ગુજરાતનો શ્રેષ્ઠ કવિવર – ક. મા. મુનશી (હાસ્યલેખ) 4


થોડા દિવસ પર નવસારીથી હું મુંબઈ આવતો હતો. ભોગજોગે મને એકાંત ડબ્બો મળ્યો; એટલે મેં નિરાંતે સૂવાનો વિચાર કર્યો. માથા નીચે પોટલી મૂકી. બગાસું ખાઈ, પગ પસારવાની તૈયારી કરી. એટલામાં વલસાડ આવ્યું અને એક સૂક્કો, જરા આધેડ વયનો, જરા બાંયોથી થીંગડાવાળો કોટ પહેરેલો અને ફોકસ બહાર ગયેલાં ચશ્માંથી સુશોભિત ગૃહસ્થ ગાડીમાં આવ્યો.

પહેલાં તો મેં તેની દરકાર કરી નહીં; પણ તેનો વિચાર અજાણ્યા રહેવાનો હતો નહીં. તે બીજે ખૂણે બેઠો. ખાંસી ખાધી, તપખીર સૂંઘી પાન કરવા લાગ્યો. આંખ પર ચશ્માં ગોઠવ્યાં અને બોલ્યો – “કેમ મિસ્તર ! ક્યાં રહેવું?”

“મુંબઈ’ મેં કહ્યું અને મૂંગો રહ્યો.

આગલી રાતે ચાર-પાંચ દોસ્તો જોડે મોડે સુધી જાગ્યો હતો એટલે આંખો ઘેરાવા લાગી હતી; પણ મારા સાથીની જીભને કળ વળે એમ નહોતું. તેણે પહેલાં એક ચોપડી કાઢી અને કંઈ ગણગણવા માંડ્યું. મેં સૂતાં સૂતાં જરા ઊંચા થઈને જોયું તો ‘કલાપીનો કેકારવ’ દેખાયો.

હવે સાચું પૂછો તો હું જરા કવિઓનો ભક્ત છું. સાક્અર થવાનો આકાંક્ષી છું, એટલે મારા અંતરનો સાક્ષરી કીડો જરા સળવળી ઉઠ્યો. મને આ રસિક પુરૂષની ઓળખાણ કરવાનું મન થયું; પણ એટલામાં તેમણે એક નોટબુક કાઢી અને ઝપાટાબંધ કંઈ લખ્યું. પછી પોટલીમાંથી બીજી ચોપડી કાઢી પાછું કંઈ ગણગણવા માંડ્યું.

મેં જરા નજર કરી જોયું તો રા. નરસિંહરાવનો ‘નૂપુરઝંકાર’ – શું કહું ? – સંભળાયો કે દેખાયો ? – દેખાયો. પછી પાછું એણે કંઈ લખ્યું, અને તરત દરમ્યાનમાં કાવ્યો કાઢી ગણગણવા માંડ્યું. હું જરા દિંગ થઈ ગયો – ગુપ્ત સાક્ષરરત્ન મારે સદભાગ્યે મારો સાથ કરી રહ્યું છે તે પારખવા એકપગે થઈ રહ્યો; એટલે કે હું સૂતેલો હતો તે બેઠો થઈ ગયો, અને સામે બેઠેલી વ્યક્તિની મુખરેખામાં કંઈ અણદીઠી ભવ્યતા, કંઈ અણસૂઝતી રસિકતા ખાળવા માંડી.

આપ ક્યાં જાઓ છો ?” મેં ડરતા ડરતાં પૂછ્યું. મેં હજુ આવા કવિવરોને કોઈ વખત જોયા નહોતા એટલે આ કયો મહા સાક્ષર – ગુર્જરગિરાનો કયો લાડકવાયો હશે તે વિચારતાં મારા ક્ષોભની સીમા રહી નહીં.

“મુંબઈ” આંખો ઉંચી કર્યા વિના, ચટપટ નોટમાં લખતાં મારા સાથીએ કહ્યું.

“આપ ક્યાં ઉતરવાના છો?”

