તત્ત્વમસિ : ૫ – ધ્રુવ ભટ્ટ (ઈ-પુસ્તક)


૧૩.

“શાસ્ત્રીજી પાસે તબલાં શીખવાનું હું ચૂકતો નથી. ક્યારેક સુપરિયા પણ સાથે બેસીને ગુરુશિષ્યની સંગત સાંભળે છે. શાસ્ત્રીય રાગોની સમજ સુપરિયાને ઘણી છે, પણ તે કંઈ ગાતી નથી, ક્યારેક શાસ્ત્રીજી સાથે ચર્ચા કરે છે.

આજ શાસ્ત્રીજીએ સુપરિયાનાં માતા-પિતાને યાદ કર્યાં. કહ્યું, ‘સુરેન અને વનિતાને સાંભળ્યા પછી બીજાંને સાંભળવાનું મન ન થાય. એ બેઉ હતાં ત્યાં સુધી હું દર ચાર વર્ષે સંગીત-સમારોહ ગોઠવી શકતો. હવે નથી થતું.’

‘બાપુ નથી, પણ તમે તો છો ને?’ સુપરિયાએ કહ્યું, ‘તમે કહો તેવી ગોઠવણ તો થઈ શકે તેમ છે.’

‘તોય ન થાય, બેન!’ શાસ્ત્રીજીએ કહ્યું, ‘સુરેનની તો હવે માત્ર યાદો રહી.’

‘તો પછી સમારોહ આપણે મારા બાપુની સ્મૃતિમાં જ ગોઠવીશું. બધી જ વ્યવસ્થા મારે કરવાની, તમારે માત્ર મને માર્ગ ચીંધવાનો.’ કહીને તે ગઈ.

શાસ્ત્રીજી સિતાર લઈને તાર મેળવવા બેઠા. હું તબલાં પાછાં મૂકીને બહાર આવ્યો. સામે પોતાના ઘરના ઓટલે સુપરિયા હેડફોન લગાવીને કૅસેટ-પ્લેયર પર કંઈક સાંભળતી બેઠી છે.

સુપરિયા પાસે મેં ક્યારેય રેડિયો પણ નથી જોયો. અત્યારે પહેલી વાર તેને કૅસેટ સાંભળથી જોઈ. કદાચ પોતાના પિતાનું સંગીત સાંભળતી હોય તેમ માનીને મેં કહ્યું,

‘તમને કૅસેટ સાંભળતાં જોઈને નવું લાગે છે.’

‘લાગે છે નવું,’ તેણે હેડફોન ઉતારતાં કહ્યું, ‘પણ છે જૂનું. સાંભળવું છે તમારે?’ કહી હેડફોન મારા તરફ લંબાવતાં આગળ બોલી, ‘તમારો પરિચિત અવાજ છે. ઓળખો જોઉં!’

મારો પરિચિત અવાજ કોનો હોઈ શકે? – તે વિચારતાં મેં યંત્ર કાને લગાવ્યું. સુપરિયાએ ટેપ રીવાઇન્ડ કરીને ફરી ચલાવી.

‘હું આ બીજી વખત ભારતમાં આવ્યો છું ત્યારે મને મારી પહેલી ભારતયાત્રાનો એક પ્રસંગ યાદ આવે છે.’ મારા અગાધ આશ્ચર્ય વચ્ચે પ્રોફેસર રુડોલ્ફના શબ્દો મારા કાને પડ્યા. સુપરિયાએ ટેપ રોકીને મને પૂછ્યું, ‘ઓળખ્યા?’

‘એ વળી અહીં ક્યારે આવેલા?’ મેં સુપરિયાને પૂછ્યું.

‘અહીં નહિ, ગ્વાલિયરમાં. અમારી યુનિવર્સિટીમાં તેમનું પ્રવચન હતું.’ સુપરિયાએ કહ્યું અને ટેપ આગળ ચલાવી:

‘આજથી દશેક વર્ષ પહેલાંની એ વાત. હું કૉન્ફરન્સમાં હાજરી આપવા દિલ્હી આવેલો. ત્યાંની એક બૅંકમાં હું ગયો અને મારી સહી કરીને ચેક રજૂ કર્યો.’ પ્રોફેસર ધીમેધીમે બોલતા જતા હતા. હું સાંભળી રહ્યો:

‘બૅંકના કારકુને મને ચેક પરત આપતાં કહેલું, બોલપેનની સહી ચાલશે નહિ. તમારે શાહીથી સહી કરવી પડશે.’ બિચારા પ્રોફેસર! તેમણે કેવું વિચાર્યું હશે તે કલ્પું ત્યાર પહેલાં તેમના આગળના શબ્દો મારા કાને પડ્યા, ‘તે સાંભળીને મને આનંદ થયેલો. જગતમાં એક પ્રજા એવી છે જે આંખો મીંચીને નવી ટેક્નૉલોજી સ્વીકારી લેતી નથી. શરૂઆતમાં વિરોધ કરશે, પછી પરખશે, ધ્યાનથી સમજશે અને પછી સ્વીકારવા લાયક લાગે ત્યારે પ્રેમથી અપનાવશે.’

વચ્ચે ક્ષણેક માટે પ્રોફેસર અટક્યા હોય તેમ શબ્દો વગરની ટેપ થોડું ફરી અને વાત આગળ ચાલી: ‘આજે ફરી અહીં આવીને જોઉં છું તો તમે બધાં જ બોલપેન વાપરો છો, તમારી પરિપક્વ સ્વીકૃતિ સાથે વાપરો છો. એક પ્રજા તરીકે તમારો આ ગુણ મને અભિભૂત કરે છે.

‘આવી પ્રજા જ હજારો વર્ષની સંસ્કૃતિ ધરાવી શકે. પોતાની પરંપરા ધરાવી શકે, પોતાનું આગવું અસ્તિત્વ ટકાવી શકે. હવે પછી આખા જગતમાં ખૂબ ઝડપી પરિવર્તન આવશે. સંસ્કૃતિનો લોપ થવાનો ભય માત્ર અહીં જ ઊભો થશે તેવું નથી. આખા વિશ્વમાં એમ બનવાનું છે.

જેઓ આર્થિક રીતે નબળા છે તેમને માટે આ ભય મોટો છે. કદાચ મજૂર તરીકે કે માણસ તરીકે તેઓ ટકી જાય તોપણ પ્રજા તરીકે, સાંસ્કૃતિક રીતે ટકી શકશે કે કેમ તે વિચારનો વિષય છે. આથી તમને યુવાનોને મારું સૂચન છે કે આવી પ્રજાની સંસ્કૃતિને અનુરૂપ ઉદ્યમ તેમને શોધી આપો. આવું કંઈ તમે કરી શકશો તો તે તમારે પોતાને માટે જ કરશો. આફ્રિકામાં અમે આવાં કામો ઉપાડ્યાં છે અને ત્યાંના યુવાનોને જ એમાં લગાવ્યા છે. તમે મને મળી શકો છો અથવા પત્ર પણ લખી શકો છો.’

પ્રવચન પૂરું સાંભળીને મેં હેડફોન સુપરિયાને પાછું આપતાં કહ્યું, ‘એટલે તમે આ કામ સ્વીકાર્યું.’

‘એવું તો નહિ, પણ મારો જન્મ જ આ પ્રદેશમાં. વળી શાસ્ત્રીજી આ સંસ્થા ચલાવતા તો હતા જ. તે વખતે કામ નાનું હતું. મને થયું: આ જ કામ હું આગળ ચલાવી શકું તેમ છું, એથી મેં પ્રોફેસરને પત્ર લખ્યો અને કામ શરૂ કર્યું.’

‘પરંતુ પ્રોફેસરે મને ક્યારેય એ વાત નથી કરી કે તમે તેમને મળ્યાં છો.’

‘બહુ મળી નથી. બસ, તેમની મુલાકાત વખતે મેં તેમને અભિનંદન આપેલાં, આ સંસ્થાની થોડી વાત કરેલી અને તેમનું સરનામું લીધેલું.’

સુપરિયા સાથે હું વાતો કરતો રહેત, પરંતુ શાસ્ત્રીજીએ બહાર આવીને સાદ કર્યો: ‘ફરવા જવાનો સમય થઈ ગયો છે, ભાઈ.’

હું અને શાસ્ત્રીજી ફરવા નીકળ્યા. અમે ક્યારેક ચર્ચ સુધી તો ક્યારેક સોભદરા બાગાન સુધી જઈએ છીએ. કેટલીક વાર પહેલો આવેલો છે તે પરિક્રમાવાસી પણ સાથે હોય છે. આજ તે નથી. રસ્તે મને સુપરિયાના વિચારો આવ્યા કર્યા. ભણેલી-ગણેલી સુપરિયા એક ધૂન લઈને આ રીતે અહીં રહીને આદિવાસીઓ વચ્ચે કામ કરે છે તે બરાબર છે કે ખોટું છે તે મેં વિચાર્યા કર્યું. તેનાં માતાપિતા પણ આવી જ ધૂનથી અહીં કામ કરતાં જીવી ગયાં. સુપરિયાના પિતા હવે નથી તે હું જાણું છું. તેની માતા વનિતા ક્યાં છે તેની મને ખબર નથી. તે દિવસે પાર્વતીદેવીએ સુપરિયાને કહેલું, ‘એક બાર તેરી મા સે મિલું.’ આથી તે ક્યાંક છે તો ખરાં જ. પણ ક્યાં તે હું નથી જાણતો. સુપરિયાને પૂછવાની ઇચ્છા નથી. કોઈના અંગત જીવનમાં ડોકિયું કરવું તે અમારે ત્યાં અવિવેક ગણાય છે.

ચાલતાં-ચાલતાં હું અને શાસ્ત્રીજી સોભદરા બાગાન સુધી ફરી આવ્યા. ચર્ચામાં પાદરી થોમસ આવી ગયો હતો. તે ક્યારેક ગામડાંઓમાં ગયો હોય તો નથી હોતો. હોય ત્યારે કોઈ વાર બાળકોને વાર્તાઓ કહેતો, ગીતો ગવરાવતો કે કોઈને પાટાપિંડી કરતો હોય તો અમે તેના તરફ હાથ ઊંચો કરીને તેને બોલાવીએ. ક્યારેક ચર્ચના ઓટલે બેસીને બધા વાતોએ ચડીએ. વરસાદ વરસતો હોય ત્યારે બહાર જવાનો કાર્યક્રમ રદ થાય અને સંગીત ચાલે.

“પ્રિય લ્યુસી,

તેં સોંપેલું કામ ન થાય ત્યાં સુધી મારે પત્ર લખવો ન હતો. તેં પણ મને લખ્યું નથી તેથી હું ક્યારેક થોડો અસ્વસ્થ થઈ જાઉં છું. કદાચ એટલે જ હું પણ તને પત્ર ન લખવાની જીદથી મને જ પીડું છું. આજે ડાયરીનો ઉતારો સરને મોકલું છું તો તને પણ કંઈક લખવાનું મન રોકી શકતો નથી. ડાયરી તું પણ જોઈ જજે. પરિક્રમાની વાતથી તો તને અચરજ થશે જ. પુરિયા, બંગા, સુપરિયા, ગણેશ શાસ્ત્રી – આ બધાં વચ્ચે રહીને પણ હું તને સતત યાદ કરું છું.

