મારો હાથ પકડો, હે વહાલા પ્રભુ (પ્રાર્થના ઈતિહાસ) – જીગ્નેશ અધ્યારૂ 8


ઓગસ્ટ ૧૯૩૨માં થોમસડોર્સી (૧૮૯૯૧૯૯૩) એ આ ગોસ્ફેલ ગીત ( ખ્રિસ્તિઓનું પ્રાર્થના ગીત) લખ્યું હતું. આ ગીતને અત્યાર સુધીના ગોસ્ફેલ ગીતોમાં સહુથી મહાન સર્જનોમાંનું એક માનવામાં આવે છે. વિશ્વભરના લોકો તે ગાય છે, જાણે છે અને પ્રેમ કરે છે કારણ છે તેનો ઉંડો સંદેશ, શાંતિનો, આશાનો અને શ્રધ્ધાનો. યુવાન આફ્રીકન અમેરીકન પિયાનીસ્ટ વડે લખાયેલું આ ગીત માર્ટીન લ્યૂથર કીંગને ખૂબ ગમતું અને તેમનું અંતિમ વાક્ય પણ એ જ હતું કે આ ગીત તેમના મરણોપરાંત વગાડવામાં આવે અને તેમની એ ઈચ્છા મુજબ મહાલીયા જેક્સને એપ્રિલ ૧૯૬૮માં તેમની અંતિમ વિધિમાં આ ગીત ગાયું હતું.

૧૯૨૫માં ડોર્સી ના લગ્ન નેટલી હાર્પર સાથે થયા હતાં, લગ્નના એક વર્ષ પછી તેને નર્વસ બ્રેકડાઉન થયું અને તે બે વર્ષ સુધી કોઈ પણ કાર્ય કરવા અસમર્થ હતો. તેની પત્ની તેને મદદ કરવા કપડા ધોવાનું કાર્ય કરતી. તેની સાળીના કહેવાથી ડોર્સીએ ચર્ચમાં ગીતો ગાવાનું શરૂ કર્યુ અને ત્યાં તેને આધ્યાત્મિક આનંદ મળવા માંડ્યો. તેને આંતરીક શાંતિના અનુભવો થવા લાગ્યા હતાં. ૧૯૩૨માં તેણે શિકાગોના પિલગીમ બાપ્ટીસ્ટ ચર્ચના દિગ્દર્શક ગીતકાર તરીકેનું કામ સ્વીકાર્યું. એક ખૂબ મોટા મેળાવડામાં તેણે ગાવાનું હતું. તેની પત્ની ગર્ભવતી હતી. તેણે પત્નીના કપાળે ચુંબન કર્યું અને મેળાવડામાં ગાવા માટે જવા નીકળ્યો. ગીત હજી પૂરું જ થયું હતું ત્યારે તેને ખબર મળી કે તેની પત્નીનું પુત્રને જન્મ આપતા મૃત્યુ થયું છે. તે રડી પડ્યો, લોકોને લાગ્યું કે તે ખુશીના આંસુ છે…

તે દોડતો ઘરે આવ્યો અને બાળકને ખોળામાં લઈ લીધો, ખુશી અને દુઃખ વચ્ચે તે ઝુલતો હતો. પણ તે રાત્રે તે બાળક પણ મરી ગયું. ડોર્સી ભાંગી પડ્યો, અને તે પછી જગતથી અલગ થઈ ગયો. તે માનવા લાગ્યો કે પ્રભુએ તેને અન્યાય કર્યો છે અને તેથી તેનો ગોસ્ફેલ ગીતો લખવામાંથી રસ ઉડી ગયો.

