનાં પોટલાં અને નાનાં છોકરાં ઊંચકીને અંધકારમાં જ ઢોળાવ ઊતરી ગયાં.
ક્યાંય સુધી હું એકલો બેસી રહ્યો. ઢોળાવ ઊતરી રહેવાં આદિવાસીઓની વાતચીત કોલાહલરૂપે મારા કાન સુધી પહોંચતી રહી. તારાઓ ઝાંખા થયા અને ઉજાશ વધ્યો ત્યારે વૃક્ષોથી છવાયેલા પહાડો અને ઊંડી ખીણો નજરે પડ્યાં. રાત્રીભર શાંત સૂઈ રહેલું અરણ્ય જાણે કે આળસ મરડતું હોય તેમ ઢોળાવો પર છવાયેલાં વૃક્ષો લહેરાયાં. આટલામાં ક્યાંય સપાટ ભૂમિ હશે તો તે ખીણોના તળિયે, પહાડોના મસ્તક પર કે આ સ્ટેશનની છાપરી કે રેલવે ટ્રૅક જેવી જગ્યાએ. બાકીનો આખોયે વિસ્તાર ખીણો, ટેકરીઓ અને અરણ્યોથી છવાયેલો છે.
અજવાળું થતાં જ મને સમજાયું કે સ્ટેશનની છાપરીની બહારથી તો સીધો અરણ્યોમાં ઊતરતો રસ્તો જ છે. અહીં સુધી જીપ આવી શકે તોપણ પાછા જવા માટે જીપને વાળી શકાય તેવી જગ્યા જ અહીં નથી. કદાચ થોડે આગળ જાઉં તો જીપ આવતી હોય કે આવીને મારી રાહ પણ જોતી હોય – તેવું વિચારીને મેં મારો સામાન ઊંચકીને આગળ જવાનું નક્કી કર્યું. મને પુરિયા પર ચીડ ચડી. જીપ કે બસ જેવાં સાધનો ક્યાં ઊભાં રહે છે તે પણ તેણે મને જણાવ્યું નહિ. આમ પાછી મારી ચિંતા કરતી હતી!
મેં બિસ્તરો પીઠ પર બાંધ્યો અને બાકીનો સામાન હાથમાં લઈને ઢોળાવ ઊતરવો શરૂ કર્યો.
પાંચેક મિનિટ ચાલ્યા પછી રસ્તાની એક તરફ નાનકડું મેદાન આવ્યું. એક તરફના છેડે સીધી કરાડવાળી ખીણ. મેદાનની વચ્ચોવચ રાયણનું મોટું વૃક્ષ, ઘેરાવદાર છત્ર જેવું, મેદાનને ઢાંકતું ઊભું છે. વૃક્ષની ચારે તરફ પથ્થરો ગોઠવીને વચ્ચે રેતી ભરીને ઓટલો બનાવ્યો છે. પૂર્વ અને પશ્ચિમ તરફથી મધુમાલતીની વેલ વાવીને વૃક્ષ પર ચડાવાઈ છે – જાણે નાનકડું પ્રાકૃતિક ઘર. ઓટલાના પથ્થર પર કાળા રંગથી લખ્યું છે: ‘મુનિ કા ડેરા’ અને બીજા પથ્થર પર લખ્યું છે: ‘બિત્તુબંગા.’ અને ત્રીજા એક પથ્થર પર નજર પડતાં જ હું થંભી ગયો.
“પ્રિય લ્યુસી,
અત્યારે જ તને પત્ર લખવાનું મન થઈ આવ્યું. સાથે આજ સુધીની ડાયરી ઉતારી મોકલું છું તે પ્રોફેસર રુડોલ્ફને માટે છે.
