દેવલાલીના સંભારણા –
દેવલાલી એ મહારાષ્ટ્રમાં નાસિકથી અંદાજે ૮ થી ૧૦ કિલોમીટરને અંતરે આવેલું રમણીય ગામડું છે. ગામમાં જૈનો તેમજ અન્ય કોમની અનેક સેનેટોરિયમ આવેલી છે. ત્રીજી માર્ચથી એકત્રીસમી માર્ચ સુધી પરિવાર સાથે ત્યાં રહેવાનો અવસર મને સાંપડ્યો હતો. આ ટૂંકા વસવાટ દરમ્યાન થયેલ કેટલીક યાદગાર ઘટનાઓના સ્મરણો આપ સૌની સાથે વહેંચવાનું મન છે.
૧.
દેવલાલીથી પંચવટી (નાસિક) ત્યાંની સાર્વજનિક બસ સેવા દ્વારા જવાનું વિચાર્યું. બસમાં બેઠા પછી ટિકિટ માટે કંડક્ટર ને રૂપિયા સોની નોટ આપી. બસભાડું રૂપિયા ચૌદ થાય. મુસાફરીને લગભગ પોણો કલાક થાય. છુટ્ટા પૈસા ન હોવાથી કંડક્ટરે પછીથી પૈસા આપીશ એમ કહ્યું. મેં હા પાડી. બસ પંચવટીનું સ્ટોપ વટાવી આગળ નીકળી ગઇ એમ સાથી મુસાફરને પૂછવાથી ખબર પડી. મારે તો પંચવટી જ ઉતરવાનું હતું એટલે ઉતાવળમાં પછીનું જે સ્ટોપ આવ્યું ત્યાં ઝડપથી હું ઊતરી ગયો ને ચાલવા માંડ્યો,
થોડી જ વારમાં મને કોઇક સા’બ, સા’બની બૂમ પાડવા માંડ્યું. મેં પાછળ જોયું તો એ તો મારી બસનો કંડક્ટર હતો. મને કહે ‘આપને સૌ કા નોટ દિયા થા ઔર આપકો બાકી કે પૈસે દેનેકા હૈ.’
મેં એને મનોમન સલામ કરી, રૂપિયા એંસી ગણીને મને આપી બાકીના છ રૂપિયા માટે હાંફળો ફાંફળો થઇ પોતાના જે પૈસા હતા તેમાં શોધવા લાગ્યો, મેં કહ્યું બાકીના છ રે’વા દે ભાઇ! આપણા દેશના નાના માણસો કહેવાતા મોટા માણસો કરતા ઘણા પ્રામાણિક છે તેનો પ્રત્યક્ષ અનુભવ થયો. દેશના આવા મૂંગા પ્રામાણિક નાગરિકોને સલામ ! સલામ ! સલામ !
૨.
ચૈત્ર સુદ એકમ ને ગુડી પડવાને દિવસે મારે એક કામસર દેવલાલીથી મુંબઇ જવું પડ્યું. મારા દિકરાએ વાપીથી ઇંટરનેટ દ્વારા નાસિકથી મુંબઇની ટિકિટ કઢાવી તેની વિગત મને મોબાઇલ પર S.M.S. કરી. બીજે દિવસે સવારે નાસિક રોડ રેલ્વે સ્ટેશનથી હું ટ્રેનના જણાવ્યા મુજબના ડબ્બામાં ચડી મારી સીટ નજીક ગયો. મારી બેઠકાની આજુબાજુમાં 8 થી 10 મહિલાઓ બેઠી હતી. મારી સીટ મને આપવા વિનંતી કરી, મહિલા કહે આ સીટ તો મારી બુક કરાવેલી છે. વધુ પંચાતમાં ન પડતા ડબ્બામાં નીચે બેઠક જમાવીને ટી.સી. ના આવવાની રાહ જોતો બેઠો.
થોડીવાર બાદ બે. ટી.સી. આવ્યા મેં તેમાના S.M.S. બતાવ્યો. ટી.સી.ના ચાર્ટમાં મારા નામનો કોઇ ઉલ્લેખ નહોતો. સાથી ટી.સી.નો ચાર્ટ પણ જોયો, તેમાં પણ કાંઇ મળ્યું નહીં. મને પૂછ્યું કે કઇ તારીખની ટિકિટ છે? મેં વાપી ફોનથી તપાસ કરી માહિતી મેળવી તો ખબર પડી કે મારું બૂકિંગ ૨૪/૩ નું છે જ્યારે આજે તો ૨૩/૩ છે. સરવાળે ભૂલ મારી હતી.
ટી.સી.ને પૂછ્યું ‘હવે શું કરવું?’
ભલા સજ્જને કહ્યું, ‘જો રસીદ ફાડીશ તો તમારે રૂપિયા ૩૯૦/- ભરવા પડશે. તમે એક કામ કરો, હવે ઇગતપુરી સ્ટેશન આવશે ત્યાં વધારાનું એંજિન ટ્રૈનને જોડાશે તેમાં લગભગ ૧૫ મિનિટનો સમય લાગશે, તે દરમ્યાન ઇગતપુરી સ્ટેશનની ટિકિટબારીએથી સામાન્ય ટિકિટ લઇ આવો, હું પછી તમને ફરકની રકમ લઇને ખાલી બર્થ આપીશ.
