આપણાં બાળકોની ખાતર.. – ગિજુભાઈ બધેકા 4


આપણે આપણાં બાળકો ખાતર શું કરીશું?

આ વળી એક નવો પ્રશ્ન, બાળક માટે આપણે શું નથી કરતાં કે વળી આવો પ્રશ્ન પૂછાય છે?

આપણે તેને ખવરાવીએ પિવરાવીએ છીએ. આપણે તેને રમાડીએ જમાડીએ છીએ. આપણે તેને પહેરાવીએ ઓઢાડીએ છીએ. આપણે તેને નિશાળે મોકલી ભણાવીએ છીએ. આપણે તેને માટે પૈસા એકઠા કરીએ છીએ. છતાં શા માટે આવો પ્રશ્ન પૂછવાનું બને છે?

આ પ્રશ્ન ને જરા ગંભીરતાથી વિચારીએ.

આપણે તેની ખાતર આટલું તો કરવું જ જોઈએ. તેને કઢંગા કપડાં ને બેડોળ ઘરેણાંથી ન શણગારીએ; તેને સ્વચ્છ તો રાખીએ જ.

તેને ખરાબ પુસ્તકો અને ખરાબ સહવાસ માંથી બચાવીએ તેને પ્રાણઘાતક શાળામાંથી ઉઠાડી લઈએ. આપણે તેને કદી પણ શીક્ષા ન જ કરીએ.

શું બાળકો ખાતર આપણે આટલું પણ નહિ કરીએ?

ક્લબમાં જવાનું છોડી દઈને એને બાગમાં ફરવા નહિ લઈ જઈએ?

મિત્રોને મળવાહળવાનું માંડી વાળી બાળકને સંગ્રાહલયો અને બજાર જોવા નહિ લઈ જઈએ?

આપું વાચવાનું જરા મોકૂફ રાખી તેમની કાલીઘેલી વાતો નહિ સાંભળીએ?

એક ઘડીકવાર પણ ધ્ંધાના વિચારો અને અભ્યાસનાં પોથાને કોરે મૂકી એને મીઠી મીઠી વાતો કહી નહિ ઊંઘાડીએ?

શું એમની ખાતર આપણા પોકળ તરંગો અને આરામ પ્રિયતાને જરા રજા આપી એમને નાનાં નાનાં ગીતો નહિ સંભળાવીએ?

બાળકો આપણને વહાલાં હોય તો આટલું આપણાથી ન જ થાયઃ

આપણાથી એને ટોકાય નહિ. આપણાથી એનું અપમાન થાય નહિ. આપણાથી ભોજન સમયે તેના પર ગુસ્સે થવાય જ નહિ. સૂતી વખતે આપણાથી કોઈ કારણસર એને ન જ રડાવાય.

જમતી વખતે આપણા બાળકના આનંદનો વિચાર કરીએ. સૂતી વખતે બાળકનાં સુખી સ્વપ્નોના ખ્યાલ કરીએ. ખાવા દ્યો ને બાળકને જે શીજે તે- એને જે રુચે તે! રમવા દ્યોને બાળકને જ્યાં સુધી રમે ત્યાં સુધી!

આ ખા, પેલું ખા, એમ કહેવામાં શું હાંસલ છે? ટાપલી મારીને સુવારી દેવામાં કાંઈ કમાણી છે ખરી?

તમે વિલાસ માટે પાપી જાગરણ કરો છો તેની કિંમત કે બાળકના નિર્દોષ આનંદ માટે પવિત્ર જાગરણ કરો તેની કિંમત?

બાળાગોળી આપીને એને શું કામ સુવરાવો છો? તમારા આનંદમાં આડે આવે છે તે માટે?

આરામ અને વિલાસ માણવા હતા તો બાળક મેળવવા તમને કોણે કહ્યું હતું? કે બાળક એ તો એક અકસ્માત જ છે?

કેટલાંયે માબાપોને બાળક રાત્રે રમવા ઊઠે એ નથી ગમતું.

કેમ? જાણે ભારે ઉજાગરો થતો હોય! નાટક, સિનેમા, સોગઠાંબાજી, શેતરંજ કે ગંજીપાનાં પાનાંમાં થતા ઉજાગરાનો હિસાબ કોને પૂછવો?

પણ ક્યાં છે કોઈને ખબર કે બાળક તો અનંતમાં રાચે છે?

રાત્રિ અને દિવસ, સવાર બપોર કે સાંજ, એના આનંદ માટે સરખાં જ છે!

આપણે બાળક મટી ગયાં તે દિવસથી આપણામાં રાત્રિનું ઘોર અંધારું આવી ગયું.

બાળકને તો ઘોર અંધારી રાત્રે પણ અજવાળાં ઊગે; જ્યારે અજ્ઞાન પાપી હ્રદયમાં દિવસના અજવાળે પણ ઘોર અંધારાં હોય?