અહીં એક ઘટાદાર વૃક્ષ તળે એકલો બેસીને ‘મુનિ કા ડેરા’ અને ‘બિત્તુબંગા’નો અર્થ વિચારતો આ પત્ર લખું છું. હું બેઠો છું તે કોઈ મુનિનું સ્થાનક હશે; પરંતુ ‘બિત્તુબંગા’ એટલે શું તે હું નથી જાણતો. હું જે ઓટલા પર બેઠો છું ત્યાં આ બધા શબ્દો લખેલા છે.
અહીં ત્રીજી એક આકૃતિ પણ મેં જોઈ અને તે કારણે જ અત્યારે તને પત્ર લખવા બેઠો છું. તને યાદ હોય તો ગયે વર્ષે આપણે ગ્રાન્ડ કેન્યન ગયેલાં ત્યારે તું મને અને પ્રોફેસરને રાત્રે આકાશદર્શન કરાવતી હતી. મને આખું આકાશ તો યાદ નથી, પરંતુ મૃગશીર્ષ અને શ્વાનમંડળ તો તેં અમને વારંવાર બતાવેલાં. એમાંય શ્વાનમંડળનો મુખ્ય ચમકતો તારો વ્યાધ મને બરાબર યાદ છે.
લ્યુસી, એ શ્વાનમંડળની આકૃતિને મળતી આકૃતિ અહીં એક પથ્થર પર દોરેલી છે. હું ખાતરીપૂર્વક તેને શ્વાનમંડળ એટલા માટે નથી કહેતો કે આ આકૃતિમાં વ્યાધને સ્થાને એક ને બદલે બે ટપકાં છે. વધારાનું એક ટપકું ન હોત તો હું તે આકૃતિ શ્વાનમંડળની જ છે તેમ લખી શક્યો હોત…”
હું આટલું લખી રહ્યો હતો ત્યાં જીપની ઘરઘરાટી સંભળાઈ. બે કાગળ વચ્ચેનો કાળો કાર્બન કાઢીને મેં અધૂરો પત્ર ડાયરીનાં પાનાં વચ્ચે મૂક્યો અને રસ્તા તરફ જોતો બેઠો. થોડી જ ક્ષણોમાં વળાંકમાંથી જીપ બહાર આવીને ઊભી રહી.
‘નમસ્તેજી.’ કહેતો ગૌર વર્ણનો આધેડ ઉંમરનો માણસ ડ્રાઇવરની બાજુની સીટ પરથી નીચે ઊતર્યો. પ્રભાવશાળી મુખમુદ્રા ધરાવતા તે સજ્જન પોતે જ ગુપ્તાજી હોવા જોઈએ તેવું અનુમાન મેં કર્યું. આગળના ભાગે ટાલ પડવી શરૂ થઈ ગઈ હોવાથી તેમનું વિશાળ કપાળ તડકામાં ચમકતું હતું. કપાળમાં તિલક, પાછળ ખભા સુધી ઝૂલતાં ઓડિયાં, ઝીણા વણાટની સફેદ ધોતી, ઝભ્ભો અને ખભે પીળો ખેસ. પોતાના મસ્તક પર હાથ ફેરવતાં તેઓ ‘શ્રી હરિ’ તેવું બોલ્યા અને મારી તરફ આવ્યા.
એ જ સમયે જીપની પાછળની સીટમાંથી લગભગ લ્યુસીની જ ઉંમરની લાગતી યુવતી ઊતરી. ગુલાબી રંગની સાડી અને ખભા પર ભરત-ભરેલો થેલો સરખાં કરતી તે પણ મારા તરફ આવી. કદાચ તે ગુપ્તાજીની પુત્રી હશે, મેં વિચાર્યું.
‘લો, સુપરિયા, મિલો તમારા મહેમાનસે.’ ગુપ્તાજીએ પેલી યુવતી તરફ ફરતાં કહ્યું.
