પ્રાર્થનાથી પ્રભુ ને ત્વમેવ માતા.. – ગોપાલ પારેખ 1


ગોપાલભાઈ પારેખ તેમના ગુજરાતી બ્લોગ http://gopalparekh.wordpress.com પર તો સદવાંચનનો પ્રસાર પ્રસાર કરતાં જ રહે છે, પણ ક્યારેક આમ તેમના વિચારોને પણ અભિવ્યક્તિનું માધ્યમ બનાવી આપણાં સૌની સાથે વહેંચતા રહે છે. ગુજરાતીના સમૃદ્ધ બ્લોગ્સ પૈકી એક જેને ગણી શકાય એવો તેમનો “મા ગુર્જરીના ચરણે…” સાહિત્ય સંચયનો ખજાનો છે. આજે પ્રાર્થના અને પ્રભુમિલન વિશે તેમના ચિંતન વિચારો પ્રસ્તુત છે. અક્ષરનાદને આ વિચારો મોકલવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર.

૧) પ્રાર્થના એટલે…

પ્રાર્થના એટલે ઉત્કૃષ્ટ અર્થના. પ્રાર્થના એટલે પરમ સાથેનો નીરવ સંવાદ. જેમાં વચ્ચે કોઇની પણ કોઇ પ્રકારની ખલેલ નહીં.

પ્રાર્થના એટલે મનને ખૂણે ખાંચરે ભરાયેલ કચરાને વાળવાની સંજવારી (ઝાડુ).

પ્રાર્થના (ઇશ્વર સાથેના શાંત સંવાદ) નો ઉત્તમ સમય સૂર્યદેવ ઉગુ ઉગુ થવાની તૈયારીમાં હોય તે – ઇશ્વરને તો ક્યારેય કોઇ પજવી ન શકે, પણ તે સમયે આપણને પજવનારા લગભગ નહિવત્.

પરમ સાથેનો આ સંવાદ શબ્દોની સાંકડી શેરીમાં અટવાઇ જાય નહીં તે ધ્યાન રાખવાનું, પ્રાર્થના તો શબ્દની પેલે પારની વાત (શબ્દાતીત), પરમ સાથેનો તાર સંધાઇ જાય પછી, કંઇ મેળવવાનો અભરખો નહીં કે કંઇ ગુમાવ્યાનો વલેપાત કે બળતરા નહીં.

પરમ સાથે સંવાદ સધાયા પછી વાદ, વિવાદ કે વિખવાદનું અસ્તિત્વ જ ભૂંસાઇ જાય. પ્રસન્નતાના પુષ્પોનો પમરાટ ચારે તરફ ફેલાઇ જાય. પ્રાર્થના વખતે દુન્યવી વાતોને મનમાંથી કાઢી મૂકવાની કળા કેળવવી પડે, નહીંતર હાથ માળા ફેરવતું રહે અને મન એ માળાના મણકા સાથે વિચારોની ચકરડી ફેરવ્યા કરે.

પ્રાર્થનાથી વિકારો હળવા બને છે, કુવિચારો દૂર ભાગે છે અને સૌથી વધુ તો કાર્ય કરણનો બોજ હ્ળવો થાય છે.

(2) ઘૂંઘટ કા પટ ખોલ રે…

વાત તો સાવ સીધી સાદી છે. પિયાના મિલન કાજે નવોઢાની આંખ અને પિયાની આંખોની વચ્ચે જે પડદા (ઘૂંઘટ) નું આવરણ – અડચણ છે, તે તો હટાવવું જ રહ્યું, નહીં તો પિયુ નજર સામે ઊભો હોય તોયે ઘૂંઘટની આડને કારણે દેખાવાનો નથી. પછી કઇ પ્રિયતમા એ ઘૂંઘટના આવરણને ઓઢીને બેસી રહેશે? મોકો મળ્યો એટલી જ વાર, ને એ પડદાને ઊંચકીને આઘો હડસેલી દેવાની.

પણ વાત આપણે ધારીએ તેટલી સીધી ને સાદી નથી. પરમતત્ત્વ પરમાત્માના મિલનની ઉત્કૃષ્ટ ઝંખના-તાલાવેલી હોય ને તો પછી ઘૂંઘટ રૂપી પદદો હટાવવો જ પડે. એ પડદો, એ ઘૂંઘટ ક્યો? કોઇ સાદું કપડું હટાવવાની આ વાત નથી. અહીં તો કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સર આ છ વિકારોનો પડદો દૂર કરવાનો છે, એને આઘો ફેંકવાનો છે. એ ષડ્ વિકારો સતત ઇશ્વરના અને તમારા મિલનમાં પદદો બનીને ખડે પગે ચોકીદારની જેમ ઊભા જ છે, એકની ડ્યુટી પૂરી થાય તે પહેલાં જ બીજો હાજર. એક સાથે બે ત્રણ જણા ડ્યુટી ભરતા હોય.