ડાયરીમાં વરસાદનો ઉલ્લેખ છે; પરંતુ હવે તો ચોમાસાએ વિદાય લીધી છે. પરિક્રમાવાસીઓએ તેમનો પ્રવાસ આગળ વધાર્યો છે. મકાઈ-જુવાર લણવા-લાયક થઈ ગયાં અને ડાંગર પાકવા આવી છે. ઑક્ટોબરની બીજી તારીખથી અમારી નિશાળ ફરી શરૂ થઈ. હવે શાસ્ત્રીજી પણ આજકાલમાં વિદાય લેવાની વાતો કરે છે. તને ગમે એવું અહીં ઘણું છે તો અહીં આવવાનું ગોઠવ…”

પત્ર લખીને મેં બિત્તુબંગાને આપ્યો. તે શહેર ગયા. પાછા ફર્યા ત્યારે તેમની સાથે, ‘મુશ્કીલ હે હજી, જંગલ હજી ખૂલા નહિ.’ કહેતા ગુપ્તાજી પણ આવ્યા, શાસ્ત્રીજી સાથે એકાદ દિવસ રહેવા અને પાર્વતીમાએ અમારી શાળાને મોકલેલી ભેટ આપવા. માજીએ સાઠ નંગ ખાદીનાં ધોતિયાં મોકલ્યાં છે, શાળામાં નિયમિત આવતા હોય તેવા વિદ્યાર્થીઓને આપવા. રાત્રે ગુપ્તાજી, હું અને શાસ્ત્રીજી સુપરિયાના ફળિયામાં ખુરશીઓ ઢાળીને બેઠા.

વાત વાતમાં ગુપ્તાજી કહે, ‘ગનેશ, સોચતા હૂં માગસરમાં લડકી કા બ્યાહ કરી દૂં.’ કહી થોડું અટક્યા. મસ્તક પર હાથ ફેરવતાં કહે, ‘અગલે સાલ તો બરામન લોગ મહૂરત નહિ દેતે. બોલે હે કોઈ સિંહસ્થ કા સાલ લગે હે.’

હું હસી પડ્યો અને શાસ્ત્રીજી સામે જોઈને કહ્યું, ‘આ આવ્યો નિષેધ મુક્તિનાં સંતાનો પર!’

શાસ્ત્રીને પણ હસવું આવ્યું. તેમણે જરા પણ દુ:ખ લગાડ્યા વગર કહ્યું, ‘નિષેધ તો ખરો, પરંતુ આમાં ધર્મ વચ્ચે નથી આવતો આ સાંસ્કૃતિક વ્યવસ્થા જ છે.’

‘એટલે?’ મેં પૂછ્યું.

‘સમજાવું.’ શાસ્ત્રીએ કહ્યું. પછી ગુપ્તાજીને પૂછ્યું, ‘બિહારી, અહીં મોટો થયો તું, પણ ક્યારેક મહારાષ્ટ્ર ગયો છે?’

‘એક બાર નાસિક જાના હુવા થા, માને લેકર કે, અરધ-કુંભ મેં.’

‘ઉત્તરપ્રદેશ?’

‘મારા બાપુ કા સરાધ જ વહાં પ્રયાગ મેં કિયા.’

પછી શાસ્ત્રીજી મારા તરફ ફર્યા અને કહ્યું, ‘આ દેશની સંસ્કૃતિના ઘડવૈયાઓએ એટલું તો નિશ્ચિત માન્યું હતું કે આ નાનાવિધ લક્ષણો ધરાવતી પ્રજાને એક દોરે બાંધવી હોય તો પ્રજા-પ્રજા વચ્ચેના પ્રાસંગિક મિલનની સહુથી વધુ અગત્ય છે. પ્રવાસથી આ થઈ શકે તેટલું બીજા કોઈ માધ્યમથી ન બને; પણ સાથેસાથે મુશ્કેલી એ હતી કે આ અફાટ વિસ્તાર ધરાવતી ભૂમિ, ઊંચા પહાડો, વેરાન રણ કે અભેદ વનો પાર કરીને લોકો પ્રવાસે જાય શી પેરે? વળી ધાન પકવતી પ્રજા પાસે એટલો સમય અને સગવડ પણ ન હોય.’

શાસ્ત્રીજી અટક્યા, થોડું પાણી પીધું અને આગળ બોલ્યા: ‘એટલે મેળા અને તીર્થસ્થાનોનાં દર્શનની પરંપરા સર્જાઈ. આ માટે ખાસ સમય નક્કી હોય એટલે બધા એ સમયે સંઘ કાઢીને જાય. કોઈને એકલા ન જવું પડે. વળી આ સંઘને જમાડવો તે મહાપુન્યનું કામ ગણીને એ વ્યવસ્થા શ્રેષ્ઠીઓ કે પહોંચતા માણસો, મહાજનો માથે નાખી.’

પછી ગુપ્તાજી તરફ જોતાં શાસ્ત્રીએ કહ્યું, ‘કેમ બિહારી, તેં કેટલા સંઘો જમાડ્યા છે?’

‘બચપન મેં આતે થે સંઘ. સબ તો સબ ગાડી-બસોં સે જા રહે હૈં.’ ગુપ્તાજીએ જવાબ આપ્યો.

શાસ્ત્રી હવે મને ઉદ્દેશીને બોલ્યા, તને થશે કે સિંહસ્થમાં લગ્નના બાધની વાત કરતાં શાસ્ત્રી વળી બીજી વાતે ચડી ગયા. પણ સાંભળ, ‘દર વર્ષે એકએક રાશિ વટાવતો બૃહસ્પતિ સિંહરાશિમાં આવે તે સિંહસ્થનું વર્ષ ગણાય. આર્યાવર્તના સર્વાધિક મહત્ત્વના ધાર્મિક પ્રસંગો, મેળાઓ અને તીર્થસ્નાન આ સિંહસ્થના વર્ષમાં ગોઠવાયાં છે. પ્રયાગમાં કુંભમેળો પણ આ સિંહસ્થના વર્ષે જ ભરાય છે. આમ, દર બાર વર્ષે નક્કી સમયે, નક્કી સ્થળે જવા માટે દેશના ખૂણેખૂણેથી માણસો પ્રવાસે નીકળે.’

લાંબું બોલીને થાક્યા હોય તેમ શાસ્ત્રી થોડું અટક્યા, પછી કહે, ‘તું પણ સાંભળ, બિહારી! અને વિચાર, જે વર્ષે માણસને ચારધામ યાત્રાએ કે કુંભમેળામાં જવું હોય તે વર્ષે તેને ઘરે લગ્નનું આયોજન પોસાય? ઘરે તો ઠીક ગામમાં કે સગાં-સંબંધીઓને ત્યાં પણ લગ્ન હોય તો યાત્રાએ કે મેળામાં જઈ શકાય નહિ. સંઘમાં જોડાવું હોય તો બીજું કોઈ મહત્ત્વનું અને ખર્ચવાળું કામ ન થઈ શકે.’ પછી શાસ્ત્રી મલકીને કહે, ‘વળી, અમારાં જ્ઞાતિનાં પંચો ને બ્રાહ્મણો ક્યારેક દબાણથી પ્રસંગ ગોઠવાવે એવાં ખરાં. એટલે શાસ્ત્રાજ્ઞારૂપે જ આ સિંહસ્થનો નિષેધ મૂકવો પડે.’

‘સો તો સચ હે.’ ગુપ્તાજીએ જવાબ આપ્યો. મને હજી શંકા હતી. શાસ્ત્રી મારી મનોદશા સમજ્યા હોય તેમ તેમણે કહ્યું, ‘હું આજની વાત નથી કરતો. એ સમયનો વિચાર કર, જ્યારે રેલવે કે બીજાં વાહનો વિશે કલ્પના પણ ન હતી. માણસો પગે ચાલીને, પશુઓ પર સામાન લાદીને યોજનોના યોજનોનો પંથ કાપતા. જરાક વિચાર, કઈ શક્તિ તેમને આ તાકાત આપતી હશે?’

‘ભાઈ,’ શાસ્ત્રીનો અવાજ જરા ભીનો થયો, ‘હજારો વર્ષથી આ પ્રજા આમ જ તીર્થાટન કરતી રહી છે. ચાર ધામોની યાત્રા, ગંગા-યમુનાના સ્નાન માટે યાત્રા અને ચાર અલગઅલગ દિશામાં ભરાતા મહામેળા કુંભમાં જવાની યાત્રા અને પોતપોતાના પ્રદેશનાં નાનાંમોટાં તીર્થોની યાત્રા તો જુદી. આ સંસ્કૃતિ તીર્થાટન કરનારાઓના પગે ઊભી છે, તેમના પગે પ્રસાર પામી છે. એ યાત્રાઓએ જ અમને જીવનના નવાનવા અર્થો આપ્યા છે, ધર્મમાં ઔદાર્ય આપ્યું છે.’ કહીને શાસ્ત્રીએ ભારપૂર્વક ઉમેર્યું, ‘માટે જ કહું છું કે આ પ્રજાના મનમાં ધર્મ કરતાં પણ ઊંડાં મૂળ અધ્યાત્મનાં છે. તે સિવાય આ પ્રજા આટલી બળકટ ન હોય.’

હું ઊંડા વિચારમાં પડી ગયો. ‘મહાભારત’ મેં હમણાં જ પૂરું કર્યું. તેમાં આવતાં સ્થળનાં, લોકોનાં, તેમનાં રીતરિવાજોનાં વર્ણનો એટલી વિગતે આપેલાં છે કે મને એમ જ લાગતું કે કોઈ પણ સ્થળનું આટલું તાદૃશ વર્ણન ત્યાં જાતે ગયા વગર શક્ય નથી. તો પછી મહર્ષિ વ્યાસ શું સદાકાળ ભ્રમણ કરતા રહેતા હશે? જવાબ મને તો એક જ જડે છે: ‘હા.’

હું હજી વિચારતો જ રહેત, પણ શાસ્ત્રીજીએ કહ્યું, ‘બિહારી, આવતા વર્ષે લગ્ન ન થાય એવું માનવાની હવે જરૂર નથી. અત્યારે તો આખો દેશ થોડા દિવસોમાં ફરી આવવાની સગવડ છે. એટલે આ જૂનો રિવાજ ત્યાગવાથી કોઈ નુકસાન નથી. પહેલાંના જમાનામાં આખી પ્રજાને સમય આપવા, સામૂહિક સગવડ કરી આપવા સિંહસ્થમાં લગ્ન ન કરવાની પરંપરા હતી. હવે એવું જરૂરી નથી.’

હું શાસ્ત્રીજીના અર્થઘટન પર વિચાર કરતો હતો ત્યાં મારા આશ્ચર્ય વચ્ચે વળી તેમણે કહ્યું, ‘છતાં તને કોઈ બાધ લાગતો હોય ને શાસ્ત્રાજ્ઞાનો ભંગ કરવાનું મન ન હોય તો મુંબઈ જઈને દીકરીને પરણાવ. ત્યાં તને કંઈ નહિ નડે.’

‘કેમ?’ મેં નવાઈ પામતાં પૂછ્યું.

‘નીચે દક્ષિણના સમુદ્રતટનો વિસ્તાર, કોંકણપટ્ટીનો આખો પ્રદેશ પરશુરામક્ષેત્ર ગણાય છે.’ કહીને શાસ્ત્રીજી અટક્યા. પછી કહે, ‘આ પણ સાંસ્કૃતિક પરંપરા છે. એ પ્રજા દરિયા સાથે જીવનારી. તેમનાં ઋતુ પ્રમાણેનાં કામો પણ બાકીના દેશ કરતાં અલગ. આથી એમનાં રીતરિવાજો જુદાં. એથી બાકીના દેશને લાગુ પડતા નિયમો તેમના જીવનમાં અડચણરૂપ ન બને તે માટે આવું નક્કી કરાયું હશે.’

મને શાસ્ત્રીનાં અર્થઘટનો રસપ્રદ લાગ્યાં. દરેક વાતનું વિશ્લેષણ કરવાની મારી તાલીમનો ઉપયોગ હું મને ન સમજાતી બાબતોમાં અર્થઘટન માટે કરું તો કદાચ મને ઉપયોગી થાય.