મારો શ્વાસ થંભી ગયો. આ સુપ્રિયા ભારતીય? દૂબળીપાતળી, ચમકતાં, આનંદી નયનોવાળી? મારી સામે હસીને હાથ જોડતી યુવતીને હું જોઈ રહ્યો. આ તો કૉલેજ કે યુનિવર્સિટીમાં ભણાવતી હોવી જોઈએ અથવા કોઈ કંપનીમાં એક્ઝિક્યુટિવ હોવી જોઈએ. આને શા દુ:ખે આ નિબિડ વનો વચ્ચે આદિવાસી કેન્દ્ર ચલાવવું પડે! મારા આશ્ચર્યને પ્રગટ થતું રોકવા મેં મારી તમામ શક્તિ લગાવી દીધી. મેં હસીને સામે હાથ જોડ્યા અને કહ્યું, ‘હલો.’
જવાબમાં સુપ્રિયાએ હસીને ડોક નમાવી, પછી કહ્યું, ‘ગુપ્તાજીનાં પૂજાપાઠ પૂરાં થયા પછી અમે નીકળ્યાં એટલે મોડું થયું.’ બોલતાં-બોલતાં તે આગળ જઈ ઓટલા પર બેસતાં કહે, ‘થોડી પેટપૂજા કરી લઈએ, પછી નીકળીએ.’
‘તમે ગોઠવો તેમ.’ મેં કહ્યું. ડ્રાઇવર જીપમાંથી ટિફિન, થરમોસ અને બીજો સરંજામ લાવ્યો. ગુપ્તાજી શાંતિથી ઓટલા પર બેઠા હતા અને થોડીથોડી વારે ‘શ્રી હરિ’નું ઉચ્ચારણ કરી લેતા.
સુપ્રિયા ટિફિન ખોલવા આગળ નમી. પોતાનો ખભા-થેલો તેણે બાજુ પર મૂક્યો. બીજા હાથમાં એક પુસ્તક હતું તે તેણે થેલા પર મૂક્યું. મેં પુસ્તક હાથમાં લઈને જોયું અને તેના પર અંગ્રેજીમાં છપાયેલું નામ વાંચ્યું: ‘મહાભારત.’ તેના અનુવાદકનું નામ પણ મેં વાંચ્યું: કમલા સુબ્રમણ્યમ.
‘તમે વાંચો છો?’ મેં પુસ્તક હાથમાંથી પાછું મૂકતાં પૂછ્યું. ‘હં’ સુપ્રિયાએ ટૂંકાક્ષરી જવાબ આપ્યો; અને પ્લેટ સાફ કરીને ગોઠવતાં સામું પૂછ્યું, ‘તમે વાંચ્યું છે?’
હું હસી પડ્યો, ‘મેં તો નથી વાંચ્યું. નાનો હતો ત્યારે મિશનરી સ્કૂલમાં ભણ્યો. પછી પરદેશ. ત્યાં તો વાંચવાનો સમય મળે તોપણ મિત્રો જીતવાની કળા, આ કળા, તે કળા…’ અમે બંને એકસાથે હસી પડ્યાં.
‘આવોજી.’ ગુપ્તાજીએ તાંબાનો નાનો ઘડો હાથમાં લેતાં મને કહ્યું. થોડે દૂર જઈને તેમણે હાથ ધોયા અને ઘડો મારા તરફ લંબાવ્યો. ગુપ્તાજીના હાથમાંથી ઘડો લેતાં મને મારી નાનીમાનું ઘર સાંભરી આવ્યું. કચ્છમાં થોડું રહ્યો ત્યારે શાંતામાસી દૂરદૂર તળાવથી કે રામ આતાના કોસથી પાણી ભરી લાવતાં. આવો જ ઘડો તેમના માથા પરના હાંડાની ઉપર ચમકતો. ક્યારેક ચંદરમાસીની રેણુ પણ સાથે જતી તો તે આવો ઘડો લઈને આવતી. મને ક્યારેક ઘડો ભરી લાવવાનું મન થતું. હું સાથે જતો પણ ખરો, પરંતુ મને ઘડો ઉપાડવા દેવામાં ન આવતો. છોકરાએ કરવાનાં અને છોકરીઓએ કરવાનાં કામો વચ્ચે સ્પષ્ટ ભેદરેખા હતી. બિચારાં મામી! એમને ક્યાં ખબર છે કે એમનો ભાણિયો ત્યાંથી ગયા પછી બધાં જ કામ જાતે કરતો થઈ ગયો છે!
