અસુર જન તો તેને રે કહીએ – ગોપાલભાઈ પારેખ 9


1.  ( વૈષ્ણવજન તો તેને રે કહીએ નું પ્રતિકાવ્ય )

અસુર જન તો તેને રે કહીએ, જે પીડ પરાઈ માણે રે !

પરદુઃખે વૃધ્ધિ કરે એનું, મન તો ગુમાનમાં નાચે રે !

 

સકળ લોકમાં સહુને મુંડે નિંદા ન છોડે કો’ની રે,

વાચ કાછ મન ગંદા સદાયે, આંસુ સારે એની જનની રે.

 

કુદ્રષ્ટિને તૃષ્ણા ભોગી, પરસ્ત્રી જેને સદા હાથ રે,

જિહવા થકી કદી સત્ય ન બોલે, પરધન નવ છોડે હાથ રે.

 

મોહમાયા રોમરોમે જેને, ભોગ વિલાસ જેનાં મનમાં રે,

રામનામથી આઘો ભાગે, સકળ તીરથ જેનાં ધનમાં રે.

 

પૂર્ણ લોભી ને કપટ ભરપૂર છે, કામ ક્રોધ સદા ઉભરે  રે

ભણે ગોપાલ તેના દીદાર થાતાં, કૂળ એકોતેર ડૂબે રે…

 

2.  ( રવીન્દ્રનાથ ટાગોરના કાવ્યનો મહાદેવભાઈ દેસાઈએ કરેલ અનુવાદ “એકલો જાને રે”  નું પ્રતિકાવ્ય )

(સર્વવ્યાપક ભ્રષ્ટાચાર દેવતા ને સમર્પિત)

તારી સંગે ભલે કોઈ ન આવે, તોયે તું એકલો ખાને રે !

એકલો ખાને, એકલો ખાને,  એકલો ખાને રે !

 

જો સહુ ડાચા ફાડે

ઓ રે ઓ સંગાથી સહુ ડાચા ફાડે

જ્યારે સહુ મોં વકાસી સાથે ડોળા કાઢે

ત્યારે તું બીંદાસ બનીને અરે મન મૂકીને

જે મળે તે બંને હાથે, તું એકલો ખાને રે !

 

જો સહુ ગણગણતા જાય

ઓ રે ઓ સંગાથી, સહુ ગણગણતા જાય

ત્યારે ખીસ્સા ભરતા તને, સહુ જોઈ ભલે શરમાય

ત્યારે સામી છાતીએ, બધું ભૂલીને

ભાઈ એકલો ખાને રે !

 

જ્યારે ગાળો દે સહુ કોઈ

ઓ રે ઓ સદભાગી, ગાળો દે સઘળા કોઈ

લાજ શરમ નેવે મૂકીને મળે એ હંધુયે

એકલો ખાને રે !

 

તારો સાથ માંગે જો કોઈ

તો નફ્ફટ થઈને, છેટો રહીને

પંડે ખાવું એ જ ધર્મ મારો કહીને

એકલો ખાને રે… એકલો ખાને રે….

 – ગોપાલભાઈ પારેખ

( શ્રી ગોપાલભાઈ પારેખ હાલ વાપી રહે છે, પુત્રને વેપારધંધા માં મદદ કરવા સિવાય  મા ગુર્જરીની સેવા અને તેના પ્રચાર પ્રસાર માટેના કાર્યો  એ તેમનું ખૂબ મોટા પાયે પણ અવાજ વગર થતું કાર્ય છે.  યુવાનોને પણ શરમાવે તેવી અદભૂત તત્પરતાથી થતાં તેમના સૂચનો અને કાર્યોનો મોટા ભાગના બ્લોગર મિત્રોને અનુભવ છે. તેમનો બ્લોગ http://gopalparekh.wordpress.com પણ આવા ગુજરાતી સાહિત્યથી ભરપૂર છે. અધ્યારૂ નું જગતને આ બે કાવ્યો હાસ્ય અઠવાડીયામાં મૂકવાની તક આપવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર. )


આપનો પ્રતિભાવ આપો....

9 thoughts on “અસુર જન તો તેને રે કહીએ – ગોપાલભાઈ પારેખ

  • amirali khimani

    અસુર જન કાવ્ય આઝાદિનુ એક કડવુ સ્તય છે.આવુ બધુ આપણિ સામેજ થઇ રહયુ છે.લાગે છેકે હવે ક્યાય નિતિ નિય્મો જેવુ કઇ બાકિ રહ્યુ નથિ જ્યારે માનવિમા અન્તક્ર્ણ જેવિ કોય ચિજ હોય્જ નહિ તો આવુજ થાય્.ક્વિ શ્રિ દલપતરામ નુ કાવ્ય અન્ધેર નગરિ જેવુજ છે. નિતિ નિય્મો કે સ્દભાવ્ના જેવુ કઇ બાકિ રહ્યુજ ન્થિ.

  • RAMESH K. MEHTA

    VAISHNAV JAN TO TENE KAHIYE JE PEED PARAYI ……………………………………
    NARSEE MEHTA NI KAVITA MA CHAARE VEDO NU GYAAN
    ANE GEETA NA ADHARE ADHAR ADHYAY SAMAYA CHHE.

    HARSHAD MEHTA NA JAMANA MA AAVU CHALE.

  • પી. યુ. ઠક્કર

    આ કડવું સત્‍ય છે, અસુર જન માટેનું.

    માણસ આ બધા ય દુર્ગુણોથી દૂર રહે તે જરૂરી બને.

    જ્યારે, નરસિંહ મહેતાની કવિતા મુજબનો એક પણ ગુણ હોય તો,

    માણસ તરી જાય.

    આવી સરસ વાત કવિતામય રીતે રજુ કરવા બદલ

    ગોપાલભાઇને ખૂબ ખૂબ અભિનંદન.