ડાબો હાથ ચેતવણી દેવા ઉંચો કરી લેખકે મને થંભાવ્યો. સરસ્વતીનો કંઈ પ્રસાદ તેની કલમની અણીમાંથી ઉતરતા અટકી જાય તેવે ભયે, મેં આકાંક્ષા દાબી જીભ પકડી, તે લખી રહ્યો – નોટ ઉંચી કરી – ચશ્મા ઠીક કર્યા અને મારા તરફ ફર્યો.

“બોલો મિસ્તર, માફ કરજો, શું પૂછતા હતા?”

“જી એટલું જ કે આપ કોઈ લેખક છો?”

“જરા જરા પ્રભુપ્રસાદથી સરસ્વતીની સેવા બજાવું છું.”

અહાહા ! શી ઉતમ નમ્રતા – તેમની આંખોમાં શું અનેરું તેજ ! આપ કવિતા લખો છો?

“થોડી ઘણી, અવારનવાર” જરા મોં મલકાવી, બે ત્રણ ખૂટતા દાંતો સિવાયની દ્રઢ દંતાવલિ દેખાડતાં કવિએ કહ્યું. મારી ઉત્કંઠા વધી. શો લાભદાયક તર્ક ! શો વાર્તાલાપનો રસદાયી પ્રસંગ ! શો આત્મોન્નતિ પ્રાપ્ત કરવાનો સરળ માર્ગ ! મારી છાતી ઉછળી રહી.

“આપ કલાપી વિશે શું ધારો છો ?” મેં હિંમત રાખી વાત શરૂ કરવા માંડી. મારા સાથીનું નસકોરુ જરા ચડ્યું. નાની આંખોમાં તિરસ્કારના કિરણો ફૂટવાં લાગ્યાં, “ઠીક છે, ખોટો નથી.”

“ત્યારે રા. નરસિંહરાવ કેમ છે?”

“ઠીક ઠીક”

“ત્યારે આપ રા. નાનાલાલની નવી પ્રણાલિકા પસંદ કરતા હશો.”

“બધાં ઠીક છે, પણ પૂરો એકે નહીં.”

“હેં !” મારો પિત્તો ઉકળી આવ્યો. શું આટલો બધો તિરસ્કાર ! મારા મનની લાગણી ડગમગવા લાગી. “ત્યારે તમે પૂરો શ્રેષ્ઠ કોને કહો છો ?”

“એ સવાલ જરા અંગત છે.”

“કેમ ?”

“શ્રેષ્ઠતા તમે કોને કહો છો? એક જાતની ટેવ પડી જાય એટલે તે પ્રમાણે ધસઘસ કરવું તેનું નામ શ્રેષ્ઠતા ? પચ્ચાસ વર્ષે એક રીતે લખ્યા કરી સારા કહેવરાવવું તેમાં વડાઈ શી? એ તો રસ્તાનો ચાલનાર પણ કરે.”

મારા સાથીની વાત મારે ગળે ઉતરી, તેની બુદ્ધિ માટે માન વધ્યું, પાછા નમ્ર બની હું પૂછવા બેઠો, “પણ ત્યારે આપ શ્રેષ્ઠ કોને ગણો છો?”

“કવિમાં શ્રેષ્ઠતા નક્કી કરવી એ કઠણ કામ છે; પણ ખરો કવિ તો ત્યારે કહેવાય કે દરેક કવિતાની પદ્ધતિમાં એક્કો ગણાય. દરેક રસ એક જ રીતની સરળતાથી ઊભરાવે, દરેક ખૂબીને કલમની અણી પર ધારે.”

“ખરું” વિદ્વત્તાના દરિયામાં ડૂબકાં ખાતાં મેં કહ્યું, “પણ આપે મારા સવાલનો જવાબ ન આપ્યો.”