સહેજ હસીને મેં ઘડો નમાવીને હાથ-પગ ધોયા અને ઓટલા પર જઈને બેઠો. સુપ્રિયાએ નાસ્તો કાઢ્યો. ચાના પ્યાલા ભર્યા અને ગુપ્તાજી માટે કલાઈ કરેલા પિત્તળના પ્યાલામાં ચા ભરવામાં પડી.
ડ્રાઇવરની થાળીમાં નાસ્તો મુકાઈ ગયો હતો. તે પોતાનો ભાગ લઈને જીપ તરફ ચાલ્યો.
‘એ ભાઈ, ઊભો રહે.’ ગુપ્તાજીને ચા પહોંચાડતી સુપ્રિયા ડ્રાઇવર તરફ જોઈને બોલી, ‘ત્યાં નથી જવાનું. અહીં ઓટલે બેસ. શેઠ સામે ન બેસવું હોય તો અહીં મારી પાછળ બેસ. હું નહિ અભડાઉં. ડ્રાઇવર થોડો અચકાઈને ઊભો રહ્યો, પણ આવ્યો નહિ. ત્યાં જીપ પાછળ જઈને જ બેઠો.
‘આપણે કોઈ મુનિ-મહારાજના સ્થાનકને અભડાવતાં તો નથી ને?’ મેં મુનિ કા ડેરાને યાદ કરતાં પૂછ્યું. સુપ્રિયા સાહજિક હસી અને નાસ્તાની પૂરી હાથમાં લેતાં બોલી, ‘આ સ્થાનક અમારા બિત્તુબંગાનું છે. એમના માટે મારાથી અભડાવાનો પ્રશ્ન નથી અને જે મુનિ માટે એમણે આ ડેરો બનાવ્યો છે તે મુનિ અહીં ક્યારે પધારશે તે કોઈ જાણતું નથી. કદાચ આવી ચડે તોપણ એ મુનિ કોઈથી અભડાય તેવા નથી.’
સુપ્રિયા કયા મુનિની વાત કરે છે તે હું સમજી ન શક્યો. બિત્તુબંગા માટે તેણે ‘અમારા બિત્તુબંગા’ કહ્યું એટલે આ નામ તો તેના આશ્રમના કોઈ અંતેવાસીનું જ હોવું જોઈએ.
‘કયા મુનિનું સ્થાનક છે?’ મેં પૂછ્યું.
‘એ તમે એ લોકોને જ પૂછજો ને.’ સુપ્રિયા ફરી હસી અને બોલી, ‘એમને મળશો ને સાથે રહેશો એટલે આવા તો કેટલાય ડેરા બતાવશે.’
નાસ્તો પૂરી કરીને ઊભા થવાનું ન હોત તો બિત્તુબંગા તે ‘એ લોકો’ એટલે કોઈ જૂથવિશેષ કે જાતિનું નામ છે કે બીજું કંઈ તે જાણવા મળત, પણ સુપ્રિયાએ વાસણો લઈને ઓટલેથી ઊતરીને ચાલવા માંડ્યું એટલે હું પાણી લઈને તેની પાછળ ગયો. અમે વાસણ સાફ કર્યાં, થેલીમાં ભર્યાં અને જીપમાં મૂક્યાં. ડ્રાઇવર ઝાડી પાછળ જઈને બીડી સળગાવતો હતો.