નિર્દોષ હ્રદય જ અંધારામાં પ્રકાશ ભાળે.

બાળકો ખાતર આટલાં વાનાં આપણે હરગિજ ન કરીએ.

આપણે પાડોશી સાથે વઢીએ નહીં, હલકા પાડોશથી દૂર નાસીએ. આપણા હલકા મિત્રોનો ત્યાગ કરીએ. દુષ્ટ ભાઈબહેનો કે અન્ય સંબંધીઓને સલામ કરીએ.

ઘરમાંથી દુર્ગુણો દૂર કરવા માટે જંગ માંડતાં જરાય ન ડરીએ.

પોતાના દોષોને કાઢવા હઠયોગ આદરીએ; અને કદાચ બાળકને નુકસાન થતું હોય તો તેની માતાના ત્યાગને પણ આપણે અધર્મ્ય ન ગણીએ. બાળકને માટે ઘરમાં સ્વર્ગ રચવા કઠણમાં કઠણ આત્મભોગ આપતાંયે ન અચકાઈએ.

બાળક આપણને પ્રિય હોય તો તેને બગાડીએ તો નહીં જ. ચાકર રાખી તેને ન બગાડીએ; વિલાયતી રમકડાંની મોહિનીથી તેને ન બગાડીએ; પહેલેથી જ હિંસાનો પાઠ ભણાવી તેને પશુ ન બનાવીએ.

શું આપણે આપણાં બાળકોને મુક્ત નથી કરવાં? – માન્યતાઓની બેડીમાંથી; આપણાં એકમાર્ગી આદર્શોમાંથી; આપણને જ ગમતી કેળવણીની હેડમાંથી; આપણે ખુશીથી ગળામાં ઓળવેલી રૂઢિની જંજીરમાંથી; શિષ્ટાચારની જડતામાંથી; પારતંત્ર્યની પરાધીનતામાંથી.

સમાજની જોહુકમીભરી ગુલામીમાંથી આપણે એક વાર ગુલામ મટીએ ને બાળકને ગુલામીમાંથી મુક્ત કરીએ. જાણો છો ને કે ગુલામનું બાળક તો ગુલામ જ હોય?

ત્યારે આપણે બાળકો ખાતર શું કરીએ?

આજનું બાળક તે આવતીકાલની ગૃહિણી; આજનું બાળક તે આવતીકાલનો શહેરી.

એને માટે આપણે શું કરીએ?

આજે જે આપણી પાસેથી શીખશે તે જ આવતીકાલે તે આચરશે. આજે જે આપણે નહિં કરીએ તે ભવિષ્યમાં તેનાથી કદીય નહિ બનવાનું. આજે જે આપણે તજી દેશું તેને ત્યાગતાં તે જરૂર શીખશે.

ત્યારે આપણે બાળક માટે શું કરશું?

બાળક ભાવિ પ્રજા છે, ભાવિ પ્રજાનું બીજ બાળકમાં છે, જેવું બાળક એવી ભાવિ પ્રજા.

કહો જોઈએ, હવે આવા બાળક માટે આપણે શું કરવું જોઈએ?

બાળક ભાવિ કુળનો દીપક છે, ભાવિ પેઢીનો પ્રકાશ છે, ભાવિ પ્રજાનો પયગમ્બર છે, આવા બાળક માટે આપણે શું કરીએ?

બાળક તો પ્રભુજીએ આપણને જીવન પ્રત્યે પ્રકાશ પાડવા આપેલ છે. બાળક તો આપણને નવું જીવન જીવવા આપેલાં છે, બાળક તો પ્રભુજીએ આપણને નવું ચેતન જગાડવા આપેલાં છે. બાળક તો આપણને પ્રભુજીએ કલ્યાણને પગથિયે ચડવા આપેલાં છે.

પ્રભુજીએ પોતે આપેલાં બાળકો ખાતર આપણે શું શું કરવું ઘટે?

બાળકનાં સાચાં માબાપ થવા માટે આપણે યોગ્ય થવું જોઈએ.

બાળકોનું સુખ શામાં છે તે આપણે વિચારીએ. આપણે આટલું તો જરૂર સમજીએ – બાળકનું સુખ તેને જાતે જ ખાવાપીવા દેવામાં છે; કોઈ તેને ખવરાવે તેમાં નહીં જ.

બાળકનું સુખ તેને જાતે નહાવા દેવામાં છે, કોઈ તેને નવરાવે તમાં નહીં.

બાળકનું સુખ તેને પોતાની મેળે જ ચાલવા દેવામાં છે, કોઈ તેને તેડે તેમાં નહીં,

બાળકનું સુખ તેને જાતે ખેલવા દેવામાં છે; કોઈ તેને રમાડે-ખેલાવે તેમાં નહિં.