“નથી આપતો, કારણ કે જવાબ આપતા શરમાઉં છું.” મારા સાથીના કરચલીવાળા મોં પર શરમના શેરડા પડ્યા. મને કંઈ સમજ પડી. ગુજરાતના કોઈ કવિશિરોમણિ તો મારી સમક્ષ નહીં બેઠા હોય ?

“ના ! ના ! કહો તો ખરા?”

“શું કહું ? જુઓ, કલાપી મોટો કવિ છે, નહીં? પણ ધારો કે કોઈ કલાપી જેવી પણ કવિતા લખે અને સાથે રા. નાનાલાલ જેવી પણ લખી શકે તો કવિ બંનેથી શ્રેષ્ઠ ખરો કે નહીં?”

“જરૂર” ડોકું ધુણાવી મેં કહ્યું.

“વારુ, ત્યારે તેની સાથે તે માણસ દયારામની ગરબીઓને શરમાવે એવી ગરબીઓ લખતો હોય તો ?”

“તે તો વળી તેથીય શ્રેષ્ઠ.”

“આને સાથે પ્રેમાનંદની પણ લઢણ આવે ત્યારે ?”

“ત્યારે પૂછવું જ શું ? પણ ક્યાંથી લાવવો એવો કવિવર ?”

“સેવક આ રહ્યો” જરા મોટાઈના ગર્વમાં શરમની નરમાશમાં કવિરાજે કહ્યું.

“હેં !” કહી હું ઉભો થઈ ગયો. આ કોણ ? આ રા. નરસિંહરાવ કે રા. મણિશંકર કે કોઈ છૂપું સંતાતું ફરતું રત્ન ?

“હા જી, આ સેવક, આ બધું હું કરી શકું છું. અને તેથી જ મારી જાતને હું નમ્રતાપૂર્વક શ્રેષ્ઠ કવિવર માનું છું. એટલું જ નહીં, પણ આમાંથી કોઈ પણ કવિઓના જેવી કવિતા બનાવતા સહેલાઈથી શીખવી શકું છું.”

“શું ખરી વાત ?” અચંબાના દરિયાવમાં ગોથાં ખાતાં મેં પૂછ્યું, “આપ ક્યાં લખો છો?”

“ક્યાં? બધે. દરેક માસિકમાં, દરેક સાપ્તાહિકમાં, દરેક દૈનિકમાં, દરેક જ્ઞાતિપત્રમાં જુદાં જુદાં તખલ્લુસથી.”

“પણ આપનું નામ મેં સાંભળ્યું નથી એ અજાયબ જેવું છે.”

“કારણ કે હું સર્વવ્યાપી છું, મારા મિત્રો મને અવારનવાર ઑર્ડરો લખી મોકલે છે, અને જોઈતી શૈલીમાં કવિતા લખવાની મેં નિશાળ કાઢી છે.”

“ક્યાં?”

“હું તો નિશાળ પત્રવ્યવહારથી જ ચલાવું છું. અને કવિતા લખવાનું શાસ્ત્ર મેં એવું નિયમસર અને સાયન્ટિફિક પાયા પર મૂક્યું છે, કે પંદર દિવસની મહેનતથી ગમે તેવો ગધેડો પણ સારામાં સારી ગુજરાતી કવિતા લખી શકે છે.”

હું આશાસાગરના ઉંચામાં ઉંચા મોજા પર જઈને પડ્યો. કલ્પનાશક્તિના ઘોડા ચારે પગે ઉપડ્યા. આ મહાત્મા પાસે કવિતા કરવાનો મંત્ર શીખી કવિ બનું, ગામોગામ મશહૂર થાઉં, ભવિષ્યની પ્રજાને માથે ઉપકારનો બોજો નાંખું. ભવિષ્યના વિવેચકોને આ કાવ્ય મારું છે કે મારા કાકાનું વગેરે પ્રશ્નોમાં અહોનિશ ગરકાવ રાખું ! પણ એક સંશય રહ્યો.

“પણ કવિતા કરવી એ તો ઈશ્વરની બક્ષિસ એ; પછી દરેક માણસ કેમ લખી શકે ?”