ધીમી ચાલે ગુપ્તાજી આવ્યા અને અમે જીપમાં ગોઠવાયાં. ડ્રાઇવર આવ્યો એટલે મેં પૂછ્યું, ‘કેન્દ્ર પર ક્યારે પહોંચીશું?’
‘જી, આજ તો રોકેંગે આપણે ઘર. કલ કી બાતમાં જવાય આસરમમેં.’ ગુપ્તાજીએ જવાબ આપ્યો. ‘સાતવેં મોડ પર છોડ દેવે સુપરિયાને. એ એનો કામ પતાવી રાત તક આવી જાય. પછી કલ નીકલ લેવે.’
ગુપ્તાજીની બોલવાની છટા અનેરી હતી. એક પ્રદેશમાંથી બીજા પ્રદેશમાં આવી વસેલા માનવીઓની ભાષા કોઈ નવો જ લહેકો અને શબ્દોની ભેળસેળ પામીને વધુ મીઠાશ પકડતી લાગે છે. હું અહીંથી ગયો ત્યારે મારી બોલી સાંભળવા કેટલાય સાથી વિદ્યાર્થીઓ વારંવાર મને વાતો કરાવતા તે યાદ આવતાં મને રોમાંચ થયો. થોડે આગળ જઈને જીપ ડામરને રસ્તે ચડી.
‘દસવાં મોડસે પેદલ કેડી જાવે આસરમ સુધી.’ ગુપ્તાજી મને ઉદ્દેશીને કહેવા મંડ્યા, ‘સાતવાં મોડસે બી જાઈ સકે પણ થોડા લંબા રસ્તા પડે.’ કહીને મને અહીંની ભૂગોળ સમજાવવા મંડ્યા. જંગલનાં રસ્તાઓ-કેડીઓના ભોમિયા અને સામાન લઈને જનારા બંદા, એટલે કે ભાર વહન કરનાર મજૂર, બધું જોઈએ. એકલા ક્યાંય જવાય નહિ. તે પોતે પણ ક્યાંય જતા નથી. જાય તો જીપમાં અને જીપ લઈ જઈ શકે ત્યાં સુધી. એકમાત્ર આદિવાસી કલ્યાણ કેન્દ્ર જ એવું સ્થળ છે જ્યાં ગુપ્તાજી પગે ચાલીને જાય છે. ‘અપણે ગણેશ શાસ્તરી કા કામ હૈ, ભાઈ!’ તેમણે કારણ કહ્યું, ‘ઓર અપણી સુપરિયા કા. જાણાં તો પડે રે.’ કહી તેમણે ફરી મસ્તક પર હાથ ફેરવ્યો અને બોલ્યા, ‘શ્રી હરિ.’ આ ગણેશ શાસ્ત્રી પણ કેન્દ્રનો કોઈ મહત્ત્વનો કાર્યકર્તા હશે – મેં વિચાર્યું.
જીપ ઊભી રહી. ડામરના રસ્તાથી થોડે દૂર ટેકરીના ખોળામાં બેઠાં હોય એમ નાનાંનાનાં આઠ-દસ ઝૂંપડાં હતાં. થોડાં માણસો પણ હતાં. જીપ જોઈને તેઓ આગળ આવી ઊભાં રહ્યાં. સુપ્રિયા નીચે ઊતરી અને આગળ આવી. મને કહ્યું, ‘તમને રસ પડે તેવું છે. પણ ફરી આવીશું. આજે તો હજી આવ્યા જ છો.’
‘જેસી કૃષ્ણ.’ ગુપ્તાજીએ હાથ જોડ્યા અને જીપ ચાલી. જમણી તરફના ડુંગર પાછળ વળતાં સામે જ દક્ષિણ ક્ષિતિજે સૂર્યપ્રકાશમાં ચમકતી નદીના વળાંકો દેખાયા. લીલાં, ઘેઘૂર વનો વચ્ચે ખીણમાં ચાંદીના દોર જેવી ધારા જોઈ ગુપ્તાજીએ તે તરફ હાથ જોડ્યા અને બોલ્યા: ‘નર્મદે હર.’