બાળકનું સુખ તેને જાતે ગાવા દેવામાં છે; કોઈ તેની પાસે ગાઈ બતાવે કે ગવરાવે તેમાં નહીં.

બાળકનું ખરું સુખ બધું બાળકને પોતાને કરવા દેવામાં છે; કોઈ તેના કુદરતી હક્કોને ધક્કો મારે તેમાં નહીં.

– ગિજુભાઈ બધેકા (‘માબાપોને’ માંથી સાભાર)

ગુજરાત પર શ્રી ગિજુભાઈ બધેકાનું અમિટ ઋણ છે, વીસમી સદીની ત્રીશીના દાયકા અગા ઉના અને એ પછીના શિક્ષણમાં / અધ્યાપનમાં ક્રાંતિકારી પરિવર્તન છે. અને તેને માટે વધારેમાં વધારે યશ ગિજુભાઈને જાય છે. અગા ઉના ‘સોટી વાગે ચમચમ અને વિદ્યા આવે રમઝમ’ના હિંસક શિક્ષણ સિદ્ધાંતને સ્થાને બાળકને પ્રેમ, સ્નેહ, સમજાવટ, સહાનુભૂતિ, હળવાશ, રસમયતા અને સંવેદનશીલતા સાથે ભણાવવાના આગ્રહો કેળવાયા તેના માટેનો પાયાનો પરિશ્રમ ગિજુભાઈએ કર્યો હતો. ગિજુભાઈએ જેવા શિક્ષકની, શાળાની અને સાહિત્યની ભાવના સેવી હતી એવું સર્વત્ર બનેલું હજુ જોઈ શકાતું નથી. ઘણી ઘણી ઊણપો છે. આ માટે શિક્ષકની નિષ્ઠાને જ નહીં, કદાચ વાતાવરણ, સાધનો અને સત્તાનીય ઊણપો જવાબદાર હશે, પરંતુ આપણે પ્રયત્ન જારી રાખવા રહ્યાં. પુસ્તક ‘માબાપોને..’ આગવું પુસ્તક છે અને વિશ્વમાં ભાગ્યે જ બાળકોના પક્ષે માબાપોને માટે આવું લખાયું હશે. અહીં ગિજુભાઈએ બાળકોની વકીલાત કરી છે, તેમના સુખ માટેના પ્રયત્નો કરવાની ટહેલ, તેમને સમજવાને માટે યાચના કરી છે. આપણાં બાળકોને ખાતર આપણે શું કરવું જોઈએ એ સમજાવવાનો નિષ્ઠાપૂર્વકનો અને સંવેદનશીલ પ્રયાસ છે. આશા છે વાચકમિત્રોને આવી અનોખી કૃતિઓ માણવાનું ગમશે. આ જ પુસ્તકનો અન્ય એક લેખ અહીં ક્લિક કરીને વાંચી શકાશે.


આપનો પ્રતિભાવ આપો....

4 thoughts on “આપણાં બાળકોની ખાતર.. – ગિજુભાઈ બધેકા

 • Rajesh Vyas "JAM"

  મને મારા પપ્પા યાદ આવી ગયા અને આજે હું પણ મારા બાળકોને આવી જ રીતે મોટા કરી રહ્યો છું જેથી તેઓ તેમનું બાળપણ સારી રીતે માણી શકે.

 • M M Pathan

  શુઁ આ લેખ ગુજરાત માધ્ય્મિક અને ઉચ્ચતર માધ્ય્મિક શિક્ષણ બોર્ડ ના ના માસિક સામયિક શિક્ષણ અને પરીક્ષણ માઁ સ્ઁપાદિત કરવા સઁમતિ

  મળેી શકે?

 • જયેન્દ્ર પંડ્યા

  ગીજુભાઈએ આ શિખામણો આપી ત્યારે સિનેમા, ટેલીવિઝન અને મોબાઈલ ફોન ન હતા. જોકે મૂળભૂત શિખામણો તો આજે પણ લાગુ પડે છે. પોતાના દીકરા અને દીકરીઓને સ્વતંત્ર બનવા માટે જેટલી કાળજી લઈએ એટલી ઓછી પડે.
  આજના યુગમાં પણ માબાપો માટે આમાંથી અમુક શિખામણો કામ પડે એવી છે. એક જેનેલ્ હોફ્માન નામની માતાએ પોતાના દીકરા ગ્રેગોરીને i – phone અપાવતી વખતે કોન્ટ્રાકટ સહી કરાવ્યો હતો અને તે વિશ્વભર ફેલાઈ ગયો છે. નીચેની લીન્ક ઉપર તે વાંચી શકાય છે. જીગ્નેશભાઈ ને વિનંતી કે તેનું ગુજરાતી અનુવાદ અક્ષરનાદ નાં વાચકો માટે પ્રસ્તુત કરે.
  http://www.janellburleyhofmann.com/postjournal/gregorys-iphone-contract/#.UzzfwfmSxtk