“ભલા ભગવાન ! એ તો અસલી વિચાર, આ તો સાયન્સના દિવસો છે. હાલની લડાઈએ બધી દુનિયાને તેની સીધી રેલ પર ચડાવી દીધી – સિસ્ટમ સિસ્ટમ ! ઈશ્વરની બક્ષિસ એ તો મૂર્ખાઓનાં સ્વપ્નાં, બધાને સિસ્ટમ લગાડો તો ઈશ્વરના માટે સ્થાન જ ક્યાં એ?”

હું ખુશ થયો. વાત મને કંઈક ઠીક લાગી.

“વારુ ! ત્યારે આપ મને કંઈ બે બોલ કહેશો ? હું પણ કવિ થવાની આશા ધરાવું છું. ગુર્જરગિરાની ચાકરી કરવા હોંશીલો છું.”

“ઠીક ! પહેલી ટેવ પાડવી હોય તો નાટકના ગાયન લેવાં અને તેના જેવાં લખવાં. હાલ આપણો રસ ઘણો વિકાસ પામ્યો છે, એટલે ગદ્ય જેવું પદ્ય લખવું એમાં જ મોટાઈ છે. તેમાં નાટ્યશાસ્ત્ર સુધારવાના ભગીરથ પ્રયત્નો ચાલી રહ્યાં છે અને બે પાત્રો વારાફરતી લીટીઓ બોલે એટલે માત્રાબાત્રાની પરવા રહેતી નથી. દાખલા તરીકે નીચેનો સંવાદ તેર વખત ‘વન્સમોર’ થઈ મુંબઈની રસિક અને રસજ્ઞ પ્રજાને પ્રિય થઈ પડ્યો છે, તે મારો લખેલો છે.”

“તમે કોણ છો?”

“હું રાણી”

“તમારું શું નામ – કેવું છે તમારું કામ – ક્યાંથી આવ્યા આ ધામ ! -“

“હું આવી – પ્રીતી લાવી – તમ મન ભાવી – વાહ ! વાહ ! આહા ! આહા ! આહા!”

“હવે અહીંઆં વાહ અને આહાનો પ્રયોગ જોનો અને તેની ઝમકની કદર કરજો. શું સુંદર લાગે છે ?”

મેં ડોકું ધૂણાવ્યું, “વારું પછી ?”

“હવે જાણે આ પહેલું પગથીયું. પછી આજકાલ દોહરા ચોપાઈ તો જૂનાં થઈ ગયાં એ; પણ કોઈ એક એવો સહેલો છંદ લેવો; કેટલાક ઊગતા કવિવરો હરિગીત વધારે પસંદ કરે છે કારણકે વાત વાતમાં પણ તે બનાવી શકાય છે.”

“બેઠો હતો હું, તે જ વખતે વાત ત્યાં એવી થઈ.”

“જરા જરા હરિગીતો બે ચાર મોઢે કરી તેનો લય મગજમાં આવશે એટલે પછી બધું સહેલું લાગશે.”

“પણ વિષય ક્યાંથી લાવવો?”

“શી ગાંડી વાત કરો છો? હજુ તમે ઘણાં જૂના વિચારના છો, આજકાલ તો સ્વાભાવિકતા જોઈએ. મહાકવિ વર્ડ્ઝવર્થના પ્રતાપ છે. જેમ પ્રસંગ નિર્જીવ તેમ કવિતા વધારે સુંદર, અને વિષયશૂન્યતા હોય તે તો શ્રેષ્ઠ છે; પણ શરૂઆતમાં તે લાવવી અઘરી પડશે. “ત્રાટિકા” ત્રૈમાસિકમાં મારો ફીફવાં (વાંદા) નું હરિગીત જગવિખ્યાત છે.”

મને શરમ આવી. શું આવી જગવિખ્યાત વસ્તુથી પણ હું અજ્ઞાત છું ? ધિક્કાર પડ્યો મારા ભણતરને અને જીવતરને.