મેં તેમના કહ્યા પ્રમાણે કર્યું અને ફરી પાછો ડબ્બામાં ગોઠવાઇ ગયો. મારે થાણા ઊતરવાનું હતું. આમ મારી મુસાફરી વિના વિઘ્ને પાર ઊતરી. મને થયું કે હજી ભાવના અને પ્રમાણીકતા મર્યા નથી. કટકી માટે પ્રખ્યાત ટી.સી. ધાર્યું હોત તો મારી પાસેથી ક્યાંય વધુ રૂપિયા કઢાવી શક્યા હોત, પણ તેમણે મને એ તકલીફમાંથી બચવાનો ઉપાય બતાવ્યો.
૩.
30મી માર્ચનો દિવસ. અમે નાસિકના ‘મુક્તિધામ’ મંદિરે દર્શનાર્થે ગયેલા. દર્શન કરી બહાર હું મંદિરના પગથિયા પર બેસી પત્ની તથા દિકરીની વાટ જોતો હતો .ત્યાં પરેલ (મુંબઇ) થી શીરડી જતી સાંઇબાબાની પાલકી યાત્રા જોઇ. રામનવમીના અવસર પર લોકો દૂર દૂરથી શીરડી તરફ જઇ રહ્યા હતા. ૮ થી ૯ દિવસમાં અંદાજે ૨૭૦ કિલોમિટરનો પ્રવાસ પગપાળા કરતા.ને રામનવમીને દિવસે ત્યાં પહોંચી જતા.
આ યાત્રામાં પગમાં વાગેલું હોઇ બેંડેજ સાથે એક ૨૦-૨૨ વર્ષનો જુવાન ચાલતો હતો. મેં પૂછ્યું તને તો પગમાં વાગેલું છે ને તું કેવી રીતે જઇશ?
જવાબમાં બિન્દાસ જવાબ આપ્યો ‘દેખનેવાલા વો બૈઠા હૈ ના.’ ભારતના આવા ધૈર્યવાન અને મક્કમ શ્રદ્ધાળુઓને પ્રણામ !
– ગોપાલ પારેખ
શ્રી ગોપાલભાઈ પારેખનો પરિચય નેટજગતના વાચકોને આપવાની જરૂર જ નથી. ગુજરાતી નેટવિશ્વના વૃદ્ધ યુવાન કાર્યકર એવા ગોપાલભાઈ હમણાં થોડા દિવસો માટે મહારાષ્ટ્રના દેવલાલી ખાતે હવાફેર માટે ગયેલા, ત્યાં રહીને આવ્યા બાદ તેમને થયેલ અનેક સુંદર અનુભવો વિશે તેમણે વાત કરી. આજના વિશ્વમાં જ્યાં એક તો આવા અનુભવો જૂજ છે અને બીજું કે તેમને અનુભવવાવાળાની નકારાત્મકતા એ અનુભવને શંકાની જ નજરોથી જુએ છે ત્યાં ગોપાલભાઈની અનુભૂતિ મને ખૂબ ગમી. તેમના જ શબ્દોમાં આજે તેમના ત્રણ અનુભવો પ્રસ્તુત છે.
બિલિપત્ર
પિત્તળ સરખી પીંડીયું, હિંગળ સરીખા હાથ;
નવરો દીનાનાથ, (તે ‘દી) પંડ બનાવી પૂતળી.
(ગરવા ગીરની સ્ત્રીઓની સુંદરતા વર્ણવતી કડી આપણા લોકસાહિત્યમાંથી, ‘પરકમ્મા’માંથી સાભાર)
ગોપાલ્ભૈન્એ સલામ્
પારકીભુમી પર આવા અનુભવ કાયમી સંભારણુ બની જાય તે લોકો ને નમન
સન્જોગથી નાના પણ દિલથી મોટા એ વા માણસોને તેમનેી પ્રમાનેીક્તા માટેસો સો સલામ
અંદરમાંનું બહાર અપણને મળતું હોય છે.કુદરતી વ્યવસ્થા
સ્વયં સુ-પાત્રને સહાય પહોંચાડે …-લા’કાન્ત / ૨૫-૪-૧૨
સ્રરસ માહિતિ મળિ.
સરળ ભાષામાં સીધી વાત. પ્રામાણિક માણસો મળી આવે ત્યારે અવશ્ય આનંદની લાગણી થાય.
સદીઓથી આપણી સંસ્ક્રુતિ અને દેશ અનેક અનિષ્ઠો વચ્ચે કેમ ટકી રહિયો છે? તેના ઉત્ત્રર આ પ્રસ્ંગોમા છૂપાયેલા છે.
શબ્દોના કોઇપણ અતિરેક વગર.. ખરા અર્થમાં સંભારણુ.. વાહ લેખકને.. સિધ્ધો હ્રદ્દયથી કાગળ પર ચીતરાતો લેખ્