1. ( વૈષ્ણવજન તો તેને રે કહીએ નું પ્રતિકાવ્ય ) અસુર જન તો તેને રે કહીએ, જે પીડ પરાઈ માણે રે ! પરદુઃખે વૃધ્ધિ કરે એનું, મન તો ગુમાનમાં નાચે રે ! સકળ લોકમાં સહુને મુંડે નિંદા ન છોડે કો’ની રે, વાચ કાછ મન ગંદા સદાયે, આંસુ સારે એની જનની રે. કુદ્રષ્ટિને તૃષ્ણા ભોગી, પરસ્ત્રી જેને સદા હાથ રે, જિહવા થકી કદી સત્ય ન બોલે, પરધન નવ છોડે હાથ રે. મોહમાયા રોમરોમે જેને, ભોગ વિલાસ જેનાં મનમાં રે, રામનામથી આઘો ભાગે, સકળ તીરથ જેનાં ધનમાં રે. પૂર્ણ લોભી ને કપટ ભરપૂર છે, કામ ક્રોધ સદા ઉભરે રે ભણે ગોપાલ તેના દીદાર થાતાં, કૂળ એકોતેર ડૂબે રે… 2. ( રવીન્દ્રનાથ ટાગોરના કાવ્યનો મહાદેવભાઈ દેસાઈએ કરેલ અનુવાદ “એકલો જાને રે” નું પ્રતિકાવ્ય ) (સર્વવ્યાપક ભ્રષ્ટાચાર દેવતા ને સમર્પિત) તારી સંગે ભલે કોઈ ન આવે, તોયે તું એકલો ખાને રે ! એકલો ખાને, એકલો ખાને, એકલો ખાને રે ! જો સહુ ડાચા ફાડે ઓ રે ઓ સંગાથી સહુ ડાચા ફાડે જ્યારે સહુ મોં વકાસી સાથે ડોળા કાઢે ત્યારે તું બીંદાસ બનીને અરે મન મૂકીને જે મળે તે બંને હાથે, તું એકલો ખાને રે ! જો સહુ ગણગણતા જાય ઓ રે ઓ સંગાથી, સહુ ગણગણતા જાય ત્યારે ખીસ્સા ભરતા તને, સહુ જોઈ ભલે શરમાય ત્યારે સામી છાતીએ, બધું ભૂલીને ભાઈ એકલો ખાને રે ! જ્યારે ગાળો દે સહુ કોઈ ઓ રે ઓ સદભાગી, ગાળો દે સઘળા કોઈ લાજ શરમ નેવે મૂકીને મળે એ હંધુયે એકલો ખાને રે ! તારો સાથ માંગે જો કોઈ તો નફ્ફટ થઈને, છેટો રહીને પંડે ખાવું એ જ ધર્મ મારો કહીને […]