“તેની પહેલી લીટી આમ હતી – સૂતો હતો શય્યામહિં, ત્યાં આવિયું એક ફીફલું.

સ્ટેટના નામદાર મહારાજાએ તો નોકરોને સંબોધવા આ કાવ્ય મોંએ રાખ્યું છે.”

“હશે, પછી ?”

“હવે આપણે મોટા કવિઓ તરફ વળીએ. આવાં હરિગીત બનાવતાં આવડ્યાં એટલે તમે કવિતાશાસ્ત્રમાં ગ્રેજ્યુએટ થયા. પછી કલાપી લો. એવું લખવું હોય તો ઘરમાં ફોઈની સાથે લડીને બેસો તો વધારે સારું. હમેશા જુદાજુદા કવિઓના ખાસ શબ્દો હોય તેની એક નોટબુક રાખવી, કે તેવાં કાવ્ય લખતી વખતે શબ્દો સારી રીતે વાપરી શકાય. કલાપીના શબ્દોમાં જુઓ – ઈશ્ક, દિલ, જિગરમ સ્મરણ, રડવું, આંસુ વગેરે ઘણી વખત આવે છે. લખતી વખતે આ શબ્દો બે ચાર વાર વાંચવા, અને બને તો ગઝલ જમાવવી. અને કલાપી એવો છે કે પા કલાક વાંચો કે તેના જેવું લખવાની ધૂન લાગે.

‘અરે મારા હ્રદય પ્યારા, રહે તું બાપુ ! રહે છાનું.’

શું આ લીટીમાં કેકારવના પડઘા રહ્યા છે ખરા કની? અને કલાપીની ઢબમાં લખવાને વિષય આપવો નથી પડતો. ‘ઈશ્ક’ અને ‘પ્રિયા’ બેને પકડી રાખ્યાં, કે બેડો પાર. બધા વિષયો ઘરડા થાય છે, આ વિષય કોઈ દિવસ થયો છે?”

“નહીસ્તો, તેમ નહીં હોય તો કવિઓનો રોજગાર ક્યાં રહે?”

“બરાબર છે, શું સ્ટેશન આવ્યું ? વાંદરા, હજુ ઘણો વખત છે. ઉભા રહો, હું જરા બીડી ચેતાવી લઉં”, કહી કવિરાજે વાત કરવા માંડી – “જુઓ, હવે આધુનિક કાવ્યો તરફ ફરીએ, લલિતની શૈલીમાં મારી પૂર્ણતા અદભુત છે. લાલિત્ય એ મારી ખાસ મિલકત છે. અરે, તેની હાલની ખૂબી કંઈ ન્યારી જ છે. એક જ શબ્દને આમતેમ ગોઠવી જે કાવ્યમયતા લલિતનાં કાવ્યો પ્રસારે છે તેની બરોબરી કોણ કરી શકે તેમ છે ? તેમાં હમણાં એ રીત પૂર્ણતાએ પામી છે અને ખાસ કરીને જ માસિક પત્રોમાં લેખો નહીં હોય અને પાનાં વધુ દેખાડવાં હોય તેને બહુ રુચિકર લાગે છે, કારણકે કાવ્યની એક પણ લીટી ત્રણ શબ્દોથી વધતી નથી. એક શબ્દ લો; ‘દુખ્યું’, હવે આપણે કાવ્ય કરીએ –

‘હા – આ દુખ્યું
શું શું દુખ્યું ?
મુજ મન દુખ્યું.’

નહીં તો નાટકનો રાગ લો – ધારો કે ગોવિંદ ગુણ ગા ઉં રે’ હવે મારે આ રાગની કવિતા કરવી હોય તો આ રહી.

‘બેઠા શું બેઠા બેઠા. રે
બેઠા, શું બેઠા બેઠા ?’

શું રસ ઝરે છે ?”

મેં તે વાત કબૂલ રાખી – “પણ રા. નાનાલાલ જેવાની રીત ઉતારવી સહેલી નથી.