‘શાસ્ત્ર કી બાત મેં નહીં જાનું.’ ગુપ્તાજી બોલ્યા, ‘મેં તો ઓ હી કરું જો ગનેશશાસ્ત્રી કહે.’ કહેતાં ગુપ્તાજી ઊભા થયા. અમે ખાટલા ઢાળ્યા અને સૂવાની તૈયારી કરી…
અહીં સુધી વાંચીને અટકી લઉં. કેટલાંક પાસાંઓ પર એક નજર નાખી લઉં. શાસ્ત્રીની વાતે તેને વિચારતો જરૂર કર્યો છે. પોતાના અરણ્યભ્રમણના અનુભવોને તેણે શાસ્ત્રીની વાત સાથે મૂલવી જોયા. તીર્થાટને આ દેશને ઘડ્યો હોય તેથી આ દેશની પ્રજા પાસે અનોખી જીવનદૃષ્ટિ છે એવું કે પ્રવાસથી માણસની જીવન પ્રત્યે જોવાની દૃષ્ટિ બદલાય છે, જેને અધ્યાત્મ કહેવાય છે તેનું જ્ઞાન કે દર્શન પણ થઈ શકે છે તેવું સ્વીકારતાં પહેલાં તે પોતે આ રીતે તીર્થભ્રમણ કરે તો કદાચ દેશના છેવાડેથી તેના મધ્ય સુધી આવતા અને પાછા જતા માણસો કેટલી અને કેવી અનુભૂતિઓ સાથે લઈ જતા હશે તે તેને સમજાય. તે જો જરાક લાંબું વિચારે તો રામના વનવાસનો કે યુધિષ્ઠિર, પાંડવો તથા દ્રૌપદીના દેશાટનનો ઉદ્દેશ પણ કદાચ તે જાણે છે તેના કરતાં જુદો હોઈ શકે તેવું તેને લાગે.

આવું તેને સૂચવવું શાસ્ત્રીને કેમ ન સૂઝ્યું તેની મને નવાઈ લાગે છે. ખેર! કદાચ સર્વશક્તિમાનની એવી ઇચ્છા હશે. વિધાતા મહાન કસબી છે. બરાબર ઘસે, કાપે, ટીપે, તપાવીને ઓગાળે તે પછી જ ઘાટ ઘડવા બેસે. સુપરિયાએ તેને રુડોલ્ફનું પ્રવચન સાંભળવા આપ્યું તે વિધિના નિર્માણ જેવું સમયસરનું જ હતું ને! જ્યારે જરૂરી ન હતું ત્યારે સ્વયં રુડોલ્ફે પણ તેને કહ્યું ન હતું કે તે સુપ્રિયાને મળ્યા છે. સુપરિયા પહેલી વખત મુનિ કા ડેરા પર તેને મળી ત્યારે તેણે પણ ‘કેમ છે પ્રોફેસરસાહેબને?’ એવું પૂછ્યું નહિ. વિધાતાએ આ પળો જાળવી ન હોત તો તે અત્યારે જે કરી રહ્યો છે તે કરતો ન હોત. આ યુવાન પણ હવે પળને, કણને તથા ઝરણને જોતો થઈ ગયો છે.

* * * * * * * * * * * * *

અક્ષરનાદ નર્મદાની આ અદ્વિતિય કથા – તત્ત્વમસિ આપને માટે નિ:શુલ્ક રજુ કરે છે. તો સામે પક્ષે અક્ષરનાદને આર્થિક બોજથી દૂર રાખવા ધ્રુવભાઈએ પણ આ પુસ્તક અક્ષરનાદ પર રજૂ કરવા કોઈ જ રકમ લીધી નથી, અરે તેમણે રોયલ્ટી લેવાની પણ ના કહી. તો આખરે અમે એવા નિષ્કર્ષ પર પહોંચ્યા કે અક્ષરનાદ પર તત્ત્વમસિ નિ:શુલ્ક વાંચન માટે ઉપલબ્ધ થાય, અને વાચક પર ભરોસો રાખીએ. અહીં અક્ષરનાદ પર તત્ત્વમસિ વાંચીને કોઈકને મનમાં થાય કે લેખકને ભલે પ્રતિક રૂપે, પણ વળતર મળવું જ જોઈએ તો જે તે ભાવક નિઃશુલ્ક વાંચવા મળેલા આ ખજાના બદલ પોતાને ગમે તે રકમ ધ્રુવભાઈના ખાતામાં સીધી ભરી શકે છે. આ એક આગવો પ્રયાસ છે, ધ્રુવભાઈની જેમ વધુ સર્જકો પોતાનું સર્જન સર્વે માટે ઉપલબ્ધ કરી શકે એ માટેની જવાબદારી હવે વાચકની બની રહે છે. મને અક્ષરનાદના સુજ્ઞ વાચકો પર વિશ્વાસ છે કે તેઓ નિરાશ નહીં જ કરે. ધ્રુવભાઈ ભટ્ટની બેન્કની વિગતો આ સાથે આપી છે.
Name of account : Bhatt Dhruvkumar Prabodhrai
Name of the Bank HDFC bank
Account number : 01831930001854
IFSC : HDFC0000183
Branch : Lambhvel Road, Anand.
Type of Account : Saving

* * * * * * * * * *

૧૪.

“ચોમાસામાં ડહોળાયેલાં ઝરણાંઓ હવે પારદર્શક થઈ ગયાં છે; આકાશ ધોવાઈને સ્વચ્છ. રાત્રીઓ અગણિત તારાઓના પ્રકાશપુંજે રમ્ય લાગે છે. અનાજ ઘરે લઈ જતાં આદિવાસીઓ રોજ ઉત્સવ હોય તેમ નાચતાં-ગાતાં રહે છે. સૂર્ય પોતાના હૂંફાળા તડકાથી વૃક્ષોને વહાલ કરે છે એવા સમયે હું અને લક્ષ્મણ શર્મા અરણ્યોમાં ભમીએ છીએ.

લક્ષ્મણ શર્મા અલગારી માણસ છે તેવું તો તેની પ્રથમ મુલાકાતે જ મને લાગેલું. તે આવ્યો ત્યારે પહેલાં તો તેને પોતાની પાછળ આવતા બે ભીલોને સૂચનાઓ આપવાનું, સામાનને જાળવીને ઉતરાવવાનું અને મારા ઓટલા પરથી ઘરમાં મુકાવવાનું જ મહત્ત્વ હતું. એટલે પોતે કોણ છે, હું કોણ છું અને તેના આવવાનું પ્રયોજન શું છે – બધું જ ગૌણ.

સામાન વ્યવસ્થિત મુકાઈ ગયો પછી તેણે પાણી માગ્યું. મેં પાણી ભરેલી બોઘરણી અને ત્રણ પ્યાલા તેની સામે ઓટલે મૂક્યા. પાણી પીને સ્વસ્થ થતાં જ તેણે કહ્યું, ‘તમે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર પાસે મધમાખી ઉછેર યોજનાની માહિતી મંગાવેલી ને?’

‘હા.’ મેં તેના સહેજ શ્યામ ચહેરા પર નજર કરતાં જવાબ આપ્યો.

તેની તેજસ્વી આંખો હસી. ખાદીના પાટલૂન પરથી ધૂળ ખંખેરતાં તેણે કહ્યું, ‘બધી જ માહિતી લઈને આવ્યો છું.’ અને હવે છેક પોતાનું નામ કહ્યું, ‘લક્ષ્મણ શર્મા.’ પછી તરત કહે, ‘તમને ક્યારે સમય હશે?’

‘સમય તો છે જ.’ મેં કહ્યું, ‘પણ રાત્રે બેસીએ તો ઠીક રહેશે. મારે બીજાંઓને પણ બોલાવવાં છે.’

‘તો એમ કરીએ.’ લક્ષ્મણે કહ્યું, ‘કાલે ગામડાંઓમાં ફરીએ અને માણસોને બોલાવી લાવીએ.’

‘બીજાંઓ’ એટલે મારા મનમાં તો સુપરિયા, બિત્તુબંગા, ઝૂરકો કે બાબરિયો આટલાં જ હતાં, પણ લક્ષ્મણ જો આ વિસ્તારના આદિવાસીઓને ભેગા કરીને વાત કરવા ઇચ્છતો હોય તો તે વધુ સારું થશે તે વિચારે હું સહમત થતાં બોલ્યો, ‘ભલે. સવારે તમારી સાથે કોઈને મોકલીશ.’

લક્ષ્મણ કંઈ બોલ્યો નહિ, તે થોડો ઝંખવાયો હોય તેમ લાગ્યું, પણ તરત ઉત્સાહમાં આવતાં તેણે કહ્યું, ‘બધાને બોલાવી શકાય તો મજા પડે તેવું કામ થાય. પણ કંઈ નહિ, બધાનું આજે અનુકૂળ ન પડે તો પછી થશે. આજ આપણે જ વાત કરી લઈએ.’ કહીને તેણે પોતાનો બગલથેલો ફંફોસતાં કહ્યું, ‘જરા નાહી-ધોઈ લઉં?’
મેં તેને ઘર આખું બતાવીને કહ્યું, ‘નિરાંતે સ્વસ્થ થાઓ પછી જમવા માટે રસોડે જવાનું છે.’ કહીને તેને એકલો મૂકીને હું ઑફિસ તરફ ગયો.

જમવાના સમયે હું ઘરે ગયો તો લક્ષ્મણ ત્યાં ન હતો. તેણે તેનો સામાન ખોલીને થોડી ગોઠવણી કરી હતી. ટેબલ પર એક કાગળમાં તેણે સંદેશો મૂક્યો હતો તે મેં વાંચ્યો: ‘જમવા જઉં છું.’

હું રસોડા તરફ ગયો તો લક્ષ્મણ અને સુપરિયા પોતાની થાળીઓ લઈને આસન તરફ જતાં હતાં. મને જોઈને લક્ષ્મણે હસીને માથું હલાવ્યું. મારી થાળીમાં પીરસાવીને હું પણ જઈને તે બંનેની સાથે બેઠો.

‘આખા મધપૂડામાં રાણી એક જ હોય.’ લક્ષ્મણ સુપરિયા સાથે વાતો કરતો હતો તે મેં સાંભળી, ‘હજારોમાંથી એક ઈંડાને ઉછેરીને તેમાંથી રાણી બનાવવાનું નક્કી પણ સેવક-માખીઓ જ કરે. જે ઈંડાના નસીબમાં રાણી બનવાનું લખાયું હોય તેને રાણીખાનામાં મૂકવામાં આવે.’ લક્ષ્મણે કહ્યું. મને તેની વાતમાં રસ પડ્યો. તે વાર્તા કહેતો હોય તેમ વાત કરતો હતો, ‘રાણીવાસમાં મૂકેલા ઈંડાને સેવક-માખીઓ સારામાં સારા મધ અને પરાગરજનો ખોરાક આપ્યા જ કરે, એટલે એ ઈંડાના લારવામાંથી સોળ દિવસે રાણી તૈયાર થાય.’ કહીને લક્ષ્મણે રોટલો મોંમાં મૂકતાં કહ્યું, ‘સેવકો પોતે તો સેવકો જેવો જ ખોરાક પામે.’ કહીને તે હસ્યો અને ઉમેર્યું, ‘એક જ માતાનાં હજારો ઈંડાંમાંથી કેટલાંકને માળો બાંધનાર બનવાનું, કેટલાંકે માળાના રક્ષણ માટે સૈનિકો બનવાનું અને કેટલાંકે નર્સ બનીને નવા લારવાને દાણા-પાણી આપવાનાં અને દેખભાળ કરવાની. છે ને અદ્ભુત વાત?’ લક્ષ્મણે પૂછ્યું. પછી પાણી પીધું. સુપરિયા જમતી જમતી શાંતિથી લક્ષ્મણને સાંભળતી હતી.

