તત્ત્વમસિ : ૯ – ધ્રુવ ભટ્ટ (ઈ-પુસ્તક) 18
‘લે, ખાઈ લે.’ કોઈ સાવ નજીકથી બોલ્યું. તાજી મકાઈનો એક ડોડો મારા હાથમાં અપાયો. આંખો ખોલીને મેં ઝાંખાં દૃશ્યો વચ્ચે તેને જોઈ – ઘાઘરીપોલકું પહેરેલી નાનકડીબાળા. ‘લે, ખાઈ લે.’ ફરીથી તેણે કહ્યું.
મેં મકાઈનો એક દાણો ઉખેડી મોંમાં મૂકતાં તેને પૂછ્યું, ‘તું કોણ છે, મા?’
ઓળખ પુછાય ત્યારે ઉત્તર આપવાની અમને આજ્ઞા નથી હોતી. પોતાના મનમાં ઊઠેલા કેટલાક પ્રશ્નોના ઉત્તર માનવીને શ્રદ્ધા કે પ્રજ્ઞા થકી જ શોધવાના હોય છે. છતાં ક્યારેક કોઈકની જીદનો સ્વીકાર કરવો પણ ઉચિત હોય છે.
બ્રહ્માંડને બીજે છેડેથી આવતા હોય તેવા ઝાંખા પણ દિશાઓને ભરી દેતા નાદ સમા શબ્દો સમગ્ર વાતાવરણમાં પડઘાયા: ‘…રે..વા…!’