“સાહેબ, હું ઘણૉ શરમાળ માણસ છું. જો મારામાં તે શક્તિ નહીં હોય તો શ્રેષ્ઠ કવિવર કહેવરાવવાનો કોઈ દિવસ દાવો કરું ? રા. નાનાલાલની કવિતા પર તો મારો કાબૂ અપ્રતિમ છે, કારણ કે આજકાલ તો તેવી કવિતાના ઑર્ડર ઘણાં આવે છે.”

“ત્યારે તે કેમ લખાય? મેં ઘણી માથાકૂટ કરી પણ એવું લખાતું નથી.”

“કારણકે તમે મારી પાસે શીખ્યા નથી. જુઓ, એ કવિતા કરતા પહેલાં તો ભાષાને ઉંચી કરવી જોઈએ; ઉંચી કહેતા નાનાવાલીઆ – મીઠી, મધુરી, ઝમકતી, જીભને ગુંથાવતી, બુદ્ધિને ગભરાવતી એવા શબ્દોને ભેગા કરવા. કેટલાક શબ્દો વિના તો તે થાય જ નહીં. જુઓ પહેલાં ‘અનેરુ’, ‘સ્વ’, ‘મંજુલ’ અને ખાસ કરીને ‘ય’ આ શબ્દો જ્યાં અને ત્યાં વાપરવામાં જ ખૂબી છે. પછી બીજી પંક્તિના શબ્દો પણ બહુ જ ભેગા કરવા – ‘મનુદેહ, સમાધિ, બ્રહ્મયોગ.”

“પણ મને તત્વજ્ઞાન નથી આવડતું !”

“તેની શી ફીકર છે? તમારે તો કવિતા બનાવવી છે, કે તત્વજ્ઞાન સમજવું છે?”

“પણ સમજ્યા વગર કેમ વપરાય ?”

“ભલા માણસ ! જેમ સમજ્યા વગર વાપરો તેમ જ તમારી વિદ્વત્તાની વધારે કિંમત થાય. હશે જુઓ, – સાથે ‘ડ-ડા’ ની પન ભરતી રાખવી, ‘નાનકડું – લીલમડી – ભેંસલડી’ વગેરે. હવે આ રસિક શબ્દોનો સમુચ્યય ભેગો થયો કે તમે અડધી મુશ્કેલી જીત્યા; તમે સજ્જ થયા – યુદ્ધમાં ઉતરવું જ રહ્યું.”

“તે કેમ કરવું પણ?”

“તેના માટે પહેલા વેણુઓ વાગ્યે, ચાંદરણીઓ ચમકે, ફૂલડાં વિણાય, એવા એવા સરસ પ્રસંગો ખોળી રાખવા અને જો અંગ્રેજી પર કાબૂ સારો હોય તો શેલી અને કિટ્સની કેટલીક ઉપમાઓ અને કલ્પનાઓ ભેગી કરી રાખવી, કે તેનો તરજુમો થાય અને કાવ્યની સમૃદ્ધિ વખણાય.”

“પણ એ લખવાનો રસ્તો શો ?”

“બે રસ્તા છે, પહેલો રસ્તો એ છે કે એક કાગળ પર ગદ્યમાં એવા પ્રસંગનું, એવા શબ્દોથી સીંચેલું, એવી કલ્પનાઓથી કૂદતું કંઈ લખી નાખવું. પછી કાગળ લઈ એને સીધો ન ફાટે એમ બે કકડા કરવા. આમ કરવાથી તમારી લીટીઓનું માપ વહેંચાઈ જશે. અને પઈ તો ફક્ત જે પ્રમાણે કાગળ ફાડવાથી વાક્ય તૂટ્યું હોય તેમ જ લખી દેવું. એટલે રા. નાનાલાલના જેવી રસિક કૃતિ તૈયાર થઈ. હવે બીજી રીત જરા કઠણ છે.”

“તે કેવી ?”