લક્ષ્મણે આગળ કહ્યું, ‘અજાયબીઓનો તો પાર નથી મધપૂડામાં.’ અને છેલ્લો કોળિયો લઈ ઊભા થતાં કહે, ‘એક અજાયબી તો એ કે ઈંડામાંથી સેવક થશે, કડિયો થશે, સૈનિક થશે તેનો આધાર પેલી નર્સ- માખીઓ ઈંડાને કેટલો અને કેવો ખોરાક આપે છે અને ઈંડાં કયા માપના ખાનામાં ઉછેરે છે તેના પર રહે છે.’

અમે વાસણો સાફ કરીને ઘર તરફ ચાલ્યાં. ઘરે પહોંચતાં જ લક્ષ્મણ કામે વળગ્યો. એક અલગ થેલામાં તેણે કેટલીક વસ્તુઓ ભરીને થેલો ખીલી પર ટાંગ્યો. બધું ગોઠવ્યા પછી તેણે એક સ્લાઇડ પ્રોજેક્ટર કાઢ્યું, એક પડદો કાઢ્યો અને ટેબલ આઘા-પાછાં કરીને પ્રોજેક્ટર ચાલુ કરી જોયું.

‘બેનને બોલાવી લાવું’ કહી તે ગયો. સુપરિયા અને બિત્તુબંગા આવ્યાં. કેન્દ્રમાં કામ કરતા માણસોનું નાનકડું ટોળું પણ આવીને બેઠું.

કમરામાં અંધારું થયું અને સફેદ પડદા પર એક અપ્રતિમ દૃશ્ય ઝળક્યું. પર્વતની ટોચ પરથી નમેલા પથ્થરની ધાર પર મહાકાય મધપૂડો વાદળની પશ્ચાદ્ભૂમાં તબકતો હતો. શક્તિશાળી દૂરબીન કૅમેરાથી લેવાયેલી આ તસવીરમાં મધપૂડાની ચમક અનોખી લાગતી હતી. તસવીરની નીચે બે લીટીનું લખાણ હતું:

‘અમારી પ્રીતિ છે શ્રમ, વન, ફૂલો ’ને રસ વિશે.
મનુષ્યો, લો, પામો સભર થઈ મીઠાશ શ્રમની.’

પ્રકૃતિની લાડકી, ફૂલો અને પરાગરાજ જેવી જ સુંદર અને કોમળ મધમાખીના અખંડ પરિશ્રમની ભવ્ય કથા જેવો વાર્તાલાપ અને સ્લાઇડ-શૉ અમે લગભગ એક કલાક સુધી એકાગ્ર થઈને માણતાં રહ્યાં.

સ્લાઇડ-શૉ પૂરો થયો. કમરામાં ફરી ઉજાશ થયો. હાજર રહેલા દરેક જણના ચહેરા પર કંઈક નવું, કંઈક જુદું જોયા-જાણ્યાનો આનંદ દેખાતો હતો. લક્ષ્મણ વ્યવસાયે શિક્ષક ન હતો, પણ આ એકાદ કલાકમાં તેણે જે જ્ઞાન આપ્યું હતું તેનાથી અમારા દરેક સાથે તેણે એક સૂક્ષ્મ સંબંધ સ્થાપી દીધો હતો જે આપોઆપ અમને શીખવાની પ્રક્રિયા તરફ દોરી ગયો.

‘લક્ષ્મણ’, મેં કહ્યું, ‘હું તારી સાથે આવીશ.’ અને બધાં વાતો કરતાં વીખરાયાં. લક્ષ્મણ નિરાંતે ઊંઘવા મંડ્યો. મેં ટેબલલૅમ્પના અજવાળે ડાયરી લખી.

વહેલી સવારે અમે નીકળ્યા ત્યારે સૂર્યોદય થવાને થોડી વાર હતી. ખીણોમાં ઊતરતી કેડી પર ચાલતા લક્ષ્મણને તો જાણે બાળપણ મળી ગયું હોય તેમ તે વનફૂલો જોતો, પથ્થરોને ઠેબે ચડાવતો, પક્ષીઓના ટહુકાના જવાબ આપતો અને આગળ સામાન લઈ જતા ભીલો સાથે, તેમની જ ભાષામાં, વાતો કરતો આખે રસ્તે આનંદ કરતો આવ્યો. હું તેના આનંદને નીરખતો ચાલ્યો આવ્યો. અહીં ખીણને તળિયે ઝરણામાં નાહીને લક્ષ્મણ ઘાસમાં લાંબો થઈને સૂતો છે અને આકાશ સામે હાથ લંબાવીને ગીતો ગાય છે.

‘તને બહુ મજા પડતી લાગે છે અહીં.’ મેં કહ્યું, ‘પણ હવે ઊઠ, ખાવા-પીવાનું કંઈક કર.’

‘આ ઊઠ્યો.’ કહેતાં તે ઊભો થયો અને સામાન ખોલવા બેઠો. અચાનક મને કહે, ‘એક મજાની વાત કહું?’

‘કહે ને!’ મેં જવાબ આપ્યો અને મધમાખીની કોઈ ખાસિયત સાંભળવા તૈયાર થયો. ત્યાં તો લક્ષ્મણે કંઈક જુદું જ કહ્યું, ‘મારી માના દૂરના કોઈ ભાઈ બિકાનેર છાયાજ્યોતિષી છે.’

‘તો?’ મેં પૂછ્યું.

‘હું ચોથા ધોરણ સુધી તેમને ત્યાં રહીને ભણ્યો. એક વાર મારી મા આવેલી તેણે મામાને કહ્યું કે મારું છાયાકથન જોઈ દે. મામા કહે, “પોતાના માણસનું જોઈએ તે સાચું ન પડે.” પણ મા પરાણે અમને અગાસીમાં લઈ ગઈ. મામાએ મારો પડછાયો માપ્યો, પછી ‘ભૃગુસંહિતા’નો ગ્રંથ કાઢીને મારી માને કહે, ‘ગયા જન્મમાં તારો પુત્ર મોટો વેપારી હતો. તેનાં વહાણો દરિયે જતાં.”

‘વાહ!’ મેં કહ્યું, ‘પછી?’

“આ જનમનું કહે ને.” મારી માએ કહ્યું, “આ જન્મે તો રણ વચ્ચે રહીએ છીએ. હવે આગળ શું થવાનું છે?”
મામા કહે, “તું સાંભળ, તે વેપારી હતો અને એક વખત મધનો વેપાર કરવા મધપૂડા પડાવ્યા હતા. એ માખીઓના શાપથી આ જન્મે રણમાં જન્મ્યો.” કહીને લક્ષ્મણ ખડખડાટ હસ્યો.

‘એટલે તેં આ કામ ઉપાડ્યું – મધમાખીની સેવાનું?’

‘ખબર નહિ.’ લક્ષ્મણે જાજમ પાથરતાં કહ્યું, ‘તે વખતે મામાએ આ જનમનું ભવિષ્ય ન કહ્યું તે ન જ કહ્યું; પણ મને મધમાખીનો શાપ યાદ રહી ગયેલો. જ્યાં પણ મધપૂડો જોઉં કે ઊભો રહીને જોતો જ રહું. એમાંથી આ રવાડે ચડી ગયો.’

‘લક્ષ્મણ, તું ગયા જન્મમાં માને છે?’ મેં પૂછ્યું. લક્ષ્મણે કંઈક જુદી જ રીતે મારી સામે જોયું, સહેજ મલકાયો અને પૂછ્યું, ‘તમે આ જન્મમાં માનો છો?’

લક્ષ્મણનો આ પ્રશ્ન અણધાર્યા ઘા જેવો આવ્યો અને મારું હૃદય ખળભળાવતો ગયો. મેં મને જ પૂછી જોયું, ‘હું આ જન્મમાં માનું છું?’

અચાનક મને કંઈક નવો જ અનુભવ થયો. ઝરણાં જાણે થંભી ગયાં છે, હવા જાણે સ્થિર થઈ છે, પર્ણોનો ફરફરાટ જાણે ખોવાઈ ગયો છે. આ ખીણ નથી, અહીં પર્વતો નથી, આ અરણ્યો નથી. તો આ શું છે? અને તરત મનમાં જ બીજો પ્રશ્ન ઊઠી આવ્યો, ‘હું કોણ છું?’

કદાચ આ પ્રશ્ન, આ પ્રશ્નનો જવાબ શોધવાની વૃત્તિ, આ દેખાય છે તે શું છે તે સમજવાની વૃત્તિ અને પોતે જન્મ-જન્માન્તરમાં, માયામાં, ઈશ્વરમાં, પામરમાં અને પરમમાં માને છે કે નહિ, માને છે તો તે સત્ય છે કે નહિ તે શોધવાની વૃત્તિ જ આ દેશની ભાતીગળ પ્રજામાં સંતાઈને રહેલું પેલું સામ્ય છે? આ માટીમાં જન્મ લેનારના લોહીમાં ધર્મ અને ધર્મથી ઉપરની અવસ્થા વચ્ચેની ભિન્નતાની સાદીસીધી સમજ ઉતારતું તત્ત્વ પણ આ પ્રશ્ન જ છે? કોઈક જન્મમાં કરેલાં કર્મોનાં ઋણ સાથે લઈને જન્મતી, જીવતી – આ પ્રજા હજારો વર્ષોથી એકધારી ટકી રહી છે તેનું રહસ્ય પણ શું આ પ્રશ્નો જ હશે?

લક્ષ્મણે સાવ સહજ રીતે પૂછેલો પ્રશ્ન મને આટલો સ્પર્શી કેમ ગયો તે હું સમજી ન શક્યો. મેં કંઈ પણ ઉત્તર આપવાનું ટાળ્યું…”

ચાલ્યા જનારે અહીં મૂકેલો આ ફોટોગ્રાફ કોઈ અણઘડ હાથે લીધો હોય તેવું સ્પષ્ટ દેખાય છે. છતાં તેમાં દેખાતી ગતિ તસવીરને જીવંત બનાવે છે. જમીન પર પડેલો લક્ષ્મણ, લાકડી ઉગામીને ફટકો મારવા તૈયાર થયેલો દીતિયો ભીલ, દીતિયાને કમરેથી પકડવા હાથ લંબાવતો બિત્તુ અને લક્ષ્મણ પર નમવા જતો તે.

તેને કે લક્ષ્મણને આવું પણ બની શકે તેની ખબર ન હોય તે સમજાય તેવું છે. પણ સુપ્રિયાને આવું બનશે તેનો અણસાર ન આવે તેવું કેમ બને? મધ-ઉછેરનું કામ આદિવાસી કેન્દ્રમાં જ શરૂ કરવાનો તેનો આગ્રહ, આદિવાસીઓ પોતાના ગામમાં જ પોતાના ઘરે મધમાખી પાળવાનું કામ કરે તેવી યોજનામાં તેની અસહમતી, આ કામ કેન્દ્ર બહાર જ કરવું હોય તો બિત્તુબંગાના ગામેથી શરૂ થાય તેવો તેનો આગ્રહ, બિત્તુબંગાને પોતાના ગામ જવાની સૂચના અને બિત્તુની પત્ની જોગાને ખાસ સંદેશો મોકલીને લક્ષ્મણના અને તેના સાથીના ઉતારાની વ્યવસ્થા કરવા કહેવરાવવું – આ બધા પરથી એ વાત જાણી શકાય કે સુપ્રિયાને આવું કંઈક બનવાની આશંકા તો હતી જ.

