{ આપણા દેહને ટકાવવા અને તેનો ઉપયોગ કરવા દરરોજ તેને અન્ન આપીએ છીએ તે જ રીતે આપણાં ચિત્તને વાચન રૂપે રોજ પોષણ આપવાની જરૂર છે. અને આ વાંચનક્ષુધા છીપાવવાની પરબો એટલે પુસ્તકાલયો, પુસ્તકાલયોનું મહત્વ આપણે ત્યાં હજી જોઈએ એટલું સમજાયું નથી. ગિજુભાઈ પ્રસ્તુત લેખમાં એ છતું કરે છે. ગુજરાત ઉપર સ્વ. ગિજુભાઈ બધેકાનું અમીટ ઋણ છે. વીસમી સદીના ત્રીશીના દાયકા અગાઊના અને એ પછીના શિક્ષણ અને અધ્યાપનની પધ્ધતિઓમાં ક્રાંતિકારી પરિવર્તનનો બધો યશ તેમને ફાળે જાય છે. આ યુગપરિવર્તનકારી ફેરફારો સાથે, એના વિશે એમને ઘણું લખવાનું થયું છે, એમના લખાણો સચોટ અને ઉપદેશોથી દૂર, સમજ આપનારા બની રહ્યાં છે. એમનાથી સ્થળ કાળથી દૂર અનેકોને તેનો લાભ મળ્યા કરે છે એ ખૂબ મહત્વની વાત છે. વાંચે ગુજરાત અભિયાન ચાલી રહ્યું છે ત્યારે આ લેખ પ્રસ્તુત બની રહેશે એમાં કોઈ શંકા નથી. }
પુસ્તક સ્વતઃ શિક્ષાગુરૂ છે અને પુસ્તકાલય એ શાળા છે. શાળામાં માણસ જ્ઞાન લેવાનું સાધન માત્ર મેળવે છે. પણ પુસ્તકાલયમાં જઈને તો એ સ્વયં જ્ઞાન મેળવે છે.
એક સારું પુસ્તકાલય અનેક શિક્ષકોની ગરજ સારે છે. શિક્ષકની જેમ પુસ્તકાલય વિદ્યાર્થીઓને ધમકાવતું નથી, શિસ્ત પળાવતું નથી, ખોટી સ્પર્ધામાં ઉતારતું નથી, પરીક્ષાનો ભય પેદા કરતું નથી. તે પ્રેમથી, વિનયથી, રસ વડે તેમાં આવનારને ભણાવે છે.
હરેક શાળામાં પુસ્તકાલય એક અધિક શિક્ષણ તરીકે ગણવું જોઈએ અને શિક્ષકે પોતે બધો વખત શીખવવાનો મમત રાખવા કરતાં વિદ્યાર્થીઓને પુસ્તકાલયમાં વધારે ને વધારે છૂટા મૂકવા જોઈએ.
પુસ્તકાલય રૂપી શાળા ગામેગામ અને લત્તેલત્તે સ્થપાવી જોઈએ. શિક્ષકને ભણાવવાની મહેનત લેવી પડે છે. જ્યારે પુસ્તકોને જ્ઞાન આપવાની મહેનત લેવી પડશે નહીં, માત્ર વારંવાર વંચાઈને ફાટવું પડશે. શિક્ષકની ચોક્કસ હાજરી સિવાય ભણતર સંભવિત નથી. તેને બદલે પુસ્તકાલયનાં બારણાં ચોવીસ કલાક ઉઘાડાં રાખીશું તો એ ચોવીસેય કલાક શિક્ષણ ચાલશે.
વ્યવસ્થા, શાંતિ, સભ્યતા તથા વિનયનું શિક્ષણ આપવાનો પ્રબંધ પણ પુસ્તકાલય કરી શક્શે. પુસ્તકો કેમ વાપરવાં, કેવી રીતે વાંચવા, વાંચનાર પ્રત્યે કેમ વર્તવું, આવ-જા કેમ કરવી, વાતચીત કેમ કરવી વગેરે શીખવવામાં આપોઆપ ઘણી કેળવણી આવે છે.
– ગિજુભાઈ બધેકા
બિલિપત્ર
કદીક પૈગંબરે ઝાંખ્યું સમાધિમાં, ખ્વાબોમાં,
અરે, એ ખ્વાબ ખુલ્લી આંખથી જોવા કિતાબોમાં.
હ્રદય કાપલી ક્યાં ક્યાં કરી કૈં કેટલી મૂકવી –
જ્યહીં હર પૃષ્ઠ નોંધો મૂકવા જેવી કિતાબોમાં ?
– ઉશનસ
BEAUTIFUL