“એક કાગળ લઈને શેત્રંજની બાજીના ખાનાં હોય એમ તેના પટ પાડવા. આઠ ઉભા અને આઠ આડા ખાનાં પાડો તો ચોસઠ ખાનાં થાય, પછી ગમે તે કોઈ ખાનામાં અનેરું, આલ્હાદ, કોયલ, ટહુકો, મંજુલ રવ, વેણું, પમરવું; એમ ચાર પાંચ શબ્દો લખી નાંખવા. આ કર્યું કે સામગ્રી તૈયાર થઈ. વાક્યો પાંચ કે છ શબ્દોથી લાંબા કરવા અશાસ્ત્રીય જ છે, એટલે બાકી રહેલા ખાનામાં ઉપલા શબ્દોની જોડે કાનને રુચિકર લાગે એવા શબ્દો ગોઠવી દેવા; એટલે તમારી કવિતા તૈયાર થઈ ગઈ. એટલું ધ્યાનમાં રાખજો કે કંઈ વિચિત્રતા તો રહે જ, નહીં તો નકામા.”

મારા હર્ષનો પાર રહ્યો નહીં. કવિ થઈ અમર નામ મેળવવાની મારી આશા હવે પરિપૂર્ણ થશે એવી મને ખાતરી થઈ. મારા ગુરુ તરફ હું સાભાર નયને ફરોય્.

“પણ ત્યારે તમે નામ સાથે શા માટે કાવ્યો પ્રગટ નથી કરતાં ? શા માટે અમર થવાનો લહાવો ચૂકો છો?”

“કેટલાક પ્રસંગ પર મારે સ્મોલ કૉઝ કોર્ટના બેલીફોથી છુપાતા ફરવું પડ્યું હતું; પણ હવે મારો વિચાર શહેરમાં બહાર આવવાનો છે.”

“ખરેખર ! આપ બહાર આવશો તો ગુજરાતનો બેડો પાર થઈ જશે અને પછી ગુર્જરી દેવીની શી ખૂબી?”

“હા ! ગુર્જરી દેવી અદભુત છે. સૌંદર્યભાર્યા છે જ્યારે જ્યારે સાહિત્ય મંદિરની હું કલ્પના કરું છું ત્યારે ત્યારે મારું મન વ્યોમ ફોડી ક્યાંનું ક્યાં જતું રહે છે.”

“હા ! જતું જ હશે.”

“મારી કલ્પનાના તેજસ્વી પ્રદેશમાં ગુર્જરીની સાહિત્યવાટિકા મને હંમેશા દેખાય છે. ગુજરાતનાં કવિરત્નોને હું તેમાં નીરખી રહ્યો છું. આમતેમ અનેક ‘ઇશ્ક’ અને ‘કફની’ ના ભક્તો દગ્ધ દિલ પર રાખ શોભાવી રખડતા હું ભાળું છું. તે સુંદર વાડીને એક ખૂણે મઢુલીમાં હું લલિતને ગાતા જોઉં છું. એક ખૂણે આંબાવાડીઓમાં કોયલના ટહુકા સાથે તાન લગાવતી વેણુના વાદનથી કોઈ નૈષ્ઠિક બ્રહ્મચારિણીનું હ્રદય પમરાવતા રા. નાનાલાલ નજરે ચડે છે; ત્રીજી તરફ સાહેબલોકના પહેરવેશનું ગૌરવ ધારણ કરી રા. નરસિંહરાવ નૂપુરઝંકારનો રસિક રવ પ્રસારી રહ્યાં છે. અહાહા ! શું સૌંદર્ય ! શું ખૂબી !”

મેં કવિરાજના ભવ્ય મોં સામું જોયું – તેના પ્રભાવની ભક્તિમાં લીન થયો. “પણ ! આ વાટિકામાં આપનું સ્થાન ક્યાં ?”

“મારું – મારું ? આ ગુર્જરીના પુત્રો મારે મન બાળકો.”

“ગ્રાંટરોડ ! ગ્રાંટરોડ.” બહારથી બૂમ પડી અને બધો વિચાર છોડી હું મારાં પોટલાં ભેગાં કરવા ઉઠ્યો.