“ત્રણેક ગામમાંથી ગામદીઠ ચાર-પાંચ યુવાનોને અમે અમારી સાથે લીધા. સાંજે બિત્તુબંગાને ગામ પહોંચ્યા તો તે બંને હજી પહોંચ્યા ન હતા. જોગા ઘરે હતી.
‘ભિલાળા નીં હે?’ જોગાએ નવાઈ પામતી હોય તેમ અમને પૂછ્યું. પછી બબડતી હોય તેમ કહે, ‘નીં કરને દેવે શઅદ.’ અને અમારી આગતા-સ્વાગતામાં પડી.
જોગાના પ્રશ્નને સમજવાનો પ્રયત્ન મેં કે લક્ષ્મણે કર્યો નહિ. જોગા પણ વધુ કંઈ બોલી નહિ. રાત્રે લક્ષ્મણે અમારી સાથે આવેલા યુવાનોને અને ગામમાંથી આવેલા માણસોને પોતાની સ્લાઇડો બતાવી, પછી મધમાખીપાલનથી થતા લાભો વિશે સમજાવ્યું. મધપૂડા ઉછેરવાની પેટી ખોલીને બતાવી અને છેલ્લે યુવાનોને આ કામમાં જોડાવા સમજાવ્યું. મેં પણ આ કામથી થનારા આર્થિક લાભની વાત કહી અને યુવાનોને આ કામમાં જોડાવા નિમંત્રણ આપ્યું. શાળાના આચાર્યને પણ પોતાની રીતે ગામલોકો સમક્ષ બોલવા ઊભા કર્યા.

મને હતું કે મોટા ભાગના યુવાનો પોતાનું નામ લખવા કહેશે. સોસાયટી રજિસ્ટર કરાવતી વખતે થયું હતું તેમ આનંદ-મંગળ સાથે આ મધકેન્દ્રો શરૂ થઈ શકશે; પણ મારા આશ્ચર્ય વચ્ચે એક પણ જણ ઊભો ન થયો. કેટલાકને તો અમે નામ લઈને ઊભા કરીને પૂછ્યું તો જવાબ મળે, ‘મું નીં કરાં શઅદ પેટી.’ અને ટોળું વીખરાઈ ગયું.
આવું કેમ થયું તેની મને સમજ ન પડી. હું થોડો નિરાશ થયો. શાળાના આચાર્યે વિદાય લેતાં કહ્યું, ‘સારું કામ છે. આ લોકો કરશે જ, પણ વાર લાગશે. તમારે ધીરજથી કામ લેવું.’

બીજે દિવસે અમે આચાર્યને મળવા ગયા. શાળાના કમરામાં બેસીને અમે હવે શું કરવું તેની ચર્ચાએ ચડ્યા.

‘કરવું તો બધાને છે.’ આચાર્યે કહ્યું: ‘પણ મધ ઉતારવાનું કામ ભિલાળાનું ગણાય. એ લોકો જ આ કામ કરે એવી માન્યતા અહીં પ્રવર્તે છે.’

‘એમાં ને એમાં જ આ લોકો આગળ નહિ વધી શકવાના.’ મેં મારા નિરાશાજન્ય ગુસ્સાને માર્ગ આપ્યો.

‘એ તો શું થાય?’ સાવ સહજ વાત હોય તેમ આચાર્યે કહ્યું, ‘એમાંય મધમાખીને પેટીમાં પૂરવાની એટલે દેવીમાતા કોપે એવું બે-ત્રણ જણ કહેતા હતા.’

મારા ક્રોધની સીમા ન રહી, પણ હું કંઈ કરી શકું તેમ ન હતો. મનમાં ને મનમાં મેં પ્રોફેસર રુડોલ્ફને ગાળો ભાંડી. કહેતા હતા, ‘એક પ્રજા એવી છે જે નવી ટેકનૉલોજીને આંખો મીંચીને અપનાવતી નથી.’ આ એમની મહાન પ્રજા – અંધશ્રદ્ધા અને વહેમોમાં ખદબદતી! હજારો વર્ષ પાછળ રહેવામાં આનંદ માનતી આ પ્રજા. હું વધુ કંઈ વિચારું કે બોલું ત્યાં બહાર ચોકમાં કોઈ ગાળાગાળી કરતું હોય તેવું લાગ્યું.

અમે બધા ઊભા થઈને પરસાળમાં આવ્યા. બિત્તુબંગા પરસાળમાં બેસી રહેલા તે ઊભા થયા. સામેથી ત્રણચાર ભીલો આવતા હતા અને તેના નાયક જેવો દેખાતો જણ મોટેથી બબડતો શાળા તરફ આવતો હતો. કમ્પાઉન્ડમાં આવીને તેઓ અટક્યા.

‘દિત્યા,’ શિક્ષકે પેલા નાયકને કહ્યું, ‘જતો રહે અહીંથી. ટાંટિયા તોડી નાખીશ અહીં નિશાળમાં ગાળો બોલીશ તો!’

‘નીં જાઉં.’ દિત્યો વધારે જોરમાં આવ્યો અને કંઈક બોલ્યો. અમે તેની બોલી સમજી શકીએ તેમ ન હતા. તે પૂરા નશામાં હોઈ સ્પષ્ટ બોલી પણ નહોતો શકતો.

લક્ષ્મણને ખભે કૅમેરા હતો. તેણે આ ભીલોની તસવીર લેવા કૅમેરા આંખે લગાવ્યો, તો દિત્યો પથ્થર ફેંકવા વળ્યો.

‘એ ખિજાયો છે તમારી મધ-ઉછેરની વાત પર.’ શિક્ષકે અમને કહ્યું. સત્ય સમજાતાં જ લક્ષ્મણે કૅમેરા શિક્ષકના હાથમાં આપ્યો અને દિત્યાને સમજાવવા તેની પાસે ગયો.
હજી અમે કંઈ કરી શકીએ તે પહેલાં દિત્યાએ ધક્કો મારીને લક્ષ્મણને નીચે પાડી નાખ્યો અને ડાંગ ઉગામી. હું અને બિત્તુબંગા એકસાથે દોડ્યા. બિત્તુએ દિત્યાને કેડેથી પકડીને ફંગોળી દીધો. હું લક્ષ્મણને ઊભો કરતો હતો. દિત્યાએ ધકેલાઈ જતાં પણ લાકડી ફેરવી પણ તેનું નિશાન નિષ્ફળ ગયું. મને માથાના પાછળના ભાગે ઘસરકો કરીને તેની લાકડી હવામાં ફંગોળાઈ ગઈ.

‘દિત્યા,’ શિક્ષકે કહ્યું, ‘લાકડીઓ લઈને નિશાળમાં પેઠા છો ને મારામારી કરો છો!’ આચાર્યનો અવાજ ક્રોધથી ઊંચો થયો, ‘આ કારસ્તાનનો ફોટો બતાવીને તને પોલીસમાં પકડાવી દઈશ.’

દિત્યો અને તેના સાથીદારો આ વાતથી મૂંઝાયા. હવે શું થશે! તે ભયે કે પોતાની ભૂલનો ખ્યાલ આવવાથી બધા થોડા પાછા પડ્યા અને જવા વળ્યા. દિત્યો હજી બબડાટ કરતો હતો.

શિક્ષકે તેનો બબડાટ સાંભળીને કહ્યું, ‘કરજે તું તારે જે કરવું હોય તે. મરઘો તો શું પાડો ચડાવજે માતાને. મારજે જે મંતર મારવા હોય તે. હવે ચાલતી પકડ અહીંથી.’
આટલો અમથો નાનકડો પ્રસંગ પણ મને અંદરથી ભાંગી ગયો. જીવનમાં મેં ક્યારેય વિરોધ સહન નથી કર્યો એવું તો નથી. કેટલીય ચર્ચાઓ, વિચારગોષ્ઠીઓ અને યોજનાઓ દરમિયાન મેં તીવ્ર વિરોધનો સામનો કર્યો છે. મારા વિચારો, મારી વાતો અન્યને સમજાવીને તેને ગળે ઉતારવામાં મને વિજય મળ્યાનો આભાસ થતો, પણ આજે એક અભણ, દારૂડિયા ભીલે મારા ગર્વના ચૂરેચૂરા કરી નાખ્યા. મારી નિરાશા હતાશામાં ફેરવાતી ગઈ. મને આ કામમાંથી, સુપરિયાની નિષ્ઠામાંથી, પ્રોફેસર રુડોલ્ફ અને ગણેશ શાસ્ત્રીના વિચારોમાંથી રસ ઊડી ગયો. ઘડીભર મને થયું કે આ બધું જ છોડીને પાછો જતો રહું.

હું સાવ નિરાશ થઈને આ કામ અહીંથી જ છોડી દેવા વિશે કંઈક બોલવા જ જતો હતો ત્યાં બે નાનાં-નાનાં વાક્યોએ મારી હતાશાને મારા પર સવાર થઈ જતાં રોકી દીધી.

એક તો લક્ષ્મણ શર્માનું વાક્ય – ‘હવે તો અહીંથી જ આ કામ શરૂ થશે.’ અને બીજું વાક્ય શાળા પર ધમાલ થયાનું જાણીને આવી પહોંચેલી જોગાનું.
ઓટલા નીચે ઊભી રહીને જોગાએ અમને આટલું જ કહ્યું, ‘મું કરાં શઅદ પેટી.’ હું જોગાને જોઈ રહ્યો. તે એક વાક્ય બોલીને મૌન સેવતી ઊભી હતી, પણ હવામાં હજી પણ તેના શબ્દો જાણે લહેરાતા હતા. ‘મધની પેટી હું કરીશ, મારા ઘરે, મારા આંગણામાં, મારા હાથે.’

હું અને લક્ષ્મણ કંઈ જ બોલ્યા વગર ઊભા રહ્યા. બિત્તુએ એકાદ ક્ષણ પોતાની પત્ની તરફ જોયું અને તે પણ મૌન સેવતો ઊભો.

હવે છેક મને ખબર પડી કે માથામાં લાકડીનો સ્પર્શ થયેલો ત્યાં મને દુખાવો પણ થાય છે.

‘પ્રિય સુપરિયા,

અઢળક સંસાધનો છે. અહીં વનો છે, ફૂલો છે, મધમાખીઓ છે અને આ વાતાવરણમાં રહેતાં માણસો પણ છે. આ બધાં જ સાધનોનો યોગ્ય ઉપયોગ કરી શકાય તો વર્ષે દહાડે ટનના હિસાબે મધ મેળવી શકાશે.

દિત્યાએ આપણા કામ વિરુદ્ધ ઘણી ચડવણીઓ કરી છે એટલે હાલ તરત તો માનવ સંસાધનની તંગી છે. લક્ષ્મણ અને જોગા આ કામ શરૂ કરવા કટિબદ્ધ થયાં છે. જોગા તો પોતાના વાડામાં જ પેટી મૂકી દેવા તૈયાર છે; પણ લક્ષ્મણ કહે છે કે દિત્યો પોતે જ આ કામ કરે ત્યાં સુધી રાહ જોવી છે. અમે દિત્યાના વાસ પર જવાના છીએ. અહીં જે ચાલી રહ્યું છે તેના સમાચાર તમને મળતા રહેશે. હું મજામાં છું. હું થોડો નિરાશ થયેલો, પણ હવે મને મજા પડે છે. લાગે છે, અમે કંઈક તો જરૂર કરી બતાવીશું…’
પંદર દિવસ તો એમ ને એમ ગયા. અમે બીજા ભિલાળાઓને પણ મળ્યા અને આજ સાંજે દિત્યાને ત્યાં જવાનું હતું. હું અને લક્ષ્મણ એકલા જ જવા નીકળ્યા. બિત્તુબંગા સાથે આવવાના આગ્રહી હતા પણ મેં ના પાડી.

‘આયા કયા?’ દિત્યાએ પોતાની રીતે અમારું સ્વાગત કર્યું.

‘હા.’ લક્ષ્મણે જવાબ આપ્યો. ‘તું અમને મળવા આવેલો, તારા જોડીદારોને લઈને, પછી અમારે પણ આવવું પડે ને?’ કહેતો તે દિત્યાની સામે જ વડના થડિયા પર બેઠો. હું લક્ષ્મણની પાસે જ બેઠો.

‘ચીંટિયા કાટે હે ઉથે.’ દિત્યાએ અમને ત્યાં ન બેસવા કહ્યું.