આ જ વખતે એક મિત્રે તેને એક પીયાનો સાથે એક રૂમમાં રહેવાની સગવડ કરી આપી અને એક દિવસે તેને પીયાનો પર આંગળીઓ ફેરવતા ફેરવતા શાંતિનો અહેસાસ થયો, તેને લાગ્યું કે તે પ્રભુ સાથે તાદાત્મ્ય સાધી રહ્યો છે. તેના શબ્દો નીકળી પડ્યા ” Precious lord, take my hand…”

પછી આ ગીત ખૂબ મોટું થઈ ગયું. આફ્રીકન અમેરીકન વર્ગમાં તે ખૂબ પ્રિય બન્યું અને તેના ગાયકો વધ્યા, ૪૦ ભાષામાં તેના અનુવાદો થયા છે. આજે પણ આ ગીત એ જ શાશ્વત સંદેશ આપે છે.

*****

હે વહાલા પ્રભુ, મારો હાથ પકડજો,

મને આગળ વધારજો, મને ઉભો થવાની શક્તિ આપજો,

હું થાક્યો છું, હું નબળો પડ્યો છું, ખૂબ ઝખ્મી થયો છું.

(જીવનનાં) આ ભયંકર તોફાનમાં, ઘોર અંધારી રાતો માં,

મને (શાશ્વત) જ્યોતિ તરફ લઈ જાવ,

મારો હાથ પકડો, હે વહાલા પ્રભુ,

મને ઘર તરફ લઈ જાવ.

   

મારા રસ્તા જ્યારે સૂના થઈ જાય

મારી સાથે રહેજો, હે પ્રભુ.

(જીવન) જ્યોતિ જ્યારે હોલવાઈ જવાની છે,

મારો પોકાર સાંભળો, મારું રુદન સાંભળો,

હું પડુ નહીં તે માટે પણ મને સહારો આપો,

મારો હાથ પકડો, હે વહાલા પ્રભુ,

મને ઘર તરફ લઈ જાવ.

     

અંધકાર જ્યારે ચોતરફ ઘેરાઈ જાય,

ને (કાળ) રાત્રી નજીક આવતી જાય,

(સુખના) દિવસો જ્યારે અસ્ત થવા લાગે ત્યારે

(ભવ)સાગરમાં મને રસ્તો દેખાડો પ્રભુ,

મારો હાથ પકડો, હે વહાલા પ્રભુ,

મને ઘર તરફ લઈ જાવ.

   

હે વહાલા પ્રભુ, મારો હાથ પકડજો,

મને આગળ વધારજો, મને ઉભો થવાની શક્તિ આપજો,

હું થાક્યો છું, હું નબળો પડ્યો છું, ખૂબ ઝખ્મી થયો છું.

(જીવનનાં) આ ભયંકર તોફાનમાં, ઘોર અંધારી રાતો માં,

મને (શાશ્વત) જ્યોતિ તરફ લઈ જાવ,

મારો હાથ પકડો, હે વહાલા પ્રભુ,

મને ઘર તરફ લઈ જાવ.

   –  ભાવાનુવાદ – જીગ્નેશ અધ્યારૂ

*****

The Original

Precious Lord, take my hand
Lead me on, let me stand
I am tired, I am weak, I am worn
Through the storm, through the night
Lead me on to the light
Take my hand precious Lord, lead me home

When my way grows drear
Precious Lord linger near
When my light is almost gone
Hear my cry, hear my call
Hold my hand lest I fall
Take my hand precious Lord, lead me home

When the darkness appears
And the night draws near
And the day is past and gone
At the river I stand
Guide my feet, hold my hand
Take my hand precious Lord, lead me home

Precious Lord, take my hand
Lead me on, let me stand
I’m tired, I’m weak, I’m lone
Through the storm, through the night
Lead me on to the light
Take my hand precious Lord, lead me home

 – Rev. Thomas A. Dorsey (1899-1993), melody by George N. Allen (1812-1877).


આપનો પ્રતિભાવ આપો....

8 thoughts on “મારો હાથ પકડો, હે વહાલા પ્રભુ (પ્રાર્થના ઈતિહાસ) – જીગ્નેશ અધ્યારૂ