– ક. મા. મુનશી (‘નવલિકાઓ’ માંથી સાભાર.)

કનૈયાલાલ મુનશીને આપણે તેમની ઐતિહાસીક પાત્રો અને ઘટનાઓને આલેખતી કેટલીક અમર કૃતિઓને લઈને ઓળખીએ છીએ. ગુજરાતનો નાથ હોય કે પ્રૃથિવિવલ્લભ કે પછી જય સોમનાથ હોય, ક. મા. મુનશીની કલમની એ પ્રસાદી આપણા સાહિત્યને તત્કાલીન રસિકોથી લઈને આવતી પેઢીઓ સુધી વહેંચવા મળેલો ખજાનો છે, પરંતુ તેમની કલમની હાસ્યલેખનમાં હથોટી બતાવવા આ એક લેખ જ પૂરતો છે. “રા. નાનાલાલની કવિતા પર તો મારો કાબૂ અપ્રતિમ છે, કારણ કે આજકાલ તો તેવી કવિતાના ઑર્ડર ઘણાં આવે છે”, “માસિક પત્રોમાં લેખો નહીં હોય અને પાનાં વધુ દેખાડવાં હોય તેને બહુ રુચિકર લાગે છે, કારણકે કાવ્યની એક પણ લીટી ત્રણ શબ્દોથી વધતી નથી.” કે “કવિતા લખવાનું શાસ્ત્ર મેં એવું નિયમસર અને સાયન્ટિફિક પાયા પર મૂક્યું છે, કે પંદર દિવસની મહેનતથી ગમે તેવો ગધેડો પણ સારામાં સારી ગુજરાતી કવિતા લખી શકે છે.” જેવા અનેક વાક્યોની મૂડી સાથેની પ્રસ્તુત વાત કવિ બનવા માટેનું પ્રશ્નપત્ર ઉકેલવાના અપેક્ષિત પ્રશ્નોના સચોટ ઉત્તરો છે.


આપનો પ્રતિભાવ આપો....

4 thoughts on “ગુજરાતનો શ્રેષ્ઠ કવિવર – ક. મા. મુનશી (હાસ્યલેખ)

  • જવાહર

    મુનશીની ઘણી નવલકથાઓ વાંચી છે પણ આ નવલિકા નો’તી વાંચી. વાંચવાની મજા આવી અક્ષરનાદનો આભાર. એ વખતમાં એવી કઈ ગાડી હશે જે નવસારી જાય અને ગ્રાંટ રોડ પણ પહોંચે? આ નવલિકામાં મુનશીએ કવિઓની ઠેકડી ઉડાડી છે.

  • Pancham Shukla

    વાહ, મઝાનો રમૂજ-વ્યંગ મિશ્રિત લેખ.

    મુખ્યત્વે કવિતા એના કુદરતીપણાને કારણે લોકહૃદયની નજીક રહી છે. મોટા ગજાના ઘણા ગદ્ય લેખકો દ્વારા પોતે કવિતા ન લખી શકવાનો રંજ કે સમકાલિન કવિઓ પ્રત્યેનો તેજોદ્વેષ જુદી જુદી રીતે પ્રગટ થતો હોય છે. પણ એ પ્રગટ કરવાની રીત આવી હોય તો એ મનનીય પણ બને છે.

  • કાંતિલાલ પરમાર

    સવારે પાંચ વાગ્યે દાંત દુખતો હતો એટલે કમ્પયુટર પર આવી પેરેસીટેમલ લઈ આપનો લેખ વાંચ્યો એટલી વારમાં દાંતની પીડા ઓછી થઈ હવે આરામ કરવા જઈશ. કવિતા લખવાનો મોહ મને પણ હતો, સાંઠ વર્ષ પહેલાં લખીને ઓલ ઈન્ડિયા રેડિયો પર મોકલતો, તેઓ વાંચી સંભળાવતા. હવે એ મોહ માટે કુદરતી બક્ષિશના દર્શન થતા નથી. આપનો આભાર.