અમે ઊભા થઈને દિત્યો બેઠો હતો ત્યાં જમીન પર બેઠા. થોડી મૌનમય પળો વીતી. વાત ક્યાંથી અને કેમ શરૂ કરવી તે અમે કોઈ સમજી શકતા ન હતા, ત્યાં દિત્યાએ જ વાત શરૂ કરી. પેલે દિવસે પોતે જે ધમાલ કરી હતી તે બદલ ક્ષમા માગીને તેણે કહ્યું, ‘તુમ કઈતા હો, પર નીં હોવે ઈ કામ ઈતના આસાન.’

પછી તેણે પોતાની વાતો શરૂ કરી. અમે વચ્ચે જરા પણ બોલ્યા વગર શાંતિથી સાંભળ્યા કર્યું. મધમાખી પેટીમાં પૂરીને ટપ કરતું મધ લઈ લેવું સહેલું નથી તેમ તેણે ઠેરવીઠેરવીને કહ્યું. જે કામ પોતે રાતભર જંગલોમાં રખડીને, અજાણ્યા અગોચરમાં, છેવટની ટગલી ડાળો પર લટકીને, બીડી ફૂંકતા રહી મધની એક પણ માખી ન મરે એવી સ્વસ્થતાથી કરતો, જે કામ માટે તે કેટલીય વાર જાનની બાજી લગાવી દેતો એ કામ ગામના નાના છોકરા વગર મહેનતે ફટ દઈને કરી જાય તે માનવું દિત્યાના મનને સ્વીકાર્ય ન હતું અને જો કોઈ તેમ કરી બતાવે તો દિત્યાને પોતાનું જીવતર ઝેર થઈ પડવાનું હતું.

દિત્યાની વાતો અખૂટ ચાલતી રહી. આ અરણ્યોમાં પોતે મધ શોધવામાં અને પાડવામાં અજોડ ગણાય છે તેનું અભિમાન તે ત્યાગી શકે તેમ ન હતો. જોકે તેની મધપૂડા અને મધમાખીઓ અંગેની જાણકારી લક્ષ્મણને નવાઈ પમાડી ગઈ. ફૂલોમાંથી રસ પોતાની નાનકડી સૂંઢમાં ભરીને મધમાખી પેટ પરની નાની-નાની થેલીઓમાં ઠાલવે છે એટલી બારીક માહિતી પણ દિત્યાને હતી.

‘મહુવર ઓર સાતપૂડા શઅદ માખ પથરતલા પે લગે.’ તેણે કહ્યું, ‘પથરિયા શઅદ સબસે બઢે.’ તેણે કહ્યું. તેને મધમાખીની જાત વિશેની જાણકારી પણ ઘણી હતી. ‘ભમરિયા માખ શઅદ બોત દેવે, પર કાટ ખાવે.’

ભમ્મરિયા મધમાખીનું મધ ઉતારવાની હિંમત કોઈ ન કરે. આ આખાય અરણ્યખંડમાં માત્ર દિત્યો અને પાછળનાં વનોમાં રહેતો બલિયો ભીલ બે જ જણ ભમ્મરિયા મધને ઉતારી શકે છે. એ માખીઓ જો ઊડીને વળગે તો માણસને તો શું વાઘને પણ મારી નાખવા સમર્થ છે.

લગભગ એક કલાક સુધી અમે દિત્યાની વાતો સાંભળી. તેણે પોતાની ઝૂંપડીમાંથી મધ લાવીને મને ચખાડ્યું. અમે અમારી યોજનાની કે મધ-ઉછેરની વાતનો એક પણ શબ્દ બોલ્યા વગર ઊભા થયા. અમે જતા હતા ને દિત્યાએ કહ્યું, ‘શઅદ માખ કા ફોટુ દેખણા હોવે.’

લક્ષ્મણે કહ્યું, ‘તારે નિશાળે આવવું પડશે. અહીં વીજળી ન હોય એટલે ફિલમ પડે નહિ.’

થોડો વિચાર કરીને દિત્યાએ જવાબ આપ્યો, ‘આવું હૂં.’

‘તો સાથે જ ચાલ, અત્યારે જ બતાવું.’ લક્ષ્મણે તક ઝડપી લીધી, ‘પણ એક શરત. તું મધ ઉતારવા જાય ત્યાં અમને એક વખત સાથે લઈ જવાના.’

જવાબમાં દિત્યો જરા મલકાયો, પછી ખડખડાટ હસ્યો અને અમે ત્રણેય જણ શાળા તરફ ચાલ્યા.

પછી તો દિવસો કેમ જાય છે તેની ખબર નથી પડતી. દિત્યો, લક્ષ્મણ અને હું રાતભર અરણ્યોમાં ભમીએ છીએ. કોઈ વૃક્ષ તળે ઊભા રહી દેવીમાની પ્રાર્થના કરતા, ધૂપ સળગાવતા અને પછી ઉપર ચડતા અમને જો કોઈએ જોયા હોય તો તે માની પણ ન શકે કે દિત્યો અને અમે બે જણ અલગઅલગ જાતિના માણસોએ છીએ. લક્ષ્મણને તો દિત્યો બોલે છે તે મંત્રો પણ આવડવા માંડ્યા છે.

દરેક ફેરામાં લક્ષ્મણ દિત્યાને મધપેટી વિશે અને તેના સરળ સંચાલન વિશે ધીમેધીમે સમજાવ્યા કરે છે, પણ આ મુક્ત વનોમાં પહાડો પર કે અદીઠ બખોલોમાં માળા કરનારો જીવ પેટીમાં પુરાય તે વાત દિત્યાને ગળે ઉતારવી કઠિન છે અને ભિલાળાનો આ નાયક જ્યાં સુધી અમને સાથ ન આપે ત્યાં સુધી અમે કામ આગળ ધપાવવાના નથી.

ગાય-ભેંસની જેમ મધમાખી પાળી શકાય તે વાત દિત્યાએ સ્વાભાવિકતાથી સ્વીકારી ત્યાં સુધી અમે રાહ જોઈ. આજે સ્વયં દિત્યો જોગાના વાડામાં મધપેટી ગોઠવવાનો છે અને સાતપૂડા વંશની માખીઓ તેમાં મૂકવાનો છે.

સુપરિયા આવી છે. તેણે જોગાને થાબડી. દિત્યાને અને બીજા બધાને સારા કામની શરૂઆત કરવા માટે શાબાશી આપી. સુપરિયાએ મને કે લક્ષ્મણને કંઈ જ ન કહ્યું. હા, તે મારી પાસે આવી ત્યારે માત્ર એટલું જ બોલી, ‘માણસ સંસાધન નથી તે હવે સમજાયું હશે.’ પછી અટકીને કહે, ‘મધમાખીને પણ સંસાધન ન ગણશો. એ અસ્તિત્વ છે.’ લક્ષ્મણ અને હું એકબીજા સામે જોઈ રહ્યા.

ગામમાં સાત મધપેટીઓ મુકાઈ. સાતપૂડા અને મહુવર માખીઓનો ગુંજારવ અરણ્યોમાં સંગીત ફેલાવે, ભિલાળા સિવાયની જ્ઞાતિઓ પણ અમારા કામમાં જોડાય તેનો આનંદ લઈને અમે બીજાં ગામોમાં મધ-ઉછેર- કેન્દ્રો સ્થાપવા નીકળીશું તે દિવસ હવે દૂર નથી. સુપરિયા આજે સવારે કેન્દ્ર પર પાછી ગઈ છે.

જતાં પહેલાં જોગાના ઘરે જવું છે, તેની સાથે બે દિવસ તેના જ ઘરે રહેવું, એવી ઇચ્છાવશ બપોરે ગયો તો તે ઘર સાફ કરવામાં પડી હતી. ઝૂંપડામાંથી અડધા ભાગનો સામાન બહાર ફળિયામાં લાવીને મૂકેલો. તેમાં એક ફોટો જોઈને મને નવાઈ લાગી. સુપરિયાનાં માતા-પિતા સાથે એક સ્ત્રી ઊભી હતી. આદિવાસી સ્ત્રીએ એક બાળકીને તેડી છે.

‘આ ફોટો તો સુપરિયાના મા-બાપુનો છે. તારી પાસે ક્યાંથી?’ મેં પૂછ્યું.

“નારદી હોવે હે. બિત્તુ કી માઈ. સાથ બિન્તા ઓર બાબુ.’ તેણે જવાબ આપ્યો, ‘બિન્તા જોગન ભઈલી તો ફોટુ નારદી માંગ લાયી.’

હું અવાક્ થઈ ગયો. વનિતા, એક સંગીતપ્રેમીની સંગીતજ્ઞ પત્ની, સુપરિયા જેવી પુત્રીની માતા સંન્યાસ ધારણ કરે! સ્ત્રી સંન્યાસિની બને! પોતાના ભાવિનો, પોતાની પુત્રીનો, પોતે ક્યાં રહેશે, કેવી રીતે રહેશે અને પાછલી અવસ્થામાં પોતાનું થું થશે – કોઈ વિચાર તેને નહિ આવ્યા હોય?

‘કેમ સાધ્વી થઈ?’ મેં પૂછ્યું, તો જોગા નવાઈભરી નજરે મને જોઈ રહી. મારો અવિવેક મને સમજાયો. ત્યાં જોગા બોલી, ‘મું નીં પૂછા હોવે.’ આ બધા પ્રશ્નોના જવાબ જાણવાની ઇચ્છા જોગાના મનમાં નહીં વસી હોય, પણ મારું કુતૂહલ શમવાનું નથી. નારદી હોત તો કદાચ હું તેને પૂછત. સુપરિયા કદાચ જાણતી હોય, પણ તેને હું પૂછી શકવાનો નથી.

જોગા મારી સામે જોઈ રહી, પછી કહે, ‘ઓ જોગન જ થી. સુપરિયા બી ઓહી જ હોવે હે.’ અને ઝૂંપડામાંથી સામાન બહાર કાઢવા તે અંદર ચાલી ગઈ. તેનો પથારો જોતાં જોગાને ત્યાં રહેવાનું આજનો દિવસ તો જતું કરવું જ પડે તેવું હતું.

હું પાછો વળું ત્યાં લક્ષ્મણ આવ્યો. કહે, ‘ક્યારે નીકળવું છે?’

‘કેમ?’ મેં પૂછ્યું, ‘તારે ઉતાવળ છે, જબલપુર જવાની?’

‘ના રે.’ તેણે કહ્યું, ‘પણ તાલીમ દોઢ મહિનાની હોય અને મને ત્રણ મહિના થશે અહીં. બાકી હું તો રજા લેવી પડે તોય જવાની વાત ન કરું.’

મેં થોડું વિચારીને કહ્યું, ‘બસ, હવે એકાદ દિવસમાં નીકળીએ.’

‘તો આજે રાત્રે નિશાળમાં પંજવાણી ભજવીએ.’ તેણે કહ્યું. ‘ભલે.’ મેં કહ્યું અને અમે સાથે જ ત્યાંથી નીકળીને ઉતારા તરફ ગયા.

મને હતું કે બહાર ગામથી પંજવાણી કલાકારોને બોલાવીને કાર્યક્રમ થવાનો હશે. એના બદલે લક્ષ્મણ પોતે જ ઢોલક લઈને બેઠો. ગામ આખું આ કાર્યક્રમ જોવા ભેગું થયું હતું. એક આદિવાસી વાજાપેટી લઈને બેઠો. એકબે જણ કાંસાના મોટા મંજીરા જેવું લઈને બેઠા અને એક બારતેર વર્ષની બાળા ઓટલા પર ઊભી મોરપીંછનો ઝૂડો બાંધતી હતી.