‘આ નર્મદા છે?’ મેં સહસા પૂછ્યું. નર્મદા અહીં આટલે દૂર સુધી! મારા આશ્ચર્યની અવધિ આવી ગઈ.
‘ઓહી તો હે.’ ગુપ્તાજીએ કહ્યું, ‘ઈહાં તો સબ કુછ નર્મદા જ હૈ.’
હું કોઈ અજાણ્યું ખેંચાણ અનુભવતો હોઉં તેમ નદીને એકીટસે નીરખી રહ્યો. બે રાત પહેલાં ભરૂચના પુલ તળે ફાટફાટ પાણી ભરી, ધીમે- ધીમે સરકતી, વિશાળવહના નર્મદા આટલી સફરને અંતે અહીં પણ હશે તે માનવું મારા માટે સહેલું ન હતું. નર્મદા એક મોટી નદી છે તેની મને ખબર હતી, પણ તેનાં મૂળ છેક આટલે દૂરથી વહેતાં હશે તે હું નહોતો જાણતો.
‘અહીંનાં જંગલોમાંથી નીકળતી હશે.’ મેં પૂછ્યું.
‘નહિ રે!’ ગુપ્તાજી બોલ્યા, ‘નીકલે હે દૂર સે. મેકલ કે પહાડ સે. યહાંથી એક રાતભર અને બીજા આધા દિન રેલ-સફર કરો તબ જાકે પહૂંચો અમરકંટક. ઓહી જ નરમદાજી કા જનમસથાન. અમરકંટક સે નીકલે તો બારાસો મિલ બહે કરકે સમંદરસે મિલે હે મૈયા.’
ગંગા, યમુના, બ્રહ્મપુત્ર આ ભારતની મોટી નદીઓ છે તે મને ખબર છે. તે નદીઓ ક્યાંથી નીકળે છે તે ખબર હોવા છતાં ક્યાં જઈને કેટલે દૂર સાગરને મળે છે તે વિશે હું અજ્ઞાત જ છું. આમ ભારતની મોટી-લાંબી નદીઓના મારા લિસ્ટમાં આ ત્રણ સિવાયની એક નદીનું નામ આજે ઉમેરાયું: નર્મદા!
વધુ એક વાર તેને જોઈ લઉં તે પહેલાં જીપ વળાંક વળી ગઈ.”
– ધ્રુવ ભટ્ટ
તત્ત્વમસિ – ૧
તત્ત્વમસિ – ૩
તત્ત્વમસિ – ૪
તત્ત્વમસિ – ૫
તત્ત્વમસિ – ૬
તત્ત્વમસિ – ૭
તત્ત્વમસિ – ૮
તત્ત્વમસિ – ૯
તત્ત્વમસિ – ૧૦
તત્ત્વમસિ – ૧૧
ઝવેરચંદ મેઘાણી પછી જો કોઈ લેખક ને વાચવાની મજા આવે તો એ છે આપણા ધ્રુવ દાદા ….જે લોકો તત્વમસિ વાચે છે એ લોકો એ એકવાર અકૂપાર વાંચવી જોઈએ
તત્વમસિ વાંચતા જે રીતે નાનપણથી j મા નર્મદા ના ખળખળ વહેલ નીર ને જોઇને અહોભાવ ની લાગણી સાથે હ્રુદય નામી પડતું અને વણન્ડાં માટેઆંખો બંધ થઈ જતી તેવો જ અહોભાવ લેખક શ્રી ધ્રુવભાઈ ભટ્ટ માટે થયો.
ખુબ જ સુંદર.. can’t find words for appreciation.
ભારતી સોલંકી
અંકલેશ્વર
Excellent
Nice effort s. Thank you very much!!!
આભાર વિપુલભાઈ.