ગભરાઇ ગયા, ગભરાવાની જરૂર નથી, આ પડદો હટાવવા માટે પરમતત્વને કરાતી વિનંતિનો સ્વર એટલે પ્રાર્થના. અજ્ઞાનને હટાવી સદબુદ્ધિ મેળવવાની તાલાવેલીનું દર્શન એટલે પ્રાર્થના.

આ પદદો પણ હટશે જ. પણ ક્યારે?

“ઘટ ઘટમેં વોહી સાંઇ રમતા
કટુક વચન મત બોલરે”

ઘટઘટમાં સાંઇ રમે છે તો તમારા બોલાયેલા કટુ વચન એને સંભળાશે ને પછી પિયુ રીસાઇ જશે, માટે પિયુને પ્રસન્ન કરવાની પહેલી શરત કે કડવા વચન બોલવા નહીં.

“ધન જોબન કો ગરબ ન કીજૈ,
જુઠા પચરંગ ચોલ રે.”

“જોબનિયું આજે આવ્યું ને કાલે જાતું રહેશે.”

જે જુવાની જવાની જ છે એનું ખોટું ગુમાન શા કાજે?

વળી પાછું

“શાહાઅલમના સગા દીઠા મેં ભીખ માગતા શેરીએ.”

આ ધન પણ યાવદ્ચંદ્રદિવાકરો (સદા માટે) ટકવાનું નથી તો આ ધન કે જવાનીનો ગર્વ કે ગુમાન શા માટે? આ ધન જોબન રૂપી જૂઠા પચરંગી વાઘા ઉતારીએ તો જ પિયુનું મિલન થાય.

3. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ…..

આવો,આવો
ઘણે દિવસે દેખાણા તમે,
તમારા ભાઇ શાક લેવા ગયા છે, આવતા જ હશે,
અગરબત્તીની ખુશ્બુ ગમી તમને?
મારા સાસુ સસરાને ફ્રેમમાં મઢાવી (પૂરી) નાંખ્યા.
આ ફ્રેમ…
એકેક હજારની થઇ,
માબાપ થી વધું શું?
રોજ રોજ ફૂલની માળા ને અગરબત્તી કરવાનો મારો નિયમ,
બોલો, આથી વધું કેટલું કરીએ આપણે એમનું?
હવે તો અગરબત્તી ને ફૂલ પણ મોંઘા થતા જાયછે
થાય શું?
તમારા ભાઇને તો રાજી રાખવા ને!

જીવતે જીવ એમણે જ્યારે જ્યારે
અમારે આંગણે આવવાની ઇંતેજારી બતાવી
ત્યારે ત્યારે,
ઠંડી બહુ છે, ગરમી પણ અસહ્ય, વરસાદ તો બેસુમાર
ને અમારે ત્યાં તો પૂર પણ આવે.
(ઋતુ પ્રમાણે જ તો)
કામવાળી નદારદ, બેબીને બોર્ડની એકઝામ,
મારી, એમની કે બાળકોમાંથી એકાદની નાદુરસ્ત તબિયત,
બહાનાનાં અક્ષયપાત્રમાંથી એકાદ આગળ ધરી દીધું
ને ટાઢે પાણી એ ખસ ગઇ.

આ બધી વાત તમારા ભાઇને ભૂલમાંય ન કરતાં,
અમથા અમથા આંખની પાંપણો ભીની કરે.
”પીંપળ પાન ખરંત, હસતી કૂંપળિયા,
અમ વીતી તમ વીતશે ધીરો બાપુડિયા “
એવું એવું લવ્યા કરે.
શ્રવણ માબાપને કાવડમાં જાત્રાએ લઇ જાય
એ ‘સીન’ તો સિનેમાના પરદા પર શોભે.
મુંબઇની મશીન જેવી જિંદગીમાં ,
અગરબત્તી ને માળાની રસમ
ચૂક્યા વગર અદા કરીએ
તેય શું ઓછું છે?

– ગોપાલ પારેખ (વાપી)


આપનો પ્રતિભાવ આપો....

One thought on “પ્રાર્થનાથી પ્રભુ ને ત્વમેવ માતા.. – ગોપાલ પારેખ

  • bena shah

    roj roj ghanuj saras vanchva male chhe. ane khabar nathi ketlabadhha loko potano kimti samay falvine vanche chhe. sathhe tamane coments pan moklechhe, pan potana jivan ma ketla utare chhe? jo apne ek vichharne apni andar utarvano prayatna karishu to bijo vichhar barnej ubhelo malshe khubaj saras vanchava nu malyu.