શું નાટક હશે તે વિચારતો હું જોતો હતો. આચાર્ય મારી પાસે જ બેઠા હતા અને ઢોલક પર થાપ પડી. ઓટલા પર જેટલા કલાકારો હતા તે બધાએ મોટા સ્વરે પ્રાર્થના ગાઈ, પછી પ્રેક્ષકોને હાથ જોડ્યા.

ફરી ઢોલક પર હથેળી પડી કે પેલી બાળાના પગમાં અજબનું ચેતન આવ્યું. પગની ઠેસ લેતી અને હાથે-પગે બાંધેલી ઘૂઘરીઓ રણકાવતી તે ઓટલાના કિનારા સુધી આવી ગઈ. પાછળ બેઠેલા સાજિંદાઓએ એકસાથે હોંકારો કર્યો ‘હાં’ અને સાવ નાનકડી બાળાને કંઠે વાત વહેવી શરૂ થઈ.

લક્ષ્મણ શર્માએ ક્યારે આ કથા લખી હશે, ક્યારે શીખવી હશે તે વિચારતો હું આ નવા પ્રકારની પંજવાણી જોઈ રહ્યો. ‘શઅદ માખ’ બનેલી બાળા અદ્બુત રીતે રજૂઆત કરતી રહી. એક નાનકડી જગ્યામાં માત્ર એક જ કલાકાર ચાર-પાંચ ડગલાં આગળ આવે અને પાછળ જાય, સ્વરની તીવ્રતા વધારે ને ઘટાડે, હાથમાંનો મોરપીંછનો ઝૂડો ઊંચો કરે, લંબાવે કે ગોળ ફેરવે – આટલા-માત્રથી એક જીવંત વાતાવરણ સર્જી શકાય તે જોયા સિવાય માની ન શકાય તેવી વાત છે. અમે બધાં લીન થઈને જોતાં સાંભળતાં રહ્યાં.

મધમાખીની રાણી, તેના સેવકો, મધ શોધનારી માખી, પૂડો રચનારી માખી બધું જ આ નાનકડી બાળા વગર અટક્યે બોલતી જાય. વચ્ચેવચ્ચે પાછળવાળાને પૂછતી જાય, ‘મેં સચ બોલું?’ પાછળવાળા એકસાથે કહે, ‘હોવે.’ અને કથા આગળ ચાલે – તબલાં, મંજીરા, પેટી વાગે.

‘ઓ હોવે હે ફૂલાં કી ઘાટી!’ કહીને છોકરીએ જે નાચ કર્યો તે તો હદ બહારની પ્રશંસા મેળવી ગયો. પ્રેક્ષકોએ ઘોંઘાટ કરી મૂકીને શાબાશી આપી. જ્યારે કોઈ સ્થળે મધનો વિશાળ ભંડાર મળે તેવું દેખાય ત્યારે શોધક મધમાખી પાછી મધપૂડા પર આવીને પૂડાની સામે હવામાં થોડે દૂર ઊડીને ખાસ પ્રકારનું નૃત્ય કરે છે. આ એક માખીના નૃત્ય પરથી બાકીની મધમાખીઓને મધ માટેનો પુષ્પભંડાર મધપૂડાથી કઈ દિશામાં અને કેટલો દૂર છે તેની ખબર પડી જાય. આમ, બધી જ શોધક માખીઓની મહેનત આ એક માખી હવામાં નૃત્ય કરીને બચાવી લે. આ આખીયે હકીકતની રજૂઆત આદિવાસી છોકરીએ શરીરનાં હલનચલન, મોટા-નાના અવાજથી બોલતાં વાક્યો અને વચ્ચેવચ્ચે ગેય કથાખંડો દ્વારા તાદૃશ કરી બતાવી.

વચ્ચેવચ્ચે ક્યાંક રામાયણ અને મહાભારતના પ્રસંગો પણ આવતા ગયા. એક વખત તો વચ્ચે હનુમાનજીને પણ રજૂ કરી દીધા. ‘જઈસન લંકા જલાઈ મા’બલીને અપણે પૂંછેસે; અઈસન આગ લગાઉ કિસીકો કાટું તો’ – કહીને ભમ્મરિયા માખી પણ પોતે જ બની.

નાટક પૂરું થયું ત્યારે મધમાખી મોરપીંછનો ઝૂડો ઊંચો કરીને ઓટલાની ધારે આવીને ઊભી. જોવા આવનારા એક પછી એક આવતા ગયા અને કલાકાર સામે મકાઈ, જુવાર – એમ કંઈનું કંઈ મૂકતા ગયા. ભીષણ ગરીબી અને અછત વચ્ચે પણ મફત પંજવાણી જોવાનું કોઈને ન સૂઝ્યું.

ઉતારે પરત આવીને તરત હું ડાયરી લખવા બેઠેલો એથી લક્ષ્મણ સાથે વાત કરવાનું છેક સવારે જ બન્યું. ગઈ કાલ રાતનું તેનું પંજવાણી તેણે ક્યારે અને કેમ તૈયાર કર્યું તે પૂછ્યું.

‘રોજ રાત્રે હું અને માસ્તરસાહેબ નિશાળમાં જ બધી તૈયારીઓ કરાવતા. તમે તો ડાયરી લખતા હો.’ લક્ષ્મણે કહ્યું, ‘અમારે તો તમને વિદાયમાન આપવું હતું એટલે ખાનગી રાખ્યું.’

‘માન તો, લક્ષ્મણ, તને મારે આપવું જોઈએ.’ મેં કહ્યું, ‘તું ન હોત તો મધ-ઉછેર કાર્યક્રમનું મારું સ્વપ્ન અધૂરું રહેત.’

લક્ષ્મણે કંઈ જવાબ ન આપ્યો. ‘માસ્તરસાહેબને મળી આવું’ કહેતો તે ઊઠ્યો. હું પણ બિત્તુબંગાને ઘરે જવા ઊઠ્યો. ત્યાં પહોંચ્યો તો જાણ્યું કે બિત્તુબંગા બાજુના ગામડે કોઈને મળવા ગયા છે. જોગા ઝૂંપડાનો સામાન ગોઠવતી હતી. હું તેની મદદે ગયો.”

15

“પ્રિય લ્યુસી,

આપણે એકબીજાને ભૂલી ગયાં છીએ એવું લાગે એટલા લાંબા સમયથી તને પત્ર નથી લખ્યો. તારા પ્રશ્નો પણ અનુત્તર હતા. એના જવાબ આજ અચાનક મળ્યા એટલે પત્ર લખવા બેસી ગયો.

છેલ્લા કેટલાક મહિનાઓથી અહીં બિત્તુબંગાના ગામમાં છું. આજે તેમના ઘરે જ રોકાવાનો છું. બિત્તુની પત્ની જોગા તેનું નાનકડું ગાર-માટીનું ઘર સાફસૂફ કરતી હતી ત્યાં મેં લાકડાની લાંબી પેટી જોઈ. એ પેટી પર પેલું શ્વાનમંડળઅને વ્યાધ જેવું ચિત્ર કોતરેલું છે. પેટીમાં સુથારીકામનાં, શિલ્પકામનાં અને થોડાં બીજાં ઓજારો છે જે પ્રણાલીગત ઓજારો કરતાં થોડાં જુદી જાતનાં છે.

જોગાને મેં પેટી વિશે પૂછ્યું, તો તેણે કહ્યું કે સાઠસાલી જાતિના આદિવાસીઓ તરફથી આ પેટી નારદીને – બિત્તુની માને દાયજામાં મળેલી. નારદી તો હવે નથી, પણ જોગાએ ઘણી અગત્યની વાત કહી.

ઘણાં વર્ષો પહેલાં નારદી નાની હતી ત્યારે તેણે સાઠસાલી જાતિના એક બાળકને વરુના મુખમાંથી બચાવેલો. તેનાં પાટા-પિંડી કરી અને પોતે જાતે જઈને છોકરાને એનાં માતા-પિતાને સોંપી આવેલી.

તને લાગશે કે એમાં શી નવાઈ? પણ અહીં આ માણસો, જાતિ-જાતિ વચ્ચેના ભેદ, તેમની અંધશ્રદ્ધા અને વહેમોનાં જાળાંમાં એવાં તો ગૂંચવાઈ ગયાં છે કે બીજી જાતિના ઘાયલ બાળકને લઈને તેમની જ વસ્તીમાં સોંપવા જવાની નારદીની હિંમત પ્રશંસાને પાત્ર ગણાય. પુરિયાની વાત તેં વાંચી હશે તો નારદીના સાહસને તું બિરદાવી શકીશ.

આ પ્રસંગથી જ સાઠસાલી આદિવાસીના ડાયાએ નારદીને પોતાની દીકરી બનાવી. વાર-તહેવારે નારદી સાઠસાલીઓ સાથે રહેવા જતી અને નારદીનાં લગ્ન વખતે સાઠસાલીએ આ પેટી તેને ભેટ આપેલી.

જોગા કહે છે કે સાઠસાલીના રિવાજો ઘણા જુદા હોય છે તેવું નારદી તેને કહેતી. મેં જોગાને પૂછ્યું કે આવું ચિત્ર સાઠસાલીઓ કરે છે? તો તેણે કહ્યું, ‘હોવ.’
જોગાને બહુ વિગતે ખબર નથી, પણ નારદીએ તેને કહેલું કે આકાશનો કોઈ તારો સાઠસાલીઓનો દેવ છે. એ તારાનું નામ પણ સાઠસાલી છે અને સાઠસાલીઓનો ડાયો ત્રણ વાર વીસ ગણો એટલી ઉંમરનો થાય ત્યારે એ દેવનો ઉત્સવ કરાવે છે.

લ્યુસી, સાઠસાલી કોઈ અર્થહીન શબ્દ હોવાનું હું માનતો; પણ હવે સમજાય છે કે સાઠ વર્ષના ગાળાને આ જાતિના નામ સાથે ચોક્કસ સંબંધ હોવો જોઈએ. જોગા પાસે પૂરી વિગતો નથી. વધુ પૂછું તો તરત કહે છે, ‘મું નીં જાણું હૂં.’ મતલબ: આઈ ડુ નૉટ નો! હું સાઠસાલીઓનાં જંગલોમાં જવાનો છું ત્યાં જે જાણીશ તે જરૂર તને લખીશ.
મેં આટલું જાણ્યું તે તને લખ્યું છે. બિત્તુબંગાની સર્જનશીલતા સાઠસાલીઓ અને નારદીની દેણ છે તે હવે સમજાય છે. નાનપણથી આ ઓજારો સાથે રમતાં-ખેલતાં તેમની કારીગરી ખીલતી રહી હશે…”

પત્ર પૂરો કરીને હું ઊભો થયો ત્યાં બિત્તુબંગા આવ્યા અને અમે સાથે જમવા બેઠા. જોગાએ જુવારનો લોટ બાફીને તેમાં મધ રેડી આપ્યું.

બપોરે થોડું ઊંઘ્યો અને ચારેક વાગ્યે નિશાળે જઈને ટપાલ આપી. માસ્તર-કમ-પોસ્ટમાસ્તર એવા આચાર્યની બધી જ ટિકિટો વપરાઈ ગઈ. સાંજે જોગાને ત્યાં જ રહ્યો. રાત્રે આદિવાસીઓ ચોકમાં ભેગા થયા અને ગીતો ગવાયાં. રાત્રે લક્ષ્મણને તાવ ચડ્યો એથી અમારું જવાનું મુલતવી રહ્યું. ચાર-પાંચ દિવસ ચાલેલા તાવથી લક્ષ્મણ એટલો અશક્ત થઈ ગયો હતો કે અમે બીજા પાંચેક દિવસ રોકાઈ ગયા.

આજે લક્ષ્મણ આચાર્યને ત્યાં રોકાવાનો-સૂવાનો છે. હું ઉતારા પર’રોકાયો છું. કાલ સવારે વહેલા નીકળી પડીશું.

રાત્રે એકલો પડ્યો ત્યારે મારું મન પણ ઉદાસીથી ભરાઈ આવ્યું. આ બધાથી છૂટા પડવાનું ગમતું ન હતું. સાવ અભણ અને કદરૂપા આ ચહેરાઓએ મારા હૃદયમાં જગ્યા બનાવી લીધી છે. મારો અઢાર વર્ષનો વિદેશવાસ ખોવાવા લાગ્યો છે. તે સિવાય આવી લાગણીઓ મને થાય તે શક્ય ક્યાંથી હોય?

વર્ષો પહેલાં કચ્છથી નીકળવાનું હતું તે વખતે પણ મને આવું જ થતું હતું. એ ગામડું મને ગમતું ન હતું. આમ તો અનેક વખતે મને મુંબઈ ડૅડી પાસે જતા રહેવાનું મન થતું, પણ જ્યારે ખરેખર જવાનું આવ્યું ત્યારે મન કોણ જાણે કેમ ઉદાસ થઈ ગયેલું.

નવમાસિક પરીક્ષા આવી ત્યાં સુધી નિશાળમાં મને ગમતું જ નહિ. ત્યાર પછી તો મને શ્વાસ અને ઉધરસ સાથે તાવ-રહેવા માંડ્યો એટલે નિશાળે જાઉં-ન-જાઉં બધું સરખું.

ખ્રિસ્તી નવા વર્ષના દિવસે તો મને ભૂજ લઈ જવો પડેલો અને દાક્તરે ત્રણ દિવસ દવાખાનામાં પણ રાખેલો. ઘરે પાછો આવ્યો ને નાનીમાએ કહેલું, ‘આ છોકરાને આંય નથ રાખવો. એના બાપ પાસે મૂક્યાવો. પારકો છોકરો ને એકનો એક.’ આ તેમનો આખરી નિર્ણય હોવા વિશે કોઈને શંકા ન હતી.

આ સાંભળીને હું રાજી થવાને બદલે ઉદાસ થઈ ગયો. રેણુ, ચંદરામાશી, મામી અને ઉમેશ – બધાંનાં મોં પડી ગયેલાં લાગ્યાં. મારા જવાથી ઘરનો એક સભ્ય ઓછો થવાનો હોય તેમ હું ગયા પછી પોતાને કેવું લાગશે – તેવી વાતો થતી.

અત્યારે એ વાત યાદ આવે છે તો મને ગણેશ શાસ્ત્રીની ‘જોવા અને સમજવા’ની સલાહ પણ સાંભરે છે. નાનપણે નાનીમાના ઘરને હું મારું જ માનતો. એવા જ અધિકાર સહિત ત્યાં રહેતો. હવે નવા સંસ્કારની નજરે જોઉં તો હું તો ત્યાં આશ્રિત હતો. પછીથી જે સમાજમાં હું રહ્યો, ભણ્યો અને મોટો થયો ત્યાં નાનીમાના ઘર જેવી વ્યવસ્થા શક્ય છે કે નહિ તે વિચારું છું તો લાગે છે કે પશ્ચિમમાં પણ દયા, માયા, પ્રેમ – આ બધું જ છે, છતાં ઘરમાં કોઈ આશ્રિતને રાખવામાં આવે તો મને નાનીમાના કુટુંબે રાખેલો તેમ રખાય? મારું તો ઠીક, હું તો નાનીમાની દીકરીનું સંતાન હતો, પણ મારા ગયા પછી દયામામી અને ભદો-ભદી નાનીમાને ત્યાં રહ્યાં જ હશે ને! મને ખાતરી છે કે તે બધાં પણ એ જ સ્વાભાવિકતાથી સચવાઈ ગયાં હશે જે રીતે હું સચવાયો હતો. નાનીમા પોતે જઈને તેમને પોતાને ત્યાં લઈ આવ્યાં હશે અને બીજી પળથી જ તેઓ નાનીમાના કુટુંબનાં સભ્યો બનીને રહેવા મંડ્યા હશે, કારણ કે એ દહાડે નાનીએ પોતે જ રમુમામાને કહેલું કે દયામામીને ને ભદા-ભદીને તે પોતાને ઘરે રાખશે.
મકરસંક્રાંતનો તહેવાર આવતો હતો. અમે બધાં મામી સાથે તેમને ગામ જવાનાં હતાં. રામ આતાને ગાડે ચડીને જવાનું એટલે રસ્તામાં કેવી મજા કરીશું, ક્યાં ભાતું કરીશું, આવી બધી વાતો કરતાં અમે બે-ત્રણ દિવસ અગાઉથી મસ્તીમાં હતાં. ઉમેશ કહેતો, ‘ભાયડા તો બાપુ હારે હાલવાનાં.’ મહેશમામા રામ આતાની હાજરીમાં મામી સાથે ગાડામાં બેસી ન શકે એથી તે ગાડા પાછળ ચાલતા જવાના હતા. મુંબઈ જતાં પહેલાં આ મારી છેલ્લીછેલ્લી મજા બનવાની હતી.

પણ હું જઈ ન શક્યો. જવાની આગલી રાતથી મને શરદી અને શ્વાસ. બધાં ગયાં. હું, નાનીમા, ઓસડિયાંના ઉકાળા અને દવાનાં ચાટણ આટલાં ઘરે રહ્યાં. દેવતાનાના તો હતા જ. એ વળી ક્યાં જવાના?

છેક બીજે દિવસે સવારે મારો શ્વાસ બેઠો. ઊઠીને થોડું જમ્યો અને તડકામાં થાંભલીને અઢેલીને ઉદાસ બેઠો. નાનીમા વાસણ ઊટકવા બેઠાં. એટલી વારમાં ડેલી ઉઘાડતાંકને દયામામી ફળીમાં આવ્યાં. મને પૂછ્યું, ‘તારા મહેશમામા છે ધીરે?’

‘ના, ઈ તો ગ્યા મામીને મૂકવા.’ મારા બોલવામાં થોડી ત્યાંની ઢબ આવી ગઈ હતી.

નાનીમા ‘શું છે દયા?’ કહેતાં ઊઠ્યાં. તેઓ આગળ કંઈ પૂછે તે પહેલાં દયામામી રડી પડ્યાં, ‘તમારા દીકરાને જરાય સારું નથ્ય, બા! તમીં હાલો!’

‘તે તું શું લેવા આવી? ભદિયાને મોકલવો’તો ને?’ નાનીમા સાડલાના છેડેથી હાથ કોરા કરતાં બોલ્યાં અને પગરખાંમાં પગ નાખ્યો.

‘ઈને મોઈકલ્યો વૈદને લેવા ને હું આંય તમને બોલાવા આવી. ભદીને ઈના બાપ પાંહે બેહારી છ.’

રમણીકમામા વાર-તહેવારે કે દવાચાટણ લેવા ઘણી વાર નાની પાસે આવતા. મહેશમામાના ગોઠિયા. કથા-વાર્તામાં પણ ક્યારેક રમુમામા મહેશમામા સાથે જતા. અમારા ગામથી થોડે દૂર એમનું ગામ.

‘તે તું હાલતી આવી છો?’ નાનીમાએ પૂછ્યું અને રસોડાની સાંકળ ચડાવી.

‘શું કરું બીજું?’ દયામામી બોલ્યાં, ‘ગાડાં તો વીયાં ગ્યાં’તાં.’

‘કાંય વાંધો નંઈ.’ નાની ઝપાટાભેર કપડાંની પોટલી બાંધીને દેવતાનાના પાસે ગયાં, ‘હું જાઉં છું. રમુને ઠીક નથી. તમે હવેલીએથી મોકલે ઈ ખાઈ લેજો. ભૂખ્યા નોં રે’તા. હું હવેલીએ ખબર કરતી જાઉં છું.’

દેવતાનાના માટે જવાબ આપવા જેવું તો કંઈ હતું નહિ. તે મૂંગા રહી નાનીમા સામે જોઈ રહ્યા.

‘ભાણા, ઊભો થા. હાલ ભેગો.’ કહી નાનીમાએ મને સાથે લઈને ચાલવા માંડ્યું. હવેલીએ સંદેશો આપીને પાદર પહોંચતાં જ ભરવાડનું ઊંટગાડું જોડાવરાવ્યું. લગભગ અડધા-પોણા કલાકે અમે દયામામીને ગામ પહોંચ્યાં. વૈદ્ય આવી ગયા હતા. ભદિયો રમુમામાના ખાટલા પાસે બેઠો હતો.

‘કેમ છે, વૈદ્યરાજ?’ નાનીમાએ પૂછ્યું.

‘તમારી જરૂર છે.’ વૈદ્યે કહ્યું. હું કંઈ સમજ્યો નહિ. બારણે ટેકો દઈને ઊભો રહ્યો.

‘રમણીક!’ નાનીમાએ ખાટલા પાસે બેસતાં પૂછ્યું, ‘કાંઈ કે’વું છે, ભાઈ?’

જવાબમાં રમુમામા તરત તો કંઈ બોલ્યા નહિ. થોડી વારે રડતા હોય તેવા અવાજે કહ્યું, ‘મારાં છોકરાં…’

‘છોકરાંની ચિંતા કર મા. હું બાર વરહની બેઠી છું.’ નાનીમાએ કહ્યું.

રમણીકમામા થોડી વાર શાંત પડ્યા રહ્યા, પછી ફરી બોલી ઊઠ્યા, ‘હે ભગવાન, શું થશે?’

‘કાંય થવાનું નથ્ય.’ નાનીમાએ તાણેલા અવાજે કહ્યું અને ઉમેર્યું, ‘જીવને કકળાવ મા. લે પાણી મૂક્યું. તારાં ભદો ને ભદીને મારાં નાનિયા ને રેણુની હારોહાર ગણીશ, ને દયાને મારી ચંદરા ગણીને સાચવીશ. પણ તનેય કાંય થવાનું નથ. ચિંતા છોડ ને સાજા થવાનો વિચાર કર. આ વૈદ તારી દવા કરે છે ને? પછી શું છે?’

થોડી વારે વૈદ્યે રમુમામાને ફરી કંઈક ચાટણ ચટાડ્યું. નાનીમા બહાર નીકળીને ક્યાંક ગયાં. થોડી વારે પાછાં આવ્યાં ત્યારે કોઈ અજાણ્યાં બહેન તેમની સાથે હતાં. તે બહેન મને પોતાના ઘરે લઈ ગયાં. બીજે દિવસે મામા-મામી આવીને મને ઘરે લઈ ગયાં. ઘણા દિવસો ગયા તોયે નાનીમા હજી રમુમામાને ત્યાંથી આવ્યાં ન હતાં ને ડૅડી આવીને મને લઈ ગયા. ત્યાર પછી મેં નાનીમાને ક્યારેય જોયાં નથી.

કેટલાં વર્ષો વહી ગયાં એ વાતને! આ અરણ્યોની તારામઢી ઠંડી રાતે આદિવાસીઓની ઝૂંપડીઓ વચ્ચે એકલો બેસીને એ બધું સંભારું છું.

કુટુંબપ્રથામાં રહેલી પરસ્પરની લાગણી, આ માયા, આ લગાવ કદાચ આખા દેશને એકતાંતણે બાંધી રાખતી પેલી છૂપી કડી તો નહિ હોય? – મારા મનમાં પ્રશ્ન ઝબકીને શમી ગયો…”

– ધ્રુવ ભટ્ટ

તત્ત્વમસિ – પ્રાકકથન

તત્ત્વમસિ – ૧

તત્ત્વમસિ – ૨

તત્ત્વમસિ – ૩

તત્ત્વમસિ – ૪

તત્ત્વમસિ – ૫

તત્ત્વમસિ – ૬

તત્ત્વમસિ – ૭

તત્ત્વમસિ – ૮

તત્ત્વમસિ – ૯

તત્ત્વમસિ – ૧૦

તત્ત્વમસિ – ૧૧

આપનો પ્રતિભાવ આપો....